નો રીટર્ન-૨ ભાગ-૬૭ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૬૭

નો રીટર્ન-૨

ભાગ-૬૭

અમે જંગલની અંદર... ઘણે અંદર સુધી પહોચ્યાં હતાં. સાતમો પડાવ એક “ ટીલો “ હતો. ટીલો મતલબ નાનકડી એવી એક ઉંચી પહાડી. દાદાએ ટીલાની નિશાનીઓ સચોટ રીતે વર્ણવી હતી એટલે દિશાઓની એંધાણી પ્રમાણે અમને એ ટીલા સુધી પહોચવામાં બહું મુશ્કેલી નડી નહોતી. અમે એ ટીલા ઉપર આવી પહોચ્યાં હતાં અને થોડી જગ્યા સમથળ કરીને છૂટા છવાયા અમારા કેમ્પ નાખ્યાં હતાં. અહી ટોચ ઉપરથી આજુબાજુનો સમગ્ર વિસ્તાર ઘણે દૂર સુધી દેખાતો હતો. મેં નજર કરી તો દૂર દૂર... માઇલો સુધી એકલું ઘેઘૂર જંગલ જ પથરાયેલું દેખાતું હતું. ક્યાંય જમીનનું નાનું ટપકુંય નજરે ચડતુ નહોતું. જ્યાં જુઓ ત્યાં ઉંચા-ઉંચા લીલાછમ વૃક્ષોની ટોચો જ હતી.

મારું ગળું સુકાતું હતું. પાણી પીવાની સખત તલબ ઉદભવી હતી. જંગલનાં વાતાવરણમાં ભયાનક ઘામ પ્રવર્તતો હતો એનો એ પ્રતાપ હતો. અહી એકધારું ચાલવાથી ઘણો પરસેવો થતો હોય છે એટલે ડિહાઇડ્રેશનની સમસ્યા ન ઉદભવે એ માટે અમારે વારેવારે પાણી પીતા રહેવું પડતું હતું. અત્યાર સુધી જો કે પાણીની સમસ્યાનો સામનો કરવાનો થયો નહોતો કારણકે જંગલમાં એકધારો પડતો વરસાદ અને વહેતી નદીઓનાં કારણે એ સમસ્યા ઉદભવી જ નહોતી. અને આમ પણ એ બધી વ્યવસ્થા કાર્લોસનાં માણસો સુપેરે પાર પાડતાં હતાં. રાંધવાથી માંડીને ટેન્ટ લગાવવા અને સંકેલવા સુધીનું બધું કામ તેઓ કોઇ મિલિટરી શિસ્તતાથી કર્યે જતાં હતાં. હું ખરેખર ક્યારેક આ બધું જોઇને અચંભીત રહી જતો. કાર્લોસ એ ખજાનો મેળવવા કેટલો કટીબધ્ધ હતો એની આથી મોટી કોઇ સાબીતી નહોતી. કાર્લોસ અને તેનાં માણસો ગજબનાક રીતે ધીરજથી કામ લેતાં હતાં.

ખેર... પાણી પીવા હું કાર્લોસનાં ટેન્ટ તરફ ચાલ્યો કારણકે પાણીનો મોટો જગ તેનાં ટેન્ટની બહાર પડયો હતો. મોટાભાગનાં લોકો પોતપોતાનાં ટેન્ટની બહાર હતાં અને અહી-તહી ભટકતા હતાં. હું કાર્લોસનાં ટેન્ટે પહોચ્યો. પાણીનો જગ એક મોટા પથ્થર ઉપર મુકાયેલો હતો. નીચા નમીને જગ ઉપર પડેલા ગ્લાસને મેં ઉઠાવ્યો અને પાણી ભરવા જેવો હું થોડો ઝૂકયો કે અચાનક જ એક સરસરાહટ મારા કાન પાસેથી પસાર થઇ ગઇ. હું ચમકી ગયો. એ સાથે જ કોઇ ચીજ કાર્લોસનાં તંબુનાં કાપડમાં ખલાઇ. એ શું હતું એ જોવા ચોંકીને હું ટટ્ટાર થયો. પહેલાં મારી નજર ટેન્ટમાં ખલાયેલી એ ચીજ ઉપર આવીને સ્થિર થઇ. અને... એ ચીજને જોઇને મારા જીગરમાં ધ્રાસ્કો પડયો. ક્ષણભરમાં મારા ગાત્રો થીજી ગયાં. એ ચીજ લાલ ફૂમકાવાળું એક તીર હતું જે મારા કાનની બીલકુલ નજીકથી પસાર થઇને તંબુનાં પડદામાં ખૂંપી ગયું હતું. મતલબકે કોઇએ જાણી જોઇને એ તીર મારી ઉપર ચલાવ્યું હતું. પણ કોણે...? હું સાવધ બન્યો અને નીચા નમીને જગની પાછળ છૂપાયો. પણ મારું જીગર જોર-જોરથી ધડકવા લાગ્યું હતું. એ તીરનો મતલબ મને સમજાયો હતો. એમેઝોનમાં વસતાં ભયાનક આદીવાસી કબીલાઓ વીશે ઘણી લોકવાયકાઓ મેં સાંભળી હતી. તો શું અમારા ઠેકાણા ઉપર આદીવાસીઓનો હુમલો થયો હશે..? કમસેકમ આ તીર તો એ બાબાતની જ સાક્ષી પુરતું હતું. એ ભયાનક વિચારે જ મારા ગાત્રો શીથીલ પડવા લાગ્યાં. તીર સામેની દીશામાંથી આવ્યું હતું. આંખો ખેંચીને મેં એ તરફ જોયું. ઘનઘોર જંગલ અને ઉંચા ઉંચા વૃક્ષોનાં જાડા થડ સીવાય બીજું કશું જ દેખાતું નહોતું. ચો-તરફ ફકત નિરવ સ્તબ્ધતા જ જણાતી હતી. પણ એ મારો ભ્રમ છે એની સાબીતી હમણાં મને થઇ હતી.

મારે બધાને સાવધ કરવા હતાં, પણ એમાં જોખમ હતું. ચૂપકીદી સાધીને આગળ શું થશે એની પ્રતીક્ષા કરતો હું બેસી રહયો. ઘણીવાર સુધી કોઇ જ હલચલ મારી નજરે ન ચડી. એ દરમ્યાન કાર્લોસનો એક માણસ હાથમાં રાઇફલ લઇને તંબુની નજીક આવ્યો હતો અને તેની સાથે પિસ્કોટાથી અમારી મદદ માટે આવેલો એક આદીવાસી યુવાન પણ હતો. તેઓ પણ મારી જેમ પાણી પીવા જ આવ્યાં હતાં. એમને સાવધ કરવાં મેં સીસકારો કર્યો. કાર્લોસનાં આદમીની નજર મારી ઉપર પડી અને મને પાણીનાં જગની પાછળ સંતાયેલો જોઇને તેને તાજ્જૂબી ઉદભવી. ઝડપથી ચાલતો એ મારી નજીક આવ્યો.

“ વોટ આર યુ ડૂઇંગ મેન...! “ મારી તદ્દન નજીક, સામે ઊભો રહીને તે બોલ્યો. મને એની મુર્ખામી ઉપર કાળ ચડયો. મેં ઇશારાથી જ નીચે બેસી જવાનું તેને સૂચવ્યું પણ એ કંઇ સમજયો નહી અને અસંબધ્ધ અવસ્થમાં જ ઉભો રહયો.

“ કોઇ એ તરફથી તીર ચલાવે છે... “ આખરે જોરથી લગભગ ચીલ્લાતા સ્વરે મેં બરાડો પાડયો.

“ વોટ...? “ તેનાં નેણ ભેગા થયાં અને ખભે લટકતી રાઇફલ હાથમાં સંભાળતો એ તરત નીચે ઝૂકી ગયો. પણ તેની પાછળ આવેલો આદીવાસી અમારી વાતચીત સમજી શકયો નહી. હું તેને પણ ઇશારાથી સમજાવવા ગયો પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઇ ચૂકયું હતું. “ સનનનનન..... “ કરતું એક તીર આવ્યું અને તેની પીઠમાં ખૂંપી ગયું. એ વ્યક્તિનાં ચહેરા ઉપર પહેલાં તો આઘાતનાં... પારાવાર દર્દનાં ભાવ છવાયા. અચાનક શું થયું એ તેને સમજાયું નહી. અને પછી “ ધડામ... “ કરતો ઉંધે માથે એ જમીન ઉપર પડયો. તેની પીઠમાં તીર ઘણું ઉંડું ખૂપ્યું હતું. એ જ લાલ ફૂમતાં વાળુ તીર આદીવાસીની પીઠમાં કોઇ મંદીરની ધજાની જેમ ફરફરતું હતું. હું સ્તબ્ધતાથી જોઇ રહયો. અમારી ઉપર હુમલો થયો છે એ હવે દીવા જેવી સ્પષ્ટ બાબત હતી. એમેઝોનનાં આ તરફનાં જંગલોમાં વસતા કોઇ ખતરનાક આદીવાસી કબીલાવાસીઓએ અમારી હાજરી પકડી પાડી હતી અને અમારી ઉપર અણચીંતવ્યો હુમલો કરી દીધો હતો. તેમાં પહેલાં જ ધડાકે અમારો એક આદમી મરાયો હતો. હું ધરબાઇ ગયો હતો.

મને આ જ બીક હતી. અહીનાં આદીવાસીઓ વીશે મેં ઘણી લોકવાયકાઓ સાંભળી હતી કે કેવી રીતે એ લોકો ઘાત લગાવીને હુમલો કરે છે અને પછી અત્યંત ક્રુરતાથી તેનાં ઇલાકામાં ઘૂસી આવેલાં માણસોને મોતને ઘાટ ઉતારી દે છે. અત્યારે અમારો મુકાબલો જો એવાં જ કોઇ કબીલા સાથે થવાનો હશે તો અમે ખરેખર મુસીબતમાં મુકાયા વગર રહેવાનાં નહોતાં. હું મનોમન ભગવાનને પ્રાથનાં કરતો હતો કે એવી પરિસ્થિતી ન સર્જાય.

મેં મારી આસપાસ નજર નાંખી. અમારા બેડામાંથી મને કોઇ નજરે ચડયું નહી. ખબર નહી એ લોકો ક્યાં ચાલ્યા ગયાં હતાં. મને એટલી ખબર હતી કે કોઇ તંબુની અંદર તો નહોતું જ. અમે બધા ખતરામાં મુકાયાં હતાં ત્યારે આ પરિસ્થિતી ખરેખર ખતરનાક ગણાય. મને સૌથી વધારે ફીકર અનેરીની થઇ. કોણ જાણે એ ક્યાં હશે...? મેં મારી બાજુમાં જગ ની આડાશે બેસેલાં કાર્લોસનાં માણસ સામું જોયું. એ ક્યારનો ડોકું ઉંચુ-નીચું કરતો જંગલ ભણી જોતો હતો. મને ખબર હતી કે સામેથી તીર ચલાવાવાળો આદીવાસી જરૂર કોઇ ઝાડમાં સંતાયેલો હશે અને એ એમ સાવ આસાનીથી અમારી નજરે નહી ચડે.

“ તારું નામ શું છે...? “

“ ડેલ્સો... “

“ જો ડેલ્સો.. આપણે ખરેખર ભયાનક સ્થિતીમાં છીએ. આ આદીવાસીઓનો કોઇ ભરોસો નહીં. આપણને એ પણ ખબર નથી કે તેઓ કેટલી મોટી સંખ્યામાં છે..! ઉપરથી કાર્લોસ અને બીજા આપણાં સાથીઓ પણ ક્યાંય નજરે ચડતાં નથી. તે જોયા છે એ લોકોને...? “

“ હાં... બધાં હમણાં જ પહાડીનાં ઢોળાવમાં ઉતર્યા છે. “

“ કેમ...? “ મને જબરજસ્ત આશ્વર્ય થયું.

“ આઇ ડોન્ટ નો...! “ તેણે ખભા ઉલાળ્યા. “ પણ બોસે મને અહી ધ્યાન રાખવા મોકલ્યો હતો એટલે હું અને આ ..” તેણે ઉંધે માથે પડેલાં આદીવાસી તરફ આંગળી ચીંધી... “ પાછા વળ્યા. “

“ ઓહ... ! “ હું હજું ફકત આટલું જ બોલ્યો હોઇશ અને એક તીર આવીને ડેલ્સોનાં માથામાં ઘૂસી ગયું. જબરજસ્ત આઘાતથી મારી આંખો ફાટી પડી. મારી નજરો સામે જ ડેલ્સો ઢળી પડયો.


( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો