ટીપરીની ખૂબ યાદ આવે છે. આ અમારા ઘરના સભ્ય જેવી છે. તેનો ઝૂરાપો અનુભવાય છે. ટીપરીએ અમારા ઘરના ઘોડામાં વાસણો વચ્ચે રાજ ભોગવતી રાણીની જેમ શોભતી આજે એ ક્યાં હશે? તેવા પ્રશ્ન અમસતા મનમાં ઉભા થાય છે. આ ટીપરી એ અમારા માટે તો બાળપણમાં અક્ષયપાત્ર જ જાણે પણ, એને ફક્ત હીના એટલે મારા મોટા બહેન એ જ ઉતારે અને તેમાંથી તે અમને પાંચપૈસા દશકો,.વિસકો,પચ્ચીસપૈસા જે હોય તે આપી શકે .
વડદલા મારા ગામના ઘરમાં અમે રેહતા ત્યાં અમે શાળાએ જવા તૈયાર થયે ત્યારે આ ટીપરી બેન ઉતારી પોતે તેેમાંથી જોઈતા પૈસા લે અને અમને આપે અમે હરખમાં આવી ભાગોરે જઈને ચંદૂકાકાની દૂકાનેથી ચોકલેટ લઈ શાળામાં જઈએ.
સમયની સાથે અમે મોટા થવા લાગ્યા અને મેં દુસાહસ કર્યું અને ધીરે રહીને ટીપરી ઉતારવા હું ઘોડા પર ચઢી ગયો અને એક રૂપિયો લીધો અને ભાગરમાં જઈને મગનકાકાની લારી પરથી પચ્ચીસપૈસા ની ચાર ગુલ્ફી લઈ મિત્રો સાથે મોજ કરી અને જ્યારે હિના રોજના જેમ પૈસા આપવા ટીપરી ખોલે છે. ત્યા જ તેની બધુંકમાંથી જાણે ગોળી છૂટે તેમ રાડ નાખી સન્નન કે આ ટીપરી ખોલી એકરૂપિયો કોને લીધો. હું તો ગભરાઈ ગયો કે આવી બન્યું તેણે તો મને અને નીરવ બન્ને ભાઈને પૂછ્યું !હું કઈ ના બોલ્યો તે મગનકાકાની લારી એ જઈને પૂછી ને આવી. હું પકડાઈ ગયો . જેટલી બીક એક કેદી ને લાગે તેમ મને લાગી મને ખુબ બોલી વાત આખી રાતે પપ્પા ના દરબારમાં કેહવાઈ પપ્પા એ પણ કહ્યું કે, એ ટીપરીમાં પરચુરણ તમારા માટે જ છે. પણ હીનાને પૂછ્યા વિના પૈસા કેમ લીધા . અને મને બાઇજત બરી પપ્પા ના દરબારમાંથી છૂટવાનો આનંદ હતો.
આજે એ ટીપરી નથી બાકી તેમાં જ અમારી તિજોરી ની ચાવી , પરચુરણ રહેતા . જયારે વડદલા ગામ છોડ્યું ત્યારે તે ટીપરી ખોવાઈ ગઈ અને ટીપરી ની યાદો ભૂંસાઈ ગઈ પરંતુ જયારે જ્યારે હીનાની યાદ આવે ત્યારે આ ટીપરી પણ યાદ આવે.
આજે હીના હયાત નથી. પરંતુ તેની યાદો એટલી જ તરો તાજા છે. અને તેની નિશાની રૂપે એક રૂપકડા ભાણા સાવનમાં હીનાને જોવ છું..... અને સાવનની હાજરી એ હીનાની હાજરી લાગે છે.
હીનાબેન હું અને નીરવ અમે ત્રણ ભાઈબેન તેમાં તેઓ મોટા ઘરમાં પણ એમનું સ્થાન મોભાનું તેઓ જેટલા પિયરમાં વખણાય તેટલા સાસરિયાંમાં પણ વખણાય તેમના માટે તો બધા ને ગર્વ લેતા પણ કોને ખબર કે આ મેહદી રંગ લાવી થોડા દિવસમાં જાય એમ આ પણ આમ વિદાય લેશે.
કહેવાય છે ને સુખનો પ્રસંગ દુઃખમાં પલટાઈ જાય તેમ થયું . તેઓ એમના સાસુને કહીને અમારા ઘરે દશ દિવસ રહેવા આવ્યા સાથે સાવન પણ હતો . ત્યારે તે સાત વર્ષનો આ સમયે તે હીનાનું ખૂબ ધ્યાન રાખતો . બેનને પુરા દિવસો હતા ને તેમાં ડિસેમ્બર મહિનો અને હાડ થીજવી દે તેવી ઠડી હતી . તેવા સમયે તારીખ સત્યાવીસ ડિસેમ્બરનો દિવસ ગોઝારો સાબિત થયો . બેનને દર્દ ઉપડયું હતું. જાણીતા ડોકટરની દવા ચાલતી હતી. તેમને ત્યાં સાંજે દાખલ કર્યા . ઘણી રાહ જોયા પછી ડોકટરે સિઝર કરવાનું નક્કી કર્યું અને રાત્રે બારને પંદર મિનિટ ના સમયે લઈ ગયા થોડી વારમાં સારા સમાચાર આવશે પણ ઈશ્વરને જુદું મજૂર હશે. એકાએક બેને મરણચીસ નાખી મમ્મી મમ્મી...અને પ્રાણ છોડ્યા.
મારા મોબાઈલ ની રીગ વાગી મને એમ કે સુખદ સમાચાર હશે . પણ માઠા સમાચાર મળ્યા ......સાવનને કેમનું કહેવું પણ.. તેને પણ સમજણ વહેલી હોય એમ એ સમજી ગયો ...હવે જીદ નથી કરતો....નવી બેન લાવ્યા પણ હીનાની તોલે ....ન આવે ....સાવન પણ સમજી ગયો છે એને બાળપણમાં જ સાન , સમજણ, ડાપણ આવ્યા છે....હું પૂછું તો કઈ માગતો નથી....હું પણ મારી ફરજ ન ચુકુ એનું ધ્યાન રાખવાનું વિચારું છું ને ઈશ્વરને પ્રાર્થના કરું છું તેને ખુશ રાખજે
નોંધ :- "ટીપરી" એ એક નાનો પતરાનો ડબ્બો હતો જેમાં પરચુરણ અને તિજોરીની ચાવી રહેતી તેની વાત છે....