સુરજ ગયો એના પછી કેટલીયે વાર હું એના વિશે વિચારતી એ લોઢાના દરવાજાને તાકી રહી હતી. ત્યાંથી બચી નીકળવાના વિચારો અને સ્ટ્રેસથી બચવા તેણે આપેલ નાગમણી નામના પુસ્તકના ત્રણ ભાગમાંથી પહેલા ભાગની કોપી હું વાચવા લાગી. પ્રસ્તાવના જ જકડી નાખે તેવી હતી! મને એની પ્રસ્તાવના વાંચતા જ થયું કે એની પ્રોટાગોનીસ્ટ નયના અને મારા વચ્ચે અનેક સામ્યતાઓ છે. નયના મેવાડાને વધુ વિચારવાની બીમારી હતી જયારે મને પણ તેની જેમ પૂર્વાનુમાન અને પશ્ચાનુંમાનની આદત હતી. નયના માટે જેમ કપિલ રહસ્યમય હતો તેમ મારા માટે સૂરજ રહસ્યમય હતો.
લગભગ આખો દિવસ મેં એ પુસ્તક વાંચવામાં વિતાવ્યો હતો. એના એક એક શબ્દને મેં વાંચ્યો. મારી પાસે સમય પસાર કરવા માટે આમેય બીજું કશું હતું જ નહિ. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક સારા વ્યક્તિ અને સારા પુસ્તક વચ્ચે માત્ર એક જ તફાવત છે. સારો વ્યક્તિ પોતાની જાત માટે સાચો નિર્ણય લઈ શકે છે અને સારું પુસ્તક તમને સાચો નિર્ણય લેતા શીખવી શકે છે!
એ પુસ્તક પૂરું વાંચતા મારો દિવસ પૂરો થઇ ગયો. શું નાગમણી નવલકથાની નાયીકા નયનાની જેમ મારા જીવનમાં પણ કોઈ કિંજલ જેવું ગદ્દાર હશે?? શું કિંજલ અને મોહનલાલની જેમ મારી પણ પીઠ પાછળ છરી ભોક્નાર કોઈ હતું??
શું મને પણ કિડનેપ કરનાર લોકો મારી પાસેથી કઇક ચાહતા હશે?? મારા મનમાં એવા અનેક પ્રશ્નો થયા જેમાં મને લાગ્યું કે મારી અને નયનાની કહાની ક્યાંક એક જેવી જ છે. ફરક હતો તો એટલો જ કે નયનાની રક્ષા કરવા માટે કપિલ હતો અને હું સાવ એકલી! એ દરેક સવાલના જવાબ મળવા મુશ્કેલ હતા અને એમ પણ કાળ કોટડીમાં એ સવાલો કરતા મહત્વનું મને સુરજ વિશે વિચારવાનું લાગ્યું.
સુરજના વિચારો મારા મનમાં વારવાર આવી રહ્યા હતા. તેની સાથે થયેલ વાતચીત મને વારવાર યાદ આવી રહી હતી. શું એ મારી મદદ કરવાનું નક્કી કરશે? શું એ મારી ઓફર સ્વીકારશે?? શું એ મારો વિશ્વાસ કરશે? અને છેલ્લે શું મારે તેનો વિશ્વાસ કરવો જોઈએ? છેલ્લા પ્રશ્નનો જવાબ હું જાણતી હતી. એ જવાબ ‘હા’ હતો.
બે દિવસ પહેલા મારા મને મને પૂછ્યું હોત કે મારે સૂરજનો વિશ્વાસ કરવો જોઈએ કે નહી તો હું મારી જાતને નકારમાં જવાબ આપત કારણ એ મારા માટે એક કીડનેપર હતો. મને કાળ કોટડીમાં ગોંધી રાખનાર વિલન હતો. મને ભૂખે મારનાર અને અંધારી દુનિયામાં ડુબાડી દેનાર શેતાન હતો. બસ નામ જ સુરજ હતું પણ રહેતો હતો એ અંધારી દુનિયામાં! પણ હવે તેના વિશે વિચારતા જ મને બેભાન જોઈ ચિંતા કરનાર યુવકનો ચહેરો મારી નજર સમક્ષ તરવરતો હતો. એ હું કોઈ વરસોના ભૂખ્યા વ્યક્તિની જેમ ખાઈ રહી હતી એ વખતે મને જોઈ ઉપજતી દયા યાદ આવી રહી હતી. જ્યારે મને બેઠી થવામાં એણે મદદ કરી એ હાથનો સ્પર્શ યાદ આવી રહ્યો હતો. જે સ્પર્શમાં માત્ર માનવતાની સરવાણી સિવાય કશું જ ન હતું. હવે મને એ સુરજ અંધારી દુનિયામાં રહેનારો નહિ પણ ત્યાં અટવાઈ ગયેલો સુરજ લાગવા લાગ્યો હતો.
મારા માટે સ્ટ્રેસની ગોળીઓ લાવવી, મારા માટે સમયસર ખાવાનું ન લાવી શકવા બદલ અફસોસ વ્યક્ત કરવો અને છેલ્લે જીનલની હકીકત સાંભળતી વખતે એની આંખેથી વહેલા આંસુઓ એક વાત તો ચોક્કસ કહી રહ્યા હતા કે સુરજ ગુનેગાર ન હતો! કદાચ તે ગુનેગાર હોય તો પણ કાતિલ તો ન જ હતો. મને સુરજ ખરાબ માહોલમાં પોતાની મજબુરીને લીધે ધકેલાઈ ગયેલ સારો વ્યક્તિ દેખાઈ રહ્યો હતો. સુરજ સાચે જ મારા જીવનનો સુરજ મને લાગી રહ્યો હતો.
ગઈ કાલ સુધી મને એ કાળ કોટડીમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાતો હતો - મારા મૃત્યુ પછી મારી લાશ જ એ કાળ કોટડીમાંથી બહાર નીકળશે એમ લાગી રહ્યું હતું પણ આજે?? આજે મને બે રસ્તા દેખાઈ રહ્યા હતા. કદાચ હું ત્યાંથી લાશ બની બહાર નીકળીશ અથવા સુરજ મારી સાથે ડીલ કરી લેશે અને એની મદદથી હું જીવતી એ કાળ કોટડીમાંથી બહાર નીકળી શકીશ.
પુસ્તકો બાજુમાં મૂકી, ભીંતનો ટેકો લઇ મારા દુ:ખતા પગ લંબાવી હું સુરજના આવવાની રાહ જોઈ રહી હતી. મારી આંખો હવે બળતી ન હતી. કદાચ હવે સોજો પણ નહી જ હોય એવું મને લાગ્યું. એ સોજો સ્ટ્રેસની ગોળીઓ ન લેવાથી આવ્યો હશે એ મને સમજાયું.
મારી પાસે સ્ટ્રેસની ટેબલેટ હતી અને સમય પસાર કરવા માટે પુસ્તક હતા છતાં પણ મને મીનીટો કલાકો અને કલાકો દિવસ જેવા લાગી રહ્યા હતા. મને ખાતરી હતી સુરજના પણ કઈક એવા જ હાલ હશે! એ પણ મારી જેમ વિચારોમાં ડૂબેલો હશે કેમકે એ પણ કઈક એવું જોઇને ગયો હતો જેની એણે આશા રાખી જ ન હતી.
જ્યારે એ છેલ્લી વખત રૂમમાં આવ્યો હશે મને બેભાન જોઈ એણે શું વિચાર્યું હશે? કદાચ વિચાર્યું હશે કે એ મોડો પડ્યો. કદાચ હું મરી જવા પર હતી ભૂખને લીધે, મારી ગોળીઓની ગેરહાજરીને લીધે કે પછી સ્ટ્રેસને લીધે. મને બેભાન જોઈ એ ગભરાઈ ગયો હતો એનો અર્થ એ હતો કે એણે આજ સુધી કોઈ વ્યક્તિનો જીવ નથી લીધો. મારે લીધે કોઈ મરી જશે એનો ડર એની ગભરાહટ મેં એની આંખમાં જોઈ હતી. કદાચ એ આ ધંધામાં નવો જ આવેલ હશે.
તે મને તો શું કોઈને મારવા ઈચ્છતો હોય એમ મને એના દેખાવ અને વ્યવહાર પરથી નહોતું લાગતું. સૌથી મોટી વાત તો એ કે સુરજ પોતાની કેદમાં રહેલી યુવાન છોકરી પર જરા પણ નજર નાખતો ન હતો. જયારે કહેવાતા સારા માણસો જેને શહેર અને શહેરના લોકો માન આપે છે એવા માણસો પોતાની દીકરીની ઉમરની યુવતી પર જબરદસ્તી કરતા પણ ખચકાતા નથી અને મને ખાતરી હતી કે કદાચ એ કહેવાતા સારા માણસોની કેદમાં હું હોત તો અત્યાર સુધી મારો રેપ થઇ ચુક્યો હોત!
થેન્ક્સ ગોડ કે હું સુરજ જેવા ગુંડાની કેદમાં હતી. કોઈ સારા અને પ્રતિષ્ઠિત જેન્ટલમેનની કેદમાં ન હતી. સુરજ દારુ અને સિગારેટને હાથ પણ લગાવતો નહી એના પરથી જ મને અંદાજ આવ્યો હતો કે એ માણસ કઈક તો અલગ જ છે!
*
હું ક્યારે ઊંઘી ગઈ હોઈશ એની મને ખબર ન રહી પણ જ્યારે દરવાજા પર ટકોરા પડ્યા હું એકદમ સફાળી બેઠી થઇ ગઈ.
“મેં આઈ કમ?” સુરજે દરવાજા બહારથી પ્રશ્ન કર્યો.
“યસ, કમ ઇન.” મેં જવાબ આપ્યો. મને મારી સ્થિતિ પર હસવું આવ્યું. કેટલી અજીબ વાત હતી મારો કિડનેપર મારી કેબીનમાં આવવા માટે પરમીશન માંગી રહ્યો હતો અને હું ખુશી ખુશી એને અંદર આવવાની પરવાનગી આપી રહી હતી!
મને ખબર હતી જ નહી કે દરવાજા પર ટકોરા પડ્યા ત્યારે શું સમય થયો હશે. મેં યસ કમ ઇન કહ્યા બાદ દરવાજો ખુલ્યો અને સુરજ સફરજન અને એવા કેટલાક ફળ લઇ અંદર દાખલ થયો.
“આઈ ડોન્ટ નીડ ફ્રુટ્સ... મને ચાની જરૂર છે.” હું તેનાથી જરાક વધુ પરિચિત થયા પછી એની સામે માંગણી કરતા ડરી નહી.
“સોરી પણ ચાની વ્યવસ્થા હું નથી કરી શકું તેમ કેમકે એ લોકોને શક થશે કે કોઈ કેદીને ચા કેમ આપે? કેદીઓને તેમનું જીવન ટકાવી રાખવા જેટલી ચીજો જ અપાય છે.” સુરજે ફળ નીચે મુકતા કહ્યું.
“તો આ ફ્રુટ?”
“મેં બહાનું બનાવ્યું છે કે તારું શરીર એકદમ કમજોર પડી ગયું છે. છેલ્લીવાર મેં જ્યારે તને ખાવાનું આપ્યું ઘણા સમય સુધી ભૂખ્યા રહેવાને લીધે એ ખાતા જ તને ઉલટીઓ થવા લાગી હતી. તારે ફળની જરૂર છે એમ મેં એમને સાબિત કરી આપ્યું કેમકે એ લોકોને કેદી બીમાર થઈ જવાની બહુ ડર હોય છે. કોઈ પણ બીમાર કેદીને દવાખાને લઇ નથી જઈ શકાતું એટલે એ કેદી ગમે તેટલું મહત્વનું હોય તો પણ એને મરવા દેવું પડે છે. એ લોકો તારી હેલ્થના નામ પર તને ફળ આપવા માટે તૈયાર થઈ ગયા.” સુરજે હસીને કહ્યું.
“પણ તું મને ફળ કેમ ખવડાવવા માંગે છે?” મેં આશ્ચર્યથી કહ્યું હતું.
“અહીંથી બહાર નીકળવા માટે તારે શક્તિની જરૂર છે જે તને આ ફળથી મળશે.” સુરજના શબ્દોએ મને નવાઈ લગાડી પણ એમાં ખુશી હતી.
“શું તું મારી મદદ કરવા તૈયાર છે?” મેં ખાતરી કરવા પૂછ્યું.
“હા પણ...”
“પણ શું?” મેં ઉતાવળા થઇ પૂછ્યું.
“તારે બધું તારી રીતે જ કરવાનું રહેશે. હું તારી ખાસ કોઈ મદદ નહી કરી શકું.”
“અને એમ કરતા જો હું પકડાઈ જઈશ તો મારું શું થશે?”
“મને ખબર નથી. મને ન પૂછ. હું એ બધું જાણવા નથી માંગતો.” સુરજ ફરી ગંભીર થઇ ગયો.
“તેઓ મને મારી નાખશે?”
“હા, કોઈ પણ કેદી ભાગવાનો પ્રયાસ કરે તો એને મારી નાખવામાં આવે છે.”
“કોઈ પણ કેદી એટલે શું બીજા કેદીઓ પણ અહી છે?”
“હા, તારી સાથે જ એ બીચ કેબિનમાંથી કિડનેપ કરાયેલ છોકરીઓ અને એક છોકરો પણ છે જેને તારી જેમ જ એક અલગ કેબીનમાં રાખવામાં આવ્યો છે.”
“એનું નામ રાઘવ છે?” મારું મન ફફડી ઉઠ્યું.
“મને ખબર નથી, મને બસ તારી જ જવાબદારી સોપવામાં આવી છે. એ છોકરાની અને બીજી ત્રણ છોકરીઓને સંભાળવાની જવાબદારી બીલી નામના એક વ્યક્તિને સોપવામાં આવી છે. ભગવાનનો પાડ માન કે તારી જવાબદારી એ બીલીને નથી આપવામાં આવી! એનાથી દુષ્ટ વ્યક્તિ કોઈ જ નથી.” એ બોલતી વખતે સુરજના ચહેરા ઉપર એક સુગ દેખાઈ. મને હવે ખ્યાલ આવ્યો કે સુરજ બીજા માણસો સાથે કેમ વાત ન કરતો.
“બસ તારે બીલી અને બે બીજા માણસોની નજરમાં આવ્યા વિના બહાર નીકળી જવાનું છે.”
“પણ આપણે કઈ જગ્યાએ છીએ? મને તો બહાર નીકળી શકવાનો રસ્તો પણ ખબર નથી.” હું થોડી મૂંઝાઈ હતી.
“એ બધું હું તને સમજાવી દઈશ.”
“તો તું કેમ મારી સાથે બહાર ન આવી શકે? શું આપણે બંને એકસાથે બહાર ન નીકળી શકીએ?”
“ના...”
“કેમ?”
“કેમકે બોસ જાણે છે કે રોશની ક્યા છે. જો એને ખબર પડી જાય કે મેં એની સાથે દગો કર્યો છે તો એ રોશનીને મારી નાખશે.”
મને એની એ વાત વ્યાજબી લાગી. ત્યારબાદ એ મને પ્લાન સમજાવવા લાગ્યો. હું એની દરેક વાત ધ્યાનથી સાંભળતી રહી. હું જાણતી હતી કે એ દરેક શબ્દ પર મારી જીંદગી આધાર રાખતી હતી. કોઈ એક દરવાજા વિશે જાણવામાં કે યાદ રાખવામાં ગફલત થઇ તો મારે જીવન ગુમાવવું પડશે. સૂરજે મને કહ્યું પણ હતું કે જો હું પકડાઈ જઈશ તો બધાની સામે બોસ એને ઓડર કરશે તો એણે પોતાના હાથે પણ મને મારી નાખવી પડશે અને એ એવું કરતા પણ ખચકાશે નહિ. એવું એ કહી રહ્યો હતો પણ મને નહોતું લાગી રહ્યું કે એ તેમ કરી શકે તેમ હતો. છતા બીજા ઘણા લોકો એ સ્થળે એ કામ ખુશીથી કરવા તૈયાર હતા એ હું જાણતી હતી.
***
(ક્રમશ:)