સંધ્યા સૂરજ - પ્રકરણ - 23

     એણે ધક્કો મારી મને કેબીનમાં ધકેલી. નિશા, રિયા, મનીષા અને પેલી છોકરી પણ એની ગનના ઈશારે અંદર આવી.

     એને જોતા જ સૂરજ એટલો ડઘાઈ ગયો હતો કે એ કશુ જ ન બોલી શક્યો. બસ ફાટી આંખે રાઘવને જોઈ રહ્યો.

     “મને આમ જોઈ કેમ રહ્યો છે ડેડીના પાલતું કુતરા... મને પહેલા દિવસથી જ તારા પર ભરોષો નથી. હું જાણતો હતો કે સંધ્યા પણ એની બેનની જેમ જ બળવાખોર નીકળશે એટલે મેં એને બધાથી અલગ કેબીનમાં રાખવાનું ડેડને સજેશન કર્યું હતું અને તને એની દેખભાળમાં રાખ્યો હતો જેથી હું ડેડને ટેસ્ટીમની આપી શકુ કે તું ગદ્દાર છે. તને તારી ગદ્દારીના ઇનામ રૂપે તારી બહેનની લાશ પ્રમાણપત્ર રૂપે મળી જશે. તને વિશ્વાસ ન હોય તો સંધ્યાને પૂછી લે એની બહેનની લાશ એને મળી હતી કે નહિ?”

     રાઘવે મારા તરફ એક વ્યંગમાં હાસ્યબાણ છોડ્યું. એ શેતાનને હું એ જ પળે મારી નાખવા માંગતી હતી.

     “તને ખબર હતી કે હું જીનલની બહેન છું?”

     “કેમ ખબર ન હોય એ મારી એકશ.......... ગ...ર્લ... ફ્રેન્ડ....હ...તી.......... એ મને બહુ ચાહતી હતી એટલે એણીએ મને એની વહાલી બેનનો ફોટો કેટલીયે વાર બતાવ્યો હતો અને કહ્યું હતું કે એ દિલ્હી કોલેજમાં ભણે છે. તું કોલેજમાં આવી એ જ દિવસે હું સમજી ગયો હતો કે તું તારી બહેનના કાતિલોની તપાસ કરવા આવી છે.” કહી એ સતત ત્રીજી વાર એનું એ જ ગંદુ હાસ્ય હસ્યો.

     “તે એને કેમ મારી નાખી? તે એને કેમ ચાલુ કારમાંથી ફેકી દીધી?” હું જાણતી હતી કે જીનલ એને પ્રેમ કરી જ ન શકે કેમ કે જીનલ મારાથી કોઈ વાત ક્યારેય છુપાવતી જ નહી. પણ મને હવે એકાએક સમજમાં આવ્યું કે જીનલ મને શું કહેવા માંગતી હતી. એ મને ક્હેવા માંગતી હતી કે મારો કાતિલ મારો કોલેજ મિત્ર રાઘવ જ છે જેણે મને છેતરીને કિડનેપ કરી હતી.

     “કોણે કહ્યું મેં એને મારી નાખી? કોણે કહ્યું મેં એને ચાલુ કારમાંથી બહાર ફેકી દીધી હતી? એને વેચીને મને દસ લાખ રૂપિયા મળવાના હતા. હું એને કેમ ફેકું?” એ બોલ્યો ત્યારે સૂરજ મોકો શોધી રહ્યો હતો એ મેં નોધ્યું.

     “તો એ કઇ રીતે મરી?”

     “તારા જેમ જ બધાની મદદ કરવા, તારી જેમ જ એને હીરો બનાવાનો શોખ હતો એ ચાલુ કારમાંથી કુદી પડી જેથી એ પોલીસને કહી શકે કે અમને બધાને કોઈએ કિડનેપ કર્યા છે. એ બિચારી ક્યા જાણતી હતી કે જે મિત્રો માટે એ કારમાંથી કુદી રહી હતી એ મિત્રોને મેં જ કિડનેપ કર્યા હતા. એની જેમ જ તને પણ ક્યા ખબર હતી કે તું જે રાઘવના હાથમાં ગન આપી રહી છે એ જ રાઘવે તને કિડનેપ કરાવી છે...” રાઘવે એના વાળમાં હાથ ફેરવ્યો અને સૂરજ તરફ જોઈ ઉમેર્યું, “સીટ ડાઉન.”

     “તું તો રીબાઈને મરીશ સાલા ગદ્દાર..” સૂરજને ઉભો થવાની કોશીશ કરતો જોઈ રાઘવ બરાડ્યો, એણે તેનીની નજીક જઈ એની છાતીમાં લાત મારી, સૂરજ નીચે પડી ગયો. એના મોમાંથી એક રાડ નીકળી ગઈ.

     મારા સિવાયની બીજી છોકરીઓ હજુ ધ્રુજી રહી હતી. નિશા હજુ આઘાતમાં હતી. મનીષા, રિયા અને ચોથી છોકરી માટે તો આ બધું ભયાનક સ્વપ્ન સમું હતું.

     “બસ થોડીકવાર... ડેડ હમણા અહી પહોચી જશે. એ આજે જ આવવાના છે. પછી તારે કણસવાની જરૂર નહી પડે કેમકે તારી રોશનીના મૃત્યુના સમાચાર સંભળાવી તને મુક્તિ આપી દેવામાં આવશે.” કણસતા સૂરજ તરફ એક ગુસ્સાભરી નજર કરી રાઘવે કહ્યું. સૂરજ ઉભો થઇ એને ત્યાં જ ખત્મ કરી લેવા માંગતો હોય એમ તરફડતો હતો પણ એ કઈ કરે એ પહેલા રાઘવે એના બુટ સાથેની લાત એના લમણા ઉપર મારી.

     “પણ રાઘવ..”

     “શું મને પ્રેમના નામની દુહાઈ દઈ કરગરવા માંગે છે? હા, આજીજી કર કદાચ મારું મન પીગળી જાય..” હું બોલવા જતી હતી ત્યાજ મને અટકાવી રાઘવે કહ્યું. એના ચહેરા ઉપર એ જ ગંદુ હાસ્ય હતું.

     હું ચુપ રહી.

     “બોલ? શું કહેતી હતી?” રાઘવે ચિલ્લાતા કહ્યું.

     “તારા ડેડ તને કેટલો પ્રેમ કરે છે?” મેં એની તરફ જોઈ કહ્યું.

     “કેવો વાહિયાત સવાલ કરે છે? એનાથી તારે શું મતલબ?” એણે મારા તરફ ગુસ્સાથી જોઈ કહ્યું.

     સૂરજ અને મારી ફ્રેન્ડ પણ નવાઈથી મને જોઈ રહ્યા, કદાચ એમને લાગતું હશે કે હું માનસિક સંતુલન ગુમાવી રહી છું.

     “મારે નહિ તારે લેવાદેવા છે. તારું જીવન એના પર આધાર રાખે છે.” મેં હસીને કહ્યું.

     “તું પાગલ થઈ ગઈ છો છોકરી? તે તારી સ્ટ્રેસની ગોળી છેલ્લે ક્યારે લીધી હતી?” કહી રાઘવ અટક્યો, કઈક યાદ કરતો હોય એમ વિચારીને બોલ્યો, “બીચ ઉપર...? હા બીચ ઉપર જ તે ગોળી લીધી હતી.” એ હરામી મારી એક એક વાતનું ધ્યાન રાખતો હતો. દોસ્તી મેં એની સાથે કરી હતી એમ એણે મારી સાથે કરી હતી એ મને સમજાયું.

     “એકાદ કલાક પહેલા જ.” મેં એને કહ્યું.

     “તો આ ભડવે તને ગોળીઓ પણ લાવી આપી હતી જેથી તારું મન શાંત રહે..”

     “હા, મારી પાસે હજુ બે ગોળીઓ છે પણ તારી ગનમાં ગોળીઓ નથી.” મેં કહ્યું.

     “વોટ?” તેણે નવાઈ લાગી હોય તેમ કહ્યું અને છત તરફ નિશાન સાધી ટ્રીગર દબાવ્યું. ગનમાં ગોળી ન હતી. માત્ર નાનકડો કલીકનો અવાજ થયો બીજું કાઈ ન થયું.

     એ ગન ફેકી મારા તરફ ધસ્યો પણ મેં એના મેન પાર્ટ પર લાત મારી એને ત્યા જ બેસાડી દીધો. હું એમાં માહિર હતી. મેં કોલેજના પહેલે દિવસે જ એક સીનીયર પર આજ તરીકો અજમાવ્યો હતો.

     એ જમીન પર પોતાના ઘૂંટણ ઉપર બેસી ગયો. હું બે ડગલા પાછળ ખસી ગઈ એટલે એ મારા પર ઝડપ ન મારી શકે. મેં જાકીટમાં છુપાવેલ પેલા બીલી કે એના મિત્ર બેમાંથી જેની એ ગન મેં ટેબલ પરથી ઉઠાવી હતી એ બહાર કાઢી અને રાઘવ તરફ એન કરી.

     ઘડીભરમાં ખેલ બદલાઈ ગયો. છોકરીઓ અને સૂરજ તાજ્જુબ થઇ મને જોઈ રહ્યા.

     “પોતાની જગ્યાએથી ઉભો થવાનો પ્રયાસ ન કરતો.” મેં કહ્યું.

     રાઘવ મારા તરફ જોઈ રહ્યો, એનો ચહેરો ફિક્કો અને સફેદ થઇ ગયો. મેં સૂરજ તરફ જોયું. એ હજુ બધું નવાઈથી જોઈ રહ્યો હતો. એ જ હાલત મારી ત્રણે ફ્રેન્ડની હતી. એમને પણ કાઈ સમજાઈ નહોતું રહ્યું કે શું થઈ રહ્યું છે.

     “તે મને ખાલી ગન કેમ આપી હતી રંડી...........?” રાઘવે ગંદી ગાળ દઈને કહ્યું.

     “કેમકે હું જાણતી હતી કે તું જ ગદ્દાર છે.”

     “કેવી રીતે?” એના ડોળા પહોળા થતા મેં જ નહી સૂરજે અને બીજી છોકરીઓએ પણ જોયા જ હશે.

     “મેં જીનલની એક બર્થ ડે પાર્ટીના ફોટામાં તને એની બાજુમાં જોયો હતો. એ ફોટા પાછળ રાઘવ લખેલું પણ હતું જેનો અર્થ એ હતો કે તું એનો ખાસ મિત્ર હતો કેમ કે ખાસ મિત્રોના ફોટા પાછળ જ એમના નામ લખવાની જીનલને આદત હતી. મારી મમ્મીના ફોટા પાછળ અને મારા ફોટા પાછળ પણ એ અમારા નામ લખીને રાખતી. એ ફોટા પાછળ તારું નામ હતું એનો અર્થ ચોક્કસ હતો કે તું એનો ખાસ મિત્ર હતો પણ જીનલ હોસ્પીટલમાં હતી એ દરમિયાન કોઈ રાઘવ ત્યાં નહોતો આવ્યો. કોલેજમાં આવ્યા પછી મેં તારી સાથે મિત્રતા કરી, તને પ્રેમના નાટકમાં ફસાવ્યો પણ તે ક્યારેય મને ન કહ્યું કે જીનલ નામની કોઈ તારી ફ્રેન્ડ હતી.” હવે રાઘવનો વારો પૂરો થયો હતો. હવે નવાઈ એના માટે હતી.

     “તો તું મને બચાવવા મારી કેબીનમાં કેમ આવી?”

     “કેમ કે હું વધુ ખાતરી કરવા માંગતી હતી. હું તારી કેબીનમાં આવી ત્યારે પણ મેં જોયું કે એ કેબીનમાં ક્યાય ખોરાકનો એક કણ પણ નહોતો દેખાઈ રહ્યો. કોઈ હિસાબે એવું લાગતું જ ન હતું કે એ કેબીનના ફ્લોર પર પાણી પણ ઢોળાયેલ હોય. જો તું કેદી તરીકે ત્યાં હોય તો ત્યાં ખોરાક અને પાણી ઢોયાયેલ હોવા જોઈં, કેમકે માણસ કેદી હોય ત્યારે ટેબલ મેનર મુજબ ભોજન નથી કરતો. એકાદ બે દિવસ સુધી ખાવાનું ન મળે અને જયારે ત્રીજા દિવસે ખાવાનું મળે ત્યારે ભૂખ્યા પ્રાણીની જેમ એ ખોરાક પર તૂટી પડે છે.” કહી હું અટકી, મને શ્વાસ લેવામાં થોડી તકલીફ થતી હતી.

     “એટલું જ નહી રાઘવ....” મેં ફરી કહ્યું, “બીચ ઉપર ગયા ત્યારે મારે ગ્રે ટી-શર્ટ હતી, રિયાને યેલ્લો વેસ્ટર્ન હતું, મનીષાને રેડ ટીશર્ટ હતી, નિશા ચેક્સ શર્ટમાં હતી અને પેલી ચોથી છોકરી મારી જેમ જ ગ્રે ટી-શર્ટમાં હતી અને જયારે મેં એમને કેદમાંથી છોડાવ્યા ત્યારે એ બધાના કપડા એ જ હતા.” મેં એ વાત કહી ત્યારે બધી છોકરીઓ એક બીજાના કપડા જોવા લાગી.

     “પણ તું રાઘવ.... રાઘવ તું ચેક્સ શર્ટ અને બ્લેક જીન્સમાં બીચ ઉપર આવ્યો હતો. ત્યાંથી કિડનેપ થયા પછી તારા કપડા કઈ રીતે બદલાય? અમને કોઈને કિડનેપરે કપડા નથી આપ્યા તો તને એકલાને આવું ધોયેલું સફેદ શર્ટ કોણ આપે..?”  સૂરજ સહીત બધા ચોકી ગયા હશે એની મને ખાતરી હતી પણ મેં બધું ધ્યાન રાઘવ ઉપર જ આપ્યું.

     “તને બધી ખાતરી થઇ ગઈ હતી તો તે મને ગન કેમ આપી?” રાઘવ પોતાના સફેદ શર્ટને જોઈ ફરી મારી સામે જોઈ બોલ્યો.

     “કેમકે હું તારા હાથમાં બાજી સોપીને તારા મોઢે તારા બોસનું નામ જાણવા માંગતી હતી. હું જાણતી હતી જ્યારે બાજી તારા હાથમાં હશે તને કોઈનો ડર નહી હોય ત્યારે તું ઓવર એક્ટીંગમાં ખુબ જ લવારો કરીશ અને એ વખતે હું તારો બોસ કોણ છે એ જાણી લઈશ.”

     “અને એ જાણી તું શું કરીશ?”

     “એ તું તારી સગી આંખોથી જોઈ લે.” મેં કહ્યું અને તરત સૂરજ તરફ જોયું.

     “આનો બાપ જ મેન બોસ છે ને?”

     “હા.” સૂરજે ઉભા થતા કહ્યું. એના ચહેરા ઉપર ભયાનક ઘા હતા.

     “તો આપણે આ કુતરાને કિડનેપ કરીશું, એનો બાપ જયારે અહી આવે ત્યારે એને અહી કશું મળવું ન જોઈએ. રાઘવ જ્યાં સુધી આપણા કબજામાં હશે એનો વહાલો ડેડી તારી બહેનને કાઈ નહિ કરે.”

     મારી વાત સાંભળી જાણે સૂરજના ચહેરા પર એક નવો સૂરજ ખીલી ઉઠ્યો. જયારે એને ખાતરી થઇ ગઈ કે એની બહેનને બચાવવાનો રસ્તો મળી ગયો છે. એ પોતાના શરીરની બધી પીડા ભૂલી એક ઝાટકે ઉભો થઇ ગયો.

     સૂરજ તરત બહાર જઇ અને દોરડા લઈ આવ્યો. એણે રાઘવના હાથ બાંધી દીધા. અમે બધા રાઘવને લઈને એ વેર-હાઉસની બહાર આવ્યા, અને રાઘવનું મો બાંધી એને ઈકોની ડીકીમાં ભરી નાખ્યો. છોકરીઓ કિડનેપ કરનાર વાનમાં દોરડા અને મો બંધ કરવા માટે ટેપ તો હતી જ એટલે એ કામ પણ સરળ બની ગયું.

     “હવે આપણે આને ક્યા છુપવીશું?” સૂરજે મારા તરફ જોતા કહ્યું. એના ચહેરા પરથી લાગતું હતું કે એ ઘણા સવાલ પૂછવા માંગે છે.

     “ક્યાય નહિ... આપણે અહી જ રહીશુ. એનો બાપ કોણ છે?”

     “સ્પોર્ટસ મીનીસ્ટર રાઠવા.. જયશંકર રાઠવા. એ કોલેજના સપોર્ટ શિક્ષકો સાથે મળી આ રેકેટ ચલાવે છે. સ્પોર્ટ્સમાં લઇ જવાની લાલચ આપીને સ્પોર્ટ્સમાં તેમનો વિકાસ કરી આપવાની ખાતરી આપીને રાઘવ જેવા કોલેજના સ્પોર્ટ્સ લીડર અને કિરણ સર જેવા સ્પોર્ટ્સ ટીચર ગરીબ અને મધ્યમ ઘરની સુંદર દેખાતી યુવતીઓને પોતાનું ટાર્ગેટ બનાવે છે. ત્યારબાદ એમને વિદેશમાં વેચી નાખવામાં આવે છે.”

     “અને પોલીસ?”

     “પોલીસને તેમનો કટ મળી જાય છે. સ્પોર્ટ્સ ટીચર કિડનેપ કરાવતા પહેલા છોકરીની બધી જ તપાસ કરાવી નાખે છે. જે છોકરીનો પરિવાર પોલીસ પર લાંબુ દબાણ ન લાવી શકે તેમ હોય તે છોકરીઓને જ કિડનેપ કરવામાં આવે છે.”

     “તારો મોબાઈલ તારી પાસે છે?” સૂરજે વાત પૂરી કરી એટલે મેં કહ્યું.

     “હા.”

     “મને આપ.”

     તેણે મને મોબાઈલ આપ્યો અને મેં તેના ખાતામાં પચાસ લાખનું ફંડ ટ્રાન્સફર કરી નાખ્યું.

     “તારા ખાતામાં પચાસ લાખનું ફંડ ટ્રાન્સ્ફર કરી નાખ્યું છે હવે તું આ છોકરીઓને લઈને જા. એમને શહેરમાં ઉતારીદે અને તારી બહેનને લઇ ક્યાંક દુર ચાલ્યો જજે. ફરીથી આવા લોકો સાથે કામ ન કરીશ.”

     “અને તું?”

     “હું સ્પોર્ટસ મીનીસ્ટરની રાહ જોઇશ.”

     “તું એકલી એના સાથે લડીશ એમ કહેવા માંગે છે તું?”

     “હા.”

     “એની સાથે એની કારમાં કમ-સે-કમ પાંચથી વધારે માણસો હશે અને એ પણ બધા પ્રોફેશન કિલર. જેમને લોકોને મારવાની ટ્રેનીંગ આપવામાં આવી હોય.”

     “જાણું છું પણ મારી મદદ માટે બીજા લોકો આવી પહોચશે..”

     “મતલબ?”

     “હું જીનલની મોટી બહેન છું. એ મારાથી નાની હતી. હું દિલ્હીમાં આઈ.પી.એસ.ની ફાઈનલ ટ્રેનીંગમાં હતી જયારે એને મારી નાખવામાં આવી. મને સરકાર તરફથી જ એક ખાસ મિશન પર મોકલવામાં આવી હતી જે માટે મને એક કરોડનું ફંડિંગ કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ કોઈ એજન્ટ કેદ થાય તો એ પોતાની જાતને બચાવી શકે તે માટે કરવાનો હોય છે. મેં ફંડ ટ્રાન્સફર કર્યા બાદ ટીમને મેસેજ મોકલી દીધો છે. એ લોકો ગમે તે પળે અહી પહોચી જશે. બસ તું અહીંથી ચાલ્યો જા કેમકે હું તને આ બધામાં સંડોવવા નથી માંગતી.” મેં ઝડપથી સૂરજને બધી હકીકત કહી ત્યારે સૂરજ અને બધી છોકરીઓ નવાઈથી મને જોઈ રહી હતી.

     “અને એ રકમ જે તે મારા ખાતામાં ટ્રાન્સફર કરી છે એ?”

     “એ મારા મિશન દરમિયાન માહિતી એકઠી કરવામાં તેમજ અમુક માણસોને ફોડવામાં વપરાઈ છે જેના પાકા બીલ મારે ક્યાય રજુ કરવાના નથી. બસ હવે તું જા જેથી આઈ.પી.એસ. ટીમ આવ્યા પછી તું એમની ઉલટ તપાસમાં ફસાઈ ન જાય.”

     “અને રાઘવ?”

     “એને બેઈટ તરીકે રાખ. કદાચ મીનીસ્ટર ભાગવામાં સફળ રહે કે એના માણસો રોશની સુધી પહોચી જાય તો કામ લાગશે. જ્યારે જરૂર ન રહે કોઇ પણ પોલીસ સ્ટેશન આગળ એ કારને પાર્ક કરી મને જણાવી દેજે. કયા પી.આઈ. પાસે એ કારની ડીકી ખોલાવવી એ હું સારી રીતે જાણું છું.” મેં હસીને કહ્યું.

     “બાય, એન્ડ ટેક કેર.” સૂરજે કહું.

     અમારી વાત પૂરી થઇ ત્યાં સુધી જ નિશા ચુપ રહી.

     “તું જીનલની બહેન છે?” એણીએ નવાઈથી કહ્યું.

     “હા, હું એની બહેન છું એ પણ મોટી.”

     “તો મારો શક સાચો હતો?” મનીષાએ પણ કહ્યું.

     “હા મનીષા, તારો શક સાચો હતો. તે મને પૂછ્યું કે હું અઢારની તો નથી લાગતી ત્યારે મેં એમ કહ્યું હતું કે હું એકથી બારમાં ત્રણ વાર ફેઈલ થઇ હતી અને વાત છુપાવી હતી પણ ખરેખર તો હું એકવાર કોલેજ કરી ચુકી છું.”

     “થેંક્યું.....” રિયા અને બીજી છોકરી મને વળગી પડી, “તું ના હોત, સોરી તમે ન હોત તો અમારું શું થાત.” બંને રડી પડી.

     “મારી જીનલ સાથે થયું એ બીજા કોઈ સાથે હું કેમ થવા દઉં...” મેં એ બંનેના માથે હાથ મૂકી કહ્યું. નિશા અને મનીષા પણ મને ફરી એકવાર ભેટી પડ્યા. હા અમે છોકરીઓ હોઈએ જ એવી દરેક વાતે ઈમોશનલ થઈને ભેટી પડીએ. મારી જીનલ મને દિવસમાં એમ દસ વાર ભેટી પડતી.

     “તમે બધા હવે જાઓ....” મેં કહ્યું અને એ બધા કારમાં ગોઠવાઈ ગયા.

     સૂરજ કારમાં બેસી રવાના થયો. બધાએ હાથ હલાવી કહ્યું, “સાચવીને....”

     મેં પણ હાથ હલાવી એમને કહ્યું. મોત પણ મને કઈ કરી શકવાની નથી જ્યાં સુધી એ જીવે છે. ગાડી થોડીવારમાં દેખાતી બંધ થઇ ગઈ. એ પછી હું દુર દેખાતા એક મકાન પાછળ છુપાઈ મીનીસ્ટર અને એના માણસોના આવવાની રાહ જોવા લાગી.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Vasu Patel 4 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા

Verified icon

Rangadiya Chetana 5 માસ પહેલા

Verified icon

Neeta Soni 5 માસ પહેલા