સંધ્યા સૂરજ - પ્રકરણ - 24 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા સૂરજ - પ્રકરણ - 24

હું વેર-હાઉસની સામેના ખંડેરમાં છુપાઈ મીનીસ્ટરના આવવાની રાહ જોવા લાગી. મારા કપડા મેલા હતા. મેં ટીશર્ટથી મારું મોઢું લુછ્યું. પરસેવો હટતા મને થોડી રાહત થઇ. મેં જીનલને આપેલ વચન પૂરું કરવાનો સમય આવી ગયો હતો. મારી આંખો સમક્ષ જીનલનો ચહેરો અને મનમાં બદલાની ભાવના આકાર લઇ રહી હતી. સૂરજ આથમવાની તૈયારી હતી. સંધ્યા બરાબર ખીલી હતી....!!

એકાદ વર્ષ પહેલા કોઈએ મને પૂછ્યું હોત કે બદલો શબ્દનો શું અર્થ છે? તો હું એ શબ્દને ઘાતકી અને નકામા શબ્દમાં ખપાવી વખોડી કાઢત પણ હવે મારા માટે બદલો મહત્વનો શબ્દ બની ગયો હતો! છોકરીઓ માત્ર બોયફ્રેન્ડ માટે જ જીવતી હોય એવું નથી હોતું. હું મારી બહેન માટે મારી લાડલી જીનલ માટે મરવા તૈયાર હતી.

એક સમય હતો જયારે બદલો અને વેરભાવના જેવા શબ્દોને હું બિનજરૂરી સમજતી હતી પણ હવે સમય બદલાઈ ગયો હતો. હું જાણતી હતી કે બદલો એ બિનજરૂરી નહિ પણ જરૂરી શબ્દ હતો. કદાચ મારી સ્ટ્રેસ દુર કરવાની ટેબલેટ કરતા પણ મહત્વનો.

મીનીસ્ટર જીનલના મોત માટે જવાબદાર છે એ જાણ્યા પછી મારા મનમાં મારા શરીરના એક એક પાર્ટીકલમાં બદલાની ભાવના દોડવા લાગી હતી. લગભગ કલાક મેં રાહ જોઈ એ પછી કાળા રંગની ફોર્ચ્યુનને વેર-હાઉસના દરવાજે રહેતી જોઈ. તેમાંથી મેં મીનીસ્ટર અને તેના ચાર માણસોને ઉતરતા જોયા. સૂરજે કહ્યું હતું તેમ તે લોકો પ્રોફેશનલ હતા પણ તેમના કપડા પરથી એમ લાગતું ન હતું કે એ તેના બોડી ગાર્ડસ હતા.

મીનીસ્ટર આવા સીનીસ્ટર કામ કરતી વખતે પોતાના બોડી ગાર્ડ્સને પોતાની સાથે ન રાખે એ દેખીતી વાત હતી. તેને જોતા જ મારા શરીરનું બધું જ લોહી જાણે મારા મગજમાં દોડી જતું હોય તેમ મને લાગ્યું!

મારા કપાળ પર પરસેવાના એક બે બુંદ જમા થઇ ગયા. હું આખા શરીરમાં કોઈ ભડકતી આગ બળી રહી હોય એવું મહેસુસ કરવા લાગી. મેં મારા બંને હાથની હથેળીઓમાં પરસેવો મહેસુસ કર્યો.

હું જાણતી હતી હું એ નરાધમને જોઈને ગુસ્સાથી પાગલ થઇ રહી છું. મેં એને કોલેજના એક ફંકશનમાં પહેલા પણ જોયો હતો. ત્યાં એ નાલાયક કેટલી મોટી અને સારી વાત કરતો હતો..!!

મેં ફરી એક નજર પોતાની જાત પર કરી. હું એ ચાર પ્રોફેશનલ લોકોની હાજરીમાં એને મારી શકવા સમર્થ ન હતી એ હું જાણતી હતી. મારે બીજા આઈ.પી.એસ. અધિકારીઓ આવે તેની રાહ જોવી પડે તેમ હતી કેમકે મીનીસ્ટરની સાથે હતા એ લોકો શાર્પ શૂટર હતા જ્યારે હજુ હું ટ્રેનીંગ લેતી એક અન્ડર ટ્રેઈનીંગ છોકરી હતી જેણીએ ટ્રેનીંગ પૂરી થયા પહેલા જ મિશન પર જવાની તૈયારી દર્શાવી હતી. મને એ પરમીશન કતૈ ન મળી હોત પણ અખિલેશ સર ગજબના આદમી હતા. જીનલની વાત સાંભળીને એમની ખોપરીમાં એ ધૂન ચડી ગઈ હતી.

મારા શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા હતા. જે દુશ્મનને મારવાનું હું એક વર્ષથી સપનું જોઈ રહી હતી એ મારી સામે હતો પણ એને મારવા મારે હજુ રાહ જોવી પડે તેમ હતી. અને આઈ.પી.એસ. અધિકારીઓ આવ્યા પછી પણ એક પ્રોબ્લેમ હતો. જો મીનીસ્ટર સરન્ડર કરે તો હું કાનુન હાથમાં લઇ શકીશ નહિ. હું એને બધાની હાજરીમાં જો એ આત્મ સમર્પણ કરે તો નહિ મારી શકું એ હું જાણતી હતી.

*

સાંજ ઢળી ગઈ હતી. આછું અંધારું છવાઈ રહ્યું હતું. સફેદ સાયરન લેસ ટાટા સુમોને વેર-હાઉસથી થોડેક દુર જોતા જ હું સમજી ગઈ કે એ ગાડીઓ કોની હતી. એમાંથી ઉતરેલા સજ્જ ચાર વ્યક્તિ આઈ.પી.એસ. ઓફિસર જ હતા. એમણે એ વેર-હાઉસ તરફ લપાતા ચાલવાનું શરુ કર્યું.

મેં પણ મારું હાઈડીંગ પ્લેસ છોડી એમની તરફ જવા માંડ્યું. લગભગ અમે વેર-હાઉસના મુખ્ય દરવાજા પાસે ભેગા થયા. એ ચાર ઓફીસરોમાંથી એક તો મને ટ્રેનીંગ આપનાર અખિલેશ સર અને ત્રણ અજાણ્યા માણસો હતા.

“તેઓ અંદર છે. મેં અંદર રહેલ હોસ્ટેજને એમના આવતા પહેલા સેફ કરી નાખ્યા છે.” મેં અખિલેશ સરને કહ્યું.

“અંદર કેટલા માણસો છે?”

“પાંચ, બધા હથીયાર બંધ અને પ્રોફેસનલ છે..”

અખિલેશે બાકીના ત્રણ લોકોમાંથી બેને ઈશારો કરી આગળ રવાના કર્યા. જ્યારે એ બે ઓફિસરોએ દરવાજાની અંદર યોગ્ય સ્થળે પોઝીશન લઇ લીધી ત્યારબાદ અમે એમના ઈશારે અંદર દાખલ થયા.

અમે મેઈન ગ્રાઉન્ડ પાસ કરી વેર-હાઉસના મેટલ શટર નજીક હાઈડીગ પ્લેસ બનાવ્યું. ત્યાં જ અમને અંદરથી મીનીસ્ટર અને એના માણસોનો અવાજ સંભળાયો. મેં ઝડપથી પોઝીસન લીધી. બીજા પણ બધા ચેતિની પોતપોતાની જાતને હાઈડીંગ પ્લેશની મદદથી સેફ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.

અખિલેશ અને અન્ય બે જણે પોતાનું હાઈડીંગ પ્લેસ મેળવી લીધું પણ ચોથા વ્યક્તિને સચેત થવામાં કદાચ વાર લાગી હશે કે મીનીસ્ટરનો શાર્પ શુટર વધુ ચાલાક હતો જે હોય તે પણ એને મેં જમીન પર પડતા જોયો.

અખિલેશ અને અન્ય બે માણસોએ કવર ફાયર આપવાનું શરુ કર્યું અને એ વ્યક્તિ ઘસડાતો જ સટર તરફ આવવા લાગ્યો. હું એને સટર તરફ ખેંચી લેવા હાથ લંબાવવા ગઈ ત્યા જ મેં સટરના લોખંડ સાથે કોઈ મેટલનો રણકાર સાંભળ્યો અને આછા અંધકારમાં સટર પર સર્જાયેલ એક તણખો નિહાળ્યો. મેં મારા હાથને પાછો ખેચી લીધો.

સારું થયું કે ત્યાં અંધારું હતું એટલે તેઓ જમીન પર ઘસડાતા ઓફિસરને ટાર્ગેટ બનાવી શક્યા નહી. એ ઓફિસરે પોતાની જાતને શટર પાછળ મહેફૂસ કરવામાં સફળતા મેળવી એ જોઈ મને રાહત થઇ.

“ધે હેવ અ સ્નાઈપરમેન.” અખિલેશે મારા તરફ જોઈ કહ્યું.

“નો સર એ બધા માણસો શાર્પ શુટર છે એટલે એમનું નિશાન તેઝ છે. તેઓ અંદર દાખલ થયા ત્યારે મેં એમને જોયા હતા. એમનામાંથી કોઈની પાસે સ્નાઈપર બેગ ન હતી.”

“કોઈ સુઈટકેસ?”

“નો, સર આઈ એમ સ્યોર.”

“યાદવ... ગીવ ધેમ વોર્નિંગ.” અખિલેશે એક ઓફિસરને કહ્યું. એ સાથે જ ઓફિસર યાદવે મોટેથી કહ્યું..... “તમે ચારે તરફથી ઘેરાઈ ચુક્યા છો. તમારી જાતની સલામતી ઇચ્છતા હોવ તો પોતાની જાતનું સમર્પણ કરી દો.”

વળતો કોઈ જવાબ ન મળ્યો.

યાદવે ફરી એમ વોર્નિંગ દોહરાવી પણ કોઈ જ જવાબ ન આવ્યો. અખિલેશે બીજા એકને કઈક ઈશારો કર્યો. એ જરાક બહાર નીકળ્યો અને સામેની દીવાલ સાથે ચોંટી ગયો હોય એમ ઉભો રહી ગયો. ત્યારબાદ એનાથી આગળ રહેલા કન્ટેનરનો સહારો લઇ એણે અખિલેશ તરફ જોઈ કઈક ઈશારો કર્યો.

“રાકેશ, તું ચાલી શકે તેમ છે?” અખિલેશે ઘાયલ ઓફિસર તરફ જોઈ પૂછ્યું.

“યસ, સર.”

“તો ગાડીમાં જઈ ટીમને સંદેશો મોકલ. કદાચ અંદર વધુ લોકો હોય તો બીજી ટીમની જરૂર પડી શકે છે. હમણા અંદર મીનીસ્ટર છે એ ન્યુઝ લીક ન થવા દઈશ નહિતર મીડિયા વચ્ચે આવી જશે અને નિયમોનું પાલન કરી અંદર ઘૂસવું પડશે તો આપણામાંથી એક બે ઓફિસરની શહીદી વહોરવાનો વારો આવશે.” અખિલેશ ઓર્ડર આપતા હતા. અખિલેશ પણ ગજબના માણસ હતા મિડીયાથી એમને સખત સુગ હતી. બધાને ચીલ ઝડપે આદેશ આપી દીધા.

“જી સર.” કહી રાકેશ ઉભો થયો. એને ખભામાં ગોળી વાગી હોવા છતાં તે ઉભો થઇ બહારની તરફ જવા લાગ્યો એ જોઈ મને નવાઈ ન લાગી કેમકે હું એ ટ્રેનીંગ લઇ રહી હતી અને જાણતી હતી કે ત્યાં શું શીખવવામાં આવે છે. ત્યાં દર્દ સહન કરવાનું શીખવવામાં આવે છે જે મેં પણ શીખ્યું હતું અને એટલે જ હું ભૂખી તરસી રહી શકી હતી. એ અંધારી કોટડીમાં હું એકલી રહી શકી હતી.

મેં અખિલેશે અને ત્રીજા ઓફિસરે યાદવ જે કન્ટેનર પાછળ છુપાયો હતો એ જ કન્ટેનર પાછળ શરણ લીધું. હવે એક એક ડગલું સંભાળીને ચાલવાનું હતું. એ મુશ્કેલ કામ હતું પણ અમારી ટ્રેનીંગના લીધે એ કામ અમને બહુ અઘરું ન લાગ્યું. એમાય વેર-હાઉસના કન્ટેનરો જાણે અમારી મદદ કરવા માટે જ ત્યાં હોય એમ લાગી રહ્યું હતું.

કન્ટેનરો ઓળંગી આગળ ગયા પછીનો રસ્તો હું સારી રીતે જાણતી હતી.

“આ વેર-હાઉસમાં ઘણી બધી કેબીનો છે. આપણે વહેચાઈ જવું પડશે. એક સાથે અંદર જઈ નહી શકાય.” મેં અખિલેશ તરફ જોઈ કહ્યું.

“યુ આર રાઈટ સંધ્યા.....” મને અખિલેશ સરે કહ્યું “ગુડ જોબ સંધ્યા.....” પછી એમણે યાદવને કહ્યું, “યાદવ તું અહી જ રહે, વેઇટ કર. જો કોઈ બહાર નીકળી ભાગવાનો પ્રયાસ કરે તો કોઈ જ વોર્નિંગ આપ્યા વિના શૂટ કરી દેજે.”

“ઓકે સર.”

“સંધ્યા, કીપ ધીસ સાયલેન્સર ગન. ઈટ વિલ હેલ્પ યુ ઇન કેબીન્સ.” અખિલેશે મને સાય્લેન્સરવાળી ગન આપતા કહ્યું.

મેં મારી ગનને પોતાની પીઠ પાછળ ભરાવી સાયલેન્સર ગનને મજબુત હાથની પકડમાં લીધી. અમે બધા વહેચાઈ ગયા. મને અંદર તરફ જવાના મોટા ભાગના રસ્તા ખબર હતા એટલે મને અંદર ઘુસવામાં તકલીફ ન પડી. સૂરજે મારા મગજમાં આખા વેર-હાઉસનો નકશો ફીટ કરી નાખ્યો હતો.

હું જાણતી હતી કે મીનીસ્ટર ક્યા હશે. મને ખાતરી હતી એ પોતાના પીલ્લાને શોધી રહ્યો હશે અને પોતાના પીલ્લા રાઘવને ક્યાંય ન જોતા એ પાગલ બની જે કેબીનમાં રાઘવ કેદી બની રહેવાનું નાટક કરી રહ્યો હતો એ ચેમ્બરમાં બેઠો હશે. પોતાનો દીકરો ક્યા હશે એનો અંદાજ લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હશે.

હું મુખ્ય હોલમાં દાખલ થઇ એ જ સમયે મને દુરના એક કન્ટેનર તરફ ગોળીઓનો ધણધણાટ સંભળાયો. હું સમજી ગઈ કે અખિલેશ અને બીજો ઓફીસર પણ ત્યાં પહોચી ગયા છે. મારે બહુ ઝડપ કરવાની જરૂર હતી.

હું જલ્દીથી રાઘવની કેબીન તરફ લપકી. મને એમ હતું કે કોઈ મારા માર્ગમાં વિઘ્ન બનશે પણ મને કેબીનના દરવાજા સુધી પહોચવામાં કોઈ વિઘ્ન ન નડ્યું. મને થયું કદાચ મારો અંદાજ ખોટો નીકળશે પણ દરવાજામાં દાખલ થતા જ મેં મીનીસ્ટર અને તેના એક ચમચાને ત્યાં જોયા.

એ લોકોને મારા આવવાનો અણસાર પણ મળે એ પહેલા મેં મીનીસ્ટરની બાજુમાં ઉભેલ એના ચમચાનું માથું ગોળીથી ફોડી દીધું કેમકે હું જાણતી હતી કે એ શાર્પ શુટર હતો પહેલા તેને ઉડાવવો જરૂરી હતો. મીનીસ્ટરના પોતાના તરફથી મને ખાસ કોઈ જોખમ ન હતું કેમકે આપણા દેશની રાજનીતિમાં આવનાર માણસમાં કોઈ હુનર હશે એમ માનવું મૂર્ખાઈ ભર્યું હતું. કમ-સે-કમ એનામાં નિશાન લગાવવાનું હુનર તો ન જ હોય!

ભલે નેતાઓમાં બીજું કોઈ હુનર ન હોય પણ તેઓ શિયાળ જેવા લુચ્ચા હોય છે એ હું જાણતી હતી. મીનીસ્ટરમાં પણ એજ લુચ્ચાઈ હતી એણે પોતાના ચમચાને શિલ્ડ બનાવી પાછળ શરણ મેળવી લીધું. મારે પણ દરવાજાની બહાર નીકળી જઈ દીવાલને શિલ્ડ બનાવવી પડી કેમકે જો હું ખુલ્લામાં હોઉં તો ભલે એને નિશાન તાકતા ન આવડતું હોય તો પણ એ અંધાધુંધ ગોળીઓ ચલાવી શકે તેમ હતો. કારણકે એના હાથમાં મીની મશીન ગન હતી.

મેં દરવાજા અંદર જોવાનો પ્રયાસ કર્યો એ જ સમયે મેં દીવાલ સાથે બુલેટને અથડાતી અનુભવી. હું સમજી ગઈ કે અંદર જવું યોગ્ય નથી. મેં દીવાલને આડશે રહીને જ ગોળીઓ ચલાવી. થોડીવાર અમારા વચ્ચે એ રમત ચાલી.

“સંધ્યા. એવરીથિંગ ઈઝ અન્ડર કંટ્રોલ.” અખિલેશે મારા પાસે આવી કહ્યું.

“બધા પકડાઈ ગયા?”

“ના, મરી ગયા આપણે મીનીસ્ટર સિવાય કોઈને જીવતા પકડવાની જરૂર નથી.”

“ઓકે.” મેં રાહતનો શ્વાસ લેતા કહ્યું.

“મીનીસ્ટર સાહેબ તમાર બધા માણસો મરી ચુક્યા છે. સરેન્ડર કરી બહાર આવવા સિવાય કોઈ રસ્તો નથી.” અખિલેશે મારી પાસે દીવાલની આડશે છુપાઈ કહ્યું.

“તું કોણ છે?”

“આઈ.પી.એસ. અખિલેશ.”

સામેવાળો વ્યક્તિ આઈ.પી.એસ. છે. કોઈ ગેંગનો શાર્પ શુટર નથી એ જાણી રાહત થઇ હોય તેમ મીનીસ્ટર હાથ ઊંચા કરી ગન ફેકી બહાર આવ્યો.

“રાઘવ ક્યા છે?” મીનીસ્ટરે બહાર આવી અખિલેશ તરફ જોઈ પૂછ્યું.

“કોણ રાઘવ?”

“મારો દીકરો...”

“એ અહી શું કરતો હતો?”

“એને કોઈકે કિડનેપ કર્યો હતો જેની જાણ મને થઇ એટલે હું એને બચાવવા આવ્યો હતો.”

“તો આઈ.પી.એસ. અધિકારીઓ પર ગોળીઓ કેમ ચલાવી?” અખિલેશ સરે પ્રશ્નો કર્યા.

“મેં તમને કોઈ ગેન્ગના શાર્પ શુટર સમજ્યા હતા. મેં પોતે પોલીસને જાણ નહોતી કરી એટલે મને વિશ્વાસ ન થયો કે તમે સાચા પોલીસના માણસો છો.”

“પોલીસને જાણ કેમ ન કરી?”

“કેમકે મને પોલીસ પર વિશ્વાસ ન હતો. આ કાવતરામાં પોલીસ પણ સાથે હોઈ શકે તેમ મને લાગ્યું હતું.”

મીનીસ્ટરના જવાબો પરથી હું સમજી ગઈ કે મીનીસ્ટર આબાદ બચી નીકળશે. એનો વકીલ કોર્ટમાં સાબિત કરી દેશે કે એ માત્ર ખોટા સમયે ખોટી જગ્યાએ જઈ ચડેલ વ્યક્તિ હતો. એ લોકો એનો દીકરો કિડનેપ થયાના અને કીડનેપરના ફોન આવ્યાના ખોટા પુરાવા પણ રજુ કરી નાખશે. એ બચી જશે, એ હરામી બચી જશે, એ ખૂન ચુસણીયો રેપીસ્ટ, નામર્દ કમીનો બચી જશે.....!!! એ વિચાર સાથે જ હું સમસમી ઉઠી હતી.

“રાઘવ અહી કિડનેપ હતો તો એ બધા લોકો સાથે સેફ અહીંથી નીકળી ગયો હશે કેમકે અમે અહી છાપો માર્યો એ પહેલા બધા હોસ્ટેજ અહીંથી સલામત સ્થળે નીકળી ગયા હતા.” મેં કહ્યું.

“કઈ રીતે?” મીનીસ્ટર બને એટલા નવાઈના ભાવ એના ચહેરા ઉપર લાવતો કે આવી જતા હતા.

“હું પણ અહી હોસ્ટેજ હતી, અમે લોકોએ બળવો કર્યો હતો. અહી અમને કેદ કરી રાખનાર સૂરજ નામના કોઈ વ્યક્તિ પર રાઘવે એ જમવાનું આપવા આવ્યો ત્યારે હુમલો કર્યો હતો અને રાઘવ એને માત કરવામાં સફળ રહ્યો હતો.” મેં જે કહ્યું એ મીનીસ્ટર સો ટકા સમજી જશે એની મને ખાતરી હતી.

“તો હવે ક્યા છે રાઘવ?”

“એ સૂરજ પોતાની કારમાં લઇ બાકીની છોકરીઓ સાથે નીકળી ગયો છે.” મેં કહ્યું.

મારી વાત પરથી મીનીસ્ટર સમજી ગયો હતો કે હું શું કહેવા માંગું છું. એ જાણતો હતો કે રાઘવ ક્યારેય હુમલો કરી કિડનેપ થયેલા લોકોની મદદ ન કરે. મેં એને આખી કહાની ઉલટી સંભળાવી હતી. એ સમજી ગયો હતો પણ આઈ.પીં.એસ. અધિકારીઓની હાજરીમાં કાઈ બોલી શકે તેમ પણ ન હતો. મેં એને બરાબર એની જ ચાલમાં ફસાવ્યો હતો.

“તો તું એમની સાથે કેમ ન ગઈ?”

“કેમકે હું પોલીસના આવવાની રાહ જોતી હતી.”

“ચાલો મીનીસ્ટર સાહેબ અમારો એક આદમી પણ બહાર ઘાયલ છે એને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવો પડશે બાકીને વાતો રસ્તામાં કરીશું.” અખિલેશે કહ્યું અને તે બહારની તરફ ચાલવા લાગ્યો.

અખિલેશની પાછળ બીજો અધિકારી અને એની પાછળ વાતો કરતા હું અને મીનીસ્ટર ચાલવા લાગ્યા. મીનીસ્ટર એના માણસો મર્યા એ બાબતે અખિલેશ સર ઉપર જોર કરોત પણ મેં એને રાઘવ વિશે વિચારતો કરી મુક્યો હતો.

મીનીસ્ટર જાતે કરીને ઘાયલ હોવાનું નાટક કરી ધીમી ચાલે ચાલી રહ્યો હતો જેથી અમારી અને અખિલેશની વચ્ચેનું અંતર વધી શકે અને એ મને એ સવાલો પૂછી શકે જે ઓફિસરો સાંભળે તેમ પૂછી શકે તેમ ન હતો. હું પણ એ જ ઇચ્છતી હતી.

“તું કોણ છે?” અમારા અને અખિલેશ વચ્ચે ખાસ્સું એવું અંતર વધી ગયા પછી મીનીસ્ટરે પોતાનું મો ખોલ્યું.

“એ જાણવાથી તને કોઈ ફાયદો નહિ થાય.” મેં કહ્યું, “તું જે જાણવા માંગે છે એ સવાલ કર.” મેં એને ફસાવવાનો પેતરો ગોઠવી લીધો હતો બસ હવે એ મારી ચાલને સમજી શકે છે કે નહી તે જોવાનું હતું.

“મને ખબર છે તું આખી કહાની ઉલટાવીને સંભળાવી રહી છે. તને રાઘવે નથી બચાવી પણ સૂરજે બચાવ્યા છે તમને બધાને. મારો રાઘવ ક્યા છે?”

“રાઘવ ક્યા છે એ કહેવું હોત તો હું આટલી મોટી રમત કેમ રમોત? આઈ.પી.એસ.ની હાજરીમાં જ એ ક્યા છે એ કહી ન દોત?” મેં કહ્યું.

“તો તું શું ઇચ્છે છે? તું એને સ્પોટ પરથી ગાયબ કેમ કરી રહી છે?”

“કેમકે હું તને મરતો જોવા માંગું છું. તે પોલીસથી બચવા એક જુઠ્ઠાણાની રમત રમી. તું વિલન હોવા છતાં તે તારી જાતને હીરો સાબિત કરી નાખ્યો. સામે મેં પણ એ જ રમત રમી મેં રાઘવને વિલનમાંથી હીરો બનાવી દીધો.”

“અને એનાથી તને શું ફાયદો થશે?” મીનીસ્ટર હજુ કાઈ સમજી શક્યો ન હતો.

“મને ફાયદો થશે કે નહિ એના કરતા તને શું નુકશાન થશે એ તારે વિચારવું જોઈએ.”

“મતલબ?”

“મતલબ સાફ છે. જે છોકરીઓ બચીને ભાગી ગઈ છે એ અને હું અમે બધા એક જ સટેટમેંન્ટ આપીશું કે રાઘવ અમને બચાવવા માટે બીલી અને બીજા એક ગુંડા સાથે જીવ સાટોસાટનો દાવ લગાવી લડ્યો. એ અમને બધાને બચાવવામાં અને બીલી અને બીજા ગુંડાને મારવામાં પણ સફળ રહ્યો પણ એ બહાદુરી બતાવતી વખતે એને પણ પીઠમાં એક ગોળી વાગી ગઈ છતાં એક પ્રમાણિક અને ઈમાનદાર મંત્રીના બહાદુર છોકરાએ અમને શહેર સુધી સલામત પહોચાડ્યા પછી તેણે દમ તોડી નાખ્યો.”

“શું.... શું એને ખરેખર ગોળી વાગી છે?” મીનીસ્ટર મારી વાત સાંભળીને જ હલબલી ગયો.

“મંત્રી પાગલ થઈ ગયોને? તને ખબર છે કે બીલી તારો પાલતું કુતરો છે એ તારા રાઘવ પર ગોળી ક્યાંથી ચલાવી શકે? હજુ તારો રાઘવ તો કારની ડીકીમાં બંધ છે બિચારો.” મેં હસીને કહ્યું.

“તું એને કેમ મારવા માંગે છે છોકરી? તારે એનાથી શું દુશ્મની છે?”

“મારે એની સાથે કોઈ પર્સનલ દુશ્મની નથી. બસ હું તને મરતો જોવા માંગું છું...”

“કેમ? મેં તારા મમ્મી પપ્પાની હત્યા કરાવી છે? શું મેં તારા ભાઈને મારી નંખાવ્યો હતો? શું મેં કરાવેલા દંગામાં તારા ઘરમાંથી કોઈ મરી ગયું હતું? કે પછી તારી બહેનને કિડનેપ કરી મારા માણસોએ વેચી નાખી છે? તારે મારી સાથે શું દુશ્મની છે?”

“મંત્રી તે એટલા ગુના કર્યા છે એટલા પાપ કર્યા છે કે તને પોતાને પણ યાદ નથી કે કયા વ્યક્તિ સાથે તે શું અન્યાય કર્યો છે! છતા સાંભળીલે ગયા વર્ષે તારા માણસોએ જે છોકરીઓને કોલેજમાંથી કિડનેપ કરી હતી એમાં મારી નાની બહેન જીનલ પણ હતી અને એ રસ્તામાં જ કારમાંથી કુદી પડી હતી. પડતી વખતે પથ્થર સાથે માથું ટકરાવાથી એ બચી શકી નહી, બસ હું એનો બદલો ચાહું છું.”

“તું રાઘવને ન માર હું તને જોઈએ તેટલા રૂપિયા આપીશ... તું માંગીશ તે આપીશ બસ રાઘવને છોડીદે આ બધા આઈ.પી.એસ.ની તને બોસ બનાવી દઈશ.”

“મીનીસ્ટર મને તારો જીવ જોઈએ છે, મને તારી લાશ પાસે ઉભા રહી જીનલને આપેલ વચન પૂરું કરવાનું છે. જો એમ નહી થાય તો રાઘવ સાથે જ મારે મારો બદલો વશુલ કરવો પડશે.”

“પણ આ બધાની વચ્ચે મેં સરેન્ડર કર્યું છે હવે તું મને કઈ રીતે મારી શકે? તું પોતે જ ફસાઈ જઈશ.” મીનીસ્ટરે કહ્યું. લોહી માટે હરામી મીનીસ્ટર મરવા તૈયાર થયો એ જોઈ મને નવી લાગી. આ ડી.એન.એ. શું ચીઝ છે એ હજુ વૈજ્ઞાનિકોને પણ ક્યાં સમજાયું છે? ગમે તેવું હિંસક જાનવર પણ પોતાના બચ્ચાં માટે મારવા તૈયાર હોય છે. આ મનુષ્ય પ્રાણીઓ પણ આવા જ હોય છે. હું પણ આવી લોહીયાળ રમત મારી બહેન માટે જ તો રમી હતી.

“કોણે કહ્યું હું તને મારીશ? હું તને મારવા નહિ તારા હાથે મરવા માંગું છું....”

“મતલબ..?” મીનીસ્ટર હડકાયા કૂતરાની જેમ પાગલ થઇ રહ્યો હતો.

“જેમ તમે જીનલને મારી એમ હું પણ મરવા ઈચ્છું છું, મારી પીઠ પર મારા જેકેટમાં ગન છે. હું તને છેલ્લો મોકો આપવા માંગું છું એ ગન લઇ તું મને મારી નાખ. જો મારા નસીબ હશે તો હું બચીસ અને તારા નસીબ હશે તો તું. કેમકે એક પળ કરતા વધુ સમય તને નહિ મળે. અખિલેશ અને ટીમના બીજા ઓફિસરો તારા શરીરને છન્ની કરી દેશે પણ જો તું એ નહિ કરે તો રાઘવનું મરવું નક્કી જ છે.” મેં કહ્યું.

“બહુ સારી રમત રમી છે તું છોકરી... મારા કરતા પણ એક સ્ટેપ ઉંચી.” કહી તેણે લથડવાનો ડોળ કર્યો, મેં એને ટેકો આપવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન એણે મારા જેકેટમાં છુપાવેલ ગન નીકાળી લીધી.

એણે મને ધક્કો મારી દુર હડસેલી મારા તરફ ગન ઘરી ત્યાં સુધીમાં એ લથડ્યો ત્યારે અમારા તરફ જે ઓફિસરનું ધ્યાન ગયું હતું એણે મીનીસ્ટર તરફ નિશાન સાધી ટ્રીગર દબાવી દીધું હતું.

મીનીસ્ટરે જયારે ગનનું ટ્રીગર દબાવ્યું માત્ર એક નાનકડો થડ અવાજ થયો. એ ફાટી આંખે ગનને જોઈ રહ્યો.. ગનમાં ગોળીઓ હતી જ નહિ. મેં એની સાથે પણ એ જ રમત રમી જે મેં રાઘવ સાથે રમી હતી. મીનીસ્ટર ગન ફેકે એ પહેલા અખિલેશ અને બીજા ઓફિસરોની ગનમાંથી નીકળેલી બુલેટે તેને વીંધી નાખ્યો હતો.

મારું જીનલના કાતીલની લાશ પાસે ઉભા રહેવાનું સપનું પૂરું થઇ ગયું. અખિલેશ અને બાકીના ઓફિસરો મારા નજીક દોડી આવ્યા, મને કાઈ નથી થયું એ જોઈ તેમણે મીનીસ્ટરને તપાસ્યો. કદાચ એનામાં હજુ શ્વાસ હોય તો? પણ એના શ્વાસ બંધ થઇ ચુક્યા હતા.

અખિલેશે મારા તરફ જોયું અને કઈક વિચારતા હોય એમ ખિસ્સામાંથી ફોન કાઢી એમ્બ્યુલન્સનો નંબર ડાયલ કર્યો. “જીનલ હવે ખુશ હશે ને?” સામેથી કોઈ ફોન રીસીવ કરે એ પહેલા અખિલેશ સરે મારી સામે જોઈ કહ્યું. મેં માત્ર હકારમાં માથું હલાવ્યું.

***

(ક્રમશ:)