Vaat ek raat ni books and stories free download online pdf in Gujarati

વાત એક રાતની .

                 રાત્રિનો દોઢ વાગ્યો છે.મેઘલી રાત છે. વરસાદનાં ખેંચાવાને લીધે લંઘાતા બાજરામાં પાણી આપવાનું ચાલુ કર્યું છે. આજે લાઈટ નો રાત નો વારો હોવાથી સાજણ પાણી પાવા વાડી તરફ જઈ રહ્યો છે. ગમે તેવી અંધારી રાતે પણ થોડો-ઘણો તારલા નો ઉજાસ હોય છે. પરંતુ આજે આકાશમાં વાદળો હોવાથી અંધારું ઘનઘોર છે. સાજણ ના હાથમાં ટોર્ચ તો છે પરંતુ રસ્તામાં ચાલુ રાખે તો પાણી વાળતી વખતે ટોર્ચ નું ચાર્જિંગ ઉતરી જાય એટલે તે ટોર્ચ ચાલુ કરતો નથી. આમ તો આ રોજનો રસ્તો હોવાથી સાજણ ના પગે જાણે આંખો હોય તેમ ચાલ્યો જાય છે. રોજ કરતા આજે રાત વધુ બિહામણી લાગે છે. કૂતરાનો ભસવાનો અવાજ, દૂરથી સંભળાતી શિયાળવાની લાળી, અને તમરા ઓના અવાજ ની વચ્ચે ચીબરીનો ચિત્કાર રાતને વધુ ભયંકર બનાવે છે. સાજણ ઘડીએ ઘડીએ હાથમાં રહેલી કુહાડી સરખી કરતો જાય છે.       
                     સાજણ ત્રીસ વર્ષનો યુવાન છે. ઘરના દુઝાણાને ગામડાનો દેશી ખોરાકની સાથે ખેતીનું ભારે કામ કરીને તેનો વાન ભીનો છે પણ શરીરે ખડતલ છે. પોતાના મોટા બે ભાઈ શહેરમાં રહેતા હોવાથી અને બાપુજીની ઉંમર થઈ ગઈ હોવાથી ખેતીકામ સાજણ માથે આવેલું છે. સાજણ ખાધેપીધે સુખી છે. ત્રીસ વીઘા જમીન છે, ટ્રેક્ટર છે, બળદની એક જોડ છે, કુવે પાણી છે, ત્રણ ભેસું દૂજાણી છે, ને વર્ષેદાડે ખેતીમાં ઉત્પાદન પણ સારું લે છે. પણ સાજણ ના લગ્ન થતા નથી. ઓછું ભણેલો હોવાથી અને ગામડામાં રહેતો હોવાથી કન્યા નો મેળ પડતો નથી.                   
             
              સાજણ ની આંખ સેંજુ સાથે મળી ગઈ છે. સેન્જુ અને તેના પતિ કેહરે સાજણ ની જમીન ભાગવી વાવવા રાખેલી છે. બંને સાજણની વાડીએ આવેલા બે રૂમના મકાનમાં રહે છે. મકાન પાકુ છે, પણ પ્લાસ્ટર વગરનું છે. એક રૂમમાં બંને જણ રહે ને એક રૂમમાં  વાડીનો બધો સામાન રાખેલો છે. છેલ્લા પાંચેક વર્ષથી આ કુટુંબ સાજણ ની વાડી એ જ રહે છે.           

          સાથે કામ કરતા કરતા સાજણ અને સેંજૂ વચ્ચે પ્રીત થઈ ગઈ. સેંજું ની ઉમર પણ સાજણ જેટલી જ હશે. થોડી ઘણી મોટી હોય તો!  સેંજુનું એક વડિયું શરીર છે. પણ હજી છોકરા  જણ્યા વગરનું હોવાથી ઘાટીલું છે. કેહર ની ગેરહાજરીમાં બંને ઘણી વખત નજીક આવી ગયેલા. સેંજુને કેહર દીઠો ના ગમે પણ યુવાનીમાં એકવાર   ઘેરથી ભાગી જવાની ભૂલ થઈ ગઈ હોવાથી બાપાએ ગમે તેવો છોકરો ગોતી પરણાવી દીધી હતી. સેન્જું ઘણી વખત સાજણને ભાગી જઇ લગ્ન કરી લેવા સમજાવતી હતી. પરંતુ ગામડિયો એવો સાજણ હિંમત નહોતો કરી શકતો.             

           હમણાં એક દિવસ સેજું અને સાજણને કેહર જોઈ ગયો હતો. ત્યારથી સેંજુ ને કેહર રોજ માર મારતો.સાજણને સેંજુએ ભેગા થઈ કેહર નો કાંટો કાઢી કાયમી મળી જવાનો પ્લાન બનાવ્યો.

             આજે મેઘલી રાતે સાજણ ના દિમાગમાં એ જ વિચાર ચાલી રહ્યા છે. ઘડીક તે વિચારે છે કે કેહર ને કુવાકાંઠે લઈ જઈ માથે કુહાડી મારી કુવામાં ધક્કો દઈ દેવો. તો ઘડીક વિચારે છે કે બંને થઈ કેહર ને મારીને પોતાની જમીનમાં જ દાટી દેવો. આવા વિચાર આવતા સાજણ ના ધબકારા વધી ગયા. કુહાડીની પકડ મજબૂત કરી.           

           આમ વિચારતા વિચારતા પોતાની વાડી નો જાપો આવી ગયો. સાજણ ધીમે રહી જાપો ખોલી અંદર આવ્યો. જાપો બંધ કર્યો. લાઈટ હજી આવી ન હોવાથી વાડીએ પણ ચારે બાજુ ઘનઘોર અંધારૂ હતું. વાતાવરણમાં અલગ પ્રકારની બેચેની હતી. સાજણ ના શરીરમાં ધ્રુજારી હતી.

              આજે તો કામ તમામ કરી ને કાયમ માટે સેંજૂને મેળવી જ લેવી તેવો મક્કમ નિર્ણય કરેલો છે. તે ઉતાવળો.... ઉતાવળો મકાન તરફ જઈ રહ્યો છે. એટલામાં તેના ઠેબે કંઈક લાગ્યું. હાથમાં રહેલી કુહાડી સાજણ એ સાબદી કરી. હાથમાં રહેલી ટોર્ચની સ્વીચ ચાલુ કરી ત્યાં પ્રકાશનો જાણે ધોધ છૂટયો. ને સાજણ એ જે દ્રશ્ય જોયું, ઘડીક તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું.                           

                     તેણે ટોર્ચની લાઈટ માં હમણાં જ તરફડીને મૃત્યુ પામેલી સેંજુની લોહીલુહાણ લાશ જોઈ. બાજુમાં જ લોહીથી ખરડાયેલું લાકડા કાપવાનું ટૂંકા હાથાનું ધારિયું  પડેલું છે. ટોર્ચના  પ્રકાશમાં કોઈક દોડીને બાજરાના ખેતરમાં ગયું હોય તેવું લાગ્યું. બાજરો હલી રહ્યો છે. સીમાડે કુતરાના રૂદનનો અને શિયાળવા ની લાળીનો દૂરથી અવાજ આવી રહ્યો છે.
 લેેખક : અશોકસિંહ  ટાંક(૨૨/૩/૨૦૧૯)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED