Sandhya Suraj - 13 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 13

અમારી કોલેજમાં ઇન્ટરનલ પરિક્ષા શરુ થવાની હતી પણ મને કે મારા આખા ગ્રુપને પરિક્ષાની કોઈ પરવા હતી જ નહી. અમારું ગ્રુપ પેપર દરમિયાન આજુ બાજુમાં બેઠેલ હોશિયાર છોકરા તરફ જોઈ ‘એય અલ્યા શીખવાડને..!!! મને કશુ જ નથી આવડતું’ જેવા શબ્દો વાક્યો બોલનારા વર્ગમાંનું હતું. મારે એવા ગ્રુપની જ જરૂર હતી. એટલે મેં એવા લોકોને જ મિત્રો તરીકે પસંદ કર્યા હતા જેમને ભણવામાં બિલકુલ રસ ન હોય. જોકે પહેલેથી મારે એવા મિત્રો ન હતા. હું જયારે હાઈસ્કુલમાં હતી ત્યારે ભણવામાં હોશિયાર હોય તેવા છોકરા છોકરીઓ જ મારા મિત્રોની યાદીમાં હતા. હા, પણ મને ક્યારેય ભણવામાં પાછળ હોય તેવા વિધાર્થીઓ પ્રત્યે પૂર્વગ્રહ તો ન જ હતો.

મારા ગ્રુપમાં બધા પ્રમાણિક પણે સ્વીકારી લેતા કે અમને કશુ જ નથી આવડતું. અમારામાં આઈ એમ સમથીંગ જેવો એટીટયુડ હતો જ નહિ.

એકઝામના આગળના દિવસે એટલે કે સંડેના રોજ સવારથી જ તૈયાર થઇ હું મારા રૂમમાં વાંચવા બેઠી હતી. આમ તો વર્ષ આખું કાઈ વાંચ્યું હતું જ નહી એટલે છેલ્લે દિવસે વાંચવાનો કોઈ ફાયદો ન હતો પણ રાઘવ અને શુનીલનું કહેવું હતું કે ડાઈજેસ્ટ પર એક નજર મારેલી હોય તો કોપી કરવામાં સરળતા રહે. પરિક્ષા દરમિયાન ચોરી કરવાનો મોકો મળે તો કમ-સે-કમ એટલી તો ખબર પડે કે કયો પ્રશ્ન કયા પાઠનો છે.

મને તો ઘણીવાર પ્રશ્ન જોઈને એ જ ખબર ન પડતી કે એ કયા વિષયનો છે! થેન્ક્સ પેપર સેટ કરનારનો કે એ પેપર પર વિષયનું નામ લખે છે! શુનીલ ઘણીવાર પોતાના વખાણ કરવા આ શબ્દોનો ઉપયોગ કરતો. કદાચ એ હાઈસ્કુલમાં પણ ધ્યાન આપ્યા વિના ભણેલ હશે એટલે એને ખયાલ નહિ હોય કે એ પોતાના માટે જ વ્યાજ સ્તુતિ અલંકાર વાપરતો.

હજુ મેં સાયકોલોજીની ડાયજેસ્ટ હાથમાં લીધી ત્યાં જ મારા ફોનમાં મેસેજની બીપ સંભળાઈ. હું સમજી ગઈ કે આટલો વહેલો રાઘવ સિવાય કોઈનો મેસેજ ન આવે. મેં જરાક ઊંચા થઈ મારા જીન્સ પોકેટમાંથી મારો મોબાઈલ બહાર કાઠ્યો. મારું જીન્સ એકદમ ટાઈટ હતું એટલે બેડ પર પલાઠીવાળી બેઠેલ હોઉં ત્યારે હું ફોન પોકેટમાંથી બહાર ન નીકાળી શકતી. મારે જરાક ઊંચા થવું પડતું.

મેં ફોન સ્ક્રીન પર ફિંગર ફેરવી.

“ટન ટના ટન ટન તારા આતી હે ક્યા નો સે ગ્યારા.....” મેં મેસેજ વાંચ્યો.

“ક્યા લઈ જવી છે મને?” મેં સામે ટાઈપ કર્યું.

“પિક્ચર દેખવા.” એની ટૂંકા જવાબ લખાવની રીત મને બહુ અજબ લાગતી.

“કયુ પિક્ચર લાગ્યું છે?” મેં લખ્યું.

“રાગીની એમ.એમ.એસ. ટુ.”

મને નવાઈ લાગી. કોલેજના છોકરાઓને કોર્નર સીટની જરૂર પડે એવી ફીલ્મો જ કેમ લગાવતા હશે આ સિનેમાહોલ માલીકો? જોકે એ સમયે મને એનાથી કોઈ નુકશાન ન હતું.

“વ્હાય નોટ? હું તૈયાર થઇ જાઉં છું તું મને લેવા આવજે.”

“બપોરના શોમાં જઈશું?”

“ના સવારના શોમાં જ, તે નવથી બારનો મેસેજ કેમ મોકલ્યો હતો?” મેં લખ્યું.

લવમાં નખરા કરવાની એક અલગ જ મજા હોય છે. જોકે સાચો લવ હોય તો જ અને હું એ લવ સો ટકા સાચો છે એમ તેને બતાવવા માંગતી હતી.

“પણ હું તો હજી હમણા ઉઠ્યો જ છું.”

“એ હું કાઈ ન જાણું ફટાફટ તૈયાર થઇ નવ વાગ્યા પહેલા આવ. હું બારથી ત્રણમાં નથી જવાની.”

“ઓકે બાબા... લવ યુ. શું કરે છે?”

“એ છોડ હવે તારી પાસે અડધો કલાકનો જ સમય છે. બાય.” મેં લખ્યું.

હું ફોન અને સાયકોલોજીની બૂક બંને બાજુ પર મૂકી ઉભી થઈ. મારે ચેન્જ કરવું હતું. મેં સંડેનું ઘરે જ રહેવાનું છે એમ વિચારી જૂની જીન્સ પહેરી હતી એ ચેન્જ કરી મેં પિંક સ્કર્ટ અને વાઈટ ટોપ પહેર્યું. રાઘવને વાઈટ કલર ફેવરીટ હતો એ મોટા ભાગે વાઈટ શર્ટ જ પહેરતો.

*

રાઘવના બાઈકનું હોર્ન સાંભળી હું બહાર ગઈ ત્યારે વાતાવરણમાં ઠંડક હતી. આકાશમાં થોડા વાદળો હતા એટલે તડકો ખાસ હતો નહી.

“કયા થ્રીયેટરે જવાનું છે?” મેં બાઈક પર પિલિયન સીટ પર બેસતા પૂછ્યું.

“કયું ફિલ્મ જોવું છે એ નક્કી કરીએ એટલે ખબર પડે...” એણે કલચ છોડી બાઈકને પ્રથમ ગીયરમાં લીધું એનો અવાજ મેં સાંભળ્યો.

“કેમ આપણે વાત થઈ ગઈ હતી ને?” મેં કહ્યું.

લગભગ બે ત્રણ મીનીટમાં અમે મારી સોસાયટી બહારના રોડ પર પહોચી ગયા હતા. મેં મારા હાથ એના ગળા ફરતે વીંટાળી લીધા. મેં મો પર ઓઢણી બાંધી લીધી હતી એટલે કદાચ એક વખતના પપ્પા જોઈ જાય તોય વાંધો ન આવે. આમેય મને ખબર હતી કે પાપ્પા પુના ગયેલ હતા અને દાદાજી તો ક્યારનાય મેં મન શાંત કરવા માટે યાત્રા ઉપર મૂકી દીધા હતા. દાદાને યાત્રા ઉપર મોકલવાના બે કારણ હતા. એક તો મને બધી તપાસ કરવાનો મોકો મળે બીજું દાદાજીના મનને શાંતિ મળે. મારા અને પપ્પાની ગેરહાજરીમાં દાદાજી માટે એ ઘર અને જીનલની યાદો અસહ્ય હતી.

“ધીમે ચલાવ. મને ખબર છે તું ત્યારનો સોસાયટીના સ્પીડ બ્રેકરનો ફાયદો ઉઠાવી રહ્યો છે.” મેં કહ્યું. સાચે જ રાઘવ સ્પીડ બ્રેકરનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. એ દરેક બમ્પ પર બાઈકને ઝાટકે બ્રેક લગાવતો હતો જેથી મારો સીનો એની પીઠ સાથે ચંપાઈ જતો હતો.

“કેમ જે ચીઝ મારી છે એનો ફાયદો કેમ ન લઉં? વેપારીનો દીકરો છું મારા માલનો ફાયદો લેવાનો મને હક છે.” રાઘવે મજાક કરતા કહ્યું.

“હવે જાને હકવાળા... તે ફીલ્મનું કાઈ ન કહ્યું.” મેં વાત બદલી. મને એ વાતમાં રસ ન હતો. બસ રાઘવને એ વાક્ય કહી મારે એને ખાતરી કરાવવી હતી કે હું બધું જાણું છું. બાકી તો એ જેટલો ડુબે એટલો જ મને ફાયદો હતો.

“એ તો મેં તને ખાલી રાગીની એમ.એમ.એસ. કહ્યું હતું બાકી કયા પિક્ચર લાગ્યા છે એ તો સિનેમા જઈએ ત્યારે જ ખબર પડે.” તે હસ્યો.

“એટલે તું જુઠ્ઠું બોલ્યો, એમને?” મેં ફરી મીઠા ઝઘડાની શરૂઆત કરી.

“જુઠ્ઠું નથી બોલ્યો, બસ મને એક મિત્રએ કહ્યું કે સની લીયોનીનું મુવી લાગ્યું છે એટલે મેં એ ફિલ્મ હશે એમ ધારી લીધું.”

“તો તું મને સની લીયોનીનું ફિલ્મ જ કેમ બતાવવા માંગે છે?” મેં પૂછ્યું.

“કેમકે તું એના જેવી જ હોટ છે અને એનો રોમાંસ જોઈ બ્લસ થાય એ જોવાનું મને ગમે છે.”

“મને બ્લસ થતી જોવી ગમે છે કે એને રોમાન્સ કરવી?” મેં ફરી નખરા શરુ કર્યા. બાકી હું જાણતી હતી કે રાઘવ મારા પાછળ કેટલો પાગલ હતો.

રાઘવે એ વાતનો કોઈ જવાબ આપે એ પહેલા અમે સુરમંદિર પહોચ્યા અને એ સવાલ સવાલ જ રહી ગયો. ત્યાં ત્રણ સ્ક્રીન હતા. એક સ્ક્રીન પર કોઈ હોલીવુડનું એકશન મુવી લાગેલ હતું. મને હોલીવુડ મુવી પસંદ હતા પણ બોયફ્રેન્ડ સાથે એક્શન મુવી જોવાનો શું ફાયદો? બીજી સ્ક્રિન પર કોઈ ફેમીલીડ્રામા હતું જેમાં મને કે રાઘવ એકેયને રસ ન હતો. ત્રીજી સ્ક્રીન પર રોમેન્ટિક મુવી હતું.

રાઘવ એ રોમેન્ટિક મુવીની અપર ટીકીટો લઈ આવ્યો. તેણે અપરની ટીકીટો લીધી કેમકે અપરની ટીકીટ લઈ ફર્સ્ટ-રોમાં વોલસાઈડ સીટ પર બેસીએ તો પ્રાયવેસી વધુ મળે.

અમે થીયેટરમાં ગયા. મેં વિચાર્યું હતું એ પ્રમાણે જ બધું નીકળ્યું. સવારનો શો હતો એટલે થીયેટર લગભગ અડધું ખાલી હતું. જે લોકો હતા એ પણ પાછળના ભાગમાં બેઠા હતા. આગળનો ભાગ એકદમ ખાલી હતો. મને ખબર જ હતી કે સવારના શોમાં વધુ પ્રાયવેસી મળશે. આમેય રોમેન્ટિક ફિલ્મો જોનારા રાત્રે કપલમાં આવવાનું જ પસંદ કરે છે એટલે દિવસે ભીડ ન હોય. એમાય સવારના શોમાં તો બિલકુલ ભીડ ન જ હોય. અધૂરામાં પૂરું પહેલી સ્ક્રીન પર ચાલતું હોલીવુડ મુવી ટોમ ક્રુઝનું હતું એટલે મોટા ભાગના લોકોએ એ જ ટીકીટ લીધી હતી.

હું પણ જો એકલી હોત તો એ મુવીની જ ટીકીટ લેત. મારા માનવા મુજબ કોઈક જ એવું હશે જે ટોમ ક્રુઝને એજન્ટ તરીકે જોવાનું પસંદ નહી કરતુ હોય. મને અને જીનલ બંનેને ટોમ ક્રુઝ પસંદ હતો. લગભગ અમે એના બધા મુવી જોયેલા. એની મિશન ઈમ્પોશીબલ સીરીજની હું દીવાની છું એમ કોઈ કહે તો હું ઇનકાર ન કરી શકું! ખરેખર હું મેટ ડેમનની બોર્ન સીરીજ અને ટોમ ક્રુઝની એમ.આઈ. સીરીજની હાર્ડ કોર ફેન હતી.

*

ફિલ્મ શરુ થયું. થોડીકવાર પછી રાઘવે પોતાના ખિસ્સામાંથી એક લોકેટ કાઢી મને આપ્યું. એનું પેડલ રીઅલ ગોલ્ડનું હતું. એ લોકેટની ડીઝાઇન ફિલ્મોમાં એશ્વર્યાના ગળામાં જોવા મળતા લોકેટ જેવી જ હતી. એને જોતા જ એ મોઘું હશે એમ દેખાઈ આવતું હતું.

“સો સ્વીટ! ઈટ ઇઝ એવસમ.” મેં કહ્યું હતું. મને હંમેશાથી સોનાની ચીજો ખુબ પસંદ હતી.

મને એક પળ માટે થયું પોતાની ગર્લ ફ્રેન્ડને સોનાની ચીજ આમ કોઈ કઈ રીતે આપી શકે? શું એના પાછળ એનો કોઈ જુદો ઈરાદો તો નહિ હોય ને?

“શું થયું? પસંદ ન આવ્યું?” એના શબ્દોએ મને વિચારોમાંથી બહાર લાવી હતી.

“આવ્યું ને?” અંધારામાં ચમકતા પેડલ ઉપરથી નજર હટાવી મેં રાઘવ તરફ જોયું.

“તો મારા હાથમાંથી એ લીધું કેમ નહિ?”

“તું તારી જાતે જ મારા ગાળામાં પહેરાવીદે ને?” મેં ફલર્ટ કરતા કહ્યું. હું જાણવા માંગતી હતી કે એ ખરેખર મને ચાહતો હતો કે એવી મોઘી ગિફ્ટો આપી છોકરીઓને ફસાવી તેમને કિડનેપ કરી વેચી તેમાંથી લાખોની કમાણી કરનારા લોકોમાનો એક હતો. હું જાણવા માંગતી હતી કે એ લોકેટ એના મારા તરફના પ્રેમનું પ્રતિક હતું કે મને ફસાવાવા માટે કરેલ ઇન્વેસ્ટમેન્ટ હતું? એ જાણવાનો રસ્તો મારી સામે જ હતો. રાઘવની બને તેટલું વધુ નજીક જવું.

મને થયું રાઘવ પણ સીનીયર છે. એને જીનલ વિશે કઈક તો ખબર હશે જ પણ એને એમ ડાયરેકટલી પૂછવું યોગ્ય ન લાગ્યું. મારે પહેલા એને મારા પ્રેમમાં ડૂબતો જોવો હતો અને ત્યારબાદ જરૂરી માહિતી નીકાળવાની હતી. હું ઉતાવળમાં કોઈ ભૂલ કરવા કે ખોટું પગલું ભરવા માંગતી નહોતી.

“તું દુનિયામાં સૌથી સમજુ ગર્લફ્રેન્ડ છો.” રાઘવે એ લોકેટ મારા ગળામાં પહેરાવતા કહ્યું. એના અવાજ પરથી તો એમ જ લાગી રહ્યું હતું કે એ મને ખરેખર ચાહે છે.

“અને તું દુનિયામાં સૌથી બેસ્ટ બોયફ્રેન્ડ છો.” મેં પણ કહ્યું. મારો આવાજ રોમેન્ટિક બની રહ્યો હતો કે મારા મને અભિનય શરુ કરી નાખ્યો હતો એ મને જ સમજાયું નહી!

“આટલાથી નહિ ચાલે.”

“હું હંમેશા આ લોકેટ પહેરીશ અને જ્યારે પણ તું યાદ આવીશ હું આ લોકેટને ચુમીશ.” મેં કહ્યું. મને મારા જ શબ્દોથી નફરત થઇ રહી હતી. હું જીનલ સાથે જે સિનેમામાં આવી ઘણા ફિલ્મો જોઈ ચુકી હતી એ જ સિનેમામાં બેસી હું રોમાન્સ કઈ રીતે કરી શકું? જીનલ હજુ અર્થ અને હેવન વચ્ચે રઝળી રહી હતી અને હું...? પણ મારે એ નાટક ગમે તે ભોગે ચાલુ રાખવું પડે તેમ હતું. હું જાણતી હતી કે કદાચ કોઈ પુરુષ પોતાનો બદલો લેવા પોતાના શારીરિક બળનો ઉપયોગ કરી છળ વિના પોતાનો બદલો લઇ શકે પણ સ્ત્રીએ તો છળનો સહારો લેવો જ પડે. જે રૂપ, જે શરીર જીનલ માટે મોતનું કારણ બન્યું હતું મારામાં પણ એ જ એના શરીર જેવા હાડ માંસ હતા, મારી રગોમાં પણ એ જ લોહી વહેતું હતું જે લોહી એની નશોમાં વહેતું હતું. મારે એ જ શરીર, એ જ રૂપનો ઉપયોગ જીનલની મોતનો બદલો લેવા કરવાનો હતો. કેટલું અજીબ હતું? એક વાર રૂપ મોતનું કારણ બને છે તો ક્યારેક રૂપ મોતનું સાધન બને છે.

“તું માત્ર એ લોકેટને ચુમીશ જ? હજુ કઈક વધુ?” એણે કહ્યું. એના શબ્દોએ મને વિચારોમાંથી બહાર તાણી લાવી.

“થેન્ક્સ ફોર વંડરફૂલ ગીફ્ટ.” મેં સાવ ભોળા બની પૂછ્યું, “બસ હવે?”

“હજુ કઈક ખુટે છે?” એણે કહ્યું.

“તો જે જોઈએ છે એ લઈલે ને. ફૂલ પ્રાયવેસી તો છે! આખું થીયેટર ખાલી જ છે.” મેં કહ્યું, “હું છોકરી છું તોય બધું મારે જ કહેવું પડશે?”

કદાચ એણે મારા છેલ્લા શબ્દો સાંભળ્યા હતા કે નહિ એ મને ખબર નથી. એણે મારા ખભા પર હાથ મુક્યો. મેં એને ક્યારેય એટલો ખુશ જોયો ન હતો.

જયારે એણે મારા શરીરને હાથ લગાવ્યો મને મારી જાતથી હળાહળ નફરત થઈ રહી હતી! અમુક સમય પહેલાની સંધ્યા હોત તો એને એ સ્પર્શ બદલ ચપ્પલ પડ્યા હોત પણ મારા માટે એ સમયે મારા શરીરનું કોઈ મહત્વ ન હતું. મેં એને મારા શરીરને સ્પર્શ કરવાની છૂટ આપી.

ઈન્ટરવલ દરમિયાન એની મસ્તી મજાક અને હરકતો પર થોડો ઇન્ટરવલ લાગ્યો ત્યારબાદ ફરી લાઈટો બંધ થતાની સાથે જ એ મસ્તી અને અડપલા ચાલુ થઇ ગયા. રોમેન્ટિક મુવી બોયફ્રેન્ડ સાથે જોવાની એટલે જ બધાને મજા આવે છે. કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સિવાય કોઈ એ મુવી જોતું પણ નહિ હોય કેમકે એ ફિલ્મોમાં વાર્તા તો હોય જ ક્યા છે? જે હોય તે પણ એ કોઈ ઢંગધડા વિનાની ફિલ્મ મારા માટે ખુબ જ ફાયદા કારક સાબિત થઇ.

થોડીક અંતમાં મારા મારી અને બે ચાર ડાયલોગ સિવાય મે કાંઈ જ સાંભળ્યું ન હતું. ત્રણસો રૂપિયાની ટીકીટ ભર્યા છતાં અમે પંદરેક મિનીટ કરતા વધુ કઈ જોયું ન હતું. ફિલ્મ પૂરું કરી અમે બહાર આવ્યા. થીયેટર બહારની કેન્ટીનમાં કોલડ્રીન્કસ અને સમોસાની મજા લીધી. અમે એ જ ટેબલ પર બેઠા હતા જે ટેબલ પર હું અને જીનલ બેસતા. જીનલને બોઈલ્ડ વેજીટેબલ સ્ટ્રાઈપ્સ અને સૂપ પસંદ હતા. અમે જયારે ફિલ્મ જોવા આવતા એ બીજા લોકોની જેમ નાસ્તો કરવાને બદલે એ સ્થળે જમવાનું પસંદ કરતી. સમોસા અને કોલ્ડ્રીંકસ લેતી વખતે મારી આંખના ખૂણા ભીના થઇ ગયા હતા.

“કોઈને કહીશ નહિ કોલેજમાં કે આપણે ફિલ્મ જોવા ગયા હતા...” પાછા ફરતી વખતે રાઘવે કહ્યું.

“કેમ?” મેં નવાઈથી પૂછ્યું. અમે લગભગ સ્ટોક માઈલ શેરીથી આગળ નીકળી ગયા હતા.

“કેમકે કોઈ પૂછશે કે શું જોયું ફિલ્મમાં તો શું કહીશ?” એ હસ્યો.

“કાઈ નહિ, દુનિયાનો હેન્ડસમ છોકરો મારી બાજુની સીટ પર આવીને બેસી ગયો હતો એટલે હું પડદાને બદલે એને જ જોઈ રહી હતી એમ કહી દઈશ.” મેં ફરી ફલર્ટ કરતા કહ્યું. એ ક્યાં જાણતો હતો કે મેં એ ફિલ્મ દરમિયાન મારે જે જોઈતું હતું તે મેળવી લીધું હતું, મેં એને સપૂર્ણ પણે મારા વશમાં કરી લીધો હતો.

“કોણ હું?” રાઘવે કહ્યું.

“ના, તું ડાબી તરફ હતો હું જમણી તરફની સીટની વાત કરી રહી છું.”

“એ તરફ તો દીવાલ હતી...”

“હાસ્તો બુધ્ધુ.”

“તું ક્યારેય સીરીયસ નથી થતી સંધ્યા?”

“ના.” મેં કહ્યું, “પણ તારે સીરીયસ વાત સંભાળવી હોય તો લે મેં સાંભળ્યું છે કે ગયા વર્ષે આપણી કોલેજમાંથી ત્રણ છોકરીઓ ગાયબ થઇ હતી એમ હું પણ ગાયબ થઈ જાઉં તો?” મેં મજાક મસ્તીના બહાને સવાલ કર્યો.

“પણ તું જે દિવસે ગાયબ થાય તને ગાયબ કરનાર હું જ હોઉં એટલે કાઈ કરવાનો પ્રશ્ન જ નથી આવતો ને.” એણે કહ્યું.

“મતલબ??”

“મતલબ આપણે ભેગા જ તો ગાયબ થઈશું કોલેજમાંથી. આપણને શોધવાની મહેનત બીજાએ કરવાની રહેશે.” તેણે જવાબ આપ્યો. શું તેણે મારા પ્રશ્નને મજાક સમજ્યો હતો કે તે ચાલાક હતો અને ચાલાકીથી એ મારા સવાલને ખાળી રહ્યો હતો?

“પણ કદાચ ધારી લઈએ કે કોઈ મને કિડનેપ કરી નાખે તો? આ સીરીયસ છે.” મેં ફરી એ જ સવાલ કર્યો.

“તો હું કિડનેપરને ગમે તેટલો મુક્તિદંડ આપીને પણ તને છોડાવી જ લઉં.” તેણે પણ ગંભીર બનાવાનો પ્રયાસ કરતા કહ્યું, જોકે હજુ તે એ વાતને મજાકમાં જ લઇ રહ્યો હતો.

“અને એ લોકો રેન્સમ માંગે જ નહિ તો?” મેં કહ્યું.

“તો હું આકાશ પાતાળ એક કરી નાખું પણ તને શોધીને જ રહું?”

“હા, હું પણ એમ જ કરીશ.” મારાથી બોલાઈ ગયું, ત્યારબાદ મને ભાન થયું કે હું શું બોલી ગઈ હતી.

“તું પણ એમ કરીશ?” એણે મારા શબ્દો પુનરાવર્તિત કર્યા.

“મતલબ જો કોઈ તને કિડનેપ કરે તો.” મેં કહ્યું.

“મને કોણ કિડનેપ કરે? હા, કદાચ કોઈ સુંદર છોકરી કરે અને તો હું એને ત્યાજ રેન્સમ આપી દઉં એટલે એ મને છોડી મુકે. તારે મને શોધવાની જરૂર ન પડે.” એણે હસતા હસતા કહ્યું. હું જાણતી હતી એ બેવડા અર્થમાં વાક્યો બોલી રહ્યો હતો અને જરાય સીરીયસ ન હતો.

એ મારી વાતને મજાકમાં લઇ રહ્યો હોય કે એ જવાબ આપવાનું ટાળી રહ્યો હોય બંને સંજોગોમાં એને વધુ કાઈ પૂછવાનો કોઈ અર્થ ન હતો. મને મારા સવાલોના જવાબ મળવાના નથી એ વાત નક્કી હતી.

***

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED