નો-રીટર્ન-૨ - 07 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો-રીટર્ન-૨ - 07

નો-રીટર્ન-૨

ભાગ-૭

( આગળનાં ભાગમાં આપણે વાંચ્યુઃ- પવન અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક યુવતીને જુએ છે અને તે પ્રથમ નજરે જ એની તરફ ખેંચાય છે. બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમ માં લાઇબ્રેરીયન છોકરાને બેશુધ્ધ હાલતમાં પડેલો જોઇ ત્યાંથી પલાયન કરી જાય છે. હવે આગળ વાંચો....)

કેમેરા રોલ ઘણી ખસ્તા હાલતમાં હતો. તેમાંથી ફોટાની પ્રિન્ટો મેળવી શકાશે કે નહી એ વિશે વિનીત હજુ પણ અસમંજસમાં હતો. તેણે હજાર વખત રોલને હાથમાં લઇ ધારી-ધારીને ચેક કર્યો હતો. ન જાણે કયાંથી ઉઠાવી લાવી હશે...? તે વિચારે ચડયો. અને... આ રોલ ડેવલપ કરાવવો કયાં....? એ પણ એક પ્રશ્ન હતો. જ્યારથી ડિઝિટલ કેમેરાની બોલબાલા શરૂ થઇ હતી ત્યારથી આવા કચકડાનાં રોલ ડેવલપ કરવાવાળા તો જાણે બિલાડીનાં માથેથી શિંગડા ગાયબ થાય તેમ માર્કેટમાંથી ગાયબ થઇ ગયા હતાં, એવા સમયે ભાગ્યે જ કોઇક જગ્યાએ તેનો મેળ પડે તેમ હતો. રોલ લઇને તે બજારમાં નીકળી પડયો હતો. ભલે ગમે તેટલી રખડપટ્ટી કરવી પડે પણ એ રોલમાંથી ફોટા મેળવ્યા વગર તે જંપવાનો નહોતો કારણ કે પેલી યુવતીની નજરોમાં પોતાને સાબીત કરવાનો આનાથી વધું સોનેરી મોકો ભાગ્યે જ તેને મળે એમ હતો. તે તેને બેતહાશા ચાહતો હતો, ખરા હ્રદયથી ચાહતો હતો. એ યુવતી તેની આરાધ્યમૂર્તી હતી અને તેનાં માટે તે ગમે તે હદે જવાં તૈયાર હતો ત્યારે એક રોલ ડેવલપ કરાવવો બહું મોટું કામ તો નહોતું જ. સાંજ સુધીમાં તેનો મેળ પડી જશે એવું તેનું માનવું હતું.

***

“ કાર્લોસ...! તને લાગે છે કે આપણું કામ થશે...? ” જોસ મુનીઝે તેની સામે ઇમ્પોર્ટેડ લેધરની કિંમતી ખુરશીમાં ગોઠવાયેલા પોતાનાં પાર્ટનર તરફ જોઇ સવાલ કર્યો. કાર્લોસે તેનાં મોં માં સળગતી સિગારનો એક ઉંડો દમ ભર્યો અને પછી હવામાં ધુંવાડો ફંગોળ્યો. જોસનાં સવાલથી તેને કોઇ અચરજ થયું નહી. આ બાબતે તે એકદમ શ્યોર હતો.

“ તું બેફીકર રહે જોસ...! મને પુરી ખાતરી છે કે એ છોકરી આપણું કામ એકદમ ચોક્કસ રીતે પાર પાડશે. આખરે તેને પણ ગરજ છે, અને જ્યાં ગરજ હોય ત્યાં માણસ બમણી મહેનતથી કામ કરતો હોય છે એવું મે અસંખ્ય વખત અનુભવ્યું છે. ”

“ તો પછી હજુ સુધી તેનાં તરફથી કોઇ સંદેશો કેમ નથી આવ્યો..? મને કંઇક ગરબડ થઇ હોય એવું લાગે છે. ” જોસ મુનીઝને ખરેખર સંદેહ થતો હતો. તે એકદમ બેઠી દડીનો નાનકડો અમથો વ્યક્તિ હતો. મુશ્કેલીથી તેની હાઇટ ચાર ફુટ જેટલી હશે. તેની હાઇટનાં પ્રમાણમાં તેનું મોઢું લાંબુ અને મોટુ હતું. તે જ્યારે બોલતો ત્યારે તેની પહોળી મોં- ફાડમાંથી તેનાં લાંબા પીળા દાંત સ્પષ્ટ બહાર દેખાતાં. તે બ્રાઝીલીયન મૂળનો વ્યક્તિ હતો. આમ તો કાર્લોસ પણ બ્રાઝીલીયન જ હતો તેમ છતાં તે પોતાને અમેરીકન કહેવડાવાનું વધુ પસંદ કરતો. જોસ પણ કાર્લોસ જેવી જ મોંઘી ઇમ્પોર્ટેડ ખુરશીમાં બેઠો હતો. તેનો નાનકડો દેહ એ ખુરશીમાં વિચિત્ર લાગતો હતો. તેની બાજુમાં એક ત્રીજી ખુરશી હતી જેમાં એક ઔરત બેઠી હતી, જે એ લોકોની ત્રીજી પાર્ટનર હતી. તેનું નામ એના માર્ટીની હતું. તે ઉંચી, પાતળી અને રૂપાળી હતી. તે ખામોશીથી જોસ અને કાર્લોસ વચ્ચે થતી વાતચીત સાંભળી રહી હતી. તડકો ખાઇને તામ્રવર્ણી થયેલાં તેનાં ચહેરા પર કોઇ જ પ્રકારનાં ભાવ નહોતાં.

“ થોડી ધીરજ રાખ. એમ ઉતાવળે પરીણામ ન આવે. એ તેનું કામ બખૂબી પાર પાડશે...તું ચીંતા ન કર. મને તેનાં પર સંપૂર્ણ ભરોસો છે. ” કાર્લોસે ફરી ધુંવાડો છોડતા કહ્યું.

બ્રાઝીલની રાજધાની બ્રાઝીલીયાની એક ફાઇવસ્ટાર હોટેલનાં કમરામાં તેઓ બેઠા હતા, અને બસ એમ જ તેમની વચ્ચે વાતચીતનો દૌર ચાલતો હતો. જોસનાં ચહેરા ઉપર વ્યગ્રતા છવાયેલી સ્પષ્ટ દેખાતી હતી. લાગતું હતું કે તેને કાર્લોસનાં જવાબથી સંતોષ થયો નહોતો. તેણે એના માર્ટીની તરફ પ્રશ્નસૂચક નજરે જોયું. તેની ઇચ્છા હતી કે એના કંઇક બોલે અને તેનો પક્ષ લે. તે કાર્લોસને આ બાબતે પુછે. પણ એનાંએ જાણે જોસની વાત સાંભળી જ ન હોય એમ સાવ નિર્લેપતા ધારણ કરી કમરાની ફ્રેન્ચ વિન્ડો બહાર દેખાતા ધુધવતાં સમુદ્રની લહેરોને તાકી રહી. તેને કદાચ અહી ચાલતી વાતોમાં કોઇ જ દિલચસ્પી નહોતી. જોસે નિરાશાથી તેનું મોટુ જબરું માથુ ઘુણાવ્યું અને વળી તે કાર્લોસ સન્મુખ થયો.

“ ડેમઇટ...! જો એ છોકરી આપણું કામ નહી કરી શકે તો...? એક સાધારણ છોકરી ઉપર આટલો ભરોસો કેમ મૂકી શકાય..! મને લાગે છે કે આપણે ઇન્ડિયા જવું જોઇએ, અથવા તો કોઇકને તેની પાછળ લગાવવા જોઇએ. આ કંઇ ખાવાનાં ખેલ નથી, અબજો ડોલરનો મામલો છે. જો હું તારી જગ્યાએ હોઉં તો આમ હાથ પર હાથ ધરીને બિલકુલ બેસી ન રહું. ”

“ નહી જોસ...! એવી જરૂર નહીં પડે.” તે બોલ્યો અને પછી ખડખડાટ હસી પડયો. “ જે ચીજની આપણને તલાશ છે એ ચીજ તે છોકરી જ આપણાં સુધી પહોંચાડશે. તું ફક્ત જોએ રાખ. એ છોકરી શું ચીજ છે એ તું હજુ જાણતો નથી એટલે આટલો વ્યગ્ર થાય છે, બાકી મે તેને બહું વિચાર્યા પછી પસંદ કરી છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે જો કોઇનાથી આ કામ થશે તો ફક્ત એ છોકરીથી જ થશે. ” કાર્લોસે એકદમ ઠંડા અવાજે કહયું.

જોસે એ સાંભળ્યું પરંતુ તેની ચિંતા સહેજે ઓછી થઇ નહી. તેને સમજાતું નહોતું કે આખરે કાર્લોસ જેવો વ્યક્તિ કેમ એક સાધારણ છોકરીની આટલી તરફદારી કરે છે...! એવું તે શું ભાળી ગયો હતો એ તે છોકરીમાં..? તે કંઇ બોલ્યો નહી. કાર્લોસ જેવો ખૂંખાર અને સચોટ ગણતરીબાજ આદમી જો અત્યારે ખામોશી ધારણ કરીને બેઠો હોય ત્યારે તેણે બોલવા જેવું કંઇ રહેતું પણ નહોતું. તે કાર્લોસ અને તેની કામ પાર પાડવાની કાબેલીયત, બંન્નેથી ભલીભાંતી વાકેફ હતો. એ ખુદ પણ તેનો એક હિસ્સો હતો જ ને.. કાર્લોસનું સિન્ડિકેટ બહું વિશાળ હતું. બ્રાઝીલનો તે સૌથી મોટો માફિયા ડોન હતો. બ્રાઝીલની અંધારી આલમમાં તેનો પડયો બોલ ઝીલાતો. જોસને અત્યારે વધું દલીલ કરવી યોગ્ય લાગ્યું નહી. તે ખામોશી ઓઢીને પોતાના પાર્ટનર કમ બોસને સિગારની લિજ્જત માણતા જોઇ રહયો અને પછી જે દિવસે આ ઘટનાક્રમની શરૂઆત થઇ એ દિવસને તે વાગોળી રહયો.

***

કાર્લોસ મોસ્સી....! અમેરીકન સરકારે અને સી.આઇ.એ. એ જ્યારે અમેરીકામાંથી માફિયા વર્લ્ડને ખતમ કરવાનું બીડુ ઉઠાવ્યું અને માફિયા ગેંગને એક પછી એક સાફ કરવા માંડી ત્યારે કાર્લોસ અમેરીકામાંથી પોતાનું સામ્રાજ્ય સંકેલીને દક્ષીણ અમેરીકાનાં બ્રાઝીલમાં ભાગી આવ્યો હતો. ઉત્તરી અમેરીકા કરતા દક્ષીણ અમેરીકાની સ્થિતી કંઇક અલગ હતી. ભલે બંને ભૂખંડો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકા જ ગણાતાં હોય તેમ છતાં તે બંને રાજ્યોની ભૌગોલીક સ્થિતી ઉપરાંત રાજકીય પરિસ્થિતી પણ અલગ હતી. અહી, દક્ષીણ અમેરીકામાં કાયદો અને વ્યવસ્થાની એટલી સખ્તાઇ નહોતી જેટલી ઉત્તરી અમેરીકામાં અને વોશિંગ્ટન ડી.સી.માં હતી...અને એટલે જ કાર્લોસ જેવા ઘણા ગેંગસ્ટરોએ એ સમયે દક્ષીણ અમેરીકા તરફ પલાયન કરી જવાનું મુનાસીબ માન્યું હતું.

કાર્લોસ મોસ્સીએ બ્રાઝીલની રાજધાની બ્રાઝીલીયાને પોતાનું ઘર બનાવ્યું અને ધીરે-ધીરે કરતા સમગ્ર બ્રાઝીલમાં પોતાનાં બે-નંબરી ધંધાનો વ્યાપ વધાર્યો હતો. ફક્ત પાંચ જ વર્ષની અંદર તેણે સમગ્ર બ્રાઝીલ અને તેની આસપાસનાં બધાં જ રાજ્યોને પોતાનાં તાબા હેઠળ લઇ લીધા હતાં. તેનો મુખ્ય કારોબાર ડ્રગ્સનો હતો. ડ્રગ્સ ઉપરાંત શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ વતી તે દુનીયાભરનાં દેશો સાથે શસ્ત્રોની જંગી “ડીલ” પણ કરતો. તેની કાર્ટેલ....મતલબ કે તેનાં ગિરોહમાં જાત-ભાતનાં લોકો સામેલ થતા જતાં હતાં અને તેઓ તરેહ- તરેહનાં બે-નંબરી ધંધામાં મબલખ ડોલર બનાવી ધીરે- ધીરે કરતાં આખી દુનીયામાં પોતાનો ધંધો ફેલાવી રહયા હતાં.

કાર્લોસ મોસ્સીનો જમણો હાથ જોસ મુનીઝ ગણાતો. માત્ર ચાર ફૂટ જેટલી હાઇટ ધરાવતો જોસ ભારે વિચક્ષણ વ્યક્તિત્વનો માલીક હતો. કયો ધંધો કરવા જેવો છે અને ક્યો નહીં, કઇ જગ્યાએથી હાથ પાછા ખેંચી લેવા જોઇએ તેની પાક્કી ગણતરી હરદમ તેનાં નાનકડા એવા ભેજામાં ચાલતી રહેતી. કાર્લોસને એટલે જ તે પસંદ હતો. જોસે સૂચવેલા એકપણ પ્રોજેક્ટમાં આજદિન સુધી તેણે નુકશાન ભોગવવું પડયું નહોતું, હંમેશાં તે ફાયદામાં જ રહેતો. આંખો મીંચીને તે જોસ ઉપર ભરોસો કરી શકતો હતો. આજે પહેલીવાર એવું બન્યું હતું કે જોસ પેલી છોકરીને લઇને ચિંતીત થયો હતો. એવું કંઇક હતું જે તેને કઠતું હતું. એ શું હતું એ તે સમજી શકતો નહોતો પણ તેની સિક્સ્થ-સેન્સ કંઇક ગરબડ હોવાનો સંકેત આપતી હતી. તે કાર્લોસને ચેતવવા માંગતો હતો, તે જે કરવા ધારતો હતો તેમાંથી પોતાના હાથ પાછા ખેંચી લેવા સમજાવવા માંગતો હતો પરંતુ કાર્લોસ તેની કોઇ વાત સાંભળવા તૈયાર નહોતો એટલે તે ખામોશ બની ગયો હતો.

જો કાર્લોસે જોસની ચિંતા સમજી હોત તો તે એક ભયાનક મુસીબતમાં ફસાતો બચ્યો હોત. પરંતુ હવે કદાચ તેના અંતની શરૂઆત થવાની હતી...

જોસ મુનીઝ કાર્લોસનો જમણો હાથ હતો તો એના માર્ટીની તેનો ડાબો હાથ ગણાતી. ચાઇનીઝ માતા અને અમેરીકન પિતાનું વંઠેલ અને ખતરનાક ફરજંદ એટલે એના માર્ટીની. પંદર વર્ષની વયે તેણે પહેલી હત્યા કરી હતી. એક સુપર સ્ટોરમાં લૂંટ-ફાટ કરતી વખતે તેનાં હાથે એ સ્ટોર માલીકનું ખૂન થયું હતું. જો કે એ સમયે ત્યાં કોઇ હાજર નહોતું એટલે પોલીસને કયારેય જાણવા મળ્યું નહોતું કે સ્ટોર માલીકનો હત્યારો કોણ હતો..! એ સમય બાદ એનાને સમજાઇ ગયું હતું કે જો તમારી વિરુધ્ધ કોઇ પુરાવો ન હોય તો ગમે તેટલો મોટો ગુનો આચર્યા બાદ પણ તમે બિન્ધાસ્ત ફરી શકો છો. એ સમજણ બાદ તેણે ગુનાખોરીમાં એક નવાં અધ્યાયની શરૂઆત કરી હતી. તેણે કાર્લોસની ડ્રગ્સ્ કાર્ટેલમાં કામ કરવું શરૂ કર્યુ હતું. યુવતી હોવાના નાતે આસાનીથી તે ડ્રગ્સ્ હેરફેર કરી શકતી અને એક વાતનું હંમેશા ધ્યાન રાખતી કે તે કયારેય પકડાય નહી. તેની અસાધારણ કાબેલીયત અને ઠંડા કલેજે કામ કરવાની આવડતનાં કારણે બહુ જલ્દી જ તે કાર્લોસની નજરે ચડી ગઇ હતી. એ દિવસ બાદ એના એ કયારેય પાછુ વાળીને જોયું નહોતું. બહુ ટૂંકા સમયમાં તે કાર્લોસની અંગત બોડીગાર્ડ કમ બિઝનેસ પાર્ટનર બની ગઇ હતી. કાર્લોસનાં એક ઇશારે એકદમ ઠંડા કલેજે તે કોઇનું પણ ઢીમ ઢાળી નાંખતી, અને એવું કરતાં તેનાં ચહેરાની એક પણ રેખા ફરકતી સુધ્ધા નહી. તે એટલી ખૂંખાર હતી કે ખુદ તેની ગેંગનાં સભ્યો પણ તેને વતાવતાં નહી.

એક દિવસ સાવ અચાનક જ કાર્લોસનાં ધ્યાનમાં એવું કંઇક આવ્યું હતું જે જાણીને તે ચોંકી ઉઠયો હતો. સાવ અનાયાસે જ એક માહિતી તેના હાથમાં આવી હતી અને પછી એ તેની પાછળ હાથ ધોઇને પડી ગયો હતો. તેણે જોસ અને એનાને વાત કરી હતી જે સાંભળીને તે બંનેનાં ચહેરાં પણ ચમકી ઉઠયા હતાં. એ સમયે તેમની વચ્ચે એક મિટીંગ યોજાઇ અને એક પ્લાન તૈયાર થયો. એ પ્લાન વિસ્ફોટક હતો. જો તેઓ તેમાં સફળ થયા તો દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ બનતા કોઇ તેમને રોકી શકવાનું નહોતું. એટલી મબલખ દોલત તેમનાં હાથમાં આવવાની હતી. પરંતુ...એ કામ એટલું આસાન પણ નહોતું. ભારોભાર જોખમ ભરેલું હતું તેમાં. આજ સુધીમાં ઘણાબધા માણસો તેની પાછળ ખૂંવાર થઇ ચુકયા હતાં છતાં તેઓનાં હાથમાં મોત સિવાઇ બીજું કંઇ જ આવ્યું નહોતું. જ્યાં મબલખ લક્ષ્મી હોય ત્યાં ખતરો હોવાનો જ...! પરંતુ આ ખતરો કંઇ નાનો-સુનો નહોતો. મોતને હથેળીમાં લઇને રમવાનું હતું અને જીવ સટોસટીનાં જંગ ખેલવાનાં હતાં ત્યારે એ દોલત હાથમાં આવે તેમ હતી. કાળાં માથનાં માનવીઓ સામે નહી પરંતુ કુદરત સાથે જંગ ખેલવાની હતી. એક ભૂલ અને સીધા જ મોતનાં ખપ્પરમાં હોમાઇ જવાનું નક્કી હતું. કાર્લોસ એ ખેલ ખેલવા તૈયાર થયો હતો. તે પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો અને સમજતો હતો કે આ તેનાં ડાબા હાથનો ખેલ છે. જો સફળ થયો તો પલક ઝપકતા તે દુનીયાનો સૌથી અમીર આદમી બની જવાનો હતો...!

શું ખરેખર એ શક્ય હતું ખરું...? કાર્લોસને શું માહિતી હાથ લાગી હતી...? જોસ મુનીઝ કેમ ગભરાઇ રહયો હતો...? પેલી યુવતી કોણ હતી જેને કાર્લોસે કામ સોંપ્યું હતું...? ઇન્દ્રગઢનો આ બધી ઘટનાઓ સાથે શું સંબંધ હતો...? એભલ અને શબનમ કંઇ ફિરાકમાં હતાં...? સવાલો ઘણાબધા છે અને તેનાં જવાબો આવનારા સમયની ગર્તામાં ઢબૂરાઇને એક વિસ્ફોટ સર્જવા હથીયાર સજાવી રહયા હતા. અને પવન જોગી... આ ઘટનાક્રમમાં સામેલ થશે કે નહી...?

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.