Odkhan books and stories free download online pdf in Gujarati

ઓળખાણ

ઓળખાણ

સંધ્યાનો સમય હતો. અંધેરીની સ્કૂલનું પ્રાંગણ રોશનીથી ઝગમગી રહ્યું હતું. મંડપના પ્રવેશદ્વાર આગળ એક ફીઆટ ગાડી સરકતી આવીને ઉભી રહી. ગાડીમાંથી ઉતાવળે ઉતરી વિનોદે દરવાજા ‘લોક’ કર્યા. તેના કાકાના દીકરા રસિકના લગ્નનો આ સત્કાર સમારંભ હતો. પિત્રાઈ હોવા છતાં સમવયસ્ક અને શિક્ષણક્ષેત્રે કોલેજ સુધી લગભગ સાથે અભ્યાસ કર્યો હોય દોસ્તીભાવનું પ્રમાણ વધુ હતું અને એટલે જ તે ઉતાવળમાં હતો.

આમ તો લગ્નક્રિયા સવારના પતિ ગઈ હતી એટલે થોડીક શાંતિ હતી. પણ વિનોદને ખાત્રી હતી કે રિસેપ્શનમાં ધસારો જરૂર થવાનો કારણ બન્ને પક્ષ ઠીક ઠીક કહેવાય એવી સ્થિતિવાળા હોય આમંત્રિતોનો બહોળો વર્ગ હતો. રિસેપ્શનનો સમય હતો છ વાગ્યા પછીનો અને તે આવ્યો હતો પોણા છએ છતાં તેના માટે તે મોડું હતું કારણ વરરાજાનો આદેશ સાડા પાંચે આવવાનો હતો. બધી રીતે જોતાં વરરાજા પાસે તેની હાજરી આવશ્યક હતી.

અંદર પહોંચ્યો ત્યારે વરરાજા તૈયાર થતા હતાં. પ્રસંગને અનુરૂપ ધમાલ તો હતી જ, છતાયે વરરાજાની રૂમમાં વધુ હતી. નાની ઓરડીમાં જરૂર કરતા વધુ માણસોને કારણે વાતાવરણમાં અસ્વસ્થતા વર્તાતી હતી અને ધાર્યું કામ પણ થતું ન હતું.

વિનોદનું આગમન થતા જ એક સાથે બે ત્રણ જણ બોલી ઉઠ્યા.

‘આ આવ્યો વિનોદ.’એક બોલ્યો.

‘આટલું બધું મોડું કરાય? આ રસિક તો તૈયાર થવા માટે ક્યારની તારી રાહ જોતો હતો.’ બીજાએ સૂર પૂરાવ્યો.

‘શું કરૂં? તમને ખબર તો છે મુંબઈના જીવનની. એક તો લગ્નની સિઝન અને એમાં મુંબઈથી પાછા ફરતાં ઓફિસવાળાની મોટરોની લાઈન. અહિ આવવા ઘરેથી વહેલો નીકળ્યો તો ય માંડ હમણા છૂટકારો થયો.’ વિનોદે જવાબ આપ્યો.

ત્યાં તો એક વડીલ બારણે ડોકાયા અને જણાવ્યું, ‘ચાલો, ઉતાવળ રાખજો, નહી તો સમારંભ મોડો થશે.’

એ સાથે તૈયારીમાં ઝડપ આવી અને છતાંય રસિક તૈયાર થઇ બહાર આવ્યો ત્યારે સાડા છ થયા હતા. બીજી બાજુ નવવધૂ પણ તૈયાર હતી. બન્નેએ સાથે સ્ટેજ ઉપર સ્થાન લીધું. રસિકના ખાસ આગ્રહથી વિનોદે પણ તેની બાજુમાં સ્થાન લીધું અને આમંત્રિતોનો ધસારો શરૂ થયો.

‘ચાલો હવે નવ વાગતા સુધી નહિ છૂટાય.’ થોડુક સ્વગત અને થોડુક રસિકને સંભળાય એમ વિનોદ બબડ્યો.

લોકો આવતા ગયા, ભેટસોગાદો અપાતી ગઈ. સાથેસાથે અભિનંદન અને આશીર્વાદ પણ ચાલુ હતાં. થોડીવારમાં વાતાવરણ બરાબરનું જામી ગયું. આઇસક્રીમની ડીશો ફરવા લાગી હતી. ટોળે વળીને વાતો કરતા થોડા આમંત્રિતો તેને ન્યાય આપતા હતા. તો થોડા ઘણા ખુરશીઓ ભેગી કરી ગ્રુપ જમાવી બેઠા હતા. હોલના છેડે ગોઠવેલા સોફા પર બાળકોની ધિંગામસ્તી ચાલુ હતી. વડીલો વ્યાહવારિક વાતોમાં પડ્યા હતા. ઘોંઘાટનો પાર ના હતો. હોલમાં વાગી રહેલી શરણાઈનો અવાજ કાને પણ પડતો ન હતો.

સ્ટેજ ઉપર આવનારાઓમાં વિનોદને જાણનારા પણ ઘણા હતા એટલે તેની સાથે પણ સાહેબજીસલામ કરતા. વિનોદ યથાર્થ ઉત્તર આપતો. તેમાં ય જો કોઈ વડીલ ખાસ ઉભા રહી વિનોદ સાથે વાત વધારતા અથવા સહેજ વધુ પૃચ્છા કરતા તો વિનોદ મનમાં મલકાતો. લગ્નની બજારમાં હાલ તેનો ભાવ ઊંચો હોવાથી થોડા વખતથી આવું અવારનવાર બનતું હતું. એમાય આજનો પ્રસંગ, આજનું સ્થાન એવા હતા કે આવી ક્રિયાઓનો વેગ વધી જતો. અભ્યાસ બી. એસસી. સુધીનો પૂરો કર્યો હોવાથી અને ઉમ્મરલાયક હોય તેને સીધેસીધું અથવા ઘરના વડીલો મારફત આ વિષે અનેકવાર પૂછવામાં આવ્યુ હતું પણ તેણે આ વિષે હજી પૂરો વિચાર કર્યો ન હતો. એમાય મોટાભાઈનું નક્કી નહોતું થયું ત્યાં સુધી ઉતાવળ કરવાનો કોઈ અર્થ ન હતો. પણ લોકો તો મળતી તક ગુમાવવા માંગતા ન હોવાથી પ્રયત્ન ચાલુ રાખતા હતા. આજે આવા પ્રયત્નો થશે તેની વિનોદને ખાત્રી હતી એટલે બહુ આશ્ચર્ય નહોતું થતું. વિવેક્સહ નામરજી જણાવી તે વાત ટાળવા પ્રયત્ન કરતો.

ધમાલમાં સમય ક્યાં પસાર થયો તેની ખબર ન રહી. નવ વાગતા ધસારો થોડો ઓછો થવા માંડ્યો. એટલામાં વિનોદે પોતાના કાકી, રસિકના બાને સ્ટેજ પર આવતા જોયા. સાથે કોઈ સુંદર યુવતી પણ હતી. તેને જોઈ વિનોદ સહેજ ચમક્યો. સુંદર યુવતીઓ તો ઘણી જોઈ હતી પણ આ તો અસાધારણ લાગી. તેનું પ્રમાણસર શરીર, તેની કાંતિ જોઈ તે ચમકે તેમાં કોઈ નવાઈ ન હતી. પાસે આવી પહોંચતા તેનું સુંદર મુખ જોઈ તેને લાગ્યું કે આને ક્યાંક જોઈ છે પણ ઓળખાણ ન પડી. મુંબઈમાં તો સુંદર યુવતીઓ પાર વિનાની હતી અને ઘણીયે ઘણે ઠેકાણે ભટકાઈ જતી હોય છે એટલે અજાણી યુવતીને પણ જાણતા હોઈએ એવું લાગ્યા વગર ન રહે. આથી આ યુવતી માટે યાદશક્તિને વધુ મહેનત આપવાનું માંડી વાળ્યું. છતાં તે તેના સૌન્દર્યથી ઘાયલ થઇ ગયો હતો અને વાતાવરણે તેની આ ઉત્તેજનામાં વધારો કર્યો. હૃદયને એક ખૂણે થોડી હલચલ મચી રહી હતી તે તેનાથી છાનું ન રહ્યું.

પેલીને જોઈ રસિક બોલ્યો, ‘આવ, આવ, અરિતા’ અને બાજુમાં ઉભેલી પોતાની પત્નીને ઓળખાણ કરાવી. ‘આ અરિતા, આપણી સુનંદાની ખાસ બહેનપણી. એક વખતની આપણી પાડોશી પણ ખરી.’

ત્યારબાદ થોડીક ઔપચારિક વાતો થઇ પણ તે વાતોમાં વિનોદનું ધ્યાન ન રહ્યું. અરિતા નામ નવું હતું પણ તે સુનંદાની બહેનપણી છે તે જાણવા મળ્યું. પણ તેથી આ યુવતી વિષે ખાસ પ્રકાશ ન પડ્યો. સુનંદા તેના કાકાની દીકરી એટલે તેની ઘણી બધી બહેનપણીઓને ઓળખાતો હતો. ઘણી સાથે વાતચીત કરવા જેટલો પરિચય પણ હતો. પણ આ અરિતા તેને માટે અજાણી હતી. નિરાંતે તપાસ કરીશું માની મન મનાવ્યું.

સાડા નવ વાગતા મહેમાનો એકદમ ઓછા થઇ ગયા. થોડા સંબંધીઓ અને કુટુંબીજનો હજી બેઠા હતા. બધું સમેટવાની તૈયારી થઇ રહી હતી. સાડા દસે નવદંપતિને વિદાય આપવાની હતી એટલે ઘરના સર્વેને શાંતિ રાખી બેસવા સિવાય છૂટકો ન હતો. વિનોદ પણ પગ છૂટા કરવાને બહાને ઉભો થયો અને ‘હમણા આવું છું’ કહી નીચે ઉતર્યો.

આમતેમ નજર નાખતા, શક્ય હોય તો અરિતાના રૂપદર્શનનો લહાવો લેવાનું વિચારતા તે આગળ વધતો હતો ત્યાં જ તેના કાકી તેની પાસે આવી બોલ્યા, ‘ભાઈ થોડીક તસ્દી આપવી છે. વિદાયને ઘણી વાર છે અને ત્યાં સુધી મારા મોટાભાઈને રોકાવાની જરૂર નથી. અમારી મોટર બીજા કામે બહાર ગઈ છે તો તું એમને ખાર એમના ઘરે મૂકી આવશે?’

‘તસ્દી શાની? કામ માટે તો હાજર છું. તમારા હુકમની વાર.’ વિનોદે કહ્યું.

‘તેમને મૂકીને પાછો આવજે, કારણ તારા બા, બાપુજી રોકાવાના હોવાથી તેમને માટે તારે હાજર રહેવું પડશે. વળી રસિકને પણ તારૂં કોઈ કામ હોય.’ કાકીએ કહ્યું.

‘સારૂં.’ કહેતા વિનોદ હોલની બહાર નીકળ્યો. કાકીના ભાઈ, વનમાળીમામા પણ તરત આવ્યા અને ગાડીમાં તેની બાજુમાં બેઠા. વિનોદ હજી ગાડી સ્ટાર્ટ કરે ત્યાં તેના નામની બૂમ સંભળાઈ. જોયું તો કાકી અને સુનંદા અરિતાને લઈને આવી રહ્યાં હતાં.

‘જો ભાઈ, મોડું થયું છે માટે અરિતાને પણ લેતો જા. સાંતાક્રુઝ તેના કાકા ચિંતા કરતા હશે. રસ્તા ભેગો રસ્તો છે એટલે વાંધો નહી આવે.’ કાકીએ કહ્યું.

‘કેમ સુનંદા, બહેનપણી માટે તું પણ ભલામણ કરવા આવી છે? કાકી બસ હતાં.’ વિનોદથી બોલાઈ જવાયું.

‘વાયડાઈ રહેવા દો.’ સુનંદાએ કહ્યું. ‘મૂકીને આવો પછી તમાંરી વાત છે.’

‘ભલે, ભલે,’ કહી વિનોદે મોટરનો પાછલો દરવાજો ખોલી અરિતાને અંદર લીધી. મનોમન કાંઈક ઝડપથી વિચારી ગાડી સ્ટાર્ટ કરી. પછી મોટર બહાર કાઢતા તેણે કહ્યું, ‘વાંધો ન હોય તો પ્રથમ વનમાળીમામાને ખાર મૂકી વળતા તમને સાંતાક્રુઝ ઉતારૂ.’ ત્રાંસી આંખે મિરરમાં જોયું કે અરિતાએ હકારમાં ડોકું ધૂણાવ્યું એટલે તે પુલકિત થઇ ગયો.

ખાર લિંક રોડ સુધી તેણે વનમાળીમામા જોડે લગ્નની, સમારંભની, ચાલુ બનાવોની વાત કરી પણ ત્રીજી વ્યક્તિની હાજરી તેના ધ્યાન બહાર ન હતી. અજાણતા પોતાની આવડત, અનુભવ, સમજણ બહાર આવવા મથતાં હતાં અને તેને રોકવાનો તે પ્રયત્ન પણ નહોતો કરતો. એક યુવાન એક અજાણ યુવતી પર કોણ જાણે કેમ પણ પોતે કાંઈક છે એમ બતાવવાની કોશિશ કર્યા કરતો હોય છે તેવું વિનોદનું પણ હતું.

રસ્તા ઉપર થોડા થોડા અંતરે પસાર થતા મર્ક્યુંરી લાઈટના થાંભલાના પ્રકાશમાં તે મિરર પર નજર નાખતો કે તેની વાતોથી અરિતા પર શું અસર થાય છે. પણ અરિતાની નજર તો મોટરની બહાર જ રહેતી. પોતાની આ ચોરીછૂપીથી જોવાની ક્રિયા અને તેમાં મળતી નિષ્ફળતા સાથે બેઠેલા વડીલના ધ્યાનમાં તો નથી આવીને એ જોવા વિનોદે પ્રયાસ કર્યો. તેને સંતોષ થયો કે વાતોમાં મશગૂલ વડીલને આ વાત ધ્યાનમાં નથી આવી.

વનમાળીમામાને ઉતારી ગાડી રિવર્સમાં લેતા વિનોદે પૂછ્યું: ‘સાંતાક્રુઝ ઇસ્ટ કે વેસ્ટ?’

‘વેસ્ટમાં, સાંતાક્રુઝ બીચ પાસેના એક બંગલામાં જવાનું છે. તમે મને સાંતાક્રુઝ પોલિસસ્ટેશન પાસે ઉતારી દેશો તો ચાલશે. ત્યાંથી હું બસમાં જતી રહીશ. નાહક તમને શું કામ તકલીફ આપવી?’

‘અરે, તકલીફ શાની? ઘરની મોટર છે અને સમય પણ છે. વળી કાકી જાણે કે મેં અડધું જ કામ કર્યું છે તો તો આવી જ બને. આવા સમયે એ તરફ એકલા જવામાં પણ જોખમ છે એટલે છેક સુધી મૂકી જઈશ.’ સંગાથ ટૂંકો ન થઇ જાય એટલે વિનોદે ઉતાવળે કહ્યું.

થોડેક સુધી બન્ને શાંત રહ્યા એટલે મોટરની અંદર નિરવતા પ્રસરી રહી. પણ પછી વિનોદથી વધુ વાર ચૂપ ન રહેવાયું. રસ્તો ઓછો થતો જતો હતો અને મળેલ તક ગુમાવવી ન હતી એટલે તે બોલ્યો, ‘બેઅદબી માફ કરશો પણ સમારંભમાં તમને જોયા ત્યારે થયું કે તમને ક્યાંક જોયા છે પરંતુ યાદ ન આવ્યું. કદાચ કોઈ બીજી વ્યક્તિ હશે. છતાં તમને ખયાલ હશે માની પૂછું છું.’

પ્રથમ તો અરિતા સહેજ ચમકી પણ પછી વાતનો તાગ આવતા તે મલકી. શા કારણે પણ તેની આંખોમાં તોફાન આવીને જતું રહ્યું. તે બોલી: ‘તમારી ધારણા સાચી છે. ઓળખાણ તો જૂની છે પણ તમને યાદ નથી આવતું તો હું હમણા તમને નહિ કહું. કાલની રસિક્ભાઇની ડીનર પાર્ટીમાં હું આવવાની છું. ત્યાં સુધી પ્રયત્ન કરી જોજો. હા, સુનંદાને ન પૂછતા. તમને કાલે યાદ નહિ આવ્યું હોય તો હું જરૂર યાદ કરાવીશ. જો કે મને ખાત્રી છે કે તમે સુનંદાને પૂછ્યા વિના નહિ રહો.’

‘ખાત્રી આપું છું કે હું સુનંદાને નહિ પૂછું. પણ મને કહો કે તમે મને ઓળખી લીધો હતો?’ વિનોદે ઉત્કંઠાથી પૂછ્યું.

‘સાચું કહું તો પ્રથમ મેં પણ તમને ઓળખ્યા ન હતાં. પણ ત્યારબાદ સુનંદાએ દૂરથી તમને દેખાડી તમારી ઓળખાણ તાજી કરાવી હતી. તમે રિસેપ્શનની ધમાલમાં હતા એટલે વિચાર્યું કે પછી રૂબરૂ મળીશ.’

‘તમને આ પહેલા જોયા નથી એટલે માનું છું કે તમે બહારગામ રહેતા હશો.’ વિનોદે વધુ જાણવા વાત લંબાવી.

‘હા, હું અમદાવાદથી આવી છું. આમેય વેકેશન હતું તેમાં આ પ્રસંગ આવ્યો. સુનંદાના આગ્રહે અને જૂના સંબંધોના નાતે થયું ચાલો જઈ આવું. એ બહાને ફરી મુંબઈમાં પગ મૂકાશે અને જૂની ઓળખાણો તાજી થશે.’

‘તો તો થોડા દિવસનું હજી રોકાણ ખરૂં.’ વિનોદે રાહતનો દમ ખેંચતા કહ્યું. ‘અભ્યાસ ક્યાં સુધીનો?’

‘બી.એ.ની ફાઈનલ પરીક્ષા આપી છે. તમે?’

‘જી, મેં બી.એસસી. પતાવ્યું. થોડીક સારી કહેવાય એવી નોકરી મળી છે એટલે સાથે સાથે એમ.એસસી. કરવા વિચાર્યું છે. બાકી તો બાપાની ગાડી ફેરવીએ છીએ.’ ઉત્સાહિત સવારે વિનોદે જવાબ આપ્યો.

એટલામાં બીચનો રસ્તો શરૂ થયો અને એક બેઠા ઘાટના બંગલા આગળ ગાડી પહોંચી એટલે અરિતાએ ગાડી થોભાવી.

‘અંદર આવોને. કૉફી પીને જજો.’ ઉતરતા ઉતરતા અરિતાએ વિવેક કર્યો.

‘જી ના, ફરી કોઈ વાર. હાલમાં તમારી ઓળખાણ પાકી થઇ નથી એટલે પાકી થાય ત્યારે વાત.’ સહેજ મજાકમાં વિનોદ બોલ્યો. બાકી મનમાં તો થયું કે થોડીવાર એ રોકાઈ જાય, અરિતા રોકાઈ જાય અને વાતાવરણ પણ રોકાઈ જાય. ઓળખાણનું બહાનું તો બતાવ્યું પણ જૂની ઓળખાણ હોય કે નહિ આજની ઓળખાણ જ તેને માટે પૂરતી હતી. થોડા સમયના સંગે તેના ઉપર ઠીક રંગ જમાવ્યો હતો. તેમાય ચાંદનીની હાજરી સુંદર મેળવણી પૂરતી હતી. પાસેના દરિયાના મોજાના ઘૂઘવાટા જાણે આમંત્રણ આપી રહ્યા હતા. વિનોદને કહેવાનું મન થયું કે ચાલો સાગરકિનારે, પણ વિવેકબુદ્ધિએ તેને વાર્યો. વળી તેને અંધેરી લગ્નમંડપે પહોંચવાનું હતું એટલે વિદાય લીધે જ છૂટકો.

બંગલાનો નાનો દરવાજો ઉઘાડી અંદર જતી અરિતાને સહેજવાર નિહાળી, હાથ હલાવી વિદાય લીધી અને મોટર ચાલુ કરી પારલા તરફ હંકારી. પરંતુ બાકીનું અંતર હવે તેને લાંબુ લાગ્યું. તેના મનમાં વિચારોનો પ્રવાહ શરૂ થયો. સાગરના મોજાના ઘૂઘવાટા તેના મનને અગમ્ય સ્થળે લઇ ગયા. ભાંગતા મોજાની ઉપર અફળાતાં બીજા મોજાની માફક તેના મનમાં પણ ત્રુટક ત્રુટક વિચારોની હારમાળા શરૂ થઇ. શું આ જ લોકો કહે છે તે પ્રથમ નજરનો પ્રેમ? અરે, શું હું પાગલ તો નથી થયોને? મેં કેવા કેવા ઘોડા દોડાવવા માંડ્યા? કોઈ મારા વિચારો જાણશે તો મને મૂરખ જ માનશે. મૂરખ જ સ્તો. એક યુવતી વિષે હું કેવા વિચારો કરી રહ્યો છું અને તેને તો તેનો સ્વપ્ને પણ ખયાલ નહિ હોય. આમ વિચારી વિનોદ પોતાની જાત ઉપર હસી પડ્યો.

પરંતુ મન એમ કાઈ શાંત રહે? ફરી પાછું વિનોદ અરિતાની ઓળખાણનો તાગ મેળવવા મંડી પડ્યું. જૂની ઓળખાણની વાત તો પાકી થઇ ગઈ, પણ નથી તે અહિ રહેતી, નથી હું અમદાવાદ ગયો. એટલે ઘણા વર્ષો પહેલાની ઓળખાણ હોવી જોઈએ. અરે હા, જૂનો પાડોશ છે એમ રસિક બોલ્યો હતો, તો તો કદાચ એ જ. રસિકની બાજુમાં ઈશ્વરકાકા રહેતા હતા અને તેમને એક દીકરી હતી જેનું નામ અનસૂયા. તે અને સુનંદા ખાસ બહેનપણી. તે અને સુનંદા સાથે સ્કૂલે જતા. ઘણા વર્ષ પહેલા ઈશ્વરકાકાએ મુંબઈ છોડ્યું હતું. પછી કોઈ સમાચાર ન હતા. શું અરિતા અને અનસૂયા એક જ? શું નામ ફેરવ્યું હશે? સુનંદાને બધી ખબર હશે. કાલે તક જોઈ સુનંદાને સાધવી પડશે. કાલ યાદ આવતા કાલે ફરી અરિતાની મુલાકાત થશે એ વિચારે વિનોદનું મન ફરી પ્રફુલ્લિત થઇ ગયું.

લગ્નમંડપે પહોંચ્યો ત્યારે વિદાયની તૈયારીઓ થઇ રહી હતી. પ્રસંગને અનુરૂપ વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. નવવધૂ અને અન્ય સ્ત્રીઓની આંખોમાંથી વિદાયના આંસુ વહી રહ્યા હતા. અન્યથા વાતાવરણમાં એકદમ શાંતિ હતી. થોડીવાર પહેલાના આલ્હાદક વાતાવરણમાંથી આવેલા વિનોદને થયું આમાં ક્યાં આવી ભરાયો. પછી મન સ્વસ્થ કરી તે રસિક પાસે પહોંચ્યો. પોતાની હવે જરૂર નથી જાણી પોતાના મોટાભાઈ અને બા-બાપુજીને શોધીને ઘર તરફ ગાડી હંકારી.

બીજા દિવસની સાંજ થતા સુધીમાં એક યુગ વીતી ગયો હોય તેવું વિનોદે અનુભવ્યું. સાંજ થતા જ તે ડીનર પાર્ટીની તૈયારીમાં પડ્યો. અરિતાની યાદ આવતા આછું કંપન ફરી વળતું. પાર્ટીનો સમય હતો સાંજના સાત પછી પણ વિનોદને સાડા પાંચમાં તૈયાર થતો જોઈ તેની બાને નવાઈ લાગી કે આજે આમ કેમ? લાસરિયા મીજાજવાળામાં આજે આટલી ઉત્સુકતા? પણ ખરી વાતની તેને ક્યાં ખબર હતી!

વિનોદનું ઉતાવળનું એક કારણ હતું સૌ પ્રથમ સુનંદાને પકડી પોતાની ધારણાને પાકી કરવાની અને બીજું કારણ હતું કે અરિતા આવે એટલે તરત જ પોતે તેને ઓળખી શક્યો છે તે જણાવી પોતાની હોંશિયારી દેખાડવાની ઈચ્છા.

પણ બાએ ઉતાવળ નથી, હજી વાર છે એમ કહ્યું એટલે વિનોદથી ન રહેવાયું. ‘જો બા, હું અમસ્તો ઉતાવળ નથી કરતો. આ તો આપણા ઘરનો પ્રસંગ કહેવાય એટલે વહેલા જવું પડે. એટલે તો હું ઓફિસ પણ નથી ગયો. વળી આપણી મોટરની જરૂર પડે માની બાપુજી મોટર લીધા વિના ઓફિસે ગયા છે. ગઈકાલે ટ્રાફિકને કારણે સહેજ મોડું થયું તો રસિકે બે-ત્રણ સંભળાવી પણ દીધી હતી. આજે એવું ન થાય એમ હું ઈચ્છું છું. બાપુજી અને મોટાભાઈ તો સીધા આવવાના છે તો પછી અહી બેસી રહેવાનો શું અર્થ?’

બિચારી બાને શું ખબર કે વિનોદ કેટલે પહોંચ્યો છે. વિનોદની દલીલો આગળ તેનું કાંઈ ન ચાલ્યું અને તે તૈયાર થવા ગઈ.

જમણના સમય કરતા તેઓ વહેલા પહોંચ્યા હતા. આમંત્રિતો હજી આવ્યા ન હતા. સૌ પ્રથમ વિનોદે રસિકની તપાસ કરી તો જાણ્યું કે ન તો રસિક કે ન તો સુનંદા હજી આવ્યા હતા. તેઓ નવવધૂને તેડવા જવાના હતાં એટલે તેમને આવતાં વાર થવાની હતી. આ જાણી વિનોદ નિરાશ થઇ ગયો. હવે આંટાફેરા સિવાય છૂટકો ન હતો. સમય પસાર કરવા તે આવનાર મહેમાનોનું સ્વાગત કરવાને બહાને પ્રવેશદ્વાર પર ઉભો જેથી સુનંદાના આવતાવેંત તેની પાસે અરિતાના આવતા પહેલા ચોખવટ થઇ જાય.

હોલમાં મધ્યમ પ્રકારની રોશની પ્રસરી રહી હતી. પંડિત રવિશંકરની સિતારના ધીમા સૂર વાતાવરણને માદક બનાવતા હતા. મહેમાનો વચ્ચે ફરતાં જ્યુસનો એક ગ્લાસ હાથમાં રાખી વિનોદ કોઈ સાથે વાત કરતો હતો ત્યાં જ રસિક અને સુનંદા આવતા દેખાયા. આવતા વાર લોકો રસિકને ઘેરી વળ્યા અને સુનંદા પણ તેની ભાભીને લઈને સ્ત્રીવૃંદ તરફ ચાલી. હજી અરિતા આવી ન હતી તે પહેલા સુનંદાને મળવું જરૂરી છે માની વિનોદ સ્ત્રીવ્રુંદ તરફ ચાલ્યો અને સુનંદાને ઈશારો કરી બોલાવી.

‘કેમ અત્યારે મારૂ શું કામ પડ્યું?’

‘એક વાતનું સમર્થન કરવું છે પણ બીજા કોઈને તેની ખબર ન પડવી જોઈએ એટલે ખાનગી રાખજે.’

‘વિનોદભાઈ, સ્ત્રીના પેટમાં કોઈ ખાનગી વાત ટકે છે કે આમ કહો છો?’ સુનંદાએ મજાકિયા સ્વરમાં કહ્યું.

‘વાત સાંભળ્યા પછી તું જ નક્કી કરજે. મને ખાત્રી છે કે વાત સાંભળ્યા બાદ તું મારી ઈચ્છાને નહિ અવગણે. અને હા, ઊંધો અર્થ નહિ કરવાનો નહિ તો ક્યાંક બફાઈ જશે.’

‘અરે મહાશય પહેલા વાત તો કરો, પછી જોયું જશે.’ થાંભલાનો ટેકો લેતા સુનંદા બોલી.

‘સાંભળ કાલે અરિતાને જોઈ ત્યારે લાગ્યું કે તેને ક્યાંક જોઈ છે પણ યાદ ન આવ્યું. હિમ્મત કરી તેને સીધું પૂછ્યું તો મારી કસોટી કરતી હોય તેમ કહે કે આજની ડીનરપાર્ટીમાં તે આવે ત્યાં સુધીમાં જો મને યાદ નહિ આવે તો તે જણાવશે અને તને પૂછવાની પણ ના પાડી.’

‘તો પછી હું શું કામ કાંઈ પણ કહું?’ સુનંદાએ વચ્ચે જ કહ્યું.

‘ધીરજ રાંખ. કાલે તેને મૂકી આવ્યા બાદ વિચારતા યાદ આવ્યું કે વરસો પહેલા તમારી બાજુમાં ઈશ્વરકાકા રહેતા હતા. એમને અનસૂયા નામની છોકરી હતી જે તારી ખાસ બહેનપણી હતી. અણસાર એને મળતો આવતો હોય તેમ લાગ્યું. આ અનુમાન સાચું કે ખોટું તે તું જ કહી શકશે એટલે પૂછવું પડ્યું.’

‘તમારી વાત સાચી છે, વિનોદભાઈ. અનસૂયા અને અરિતા એક જ છે. નાના હતા ત્યારે સ્કૂલમાં સાથે ભણતા, રમતાં તે તમને ખબર છે. ત્યારબાદ તેના બાપુજીની બદલી થઇ અને મુંબઈ છોડ્યું. અમદાવાદ રહી તે આગળ ભણી. અમે તો પત્રવ્યહવાર રાખ્યો છે એટલે ઓળખાણ રહી છે. એક બે વાર હું તેને ત્યાં અમદાવાદ પણ જઈ આવી છું. ઘણા વખતથી મુંબઈ આવી ન હોવાથી આ પ્રસંગે મારા આગ્રહે જ ખાસ આવી છે. જમાના અનુસાર નામ બદલ્યું એટલે કદાચ તમને તરત ખયાલ ન આવે...પહેલા તો અરિતાએ તમને પણ નહોતા ઓળખ્યા પણ મેં જ તમારી ઓળખાણ તાજી કરાવી હતી. પણ ઉડાવવાની તેની જૂની ટેવ નથી ગઈ. એટલે કાલે જ તમને આમ કહ્યું લાગે છે.’ સુનંદાએ કહ્યું.

આ સાંભળી વિનોદે નિરાંત અનુભવી કે હવે તે સામી છાતીએ અરિતાનો સામનો કરી શકશે.

ત્યાં તો કાકીએ બન્નેને જમવા માટે બોલાવવા સંદેશો મોકલ્યો એટલે અંદર જતાં સુનંદાએ કહ્યું, ‘ડીનર પત્યા પછી વાત છે તમારા બન્નેની.’

હોલમાં ફૂલોથી સુશોભિત ટેબલો ગોઠવેલા હતા. આમંત્રિતો બેઠક લેતા હતાં. વિનોદનું સ્થાન રસિકની બાજુમાં હતું. ખુરશી પર બેસી આમતેમ નજર ફેરવતા જોયું કે તેની સામે સુનંદા હતી અને સુનંદાની ડાબી બાજુએ અરિતા. પેલી બાજુ અરિતાએ પણ નજર ફેરવી. બન્નેની નજરો મળી. અરિતાએ સ્મિત કર્યું. વિનોદ સહેજ અસ્વસ્થ થઇ ગયો.

જમણ શરૂ થઇ ગયું પણ વિનોદને કોઈ પણ વાનગીમાં આજે રસ ન હતો. તેના પ્રિય એવા ભરેલા ભીંડાના શાક તરફ ભાવભરી નજર પણ ન ફેંકી. શિખંડને આંગળી માત્ર જ અડાડી. યંત્રવત હાથ મોં તરફ જતા હતો પણ સ્વાદ સુકાઈ ગયો હતો. થોડીથોડીવારે તે ચોરીછૂપીથી સામે નજર નાંખતો. ત્યારે જોતો કે સુનંદા ને અરિતા તો વાતોમાં મશગૂલ છે.

વિનોદને થયું ક્યારે ભોજનસમારંભ પતે અને ક્યારે મેળાપ થાય. પણ અન્ય સર્વે તો નિરાતે વાતો કરતા, મજાક કરતાં વાનગીઓનો રસાસ્વાદ માણી રહ્યા હતાં. વિનોદને બધા ઉપર ચીડ ચઢી. શું કોઈ દિવસ ખાવાનું નથી જોયું કોઈએ? પરંતુ તેની પરિસ્થિતિની અન્ય કોઈને ક્યાં ખબર હતી? રસિકે પૂછ્યું પણ ખરું કે કેમ ખાતો નથી, પણ ભૂખ નથી કહી વાત ટાળી હતી.

અંતે ભોજન પત્યું. વિનોદે મનમાં હાશકારો કર્યો. પાનસોપારી બાદ મહેમાનો વિદાય થવા માંડ્યા. વિનોદ પણ ટોળામાં નજર ફેરવી અરિતાને શોધી રહ્યો પણ નજરમાં ન આવતા એક ટોળામાંથી બીજા ટોળામાં ભળવા માંડ્યું. પણ ત્યાં શું વાતો ચાલતી હતી તે તરફ ખાસ ધ્યાન તે આપતો નહિ.

ચેન ન પડવાથી ઠંડી હવા ખાવાને બહાને તે ગેલેરી તરફ વળ્યો. એટલામાં તેના બા-બાપુજીએ વિનોદને તેમની પાસે બોલાવ્યો.

‘કેમ ભાઈ, આજે એકલા એકલા આંટા મારો છો?’ ત્યાં ઉભેલા કાકીએ મજાક કરી. ‘કોઈ ગંભીર વિચારમાં છે કે શું? ચિંતા છોડી દે. અમે છીએ ત્યાં સુધી તારા લગ્ન સમય આવ્યે થઇ રહેશે.’

‘શું તમે પણ કાકી? મારા લગ્નને તો હજી વાર છે. જ્યાં સુધી શરદ્ભાઈનું ન થાય ત્યાં સુધી વિચાર પણ કેમ કરાય? આ તો અંદર ઉકળાટ છે એટલે હવા ખાતો હતો.’ સહેજ લોચા વાળતા વિનોદ બોલ્યો અને ત્યાં જ થોડીવાર માટે ઊભો રહ્યો. વાતો ચાલતી હતી ત્યાં સુનંદા અરિતાને લઇ તેમની તરફ આવતી જણાઈ. વિનોદની ધડકન વધી ગઈ. એક મિનિટ તો થયું કે ત્યાંથી જતો રહું પણ ચાલુ વાતચીતે જવું યોગ્ય ન લાગ્યું. બીજા કદાચ પૂછે પણ ખરા તો શું જણાવવું?

અરિતાને જોઈ કાકી તેના તરફ ફર્યા. ‘આવ આવ, બધાને તું ઓળખે છે. તારા માટે ક્યાં કોઈ નવું છે?’ પછી વિનોદના બા તરફ ફરી બોલ્યા, ‘આ ઈશ્વરલાલની અનસૂયા જેના વિષે આપણે સાંજના જ વાત કરતા હતા. અમદાવાદથી લગ્ન પ્રસંગે ખાસ આવી છે. નાની હતી ત્યારે તમે જોયેલી.’

‘હા, પણ હવે તો એટલી બધી મોટી થઇ છે કે ઓળખાતી પણ નથી.’

‘કેમ છે તારા ઘરના સર્વે? હાલમાં શું પ્રવૃત્તિ ચાલે છે?’ વિનોદના બાપુજીએ પૂછ્યું.

‘સારા છે બધા. મેં આ વર્ષે જ બી.એ.ની પરીક્ષા આપી.’ સહેજ સંકોચથી અરિતાએ જવાબ આપ્યો.

‘સરસ.’

‘શરમાય છે શાને આટલું બધું? હવે તો તેમના ઘરની વહુ થવાની પછી આમ કાંઈ ચાલશે?’ કાકીએ કહ્યું.

આ સાંભળતા જ વિનોદ ચમક્યો. તો શું બધાને ખબર પડી ગઈ કે પછી સુનંદાએ બધાને વાત કરી દીધી? નાની સરખી વાત એટલે સુધી પંહોચી ગઈ?

ત્યાં જ સુનંદાએ કહ્યું, ‘વિનોદભાઈ, અરિતાને તમાંરી હોશિયારી જણાવવી છે?’

અને વિનોદના વિરોધની ઉપરવટ જઈ ઊભેલા સર્વેને વિનોદ સાથે થયેલી વાત જણાવી. એ સાંભળી કાકી બોલ્યા, ‘અરે ભાઈ, આ વાત આટલેથી નથી પતતી. હજી આગળ ઓળખાણ બાકી છે.’

‘એટલે?’ વિનોદથી પૂછાઈ જવાયું.

‘તને એક સારા સમાચાર આપવાના છે. હજી જાહેર નથી કર્યું પણ ઘરનાને જણાવવામાં વાંધો નથી.’

‘શું સમાચાર છે?’ ધડકતે હૃદયે વિનોદે પૂછ્યું.

‘એ જ કે અરિતા તારી ભાભી થવાની છે. તારા મોટાભાઈ શરદ સાથે નક્કી થઇ ગયું છે. અરિતાની બાએ મને ખાસ ભલામણ કરી હતી અને તારા ઘરના બધાની સંમતિ પણ મળી ગઈ છે. અરિતા અને શરદની સંમતિની જરૂર હતી તે પણ આજે મળી ગઈ છે એટલે હવે જાહેર કરવાનો વાંધો નથી.’

આ સાંભળતા જ વિનોદ ધબ્બ દઈને બાજુની ખુરશીમાં બેસી પડ્યો. વડીલોને સમજાયું નહી કે આવા સારા(!) સમાચાર સાંભળી વિનોદને એકદમ શું થઇ ગયું.!

(સુધા સાપ્તાહિક – ૧૭.૦૪.૧૯૬૮)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED