સંધ્યા સૂરજ - પ્રકરણ - 15 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા સૂરજ - પ્રકરણ - 15

“આપણે ક્યા છીએ?”

“મારે તને જવાબ તો ન આપવો જોઈએ પણ શું ફેર પડે છે. આપણે એક જુના વેર-હાઉસમાં છીએ. આ વેર-હાઉસ રજીસ્ટર મુજબ કોના નામે નોધાયેલ છે એ મને પણ ખબર નથી. બસ અહી જુના ભંગાર કન્ટેનરો છે જે હવે કદાચ કોઈ કામના નથી અને નકામી થઇ ગયેલ એવી કેટલીયે ચીજો જે હવે કોઈના માટે ઉપયોગી નથી. એ બધું અહી તોડવામાં આવે છે.” એણે કહ્યું.

એ મને ખાતા જોઈ રહ્યો હતો. એની આંખોમાં હજુ પણ મને હમદર્દી સિવાય કશું જ નહોતું દેખાઈ રહ્યું. મને હવે સમજાયું કે બહાર દરવાજે કોઈ હથોડી મારીને મને ડરાવતું ન હતું પણ એ અવાજ લોખંડ તોડવાનો કાપવાનો હતો.

“હું ભૂલી જ ગયો હતો. મેં તારા માટે ગોળીઓ લાવી છે અને આ એક પુસ્તક પણ વાંચવા માટે. બહુ સારું છે.” એણે કહ્યું.

મેં પુસ્તક મારા ડાબા હાથમાં પકડ્યું, કેમકે મારો જમણો હાથ ખાવામાં વ્યસ્ત હતો.

“તે વાંચ્યું છે?” એણે એ પુસ્તકને સારું કહ્યું એટલે મેં એને પૂછ્યું.

“ના, મેં નથી વાંચ્યું પણ મારી બહેને વાંચ્યું છે એને આ પુસ્તક બહુ ગમે છે. એના ફેવરીટ લેખકનું છે.” એણે કહ્યું.

“હું જરૂર વાંચીશ, જો તું લાઈટ ચાલુ રાખીને જઈશ તો.....” મેં પુસ્તકના કવરને જોતા કહ્યું. કવર ઉપર “નાગમણી સિરીઝ ભાગ 1-2-3’ લખેલું હતું. મને કવર જોતા જ સમજાઈ ગયું કે એ પુસ્તક લવસ્ટોરી હશે.

“હું અહીંથી બહાર જઈ નથી શકવાની તો આ પ્રેમ કહાની વાંચીને શું ફાયદો?” મેં એક નિશ્વાસ નાખતા કહ્યું. એ નિશ્વાસમાં એક રહસ્ય હતું. મેં બધા વાક્યો ચીપીને બોલ્યા હતા.

“તને મરવાની ડર લાગી રહી છે?” એણે મારા પ્રશ્નને પ્રશ્ન વડે જ આવકાર્યો.

“ના, મને મરવાની ડર નથી લાગી રહી.”

“કેમ? તારા જેવી છોકરીમાં મોતનો સામનો કરવાની હિમ્મત કઈ રીતે હોઈ શકે?”

“હા, તારી વાત સાચી છે મારા જેવી છોકરીમાં મોતનો સામનો કરવાની હિમ્મત નથી હોતી. મારા જેવી મોટા ભાગની છોકરીઓ મોતનું નામ સાંભળતા જ ફફડી ઉઠે છે. પણ હું નથી ડરતી.”

“કેમ?” એણે અદબ વાળી અને ભીતનો ટેકો લીધો એ પરથી મને સમજાઈ ગયું કે એને મારી વાતમાં રસ છે અથવા કદાચ બહાર એના જેવા જે બે માણસો છે એમની સાથે સુરજને વાત કરવી નહી ગમતી હોય. કદાચ એ લોકોની સિગારેટ દારુ કે ગંદી વાતોમાં એને રસ નહી હોય. પણ તો અહી કેમ છે? કદાચ મારી જેમ એની પાસે પણ એ અહી કેમ છે એનું કારણ હશે. પણ હવે એ કારણ કઈ રીતે કઢાવવું એ મહત્વનું હતું. એના એક વાક્ય પછી હું વિચાર કરીને બોલતી. અહી લખતા આ સમય લાગે છે એટલો સમય મારું મન બગાડતું ન હતું. હું યુધ્ધના ધોરણે વિચારી એને જવાબ આપતી હતી. એ પણ એકદમ સાચવીને. મને એક પણ શબ્દ બિનજરૂરી વાપરવો પરવડે તેમ ન હતો. મેં ક્યાંક સાંભળ્યું હતું કે લખેલા અને બોલેલા શબ્દોમાં શક્તિ હોય છે. મને એ વાત હવે સાચી લાગી રહી હતી કેમ કે મારા શબ્દોમાં જ અહીંથી બહાર નીકાળવાની શક્તિ હતી. કદાચ શરીર એ કામ કરવા અસમર્થ હતું.

“કેમકે કે મેં મારી બહેન જીનલને મારી આંખો સામે મરતા જોઈ છે. મેં એને અઠવાડિયાઓ સુધી હોસ્પીટલના બેડ પર મોતની રાહ જોતા જોઈ છે. મેં એને મોત સામે લડતા જોઈ છે. મોતનો સામનો કરતા જોઈ છે અને એ દરેક પળ મને મોતના ડરથી દુર રાખે છે. હું જાણું છું કે જો મારી ફૂલ જેવી કોમળ બહેન મોત સામે લડી શકતી હોય તો હું કેમ ન લડી શકું?” હું એ બધા દ્રશ્યો આંખ સામે દેખાતા હોય એમ બોલી. હું સુરજ સાથે એ રીતે વાત કરી રહી હતી જાણે અમે એકબીજાને વર્ષોથી ઓળખતા હોઈએ. એ અહી કેમ છે એ જાણવા માટે મારે સત્ય કહીને એને ઈમોશનલ કરવો જ રહ્યો. એ પછી હું વધારે કોળીયા લઇ શકી નહી.

“શું થયું હતું એને?” સુરજે જોયું મે ડીશ વચ્ચે જ મૂકી દીધી. એના ચહેરા પર ઉદાસીના ભાવ હતા એ મેં પણ જોયું.

“શું થયું મોતના સોદાગરની આંખમાં કોઈની મોત વિશે જાણી પાણી કેમ?” મેં કઈક મર્મમાં પૂછ્યું.

“કેમકે મારી પણ એક બહેન છે. જેને બચાવવા માટે હું મોતનો સોદાગર બન્યો છું. એ પણ તારી જીનલ જેમ દર મહીને મોત સામે લડે છે. દર મહિનાની ત્રીજી તારીખે મોત એને લેવા આવે છે અને હું મોતના સોદાથી કમાયેલ રકમની મદદથી એ મોતને પાછું મોકલું છું.” એનો ચહેરો તપી ઉઠ્યો.

“શું નામ છે તારી બહેનનું?” મેં સ્ટ્રેસની ગોળી લીધી અને વાત આગળ ચલાવી.

“રોશની..”

“એને શું થયું છે?”

“એ રેર ડાયાબીટીશ કેસ છે. પંદર વર્ષની ઉમરમાં જ તેને એવો ડાયાબીટીશ લાગુ પડ્યો છે જે ડોકટરોને પણ નથી સમજાતું. કદાચ વિજ્ઞાન અને મેડીકલ જગતમાં એ રેર કિસ્સો છે. દર મહીને તેને દેખાતું બંધ થઇ જાય છે તેની બંને આંખોમાં એક એક ઈન્જેકશન અપાવવું પડે છે જેથી એ દેખી શકે. દર મહીને એના માટે મોત આંટો મારે છે. માત્ર હજારો રુપિયા જ એને જીવિત રાખી શકે છે.” કહેતો સુરજ પણ દીવાલનો ટેકો લઈને બેસી ગયો.

“એને કાઈ નહી થાય.. એની સાથે જીનલ જેમ કઈ નહિ થાય.” મેં એને સાત્વના આપતા કહ્યું.

“જીનલને શું થયું હતું?”

“બહુ લાંબી કહાની છે.”

“હું સંભાળવા માંગીશ. મારી પાસે આમેય હવે કોઈ કામ નથી. આવતા મહિનાની ત્રણ તારીખ સુધી હું નવરો છું. બસ એ બે દિવસ દરમિયાન હું રોશનીને દવાખાને શહેર લઇ જાઉં છું.”

“હું પણ જીનલના અક્શ્માતના સમાચાર સાંભળી દિલ્હી હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંથી ઘરે જવાને બદલે સીધી જ હોસ્પિટલ ગઈ હતી. મને સતત બીપ... બીપ... બીપના અવાજ સંભળાઈ રહ્યા હતા. એ નાનકડું મશીન જાણે મારા જીવ સાથે જોડાયેલ હોય એટલું મહત્વનું હતું. એ મશીન જીનલના હ્રદયના ધબકારા બતાવી રહ્યું હતું. જીનલ કાઈ બોલી શકવાની હાલતમાં ન હતી. બધા કહેતા તે મુજબ એને ચાલુ કારમાંથી ફેકી દેવામાં આવી હતી. છતાં એ પોતાની જાતને નશીબદાર માનતી હતી. કેમકે એના સાથે જ કારમાં કિડનેપ થયેલ જે બે છોકરીઓ કારમાંથી ફેકી નહોતી દેવાઈ તે ક્યા હતી એની કોઈને જાણ ન હતી.” મારી આંખોમાં આંસુ હતા, હું એ બધું માંડ બોલી શકતી હતી. સુરજ મને જોઈ રહ્યો હતો. કદાચ એ પોતાની બહેનના વિચારમાં હતો. મારી જીનલની વાત સાંભળી એ વધારે ઉદાસ થયો હતો.

“હું સમજી શકું છું એ સમયે તારા પર શું વીતી હશે, હું આ સ્થિતિમાંથી પસાર થયો છું.” સુરજ કદાચ મારો સમદુખિયો હોય એમ મને લાગ્યું. કદાચ આ જ વાત મેં કોઈ કોલેજના મિત્ર કે સારા માણસોમાં ગણાતા એકને કહી હોત તો એ માત્ર બનાવટી અફસોસ વ્યક્ત કરોત પણ સુરજ... એ સંભાળતા જ સુરજની ચમક ઓછી થઇ ગઈ... એ અસ્ત થવા લાગ્યો હોય એમ દેખાઈ રહ્યું હતું અને કહે છે ને કે સુરજ જયારે અસ્ત થવાની તૈયારીમાં હોય ત્યારે જ એ સંધ્યાને મળે છે...!!!

અહી પણ સંધ્યા અને સુરજને એક થવા માટે એક સૂરજનું અસ્ત થવું અને બીજા સૂરજનો ઉદય થવો જરૂરી હતો! મને લાગી રહ્યું હતું કે કદાચ મને જે સુરજની જરૂર હતી એ સુરજ ધીમે ધીમે ઉગવા લાગ્યો હતો.

“હું ઉદાસ હતી પણ જીનલની આંખોમાં એક શાંતિ મને દેખાઈ. એ મરી રહી હતી પણ એની આંખોમાં એક રાહત હતી કે તેનો પરિવાર તેની સામે હતો. તે પોતાના પરિવારના સહવાસમાં મરવાની હતી. જ્યારે તેની બે સહેલીઓ જે કિડનેપ થઈ હતી તેઓ એટલી નસીબદાર હતી નહી કેમકે તેઓ કોઈ અજાણ્યા સ્થળે કોઈ અજાણ્યા લોકોના હાથે મરવાની હતી જ્યાં તેમને મરતા જોઈ કોઈ દુ:ખી થવાનું ન હતું. જીનલ મારાથી બે વરસ જ મોટી હતી. અમે બંને બાળપણમાં ભેગુ જ રમતા અને ભેગુ જ ખાતા! અમે બંને સગી બહેનો હતી પણ એકબીજાની મિત્ર હોઈએ એમ રહેતી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ એ મને છોડીને જશે...!!” મેં મારા જમણા હાથની હથેળીથી પોતાના આંસુ લૂછ્યા. હું ઈમોશનલ થઈને કહેતી હતી છતાં મેં એક વાતનું ધ્યાન રાખ્યું હતું. મેં સુરજને બધું સત્ય કહ્યું પણ જીનલ મારાથી નાની હતી એ વાત ન કહી.

સુરજ એ બધું મજબુત બની સાંભળી રહ્યો હતો પણ એની આંખોમાંથી બહાર ન આવી શકતા આંસુ હું અનુભવી શકતી હતી. કદાચ તેને પણ પોતાની બહેનને સતત મોત સામે લડતા જોઈ આંસુને પી જવાનું શીખી લીધું હશે. કમ-સે-કમ તેનું મનોબળ મારાથી વધુ હતું કેમકે તે પોતાની કાયમ મોત સામે લડી રહેલ અને વેદનાથી પીડાઈ રહેલ બહેન માટે મોતની દુવા તો માંગતો ન હતો!

“હું જીનલ નજીક ગઈ હતી. એ કઈક બોલવા માંગતી હતી પણ એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. તેના હોઠ ધ્રુજતા હતા ફફડતા હતા. તે પોતાના મનની કોઈ વાત કહેવા માટે પોતાની જાતથી સ્ટ્રગલ કરી રહી હતી. હું તેના બેડ પર બેઠી. તેણીએ મહામહેનતે પોતાનો હાથ ઉંચો કર્યો અને મારા ગાલને સ્પર્સ કર્યો. તે શ્વાસ લેવા માટે મથી રહી હતી. હું એના હ્રદયના ધબકારા બતાવતી એ નાનકડી મશીન તરફ જોઈ રહી. એ કઈક બોલવાનો પ્રયાસ કરી રહી હતી પણ અવાજ એના ગળા બહાર નિકળવા ન માંગતો હોય એમ એ મમ્બલ કરી રહી હતી.” મારે વાત કહેતા કહેતા મારા આંસુ ફરી લુછવા પડ્યા.

“એના હાથના સ્પર્શ પરથી હું સમજી ગઈ હતી કે એ હવે અમારી વચ્ચે અમુક મીનીટો માટે જ હતી કેમકે એના હાથ ઠંડા પડી ગયા હતા. ગો જીનલ. આઈ વિલ બી ફાઈન. ડોન્ટ હોલ્ડ ઓન ફોર મી. હું એને કહેવા માંગતી હતી! હું જાણતી હતી હવે જીનલ બચી જશે તો પણ તેના નાના મગજ પર ભારે ચોટ વાગવાને કારણે કઈ જ યાદ નહી કરી શકે. હું મારી બહેનને એ અવસ્થામાં જોવા નહોતી માંગતી જેમાં એ પોતાને જ જાણતી ન હોય!” હું થોડીક વાર માટે અટકી, મારા ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હતો.

“હું પણ દર મહિનાની ત્રીજી તારીખે રોશનીને મારાથી બહુ દુર જતી અનુભવું છું અને એને દુર જતી રોકવા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાઉં છું.” સુરજે કહ્યું તેનો અવાજ ફિક્કો હતો પણ તેમાં દુનિયાભરની કડવાશ હતી.

“કદાચ હું દુનિયાની પહેલી એવી વ્યક્તિ હતી જે પોતાની સૌથી ગમતી વ્યક્તિના મૃત્યુની દુવા ભગવાન પાસે માગી રહી હતી. મેં એની આંખમાંથી એક આંસુ નીકળતું જોયું અને એની આંખો બંધ થઈ ગઈ. જીનલ હવે આ દુનિયામાં નથી રહી. એ એક અલગ જ દુનિયાની બની ચુકી હતી જ્યાં તેને કોઈ દુ:ખ કે તકલીફ ન હતી.” મેં મારી વાત પૂરી કરી.

“પણ એની એ હાલત કઈ રીતે થઇ? કોણે એની એ હાલત કરી હતી?” સુરજની આંખમાં મને હવે આંસુઓ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા.

“એ મૃત્યુ પામી એના એક અઠવાડિયા પહેલા સ્પોર્ટ્સકલબથી પાછા ફરતી વખતે જીનલ અને તેની સાથે ટેનીસની પ્રેક્ટીસ કરતી બે છોકરીઓને કાળી સ્કોર્પીઓમાં કોઈએ કિડનેપ કર્યા હતા. શહેરથી બહાર ગયા પછી એ ગાડી ચાલકે જીનલને ચાલુ કારમાંથી બહાર ફેકી દીધી. છેલ્લા સાત દિવસથી જીનલ પોતાના મૃત્યુ સામે લડી રહી હતી. એ કદાચ જીવવા માંગતી હતી કેમકે એ જાણતી ન હતી કે એ બચી જશે તો પણ અર્ધ પાગલ અવસ્થામાં પોતાની બધી જ યાદો ગુમાવી એ જીવવાની હતી. ડોકટરોના કહેવા મુજબ જયારે જીનલને બહાર ફેકવામાં આવી તેના માથાનો પાછળનો ભાગ રોડની બાજુ પર મુકેલા માઈલ સ્ટોન સાથે અથડાયો હતો જેના લીધે તેના માથાની કેટલીક એવી નશો ખતમ થઈ ગઈ હતી. કદાચ કોઈ ચમત્કારને લીધે બચી જાય તો પણ તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી નાખશે.

હું એકાદ ડગલું બાજુ પર ગઈ હતી. ડોકટરો અને નર્સો રૂમમાં ધસી આવ્યા. પપ્પા હજુ રુમમાં જ એક ટેબલ પર બેઠા હતા. દાદાને હજુ અમે અંદર આવવા જ નહોતા દીધા કેમકે અમને નહોતું લાગતું કે દાદાજી અને દાદી જીનલના મૃત્યુને જોઈ શકવા સમર્થ હતા.” હું અટકી એટલે સુરજે મને પાણીની બોટલ આપી. એ સમજી ગયો હતો કે હું આગળ બોલી નહિ શકું. મેં પાણી પીધું અને આગળ કહેવા માંડ્યું.

“ડોકટરો અને નર્સો પોતાની ફોર્માલીટી કરવા લાગ્યા. તેઓ તેના હાથની નશો જોયા પછી પણ એને મરેલી જાહેર કરવાને બદલે તેને કરંટના ઝટકા આપવાની તૈયારી કરવા લાગ્યા. હું તે જોવા ત્યાં ન રોકાઈ કારણ કે હું જાણતી હતી મારે જીનલને જેટલું દર્દ સહન કરતા જોવાની હતી એ મેં જોઈ લીધું હતું. જીનલે જે તકલીફ સહન કરવાની હતી એ કરી લીધી હતી. હવે એ કરંટના ઝટકા એનું કઈ જ બગાડી શકવાના નથી. એ બીજી દુનિયામાં ચાલી ગઈ હતી જ્યાં શારીરિક પીડા નામનો શબ્દ જ નથી હોતો! હું રૂમ છોડી હોલ તરફ જવા લાગી. મને ડોકટરો અને નર્સોનો શોર ધીમો ધીમો સંભળાઈ રહ્યો હતો. સી ઈઝ ડેડ. જેવા ડોકટરના ફાઈનલ શબ્દો પણ મારા હ્રદયને કોઈ જ અસર કરી શક્યા નહી કેમકે હું એના જીવવાની નહી એના મરવાની રાહ જોઈ રહી હતી. કદાચ તને મારા પ્રત્યે નફરત કે ધ્રુણા થશે કે હું પોતાની લાડલી બહેનના મોતના સમાચાર સાંભળી એક સિસકારો પણ ન લઇ શકી. મેં બહેનના મોતના સમાચાર સાંભળી એક પોક પણ ન મૂકી. પણ મેં જીનલને એક અઠવાડિયાથી લોહીના આંસુઓથી રડતા જોઈ હતી. એને એ યાતના ભોગવતી જોઈ હતી જે કદાચ તે કોઈ પુસ્તકમાં વાંચી નહી હોય કે કોઈ ફિલ્મના પરદા પર પણ નહી જોઈ હોય.”

“મને તારાથી કોઈ નફરત નથી બસ આ બધું રચનાર ભગવાનથી નફરત કરું છું.” સુરજે કહ્યું. હું એનો ગુસ્સો સમજી શકતી હતી.

“હું હોલમાં પહોચી એટલા સુધીમાં રૂમમાંથી આવતા એ અવાજો શાંત થઇ ગયા હતા. હું જાણતી હતી કે ડોકટરો અને નર્સો માટે કોઈ વ્યક્તિના મોતનો કોલાહલ કરવા માટે એકાદ મિનીટ કરતા વધુ સમય નથી હોતો. મારી પાસે આખી જિંદગી પડી હતી એના મોતનો શોક મનાવવા.. એના મોતનો કોલાહલ મનાવવા.... પણ હું મારું જીવન એના મોતનો શોક મનાવવામાં નથી વિતાવવાની કેમકે ભલે જીનલ પોતાનું છેલ્લું વાક્ય બોલી ન શકી પણ મેં એની આંખમાં એના શબ્દો જોઈ લીધા હતા. એ મને કહી રહી હતી સંધ્યા તારે મારા મોતનો બદલો લેવાનો છે. તારે મારા કાતીલોને ફાંસીના ફંદા સુધી લઈ જવાના છે!!!! જ્યારે મેં મનમાં વિચાર્યું હતું કે મારી સાથે જોડાઈ રહેવાનો મોહ ન કર જીનલ હવે તારી જાતને વધુ તકલીફ આપ્યા વિના ચાલીજા.... મારા માટે વધુ દર્દ સહન ન કર હું મારી જાતને સંભાળી લઈશ ત્યારે એક વણ કહ્યું વચન મારા મુખેથી અપાઈ ગયું હતું જા જીનલ જા, હું તારા ખૂનીઓને ફાંસીની સજા તો શું એથી પણ બદતર સજા આપીશ, રૂહ કંપી જશે એવી ભયાનક સજા... નરકનો શેતાન ધ્રુજી ઉઠે એવી સજા...” મારા આંસુની જગ્યાએ આંખોમાં નફરત ઉતરી આવી.

“અને શું તું એના કતીલોને શોધવામાં સફળ રહી??” સુરજે પૂછ્યું.

“ના, એ પહેલા જ હું પણ કિડનેપ થઇ ગઈ. મને મોકો જ ન મળ્યો. કદાચ એ બધું કરનાર તારો બોસ જ હશે! શું હું તારા બોસનું નામ જાણી શકું તેથી હું મરતા પહેલા મારી બહેનના કાતીલનું નામ જાણી શકું...” મેં કહ્યું.

“એનું નામ નહી જાણે તો કદાચ અહીંથી તું જીવતી જઈ શકીશ. હું તને એનું નામ નહી આપું. હું તને જાતે મોતના મોમાં નહી હોમું. હું તારી મદદ કરવા માંગું છું પણ હું મજબુર છું. મારે રોશની તરફ સતત આગળ વધી રહેલા મોતને અટકાવવું છે.” સુરજ મારાથી નજર ફેરવીને બોલ્યો. સુરજ ઇનકાર કરી રહ્યો હતો અને મારી આશા તૂટતી હતી જે મને મંજુર ન હતું.

“હા, પણ જે દિવસે તું પોલીસની ગોળીનો શિકાર થઇ જઈશ પછી?”

“પછી જે થવાનું હશે તે થશે પણ મારા જીવતે જીવ હું એને મરતી નહિ જોઈ શકું. હું ગમે તે કરીને એનો ખર્ચ પૂરો પાડીશ. એને ક્યારેય કોઈ હોસ્પિટલ સારવાર કરવાની ના નહિ પાડે. અને જ્યારે મને એક સાથે પચાસ લાખ મળી જશે તો હું એને વિદેશ સારવાર માટે લઇ જઈશ. પછી દર મહીને એની તરફ આવતું મોત એની આસપાસ ક્યારેય નહી ફરકે. એ છેક ઘરડી થશે ત્યાં સુધી નહિ.” એટલું કહેતા સુરજ સાવ પીગળી ગયો. અત્યાર સુધી પહાડ જેમ કઠોર લાગતો એ નાના બાળક જેમ રડી પડ્યો. પણ મેં એના રડવા ઉપર નહી એના વાક્ય ઉપર ધ્યાન આપ્યું. પચાસ લાખ એક સાથે મળે તો એની બહેન રોશની બચી જાય એ વાત મારા મને પકડી લીધી.

“અને એ રકમ હું તને આપી દઉં તો તું મને મારી બહેનના કાતીલો સાથે બદલો લેવામાં મદદ કરીશ?” એ સમય બરાબર યોગ્ય હતો. સુરજ પોતાની બહેન માટે અને હું મારી જીનલ માટે ઈમોશનલ હતા એટલે મેં કહ્યું.

“તું જુઠ્ઠું બોલી રહી છે. હું સમજી શકું છું માણસ જીવ બચાવવા કઈ પણ બોલી શકે છે.” કહી સુરજ ઉભો થઇ ગયો.

“તું કઈ રીતે કહી શકે કે હું જુઠ્ઠું બોલી રહી છું?” હું પણ એની પાછળ ઉભી થઇ નજીક ગઈ. આ વખતે હું જરાય ખોટું નહોતી બોલી.

“કેમકે કોલેજમાંથી કદી કોઈ અમીર છોકરીને નથી ઉઠાવવામાં આવતી. જેના માતા પિતા અમીર હોય અને લાંબી પોલીસ તપાસ ચલાવવા પોલીસ પર દબાણ લાવી શકે. બોસ હમેશા સામાન્ય ઘરની છોકરીઓને જ કિડનેપ કરે છે જેમના ઘરમાં પચાસ લાખતો શું પાંચ લાખ પણ નથી હોતા.”

“તારી વાત સાચી છે. તારા બોસે જે છોકરીના ઘરમાં પાંચ લાખ પણ નથી એને કિડનેપ કરી છે પણ એ જ છોકરીના એકાઉન્ટમાં એક કરોડ રૂપિયા છે.” મેં કહ્યું.

“એ કઈ રીતે શક્ય છે?” સુરજે મારી સામે જોયું. કદાચ એને થોડો વિશ્વાસ આવ્યો હશે.

“મારા પિતાજી જે કંપની માટે કામ કરે છે એ કંપનીના માલીકે એની કંપનીમાં કામ કરતા કેટલાય એમ્પ્લોયીઓના નામે પોતાના રૂપિયા મુકેલા છે. અમારી જમીન અમે તેને વેચી છે એવા ખોટા કાગળો બનાવી એણે મારા ખાતામાં એ રકમ જમા કરી છે..”

“અને એ રકમ તું મને કઈ રીતે આપી શકે?”

“માત્ર એક સિમ્પલ કોડની મદદથી. એક કોડની મદદથી હું એ રકમ તારા ખાતામાં જમા કરાવી શકું છું.”

“અને શું ખાતરી કે તારી પાસે એ રકમ છે?”

એ મારી વાતનો ધીમે ધીમે વિશ્વાસ કરી રહ્યો હતો કેમકે વ્યક્તિ આપણી વાત પર શક ત્યારે જ કરે છે જયારે એને પચાસ ટકા પણ આપણી વાત પર વિશ્વાસ હોય.

“તારી પાસે એન્ડ્રોઇડ ફોન છે?”

“હા.”

“અને ઈન્ટરનેટ કનેકશન?”

“હા...”

“મને આપ.”

તેણે મારા હાથમાં ફોન આપ્યો અને મેં બે જ મીનીટમાં એને મારા એકાઉન્ટમાં રહેલ નેવું લાખ રૂપિયા બતાવ્યા. જે જોયા પછી પણ તેને મારી વાત પર વિશ્વાસ થયો નહી.

“હું એના વિશે વિચારીશ.” કહી એ મોબાઈલ લઈને બહાર નીકળી ગયો. એના પાછળ કોરીડોરનો દરવાજો બંધ થઇ ગયો. હવે એ કેબીનમાં અંધકાર ન હતો, પ્રકાશ હતો મારા જીવનમાં પણ હવે માત્ર અંધકાર ન હતો! મને સુરજમાં આશાનું એક કિરણ દેખાઈ રહ્યું હતું! કદાચ એની મદદથી હું એ નરકમાંથી બહાર નીકળી શકું તેમ હતી અને કદાચ ત્યારબાદ જીનલની મોતનો બદલો લેવો પણ કોઈ મુશ્કેલ કામ ન હતું.

***

(ક્રમશ:)