સંધ્યા સૂરજ - પ્રકરણ - 22

     મારે વધુ રાહ જોવી ન પડી. એકાદ મિનીટમાં જ બીલી અને તેનો મિત્ર એ રૂમમાં દાખલ થયા. બેમાંથી એક વ્યક્તિ થોડોક વધુ ખડતલ હતો જ્યારે બીજો પાતળો પણ બિહામણો અને કાળા લેધરના જેકેટમાં સજ્જ હતો. એ બેમાંથી કોનું નામ બીલી હતું અને બીજાનું નામ શું હતું એ હું જાણતી ન હતી પણ મારે એ જાણવાની જરૂર ન હતી. ક્લીન સેવવાળો એક માણસ જેણે બ્લેક જેકેટ પહેર્યું હતું એ કદાચ મારા નજીક પહોંચી જાય તો પણ મને વાંધો ન હતો. એને હું છુટ્ટા હાથની લડાઈમાં પણ માત કરી શકું એમ હતી. પણ બીજો લાંબા વાળવાળો માણસ જેના મોઢામાં સિગારેટ હતી એને બુલેટ સિવાય જીતી શકાય એ શક્ય હતું જ નહી એટલે મેં પહેલા એના ઉપર જ નિશાન સાધવાનો નિર્ણય કર્યો.

     જેવું મને લાગ્યું કે એ બંને રૂમના દરવાજાની અંદરની તરફ ત્રણેક કદમ જેટલા આવી ગયા છે. બસ હું એ જ રાહ જોઈ રહી હતી કે તેઓ દરવાજાની અંદરના ભાગમાં એટલા આવી જાય કે ગોળીબાર ચાલુ થયા પછી તેમને બહારની તરફ ભાગી જવાનો મોકો ન મળે. અલબત્ત એ લોકો વધારે અંદર આવે એ પણ વાજબી ન હતું કારણ એમને ટેબલ આડું છે એ વાત ધ્યાનમાં આવતા જ એ સાવધ બની જાય. એટલે મારે કદમ કદમનો હિસાબ રાખવાનો હતો.

     મેં પહેલા એ લાંબા વાળવાળા બિહામણા માણસ ઉપર ગોળી છોડી. ગોળી સીધી જ એના ખભાના પડખામાં ઉતરી ગઈ. એ જરાક લથડ્યો પણ બીજો સાવધ હતો. મેં ધાર્યો એના કરતા એ વધારે ચપળ નીકળ્યો. લાંબા વાળવાળો માણસ ચીસ પાડે એ પહેલા જ એણે ગન નીકાળી અને ગોળીઓ છોડવા લાગ્યો. મારું માથું વિંધાય એ પહેલા હું ટેબલ પાછળ કવર થઇ ગઈ.

     બીજી જ પળે મેં ટેબલમાં ગોળીઓ અથડાતી અનુભવી પણ ટેબલ નીચે પતરાનું કવર હતું. મારા નસીબ સારા હતા.

     તેની ગોળીઓ અટકી એટલે હું બંને હાથમાં ગન લઈને ટેબલ બહાર નીકળી. પેલો નવું મેગ્જીન ભરવા દરવાજા તરફ દોડ્યો પણ મારા જમણા હાથમાં રહેલી ગનની બુલેટ એના પગમાં ઉતરી અને એ ચીસ પાડીને જમીન ઉપર પટકાયો.

     સૂરજે કહ્યા મુજબ ત્યાં ત્રીજો કોઈ માણસ હતો નહી અને પેલા બેય મારી આગળ ઘાયલ પડ્યા હતા. હવે મારે સંતાવાની જરૂર ન હતી. હું તરત દોડીને બંને નજીક પહોંચી. પેલા જેકેટ વાળાની ગન ખાલી હતી એટલે એ પગ પકડીને દાંત ભીંસતો મને ગાળો દેતો હતો.

     મેં બીજા તરફ નજર કરી એ ખભા ઉપર હાથ દબાવી લોહી બંધ કરવાનો પ્રયાસ કરતો હતો. મારે હજુ એનાથી સાવધ રહેવાની જરૂર હતી. આ બધું સેકન્ડોમાં બની ગયું હતું.

     “મેં બોસને કહ્યું હતું આ છોકરી મને સોપે..... પણ બોસે સૂરજ ઉપર ભરોષો કર્યો....” પેલાએ ખાલી ગનનો મારા તરફ ઘા કર્યો. હું ખસી ગઈ પણ એ જ સમયે ઘોડો દબાયો અને એના માથામાંથી લોહીની છોળ ઉડતી મેં અને પેલા બિહામણા માણસે જોઈ.

     “તને નહી છોડું રં......” એ પૂરું જોર લગાવીને મારા તરફ ધસ્યો. મને એ અંદાજ હતો જ એટલે હું એનાથી દુર રહી હતી. જોકે એની ગન ટેબલ ઉપર હતી જે મેં લઇ લીધી હતી છતાં મેં એની નજીક જવાની ભૂલ ન કરી કારણ મને હજુ મરવું પોષાય એમ ન હતું.

     એ ગાળો બોલતો ધસ્યો પણ માણસ ગમે તેવો જોશીલો હોય ત્રણ ગોળીઓ શરીરમાં ઉતરી જાય તો માત્ર ફિલ્મોમાં જ માણસ જીવી શકે..!!

     એ ભયાનક અવાજ સાથે રૂમ ગુંજ્યો અને મેં એ બિહામણા માણસને જમીન ઉપર પછડાતા જોયો. મારો ઈરાદો એની પાસેથી માહિતી લેવાનો હતો પણ એ શક્ય ન હતું. એ જીવતા જીવત મારા તાબે થાય એમ ન હતો. કદાચ એ જ બીલી હશે.

     મને લાગ્યું કે હિન્દી ફિલ્મોમાં બતાવે તેમ વાસ્તવમાં વિલન ડરપોક નથી હોતા, કમ-સે-કમ તેમનામાં સામનો કરવાની શક્તિ તો હોય જ છે!

     હું એ બંનેની લાશ પાસે ગઈ. એ બંને દુનિયા છોડી ચુક્યા હતા. હું એક પળ માટે એમની પાસે ઉભી રહી. મારા લમણાની નશો હજુ ફૂલાયેલી હતી. હું ગુસ્સાથી કાંપી રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા જીન્સ પોકેટમાંથી મારી સ્ટ્રેસની ગોળીઓ બહાર નીકાળી અને એક ગોળી પાણી વિના જ મોમાં રહેલ થુંકની મદદથી મારા ગળા નીચે ઉતારી.

     બીલી અને તેનો સાથી મરી ચુક્યા હતા. બસ હવે મારે મારી સાથે કિડનેપ થયેલ બીજી છોકરીઓ અને સૂરજના કહેવા મુજબ એક છોકરાને પણ કિડનેપ કરાયો હતો એમને શોધવાના હતા. કદાચ એ રાઘવ જ હશે.

     મેં એ રૂમમાંથી બહાર નીકળી બાકીના રૂમોના દરવાજા એક પછી એક ખોલવા માંડ્યા. હવે મને કોઈ ડર ન હતો કેમકે એ આખા સ્થળે મારા સિવાય કોઈ ન હતું જેના હાથમાં ગન હોય. મેં મારી બંને ગનની બુલેટ તપાસી અને મારી પીઠ પર ભરાવી દીધી. ત્યાં કોઈ નથી એમ સમજીને ઉત્સાહમાં જો મેં બંને ગનની બુલેટ તપાસી ન હોત તો હું મરવાની હતી પણ મારી ટ્રેઈનીંગ અને નસીબ બંને મને સાથ આપતા હતા.

     મેં ફટાફટ બધા દરવાજા ખોલી જોયા. મારુ હ્રદય જોરથી ધબકતું હતું. ક્યારે કોઈ બહારથી આવી જાય કોને ખબર? મારી પાસે ગન તો બે હતી પણ ગોળીઓ માત્ર એકમાં જ હતી. ટ્રેનીગમાં અને વાસ્તવમાં કેટલો ફેર હોય છે એ મને હવે સમજાતું હતું. લગભગ ચારેક દરવાજા પછી મને એ દરવાજો મળ્યો જેમાં રિયા, નિશા, મનીષા અને પેલી ચોથી છોકરી કેદ હતી. તેમની પણ હાલત બહુ ખરાબ હતી, મને જોઈ પહેલા તો એ નવાઈ પામી પણ ત્યારબાદ એ મને ભેટી પડી.    

     મેં એમને ટૂંકમાં એક મીનીટમાં બધું સમજાવી દીધું કે શું થયું હતું. અમે પાંચેય એ રૂમની બહાર આવ્યા અને મેં બીજા રૂમોના દરવાજા ખોલવા માંડ્યા. મારી ફ્રેન્ડસ જે રૂમમાં રાખેલ હતી તેનાથી ત્રીજા નંબરના રૂમમાં રાઘવ કેદ હતો. દરવાજો ખોલતા જ મને રાઘવ દેખાયો. રાઘવે મને જોઈ. રાઘવ પહેલા તો ચોકી ગયો એને પણ મારી ફ્રેન્ડસ જેવુ જ રીએક્શન આપ્યું.

     “હું કાળ કોટડીમાંથી નીકળવામાં સફળ રહી છું. મેં બધા ફ્રેન્ડસને છોડાવી લીધા છે આપણે અહીંથી બહાર નીકળવાનું છે, જલદી કર.” મેં ફટાફટ એને પણ સૂચનાઓ આપવા માંડી.

     “તમે જાઓ હું તમારી સાથે નહિ આવી શકું.” રાઘવે કહ્યું.

     “કેમ?”

     “કેમકે મારા પગમાં........” કહી એ અટક્યો અને શરુઆતથી કહ્યું, “એક જાડિયો બિહામણો માણસ ગઈ કાલે જયારે મારા રૂમમાં ખાવા આપવા આવ્યો ત્યારે મેં એ વ્યક્તિ પર હુમલો કર્યો એ દરમિયાન જપાજપીમાં ચોટ વાગી છે. હું માંડ ચાલી શકું છું. મારા લીધે તમે ધીમા પડી જશો.”

     “મેં એ બિહામણા જાડિયા અને એના સાથી બંનેને મારી નાખ્યા છે અને ત્રીજાને કેદ કરી નાખ્યો છે. ચિંતા જેવું કાઈ નથી. આપણે ધીમા પડી જઈશું તો પણ કાઈ વાંધો નથી.” કહી મેં એનો હાથ પકડી એને ઉભો કર્યો.

     “હા રાઘવ અમે તને એમ મુકીને ક્યાય નથી જવાના....” નિશાએ કહ્યું. હું એને ટેકો આપી રૂમમાંથી બહાર લઈ આવી. બધી ફ્રેન્ડસ એને વારા ફરતી ભેટી પડી. કેદમાંથી બધા જીવતા નીકળે એ સમયે કેવો આનંદ હોય છે કેવી લાગણીઓ થાય એ વર્ણવી શકાય નહી એના માટે કેદ થવું પડે પણ ઈશ્વર ન કરે કોઈને એવો અનુભવ કરવો પડે..! બધાએ એકબીજાના ચહેરા જોઈ લીધા. એકબીજાને ભેટ્યા. મેં ખાસ તો રાઘવનો જ ચહેરો જોયો. એના ઉપર મને વધારે દયા આવતી હતી. છોકરીઓને છોડાવી એ પહેલા હું એના માટે જ ચિંતા કરતી હતી કેમ કે એ મારા લીધે ફસાયો હતો.

     ફરી અમે બધા જે બીચ પર હતા એ એક સાથે હતા અને ખુશ હતા કે અમે બચી ગયા છીએ.

     અમે સાવધાનીથી આગળ વધવા લાગ્યા. રાઘવને લીધે અમારી ચાલવાની ઝડપ ઘટી રહી હતી કેમકે એ ભયંકર રીતે લંગડાઈ રહ્યો હતો. એના લીધે પરિસ્થિતિ એવી હતી કે એકાએક કોઈ સામે આવી જાય તો ભાગી શકાય તેમ પણ ન હતું પણ હું કોઈ મિત્રને છોડીને જઈ શકું તેમ ન હતી. એમાય રાઘવને મેં ખોટો શક કરીને એની સાથે રમત રમી હતી... હું એને કઈ રીતે છોડીને જઈ શકું??

     છતાં રાઘવ માટે હું બીજા બધાની જીંદગી પણ જોખમમાં મૂકી શકું તેમ ન હતી. હવે બસ એક દરવાજો ઓળંગવાનો હતો અને ત્યારબાદ અમે વેર-હાઉસ બહારના ખુલ્લા મેદાનમાં આવી જવાના હતા જ્યાં બહાર ઇકો કાર અમારી રાહ જોતી હતી. પણ હું જાણતી હતી કે કોઈ પણ અજાણ્યી મુશ્કેલી છેલ્લી ઘડીએ આવી શકે છે.

     “રાઘવ હવે છેલ્લો દરવાજો છે. આ ગન તારી પાસે રાખ... કદાચ ખુલ્લા મેદાનમાં ગયા પછી કોઈ અચાનક સામે આવી જાય તો તું ભાગી નહી શકે.” મેં મારી પીઠ પાછળથી સૂરજે આપેલી ગન બહાર કાઢતા કહ્યું.

     “પણ મને નિશાન લેતા નથી આવડતું.”

     “બસ તારે સામેવાળાની છાતી પર નિશાન લગાવવાનું છે. નજીકથી છાતીનું નિશાન નિષ્ફળ નથી જતું, નો હેડ શોટ.” મેં સૂરજે મને કહેલા શબ્દો રાઘવને એમને એમ કહી સંભળાવ્યા.

     રાઘવના હાથમાં ગન આપ્યા પછી મેં બીજી ફ્રેન્ડસ તરફ જોઈ કહ્યું, “કદાચ દરવાજો ખુલતા કોઈ સામે આવી જાય તો તમે છુપાઈ જજો અથવા ભાગી જજો. હું અને રાઘવ એમની સાથે લડી લઈશું.”

     છોકરીઓ બધી માથું હલાવીને કોઈ મુસીબત ન આવે એવી પ્રાથના ઈશ્વરને કરવા લાગી. મને એમના ચહેરા જોઈ દયા આવતી હતી.

     હું દરવાજા તરફ આગળ વધી ત્યાં રાઘવ બોલ્યો, “દરવાજો ખોલ્યા પછી કોઈ સામે નહિ આવે.”

     “કેમ?” અમે બધાએ નવાઈ પામી કહ્યું. એ કઈ રીતે જાણતો હોય કે કોઈ વચ્ચે નહિ આવે.

     “કેમકે તમે એ દરવાજો ખોલી જ નહિ શકો. ચુપચાપ હું કહું તેમ કરો.” રાઘવે બે ડગલા પાછળ ખસી ગન અમારા તરફ એન કરતા કહ્યું.

     “આ તું શું કરી રહ્યો છે રાઘવ?” મારા મોમાંથી શબ્દો નીકળ્યા જ્યારે બાકીની છોકરીઓ તો જાણે પુતળા બની ગઈ હોય એમ ઉભી રહી ગઈ.

     “એ જ જે તું જોઈ રહી છો છોકરી.” કહી એ હસ્યો.... ના એ ક્રુર હસ્યો...... એ શેતાન જેને હું શોધતી હતી... એ શેતાન મારી સામે એના ક્રુર હાસ્ય સાથે ઉભો હતો..... એ જ શેતાન જેને મારે નરકની સાંકળોમાં બંધાયેલો, તડપતો, રીબાતો જોવો હતો..... એ જ શેતાન જેને મારે દોજખની આગમાં શેકાતો જોવો હતો.... જેણે મારી પાસેથી મારી જીનલ છીનવી હતી.... પણ હું લાચાર હતી મારે હજુ આ નાટક લાંબુ ચલાવી લેવાનું હતું.....

     “પણ કેમ?” મેં ગભરાઈને પૂછ્યું..

     “કેમકે એ કામ માટે મને અહી રાખવામાં આવ્યો છે.”

     “મતલબ?”

     “મતલબ હજુ નથી સમજી. તમને બધાને મેં જ કિડનેપ કરાવ્યા હતા પણ સાથે મને પણ કિડનેપ કરવામાં આવ્યો જેથી હું તમારી સાથે જ કેદ હોઉં. જ્યાં સુધી તમને એ જ શહેરમાં રાખવામાં આવે. તમે ભાગી શકવામાં કદાચ સફળ રહો તો પણ એક મિત્રને છોડીને તો ન જ જાઓ.” કહી એ ફરી હસ્યો, “પુઅર ઈમોશનલ પીપલ....”

     “તું આ બધું કેમ કરી રહ્યો છે?” મનીષાએ ગભરાતા ગભરાતા પૂછ્યું.

     “મની... રૂપિયા..... પૈસા.. એના ઘણા નામ છે પણ એ એક જ એવી ચીજ છે જેના માટે માણસ ગમે તે કરી શકે છે.” એ એના હાથમાં રહેલી ગન સામે તાક્યો જેનો અર્થ હું જાણતી હતી. એનો અર્થ હતો કે રૂપિયા પૈસા અને મની માટે રાઘવ એ ગન અમારા ઉપર વાપરવાનો હતો.

     “પણ તે અમને કિડનેપ કેમ કરાવ્યા? અમે તારા મિત્ર હતા. તું બીજા કોઈને પણ કિડનેપ કરાવી શકતો હતો.” નિશા બોલ્યા વગર રહી ન શકી. એ શેતાનના હાથમાં ગન હતી છતાં નિશા બિચારી લાગણીઓમાં આઘાત લાગ્યો હોય એમ એને જોઈ રહી.

     “તમે મારા મિત્ર નહિ શિકાર હતા, હું કોલેજમાં આવતી સામાન્ય ઘરની છોકરીઓની ડીટેલ નીકાળી તેમની મિત્રતા કરી તેમને કોઈ એવા સ્થળે લઇ જાઉં છું જ્યાંથી એમને કિડનેપ કરવા સહેલા પડે. ત્યારબાદ એમની સાથે કિડનેપ થઇ જાઉં છું જેથી દરેક ચીજ સરળ બની જાય.”

     “તો તે આરાધના અને એની ફ્રેન્ડસને કેમ કિડનેપ કરાવ્યા?” મેં પૂછ્યું ત્યારે મારી નજર એના ઉપર હતી પણ નિશા, રિયા, મનીષા અને ચોથી છોકરી મારી સામે જોઈ રહી હતી. કેમ કે એ આ બધા ખેલ જાણતી જ ન હતી. ન એ મને ઓળખતી હતી.

     “એમને મેં કિડનેપ નથી કરાવ્યા એ કદાચ કોઈ બીજી ગેંગનું કામ હશે...”

     “હું આરાધના અને તેની ફ્રેન્ડસની તપાસ કરી રહી હતી એમાં તને શું પ્રોબ્લેમ હતો? તું કેમ વારવાર મને એ કેસ પરથી હટાવવા માંગતો હતો?”

     “કેમકે હું નહોતો ચાહતો કે તું એટલી ફેમસ વ્યક્તિ બની જાય જેને કિડનેપ કર્યા પછી પોલીસ એનામાં બહુ રસ દાખવે.”

     મારી પાસે એને પૂછવા વધુ સવાલો ન હતા, હું ચુપ રહી.

     “ચાલો હવે, આ ઉંદર બિલ્લીની રમત પૂરી થઇ... અંદર ચાલો.” એણે ફરી ગન એન કરતા કહ્યું.

     અમારે એની બંદુકના ઈશારે ચલાવું પડ્યું. એ ફરી એજ દરવાજા પાર કરી અમને મેન પેસેજમાં લઇ આવ્યો.

     “ત્રીજા માણસને તે ક્યા કેદ કર્યો છે?”

     “મારી કેબીનમાં.”

     “મને એ તરફ લઇ ચાલ.”

     હું એને સૂરજની કેબીનના દરવાજે લઇ ગઈ. નિશા તો ઊંડા આઘાતમાં હતી પણ રિયા, મનીષા અને પેલી ચોથી છોકરી ગભરાયેલા વાછરડા જેમ ધ્રુજતી હતી.

    “દરવાજો ખોલ.”

     એ ચાલાક હતો એણે મારી પાસે જ દરવાજો ખોલાવ્યો. એણે દરવાજાથી જરાક બાજુમાં દીવાલની પાછળ છુપાઈને મને દરવાજાની અંદર જવા ઈશારો કર્યો. મેં જોયું મારી બાકીની ફ્રેન્ડસ એની બાજુમાં ઉભી ઉભી ધ્રુજી રહી હતી. રાઘવનું સંપૂર્ણ ધ્યાન મારા તરફ હતું પણ એ લોકો રાઘવ પર હુમલો કરવા માનસિક રીતે તૈયાર ન હતી એટલે હું એ આશા ન રાખી શકી. રાઘવ જરાય લંગડો ન હતો એ મને કોરીડોરમાં આવતા જ ખ્યાલ આવ્યો.

     મેં દરવાજો આખો ખોલ્યો, અંદર સૂરજ પોતાના ગાલ પર રૂમાલ દબાવી બેઠો હતો.

     “તું પાછી કેમ આવી?” મને જોતા જ એ બોલી ઉઠ્યો. એની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ.

     “એ આવી નથી હું એને લાવ્યો છું.” કહેતો રાઘવ દીવાલની આડસથી બહાર આવ્યો. હું સમજી ગઈ કેમ એણે ઈશારો કરી મને અંદર જવા કહ્યું હતું. એને શક પડી ગયો હશે કે મેં બે લોકોને મારી નાખ્યા તો ત્રીજાને કેમ કેદ કર્યો? એને શક પડી ગયો હશે કે સૂરજે જ મને ભગાડવામાં મદદ કરી હશે. રાઘવ પુરેપુરો હરામખોર અને સાતીર હતો.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Vasu Patel 4 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા

Verified icon

Rangadiya Chetana 5 માસ પહેલા

Verified icon

Neeta Soni 5 માસ પહેલા