checkmate books and stories free download online pdf in Gujarati

ચેક્મેઈટ

ચેક્મેઇટ

રવિવારે સવારે રાજપુર પોલીસસ્ટેશને ફોન આવ્યો કે ગાંધી રોડ પરના ‘પંચામૃત’ બંગલાના માલિક રમેશ મુનીમનું ખૂન થઈ ગયું છે. તરત જ ઇન્સ્પેકટર અવિનાશ પોતાના સહાયક બર્વેને લઈ ત્યાં પહોંચ્યા.

ત્યાં પહોંચ્યા પછી જોયું કે ‘પંચામૃત’ એક બેઠા ઘાટનો બંગલો હતો. તે બહારથી બંધ હતો અને એક મહિલા બહાર ઉભી હતી. બન્નેને જોઇને તેણે પોતાની ઓળખાણ ઘરની કામવાળી તરીકે આપી. અવિનાશના પૂછવા પર તેણે જણાવ્યું કે રોજ તો સાહેબ ઉઠી ગયેલા હોય છે એટલે દરવાજો ખુલ્લો હોય છે પણ આજે દરવાજો બંધ હતો અને વારંવાર બેલ વગાડવા છતાં ન ઉઘાડ્યો એટલે તેને નવાઈ લાગી. ત્યારબાદ નજર કરતાં દીવાનખાનાની એક બારી ઉઘાડી દેખાઈ એટલે થયું કે ત્યાંથી બૂમ મારી સાહેબને બોલાવું. પણ ત્યાં જઈ જોયું તો તેના હોંશ ઉડી ગયા. ‘એવું તે શું જોયું’ના જવાબમાં તે અવિનાશને ત્યાં લઈ ગઈ.

બારીમાંથી અંદર નજર કરતા અવિનાશે જોયું તો એક વ્યક્તિ ખુરશી પર ઢળેલી હાલતમાં હતી અને તેની પીઠ બારી તરફ હતી. લાગ્યું કે બારી બહારથી તેની પીઠ પર ગોળી મારીને હત્યા કરાઈ હતી. અવિનાશે બર્વેને બારી દ્વારા અંદર જઈ દરવાજો ખોલવા કહ્યું.

કામવાળીના કહેવા મુજબ સાહેબ એકલા જ રહેતા હતા અને તેની જાણમુજબ તેમને કોઈ આગળ પાછળ ન હતું. સવારથી સાંજ સુધી તે ત્યાં રહેતી અને સાહેબનું બધું ઘરકામ તે કરતી. તે માટે તેને પગાર પણ સારો આપતા એવું તેનાથી કહ્યા વગર ન રહેવાયું. સાહેબ એવા અતડા હતા કે ન તો કોઈ મળવા આવતું ન તે કોઈને મળવા બહાર જતા. દિવસનો મોટો ભાગ તે કમ્પ્યુટર પર રહેતા અથવા એકલા એકલા ચેસ રમતાં. કોઈ એકલા એકલા કેમ રમી શકતા હશે તેની તેને નવાઈ પણ લાગતી એમ પણ તેણે ઉમેર્યું.

દરવાજો ખૂલતા તેમણે કામવાળીને જણાવ્યું કે તે બધી રૂમમાં જઈ તપાસ કરે કે કોઈ ચીજની ચોરી તો નથી થઈ. ત્યારબાદ અવિનાશે પોતાની રીતે તપાસ આદરી. સૌ પ્રથમ લાશ જ્યાં હતી તે જગ્યાની આસપાસ જોયું. પછી લાશ તરફ નજર કરી તો તેને જોઈ અવિનાશ ચમક્યા અને પોતાના મોબાઈલ પર તેના ફોટા પાડી કોઈને મોકલ્યા. પછી ફોન કરી સામેની વ્યક્તિને જણાવ્યું કે મોકલેલા ફોટાવાળી વ્યક્તિને લગતી જે માહિતી મળે તે જણાવે.

આગળતપાસ કરતા અવિનાશે જોયું કે રમેશની સામે એક ટેબલ પર ચેસબોર્ડ હતું અને તેમાં એક અધૂરી રમત હતી. સામેની ખુરશી ખાલી હતી. ટેબલ ઉપર પાણીના બે ગ્લાસ હતા અને એશટ્રેમાં સિગારેટના જુદી જુદી બે બ્રાન્ડના ઠૂંઠા પડ્યા હતા. તે પરથી અવિનાશ સમજી ગયા કે કાલે રાતે મરનાર કોઈ સાથે ચેસ રમતાં હશે અને તે દરમિયાન એવું કાંઈક બન્યું હશે જેને લઈને આગંતુકે પીઠ પાછળથી ગોળી મારી હત્યા કરી હશે. આ સંદર્ભમાં આજુબાજુથી કોઈ માહિતી મળે એ માટે તપાસ કરવા બર્વેને કહ્યું. થોડીવારે તેણે આવીને કહ્યું કે આજુબાજુના ઘરો બંધ છે. ખેર અન્ય રીતે તપાસ કરવી પડશે કહી બર્વેને બંગલાની બહાર બારીકાઈથી તપાસ કરવા કહ્યું.

બહાર તપાસ કરતા કરતા બર્વેએ જોયું કે બારી બહાર ટૂવ્હીલરના ટાયરના નિશાન હતા જેમાં આગલું ટાયર જાણે હમણા જ બદલાવ્યું હોય તેમ તેને લાગ્યું કારણ પાછલા ટાયર કરતા તેના નિશાન વધુ ચોખ્ખા હતાં. આ વાત સાહેબને કહી અને ઉમેર્યું કે આવા ટૂવ્હીલર અહીં બહુ ઓછા હશે જેના ટાયરને બદલાવાયા હોય એટલે આપણને આ નિશાન થોડા સહાયરૂપ પણ થશે.

‘સરસ’ કહી અવિનાશે પોતાની તપાસ આગળ વધારી.

ટેબલ ઉપર એક રાઈટિંગ પેડ હતું જેના ઉપર ચેસની ચાલો નોંધેલી હતી. અવિનાશ પોતે ચેસના શોખીન અને જાણકાર એટલે તેમણે ધ્યાનથી બધી ચાલ જોઈ ત્યારે સમજાયું કે આ ગઈકાલની રમતની નોધ હશે. અરસપરસ દસ દસ ચાલ થઈ હતી અને છેલ્લી ચાલ કોઈ Nની હતી. અવિનાશે એ પણ જોયું કે તેની આ દસમી ચાલ ખોટી હતી અને હવે પછી રમેશે ચાલ ચાલવાની હતી અને તેને કારણે તે સામાવાળાને ચેક્મેઇટ કરી શકે એમ હતો. પણ અચાનક શું થયું હશે જેથી રમેશ પોતાની ચાલ ચાલે તે પહેલા તેનું ખૂન થઈ ગયું? જાણે તેમનું મન વાંચ્યું હોય તેમ બર્વેએ કહ્યું કે સાહેબ રમત દરમિયાન કોઈ બોલાચાલી થઈ હશે એટલે આવનારે ખૂન કર્યું હશે.

‘હત્યા તો બહારથી થઈ છે તેમ જણાય છે. જો આવનાર ખૂનના ઈરાદે જ આવ્યો હોય અને સાથે રિવોલ્વર લઈ આવ્યો હોય તો તેણે સામેથી ગોળી ચલાવી હોયને?’ પોતાની વાત આમ યોગ્ય ન ગણાઈ એટલે બર્વેએ અન્ય તર્ક ચલાવ્યો કે કદાચ રૂમમાં ધૂમ્રપાનને કારણે વધુ પડતો ધૂમાડો થયો હશે અને એ બહાને આગંતુક બહાર કમ્પાઉન્ડમાં આવ્યો હશે. પણ વધુ ચર્ચા અર્થહીન છે માની અવિનાશે કોઈ જવાબ ન આપ્યો. તે જ વખતે કામવાળીએ આવીને કહ્યું કે પહેલી નજરે તો બધુ ઠીક જણાય છે કશું ચોરાયું હોય તેમ નથી જણાતું.

રમેશની ખુરશીની બાજુની ટીપોય પર એક ફોન હતો અવિનાશે તે ઉઠાવી જોતાં જણાયું કે છેલ્લો કોલ રાતે લગભગ ૮.૩૦ વાગે આવ્યો હતો. દેખાતા નંબર પરથી કોણે આ ફોન કર્યો છે તેની તપાસ કરવા તેમણે બર્વેને કહ્યું. થોડીવારે ટેલિફોન એક્ષ્ચેન્જ તરફથી જણાવાયું કે તે કોઈ નીતિન જોશીના નામે છે. તેનું જે સરનામું આપ્યું તે રાજ્પુરનું જ હતું અને રમેશના ઘરથી ૨૦-૨૫ મિનિટના અંતરે હતું.

આ દરમિયાન ફોરેન્સિક ડોકટરે પ્રાથમિક તપાસ પૂરી કરી હતી અને જણાવ્યું કે ખૂન ગઈ રાતે લગભગ ૧૧.૦૦થી ૧૧.૩૦ વચ્ચે થયું છે પણ ચોક્કસ સમય પોસ્ટમોર્ટમ પછી નક્કી થશે. પોલીસના માણસોએ પણ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી અને લાશને લઈ જવાની તૈયારીમાં હતા.

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી ક્યાં પ્રકારની રિવોલ્વરથી આ ખૂન થયું હશે તે જણાશે વિચારી અવિનાશ રિપોર્ટની રાહ જોતા હતા. થોડીવારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો. એક તરફી વાત ઉપરથી બર્વેને કોઈ અંદાજ ન આવ્યો કે શું વાત છે પણ ફોન પૂરો થયા બાદ જ્યારે અવિનાશ મલક્યા ત્યારે તેને સમજાયું કે જરૂર કેસને લગતી કોઈ અગત્યની માહિતી મળી હશે.

‘કોઈ અગત્યની બાતમી મળી લાગે છે, સાહેબ?’

જવાબમાં ‘આ નીતિન મળવા જેવી વ્યક્તિ જણાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જઈએ. પણ સાદા વેશમાં, કારણ નીતિન પર શક મજબૂત થતો જાય છે માટે તેને સકંજામાં લેવા કોઈક ચાલ ચાલવી પડશે.’

સાદા વેશમાં જ્યારે તેઓ મળેલા સરનામે પહોંચ્યા તો જોયું કે તે એક રો હાઉસ હતું અને તે બંધ હતું. આજુબાજુ નજર કરી તો તેના પાડોશના ઘર પણ બંધ જોયા. લાગ્યું કે બધા રજાને કારણે બહાર ગયા હશે એટલે હવે નીતિન વિષે કોને પૂછવું તેનો વિચાર કરતાં હતા ત્યાં સામે એક પાનની દુકાન દેખાઈ. આ મહાનુભાવ જરૂર કોઈ માહિતી આપશે માની અવિનાશ તેની પાસે ગયા.

‘સામે રહેતા નીતિનભાઈને ઓળખાતા હશો.’

‘કેમ નહી, મારા ગલ્લેથી રોજ પાન લઈ જાય એટલે ઓળખાણ તો ખરી.’

‘ફક્ત પાન જ, સિગારેટ નહી?’

‘ના સાહેબ, ફક્ત પાન જ. તે સિગારેટ નથી પીતા.’

આ સાંભળી અવિનાશ વિચારાવા લાગ્યા કે જો નીતિન સિગારેટ નથી પીતો તો રમેશને ઘરે એશટ્રેમાં જે બે જુદી જુદી બ્રાન્ડના ઠુંઠા હતા તેથી શું નીતિન નહી પણ અન્ય વ્યક્તિ આવી હશે અને તેણે ખૂન કર્યું હશે? જો તેમ હોય તો મારી ધારણા ખોટી પુરવાર થશે? અનુભવ તો જુદું જ કહે છે એમ વિચારી રહ્યા હતા ત્યાં પાનવાળાએ પૂછ્યું, ‘પણ તેમને માટે કેમ પૂછ્યું? કોઈ ખાસ કામ છે?’

‘એમને કોઈ કામસર મળવું હતું પણ ઘર બંધ જોયુ અને તેનું ટૂવ્હીલર પણ અહીં જ છે એટલે લાગ્યું કે તેઓ આટલામાં ગયા હશે અને તમને કદાચ તેની જાણ હશે.’ અવિનાશે તીર ચલાવ્યું.

‘હા સાહેબ, આજે રવિવાર છે એટલે તે નાકા પરની કાફેટેરિયામાં ચેસ રમતાં હશે. ચેસના તે ગજબના શોખીન છે અને દર રવિવારે પોતાના મિત્રો સાથે ત્યાં રાતના નવ સુધી ચેસ રમે છે.’

‘વાહ, તો તો તેને ત્યાં જ મળીએ. કામથી કામ અને વળી ઘણા વખતે ચેસ રમવાની તક મળશે.’

જીપ ત્યાં જ ઉભી રખાવી બન્ને ચાલતાં કાફેટેરિયા પહોંચ્યા. અંદર એક ખૂણે બે જણ ચેસ રમી રહ્યાં હતાં અને ત્રણ ચાર જણ તેમની રમત જોઈ રહ્યાં હતાં. આ બધામાં કોણ નીતિન તેની ખબર ન હતી એટલે થોડી રાહ જોવી પડશે માની પેલા ટેબલની પાછળના ટેબલ પર અવિનાશે એવી રીતે સ્થાન જમાવ્યું જેથી પેલા ટેબલ પર ચાલતો નજારો જોઈ શકાય.

બે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપી અવિનાશ પેલા ટેબલવાળાને સંભળાય તેમ બોલ્યા, ‘બર્વે, આમ તો મને પણ ચેસનો ઘણો શોખ પણ કામની ધમાલ અને બોજને કારણે કેટલાય વખતથી રમવાનો ચાન્સ નથી મળ્યો. આજે આ લોકોને રમતાં જોઈ મને પણ મન તો થઈ ગયું પણ શું થાય કોઈ રમવાવાળો મળતો જ નથી.’

‘તમારી વાત પરથી લાગે છે કે તમે પણ ચેસના શોખીન છો તો તમારી સાથે રમવાની મજા પડશે. આવી જાઓ સાહેબ, એક-બે બાજી થવા દો.’ જેની પીઠ અવિનાશ તરફ હતી તેણે પાછળ ફરી કહ્યું.

‘નેકી ઓર પૂછ પૂછ?’ બોલતા અવિનાશ ઊભા થયા અને પેલાના ટેબલ આગળ આવી હાથ લંબાવતા બોલ્યા, ‘મારૂ નામ અવિનાશ. આપનું નામ ?’

‘નીતિન,’

‘અચ્છા તો તમે તે નીતિન છો જે રાતના નવ વાગ્યા સુધી અહીં ચેસ રમે છે?’

‘હા, પણ તમને તેની કેવી રીતે ખબર?’ નવાઈ પામતા નીતિન બોલ્યો. ‘હકીકતમાં રોજ હું નેટ ઉપર જ રમું છું. ફક્ત રવિવારે સાંજે નવ વાગ્યા સુધી અહીં જુના મિત્રો સાથે રમવા આવું છું.’

‘કેમ નવ વાગ્યા સુધી જ?’

‘કારણ ત્યારબાદ નવથી અગિયાર ઘરેથી હું એક રમેશ મુનીમ નામની વ્યક્તિ સાથે નેટ ઉપર રમું છું એટલે.’

‘પણ કાલે તો તમે નેટ ઉપર નહી પણ કોઈ જયંતભાઈને ત્યાં રમવા ગયા હતાં ને?’

‘કોણ જયંતભાઈ? તમારી ભૂલ થતી લાગે છે. હું જયંતભાઈને ત્યાં નહી પણ રમેશ મુનીમને ત્યાં રમવા ગયો હતો. આમેય તે હું કોઈ જયંતભાઈને નથી ઓળખતો. આમ તો હું અને રમેશભાઈ દર શનિ-રવિ નેટ ઉપર જ રમી છીએ પણ ગઈકાલે મારૂં નેટ કનેક્શન નહોતું મળતું એટલે રમેશ મુનીમને ફોન કરીને જણાવ્યું કે આજે રમી નહી શકાય. આજ સુધી કોઈ દિવસ તેમણે ઘરે રમવાનું આમંત્રણ આપ્યું ન હતું પણ લાગે છે કે લાંબા સમયથી અમે નેટ ઉપર રમી છીએ એટલે કદાચ અમારી સારી મિત્રતા થઈ હશે માટે એમણે કાલે સામેથી ઘરે રમવા આવવાનું આમંત્રણ આપ્યું. મને પણ નવાઈ તો લાગી પણ ના ન કહી શક્યો. અમે લગભગ ૧૧.૦૦ વાગ્યા સુધી રમ્યા. બાજી હજી પૂરી નહોતી થઈ પણ ૧૧.૦૦ વાગ્યા હતા એટલે રમેશભાઈએ કહ્યું કે હવે કાલે નેટ ઉપર આગળ રમશું, આ બાજી ભલે આમ રહી એટલે હું ત્યાંથી નીકળી ગયો.’

‘તો આજે નવ વાગ્યા પછી તમેં નેટ ઉપર તમારી તે અધૂરી બાજી પૂરી કરશો ?’

‘ના, આજે તેમને કોઈ કામ છે એટલે કાલે નેટ ઉપર રમશું એમ તેમણે ફોનથી આજે સવારે જણાવ્યું હતું એટલે તો મને તમારી સાથે રમવાની નવરાશ છે.’

‘તો ઠીક, ચાલો બાજી ગોઠવીએ.’

‘તમે મહેમાન છો. તમે સફેદ પ્યાદા લો અને ચાલની શરૂઆત કરો.’

અવિનાશને ગઈકાલે નીતિન અને રમેશની રમાયેલી રમતની ચાલો બરાબર યાદ હતી એટલે તેમણે તે મુજબ શરૂઆત કરી. તેમની ધારણા હતી કે નીતિન પણ ગઈકાલની જ રમત દોહરાવશે અને તેમ જ થયું. નીતિન એક પછી એક તેવી જ ચાલ ચાલવા માંડ્યો જે ગઈકાલે રમેશને ત્યાં રમાઈ હતી. અવિનાશે પોતાની દસમી ચાલ ચાલી અને નીતિન ચાલ ચાલે તેની રાહ જોવા લાગ્યા. બહુવાર સુધી નીતિને ચાલ ન ચાલી એટલે અવિનાશે કહ્યું, ‘તમે તમારા ઘોડાથી મારા પ્યાદાને મારવાનો વિચાર કર્યો હશે પણ તે ચાલશો તો તમે ચેક્મેઇટ થઈ જશો એમ તમને સમજાઈ ગયું છે એટલે તમે કિલ્લેબંધી કરશો નહી?’

‘તમને કેમ લાગ્યું કે હું આ જ ચાલ ચાલવાનો છું?’

‘કારણ તમે ગઈકાલે જયંત પટેલના ઘરે આ જ રીતે રમતા હતા અને તમને તમારી ભૂલ સમજાઈ ગઈ હતી પણ ચાલ ચાલ્યા પછી તે સુધારવાની તક તમને ન મળી.’

‘મેં તમને કહ્યું કે હું કોઈ જયંતભાઈને નથી ઓળખાતો છતાં તમે કેમ આમ કહો છો? ફરીથી કહું છું કે કાલે રાતે હું રમેશ મુનીમની સાથે રમતો હતો.’

‘રમેશ મુનીમ અને જયંત પટેલ એ એક જ વ્યક્તિ છે. તેની જાણકારી તમને પણ કાલે રાતે થઈ હતી નહી?’

‘તમે શું કહો છો તે મને જરા પણ સમજાતું નથી. વારંવાર કોઈ જયંતના નામનો ઉલ્લેખ કરો છો તો તમે ચેસને બહાને કોઈ અન્ય મકસદથી આવ્યા છો?’

‘તમે બરાબર સમજી ગયા. હું રાજપુર પોલીસ સ્ટેશનનો સી.આઈ.ડી. ઇન્સ્પેકટર અવિનાશ છું અને મારી સાથે મારા સહાયક છે મી. બર્વે. ગઈકાલે રાતે રમેશ મુનીમ ઉર્ફે જયંત પટેલનું ખૂન થયું છે અને શંકાની સોય તમારા તરફ છે. જો સત્ય હકીકત જણાવશો તો તમારો અને અમારો સમય બચી જશે. એમ નહી કરો તો અમે અમારી રીતે તેની જાણ તો મેળવી લેશું.’

‘લાગે છે કે મને ફસાવવા તમે આ બધું કહી રહ્યા છો. હું તો રમેશ પટેલને ત્યાં રમત રમતો હતો અને તેના ઘરેથી લગભગ ૧૧.૦૦ વાગે નીકળી ગયો હતો. ત્યારબાદ કોઈએ ખૂન કર્યું હશે તો મને કેમ સંડોવો છો?’ મોં પરનો પરસેવો લૂછતાં તે બોલ્યો.

‘ભલે તમે હમણા આમ કહો પણ જયારે હું બધા પૂરાવા રજુ કરીશ ત્યારે તમારા હોંશકોશ ઉડી જશે.’

‘મેં કાઈ કર્યું હોય તો તેમ થાયને?’ કોઈ હાવભાવ વગર નીતિન બોલ્યો.

‘કાલે રાતે જ્યારે તમે રમેશને ઉર્ફે જયંતને ઘરે ગયા ત્યારે જોયું કે આ રમેશ બીજું કોઈ નહી પણ તમે જેને ઘણા વખતથી શોધતા હતા તે જયંત પટેલ છે. હવે તમે શા માટે શોધતા હતા તે પણ એક રસપ્રદ કહાણી છે.’

‘હું કોઈ જયંત પટેલને ઓળખાતો હોઉં તો તેને શોધવાનો પ્રશ્ન ઉભો થાય. પણ તમારી આ મનઘડંત વાત ઉપરથી લાગે છે કે જેનું ખૂન થયું છે તેમાં તમે મારા જેવા નિર્દોષ આદમી કે જેને કોઈ આ બાબતમાં લેવાદેવા નથી તેને ફસાવવાના માંગો છો.’

‘મારી આ વાત તમને ભલે મનઘડંત લાગે પણ એક પછી એક પૂરાવા રજુ કરવા માંડીશ એટલે બધું બંધબેસતું થઈ જશે, નહી બર્વે?’

‘જી સાહેબ.’

‘હંબગ વાત છે. તમારી પાસે કોઈ પૂરાવા છે જ નહીં જેથી હું આમાં સંડોવાયેલો છું તેમ પૂરવાર થાય. ફક્ત મારા જેવા નિર્દોષને ફસાવવા જ આમ કહી રહ્યા છો.’ નીતિન બોલ્યો.

તેને ન ગણકારતા અવિનાશે આગળ ચલાવ્યું, ‘જ્યારે તમે રમેશના ઘરે કાલે ગયા ત્યારે જ તમને ખ્યાલ આવ્યો કે રમેશ જ જયંત છે. તેથી તમારા મનમાં વિચારોનો વંટોળ ઊમટ્યો હશે અને એટલે રમત રમતાં રમતાં જ રમેશ/જયંતને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હશે. તેના વિચારમાં અને વિચારમાં તમે કાલે તમારી દસમી ચાલમાં ભૂલ કરી બેઠા અથવા કદાચ જાણી જોઇને પણ તેમ કર્યું હોય જેથી તમે ત્યાંથી નીકળી શકો. તમે કહો છો તેમ રાતના ૧૧.૦૦ સુધી નહી પણ તે પહેલા જ તમે ત્યાંથી નીકળી ગયા અને ઘરે જઈ તમારો પ્લાન તાત્કાલિક અમલમાં મૂકવા પગલા લીધા.’

‘કેવો પ્લાન અને કેવી વાત?’

‘તમે પહેલા તો ઘરે જઈ તમારી રિવોલ્વર લીધી. આમ તો તમે સિગારેટ નથી પીતા પણ તમારી સંડોવણી ન થાય એ માટે તમે રસ્તામાથી ઊંચી બ્રાન્ડની સિગારેટ લીધી હશે. ત્યાર પછી તમે પાછા જયંતના ઘરે ગયા. જયંત લેપટોપ પર સર્ફિંગ કરતા હશે એટલે ઘરનો દરવાજો તો તમારા ગયા પછી બંધ કર્યો હશે પણ બારી હજી બંધ નહી કરી હોય એટલે તમારું ટૂવ્હીલર બારી બહાર જ ઊભુ રાખી અંદર નજર કરી હશે. તમે ત્યારે જોયું હશે કે જયંત હજી તેની જગ્યાએ જ બેઠો હતો. આમેય તે આજુબાજુના ઘરો બંધ છે તે તમે જાણતા હતા પણ તમે ચતુર છો એટલે કોઈ જોખમ લેવા ન માંગતા હતા એટલે રિવોલ્વર પર સાઈલેન્સર લગાડ્યું જ હશે જેથી ગોળી છોડો ત્યારે તેનો અવાજ ન થાય અને કોઈને તેની જાણ ન થાય. ત્યારબાદ તમે એ ખુલ્લી બારીવાટે અંદર ગયા હશો. ટેબલ પર પહેલેથી પાણીના બે ગ્લાસ તો હતાં જ એટલે તમે તમારી સાથે લાવેલ સિગારેટના ઠૂઠા કરી એશટ્રેમાં મૂકી દીધા હશે જેથી કોઈને તમારી ઉપર શક ન જાય, ખરૂંને?’

‘વાર્તા તો સારી બનાવી શકો છો પણ કોણ તેને હકીકત માનશે? વળી હું સિગારેટ નથી પીતો તો તેના ઠૂંઠા મારા હોવાની શક્યતા જ નથી. જરૂર કોઈ બીજાએ આ ખૂન કર્યું છે.’

‘બીજાએ નહી પણ તમે આ કામ કર્યું છે તે હકીકત સાબિત કરવા હજી ઘણા પૂરાવા છે. સૌ પ્રથમ તો તમારા ટૂવ્હીલરની વાત કરીએ. અહીં આવતા પહેલા અમે તમારે ઘરે ગયા હતા. ત્યાં જોયું કે તમારા ઘરના કમ્પાઉન્ડમાં એક ટૂવ્હીલર છે જેનું આગળનું ટાયર નવું છે. રમેશ/જયંતના ઘરની બહાર જે નિશાન છે તેમાં આગળનું ટાયર નવું દેખાય છે અને આવી છાપ એક જગ્યાએ નહી પણ બે જગ્યાએ છે. દરવાજા આગળ અને બારી આગળ. એટલે કે તમે બે વખત ત્યાં ગયા હતા. તમે કહેશો કે એ તમારા ટૂવ્હીલરના નથી તો તે સાબિત કરતા બહુ વાર નહી લાગે, એકવાર ટાયરના નિશાન મેચ કરશું એટલે. બાદમાં તમારા ઘરની તલાશી લેશું એટલે આ હત્યા માટે વપરાયેલ રિવોલ્વર પણ મળી આવશે.’

‘સાહેબ મારી રિવોલ્વર તો ગઈકાલે જ ચોરાઈ ગઈ છે અને મેં તે માટે અહીના પોલીસ સ્ટેશને આજે ફરિયાદ પણ નોંધાવી છે.’

‘સામાન્ય રીતે ગુનેગાર આમ જ કહે છે. તમે ચાલાક હોવાને નાતે સ્વાભાવિક છે કે તે તમે ઘરમાં તો ન જ રાખી હોય. અરે મને તો ખાત્રી છે કે તમે જ ક્યાંક તે ફેંકી દીધી હશે જેથી તમારી તરફ કોઈ ઈશારો ન થાય. પણ તે પણ અમે જલદી શોધી લેશું એટલે એક વધુ પૂરાવો મળી જશે. વળી જયંતના ઘરમાં તમારા આંગળાની છાપ તો મળશે જ કારણ કે તમે ચીજોની હેરાફેરી કરી છે. તમે સિગારેટ નથી પીતા એમ કહો છો પણ જે સિગારેટના ઠૂંઠા મળ્યા છે તેના ઉપરની આંગળાની છાપ લેશું એટલે તે તમારી સાબિત થશે તો તે પણ તમારી વિરુદ્ધ જશે.. તેવી રીતે બારી અને અન્ય ફર્નીચર ઉપર પણ આંગળાની છાપો મળવાની જે તમારા આંગળાની છાપ સાથે મેચ કરીએ એટલે પત્યું.’

‘તમે ભલે કહો કે જે રમેશને ઘરે હું ગયો હતો તે જ જયંત નામની વ્યક્તિ છે તો તે હું કેવી રીતે માનું? વળી એકવાર માનીએ કે એ બન્ને એક જ છે તો પણ મારે તેને શું કામ મારવો જોઈએ?’ નીતિને લૂલી દલીલ કરી.

‘બદલા માટે.’

‘કેવો બદલો? હું કોઈ જયંતને ઓળખાતો નથી તો એ નામની વ્યક્તિ સાથે કોઈ દુશ્મનીનો સવાલ જ ઉઠતો નથી, તો બદલો લેવા તેને મારવાની વાત તો બાજુ પર રહી.’

‘ભલે તમે આમ કહો પણ મારી વાત હું પૂરી કરીશ એટલે સમજાઈ જશે કે શેનો બદલો. ઘણા વર્ષ ઉપર જયંત પટેલ નામની વ્યક્તિએ લોકોના પૈસા ઉચાપત કર્યા હતાં અને તેને તે માટે ત્રણ વરસની જેલની સજા થઈ હતી. જેલમાંથી ગયા વરસે તે છૂટ્યો હતો પણ કોઈને તે ક્યાં છે તેની ભાળ ન હતી. લાગે છે કે તે નામ બદલી અહીં રમેશ મુનીમ તરીકે રહેતો હતો પણ લોકોનો સંપર્ક ટાળતો હતો, રખે તેની ઓળખ છતી થાય. પણ જ્યારે મેં તેનો ફોટો મુંબઈ પોલીસને મોકલ્યો ત્યારે ખબર પડી કે તે રમેશ મુનીમ નહી પણ જયંત પટેલ છે. આ બધી માહિતી મને મુંબઈ પોલીસ પાસેથી મળી અને જેના પૈસા ઉચાપત કરાયેલા તે યાદીમાં તમારૂ નામ પણ જોયું એટલે તમારા ઉપર અમારી શંકા મજબૂત થઈ.

જ્યારે તેનો કેસ ચાલતો હશે ત્યારે તમે અવારનવાર કોર્ટમાં હાજર રહ્યા હશો એટલે તેનો ચહેરો તમારી સ્મૃતિમાં જડાઈ ગયો હતો. ગઈકાલે જ્યારે પહેલી વાર તમે તેને ત્યાં ચેસ રમવા ગયા ત્યારે તેને જોઇને તમને ખયાલ આવ્યો કે તમારો મુજરિમ નામ બદલી અહીં રહે છે. હવે તમારા મનમાં બદલાની ભાવના જાગી અને તમે તે માટે પ્લાન બનાવ્યો. આગળ કહ્યું તેમ તમે ઘરે પાછા ગયા, તમારી રિવોલ્વર લીધી વગેરે. તમારા ગયા પછી જયંતે ઘરનો દરવાજો તો બંધ કર્યો હશે પણ હજી તે દીવાનખાનામાં જ બેઠો હતો એટલે બારી ખુલ્લી હતી જેનો તમે લાભ લીધો. કામ પત્યા પછી તમે ચીજવસ્તુઓ રફેદફે કરી અને બારી વાટે જ પાછા નીકળી ગયા. વધુ તપાસ કરશું એટલે અમારો તમારા ઉપરનો શક પણ યકીનમાં બદલાશે.

‘અને હા, તમે આ બધાની હાજરીમાં હમણા જ કહ્યું કે રમેશે તમને આજે સવારે ફોન કર્યો હતો. પણ મરેલી વ્યક્તિ ફોન કરી શકે ખરી? એટલે એ વાત પણ તમારી વિરૂદ્ધ જાય છે.’

હવે નીતિન સમજી ગયો કે આમની સામે તેનું જુઠાણું બહુવાર ટકી નહી શકે.

‘સાહેબ જેની ઉપર વીતી હોયને તે જ જાણે કે તેણે શું સહન કર્યું છે. લાખોની ઉચાપત કરનારને ફક્ત ત્રણ વર્ષની સજા!’

‘એ તો કાયદા મુજબ થયું હતું ને?’

‘પણ તેથી મારા પૈસા તો ન જ મળ્યાને?’

‘કેમ કોર્ટે તો તેની મિલકત જપ્ત કરવાનો હુકમ આપ્યો હતો તો તમને તેમાંથી તમારા પૈસા પાછા મળ્યા જ હશેને?’

‘કેવી મિલકત? એ જયંતે એવી ચાલ ચાલી હતી કે તેના નામે કોઈ મિલકત નહોતી રાખી, તો શું જપ્ત થાય અને લોકોને શું મળે? આ ભાઈસાહેબ તો સજા ભોગવી છૂટી ગયા પણ કેટલાય લોકો પૈસે ટકે બરબાદ થઈ ગયા, જેમાનો એક હું છું. પૈસા ન હોવાને કારણે હું મારી પત્નીની માંદગીમાં સરખી સારવાર પણ ન કરાવી શક્યો અને બે વર્ષ ઉપર તેને ગુમાવી. ત્યારબાદ આર્થિક સંકડાશને કારણે મારે મુંબઈ છોડી અહીં વસવું પડ્યું.

‘આ વિપત્તિને કારણે બદલો લેવાનો વિચાર વધુ તીવ્ર થયો હતો. હું તેની સજા પૂરી થવાની રાહ જોતો હતો પણ ત્રણ વર્ષનો સમય પૂરો થયા પછી તપાસ કરી તો ખબર પડી કે તેને તો સારી ચાલચલગતને કારણે એક મહિનો વહેલો છોડી મૂક્યો હતો અને મુંબઈ છોડી ક્યાં જતો રહ્યો તેની કોઈને ખબર પણ ન પડી.

‘તેને શોધવાના મારા પ્રયત્નો કાલ સુધી નાકામયાબ રહ્યા અને નાકામયાબ જ રહેતે જો કાલે હું તેને ત્યાં ચેસ રમવા ન ગયો હોત. તેને ઘરે પહોંચતા તેને હું ઓળખી ગયો. જો કે તેને મારી ઓળખ પડી હોય એમ ન લાગ્યું. રમત રમતાં રમતાં પણ ભૂતકાળ મારી આંખો સામે નાચી રહ્યો હતો. તેને કારણે મારી અંદરનો ભારેલો અગ્નિ જાગૃત થઈ ગયો અને ઢબુરાયેલી બદલાની ભાવના પણ ઉભરાઈ આવી. તમે કહ્યું તેમ હું રમતમાં સરખું ધ્યાન પણ આપી નહોતો શકતો અને તમે પારખી લીધું તેમ મારાથી મારી દસમી ચાલ પણ ખોટી રીતે રમાઈ ગઈ.

‘હવે વધુ વખત ત્યાં બેસી નહી શકાય સમજી ‘તાકીદનું કામ છે કાલે રમશું’ એમ કહી ત્યાંથી હું નીકળી ગયો અને કામ તમામ કરવાનો નિર્ણય લીધો. આખે રસ્તે મેં આ કામ કેમ પાર પાડવું તેના જ વિચાર કર્યા અને ઘરે ગયા પછી બધી બાજુનો વિચાર કરી અંતે તમે જણાવ્યું તેમ એ જ રીતે તે અમલમાં મૂક્યો. મને એમ હતું કે મારો પ્લાન સજ્જડ છે એટલે મારી તરફ આંગળી નહી ચિંધાય અને એક બે દિવસમાં હું આ ગામ છોડી બીજે જતો રહીશ પણ તે પ્લાનમાં પણ હું અસફળ રહ્યો, તમારી વિચક્ષણતાને કારણે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED