નો રીટર્ન-૨ ભાગ-8 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-8

નો-રીટર્ન-૨

ભાગ-૮

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- વિનીત પેલી છોકરીએ આપેલા કેમેરાનાં રોલને ડેવલપ કરાવવા નીકળે છે.....બીજી બાજુ બ્રાઝિલની રાજધાની બ્રાઝીલિયાની ફાઇવસ્ટાર હોટેલનાં એક કમરામાં કાર્લોસ મેસ્સી અને જોસ મુનીઝ વચ્ચે એ જ છોકરીને લઇને ચર્ચા થતી હોય છે....હવે આગળ વાંચો...)

સખત મુંઝવણ અનુભવતો હું પ્લેટફોર્મ પર જ ઉભો હતો. મારી ટ્રેનનો સમય થવા આવ્યો હતો છતાં હું કોઇ નિર્ણય પર આવી શકતો નહોતો. એક તરફ મારા દાદા હતા જેમણે સપનામાં આવીને મને ઇન્દ્રગઢ પહોંચવાનું કહ્યું હતું અને બીજી તરફ એક અજાણી યુવતી હતી જે મને તેની તરફ ખેંચી રહી હતી. ભારે કશ્મ-કશ અને ખેંચતાણ બંને તરફ હું અનુભવી રહયો હતો. એ યુવતી હમણાં જ મારી પાસેથી પસાર થઇ ઓવરબ્રીજનાં દાદર ચઢી મારી આંખોથી ઓઝલ થઇ હતી. મને તેની કોઇ ચિંતા નહોતી કારણ કે મને ખબર હતી કે તે રેલ્વે સ્ટેશનની સામે કોઇ “ગેલેક્ષી” નામની હોટલમાં રોકાઇ છે એટલે તેને શોધવી સરળ પડે તેમ હતી. શું કરવું જોઇએ એ વિચારમાં હું ઘણીવાર સુધી ત્યાંજ ઉભો રહયો. પ્લેટફોર્મ પર લટકતી ઘડિયાલ બે ને વીસનો સમય બતાવતી હતી. શતાબ્દી બે ને ચાલીસે આવવાની હતી એટલે મારી પાસે હજું વીસ મીનીટ વિચારવાનો સમય હતો.

પેલો છાકરો વિનીત પણ હજુ ત્યાં જ ઉભો હતો. મેં એ દિશામાં જોયું. પેલી યુવતીએ તેને એક ખાખી કવર આપ્યું હતું જેમાં કેમેરાનો રોલ છે એવું તેણે કહ્યું હતું. વિનીત એ કવરમાંથી રોલ કાઢી હાથમાં લઇ ઉલટાવી-સુલટાવીને જોઇ રહયો હતો. એ રોલ અને રોલની ખસ્તા હાલત જોઇને તેનાં ભવાં સંકોચાયા હતાં. કદાચ તે રોલને જોઇ આશ્વર્ય અનુભવતો હતો. મારી જેમ કદાચ તે પણ મુંઝાતો હતો. મને એકદમ એક વિચાર ઝબકયો. એકાએક મને એ રોલમાં રહેલા ફોટોઓ જોવાની દિલચશ્પી જાગી. જરૂર કોઇ મહત્વનાં ફોટોગ્રાફ્સ તેમાં હોવા જોઇએ નહિતર આટલું સાચવીને એ યુવતી તેને લાવત નહી. અને તેનાં કથન મુજબ કોઇ બુલેટવાળો પણ તેની પાછળ પડયો હતો. સંભવતહઃ બુલેટવાળાને પણ આ ખાખી કવર અને તેમાં રહેલી વસ્તુમાં રસ હશે. આખરે એ કવર અને તેમાંથી નીકળેલા રોલની આટલી બધી અગત્યતાં કેમ છે...? મારા જહેનમાં સવાલ ઉદ્દભવ્યો. એ કરતાં પણ અગત્યનો સવાલ એ હતો કે એ યુવતી આખરે છે કોણ...? તે કયાં ઝમેલામાં પડી છે....? આશ્વર્ય પમાડે એવી બાબત તો એ પણ હતી કે હું શું કામ આ બધુ વિચારી રહયો હતો....? એ યુવતીને મેં ફક્ત એક જ વાર જોઇ હતી. તેનું નામ સુધ્ધા હું જાણતો નહોતો છતાં, હું તેનાં વિશે ગંભીરતાથી વિચારી રહયો હતો. શું કામ...? પહેલી નજરમાં કોઇ પસંદ આવી જાય એવું આ દુનિયામાં સેંકડો લોકો સાથે બનતું હશે, તેમાં મારો કિસ્સો કંઇ નવીન તો નહોતો જ. મને એ યુવતી પ્રત્યે આકર્ષણ જનમ્યું હતું. તે હતી જ એટલી રૂપાળી કે એવું થવું સ્વાભાવીક હતું.. મારી જેમ બીજા ઘણા યુવકો તેની પ્રત્યે આકર્ષાયા હશે. તો શું એ લોકો પણ મારી જેમ તે યુવતી વિશે આટલું ગંભીરતાથી વિચારતાં હશે...! મને આશ્ચર્ય થઇ રહ્યું હતુ.

અસમંજસભરી સ્થિતીમાં હું ઉભો હતો બરાબર એ જ સમયે શતાબ્દી એક્સપ્રેસ આવવાની જાહેરાત થઇ. મનમાં એક નિર્ણય તો લેવાયો હતો છતાં અવઢવ હતી કે એ પગલું ભરવું યોગ્ય ગણાશે કે નહીં....! કોઇ જ દેખીતા કારણ વગર આ ઝમેલામાં કુદવું કેટલા આંશે વ્યાજબી હતું એ હું નક્કી કરી શકતો નહોતો. ચોક્કસ હું એ યુવતી પ્રત્યે આકર્ષાયો હતો, પણ ફક્ત આકર્ષણનાં કારણે તેની પાછળ જવું મને રૂચતું નહોતું. ટ્રેન થોડી જ વારમાં બે નંબરનાં પ્લેટફોર્મ પર આવી રહી હતી. યાત્રીઓનો કોલાહલ વધતો જતો હતો. બધા જ યાત્રીઓ ટ્રેનમાં ચડવાની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે ઉભા થઇને પોત-પોતાનો સામાન સંકોરી રહયાં હતાં. મેં પણ ખભે ભરાવેલા હોલ્ડ-ઓલને સરખો કર્યો. કંઇક વિચારીને આખરે થોડીવાર પહેલાં મનમાં ઉદ્દભવેલા વિચારને અમલમાં મુકવાનું નક્કી કર્યું. જો અત્યારે અહીથી ચાલ્યો ગયો તો પેલી યુવતી મને ફરી કયારેય મળશે કે નહી એ બાબતે હું શંકાશીલ હતો. કદાચ આ જન્મમાં એ શક્ય ન બને તો...? આ “ તો ” નો જવાબ મારી પાસે નહોતો. મેં પેલા યુવક પાછળ જવાનું નક્કી કર્યુ. સારુ કે ખરાબ...જે થવાનું હશે એ જોયું જશે એવો એક પાક્કો નિર્ધાર મારા મનમાં લેવાઇ ચૂકયો હતો.. આમ પણ મારા બોરિંગ જીવનમાં કંઇ નવીન ઘટનાઓ બનતી નહોતી. એક સાહસ ખાતર, એક આકર્ષણ પાછળ, દિલમાં ઉઠેલી ઉર્મીઓનો પીછો પકડવા ખાતર યા હોમ કરીને મેં ઝંપલાવી દેવાનું મન બનાવી લીધું. મેં કયાંક સાંભળ્યું હતું કે ભાગ્ય પણ એવા જ લોકોનો સાથ આપે છે જે સાહસ કરી જાણતા હોય. મેં પણ મનોમન એક સાહસ કરવાનું નક્કી કરી લીધું. તેમાં એક મંશા ખુદ મારા પોતાનાં ભાગ્યને ચકાસવાની પણ હતી. જોઉં તો ખરો કે હું કંઇ કરવા સક્ષમ છું કે પછી મારા પિતાજી જેવું મારી વીશે વીચારે છે એવો ખરેખર માયકાંગલો છું..! પેલો યુવક “વિનીત” હમણાં જ તેની જગ્યાએથી હટીને ઓવરબ્રીજ તરફ ગયો હતો. હું પણ તેની પાછળ સાવધાની વર્તતો ચાલ્યો.

જો કે ખરેખર મારે એ કરવા જેવું નહોતું. મારા જીવનમાં જે ભયાનક ઉથલ- પાથલ સર્જાવા જઇ રહી હતી તેની શરૂઆતનાં કદમ મેં ભર્યા હતાં. મારી જેવા સીધા- સાદા અને નિરઉપદ્રવી યુવકનાં જીવનમાં ભયાનક આંધીએ દસ્તક દીધી હતી જેનો કોઇ અણસાર અત્યારે મને નહોતો. એક અજાણી ખૂબસુરત યૌવના મને એક એવા વિશ્વમાં લઇ જવાની હતી જેની કલ્પના સુધ્ધા મેં ક્યારેય કરી નહોતી. હું તો બસ...તેની સુંદરતા પાછળ ફના થવા નીકળી ચૂકયો હતો.

***

થડકી ઉઠયો હતો એભલસીંહ. કંઇક એવું હતું જે તેને ઠીક લાગતું નહોતું. લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં જે હાલતમાં પેલો યુવક પડયો હતો એનો સંદર્ભ તેની જાડી બુધ્ધીમાં બેઠો હતો. એક વાત બરાબર તેને સમજાઇ હતી કે ફક્ત તે એકલો જ પેલી યુવતી પાછળ પડયો નથી પરંતુ બીજુ પણ કોઇક છે જે તેનો પીછો કરી રહયું છે. જો એમ ન હોત તો લાઇબ્રેરીયન યુવક પર હુમલો થયો ન હોત. અને પેલી બુઢ્ઢી ઔરત...! તેની આંખોની ચમક જોઇને તેનાં જેવો ખૂંખાર માણસ પણ છળી મર્યો હતો. તેણે જે રીતે તેની સામું જોયું હતું એ ઉપરથી ચોક્કસ ખ્યાલ આવતો હતો કે એ ઔરત તેને સારી રીતે ઓળખે છે. અચાનક એભલને આ મામલો જરૂર કતાં વધુ ગંભીર બનતો જતો હોય એવું લાગ્યું. હવે તેને સમજુતુ હતું કે આ ફક્ત એક યુવતીનો પીછો કરવાની વાત નથી. યુવતી સાથે બીજા પણ ઘણા રહસ્યો સંકળાયેલા હોવાની પ્રતીતી તેને થઇ રહી હતી. જેણે તેને આ કામ સોંપ્યું હતું એ માલીક પણ હવે તેને રહસ્યમય લાગવા માંડયો હતો.

બપોરનાં ખરા તડકામાં તેણે બુલેટ ધમધમાવ્યું હતું. હવે વધું વખત અહી રહેવામાં સારપ નહોતી જણાતી કારણ કે હમણાં એમ્બ્યુલન્સ અહી આવી પહોંચશે ત્યારે પેલા ઘાયલ યુવકને કારણે ભારે ધમાચકડી મચવાની હતી. એવા સમયે તેનું અહી હોવું યોગ્ય નહોતું. જલ્દીથી તે શબનમ પાસે પહોંચી જવા માંગતો હતો. તેને આ ઘટનાક્રમ જણાવવો જરૂરી હતો કારણકે શબનમે કહયું હતું એટલે જ તે અહીં આવ્યો હતો, પરંતુ હવે તેની ગણતરી અત્યારે ઉલટી પડી રહી હતી.

***

અમદાવાદની બજારમાં વિનીત એકદમ આરામથી ટહેલતો જતો હતો. હમણાં જ તે કાલુપુર રેલ્વે સ્ટેશનથી બહાર નીકળ્યો હતો અને પગપાળા ચાલતો તે સ્ટેશનની સામેથી શરૂ થતાં રીલીફ રોડ પર ચડયો હતો. તેને એક સ્ટુડિયોની તલાશ હતી જે તેની પાસે રહેલા રોલને ધોઇ આપે. રીલીફ રોડની શરૂઆતમાં મોટેભાગે બધી રેડીમેડ કાપડની દુકાનો હતી, ત્યાર પછી સિંધી બજાર શરૂ થતી અને સિંધી બજાર પછી ઇલેકટ્રોનીક્સ ટૂલ્સવાળાઓની એક સીધી લાઇનમાં દુકાનો હતી. વિનીત આરામથી ચાલતો ચાલતો બધી દુકાનો ઉપર નજર ફેરવતો આગળ વધતો જતો હતો. મેં બરાબર તેનો પીછો પકડયો હતો. આખરે એ ફોટાઓમાં એવું તે શું અગત્યનું છે એ જાણવા હું અત્યંત બેચેન હતો. મારે કોઇપણ ભોગે એ ફોટાઓ જોવા હતાં.

વિનીતથી ખાસ્સુ એવું અંતર રાખીને હું ચાલતો હતો. તે મારી નજરોથી ઓઝલ ન થઇ જાય એ ખૂબ અગત્યનું હતું. તેણે મરૂન કલરનું શર્ટ પહેર્યુ હતું એ શર્ટનાં આધારે હું તેનો પીછો કરી રહયો હતો. રીલીફ રોડ ઘણી ભીડભાડવાળો ઇલાકો હતો. મોટેભાગે અહી હોલસેલનો કારોબાર ચલાવવા વાળા ઘણા વેપારીઓની દુકાનો હતી. તેમનો મુખ્યતહઃ કારોબાર કાપડનાં જથ્થાબંધ વેપારનો હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. ગુજરાતભરમાંથી કાપડ ખરીદવા આવતા વેપારીઓનો પ્રવાહ અવીરતપણે અહી જોવા મળતો એટલે બજારમાં માણસોની આટલી ભીડ રહેવી સ્વાભાવીક હતું. હું એ ભીડમાંથી રસ્તો કરતો આગળ વધી રહયો હતો. એકાએક મેં જોયું કે વિનીત એક દુકાન આગળ અટકયો હતો અને દુકાનનું બોર્ડ વાંચીને તે એ દુકાનમાં દાખલ થયો હતો. હું ઝડપથી ચાલતો એ દુકાન નજીક પહોંચ્યો. તે એક ડીઝીટલ ફોટોશોપની દુકાન હતી. મને સમજાયું કે વિનીત શું કામ એ દુકાનમાં ઘુસ્યો હશે. થોડીવાર ત્યાંજ, દુકાન બહાર હું ઉભો રહયો... અને પછી કંઇક વિચારી દુકાનનો કાચનો દરવાજો ખોલી હું અંદર દાખલ થયો. દુકાન એરકંન્ડીશન્ડ હતી. બહાર ધોમધખતી ગરમીમાંથી એકાએક જાણે હિમાલયની ઠંડકમાં આવી ગયો હોઉં એવું મને લાગ્યું. “કેનન” કંપનીનો કંઇક વિશાળ કહી શકાય એવો અધતન ડિઝીટલ કેમેરાનો આ શો- રુમ હતો. તેમાં કેનનનાં વિવિધ પ્રકારનાં ડિઝીટલ કેમેરાઓ વ્યવસ્થિત રીતે ડિસ્પ્લેમાં ગોઠવાયેલા હતાં. મારે માટે વિનીત અગત્યનો હતો. તે અત્યારે એક કાઉન્ટર નજીક ઉભો હતો અને કાઉન્ટર પાછળ ઉભેલા સેલ્સમેન સાથે કંઇક માથાકુટ કરતો હતો. હું હળવે રહીને તેની નજીક સરકયો અને ત્યાં નજીકમાં જ મુકાયેલા એક કેમેરાને જોવા લાગ્યો.

“ અરે યાર...! કોઇક તો ઉકેલ હશેને...? ” વિનીત પેલા સેલ્સમેનને કહી રહયો હતો. તે કયા સંદર્ભમાં એ વાક્ય બોલ્યો હતો એ સમજતા મને વાર લાગી નહી. જરુર તે રોલ ડેવલપ કરવાનું પુછી રહયો હતો.

“ સર...મેં તમને કહયું ને કે એ માટે આપે બીજી શોપ પર જવું પડશે. આ કંપની ઓથોરાઇઝ્ડ શોપ છે. અહી કેનન કંપની સીવાય બીજું કોઇ કામ નહી થાય...” ભારે સમજાવટભર્યા સ્વરે સેલ્સમેન બોલ્યો.

“ મને ખ્યાલ છે ભાઇ પણ તો આ કામ થઇ શકે એવું કોઇક સરનામું મને આપ. હું આ શહેર વીશે સાવ અજાણ્યો છું. તું સમજ ભાઇ, હું કયાં-કયાં ભટકીશ એવી શોપ શોધવાં...! પ્લીઝ આટલી હેલ્પ કરી દે. જો તને ખબર ન હોય તો દુકાનમાં બીજા કોઇને પુછ અને અહી આ રોલ કોણ ડેવલપ કરી આપશે તેનું સરનામું મને મેળવી આપ પ્લીઝ...” વિનીતે લગભગ આજીજીભર્યા સ્વરે કહયું. તેની વાત સાંભળીને પેલો સેલ્સમેન વિચારમાં પડયો.

“ ઓ.કે. સર....! તમે થોડીવાર ઉભા રહો. હું કંઇક કરુ. છું.”

“ ઓહ...! થેંક્યુ બ્રધર...” વિનીતનાં સ્વરમાં આનંદ ભળ્યો હતો. મને આખો માજરો સમજાતો હતો. વિનીતે પેલા સેલ્સમેનને તેની પાસે હતો એ રોલ કોણ ડેવલપ કરી આપશે એ બાબતે પુછયુ હતું અને સેલ્સમેન તેની મદદ કરવા તૈયાર થયો હતો. તેણે ત્યાંથીજ કોઇકને ફોન કર્યો.

“ હલ્લો, દર્શીલ...! એક રોલ ડેવલપ કરવાનો છે, થઇ શકશે...? ” તેણે ફોનમાં જ કોઇકને પુછયું. “ ઓહ...! શું વાત કરે છે...! થઇ જશે...! ઓ.કે. ચાલ, હું એ ભાઇને તારુ સરનામુ આપી દઉં છું. થેંક્સ્ યાર...” કહીને તેણે ફોન કટ કર્યો. પછી તે વિનીત સન્મુખ ફર્યો. “ સર...! તમે ખરેખર ભાગ્યશાળી છો. હું એક સરનામું તમને આપું છું. ત્યાં જશો એટલે તમારું કામ થઇ જશે. મારો ખાસ અંગત ભાઇબંધ છે જે હજુપણ આવા જુના રોલની પ્રિન્ટો કાઢે છે. એ તમારુ કામ કરી આપશે...”

“ ઓહ થેંક્યુ દોસ્ત...!”

“ થેંક્યુની કોઇ જરૂર નથી. મારાથી થઇ શકતું કામ મેં કરી આપ્યું.” સેલ્સમેન બોલ્યો અને એક કાગળ પર સરનામું લખીને તેણે વિનીતને આપ્યું. વિનીતે સરનામું વાંચ્યું.

“ રાણીપ..! આ કંઇ જગ્યાએ આવે...? અહીથી કેટલું થશે રાણીપ...? ” વિનીતે પુછયું. પેલો સેલ્સમેન વિચારમાં પડયો. રાણીપ અમદાવાદનાં છેક બીજા છેડે હતું. અહીથી રાણીપ પહોંચતાં સારો એવો સમય લાગે. લગભગ બે કલાક જેટલો. આ ભાઇને ત્યાં સુધી મોકલવા કે નહી એ વિચારમાં તે અટવાયો. ખબર નહી કેમ પણ તેને વિનીતની મદદ કરી આપવાની ઇચ્છા જાગી.

“ તમે એક કામ કરો...! હું રાણીપ જ રહું છું. આ રોલ તમે મને આપો. મારા મિત્ર પાસેથી રોલ ધોવડાવીને હું અહી પાછો લેતો આવીશ ત્યારે તમે એ લઇ જજો. જો તમારે રાણીપ સુધી ધક્કો ન ખાવો હોય તો આ એક ઉત્તમ રસ્તો છે...” તે બોલ્યો. વિનીતને તો ભાવતું હતું અને વૈદે કીધું એવો ઘાટ થયો. તેણે તરત જ રોલ એ સેલ્સમેનને આપી દીધો.

“ બી કેરફુલ દોસ્ત...! આમાં ઘણાં જ કિંમતી ફોટોગ્રાફ્સ છે.” તે બોલ્યો.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.