Sandhya Suraj - 25 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 25 (ધ એન્ડ)

સંધ્યાને સુરજ સાથે કદાચ કોઈ અજીબ સંબંધ હશે કેમકે હું એક જ એવી સંધ્યા હતી જેના ઉરમાં હમેશા આગ સળગતી રહેતી હતી પણ કદાચ એ આગ મને સળગાવી નાખવા માટે ન હતી! એ બધાને સળગાવવા માટે હતી જેમણે મારા જીવનને હમેશા દુ:ખની આગમાં સળગવા મજબુર કર્યું હતું.!

ફરી એક વાર હું કોલેજમાં હતી પણ કોઈ નાટક ભજવવા માટે નહિ. મેં મારું લક્ષ પૂરું કરી લીધું હતું. તમને નવાઈ લાગશે પણ મને મળેલ ન્યાય કુદરતે કરેલા ન્યાય જેવો જ હતો. જીનલનો જન્મ દિવસ હતો એ જ દિવસે હું ફરી કોલેજમાં ગઈ અને એના આગળના દિવસે જ મેં એના કાતીલોને સજા આપી દીધી હતી. એટલે મને એ ન્યાય કુદરતના કરિશ્મા જેવો લાગ્યો.!

હું શારીરિક અને માનસિક બંને રીતે એ કાળ કોટડીમાં કંટાળી ગઈ હતી. મને એમ લાગ્યું હતું કે મારે એ સ્થળેથી બહાર નીકળ્યા પછી અઠવાડિયાઓ સુધી આરામની જરૂર પડશે પણ એવું કાઈ ન થયું. હું બીજા જ દિવસે સવારે વહેલી ઉઠી કોલેજ જવા માટે નીકળી પડી. મેં ફરી એ જ જીનલના બ્લેક લોવર અને યલો ટોપ પહેર્યા પણ એ વખતે એના ગમતા કપડા પહેરી કોલેજ નીકળતી વખતે મારી આંખોમાં આંસુ ન હતા! હું જાણતી હતી કે હવે તે તેના હેવનમાં જઇ શકશે. હવે તેને ત્યાં જતા તેનું દિલ રોકશે નહિ.

પપ્પા અને દાદાનું કહેવું હતું કે મારે કેટલાક દિવસો સુધી આરામ કરવો જોઈએ. પોલીસે પણ એમ જ કહ્યું હતું. પણ ના, મારે કોલેજ એ જ દિવસે જવું હતું કેમકે એ મારા માટે ખાસ દિવસ હતો. એ દિવસે કોલેજમાં બધા શોક દિન મનાવે છે જે ત્રણ છોકરીઓ ગુમ થઇ ગઈ હતી તેમના માટે અને જીનલ મૃત્યુ પામી હતી એ માટે. જોકે જીનલ મૃત્યુ પામી એ દિવસ એ ન હતો પણ એ દિવસ વેકેશનમાં આવે છે માટે તેઓ જીનલના જનમ દિવસને દિવસે જ કોલેજમાં એ દિવસને મનાવે છે. મને પણ કોલેજ પહોચ્યા પછી જ જાણ થઇ કે કેમ તેઓ એ આખું ફંકશન જીનલના જન્મ દિવશે રાખે છે - જીનલ સિવાયની ત્રણ છોકરીઓ ગુમ થઇ હતી પણ તેમના મૃતદેહ મળ્યા ન હતા એટલે તેઓ એમ માને છે કે તેઓ જીવિત હશે! બસ એમના કોલેજમાં ન હોવાનો અફસોસ વ્યક્ત કરે છે. એમને ખબર છે કે તેઓ જીવિત હશે તો પણ મૃત્યુથી પણ બદતર હાલતમાં હશે તો પણ આપણા રીવાજો મુજબ જીવતા વ્યક્તિઓ માટે શોક દિન મનાવી શકાતો નથી. જોકે એમના ત્યાં ન હોવાનો શોક દરેક હ્રદયમાં હતો.

હું કોલેજમાં ઓડીટોરીયમ હોલ નજીક ઉભી હતી.

ઓડીટોરીયમમાં દરેક વ્યક્તિ પોતાની સીટ પર ઉદાસ ચહેરા સાથે બેઠા હતા. મોટા ભાગના ઓડીટોરીયમના એક છેડે ભીડ બનાવીને ઉભા હતા. તેઓ બધા કોઈ ચર્ચા કરી રહ્યા હતા. બધાના ચહેરા જોતા એમ લાગી રહ્યું હતું જાણે એ દુ:ખદ ઘટના હજુ હમણાં જ થઇ હોય! જાણે જીનલ હજુ કોલેજમાંથી બધાને આજે જ છોડીને ગઈ હોય.!

“તેઓ શું કરી રહ્યા છે?” મેં મારા નજીકમાંથી પસાર થતી એક છોકરીને પૂછ્યું. મને એનું નામ ખબર ન હતી પણ કદાચ તે સીનીયર હતી.

“તને ખબર નથી?” તેને નવાઈ લાગી હોય તેમ એ બોલી.

“હા, ખબર છે કોઈ છોકરી ગુમ થઈ હતી તેનો શોક દિન મનાવે છે.” હું એને એમ કહી શકું તેમ ન હતી કે તે છોકરી મારી વહાલી બહેન જીનલ હતી કેમકે મેં કોલેજમાં નામ એ જ રાખ્યું હતું પણ જાત અને પિતાનું નામ બદલીને એડમીશન લીધું હતું જેથી કોઈને ખ્યાલ ન આવે કે હું કોણ છું અને કોલેજમાં કેમ છુ? આમ તો બર્થ સર્ટીફીકેટ અને બીજા ડોક્યુમેન્ટ્સમાં આ બધું બદલવું મુશ્કેલ કામ છે પણ હું આઈ.પી.એસ.ની ટ્રેઈનીગમાં હતી અને આ કામમાં અખિલેશ સરે મને મદદ કરી હતી એટલે એ બધું મારા માટે આસાન થઇ ગયું હતું.

“હા, ત્યાં પેલી ભીડ છે ત્યાં ફંડ ભેગું કરી રહ્યા છે. જીનલને નાના બાળકો બહુ પસંદ હતા. તે તેના જન્મ દિવસે અહી બાજુમાં જ આવેલ એક પ્રાથમિક શાળાના છોકરાઓને ચોકલેટ વહેચતી અને ઘણીવાર તેમને કોઈને કોઈ વસ્તુઓ ભેટ આપતી. તે બધાથી અલગ હતી. કોલેજમાં આજે ફંડ ભેગું કરવામાં આવશે અને એ ફંડમાંથી ગરીબ બાળકોને ચોકલેટ અને એવી બીજી વસ્તુઓ આપવામાં આવશે.” તેણીએ આછા સ્મિત સાથે કહ્યું, “ગોડ બ્લેસ હર સાઉલ.....”

હું કશું જ ન બોલી. હું એને કહી શકું તેમ ન હતી કે હું જાણું છું જીનલ બધાથી અલગ હતી, હું હજુ મારી ઓળખ છતી થવા દેવા નહોતી માંગતી કેમકે હજુ મારે મુંબઈમાં ઘણા કામ કરવાના બાકી હતા.

હું જ્યાં ફંડ રેઈઝ કરવામાં આવી રહ્યું હતું ત્યાં પહોચી. તેમની બાજુમાં જઇ ઉભી રહી. બે છોકરીઓ અને એક છોકરો ટેબલની પેલી તરફ બેઠા હતા. બંને છોકરીઓ સુંદર અને એથલેટ લાગતી હતી. જીનલ સાથે જ તેઓ પણ સ્પોર્ટ્સમાં જોડાયેલ હશે એટલે જ તો ટેબલની પેલે તરફ બેસી ફંડ રેઈઝ કરી રહી હતી.

લાકડાના ટેબલ પર જીનલનો ફૂલ સાઈઝનો ફોટો ગોઠવેલ હતો. કદાચ તેની જુનિયર ફેન્સીંગ ટીમમાં લેવાયેલ એ ફોટો હોય તેમ મને લાગ્યું. તે ફ્રેમમાં જાણે આત્મવિશ્વાસ સાથે તેની નંબર સત્તર લખેલ સ્પોર્ટ્સ ટી-શર્ટ પહેરીને ઉભી હતી. તેના એક હાથમાં તેની ફેન્સીંગ સ્ટીક હતી અને બીજા હાથમાં ફેન્સીંગ માસ્ક હતું. તેના કાળા સુંદર વાળ તેણીએ ખુલ્લા રાખેલા હતા. મને ખાતરી હતી કે ફોટો લેતી વખતે ફ્રેન્ડસની જીદને લીધે તેણીએ વાળ ખુલ્લા રાખ્યા હશે નહિતર એને ખુલ્લા વાળ ગમતા જ નહી. જોકે એ ખુલ્લા વાળમાં ખુબ જ સુંદર લાગતી હતી. તેની આંખો પરની મોટી કાળી ભ્રમર તેની આંખોને વધુ મોટી અને સુંદર બનાવી રહી હતી. તે કોઈ પરી કરતા કમ નહોતી લાગી રહી!

મેં ટેબલ પરના કાગળ ઉપર નજર કરી.

ફંડ રાઈઝીંગ ફોર ચિલ્ડ્રન: ઇન મેમરી ઓફ જીનલ શાહ.

મેં એ કાગળ હાથમાં લીધું અને ફોલ્ડ કરી તેને જીન્સના પોકેટમાં સરકાવ્યું અને ખિસ્સામાંથી પાંચસોની બે નોટ ટેબલ પર મૂકી.

“સંધ્યા...” હું મારું નામ બોલવા જતી હતી કેમકે ફંડ આપનાર દરેકનું નામ ત્યાં લખવામાં આવતું હતું અને જો હું નામ ન લખાવું તો જરા અજુગતું લાગે પણ હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા જ ટેબલ પાછળથી એક છોકરીએ કહ્યું, “સંધ્યા શર્મા.. તને કોણ નથી ઓળખતું...?? તું એ જ છે ને જેણીએ છોકરીઓને બચાવી છે?”

માત્ર હકારમાં માથું ધુણાવી હું ત્યાંથી આગળ નીકળી ગઈ. મને એમ લાગી રહ્યું હતું જાણે દુર ઉભી પેલા ફોટામાં પહેરેલ સપોર્ટ સુટ સાથે જીનલ મારા તરફ જોઈ મંદ મંદ હસી રહી છે... હું એને જોતી રહી... એની તસવીર આગળ અગરબત્તી જળતી હતી. એમાંથી પણ ધુમાડો નીકળતો હતો.! ધુમાડા સાથે મારે ગજબનો સબંધ છે.! મને ફરી મનમાં વિચાર આવ્યો. હું તસવીર પરથી નજર હટાવી બહાર ગઈ.

ઓડીટોરીયમની બહાર આવી મેં જોયું કે મારી જેમ જ નિશા, અને બીજી છોકરીઓ પણ કોલેજ આવી ગઈ હતી. તેમણે પણ રેસ્ટ કરવાનું પસંદ ન હોતું કર્યું.

સુરજે એ છોકરીઓને શહેરમાં ઉતારતા પહેલા સમજાવી દીધું હતું કે તેમની સાથે રાઘવ કિડનેપ થયો હતો એ વાત જ કોઈને ન કહેવી. એનું શું થયું એ અમને ખબર નથી એ જ કહેવું. જેમ રાઘવ કોલેજની છોકરીઓને ગુમનામ બનાવી નાખતો હતો કે તે જીવતી છે કે મરી ગઈ છે એ જ નક્કી ન થઇ શકે. અમે પણ એની સાથે એ જ કર્યું. એને ગુમસુદા બનાવી નાખ્યો જેથી એ જીવીત છે કે મરી ગયો છે એ જ કોઈ નક્કી ન કરી શકે. કિરણ સર જેલના સળિયા પાછળ ધકેલાઈ ચુક્યો હતો, કદાચ જીવનમાં ફરી એને કોલેજ કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જોવા મળવાનું ન હતું.

હું નિશા, મનીષા, રિયા અને બીજો છોકરીઓ સાથે કોલેજ કેમ્પસમાં વ્યસ્ત હતી. એ કોલેજનો પહેલો દિવસ હતો જયારે હું સાચે જ ખુશ હતી! જયારે હું ફરી સંધ્યા હતી! કદાચ સૂરજને લીધે. મેં એક નજર આકાશ તરફ કરી, સૂરજ ધીમે ધીમે રંગ પકડી રહ્યો હતો, તે તેજ બની રહ્યો હતો અને આગળ વધી રહ્યો હતો.

“સંધ્યા, લૂક.” નિશાએ મારો હાથ ખેચતા કહ્યું.

“વો..ટ..?” હું એનાથી આગળ વધુ કાઈ ન બોલી શકી, મેં મેઈન એન્ટ્રેન્સ તરફથી આરાધના અને તેની બંને રૂમમેટને આવતા જોયા. તેમની સાથે એક અજાણ્યી છોકરી હતી, કદાચ મેં એને પહેલા ક્યારેય જોઈ ન હતી.

આવતાની સાથે જ આરાધના મને ગળે વળગી રડવા લાગી. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેતા હતા. તેની બંને રૂમમેટ પણ એટલી જ ખુશ હતી. ફરી મારું ધ્યાન એ અજાણ્યી છોકરી પર ગયુ.

“અ ન્યુ ફ્રેન્ડ?” મેં આરાધનાને પૂછ્યું.

“યસ. ગેસ વું ઈઝ સી?” આરાધનાએ હસતા હસતા કહ્યું.

મેં અંદાજ લગાવવાનો પ્રયાસ કર્યો પણ મને યાદ આવ્યુ નહી કે મેં એ છોકરીને પહેલા ક્યારેય જોઈ હોય.

“આઈ કાન્ટ.” મેં કહ્યું.

“આઈ એમ રોશની.” આરાધના તો આટલી સહેલાઈથી મને જવાબ ન આપત પણ એ છોકરીએ જ કહ્યું.

“સૂરજની બહેન?” મારા મોમાંથી આકસ્મિક શબ્દો નીકળી ગયા.

“કોણ સૂરજ?” આરાધનાએ કહ્યું.

મેં ભોઠપ અનુભવી. મને થયું હું પણ પાગલ થઇ ગઈ છું. જેટલી છોકરીઓના નામ રોશની હોય તે બધી સૂરજની બહેન થોડી હોય.!

“એ જ સૂરજને જે અમને કાળ કોટડીમાંથી છોડાવી લાવ્યો?” આરાધનાએ ઉમેર્યું અને માત્ર ત્યારે મને ખયાલ આવ્યો કે આરાધના અને એની રૂમમેટ ફરી જોવા મળ્યા એ ખુશીમાં હું એને પૂછવાનું જ ભૂલી ગઈ હતી કે તેઓ ક્યાં હતા અને કઈ રીતે પાછા આવ્યા.

“તને એણે બચાવી?” મેં નવાઈથી કહ્યું.

“હા, તેણે કોઈને થર્ડ ડીગ્રી ટોર્ચર કર્યો અને એ બિચારાએ અમે ક્યાં કેદ છીએ એનું એડ્રેસ એને આપી દીધું.” આરાધનાએ કહ્યું.

“અને પછી એ બિચારા ટોર્ચર થયેલ માણસનું શું થયું?” મેં પૂછ્યું. હું જાણતી હતી કે આરાધના રાઘવ માટે બિચારો ટોર્ચર થયેલ માણસ શબ્દ વાપરી રહ્યી હતી. તેને પણ સૂરજે સમજાવી દીધું હશે કે શું કરવું.

“જેની બહેનને તે બચાવી લીધી હોય એ વ્યક્તિ તારી બહેનના કાતિલ સાથે શું કરે? એ કાતિલ બિચારો ગભરાઈને ચાલુ કારમાંથી કુદી પડ્યો અફસોસ એ જ્યાં પડ્યો ત્યાં રોડની બાજુમાં માઈલ સ્ટોન હતો અને એનું માથું એ માઈલ સ્ટોનના પથ્થર સાથે અથડાઈ ગયું.” આરાધાનાએ કહ્યું.

હું સમજી ગઈ કે આરાધનાને સૂરજે બધી વાત કરી હતી અને તેમણે આયોજનપૂર્વક રાઘવનું કામ તમામ કરી નાખ્યું હતું. કદાચ એ પણ કુદરતનો ન્યાય હતો રાઘવ પણ જીનલના જન્મ દિવસે જ મૃત્યુ પામ્યો અને એ પણ એ જ રીતે જે રીતે જીનલ મૃત્યુ પામી હતી.

હું આરાધના, નિશા, મનીષા, રિયા, સ્નેહા અને એમની પાતળી ફ્રેન્ડ તેમજ પેલી ચોથી છોકરીને વારા ફરતી ભેટી પડી. મારી આંખો સજળ બની ગઈ.

“જા બહાર કારમાં કોઈ તારી રાહ જોઈ રહ્યું છે.” છેવટે આરાધનાએ હસતા હસતા કહ્યું.

“કોણ?”

એણીએ કાઈ જવાબ ન આપ્યો, તે માત્ર મારા તરફ જોઈ હસી. મારે જવાબની જરૂર પણ ન હતી. હું બધાને હાથ હલાવતી બહાર ઉભી કાર તરફ જવા લાગી. કદાચ દુનિયામાં પહેલીવાર એવું બન્યું હતું સૂરજ સંધ્યાની રાહ જોઈ રહ્યો હતો અને સંધ્યા સૂરજ તરફ જઈ રહી હતી.

હું દરવાજા બહાર ગઈ. ત્યાં મેં દ્રશ્ય જોયું. એ જ દાઢી-મૂછવાળો સૂરજ આજે ડાર્ક બ્લુ જીન્સ અને બ્લેક ટી શર્ટ ઉપર વાઈટ બ્લેઝરમાં એની ગાડી પાસે નાના નાના બાળકોને ભેગા કરીને ચોકલેટ આપતો હતો. રોડ ઉપર નાના બાળકોનું એક મોટું ટોળું ભેગું થયેલું હતું. ઝડપથી વહેતા વાહનોના અવાજ વચ્ચે બાળકોના હસવાનો અવાજ ખીલખીલાટ હવામાં આહ્લાદ ઉમેરતો હતો.

એ દ્રશ્ય જોઈ મારો ચહેરો ખીલી ઉઠ્યો.! સંધ્યા એ સૂરજને જોઈ ખીલી ઉઠી.! ત્યાં મને એક સફેદ વસ્ત્રોમાં સજ્જ પરી જેવી છોકરી દેખાઈ. એ જીનલ હતી. એ જ મર્માળ સ્મિત એના ચહેરા ઉપર હતું. એ ઘડીક સૂરજને અને ઘડીક મને જોઈ રહી હતી. સૂરજ એના ધ્યાનમાં હતો. ત્યાં જીનલે મને હાથ હલાવી વિદાય લીધી એ ધીમે ધીમે હવામાં ગાયબ થઇ ગઈ.

“શું થયું સંધ્યા?” એકાએક સૂરજ મારી સામે આવીને ઉભો રહી ગયો.

“કઈ... કઈ નહી....” મેં એના ખભા પાસેથી પાછળ નજર કરી ત્યારે સૂરજે પણ પાછળ જોયું.

“તે સ્ટ્રેસની ગોળી નથી લીધી આજે?” સૂરજ સમજી ગયો હતો કે મારું મન ત્યાં જીનલને જોતું હતું. સૂરજના ગાલમાં અને ચહેરા ઉપર મોટા ઘા હતા. મેં ચાંદ ઉપર દાગ જોયા હતા પણ સૂરજ ઉપર આજે પહેલીવાર જ દાગ જોયો હતો. જોકે એ દાગ માત્ર મેં જ જોયો હતો દુનિયાએ નહી...!!

“ના... મારે હવે ટેબલેટની જરૂર નથી...” મેં હસીને કહ્યું.

“વેલ... હું અમેરિકા જાઉં છું રોશનીની ટ્રીટમેન્ટ માટે એટલે મળવા આવ્યો હતો..”

“ગોડ બ્લેસ હર....” કહી મેં હાથ મિલાવ્યા.

“હમ્મ્મ્મ જીનલ પણ સ્વર્ગે પહોંચી ગઈ હશે હવે....” એણે હસીને કહ્યું, “ફરી મળીશું.. ટેક કેર...”

મેં માથું હલાવ્યું અને મારું પર્સ બંને હાથમાં પકડી અદબવાળી ઉભી રહી. સૂરજ ગાડીમાં બેઠો. જતા પહેલા એણે મારી સામે જોયું, “સંધ્યા, થેંક્યું...”

મારા ચહેરા ઉપર એક નિર્દોષ સ્મિત ફરી વળ્યું ને સૂરજે ગાડી હંકારી મૂકી. તે આકાશના સૂરજ સાથે કદમથી કદમ મિલાવી ચાલવા લાગ્યો અને સંધ્યા પહેલી વાર રાતમાં ઢળ્યા વિના સૂરજને જતો જોઈ રહી. આમ તો સૂરજ સવાર માટે ઉજાસ લઈને આવે છે પણ આ સૂરજે સંધ્યાના જીવનમાં એટલું અજવાળું ભરી દીધું હતું કે તે ફરી ક્યારેય રાતમાં ઢળી શકે તેમ હતી જ નહિ.

*** સમાપ્ત ***

વાંચકોને.....

વિકી ત્રિવેદીના પુસ્તકો તમે અમેજોન પરથી ખરીદી શકો છો. અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર 8154973150 ઉપર મેસેજ કરીને ઘરે બેઠા કેશ ઓન ડીલીવરીથી ગમે તે પુસ્તક મંગાવી શકો છો. અલબત્ત ત્રિવેદી પ્રકાશન તમને 25 % ડિસ્કાઊંટ પણ આપશે અને કેશ ઓન ડીલીવરીની સુવિધા પણ પૂરી પાડશે. વિકી ત્રિવેદીની સસ્પેન્સ થ્રીલર, ફેન્ટાસી, લવ સ્ટોરી, એક્શન એડવેન્ચર તેમજ સાયન્સ ફિક્શન નવલકથાઓ 1. સંધ્યા સૂરજ 2. મૃગજળ 3. અંતર આગ 4. ખેલ 5. શિકાર 6. નક્ષત્ર 7. મુહૂર્ત 8. સ્વસ્તિક 9. શમણાંની શોધમાં 10. ધ ફેન એ મેડ્નેશ 11. સફર 12. અભિલાષા 13. મર્ડર ઇન મોનસુન તેમજ 14. 24 x 7 છે.

You can reach author @ અહી તમે લેખકને ફોલો કરી શકો છો.

Facebook : Vicky Trivedi (વિકી બાબુ)

Instagram : author_vicky

E-Mail : vinodtrivedi21@gmail.com

Website : authorvicky.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED