માતૃત્વ Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ

માતૃત્વ

રોજની જેમ જનકભાઈ સવારે ફરીને પાછા આવ્યા અને ચાવીથી બારણું ખોલ્યું તો અંદર સ્મશાનવત શાંતિ જણાઈ. રોજ તો બારણું ખોલવાનો અવાજ થતાં જ મૃદુલા ચાનો કપ અને ગરમ નાસ્તો ટેબલ પર મૂકી દેતી અને જનકભાઈ તેને ન્યાય આપતાં. પરંતુ આજે રસોડામાં કોઈ ચહલપહલ ન જણાઈ. ન મૃદુલાને કંઠેથી ગીતનાં અવાજ સંભળાયા, ન કોઈ વાસણના ખડખડાટ. ટેબલ પર અન્યો માટે ન નાસ્તો, ન લંચ માટેના કોઈ બોક્ષ હતાં.

થોડીક નવાઈ સાથે તેમણે રસોડામાં પ્રવેશ કર્યો તો કોઈ જ ન હતું. તદુપરાંત સવારના નાસ્તાની કે ત્યાર પછી રસોઈની કોઈ તૈયારી નજર ન આવી. મૃદુલા રસોડામાં નથી તો શું તે હજી ઊઠી નથી? તબિયત તો બગડી નથીને? આ વિચારે તેઓ પોતાના બેડરૂમમાં ગયા તો ત્યાંય તેનો પત્તો ન હતો. અધખુલ્લા બાથરૂમમાં પણ નજર કરી પણ અંદર કોઈ ન હતું. તો પછી શું થયું હશે? કહ્યા વગર ક્યાય ન જનારી આજે અચાનક આમ લાપતા! પછી થયું આજે તેનો જન્મદિવસ છે તો કદાચ મંદિર પણ ગઈ હોય.

આમ વિચારતા વિચારતા હતા ત્યાં ટેબલ પર પડેલી એક ચીઠ્ઠી તેમની નજરમાં આવી. તે વાંચ્યા પછી તે સહેજ મલક્યા અને રૂમ બહાર નીકળી ગયા. રસોડામાં જઈ પોતાના માટે ચા બનાવી અને બહાર સોફા પર બેસી છાપું હાથમાં લીધું ત્યાં પુત્રવધુ અનિતાએ તેની રૂમમાંથી બૂમ મારી, ‘મમ્મી, ચિન્ટુ તૈયાર થાય છે. તેનો નાસ્તો અને લંચ બોક્ષ આપશો?’

‘અનિતા બેટા, મૃદુલા તો નથી. બહાર ગઈ છે. તેને આવતાં વાર થશે. તમે જ ચિન્ટુનો નાસ્તો અને લંચ બોક્ષ તૈયાર કરી લો. હા, તમારા અને મુકેશના નાસ્તાની પણ વ્યવસ્થા કરજો. આજનો દહાડો સંભાળી લો. તમારા લંચની પણ સગવડ કરી લેજો.’

‘મમ્મી ક્યાં ગયા છે?’

‘તેની ખબર નથી પણ લાગે છે તે જલદી નહિ આવે.’

‘આજે તો તેમનો જન્મદિવસ અને બહાર ગયા છે? મારે તેમને WISH કરવું હતું.’

‘સાંજે કરી લેજો.’

અનિતા ઝટઝટ પરવારી અને મુકેશને પણ વાતથી વાકેફ કર્યો. મુકેશને પણ નવાઈ લાગી કે કોઈ દિવસ આવું થયું નથી અને ઉપરથી પપ્પા પણ શાંતિથી બેઠા છે. જરૂર કોઈ એવી વાત હશે જે તેઓ કહેવા નહિ માંગતાં હોય. ઓફિસથી આવ્યા પછી વાત.

બપોરના અનિતાએ ફોન કર્યો ત્યારે પણ મૃદુલાબેન હજી આવ્યા ન હતાં. પપ્પાને જમવાનું શું કર્યું એમ પૂછતાં જવાબ મળ્યો કે હજી થોડીઘણી રસોઈ તે કરી શકે છે એટલે ભાખરીને શાક ખાઈ લીધા છે.

કામવાળી બાઈ આવી તો તેને પણ નવાઈ લાગી કે આજે માસી તો નથી પણ રસોડામાં રોજ જેટલા ઢગલો વાસણ પણ નથી. પણ શેઠને કેમ પૂછાય? એટલે ફક્ત એટલું જ પૂછ્યું કે માસી નથી? જવાબમાં જનક્ભાઇએ ડોકું ધુણાવી હા પાડી.

ચાર વાગે ચિન્ટુ સ્કુલેથી આવ્યો તો દાદીને બદલે દાદાએ બારણું ખોલ્યું એટલે બોલ્યો કે હજી દાદી નથી આવ્યા?

‘ના, પણ તારા માટે મેં બટાકાપૌઆ બનાવ્યા છે તે ખાઈ લે અને દૂધ પીને રમવા જા. ત્યાં સુધીમાં તારી દાદી આવી જશે.’

અનિતા અને મુકેશ ઓફિસેથી પાછા ફર્યા ત્યારે પણ મૃદુલાબેન ઘરે આવ્યા ન હતાં એટલે તેમને ચિંતા થઇ અને પપ્પાને કહ્યું કે તમે કોઈ તપાસ કરી ખરી? જવાબમાં ના સંભળાઈ. પપ્પાને નચિંત જોઇને બંને કશુક કહેવા જતા હતા ત્યાં બારણે ચાવીનો અવાજ આવ્યો અને મૃદુલાબેન અંદર આવ્યા. મો પરથી તેઓ થાકેલા જણાતાં હતા પણ કોને ખબર કેમ સાથે સાથે કોઈ આનંદનો અનુભવ કર્યો હોય તેમ પણ જણાતું હતું. સોફા પર બેસી ગયા કશું બોલ્યા વગર.

જનક્ભાઇએ ઇશારાથી બધાને મૂંગા રહેવા કહ્યું અને અનિતાને પાણીનો ગ્લાસ લઇ આવવા કહ્યું.

પાણી પીધા પછી જનક્ભાઇએ કહ્યું, ‘કેવો રહ્યો જન્મદિવસ?’

‘હા, ક્યારેય ન અનુભવ્યું હોય તેમ અનુભવ્યું. મારો તો દિવસ સુધરી ગયો.’

‘મમ્મી, જન્મદિવસની મુબારકબાદી, પણ તમે ક્યાં ગયા હતાં?’ અનિતાથી ન રહેવાયું.

મૃદુલાબેન જવાબ આપે તે પહેલા જનક્ભાઇએ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને અનિતાને મોટેથી વાંચવા કહ્યું.

કાગળમાં લખ્યું હતું,

‘જનક,

આજે હું મારી જાતને રોકી શકતી નથી. આ ઘરની હું ૩૬૫ દિવસ મા બનીને રહી છું પણ આજે મારા જન્મદિવસે કઈક જુદું કરવા ઈચ્છ્યું છે. મને એવા બાળકોની યાદ આવી જે અનાથાશ્રમમાં મા વગર જીવન વ્યતીત કરે છે. કેટલાય વખતથી મારી ઈચ્છા હતી કે આવા બાળકો માટે હું કઈક કરૂં. અચાનક તે આજે અમલમાં મુકવા જાઉં છું. એક અનાથાશ્રમમાં મા વગરના માટે બીજી મા બનવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આમાં તમારો સાથ હોવાનો જ.તેની મને ખાત્રી છે.

અચાનક નિર્ણય લીધો એટલે આ ચિઠ્ઠીનો આશરો લીધો છે પણ તમે તે સમજી શકો એમ છો.

મૃદુલા’

બે ઘડી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી જનકભાઈ બોલ્યા કે ત્યાનો અનુભવ કેવો રહ્યો?

‘મા વગરના બાળકોની મા બનવાનો લહાવો અનન્ય હતો. જાણે વર્ષો પછી મારૂં માતૃત્વ ફરી જાગૃત થયું. બાળકો સાથે બાળક બની જે રીતે મેં મારો જન્મદિવસ પસાર કર્યો છે તે આ પહેલા ક્યારે કર્યો હશે તે યાદ નથી. હા, આજે મેં એક નિશ્ચય પણ કર્યો છે. વર્ષના ૩૬૪ દિવસ હું આ ઘરની મા અને મારા જન્મદિવસે હું અન્ય બાળકોની મા. તમારા કોઈની આ માટે રજા લેવાની જરૂ નથી કારણ તમારા સૌનો સહકાર માની લીધો છે.’

‘પણ મમ્મી તમે અમને અગાઉથી જણાવ્યું હોત તો અમને ચિંતા ન થાત અને અમે અમારી રીતે તૈયારી કરતે.’

‘એક તો અચાનક વિચાર આવ્યો એ અમલમાં મુકાઈ ગયો અને બીજું તમારા પપ્પા હતાં એટલે પણ મને કોઈ ચિંતા ન હતી. કેમ બરાબરને જનક?’

સ્મિત સાથે જનક્ભાઇએ હા કહી.

એટલામાં મુકેશ પોતાના રૂમમાં ગયો અને એક પેકેટ લઇ આવ્યો. પેકેટ માના હાથમાં આપતા કહ્યું, ‘મા, આજના દિવસે તારા માટે એક શાલ લઇ આવ્યો હતો પણ તું હતી નહિ એટલે સવારે આપી ન શક્યો. હવે તે અત્યારે આપું છું.’ આમ કહી શાલ અનિતાને આપી અને કહ્યું કે આ તું જ માને આપ કારણ આજના દિવસે એક માને બીજી મા આપે તે વધુ યોગ્ય છે.

શાલ આપતાં અનિતા બોલી, ‘મમ્મી, અમે તો તને સરપ્રાઈઝ આપવા આજ રાતે બહાર જવા વિચાર્યું હતું પણ તમે જે સરપ્રાઈઝ આપી તેની આગળ તે કાઈ નથી. હવે લાગે છે આજે હવે તે સરપ્રાઈઝ ન રહેતા તે એક ઉત્સવ બની રહેશે.’

‘મારી વહાલી દાદી,’ કહેતા ચિન્ટુ મૃદુલાબેનને ગળે વળગી પડ્યો અને રૂમમાં ખુશાલીનું વાતાવરણ છવાઈ ગયું.

નિરંજન જી. મહેતા

.