નો રીટર્ન-૨ ભાગ-9 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-9

નો-રીટર્ન-૨

ભાગ-૯

( આગળ વાંચ્યુઃ- પવન જોગી મુંબઇ અને ત્યાંથી ઇન્દ્રગઢ જવાનાં બદલે વિનીત નામના યુવક પાછળ અમદાવાદની બજારમાં તેનો પીછો પકડે છે. તેને કેમેરા રોલમાં રહેલા ફોટો જોવા હોય છે...બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીએથી સીધો જ શબનમ પાસે પહોંચે છે... હવે આગળ વાંચો.)

વિનીતનું કામ ધાર્યા કરતાં ઘણું સરળતાથી પાર પડી ગયું હતું એટલે તે ખુશ હતો. તેને લાગતું હતું કે રોલ ડેવલપ કરાવવા ઘણું રખડવું પડશે પરંતુ એવું થયુ નહી અને જે પહેલી શોપમાં તે ઘુસ્યો હતો તેમાં તેનો એક ધડાકે મેળ પડી ગયો હતો. “ કેનન ” કંપનીનાં શો-રૂમમાં ત્યાંનાં કર્મચારી સેલ્સમેને વિનીતને રોલ ડેવલપ કરી આપવાની સંપૂર્ણ બાંહેધરી આપી હતી એટલે વિનીતનાં માથેથી જાણે પહાડ જેવડો ભાર હળવો થઇ ગયો. સેલ્સમેનનાં કહયાં મુજબ બે દિવસમાં રોલ ધોવાઇને તેની પાસે આવશે એટલે તે વિનીતને ફોન કરશે. વિનીતે પોતાનો મોબાઇલ નંબર તેને આપ્યો અને તે દુકાનમાંથી બહાર નીકળ્યો.

મારે પણ હવે અહીં વધારે ઉભા રહેવાની જરૂર જણાતી નહોતી એટલે હું પણ બહાર નીકળ્યો. વિનીતનો પીછો કરવાનો હવે કોઇ મતલબ નહોતો. રોલ ધોવાઇને જ્યાં સુધી ફોટોગ્રાફ્સ ન આવે ત્યાં સુધી રાહ જોવા સીવાય મારે કંઇ કરવાનું નહોતું. મારી ટ્રેન તો કયારની આવીને રવાના પણ થઇ ગઇ હશે એટલે રેલ્વે સ્ટેશને પાછા જવાનો પણ કોઇ મતલબ જણાતો નહોતો. એક વિચાર થયો કે ટેક્ષી કરીને મુંબઇ ચાલ્યો જાઉં...! પરંતુ મુંબઇ જવાનો એવો કોઇ ઉમળકો મનમાં ઉઠતો નહોતો. શું કરવું જોઇએ એવી અસમંજસભરી વિચાર સ્થિતીમાં હું ત્યાં જ ઉભો રહયો. પેલી યુવતીનો ચહેરો હજુપણ મારા દિલો-દિમાગ પર છવાયેલો હતો. તેને શોધું તો...? “ ગેલેક્ષી ” હોટલ આટલામાં જ કયાંક હોવી જોઇએ. એ યુવતીએ કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે જ કોઇ જગ્યાએ ગેલેક્ષી હોટલમાં તે રોકાઇ છે એવું કહયું હતું એટલે તેને શોધવી મુશ્કેલ તો નહોતી જ...! એક નિર્ણય કરીને હું ચાલી નીકળ્યો. મારી નિયતી મને કંઇ દિશામાં ધકેલી રહી હતી તેનો અંદાજ મને ખુદને નહોતો... અંદાજ હોત તો પણ એ યુવતીનું આકર્ષણ એટલું હતું કે ભવિષ્યની પરવાહ કર્યા વગર હું તેની પાછળ દોરવાયો જ હોત.

લાઇફમાં ઘણા એવા વળાંકો આવતા હોય છે જે તમારા જીવનની આખી રાહ બદલી નાંખે. તમે ખરેખર જેવા છો, તેનાથી તદ્દન વિપરીત વર્તન અચાનક જ તમે કરવા લાગો... અને તમને ખુદને ખ્યાલ નથી હોતો કે એવું શા- માટે તમે કરો છો. મારા જીવનમાં પણ એવું જ એક નાટક અત્યારે ભજવાઇ રહયું હતું. કયારેય કોઇ ઝમેલામાં ન ઉલઝનારો હું અત્યારે એક છોકરી પાછળ પાગલ બની રહયો હતો. હું કઇ દિશામાં જઇ રહયો હતો એ હું ખુદ નહોતો જાણતો...! અને જો જાણતો હોત તો કયારેય એવી હિંમત કરી ન હોત. ખેર.. આખરે તમારી કિસ્મતમાં જે લખાયું હોય એ થઇને જ રહે છે એની પ્રતિતી આવનારા સમયમાં મને થવાની હતી. અત્યારે તો હું કોઇ જ મકસદ વગર અમદાવાદનાં રિલિફરોડ પર કોઇ રણમાં ભુલા પડેલા એકલા- અટૂલા પ્રવાસીની માફક ભટકી રહયો હતો. સૌથી પહેલું કામ “ ગેલેક્ષી ” હોટલ શોધવાનું હતું. હું ફરી પાછો કાલુપુર સ્ટેશનનાં એન્ટ્રન્સ ગેટ પાસે આવ્યો હતો. અહીથી એક તરફ, સામે રિલીફ રોડ હતો કે જ્યાથી હમણાં જ હું આ તરફ આવ્યો હતો. જમણી તરફ સીટી બસ સ્ટેન્ડ હતું અને ડાબી તરફ સામેની દિશામાં ગાંધી રોડ તરફ જવાતું હતું. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનની આજુ-બાજુમાં જ મોટાભાગની હોટલો હોય છે એનો મને ખ્યાલ હતો એટલે “ ગેલેક્ષી ” હોટલને શોધવી અઘરી નહી પડે એવું અનુમાન હતું. રિલિફ રોડ તરફ તો હું જઇ આવ્યો હતો. ત્યાં એ નામનું કોઇ બોર્ડ મને દેખાયું નહોતું એટલે હવે ગાંધીરોડ ઉપર તપાસ કરવાનું નક્કી કરી હું એ બાજુ ચાલી નીકળ્યો. ગાંધી રોડનાં વળાંકમાં હજુ પ્રવેશ્યો જ હતો કે મારી બરાબર સામે, ડાબા હાથ ઉપર હોટલ ગેલેક્ષીનું બોર્ડ મને દેખાયુ. મારા હ્રદયમાં ઉમળકો ઉઠયો, જાણે પેલી અજાણી યુવતી મારી નજરોની સામે જ ઉભી હોય અને મને બોલાવી રહી હોય એવો ઉમળકો...! મારા પગ આપોઆપ એ દિશામાં આગળ વધ્યા.

***

ઇન્દ્રગઢ જેવા નાના સ્ટેટમાં એ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. કનૈયાલાલ બિશ્નોઇ... જે ઇન્દ્રગઢનાં દિવાન હતાં, ઇન્દ્રગઢની મુખ્ય હવેલી અને સમગ્ર ઇન્દ્રગઢનો કારભાર સંભાળતા હતા તેમનાં એકનાં એક પુત્ર રાજનલાલ બિશ્નોઇ ઉપર હુમલો થયો હતો. આ કોઇ નાની- સુની વારદાત નહોતી. રાજનલાલ બિશ્નોઇ છેલ્લા બે વર્ષથી ઇન્દ્રગઢની લાઇબ્રેરી સંભાળી રહયો હતો. યુવાનીનાં ઉંબરે દસ્તક દેતા અને ભણતર પુરું થતાંની સાથે જ તેણે પોતાનાં પિતાનાં ખભેથી કમ સે કમ લાઇબ્રેરી અને સ્કુલનો ભાર હળવો કરી નાંખ્યો હતો. ભારે કુશળતાથી તે એ ધરોહરનું જતન કરતો હતો. તેનાં આવ્યા બાદ સૂસ્ત બની ગયેલી લાઇબ્રેરીનાં વાતાવરણમાં વર્ષો પછી જીવતંતા આવી હતી. વર્ષોથી ઇન્દ્રગઢનાં રહેવાસીઓ આ લાઇબ્રેરીથી વિમૂખ થઇ ગયા હતા, તેમને પાછલા બે વર્ષમાં રાજને ભારે જહેમતથી પાછા લાઇબ્રેરી તરફ આવતા કર્યા હતાં. લાઇબ્રેરીમાં અતી દૂર્લભ જુનાં પુસ્તકો તો હતાં જ, એમાં તેણે નવા લેખકોનાં પુસ્તકો ઉપરાંત પ્રખ્યાત લેખકોનાં પુસ્તકો અને સંદર્ભગ્રંથઓનો ઉમેરો કર્યો હતો. એ ઉપરાંત બાળકોનાં શિક્ષણમાં ઉપયોગી થાય એવા પુસ્તકોનો એક આખો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો જેથી અહી ભણતાં વિધ્ધાર્થીઓને બહાર જવાની જરુર રહે નહી. તેની કંઇક અલગ પ્રકારની કોશિષો ખરેખર રંગ લાવી હતી અને લગભગ બંધ થવાના કગારે પહોંચી ચૂકેલી લાઇબ્રેરી ધીરે-ધીરે ફરીથી ધમધમવા લાગી હતી.

એ જ રાજન બિશ્નોઇ લાઇબ્રેરીનાં પાછળનાં ભાગે આવેલા સ્ટોરરૂમમાં બેશુધ્ધ હાલતમાં પડેલો મળી આવ્યો હતો. કોઇકે ઇન્દ્રગઢની હોસ્પિટલમાં ફોન કરીને એ વીશે માહિતી આપી હતી એટલે હોસ્પિટલમાંથી મારંમાર કરતી એમ્બ્યુલન્સ લાઇબ્રરીનાં કમ્પાઉન્ડમાં આવીને ઉભી રહી હતી. જોત- જોતામાં વાયુવેગે આ ઘટના સમગ્ર ઇન્દ્રગઢમાં પ્રસરી ગઇ હતી એટલે લોકોનાં ટોળે-ટોળા કુતુહલવશ બનીને કમ્પાઉન્ડમાં એકઠા થવા લાગ્યા હતાં. ઇન્દ્રગઢનાં દિવાનનાં પુત્ર ઉપર હુમલો થવો એ કોઇ સ્વાભાવીક ઘટના તો નહોતી જ. તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડવા અત્યારથી જ શરૂ થઇ ગયા હતાં. ઇન્દ્રગઢનાં પોલીસ કુમકનો વડો ઇકબાલ ખાન, જે પાછલા પાંચ વર્ષથી ઇન્દ્રગઢની સલામતી સંભાળી રહયો હતો એ પણ મારતી જીપે આવી પહોંચ્યો હતો. આવતાં વેંત તેણે લાઇબ્રેરીનાં સ્ટોરરૂમને કોર્ડન કરી લીધો હતો. વિસ્તારમાં નાના અને પ્રમાણમાં શાંત ગણાતા ઇન્દ્રગઢનાં દિવાન પરીવાર ઉપર હુમલો થયો હતો એ ખરેખર ગંભીર કહી શકાય એવી વારદાત નહોતી એ ઇકબાલ ખાનને સમજાતું હતું. રાજન બિશ્નોઇને તાત્કાલીક ધોરણે તેણે હોસ્પિટલમાં શિફ્ટ કરાવ્યો હતો અને સ્ટોરરૂમનાં દરવાજે પોતાના બે સિપાહીઓને તૈનાત કરી દીધા હતાં. એ સમય દરમ્યાન કનૈયાલાલ બિશ્નોઇ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. લગભગ સાંઇઠે પહોંચવા આવેલા કનૈયાલાલ તો આ સમાચાર સાંભળીને જ સન્નાટામાં આવી ગયા હતા. તેમનાં જુવાનજોધ દિકરા ઉપર કોઇકે હુમલો કર્યો છે અને તેને બેહોશીની હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એવું માનવા તેઓ તૈયાર જ નહોતાં. કોઇ તેમના પુત્ર ઉપર હુમલો શું કામ કરે....? એ તેમની સમજમાં આવતું નહોતું. તેઓ બાજુની હવેલીમાં પોતાનાં કાર્યાલયમાં બેઠા હતાં ત્યાં તેમને આ સમાચાર મળ્યા એટલે પગપાળા ચાલતાં જ તેઓ લાઇબ્રેરી સુધી આવ્યા હતાં. તેમને આવતા જોઇ ઇકબાલ ખાન સતર્ક થયો હતો. ઇન્દ્રગઢનાં તમામ રહેવાસીઓ કનૈયાલાલને ભારે માન આપતાં. એવું જ કંઇક ઇકબાલ ખાનનું હતું. તે દિવાન પરિવારનું આદર સાથે સન્માન જાળવતો. કનૈયાલાલ સીધા જ ઇકબાલ ખાન પાસે આવ્યા હતાં.

“ આ બધું શું છે ઇકબાલ...! રાજન કયાં છે...? ” તેમણે સીધુ જ પુછયું.

“ નમસ્તે દિવાનજી...! ” તંગ પરિસ્થિતીમાં પણ ઇકબાલ દિવાન સાહેબની આમાન્યા જાળવવાનું ચૂકયો નહી. “ રાજનને હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. તે બેહોશ છે, કદાચ માથાનાં પાછળનાં ભાગે તેનાં ઉપર વાર કરાયો હોય એવું લાગે છે.”

“ પણ શુ કામ...? મારા પુત્ર ઉપર કોઇ શા- માટે હુમલો કરે....?” કનૈયાલાલે આદ્ર સ્વરે પુછયું.

“ એની તપાસ ચોક્કસ થશે દિવાનજી. હું આપને ભરોસો આપું છું કે આ ઘટના પાછળ જે કોઇપણ હશે તેમને બક્ષવામાં નહી આવે. ઘટનાનાં મૂળ સુધી પહોંચીને જ હું જંપીશ... પરંતુ એ પહેલા આપે હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. તમે રાજનને સંભાળો, અહિનું હું સંભાળી લઇશ..”

ઇન્સ. ઇકબાલની વાતમાં વજૂદ હતું. કનૈયાલાલે પોતાની ગાડી મંગાવી. તેમાં બેસીને તેઓ હોસ્પિટલ તરફ જવા રવાના થયા ત્યારે ઇકબાલે રાહતનો દમ ભર્યો હતો. તેની સૌથી મોટી મુંઝવણ દિવાન સાહેબનો સામનો થશે ત્યારે શું કહેવું એની હતી, પરંતુ બહુ જલદી તેણે તેમને હોસ્પટલે જવા મનાવી લીધા હતાં. તે અત્યારે લાઇબ્રેરીનાં અંદર જતાં પગથિયા ઉપર ઉભો હતો. માથે ઓઢેલી કેપને સરખી કરતો તે અંદર દાખલ થયો. તેના અહી આવ્યા પહેલાં જ ઘણાબધા લોકો કુતુહલતાવશ અંદર ઘુસી આવ્યા હતા. માણસોનો એ જમાવડો રીસેપ્શન કાઉન્ટર પાસે ટોળું બનાવીને ઉભો હતો. ઇકબાલ એ તરફ ચાલ્યો અને ટોળાને સંબોધતા બોલ્યો.

“ જુઓ...! અહી લાઇબ્રેરીની અંદર કોઇને ઉભુ રહેવાની જરૂર નથી. તમે બધા પોત- પોતાનાં ઘરે ચાલ્યા જાઓ. પોલીસને તેમનું કામ કરવા દો...”

ટોળામાં એ સાંભળીને ગણગણાટ ફેલાયો. બધાને અંદર સ્ટોરરૂમમાં શું થયું તે જાણવું હતું. દિવાનજીનાં છોકરા ઉપર કોઇકે હલ્લો કર્યો હતો એનો ગુસ્સો પણ ટોળામાં વરતાતો હતો. એવા સમયે ટોળાને શાંત પાડી અહીંથી રવાના કરવું વધું અગત્યનું હતું, જેનો ભરચક પ્રયાસ ઇકબાલ ખાન કરી રહયો હતો. અને એમાં તે કામયાબ પણ નિવડયો હતો. અંદરો-અંદર વાતો કરતું ટોળું થોડી જ વારમાં વિખેરાઇને બહાર ચાલ્યું ગયું. ખાનને “હાશ” થઇ. પછી તેણે સ્ટોરરૂમ તરફ પગ ઉઠાવ્યાં.

સ્ટોરરૂમની અંર જૈસે- થે ની પરિસ્થિતી હતી. તે છોકરો જ્યાં પડયો હતો તેની પાછલી દિવાલે કબાટ હતો, એ કબાટને કોઇએ વિખ્યો હતો. તેમાં ગોઠવાયેલા પુસ્તકો અને બીજી ચીજો અસ્ત-વ્યસ્ત થઇને વિખેરાઇ ગઇ હતી. થોડા પુસ્તકો કબાટમાંથી નીચે ફર્શ પર પડયા હતા. ઇકબાલ ખાને એક નજરમાં બધુ આવરી લીધું. જે કોઇપણ વ્યક્તિ, કે વ્યક્તિઓ અહી આવ્યા હતા તેમને આ કબાટ અને તેમાં મુકાયેલા પુસ્તકોમાં રસ હશે એ કોઇ નાના બાળકને પણ સમજાય એટલું સ્પષ્ટ જણાતું હતું. તેઓ આ કબાટ વિખતા હશે એ દરમ્યાન કદાચ રાજન બિશ્નોઇ અહી આવી ચડયો હશે અથવા તો રાજન પહેલેથી જ સ્ટોરરૂમમાં મોજૂદ હશે અને એ લોકો આવ્યા હશે...! ગમે તે હોય પરંતુ બંને પરિસ્થિતીમાં રાજન એ લોકો માટે ખતરરૂપ બન્યો હશે એટલે તેમણે તેની ઉપર હુમલો કરી તેને ઇજા પહોંચાડી હશે. પછી તેઓ અહીંથી ભાગ્યા હશે. ઇકબાલનાં મનમાં આ જ થિયરી બંધ- બેસતી લાગતી હતી. તે કબાટ અને તેની આસપાસની વિખેરાયેલી કોઇ ચીજને અડકયા વગર બારીકાઇથી નિરીક્ષણમાં પરોવાયો. થોડા પુસ્તકો, જે બહુ જુના હોય એવું લાગતું હતું એ ફેંદાયેલા હતાં. કબાટનાં સૌથી ઉપરનાં ખાનામાં ખાખી પુંઠાનાં બે લંબચોરસ બોક્ષ દેખાતાં હતાં. તેની ઉપર બાજેલી ધૂળ ઉપર કોઇકનાં આંગળાનાં તાજા જ નિશાનો દેખાતા હતાં. જાણે એ બોક્ષને પણ વિખવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. ઇકબાલને એ બોક્ષ નીચે ઉતારીને જોવાની ઇચ્છા થઇ આવી પરંતુ તે અટકયતો. ફોરેન્સીક ટીમ આવીને બોક્ષ ઉપરનાં આંગળાની પ્રીન્ટ ન લે ત્યાં સુધી અહી કોઇપણ ચીજને અડકવું તેને યોગ્ય લાગ્યું નહી. કબાટને એમ જ રહેવા દઇ આખા સ્ટોરરૂમનું એક ચક્કર લગાવ્યું. સ્ટોરરૂમની વચ્ચોવચ પડેલા લંબગોળ ટેબલ અને પેલા કબાટ સીવાય બાકી બધું જેમનું તેમ હતું. બીજી કોઇ વસ્તુને જાણે હાથ જ લગાવાયો ન હોય એ સ્પષ્ટ દેખાઇ આવતું હતું.

ઇકબાલને હૈરત થતી હતી. એવું તે શું હતું એ કબાટમાં એ તેને સમજાતું નહોતું. જે હોય તે બહુ કિંમતી અને અગત્યનું હશે એ તો દિવા જેવું સ્પષ્ટ હતું. નહીંતર રાજન બિશ્નોઇ ઉપર હુમલો થાય નહી. પણ.. એ શું હોઇ શકે...? ઇકબાલ ગુંચવાઇ ઉઠયો. અને... હજુ એક બાબત એવી હતી જેની ખબર તેને નહોતી, નહીતર ચોક્કસ આશ્વર્યથી તે છળી મર્યો હોત. થડીવાર પહેલાં એભલસીંહ જ્યારે લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યો ત્યારે જે ત્રણ વયોવૃધ્ધ વ્યક્તિઓ લાઇબ્રેરીમાં બેઠી હતી એ વ્યક્તિઓ, ઇકબાલે હમણાં જ બહાર કાઢેલા પેલા ટોળામાં શામેલ થઇને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ચૂકી હતી. ઇકબાલ એક મોકો ચૂકયો હતો.. અને તેનો અફસોસ જીંદગીભર તેને થવાનો હતો.

ક્રમશઃ

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન- ૨ કેવી લાગી એ પ્રતિભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.