aabru books and stories free download online pdf in Gujarati

આબરૂ

                    બાપુ ઉચા પડથાર ની બેઠકમાં સવા મણ દેશી રૂ ની ગાદી પર પીઠ પાછળ મોટા તકિયાનો ટેકો દઈને લાંબી નાળનો હોકો ગગડાવે છે. સુરજ નારાયણ ઊગીને અછોડા વા ચડી ગયા છે. પસાયતો દૂર  પડેલા હોકામાં દેવતા સંકોરી રહ્યો છે. જેમ-જેમ બપોર ચડતા જાશે તેમ તેમ બાપુની પણ બેઠક ભરાતી જાશે. મહેમાન વગરનો એક દા'ડો ખાલી ના હોય. બાપુને કોઈ મોટું રજવાડું તો  નહોતું પણ આ નાનકડા ગામના ગામ ધણી હતા. ગામનો નાનામાં નાનો માણસ પણ તેની સાથે વાત કરી શકે તેવા સરળ સ્વભાવના હતા. બાપુની કુનેહ બુદ્ધિ તો એવી હતી કે આજુબાજુના નાના રજવાડા કે ગામના ઝગડાનું નિરાકરણ કરી દેતા. તેમના આવા સ્વભાવને લીધે તેને ત્યાં રોજ કંઈ નો કઈ મામલો આવતો જ રહેતો.            

               આજે ઘડીક નવરાશની પળોમાં બાપુ આરામથી બેઠા છે, ને હૂકો ગગડાવે છે. હૂકામાં ભરેલા પાણીનો ગુડ.... ગુડ.... અવાજમાં બાપુ કંઈક વિચારે ચડી ગયા છે. વિચારમાં ને વિચારમાં પટેલ ક્યારે બેઠકના પગથિયે આવી ને બેસી ગયા એ પણ ખબર ના રહી. પટેલ હાથ જોડી બેઠા છે. અચાનક બાપુ નું ધ્યાન ગયું,    

  "લે આવો આવો.... પટલ કયે આવ્યા?"

પટેલ, "આ ઘડીએ આયો બાપુ. આજ ફરી નોતરૂ દેવા આયો છું. તમે દર ફેરે આવીશ... આવીશ.... કો છો પણ આવતા નથી બાપુ. તમે અમારા ઘરે બપોરા કરવા આવો એવી મને હોશ છે.         

બાપુ, "પટલ આવશું એક દાડો. જોઓ ને આ બધી પળોજણ માં નવરાશ જ કાં રે છે?            

પટલ: "બાપુ અમ ગરીબની તેવડ પરમાણે તમારી સાકરી કરીશું. એકવાર પધારો તો હારું."  

બાપુ ને થયુ કે આ પટલને ઘણા વખતથી આવીશ.... આવીશ... કહું છું. લાવને બચારા નો હાસો ભાવ છે તો જમી આવીએ.      

બાપુ : "પટલ, તો કાલે બપોરા તમારા ઘરે પાકા, બસ?       

પટેલ તો રાજી રાજી થઈ ગયા ને બાપુને કહેવા લાગ્યા, " તમ તમારે તમારા મે'માન ને પણ લેતા આવજો. બધી સગવડતા કરી રાખીશ. મને બહુ રાજીપો થાહે."  પટેલને એમ હતું કે બે-ચાર મહેમાનો હશે એટલી તો સગવડતા કરી લઈશ.        

                 હરખાતા હરખાતા પટેલ ઘરે ગયા. કાલ ના જમણની તૈયારી કરવા લાગ્યા. ઘરની ભેહુનાં ઘી ના ચૂરમાના લાડવા બનાવ્યા. ઘર ની વાડીના રીંગણા તોડાવી રાખ્યા. બે બૈરાને તાજો બાજરાનો લોટ દળવા ઘંટીએ બેસાડી દીધા. દહીંનું ઘોળવું બનાવવા માટે કાળા માટીના પાટિયામાં દહીં મેળવી દીધુ. પટારામાંથી પટલાણી આણામાં લાવ્યા હતા તે ભરત ભરેલી કોરી ગાદલીઓ કાઢી રાખી. તડામાર તૈયારી આદરી દીધી.               

           બપોરનો સમય થયો. પટેલ બાપુ ની ડેલીયે બાપુ ને બોલાવવા માટે હરખાતા હરખાતા ઉતાવળે પગલે પોગ્યા. જઈને જોયું તો આખી બેઠક મહેમાનો થી ભરેલી છે. પસાયતો અફીણના કહુંબા ના વાટકા અંબાવી રહ્યો છે. એક ખૂણામાં અફીણની ગરણી નીચે લોટામાં અફીણ ગળાય ને ટીપુ ટીપુ ટપકી રહ્યું છે. મારા હમ.... તમારા હમ.... દઈને અફીણની તાણ્યું કરાય છે. જેના હાથમાં અફીણનો વાટકો આવે તે અફીણના કહુંબા માં આંગળી બોળી ધરતી માતાને અંજલી આપી રહ્યા છે.       

              પટેલ તો આટલા બધા મહેમાનો જોઈને હેબતાઈ ગયા. હવે કઈ કરવી? પટેલ છાનામાના પગથિયા પાસે ઉભા રહી ગયા. 

વિચારવા લાગ્યા, "ઘરે સાત-આઠ મહેમાનો અને પાંચ સાત ઘરના ને થાય એટલુ રંધાવ્યું છે. ને આયા ઓછામાં ઓછા ત્રીસેક જણ તો છે જ. હવે હુ થાહે?" 

            કહુંબા ની તાણ્યુ કરતા બાપુનું ધ્યાન પટેલ પર ગયું. "આવો પટલ આવો....."બાપુ મહેમાનોને ઓળખાણ આપવા માંડી. " આ અમારા ખેડું પટલ છે. બહુ પોરહીલા માણહ છે."          

 પટેલે થોથરતા કહ્યું, "બાપુ બપોરા કરવા બરકવા આવ્યો..... તો..."          

બાપુએ કહ્યું, "હા... હા ટ્ટેમ થય જ ગયો છે. જાવ તૈયારી કરાવો મેમાનોને લઈને આવું જ છું."     પટેલ મનમાં મુંઝાવા લાગ્યા ને બાપુની સામે જોઈ રહ્યા, "બાપુ આવો જ છો ને?"          

 બાપુ: "અરે પટલ તમારી વાહોવાસ પુગ્યા હમજો. તમ તમારે બધુ હાબદુ રાખો. જાવ બધુ થય રેહે. હમણે આવિયાં માનો." 

          પટેલે ઘરે જઈને બધી વાત કરી. બધા ઘરના ય મૂંઝાઈ ગયા. જેટલું રાંધ્યું હતું તે બધું ભરી લીધું. એક ત્રાસ માં બધા લાડવા ભરી લીધા. રીંગણાનું સોડમ વાળું શાક, પોપડી ઉખાડી તરબોળ ઘી એ ચોપડેલા બાજરાના રોટલા, દહીના ઘોળવાનો પાટીયો  બધુ ભરી તો રાખ્યું પણ દસ-બાર  જણને થાય એટલું જમવાનું  ત્રીહ મહેમાન ને કેમ પુરુ થાહે? પટેલ વિચારે છે. "આજે આબરૂ જાહે."              
        ડાયરો મોટી મોટી વાતો કરતો આવી પૂગ્યો. ડાયરાની હારે પસાયતો પણ હતો. બાપુના કીધા મુજબ પસાયતા એ  પેલુ આસન બાપુનું નંખાવ્યું હતું. ડાયરો હાથ ધોઈ બપોરા કરવા ગોઠવાઈ ગયો. અફીણના કહુંબા ના કેપ મા મોટી મોટી વાતુ હાલે છે. બાપુ પણ પંચાતમાં પડ્યા છે. પટલે પીરસવાનું ચાલુ કર્યું. બાપુ ની થાળીમાં લાડવો મૂક્યો. બાપુનું અચાનક ધ્યાન ગયું   હોય તેમ બોલ્યા,  

" હં... હં....પટલ.. આ હું કરો છો? ભલા માણહ અમને હું  ધાનના ધનેડા ગણો છો? ડાયરો કહુંબો લઈને આવ્યો છે. ભલા માણહ તમારે ખેડૂ માણહ ને આખો દાડો ભો હારે બથોડા ભરવાના હોય એટલે તમારા ખોરાગ હોય પટલ ! અમારે તો આખો દાડો બેહી બેહીને કહુંબા ને ચા પિય પિય ને ભુખુ મરી ગઈ હોય.આ....આ.....આખો લાડવો અમે ખાઈ હકી એ એવું લાગે તમને? અમારામાં તો અહરના પેટય નો હોય ઈ આટલ્યું ખાય પટલ. આમ જોવો મને અમથું ચોથયું જ આપો. એટલું તો મહામુસીબતે ખુટશે.            

                    બાપુએ આખો લાડો ત્રાસમાં પાછો મૂકી દીધો ને ચોથા ભાગનો જ લાડવો લીધો. પટલ આગળ ની થાળીમાં લાડવો મુકવા ગયા ત્યાં મહેમાનને પટેલનું હાથ પકડી લીધો. મહેમાન વિચારે કે બાપુએ આવુ કીધું ને પોતે લાડવા નું ચોથિયું જ લીધુ તો મારે કેમ વધુ લઈ હકાય? 

" પટલ મારે તો જરાય હાલે એમ નથી. અમથો લગરાક જ મૂકો." પછી તો કહેવાનું જ શું? આખો ડાયરો હ....હ....પટલ જરાક જ કહેતા...કહેતા...ચોથીયુ, ચોથીયું જ લાડવો લીધો. એવી જ રીતે શાક, રોટલા બધું જ બટકું...બટકું જ લીધા. પટેલ તો આખી પંગતમાંથી નીકળી ગયા તોય લાડવા વધ્યા. બીજા ફેરે તો કોઈએ કંઈ ન લીધું.             
       બાપુ કહેવા લાગ્યા,  "પટલ હવે ફેરો ન મારશો. કોઈ નહીં લે. મેં નોતું કીધું? અમારી હોજરિયું તમારી જેટલું નો પચાવી હકે."             

          ડાયરો ચલું કરી ઉભો થયો. પટલ ને મળી બાકી જમાવટ પાડી દીધી હો...પટલ..કહેતા મોટા મોટા હોડકારા ખાતો ગઢ બાજુ ઉપડ્યો. બાપુ પાછળ રહી ગયા. પટેલ તો બાપુના પગમાં પડી ગયા. આંખમાં આસુ આવી ગયા.          

બાપુ, " હં.... હં....પટલ. ઓછું લગડોમાં તમારો ભાવ હતો એમાં બધું આવી ગયું. એમ તમારી આબરૂ થોડો જાવા દઉં? તમારી આબરૂ ઈ મારી આબરૂ."     

                   ડાયરો ડેલીની બેઠકમાં ગોઠવાઈ ગયો. હજી અમુક... અમુક ખોટા ઓડકાર દાબ્યે જાય છે. બાપુએ પસાયતા ને બોલાવી ને કહ્યું, "એલા, ગઢમાં જા, થાળીયું તૈયાર કરાવ્ય. કેજે ડાયરો છાશ્યું પીવા આવે છે."  

                  મહેમાનો બોલી ઊઠ્યા, "બાપુ, હજી તો જમીને ઉભા જ થ્યા છી. હવે નો હાલે હો...."           
            બાપુ: "હવે રાખો રાખો.... ઈ તો અમારા  પોરહિલા પટલની આબરૂ રાખવાની હતી એટલે ખેલ નાખવો પડ્યો. હાંજ હુંધી ભૂખ્યા વળ આવી જાહે.અને મારા આંગણે મારો મે'માન ભૂખ્યો જાય તો મારા હુરજનારણનો ઠપકો આવે.લ્યો હવે ફંદ કરતા ઉઠો સાનામાના ને હાલો છાશ્યુ પીય લેવી."
( છાશયું પીવી - બપોરનું ભોજન લેવું)

લેખક : અશોકસિંહ ટાંક(૧/૩/૨૦૧૯)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED