માવડિયો Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

માવડિયો

              નીલુ બે ત્રણ દિવસના થાક અને ઉજાગરા ને લીધે અડધી બેભાન હોય તેવી સ્થિતિમાં રૂમમાં બેડની બાજુમાં આસન પર બેઠી હતી. ભારેખમ ડ્રેસ ને શણગાર, મેકઅપ બધુ ક્યારે ઉતરે ને ક્યારે પથારી ભેગી થાવ તેવું વિચારતી હતી. નીલુ હજી તો બે-ત્રણ કલાક પહેલા જ આ ઘરમાં પરણીને આવી હતી. બહાર ઓસરીમાં ધીમે ધીમે બધા સદસ્યો ઓછા થવા લાગ્યા તેવું, અવાજ ઓછો થઈ જતા નીલુ અંદાજ કરતી હતી. બહાર નીરવ ને તેની બા બે જ હવે બેઠા હતા. નીરવ કહેતો હતો, "બા આજે ખૂબ થાકી ગયો. ખૂબ ઊંઘ આવે છે."તેની બા કહેવા લાગ્યા, "બેટા નાહી લે ને હળવા કપડાં પહેરી લે. પછી હું વિક્સ લગાવી દઈશ એટલે ઊંઘ આવી જશે." નીલુ આ બધું રૂમમાં બેઠી બેઠી સાંભળતી હતી.                   

          ધીમે ધીમે દિવસો વીતતા ગયા. નીલુ જોયા કરતી. નીરવ કંઈ પણ કામ હોય એની બા ને પૂછ્યા વગર ના કરતો. સુરધન દાદા ને પગે લાગવા જવું, તેડવા મુકવા જવું, કેટલું રોકાવું, રોટલો ખાવા જવું, શહેરમાં વસ્તુ લેવા જવી બધી જ વાત માં એ બા ને પૂછતો. નીલુ જોયા કરતી કઈ બોલતી નહીં.                
                 સમયનું ચક્ર તેનું કામ કરે રાખતું. નીલું ને નીરવ બે માંથી ત્રણ થયા. પણ નીરવ તો દરેક વાતમાં બાને પૂછીને જ આગળ વધે. ઓફિસે જાય તો પણ બા ને કહીને જ જાય. બા ને તો ખૂબ ગમતું. બધાના મોઢે વખાણ કર્યા કરે. મારો નીરવ મને પૂછ્યા વગર પાણી ના પીવે. નીલું ને હવે આ બધું ગમતું ન હતું.           

                     શરૂઆતમાં નવા-નવા હોય ત્યારે પોતાનો અણગમો દબાવી દે. ધીમે-ધીમે નીલુ, નીરવ ને સમજાવતી કે, "હવે તમે મોટા થઇ ગયા છો. બધુ બાને પૂછી પૂછીને ના કરવાનું હોય. તમે સ્વતંત્ર નિર્ણય લેતા ક્યારે શીખશો?"         

              નીરવ કહેતો, "બા ખૂબ સમજદાર છે, ને વડીલ પણ છે. તેને પૂછી ને કામ કરવી તો બિચારા કેટલા રાજી રહે? અને પૂછવાથી શું ફેર પડે?"           
               નીલું ને ગુસ્સો આવતો પણ તે દબાવી દેતી.  સમય જતાં નીલુ પોતાનો ગુસ્સો પ્રગટ કરવા લાગી. તે નીરવને કહેતી, "તમે તો સાવ માવડિયા જ છો." નીરવ સમસમી જતો કંઈ બોલતો નહીં. પરંતુ તેણે પોતાના વ્યવહારમાં કંઈ ફેર ન પાડ્યો. બાને પૂછ્યા વગર કંઈ કામ ના કરે. આ બાબતમાં બંને જણ વચ્ચે ઘણી વાર ઝઘડો થતો. નીલુ નીરવને માવડિયો...... માવડિયો... કહ્યાં કરે. મહેમાનો વચ્ચે પણ નીલુ ઉકળાટ કાઢે, "અમારે આ તો સાવ માવડિયા જ રહ્યા."નીરવ કંઇ બોલે નહીં.        
                
                    બન્નેના લગ્ન જીવન પર વરસોના પડ ચડવા લાગ્યા. નીલું ને નીરવનો પડછાયો રાગ મોટો થવા લાગ્યો. રાગ સાત ખોટનો હોવાથી બંને એ ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. રાગનું નીલુ ખૂબ ધ્યાન રાખતી. રાગને પણ મમ્મી વગર ઘડીક પણ ન ચાલે. રમકડાંથી લઈ, નાસ્તો, કપડા, શુઝ, સ્કૂલ, ભણતર, નોકરી સુધીમાં રાગ મમ્મીની સલાહ પ્રમાણે જ ચાલતો.        

              નીરવ ને રાગના આવા સ્વભાવ માટે કંઈ વાંધો પણ ન હતો. તે પોતાની રાય રજૂ કરતો પણ બંને મમ્મી દીકરાના નિર્ણયમાં દખલગીરી ના કરતો. રાગ ઊંચી ડિગ્રી મેળવી એક સારી કંપનીમાં જોબ કરવા લાગ્યો. સારા ઘરની છોકરીઓ ના માગા આવવા લાગ્યા. હા...... ના..... કરતા  એક છોકરી પસંદ કરી લીધી. નીલુની જ પસંદની, એ કહેવાની જરૂર નથી.             

                    નીલું ને નીરવ ના વાળ નાં કલરમાં પિસ્તાલીસ નો લૂણો લાગી ગયો છે. બંનેનું સુખી દામ્પત્ય છે. છતાં પસાર થયેલા વર્ષો એ મોઢા પર થોડી ઘણી કરચલીઓની કેડીઓ પાડી દીધી છે. આર્થિક રીતે તો પહેલેથી જ કોઈ ચિંતા ન હતી. તેમાં રાગને સારી જોબ મળી એટલે આર્થિક ઊંચાઈ પણ વધશે એ દેખાઈ રહ્યું છે.           

        રાગ ના લગ્ન ધામધૂમથી લેવાયા. નીલુએ કોઈ વાતની ખામીના રહેવા દીધી. હવે તો બધો વ્યવહાર નીલુ ના હાથમાં જ હતો. નીરવ ના બા નો સ્વર્ગવાસ થયો પછી બધો વ્યવહાર નીલુ જ કરતી. રાગ સુંદર દેખાવડી લાડી લઈ આવ્યો. રાગિણી ખૂબ હોશિયાર હતી.             

              રાગ અને રાગિણી આનંદથી રહેવા લાગ્યા. રાગ હવે રાગીણી સાથે વધારે સમય ગાળતો. ઓફિસેથી આવી સીધો જ પોતાના રૂમમાં જતો રહેતો. નીલુ રાગની રાહે રહેતી. પણ બધા રાત્રે જમવા ભેગા થાય એટલી વાર તો માંડ મળતા. બાકીનો સમય રાગ ને રાગિણી બહાર ફરવામાં, પિક્ચર જોવામાં ને મિત્રો જોડે ગાળતા. નીલુ અંદરથી દુઃખી રહેવા લાગી. તે નીરવને કહેતી, "રાગ ને હવે મમ્મી પ્રત્યે બહુ લગાવ નથી રહ્યો."નીરવ નીલુ ની સામે જોઈ રહેતો કોઈ જવાબ ન આપતો.         

                આજે રાગ ઓફિસેથી આવીને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. બંને જણા તૈયાર થઈ રહ્યા છે. બહાર આંગણામાં નીલું ને નીરવ  હિંચકે બેઠા છે. રાગ-રાગિણી ઝડપથી બહાર નીકળ્યા. જતાં જતાં રાગે " બહાર જઈએ છીએ" એટલું કઈ કાર લઇ નીકળી ગયા. વાતાવરણમાં બંનેએ લગાવેલા પરફ્યુમ ની સુગંધ ફેલાયેલી છે, અને નીલુના મગજની ગરમી પણ.             

                   નીલુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. નીરવ ને કહેવા લાગી, "મેં કેમ ઉછેર્યો છે આને. હું અડધી....અડધી... થઈ ગઈ તેના માટે. આજે તેની પાસે ક્યાં જાય છે તે કહેવાનો પણ ટાઈમ નથી. કાલે સવારે હજી વહુ આવી એટલામાં તો વહુઘેલો થઈ ગયો છે."નીલુ ઉકળાટ કાઢતી જાય છે ને હિંચકાને પગના ઠેલા મારતી જાય છે. નીરવ બેઠો બેઠો નિર્લેપભાવે સાંભળી રહ્યો છે.        

        નીલુ, "મારી વગર ઘડી એ નહોતું ચાલતું તમને ખબર ને? તેને કેજી માં બેસાર્યો ત્યારે તેને રડતો મૂકી આવીને હું ઘરે કેટલું રડી હતી?"    ફરી પાછી નીલુ બબડી, "સાવ વહૂઘેલો થઈ ગયો."                  

            એટલામાં દરવાજે કાર આવી ઊભી રહી. રાગ નીચે ઉતર્યો. ઝડપથી પોતાના રૂમ માં ગયો. તરત પાછો વળ્યો.   "મમ્મી હું મારો મોબાઇલ ભૂલી ગયો હતો. મમ્મી અમે આપણી ફેવરિટ હોટલ woodan garden માં જઈએ છીએ. તુ રસોઈ ના બનાવતી. હમણાં અમે બધા માટે તારો ફેવરિટ મૈસુરી ઢોસા નુ પાર્સલ લઈને આવીએ જ છીએ. પછી બધા સાથે જમીશું." આટલું કહી રાગ કારમાં બેસી ગયો.           

           નીલુના બેતાલા ચશ્માની પાછળથી ગરમ ઝરણા દડદડવા લાગ્યા. નીરવે ખીસ્સામાંથી રૂમાલ કાઢી તેને ઝીલી લીધા. નીલુએ પોતાનું માથું નીરવના ખભે નાખી દીધું. હીંચકો ધીમે..ધીમે..પોતાનું કામ કર્યે જાય છે... 
લેખક : અશોકસિંહ ટાંક...(૧૦/૩/૨૦૧૯)