No Return - 2 - Part - 4 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૪

નો-રીટર્ન-૨

ભાગ-૪

ઇન્દ્રગઢ ન જવાનું મારી પાસે કોઇ કારણ નહોતું. આમ પણ અત્યારે હું સાવ ફ્રી હતો. કેમ્પસમાં વેકેશન હતું અને હોસ્ટેલની બિલ્ડીંગ લગભગ ખાલી હતી. અહીં રહીને મગજ ખપાવવા કરતા એક આંટો મુંબઇ અને ત્યાંથી ઇન્દ્રગઢ મારી આવવાનું મેં નક્કી કર્યું. એ બહાને પપ્પાને એકવાર મળી લેવાશે અને પછી ત્યાંથી ઇન્દ્રગઢની નાનકડી મુલાકાત પણ લેવાઇ જશે. જો મારા સ્વપ્નને મહત્વ ન આપું તો પણ આ વિચાર કંઇ ખોટો તો નહોતો જ.

નહાઇને ફ્રેશ થઇ મેં મારા ટ્રાવેલ એજન્ટને ફોન લગાવ્યો અને તેને અમદાવાદથી મુંબઇની ફ્લાઇટમાં સીટ બુક કરવા કહ્યું. પછી હું નાસ્તો કરવા માટે નીકળી પડયો. અડધા કલાક બાદ એજન્ટનો ફોન આવ્યો અને તેણે મોંકાણનાં સમાચાર આપ્યાં.

“ સોરી સર...! આજની તમામ ફ્લાઇટ્સ ફૂલ છે. તમે કહો તો આવતી કાલની સીટ રીઝર્વેશન કરાવી દઉં...? ”

“ ઓહ...! ” હું વિચારમાં પડયો. ઘણા દિવસો બાદ આજે પહેલી વખત મેં સ્વતંત્ર રીતે એક નિર્ણય લીધો હતો અને તેમાં પણ પ્રથમ પ્રયાસે જ વિધ્ન ઉદ્દભવ્યું હતું.

“ નહિં, કાલે નહિં મારે આજે જ મુંબઇ પહોંચવું છે. તમે બીજી કોઇ ગોઠવણ કરી શકો છો...? ” હું હવે પીછેહઠ કરવાનાં મુડમાં નહોતો.

“ જી સર...! તમે કહો તો ટ્રનમાં બુકીંગ કરાવી દઉં. ”

“ તો કરાવોને ભાઇ. જેટલું વહેલું થાય એટલું સારું. આજે સાંજ પહેલા હું મુંબઇ પહોંચવા માંગુ છું. ”

“ ઠીક છે સર...! ટીકીટ કન્ફર્મ થતાં જ હું આપનાં ફોન પર મેસેજ મોકલી આપું છું ધન્યવાદ...” કહીને તેણે ફોન મુકયો. તેનો મેસેજ આવે ત્યાં સુધીમાં મેં મારો સામાન પેક કરવા માંડયો.

***

એ યુવતીએ ચહેરા પરથી ગોગલ્સ હટાવ્યા અને શોર્ટ બોબ કટ વાળને એક ઝટકો મારી સરખા કર્યા. એભલનાં બુલેટને હાઇવે ઉપર દુર જતાં જોઇ તેનાં ચહેરા પર એક આછી મુસ્કાન છવાઇ. પરફેક્ટ રીતે તેણે એભલને છકાવ્યો હતો. આટલે દુરથી પણ એભલનાં ખખડ પાંચમ બુલેટનાં નળામાંથી નીકળતો “ ભખ...ભખ...ભખ...” નો અવાજ તેની છાતીમાં પડઘાતો હોય એવું તે મહેસૂસ કરી શકતી હતી.

લાઇબ્રેરીમાંથી તે બહાર આવી ત્યારે જ તેણે એભલને જોઇ લીધો હતો. તે જાણતી હતી કે આ વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોથી સતત તેનો પીછો કરી રહયો છે. એક તો એભલનો પડછંદ દેખાવ, અને ઉપરથી તેનું ભયંકર અવાજ કરતું લાલ રંગનું બુલેટ, તેની જગ્યાએ જો બીજુ કોઇ હોત તો પણ ખ્યાલ આવ્યા વગર રહેત નહિં કે એ વ્યક્તિ તેની પાછળ આવી રહયો છે. તેને પણ ખ્યાલ આવ્યો જ હતો, અને એટલે જ એભલ લાઇબ્રેરીમાં થી બહાર નીકળે એ પહેલાં તે કારમાં ગોઠવાઇ હતી અને ભયાનક ઝડપે કાર હંકારી તેણે હાઇવે તરફ વાળી હતી. તે જાણતી હતી કે બુલેટવાળો તેની પાછળ આવ્યાં વગર રહેશે નહીં... એટલે તેણે એક દાવ ખેલ્યો. પહેલાં રાધનપુર તરફ જતાં હાઇવે ઉપર કારને ફુલસ્પીડમાં ભગાવી હતી અને પછી આગળ જઇ જમણાં હાથે કારને એકાએક જ વાળીને એક કાચા રસ્તા ઉપર નાંખી હતી. આ રસ્તો સીધો જ ઇન્દ્રગઢની સીમમાં નીકળતો હતો. છેલ્લા એક અઠવાડિયાથી તે જે રખડપટ્ટી કરી રહી હતી એમાં તેણે લગભગ બધાં રસ્તાઓ જોઇ નાંખ્યા હતાં. અત્યારે એનો જ ફાયદો તેને મળી રહયો હતો. એ કાચો રસ્તો હાઇવેને અડીને સમાંતર જતો હતો. રસ્તો ઉબડ-ખાબડ અને ઝાડી-ઝાખરાં આચ્છાદીત હતો. તેણે ભારે વેગથી એ રસ્તા પર કાર ભગાવી હતી અને પછી એક ગીચ ઝાડીની પાછળ કારને થોભાવી હતી. હવે તેને પેલાં બુલેટ વાળા શખ્શનો ઇંતેજાર કરવાનો હતો. અને... તે દેખાયો. પુર ઝડપે ભાગતું તેનું બુલેટ હાઇવે વીંધીને તેની આગળથી પસાર થઇ ગયું. યુવતીમાં ચહેરા ઉપર હાસ્ય છવાયું અને જીગરમાં એક નિરાંત ઉદભવી. થોડીવાર તે એમ જ બેસી રહી, બુલેટ દેખાતું બંધ થયું પછી તેણે કારને સ્ટાર્ટ કરી પહેલા ગીયરમાં નાંખી. ડોકું ઘુમાવીને બાજુની સીટમાં મુકેલાં પેલા ખાખી રંગનાં કવરને નીરખી લીધું, જે તેને ઇન્દ્રગઢનાં પેલા લાઇબ્રેરીયને આપ્યું હતું. ફરીથી તેનાં ચહેરાં પર મુસ્કાન છવાઇ. કારને હળવેથી તેણે કાચા રસ્તેથી હાઇવે ઉપર ચઢવી અને અમદાવાદ તરફ ભગાવી મુકી. અહીનું તેનું કામ પુરું થયું હતું. અમદાવાદ સ્ટેશને એક વ્યક્તિ ઉભી હતી જે તેની રાહ જોઇ રહી હતી. યુવતીને પણ એ વ્યક્તિને મળવાની જબરી ઇંતેજારી હતી.

***

મારા વોટ્સએપ પર બુકીંગ એજન્ટનો મેસેજ આવી ગયો હતો. શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝેક્યૂટીવ કલાસમાં ટીકીટ કંન્ફર્મ થઇ હતી. ટ્રેન ઉપાડવાનો સમય બે ને ચાલીસનો હતો એટલે હજુ મારી પાસે ઘણો સમય બચતો હતો. બપોર સુધી કંટાળ્યા બાદ લગભગ બાર વાગ્યાની આસપાસ હું કાલુપુર રેલ્વે સ્ટેશન જવા માટે નીકળ્યો. અહી બેસીને બોર થવું એનાં કરતા રેલ્વે પ્લેટફોર્મ પર બેસવું મને વધુ યોગ્ય લાગતું હતું.

***

શબનમનાં દિલફરેબ વળાંકો અને મદીરાનાં નશામાં એભલ જન્નતની સેર કરી રહયો હતો. તેણે સારો એવો દારૂ ટટકાવ્યો હતો. લગભગ આખી બોટલ પી ગયો હતો અને પછી તેણે શબનમને પોતાની નજીક ખેંચી હતી અને તેની ઉપર ભૂખ્યા ડાંસ વરુની જેમ તૂટી પડયો હતો. હાથમાં આવેલી છોકરી છટકી ગઇ હતી તેનો ગુસ્સો, અને માલીકે કહેલાં અપમાનજનક શબ્દોનો પૂરો બદલો જાણે તે શબનમ ઉપર વાળવાં માંગતો હોય એમ તે એને પીંખવા માંડયો હતો. લગભગ અડધો કલાક એ તોફાન ચાલ્યું હશે અને પછી હાંફતો તે શબનમ ઉપરથી નીચે ઉતર્યો હતો. શબનમે ખામોશ મોં એ એભલને સહન કર્યે રાખ્યો હતો.

“ જો એટલી બધી દાઝ હોય તો છોડી કેમ નથી દેતો બધું...? ” શબનમે પોતાના કપડાં સરખા કરતાં કહ્યું. તેને એમ જ હતું કે જરૂર કોઇ પોલીસ લફરું થયું હશે.

“ તું ચૂપ મર..! મારાં મામલામાં તારે દખલ દેવાની જરૂર નથી.. ”

“ તો પછી અહીં આવ્યો શું કામ...? તારો મામલો તારે બારોબાર પતાવી લેવો હતો ને...! ” શબનમ બોલી. તેને ખબર હતી કે જો તે એભલને ઉશ્કેરશે તો જ એ સાચું બોલશે. થયું પણ એવું જ.

“ અરે એક-બે બદામની છોકરી મારાં હાથમાંથી શું છટકી ગઇ, માલીકે મને ધમકાવી નાંખ્યો. એ પૈસા આપે છે તો શું થયું...? હું કોઇનો ગુલામ થોડો છું..! ”

“ કઇ છોકરી...? ” અચાનક શબનમને રસ જાગ્યો.

“ પેલી ટૂંકા-ટૂંકા વાળ વાળી, અઠવાડિયાથી અહી-તહી ભટકે છે તે. ખબર નહી માલીકને એ રખડું છાપ છોકરીમાં શું રસ પડયો છે...! મને તો એ કોઇ માથાફરેલ ધનવાન બાપની બગડેલી ઔલાદ લાગે છે. ”

“ કંઇક સમજાય એવું બોલ તો ખ્યાલ આવે કે માજરો શું છે..? આમ ધડ-માથા વગરની વાત કરીશ તો કેમ સમજાશે...! ” તે ઉભી થઇને એભલની નજક પહોંચી. તેણે તેનાં બંને હાથની હથેળીઓ એકબીજામાં પરોવી અને એભલનાં ખભે હાથ ટેકવીને ઉભી રહી. તેનું આખુ શરીર તૂટતું હતું છતાં કોણ જાણે કેમ, અચાનક તેને એભલની વાત જાણવાનું મન થયું હતું. “ આ તારો નવો માલીક છે કોણ જે તને આમ તતડાવી રહયો છે...! ”

“ તું એ બધી પંચાત છોડ...! ” એક આખી બોટલ દારૂ પીવાઇ ગયો હોવા છતાં હજુ એભલ પોતાનાં પગ ઉપર ઉભો હતો એનું આશ્ચર્ય શબનમને થતું હતું. જો કે સસ્તા ભાવનાં શરાબનો નશો કેવો ચડતો હોય છે એ તે બહું સારી રીતે જાણતી હતી.

“ તો પેલી છાકરી વિશે તો કંઇક કહે...? તારો માલીક એક છોકરી પાછળ શું કામ પડયો છે...? ”

“ મને શું ખબર, આપણને તો રૂપિયા મળવા જોઇએ બસ. પૈસા સાથે મતલબ રાખવો... પછી ભલેને કોઇ ભીખારીનો પણ પીછો કરવો પડે...! ”

“ એભલ...! તું મારી વાત સમજ્યો નહી. તારા કહેવાં મુજબ જો એ છોકરી કોઇ ધનવાન બાપની બગડેલી ઔલાદ હશે તો... ” શબનમે વાત અધુરી છોડી.

“ તો શું...? ”

“ તો મારા રાજ્જા...! આપણે પણ વહેતી ગંગામાં હાથ ધોઇ નાંખીએ...” શબનમ શબ્દો ગોઠવીને બોલી. તેનાં દિમાગમાં એક યોજના આકાર લઇ રહી હતી. જે ભયાનક હતી.

“ એ કઇ રીતે...? ” એભલે શબનમ તરફ ફરતાં પુછયું. તે શક્તિશાળી હતો અને શારીરીક બળ વાપરવામાં પાવરધો હતો, પરંતુ જ્યાં વિચારવાનું આવતું ત્યાં તેનું મગજ કામ કરતું બંધ થઇ જતું. શબનમ એભલની આ કમજોરી સારી રીતે જાણતી હતી.

“ તારો માલીક એક છોકરીનો ફક્ત પીછો કરવાનાં જો આટલાં બધાં રૂપીયા ખર્ચતો હોય વિચારી જો, એ છોકરી કેટલી કિંમતી હશે..? આપણે જો એ છોકરી વીશે કંઇક જાણી શકીએ, અથવા તો તેનો પીછો શું કામ કરવામાં આવી રહ્યો છે અને તેનો અસલી મકસદ શું છે એ જાણી શકાય તો જરૂર કંઇક થઇ શકે... ”

“ હમમ્...! ” એભલનાં કપાળે સળ પડયા...” અને એ કેવી રીતે જાણી શકાય...? “

“ તે હવે કંઇક કામનો સવાલ પુછ્યો.. ” શબનમ તેનાં હાથ એભલનાં ખંભેથી હટાવતાં બોલી. એભલ તેની વાતોમાં આવી ગયો હતો એ જોઇને તેણે બાજી ગોઠવવાનું શરૂ કર્યુ.

“ સૌથી પહેલા તો એ છોકરી કોણ છે એ જાણવું પડશે. ઇન્દ્રગઢમાં તેણે બહુ આંટાફેરા માર્યા, ખાસ કરીને ત્યાંની લાઇબ્રેરીમાં...! એવું તો શું છે, કે હતું ત્યાંની લાઇબ્રેરીમાં, એની જાણકારી આપણી પાસે હોવી જોઇએ. જો એ કોઇ ચીજ પાછળ હતી તો એ શું ચીજ હતી એ જાણવા મળી જાય તો આપણે એનો આપણા ફાયદા માટે ભરપૂર ઉપયોગ કરી શકીએ...” શબનમે એક પછી એક તર્કબધ્ધ રીતે વાત ગોઠવતાં કહ્યું. “ તું એક કામ કર, ઇન્દ્રગઢ જા..! અને ત્યાંની લાઇબ્રેરીમાંથી એ છોકરી વિશે માહિતી કઢાવ. મને લાગે છે કે જરૂર આ મામલો ઘણો મોટો છે. મને પુષ્કળ પૈસા દેખાઇ રહયા છે એભલ...”

“ પણ, એ માલીક સાથે ગદ્દારી કરી કહેવાય શબ્બો...! ” એભલને શબનમની વાત સમજાતી તો હતી પરંતુ તેનું મગજ એ સ્વીકારવા તૈયાર થતું નહોતું.

“ એમાં શેની ગદ્દારી...? માલીકને એ છોકરીમાં રસ છે તો તેમને એ છોકરી મળી જશે. સાથે આપણે પણ થોડું વધું કમાઇ લેશું તેમાં ખોટુ શું છે...? અને આમાં ગદ્દારીની વાત તો આવતી જ નથી. માલીક તેનું કામ કરશે આપણે આપણું. ” શબનમે વાતોવાતોમાં એ જતાવી દીધું હતું કે હવે આ મામલામાં તે એકલો નથી. તે પણ તેની સાથીદાર બની ચુકી છે. ટૂંકા મગજનાં એભલનાં મનમાં શબનમની આ ચાલાકી ઉતરી નહી.

“ તારી વાત તો બરાબર છે...”

“ તો પછી કામે લાગ...! ” શબનમ બોલી અને એભલને પોતાની નજીક ખેંચ્યો. એક તસતસતું ચુંબન તેણે એભલનાં હોઠો ઉપર ચોંડી દીધું. એભલ સમજી ન શકયો કે શબ્બો કયા કામે લાગવાની વાત કહી રહી છે. તેણે ફરી પાછી શબ્બોને બાંહોમાં ભરી અને બંન્ને ફરી પાછા પલંગ ઉપર ખાબકયા.

તે દિવસે એ નાનકડી એવી પતરાંની ખોલીમાં એક પ્લાન ઘડાયો. શબનમની લાલચ અને એભલની મૂર્ખામીએ એક ભયાનક ષડયંત્રનાં પાયા ચણી દીધા હતાં જે આવનારા નજીકનાં ભવિષ્યમાં ભારે તબાહી મચાવવાનાં હતાં.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED