નો રીટર્ન-૨ ભાગ-૬૬ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૬૬

નો રીટર્ન-૨

ભાગ-૬૬

મારું જડબું સખત રીતે દુખતું હતું. કાનમાં સણકાં ઉપડયા હતાં. વિનીતે એટલો જબરજસ્ત મુક્કો માર્યો હતો કે મોઢામાંથી લોહી બંધ જ નહોતું થતું. અનેરીનાં તંબુની બહાર નિકળીને હું મારા મોઢામાં આવતું લોહી નીચે જમીન ઉપર થુંકયો. મારી જીભમાં કાપો પડયો હતો. બે દાંત વચાળે આવવાથી જીભમાં ચીરો પડયો હતો અને જીભ એકધારી લવકારા મારતી હતી. મને ખબર હતી કે ક્યારેક તો અનેરીને લઇને મારી અને વિનીત વચ્ચે લડાઇ થવાની હતી જ. પણ તે આટલી જલ્દી થશે એ ખબર નહોતી. વળી શારીરીક રીતે હું વિનીતને પહોચીં વળવા સક્ષમ નહોતો એ હું સમજતો હતો છતાં અત્યારે મેં તેને બરાબરની ટક્કર આપી હતી એનો થોડો ઘણો ગર્વ પણ થતો હતો. હું અનેરીને ચાહતો હતો, બેતહાશા પ્રેમ કરતો હતો. એ મારાથી વિમુખ થાય એવી કોઇ હરકત કરવાનું તો સ્વપ્નેય હું વિચારું નહી, છતાં કોણ જાણે કેમ... અનેરીને ભીના કપડામાં મારી આટલી નજીક જોઇને હું મારું સંતુલન ચૂકયો હતો અને તેને ચૂમવાની ગુસ્તાખી કરી બેઠો હતો. એ મારી કમજોરી હતી છતાં વિનીતનો કોઇ હક બનતો નહોતો કે મારી ઉપર તે હાથ ઉપાડે. અનેરી તેની જાગીર નહોતી. ભલે એ પણ તેને પ્રેમ કરતો હોય છતાં એવો હક તેને મળી જતો નહોતો. હું મારાં જ ક્રૃત્યને પોતાની રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરી રહયો હતો. એ તદ્દન બાલીશ હરકત હતી. હું તળાવ સુધી આવ્યો અને પાણીમાં કોગળા કર્યા. એનાથી મને થોડીઘણી રાહત થઇ અને મોઢામાંથી લોહી વહેતું અટકયું હતું. તેમછતાં મારે પ્રાથમીક સારવારની જરૂર પડે એમ હતી એટલે હું મારા તંબુમાં આવ્યો.

અમારી એ લડાઇની બધાને ખબર પડી ગઇ હતી. ક્રેસ્ટો તંબુમાં જ હતો. મને અંદર આવેલો જોઇને એ હસ્યો. તેની આંખોમાં હું સ્પષ્ટ ભાળી શકતો હતો કે એ હાસ્યમાં મારો ઉપહાસ છપાયેલો હતો.

“ વાહ બરખૂરદાર.. તું આટલો હિંમતવાન હશે એની તો મને કલ્પનાં પણ નહોતી. “ તેનો અવાજ ખરેખર ભયંકર રીતે કર્કશ હતો. એવું લાગ્યું જાણે કોઇએ લોખંડનાં પતરાં સાથે ભાર પૂર્વક ખીલી ઘસી ન હોય. આખી સફરમાં પહેલી વખત મેં તેને બોલતો સાંભળ્યો હતો, અને એ પણ ખુદ મારા ઉપહાસમાં. મને તેની ઉપર ભયંકર કાળ ચડયો.

“ તું સંભાળજે, નહીતર તારા પણ પણ એવા જ હાલ થશે..” મેં ખરેખર ફીશીયારી ઠોકી. અને ક્રેસ્ટો ખડખડાટ હસી પડયો. તેને ગમ્મત થઇ.

“ અચ્છા..! તો હવે કીડીને પણ પાંખો આવી એમ... “ અને ફરીથી ઠહાકાભેર તે હસવા લાગ્યો.

હું ભયંકર ગુસ્સામાં હતો છતાં ગમ ખાઇ ગયો. વિનીત સાથે હમણાં જ ઝઘડો કરીને આવ્યો હતો. એમાં જ મારી હાલત પતલી થઇ ચૂકી ગઇ હતી. હવે જો આ ક્રેસ્ટો સાથે પણ ઝઘડું તો અત્યારે જ મારું મોત નક્કી હતું. વિનીત તો હજુંય મારી બરોબરીનો કહેવાય પરંતુ આ ક્રેસ્ટો ખાલી તેનાં બે હાથનાં બળ વડે જ મને મસળી નાંખવા સક્ષમ હતો. તેનાં ઉપહાસને ગળાં હેઠે ઉતારીને ફર્ટએઇડ બોક્ષ શોધી હું મારી સારવારમાં લાગ્યો.

મને ખબર હતી કે અનેરી હવે ક્યારેય મારી સાથે નહી બોલે. એ અહેસાસ આ શારીરીક દર્દ કરતાં પણ વધું દર્દનાક હતો.

@@@@@@@@

એ પછી અમારી સફર અવિરતપણે આગળ વધતી રહી. દાદાએ વર્ણવેલાં છેક પાંચમા પડાવે આવીને અમે અટકયા હતાં. અહીથી અમારે કઇ દિશામાં આગળ વધવું એ ફકત અમારા અનુમાનનાં આધારે જ નક્કી કરવાનું હતું. હોકાયંત્રમાં બતાવતી દિશા મુજબ સાતમો પડાવ દક્ષિણ- પૂર્વ તરફ હતો. સ્વાભાવિક હતું કે છઠ્ઠો પડાવ પણ એ દિશામાં જ હોવાનો. એટલે કાર્લોસે એ દિશામાં આગળ વધવાનું સૂચન કર્યુ હતું અને અમે પાંચમા પડાવથી દક્ષિણ તરફ આગળ વધ્યાં.

એક રીતે જોતાં અમારી સફરની શરૂઆતમાં જે બે- ત્રણ હાદસા થયાં હતાં એ બાદ કરતાં પછી બીજી કોઇ અડચણ ઉદભવી નહોતી. બધાં જ માણસો એક પ્રકારની અજીબ ખામોશી ઓઢીને એકધારા આગળ વધતાં હતાં. જંગલ પણ જાણે અમારી અનૂકૂળતા પ્રમાણે ઢળતું જતું હતું એવો ભ્રમ થતો હતો. ક્યારેક ભયંકર ગરમી તો ક્યારેક મુશળાધાર વરસાદ વરસી જતો. જંગલમાં ઉગેલી વનસ્પતિમાંથી એક વિચિત્ર પ્રકારની કોહવાટની ગંધ એકધારી અહર્નિશપણે અમને પજવતી રહી હતી. પર્વતો, પહાડો, નદીઓ, આડબીડ અને આંધાધૂંધ ઉગેલું જંગલ અને ચિત્ર-વિચિત્ર પ્રાણીઓથી બચતા અમે એકધારા ચાલતાં રહ્યાં હતાં.

સફર દરમ્યાન મેં વિનીતથી દુર જ રહેવાનું પસંદ કર્યુ હતું. એ સતત મને ફાડી ખાતી નજરોથી ઘૂરતો રહયો હતો છતાં મેં તેને બહું મહત્વ આપ્યું નહોતું. અનેરીએ એ વાકયાત પછી સંપૂર્ણપણે ખામોશી ઓઢી લીધી હતી. કંઇ જ બોલ્યા વગર કોઇ નિર્લેપ વ્યક્તિની જેમ તે વર્તતી હતી. મને એ ગમતું નહોતુ. મારી તેની માફી માંગવી હતી. એ દિવસે જે થયું એની ચોખવટ કરવી હતી. પણ એવી હિંમત હું જુટાવી શકતો નહોતો. એક અપરાધભાવ સતત મારો પીછો કરતો રહયો હતો.

અમે જો ડો. એરીક હેમન્ડનાં નકશા મુજબ આગળ વધ્યાં હોત તો કિલીસ્યૂ નદીનાં કાંઠે હેડહોર્સ કેમ્પ એ અમારો સાતમો પડાવ બન્યો હોત. પરંતુ અમે એનાથી તદ્દન ભીન્ન રસ્તે ચાલ્યા હતાં. એક આખો ગોળ ચકરાવો જ લીધો હતો એમ કહી શકાય. કદાચ એટલે જ અમે સાતમાં પડાવે સહી-સલામત પહોંચ્યા હોઇશું. પાદરી જોનાથન વેલ્સનાં નકશા મુજબ ન ચાલવાથી અમને ઘણો ફાયદો થયો હોય, કમસેકમ અત્યારે તો એવું જ લાગતું હતું.

પણ... એ ખતરનાક ભ્રમ હતો. જેનો અનુભવ થોડીવારમાં જ અમને થવાનો હતો. એક અજાણ ખતરાથી બેખબર અમે અમારા ટેન્ટ બિછાવ્યા હતાં.

@@@@@@@@@@@@

“ રોગન, હું એ લોકોને છોડીશ નહીં... ” ક્લારાએ દાંત ભિસ્યા. તેઓ એક ખડકની ધારે ઉભા રહી સામે આંખો સમક્ષ દેખાતા આડબીડ જંગલને તાકી રહયા હતાં. જે ઝડપે તેઓ આગળ વધતાં હતાં એ પ્રમાણે તો અત્યારે તેમણે કાર્લોસની ગેંગને આંબી જવું જોઇતું હતું પરંતુ એક વખત અવળે રસ્તે ચડી જવાથી તેઓ ઘણાં પાછળ રહી ગયા હતાં.

“ હું તારી સાથે જ છું ડીયર. આપણે ભેગા મળીને તારા ડેડનાં મોતનો બદલો વાળીશું. કાર્લોસની ટૂકડીનાં એક-એક સભ્યને વીણી-વીણીને ખતમ કરીશું અને પ્રોફેસરનાં મોતનું તર્પણ કરીશું. “ રોગન જોશમાં બોલ્યો. જુવાનીનાં ઉંબરે દસ્તક દીધી ત્યારનો તે પ્રોફેસરનો પડછાયો બનીને સાથે જ રહયો હતો. એની બેટી ક્લારાને તે ચાહવા લાગ્યો હતો. પ્રોફેસરે એ બાબત સહર્ષ સ્વિકારી હતી અને રોગને તેમણે પોતાનાં ઘરનો સદસ્ય હોય એમ સાચવ્યો હતો એ ઉપકાર રોગન ભૂલી શકે તેમ નહોતો. એટલે જ પ્રોફેસરનાં મોતનાં પ્રતિશોધની જ્વાળાઓ તેનાં દિલમાં પણ ભભકતી હતી.

પણ આ બધામાં એભલ અકળાતો હતો. તેને આ મામલામાં કશી લેવાદેવા નહોતી. તે ખજાના પાછળ આવ્યો હતો. હવે જો ખજાનાવાળી વાતને બાજુમાં પડતી મુકીને કોઇનાં મોતનો બદલો લેવાની રમત આદરવાની હોય તો એ સાફ નામુક્કર જવાનો હતો. એકવાત બહું સારી રીતે એ જાણતો હતો કે તેઓ જે ધંધામાં હતાં એમાં ક્યારેય કોઇનું સામાન્ય મ્રૃત્યુ થવાનું નહોતું. ક્યાં તો તેઓ કોઇને મારવાનાં અથવા તો કોઇ તેમનું ઢીમ ઢાળી દેવાનું. ગુનાખોરીની દુનિયાનું આ નગ્ન સત્ય એભલ જેવાં રુક્ષ આદમીને પણ સ્પષ્ટતાથી સમજાતું હતું. ભલે પ્રોફેસર ક્લારાનો બાપ હતો... છતાં એ કોઇ ધાર્મિક યાત્રાએ તો નહોતો જ નિકળ્યો ને...! તેણે પ્લાન બનાવ્યો જ હતો કે ખજાનો હાથમાં આવે ત્યારે કાર્લોસનાં માણસોનો સફાયો બોલાવીને ખજાનો તેમની પાસેથી પડાવી લેવાનો. હવે જ્યારે તેનાં ખુદનાં ઇરાદા જ મલીન હોય ત્યારે કોઇ મારી નાંખે તો એમાં ખોટું શું હતું...? એભલ ક્યારનો આવું વિચારીને ચગડોળે ચડયો હતો. તેણે ક્લારા કે રોગનને આ વાતની ભનક પડવા દીધી નહોતી પરંતુ પોતાને શું કરવાનું છે એ તેણે વિચારવાનું શરૂ કરી દીધું હતું. કોઇપણ ભોગે હવે એ ખજાના વાળી વાતને કોરાણે મુકવા માંગતો નહોતો.

ઉચાં ખડકની ધારે ઉભેલાં રોગન અને ક્લારાને અત્યારે જો એભલનાં મનમાં ચાલતાં વિચારોનો જરા સરખો પણ અંદાજ આવ્યો હોત તો કહાનીમાં એક નવો વળાંક સર્જાયો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા

Seema Shah

Seema Shah 2 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા