સંધ્યા સૂરજ - પ્રકરણ - 12

     સમય શું ચીજ છે એ માત્ર મને ત્યારે જ સમજાયું જયારે હું એ પરીસ્થીતીમાં હતી જ્યાં મારી પાસે સમયને નોધવા માટે કોઈ ઘડિયાળ ન હતી. તારીખને સમજવા માટે કોઈ કેલેન્ડર ન હતું કે દિવસને જાણવા માટે કોઈ રસ્તો ન હતો.

     એ અનુભવ પહેલા મને કોઈએ પૂછ્યું હોત કે સમય શું છે? તો એ માત્ર કલાકો, દિવસો કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ છે એવો ઉડાઉ જવાબ મેં આપ્યો હોત પણ મને સમજાઈ રહ્યું હતું કે સમય એ માત્ર દિવસો, કલાકો, કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ નથી. ભલે તમે એ બધાથી પીછો છોડાવી લો સમયથી બંધન ક્યારેય કાપી શકાતું નથી.

     મેં અનેક ફાફા માર્યા સમયની સમજ મેળવવાના - મેં મારા હ્રદયના ધબકારા ગણ્યા પણ કેટલા સમય સુધી હું એ કરી શકું?? કદાચ એકાદ કલાક સુધી - એ પણ હદમાં હદ!

     મેં એક બે ત્રણ.... એમ ગણતરી કરવાની શરૂઆત કરી પણ ક્યા સુધી ગણી શકું? હજાર બે હજાર કે પાંચ હજાર.....!!!!! આખરે હું ગણતરી ભૂલી ગઈ અને મેં એવા મુર્ખ અને નિષ્ફળ પ્રયાસો કરવાનું બંધ કર્યું.

     ફરી મારા માથામાં દુખાવો શરુ થઇ ગયો હતો. કદાચ એ લાંબી ગણતરી કરવાને લીધે કે કદાચ જ્યારે હું કિડનેપ થઇ એ સમયે મારુ માથું અથડાયું હશે. એ લોકોએ મને વેન કે એવા કોઈ વાહનમાં ભરી હશે એ સમયે ચોટ લાગી હશે. એ ચોટની અસર હશે?? પણ એની અસર એટલી લાંબી હતી એવું માનવું મૂર્ખાઈ ભર્યું હતું. આમેય હું કિડનેપ થઇ એ સમયે હું ભાનમાં ન હતી એટલે મને કોઈ ચોટ લાગી હશે કે નહિ એ મને ખબર જ ન હતી. હું અનુમાન લગાવી રહી હતી. મને પૂર્વાનુમાન બાંધવાનો તો અનુભવ હતો પણ પશ્ચાનુંમાન કઈ રીતે બાંધી શકાય તે જાણતી ન હતી. કદાચ પ્રશ્ચાનુંમાન કોઈ બાંધી જ ન શકે? કેમકે એવો કોઈ શબ્દ કે ટર્મ છે જ નહિ. એ માત્ર મારા મનની કલ્પના હતી. જેમ ભવિષ્ય માટે જે અનુમાન બંધાય તેને પૂર્વાનુમાન કહેવાય એ જ રીતે મેં કલ્પના કરીને ભૂતકાળમાં કઈક આ મુજબ જ થયું હશે તેમ અંદાજ લગાવીએ તેને પશ્ચાનુંમાન નામ આપ્યું હતું. ખરેખર મને ખબર જ ન હતી કે ગુજરાતી શબ્દકોશમાં એવો કોઈ શબ્દ અસ્તિત્વ ધરાવે છે કે નહિ! પણ એ મારા માટે વિચારવાનો વિષય ન હતો કેમકે મારે એ વિચારવાનું હતું જીવન કેટલો સમય અસ્તિત્વ ધરાવી શકે તેમ હતું?

     હું નકામા અને બિનજરૂરી વિચારો કરી રહી હતી. જેમ જેમ વિચારોને દુર કરવા મથી રહી હતી તેમ તેમ મારા માથાનો દુખાવો વધી રહ્યો હતો. મને યાદ આવ્યું મેં મારી સ્ટ્રેસની ગોળી લીધી નથી એની અસર હતી. કદાચ એ હોઈ શકે?

     મેં છેલ્લે ક્યારે ગોળી લીધી હતી એ યાદ કરવાનો પ્રયાસ કર્યો. એ બીચ ઉપર મેં ગોળી લીધી હતી. મને એક્જેટ યાદ નથી પણ લગભગ જીનલ અને દાદીના ગયા પછી મને એ સ્ટ્રેસની ગોળીઓની જરૂર પડવા લાગી હતી. શરૂઆતમાં તો મને ખ્યાલ આવ્યો જ ન હતો કે મારા સાથે શું થઇ રહ્યું છે. મને એમ લાગતું હતું કે જીનલની ગેરહાજરીને લીધે બધું થાય છે. મારા વધુ પડતા વિચારવાને લીધે એ બધું થાય છે. પણ ધીમે ધીમે એ માનસિક બીમારી પોતાના લક્ષણો બતાવતી ગઈ. મને મારી આસપાસ મોટે ભાગે જીનલ દેખાતી. હું જમવા બેસું ત્યારે પણ મને એમ જ લાગતું કે જીનલ મારી બાજુમાં બેઠી છે! હું કોઈ હસવાના પ્રસંગે હસું ત્યારે મને એમ લાગતું કે મારાથી થોડેક દુર જીનલ ઉભી છે અને તેનો ચહેરો ઉદાસ છે! મને એમ લાગતું જાણે એ મને કહી રહી હોય કે તે મારા મોતનો બદલો નથી લીધો, હું  ઉદાસ છું, તું કઈ રીતે હસી શકે?

     ધીમે ધીમે મારું હસવું ઓછું થઇ ગયું. બસ કોલેજમાં બનાવટી સ્મિત સિવાય મારા હોઠ ક્યારેય મલકાતા નહી. આખરે મને સમજાયું કે મારે એક સાયકાટ્રીસ્ટની જરૂર છે.

     મેં એક બે એવા ડોક્ટરોની મુલકાત લીધી પણ ખરી. મને ડોક્ટરોએ કેટલાક નુસખા બતાવ્યા અને હું એ મુજબ કરવા પણ લાગી. મેં અલગ અલગ નુસખા મારા તણાવમાંથી બહાર આવવા માટે અપનાવ્યા. એમાંથી કોઈ સંપૂર્ણ પણે લાગુ પડ્યો એમ તો ન માની શકાય પણ દરેક નુસખા સાથે થોડીક મદદ મળતી રહી એમ કહી શકાય.

     મેં હમેશા સ્ટ્રેસની ગોળીઓમાં નિયંત્રણ રાખ્યું હતું. ડોક્ટરનું માનવું હતું કે ગંભીર જરૂરિયાત સિવાય એ ગોળીઓ લેવી હિતાવહ નથી કેમકે એ મગજના ન્યુરોન્સ પર આડ અસર કરતી દવા હતી. મેં હમેશા એ ટેબલેટ પર નિયંત્રણ રાખ્યું હતું. પણ?? પણ આજે હું એક સ્ટીલની ચેમ્બરમાં બંધ હતી. મને કોઈ ચીજની જરૂર લાગી રહી હોય તો એ મારી સ્ટ્રેસ ટેબલેટ હતી. મારા સતત માઈગ્રેન પાછળ એ ટેબલેટ જ કારણરૂપ હતી. એ જ મને કન્ટીન્યું ચાલુ રહેતા માથાના દુખાવાથી રાહત અપાવી શકે તેમ હતી.

     મને થયુ કદાચ હું અહી જ મરવાની છું. તું અહી જ આ કેદખાનામાં જ મરીશ. મારા મનમાં ક્યાંક ઊંડાણથી અવાજ આવતો હોય તેમ લાગી રહ્યું હતું. કોઈને ખબર પણ નહી પડે.

     અરે ભગવાન.

     હું બે હાથમાં માથું દબાવી વિચારી રહી હતી ત્યાં એકાએક દરવાજા બહાર થયેલ અવાજે મને વિચારોમાંથી બહાર લાવી. મારા વિચારો અટકી ગયા. મને એવું લાગ્યું જાણે બધું જ અટકી ગયું હતું. મેં શ્વાસ લેવાનું પણ બંધ કરી લીધું હોય એવું મને લાગ્યું.

     ખરેખેર એક અજાણ્યા ડરને લીધે મારા શ્વાસોશ્વાસ અટકી ગયા હતા કે એકદમ ધીમા થઇ ગયા હતા પણ હું જાણતી હતી કે એ સારી નિશાની નથી. મને સ્ટ્રેસ દુર કરવા માટે ક્રાઉન પુલ થીયરી શીખવવામાં આવી હતી એ મુજબ મેં મારા હાથને મારા બંને લમણા ઉપર મૂકી દીધા અને મારા આંગળાને મારા માથાના વાળમાં કોમ્બ કરતી હોઉં એ રીતે ભરાવી હળવેથી દબાણ આપવા લાગી. મને ખબર હતી કે હું ધીમા શ્વાસ લઇ રહી છું જેના લીધે મારા માથામાં ઓકસીઝન પહોચતો નથી. જેના લીધે કરોડરજ્જુમાં જે ધ્રુજારી થવી જોઈએ એ નહી થાય અને મગજ અને કરોડરજ્જુને જોડતા સાંધાઓ બ્લોક થઇ જશે. જેને લીધે મગજમાં ઉત્પન્ન થતું પ્રવાહી કરોડરજ્જુમાં પ્રવેસી નહી શકે અને એકાદ બે મિનીટમાં હું ફરી અસહ્ય માથાના દુખાવાથી પીડાવા લાગીશ.

     હું જાણતી હતી કે કરોડરજ્જુને મગજમાં ઉત્પન્ન થતા સેલેબ્રોસિઅલ લીક્વીડની કેટલી જરૂર હોય છે. કદાચ મને એ સમયે સ્ટ્રેસની ટેબલેટની જરૂર હતી તેનાથી પણ વધુ!

     મેં ક્રાઉન પુલ થીયરીનો ઉપયોગ કરી મગજ અને કરોડરજ્જુ વચ્ચેના જોડાણને બ્લોક થતું રોક્યું. હું સ્ટ્રેસમાંથી પોતાની જાતને બહાર લાવવાના અનેક નુસખા શીખેલ હતી જોકે એ નુસખા શીખી ત્યારે મને એ ખબર ન હતી કે એ નુસખા મને આવા સમયે કામ લાગશે.

     હું જાણતી હતી કે માત્ર મારા ફેફસાનો ઉપરનો ભાગ જ શ્વાસ લેવાનું કામ કરી રહ્યો હતો. હું છીછરા શ્વાસ લઈ રહી હતી જે મારી માનસિક વિચારવાની અને નિર્ણય લેવાની શક્તિને ઘટાડી રહી હતી. મેં મારા ફેફસાને જેટલી બને તેટલી હવા ઈનહેલ કરવા માટે દબાણ આપ્યું. થેન્ક્સ ગોપીનાથ યોગ ટ્રીટમેન્ટ સેન્ટરને કે તેમણે મને પોતાના મગજ અને સ્ટ્રેસ પર કાબુ કરતા શીખવ્યું હતું. નહિતર મારા માટે એક દિવસથી વધુ સમય એ કાળ કોટડીમાં જીવિત રહેવું શક્ય ન બનત!

     પણ જે સામાન્ય છોકરીઓ એ કાળ કોટડીમાં આવતી હશે એમનું શું થતું હશે? એ વિચાર માત્રથી હું ધ્રુજી ઉઠી.

     એકાએક દરવાજો ખુલવા માંડ્યો. હું મારી પીઠને ભીત સાથે જડી દઈ બેઠી હતી. મારે શું કરવું જોઈએ?? શું આવનાર પર હુમલો કરવો જોઈએ?? મને મારો એ વિચાર માત્ર બેવકૂફી છે એ સમજતા વાર ન લાગી. મારા મને મને એક પળમાં જ જવાબ આપી દીધો કે આગંતુકના શરીર બળ સામે તારા શારીરિક બળની જરા જેટલી પણ સરખામણી નથી અને બીજું એ કે કદાચ આગંતુકનું શારીરિક બળ તારા સમાન હોય તો પણ તું માનસિક રીતે એનાથી લડવા તૈયાર નથી જ.

     દરવાજો ખુલવા લાગ્યો. મારા હ્રદયના ધબકારા વધવા લાગ્યા. હું જાણતી હતી કે મારે લડવું જોઈએ પણ મારામાં લડવા માટે હિમ્મત કે શક્તિ બેમાંથી એક પણ ચીજ ન હતી.

     હું એ ખુલ્લા દરવાજામાંથી કોણ અંદર પ્રવેશે છે તેની રાહ જોવા લાગી. મેં મારા મોમાં ભેગું થયેલ થુંક બળપૂર્વક મારા ગાળાની નીચે ઉતાર્યું જેથી મને મારા સુકાતા ગાળામાં રાહત જેવું અનુભવાયું. મારી આંખો દરવાજા ઉપર જડાયેલી હતી. આછા અજવાળામાં સમજોને કે અંધારામાં જ કાળ કોટડીમાં ત્યારે મારી કેવી હાલત હતી એ લખવું કોઈ નવલકથાકાર માટે પણ અઘરું થઇ પડે અને એનો તદ્દન સાચુકલો અહેસાસ વાંચનારને તો કદી ન જ થાય.

     એ યુવક દાખલ થયો, આજે તેણે બ્લુ જીન્સ પર હાફ સ્લીવ બ્લેક ટી-શર્ટ પહેરેલ હતું. મને એના બાયસેપ અને ટ્રાયસેપના આકારો જોયા પછી થયું કે મેં તેના પર હુમલો ન કરવાનો ફેસલો કર્યો એ યોગ્ય જ હતો. એ કોઈ આર્મીમાં નવા જોડાયેલ જવાન જેવો લાગતો હતો. હા, આ વખતે એના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. જોકે એ વાળ કોઈ આર્મિ મેન જેમ નાના ન હતા.

     તેણે દરવાજાથી એકાદ કદમ અંદર આવી અટકીને મારા તરફ જોયું. દરવાજો ખુલ્લો હતો એટલે બહારનો પુરતો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. એ મારા ચહેરાને કલીયરલી જોઈ શક્યો હશે એમ મને લાગ્યું.

     “હું પ્લેટ લેવા આવ્યો છું.” માત્ર તેણે એટલું જ કહ્યું. હું તેના કહેવાનો મતલબ સમજી ગઈ હતી. એ કહેવા માંગતો હતો કે મારા પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ ન કરીશ.

     “તું મારા માટે ટેબલેટ લાવ્યો છે?” મેં એના તરફ જોઈ એ રીતે પ્રશ્ન કર્યો જાણે એ મારો કોઈ ઓળખીતો વ્યક્તિ હોય. સાચું કહું તો એણે મને કિડનેપ કરી હોવા છતાં મને એનાથી એટલો ડર લાગતો જ નહોતો જેટલો લાગવો જોઈએ.

     “હા.” કહી તેણે પોતાના પાતલુનના ખિસ્સામાંથી ચારેક ટેબલેટનું પાકીટ બહાર કાઢયું અને ઉમેર્યું, “પણ કંપની અલગ છે. ઇન્ગ્રેડીયંટ એ જ છે.”

     મને એ વ્યક્તિમાં કિડનેપર કરતા એક મિત્રને જોવાની ઈચ્છા થઈ રહી હતી. મને હવે એ કોઈ અજાણ્યો વ્યક્તિ નહી પણ કોલેજનો જુનો મિત્ર હોય એમ લાગી રહ્યું હતું. હું ઉભી થઇ અને એની નજીક ગઈ.

     “થેન્ક્સ...” મેં એના હાથમાંથી એ ટેબલેટ લીધી. અમારા બંનેના હાથ એકબીજા સાથે સ્પર્શ થતા મને એક અલગ જ એહસાસ થયો. એના સ્પર્શમાં મને કોઈ પાશ્વીયતા ન દેખાઈ એના સ્પર્શમાં મને માત્ર માનવતાની સરવાણી દેખાઈ. એ કઈ રીતે શક્ય હતું? એક કિડનેપરના સ્પર્શમાં મને એની લાલસા અને સ્ત્રીના શરીરને અડતી વખતે એના મનમાં ઉત્પન્ન થયેલ નીચતાનો અનુભવ થવો જોઈતો હતો એના બદલે મારા પ્રત્યેની સહાનુભુતિ એમાં કઈ રીતે હું અનુભવી શકી?

     “પાણી નથી.” મેં બોટલ તરફ નજર કરી કહ્યું.

     એ યુવક કાઈ પણ જવાબ આપ્યા વિના બહારની તરફ ચાલ્યો ગાયો. બહાર જઈ પોતાની પાછળ દરવાજો પણ બંધ ન કર્યો. કેવી અજબ ચીજ હતી? એ વ્યક્તિ મારા સાથે એ રીતે વર્તન કરી રહ્યો હતો કે મને જરાય નહોતું લાગી રહ્યું હું હોસ્ટેજ હતી.

     એ કોણ હશે? શું એ ખરાબ વ્યક્તિ નહિ હોય? એ ખરાબ વ્યક્તિ ન હોય તો તેણે મને અહી ગોંધી કેમ રાખી હશે? મારા કીડનેપીંગ પાછળ એનો શું ઈરાદો હશે?

     એવા કેટલાક પ્રશ્નો મેં મારા મનમાં વાગોળ્યા ત્યાં સુધીમાં એ ફરી કેબીનમાં પ્રવેશ્યો. એના હાથમાં એક પલાસ્ટીકની બોટલ હતી.

     “તારું નામ શું છે?” તેણે બોટલ મારા હાથમાં આપતા કહ્યું.

     મને નવાઈ લાગી. હું આટલા સમયથી એની કેદમાં છું અને એ વ્યક્તિ મારું નામ પણ નથી જાણતો? બીજી જ પળે મને રાહત થઇ કે તેને મારા નામની ખબર નથી એનો અર્થ એ છે કે એ કોઈકના માટે કામ કરી રહ્યો છે. એને માત્ર પોતાના કામ અને એ માટે મળતા મહેનતાણાથી જ મતલબ હશે. પોતાને કામ સોપનારને મારું નામ પણ નહિ પૂછ્યું હોય તો પછી એ હવે મને કેમ મારું નામ પૂછી રહ્યો છે?

     શું એને મારામાં કોઈ રસ જાગ્યો હશે? કે પછી મારા પ્રત્યે એના હ્રદયમાં હમદર્દી જાગી હશે?

     જે હોય તે એ બંને પરિસ્થિતિ મારા માટે ફાયદાકારક હતી. બોટલનું ઢાંકણ ખોલતા સુધીમાં મારા મનમાં કેટલાય વિચાર આવીને જતા રહ્યા હતા.

     “સંધ્યા.” મેં એકાએક મારા બધા વિચારોને ફંગોળી દેતા કહ્યું, “અને તારું?”

     “સુરજ.” તેણે ટૂંકો જવાબ આપ્યો.

     કેટલું સરસ નામ હતું સંધ્યા - સુરજ મારા મનને એક પળ માટે એ બંને નામ એકબીજાથી જોડાયેલા રહેવા માટે જ બન્યા હોય એમ લાગ્યું. પણ તે સૂરજ બોલવાને બદલે સુરજ બોલ્યો હોય તેમ મને લાગ્યું. કઈક ઉદાસ રીતે. જાણે સૂરજ જેમ તેનું જીવન ચમકતું ન હોય એટલે એ સૂરજને બદલે સુરજ બોલ્યો હોય તેમ મને લાગ્યું. કોણ જાણે કેમ મને તેવું લાગ્યું એટલે હું તેની સામે તાકી રહી.

     “તું કેટલા સમયથી આ ટેબલેટ લે છે? તને ઓવર સ્ટ્રેસની બીમારી કઈ ઉમરથી છે?” તેણે પૂછ્યું ત્યારે જ એના સવાલથી હું સમજી ગઈ કે મારા સવાલનો જવાબ નંબર બે હતો. તેને મારામાં રસ ન હતો પણ મારી બીમારીને લીધે તેને મારા પ્રત્યે હમદર્દી જાગી હતી. મેં ગોળી લીધી અને અરધી બોટલ પાણી પી લીધું પછી જ મેં એના પ્રશ્નનો જવાબ આપ્યો.

     “જયારે હું સત્તર વર્ષની હતી ત્યારે ફર્સ્ટ પેનિક એટેક થયો હતો. ડોકટરોનું માનવું છે કે હું મારી મમ્મી વિશે બહુ વિચારું છું એનાથી એ બીમારી મને લાગુ પડી છે.”

     “તારી મમ્મી ક્યા છે?”

     “એ નથી, હું આઠ વરસની હતી ત્યારે એ ગુજરી ગઈ. મને મારી માનો ચહેરો પણ યાદ નથી.” કહી મેં ફરી બેડ ઉપર બેઠક લીધી.

     મારા શબ્દોએ એને દુ:ખી કરી નાખ્યો હોય, એની કોઈક દુખતી નસ પર મારો હાથ દબાઈ ગયો હોય તેના મને એના ચહેરાના હાવભાવ પરથી લાગ્યું. પણ હું તેના ચહેરાને વધુ કળી શકુ એ પહેલા તેણે ફરી પોતાની કરડાકી ચહેરા પર મેકઅપની જેમ પહેરી લીધી.

     “તે શા માટે મને અહી કેદ કરીને રાખી છે?” મેં વાત બદલી.

     “એ હું તને નહી કહી શકું. મને એ કામ માટે કિંમત મળી છે. બાકી મને તારાથી કોઈ દુશ્મની નથી.”

     “અને એ કિંમત કોણે ચૂકવી છે?” મેં સવાલ કર્યો.

     “એ હું નહી કહી શકું.”

     “એ લોકો મને આમ ક્યાં સુધી બાંધી રાખશે? શું એ મને છોડી દેવાના છે?”

     “કાઈ નક્કી ન કહી શકાય. એમના મન પર બધું આધાર રાખે છે.” તેણે કહ્યું.

     “જુઠ્ઠું શું કામ બોલે છે? તારો ચહેરો કહી રહ્યો છે કે તું જુઠ્ઠું બોલી રહ્યો છું.”

     “તને સાચી વાતની ખબર છે તો પૂછે છે કેમ? અને એવું નક્કી નથી કે તને મારવાનો જ આદ્દેશ મળે. કદાચ તને અમુક સમય પછી છોડી દેવામાં પણ આવે.”

     “જો મને છોડી દેવાની હોય તો તું ખુલ્લા ચહેરે શું કામ મારી સામે આવે? તારો ચહેરો મેં જોઈ લીધો છે એ પછી તું મને છોડી મુકે એ વાત માની શકાય તેમ નથી.” મેં કહ્યું. મારે એનાથી વધુને વધુ વાત કરવી હતી.

     “જ્યાં સુધી તું મુખ્ય વ્યક્તિનો ચહેરો ન જુવે મારો ચહેરો જોઈ લેવાથી કોઈ ફરક નથી પડતો. કોઈ એક જ ચહેરો એવો છે જે જોયા પછી જ બધો ફેર પડે છે.” સુરજે કહ્યું. એ યુવકનું નામ એટલું કોમળ હતું કે એણે એક જ વાર કહ્યું અને એ મને યાદ રહી ગયું. કેમ ન રહે? કોણ પોતાને કિડનેપ કરનારનું નામ આસાનીથી ભૂલી શકે?

     “મને નથી લાગતું કે કિરણ સરે મને જીવતી છોડવાનો તને આદેશ આપ્યો હોય.....” મેં અંધારામાં તીર ફેંક્યું હતું.

     તેનો ચહેરો નવાઈથી સફેદ થઈ ગયો. એ એકદમ પલંગ ઉપરથી ઉભો થઈ છંછેડાઈને બોલ્યો, “બસ તારા આ બધું જ જાણી લેવાના સ્વભાવને લીધે તારું જીવન જોખમમાં છે. તારે આ બધું ન જાણવું જોઈએ. અહીંથી આગળ વિચારવાનું છોડી દે. હજુ તું મુખ્ય ચહેરા સુધી નથી પહોચી પણ જો તું તારા એઝપશનની મદદથી ત્યાં પહોચીશ તો પણ તને એનાથી મોત સિવાય કશુ જ નહી મળે.”

     સુરજના અવાજમાં ગુસ્સો હતો. તેના અવાજમાં લાવી શકાય તેટલી કડવાસ લાવવાનો પ્રયાસ કર્યો પણ હું સમજી ચુકી હતી કે તેનો એ ગુસ્સો મને મોતથી બચાવવા માટે હતો. એ ઈચ્છતો નહોતો કે હું એ ચહેરા વિશે જાણું જે ચહેરા વિશે જાણ્યા પછી કોઈને જીવિત રહેવાનો હક મળતો નથી.

     “તું મને કેમ બચાવવા માંગે છે?” મેં તેના તરફ જોઈ સવાલ કર્યો, હું જાણવા માંગતી હતી કે એ નરકમાં કોઈ મદદગાર હતો તો કેમ?

     “હું તને બચાવવા નથી માંગતો બસ મારાથી થઈ શકે તેટલી મદદ કરી રહ્યો છું.”

     “મદદ... પણ કેમ? મને મારી નાખવાની કિંમત લીધા પછી મદદ પણ કેમ?” મેં વધુ જાણવાનો પ્રયાસ કર્યો.

     “કેમકે મને દરેક બીમાર વ્યક્તિથી હમદર્દી છે.” તેણે મારી આંખોમાં જોયા વગર કહ્યું.

     હું પૂછવા માંગતી હતી કે કેમ તેને દરેક બીમાર વ્યક્તિથી હમદર્દી છે પણ હું ચુપ રહી કેમકે હું જાણતી હતી જરૂર કોઈ એવા વ્યક્તિને એણે બીમારીથી મરતા જોયું હશે જેને એ પોતાના જીવ કરતા પણ વધુ ચાહતો હશે. એ બાબત યાદ અપાવી હું એને દુ:ખી અને ગુસ્સે કરવા માંગતી ન હતી.

     સુરજે મારી પ્લેટ ઉઠાવી અને ફરી એકવાર મારી તરફ જોયું. હું પણ એની તરફ જોતી રહી. મારી નજરને એ સહન ન કરી શકતો હોય એમ મારાથી નજર ફેરવી લઈ એ કોરીડોરનો દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો.

     તેણે બહુ ઝડપથી નજર ફેરવી લીધી હતી પણ મને અંદાજ આવી ગયો હતો કે કેમ તેણે નજર ફેરવી લીધી હતી. એ મારી નજરનો તાપ સહન કરી શકે તેમ ન હતો. કદાચ તેનું હૃદય એક ગુંડાનું ન હતું. જયારે મેં શની દેઓલની જીત ફિલ્મ જોઈ ત્યારે મને હસવું આવ્યું હતું કે એક ગુંડો ભલા સારા હ્રદયનો હોય! પણ મને મારી એ હરકત પર આજે હસવું આવતું હતું. કેમ ન હોઈ શકે? મેં કેટલાયે પુસ્તકો વાંચ્યા હતા અને એમાંના કેટલાક અંગેજી પુસ્તકોમાં એ નવકથાઓ વાંચી હતી જેને પીકારેસકયું નોવેલ તરીકે ઓળખવામાં આવે છે. જેનું મુખ્ય પાત્ર એક કાઈન્ડ હાર્ટેડ રોગ હોય છે જે બહારથી સખત અને ખરાબ લાગતો હોય છે પણ અંદરથી નરમ અને દયાળુ હોય છે. કદાચ સુરજ પણ કાઈન્ડ હાર્ટેડ રોગ હશે? મને થયું કેમ ન હોઈ શકે? શું કેટલાક સારા પુસ્તકો રદ્દીની દુકાનમાં નથી હોતા? શું કેટલાક ખરાબ માણસો સજ્જનોની સોબતમાં નથી હોતા? જો, એ બધું હોઈ શકે તો એક સારો વ્યક્તિ ખરાબ લોકો સાથે કેમ ન હોઈ શકે? શું ચંદનનું ઝાડ ઝેરીલા સાપોથી ઘેરાયેલું રહીને પણ શીતળતા નથી આપતું? મારું મન મને એવા કેટલાય દષ્ટાંતો આપી રહ્યું હતું. અને ખાસ તો હું પોતે જ બહારથી કેવી હતી? કેમ એને મારી જેમ બે ચહેરા ન હોઈ શકે? એ વિચાર ઉપર મને સુરજ દજાડતો ન લાગ્યો, એ મને શીતળ લાગ્યો. તેણે મને કિડનેપ કરી હતી, પોતાની આગની જ્વાળાઓમાં લપેટી હતી પણ એ મને દજાડી કે બાળી શકે તેમ નથી એની મને ખાતરી થઇ ગઈ. સાચું જ છે સંધ્યા પાસે જતા જ સુરજ પીગળી જાય છે.

     હું ફરી બેડ પર બેસી ગઈ. શું એ મને સાચે જ મદદ કરવા માંગતો હશે? શું એની મારા પ્રત્યેની હમદર્દી પ્રીપ્લાનેડ હોઈ શકે? શું એની મદદથી હું આ કાળ કોટડીમાંથી જીવિત બહાર નીકળી શકીશ?

     મારા મનમાં અનેક વિચારો ઘૂમરી લેવા માંડ્યા. શું એ બહાર જઈ અમારા વચ્ચેની બધી જ વાતચીત પોતાના બોસને કહી સંભળાવશે? કે પછી એ બધું પોતાના બોસથી છુપાવતો હશે? પણ એ બધું જાણવાનો એક જ માર્ગ હતો. રાહ જોવી. સુરજ ફરીથી કોરીડોરમાં આવે તેની હું રાહ જોવા લાગી પણ મને ખબર હતી કે તે હવે બીજી સવારે આવવાનો છે. ફરીથી મારા માટે જમવાની પ્લેટ લઈને.

     આમ તો સંધ્યાએ સુરજને ફરી જોવા માટે ચોવીસ કલાકની રાહ જોવી પડે છે પણ મારે માત્ર બાર કલાકની જ રાહ જોવાની હતી. જોકે એ બાર કલાક મારા માટે બાર વરસ કરતા પણ વધુ લાંબા હતા.

***

(ક્રમશ:)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Pooja Rathi 3 માસ પહેલા

Verified icon

Vasu Patel 3 માસ પહેલા

Verified icon

Urvashi Parmar 4 માસ પહેલા

Verified icon

Nikita panchal 5 માસ પહેલા

Verified icon

K R Patel 5 માસ પહેલા