પાલકનાથ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાલકનાથ

પાલકનાથ

કાળો ડિબાંગ અંધકાર. હમણાં જ બારે મેઘ ખાંગા થયા હોય તેવો વરસાદ બંધ થયેલો. દૂર તમરાં બોલતાં હતાં. ક્યાંક ઘુવડનો અવાજ આવતો હતો. શિયાળોની લાળી પણ સંભળાતી હતી.

ગામની સીમમાં સુમસામ રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કુતરાઓ ભસી રહ્યા હતા. અને એક આકૃતિ લાશ તરફના રસ્તા પર ચાલી રહી હતો. ત્યાં લાશ કેમ હતી કોની હતી? કોઈને ખબર પડે તેમ ન હતું. વ્યક્તિ ધીમા પગલે આસપાસ જોતી આગળ વધતી હતી. એના ખભે એક ઝોળી હતી અને હાથમાં લાકડી કે ચિપીયો કે એવું કશું હતું. એ ચાલી જતી આકૃતિ કોઈ સન્યાસી પુરુષ જેવી લાગતી હતી. ત્યાં જ અચાનક..

તેના પગ પાસે લાશ અથડાઈ. તે પડ્યો. લાશ ઉપર જ.

ઠંડી લાશનો તેને સ્પર્શ થયો. લાશ એક સ્ત્રીની હતી તેમ લાગ્યું. કારણકે તે લાશ ઉપર જ પડેલો અને સ્ત્રીના ઉભાર, એ પણ વરસાદમાં પલળેલા, તેના શરીરને અડયા. લાશ પરથી લોહી નીતરી રહ્યું હશે અને વરસાદમાં પલળી આસપાસ વહયું હશે.

તેનાં કપડાં પણ કદાચ લોહીવાળાં થયાં. લોહીની ભીનાશ કપડાને લાગી. આ ઘોર અંધકારમાં માણસને પોતાના અંગો પણ ખબર ન પડે ત્યાં અન્યના તો કેમ ખબર પડે? સ્પર્શથી. હતી તો લાશ પણ સ્ત્રી દેહનાં પુષ્ટ અંગો તેને અડી રહ્યાં હતાં.

મૃતદેહની તો આમન્યા જાળવવી જોઈએ. છતાં તે સ્ત્રી શરીરને ટંટોળવાની લાલચ રોકી શકયો નહીં. તેના કંકણો પરથી સુંવાળા હાથો, લોહી નિગળતા પેટ, કમર અને.. બે ઘડી ભૂલી ગયો કે આ લાશ છે. તેનાં ભરપૂર સ્તનો તરફ ગતિ કરતો હાથ.. ત્યાં જ અટકી ગયો. લાશ પડખું ફરી કે તેનો ભ્રમ હતો? લાકડાં જેવી લાશ કદાચ તેના હાથ પેટ આસપાસ ફરતાં ધક્કો વાગી પડખું ફરી ગઈ હશે.

તેની ઉપર લાઈટ પડી. એક આંખો આંજી નાખતો ચમકારો થયો.

“નાલાયક? અંધારે બૈરાંની લાજ લૂંટે છે? ચાલ. તારી જેવાઓની સાથે તો..” કરડો અવાજ. એક ખાખી ડ્રેસ વાળો જમાદાર તેની તરફ લાઈટ ફેંકતો હતો.

અંધારું ચીરતી તીવ્ર લાઈટો ફેંકાંઈ. પોલીસ ટોર્ચ ફેંકતો હતો. પેલા જમાદારે સીટી વગાડી. એક સાહેબ હાથમાં લાકડી ઠપકારતા આવ્યા. સાથે બે કોન્સ્ટેબલો.

“સાહેબ, ખૂન. જો. લોહી વહે છે. હાથનું કંકણ ખેંચાયું છે. ગળાની સોનાની ચેઇન પણ. આ ઇસમે જ ખૂન કર્યું લાગે છે.”

“લાગે શું, કર્યું જ છે. રાંડના ચોરટા, તારી ખેર નથી.” સાહેબ કાંઈ કહે તે પહેલાં એક હટ્ટા કટ્ટા પોલીસે ગાળોના વરસાદ સાથે ઢીક્કા પાટુ શરૂ કરી દીધાં.

“ઉપાડી લો આને. કસ્ટડીમાં ઓકાવશું બધું. “

“અરે બાવાજી છે. લે કર વાત. બાવો થઈને લૂંટ, ખૂન?”

“બળાત્કાર પણ કર્યો લાગે છે.”

પોલીસોએ મોટો ગુનેગાર પકડ્યો.

“થા ઉભો. બોલ શું કામ ખૂન કર્યું?”

“અલા, માર ન મારવાના પચાસ હજાર લઈએ છીએ. આ બાવલા પાસેથી શું મળશે?’

ત્યાં તો બાવાએ અટ્ટ હાસ્ય કરી હુ.. હુ.. અવાજ કાઢ્યો. બાવો હતો તે કરતાં મોટો થયો, તેની આંખમાંથી ચમકારો થયો. પોલીસો પાછા હટયા. બાવો નાનો થઈ પહોળા પગ કરી ઉભેલા એક પોલીસના પગ વચ્ચેથી નીકળી ઝડપથી દોડ્યો કે ચાર પગે ધસડાયો. પોલીસ ડરી ગયા. હવે તેઓ ભાગવા ગયા.


બાવાના હાથ લાઇટમાં લાંબા થયા. એક પોલીસના પગમાં તેનો ભરડો લીધો અને તે પડ્યો. લાંબા હાથે તેને ઢસડ્યો. તે ચીસ પાડતો ભાગ્યો. ઇન્સ્પેક્ટર ટોપી સરખી કરે ત્યાં તેમના ગળામાં પાછળથી કઈંક ભરાયું અને તેઓ ઉભા ઉભા જ ખેંચાયા. તેમણે ટોર્ચ મારવા પ્રયત્ન કર્યો પણ તેમના પગમાં કશું આવતાં ટોર્ચ દૂર જઈ પડી, સાહેબ બેલેન્સ ગુમાવી પડ્યા. તેઓ પણ ઘસડાયા. માંડ ઉભા થઇ તેઓ ભાગ્યા.

આખી પોલીસ પાર્ટી ઊંધું જોઈ ભાગવા લાગી. ત્યાં પાછળ ન જાણે ક્યાંથી પ્રકાશ થયો અને બાવાજી લાંબા હાથે તેમને પકડવા આગળ વધ્યા. બાવાજીના લાંબા થતા હાથ એક પોલીસની ડોક તરફ લંબાતા હોય એમ લાગ્યું. મરદના ફાડીયા જેવા પોલીસો રાડ નાખી ગયા. પાછળ જોવાની હિંમત કોની હોય? પાછળ એ જ ઘુ.. ઘુ.. અવાજ. ટપ ટપ દોડતાં પગલાંનો અવાજ. બાવો દોડતો હશે? એટલો મોટો અવાજ પગલાંનો હોઈ શકે?

એક પોલીસે ખિસ્સામાંથી લીંબુ લઈ બાવાની દિશામાં ફેંક્યું. લે. બાવાએ તો એ કેચ કરી લીધું. બાવો કદાચ હવામાં ઉડયો? કે ઊંચું કુદયો? ના. કપડું ફરક્યું. એ ઉડયો.

નજીકની નદી કે વરસાદનું વહેણ છપ છપ અવાજ સાથે ભીના થતાં કપડે કુદાવી તેઓ સામે કાંઠે પહોંચ્યા. દૂર રસ્તાની લાઈટ દેખાઈ.

“ આ જગ્યાએ ભૂત કે મામો કે એવું થાય છે એ ખબર નહોતી?” પેલા ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

“શું કરીએ? હાઇવે પાસે એકવાર પકડાતા રહી ગયા. આ નકલી કપડાં ફાટી ગયાં છે, બાયડીએ રફુ કર્યાં છે. પૈસા કમાવા નવી જગ્યા તો ગોતવીને?”

“અલા, પલળેલા કપડે બીડી પીવા તો બેસીએ? મારે તો હારટ બેહી જાહે. માયન્ડ બઈસા.” એક ટીમ મેમ્બરે કહ્યું.

“ઓલી તારા વાળી ચ્યો મરી ગઈ?”

“હાચે જ મરવા દો. હું ભૂત પાહે હવે નો જાઉં.”

“તયે લોકોને ફહાવવા કુણ લાવહું?”

“મળી રહેશે આ ગામમાંથી. કે નજીકમાંથી. વાં નો જવાય. ઇ તો હાચે જ મરી હમજો.”

સહુ એક બંધ ગલ્લા પાસે બહાર મૂંઢા પર બેઠા.

વળી એક તીવ્ર લાઈટ અને સાયરન.

“અલ્યાઓ, નિશાળમાં પોલીસ બનવાના ફેન્સી ડ્રેસ નહીં પહેર્યા હોય. પટ્ટો ને બક્કલ તો સરખાં પહેરવાં તાં?”

સાચી પોલીસે કારસો કરી કમાવા માંગતા ડમી પોલીસોને પકડી સાચી વાનમાં બેસાડ્યા.

આ બાજુ..

“ હરિ ઓમ.. તારાવાળાઓ તો ગયા. થા ઉભી.” બાવાએ લાશને એક પાટુ મારી.

લોહી નીગળતી લાશ પેટ પાસે ટોમેટો સોસની કોથળી ખસેડી ઉભી થઇ. ધ્રૂજતી ઉભી રહી. તેનાં ભીનાં અંગોમાંથી યૌવન નીતરતું હતું. તેણે ઠંડી લાગતી હશે એટલે અદબ વાળી હતી. તેનાં પુષ્ટ સ્તનો એથી વધુ ઉપર દેખાતાં હતાં.

“ હરિ ઓમ.. હું પાલકનાથ અઘોરી. તું આજથી મારી ચેલી. મને તો બેઠે બેઠે લોકો પૈસા આપી જશે. તારે ગામ ગામની સીમમાં ભટકી લોકોને ફસાવવા નહીં પડે. તારા જેવી દેખાવડી ચેલી હશે તો મારી આવક વધશે. જા, ત્રીજો ભાગ તારો. ને સરખું હાલ્યું તો નવી જગ્યાએ આપણે આશ્રમ કે મઢુલી ઉભી કરી સંસાર માંડશું. પેલું એક ગીત છે ને, ‘તેરા ચુપા મેરી ચુડિયાં દોનો.. સાથ સાથ ખનકાએંગે’

“બાવાજી, તમે એ લોકો બનાવટી છે એ પકડ્યું કેવી રીતે?”

“ હું પણ ગભરાયેલો. પણ એ લોકોની વાત કરવાની સ્ટાઈલ પરથી મને શક ગયો. ધ્યાનથી જોયું તો સાહેબના પટ્ટાના બક્કલ પર ગરુડ કે કોઈ પક્ષીનું ચિત્ર હતું. પોલીસોના બુટ કથ્થાઈ, પેલા ટેન બ્રાઉન કહે છે તેવા હતા, જે લાલ જેવા હોય. ખભાના ખોટા સ્ટાર, નેઇમ પ્લેટના અક્ષરો ગુજરાતીમાં. એ અંગ્રેજીમાં હોય. સહેજ મોટા.. મને ખ્યાલ આવી ગયો કે ખૂન, લાશ અને પકડવું- બોગસ છટકું છે. આવા ભર વરસાદમાં એ વખતે સ્ટેશનથી નીકળે તો જીપ અહીં આવતાં સવાર જેવું થવા આવે. તું જીવતી હોઈશ એ ખાતરી કરવા છાતી પાસે હાથ લઈ ગયો અને તને હળવી લાત મારી.

અઘોરીનો ધંધો છે. લોકોને છેતરવા હોય તો માણસ પારખતાં તો આવડે જ ને?”

“માન ગઈ બાબા. પણ તમે કાયા નાની મોટી કરી અને એ લોકોને પકડ્યા એ શું ચમત્કાર હતો?”

“ સિમ્પલ. (માય ડિયર વોટસની!) મોબાઈલની લાઈટ મારી ગુદા પાછળ અને કોણી પાછળથી ફેંકી એટલે પગ અને હાથનો પડછાયો મોટો દેખાય. ઊંચા થવા.. જો, આ ચાલવાનો વાંસ દંડ અને ચિપીયો અને એ બે ના સહારે પાછા પંજા પર ઉભા થઈએ એટલે હાઈટ બે અઢી ફૂટ વધી જાય. નાના થવા તો ગોઠણ પાછળ નીચેના પગ વાળી દીધા. પછી ગોઠણભેર બેસી પેલાના પહોળા પગ વચ્ચેથી નીકળી ગયો. એ જ ચિપીયો, લાકડી સાથે બાંધેલો ખોટો પંજો એ મારો લંબાતો હાથ.”

“ચરણોમાં પડું બાબા! શું તમારું જ્ઞાન.. શું વિચાર શક્તિ..”

“ ચરણોમાં નહીં, પ્રિયે, બાહુઓમાં આવી જા. તારો ઉદ્ધાર કરીશ. આમ તો એ પણ મારા ધંધા ભાઈઓ કહેવાય. લોકોને છેતરીને કમાતા. એટલે જ મેં એને ભગાડ્યા, મોટી ઇજા ન પહોંચાડી.”

“બાબા, સામે જ છે સ્મશાન. આ ઝાડ નીચે આપના ચરણ કમળોની સ્થાપના કરો. સવાર થવા આવી છે. હું આસપાસ સાફ કરી દઉં.”

“ પ્રિયે, હું તને પ્રિયે જ કહીશ. જો આ પ્રભાત તારો દેખાયો અને આ આભમાં વિજનો ચમકારો.

આ ખોડયું ત્રિશુળ. હું જ તારો ને સહુનો પાલક.”

“ ને તમે જ મારા નાથ .સહુના પાલકનાથ.”


-સુનીલ અંજારીયા