નો રીટર્ન-૨ ભાગ-6 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-6

નો-રીટર્ન-૨

ભાગ-૬

એભલ વળી પાછો ઇન્દ્રગઢની લાઇબ્રેરીએ આવી પહોંચ્યો. બપોરનો આકરો તડકો તેનાં માથા પર આવ્યો હતો. આ લૂ ફેંકતી ગરમીમાં સમગ્ર ઇન્દ્રગઢ જાણે જંપી ગયું હોય એમ એકલ-દોકલ માણસ સીવાય બજારમાં કોઇ નજરે ચડતું નહોતું. એભલસીંહ પણ અકળાતો હતો. તેની ગરદને પરસેવાનાં રેલા નિતરવા લાગ્યા હતાં. ધાનેરાથી ઇન્દ્રગઢનો રસ્તો કાપતાં તેનાં જેવા મજબુત કાઠીનાં માણસને પણ નવનેજે પાણી ઉતર્યા હતાં એટલો સખત તડકો માથે તપી રહયો હતો. જો શબનમે ફોર્સ કરીને તેને ધકેલ્યો ન હોત તો કયારેય તેણે આવું સાહસ ખેડયું ન હોત.

લાઇબ્રેરીનાં કંપાઉન્ડમાં ગેટની અંદર દાખલ થઇ તેણે એક ઝાડનાં છાંયે બુલેટ થોભાવ્યું અને ઇગ્નિશન ઓફ કર્યું. ભયંકર અવાજ કરતું તેનું બુલેટ શાંત થયું ત્યારે લાગ્યું કે જાણે આખા જગતમાં શાંતી ફેલાઇ ગઇ. એભલને જો કે એવી કોઇ પરવાહ નહોતી, ઉલટાનું તેને તો બુલેટનો અવાજ ગમતો. એકઝોસ્ટ પાઇપમાંથી “ભખ..ભખ..ભખ...” જેવો અવાજ નીકળતો એ સાંભળીને તેને મજા પડતી...તેના દિલની ધડકનોમાં એ અવાજથી ધડબડાટી વ્યાપતી અને રગોમાં વહેતું લોહી તેજગતીથી દોડવા લાગતું. ગમે તે હોય, પરંતુ તેને તેનું બુલેટ આ જગતમાં સૌથી વહાલી ચીજ હતી. બુલેટને સ્ટન્ડ ચડાવી તેણે એક નજર દુર દેખાતી લાઇબ્રેરી તરફ નાંખી. બે માળ ધરાવતી લાઇબ્રેરીની બિલ્ડીંગનું બાંધકામ વિક્ટોરીયન યુગની ઝાંખી કરાવતું હતું. તે બિલ્ડીંગનાં નીચલા માળે, એટલે કે ગ્રાઉન્ડ ફલોર ઉપર થોડા પગથીયા ચઢતા ઇન્દ્રગઢની વિશાળ કહી શકાય એવી લાઇબ્રેરી હતી, તેનાં પહેલાં માળે અહીંની સરકારી સ્કુલ હતી. આખા ઇન્દ્રગઢમાં આ બે જ જગ્યા એવી હતી જ્યાં કાયમી ધોરણે ચહલ-પહલ વર્તાતી. અત્યારે જો કે સ્કૂલમાં ઉનાળું વેકેશન ચાલતું હોવાથી સ્કૂલ બંધ હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીનાં કારણે લાઇબ્રેરી એરીયામાં પણ શાંતી વર્તાતી હતી. એભલ માટે આવું શાંત વાતાવરણ ઘણું અનુકુળતા ભર્યુ હતું. તે લાઇબ્રેરી તરફ ચાલ્યો અને થોડી જ વારમાં પગથીયા ચડી લાઇબ્રેરીમાં દાખલ થયો.

લાઇબ્રેરીનો હોલ ઘણો મોટો હતો. જુની બાંધણી પ્રમાણેનું બાંધકામ હોવાથી સામાન્યતહઃ બધી જૂની ઇમારતો હોય એમ તેની છત લગભગ વીસેક ફૂટ ઉંચી હતી. સિલીંગમાં લાંબી પાઇપોનાં સહારે જુની ઢબનાં પંખાઓ લટકતાં હતાં. લાઇબ્રેરીનો હોલ લંબચોરસ આકારનો હતો. લગભગ બસ્સો એક ફૂટ લાંબો અને સાંઇઠેક ફૂટ પહોળો. તેની બંને સાઇડની દિવાલોએ સાગનાં લાકડાનાં મોટાં-મોટાં કબાટો વ્યવસ્થિત રીતે લાઇનસર ગોઠવ્યાં હતાં જેમાં અતિ-દુર્લભ પુસ્તકો સચવાયેલા હતાં. લાઇબ્રેરી હોલનાં મધ્યભાગે વાચકો માટેની બેઠક વ્યવસ્થા હતી જેમાં ત્રણેક મોટા લંબ- ચોરસ ટેબલો અને તેની ફરતે ખુરશીઓ હતી. લાઇબ્રરીનાં દરવાજા અંદર દાખલ થતાં જ એવું લાગતું જાણે એકાએક કોઇ મધ્યકાલીન યુગમાં પ્રવેશી ગયાં હોઇએ. વર્ષોથી અહીંના વાતાવરણમાં કોઇ જ ફેરફાર થયો નહોતો. વર્ષો પહેલા જેવો માહોલ અહી હતો એવો જ માહોલ અત્યારે પણ અનુભવી શકાય.

એભલને અત્યારે લાઇબ્રેરીની બાંધણી જોવામાં કે એવી અન્ય કોઇ બાબતમાં રસ નહોતો. તેને તો ફક્ત પેલી છોકરી શું લઇને ભાગી હતી એ જાણવું હતું, અને એ જાણકારી પેલો લાઇબ્રેરીયન છોકરો જ આપી શકે તેમ હતો. પુસ્તક આપ-લે ડેસ્ક ડાબી તરફ હતું એટલે તે એ તરફ ચાલ્યો. લાઇબ્રેરીમાં ગણ્યા-ગાંઠયા માત્ર બે-ત્રણ બુઝૂર્ગ વ્યક્તિઓ બેઠા હતા. બહાર ગરમી એટલી ભયંકર હતી કે લોકો પોત-પોતાનાં ઘરમાં જ પૂરાઇ રહેવાનું પસંદ કરે એવા સમયે લાઇબ્રેરીમાં ભીડ ન હોય એ સ્વાભાવિક બાબત હતી. એભલસીંહ માટે અનુકુળ ગણાય એવું વાતાવરણ હતું. તે ઝડપથી ચાલતો લાઇબ્રેરીનાં ડેસ્ક પાસે પહોંચ્યો. ત્યાં કોઇ નહોતું. આ સમયે પેલો છોકરો અહીં હોવો જોઇએ પરંતુ તે ત્યાં નહોતો. તેની ખુરશી ખાલી હતી. એભલે લાઇબ્રેરીમાં નજર ઘુમાવી, કદાચ તે કોઇ પુસ્તક મુકવા ગયો હોય કે પછી નવરાશનાં કારણે ત્યાં આંટા મારતો હોઇ. પણ... પેલા બે-ત્રણ વયસ્ક વ્યક્તિઓ સિવાય તેને સમગ્ર લાઇબ્રેરીમાં કોઇ નજરે ચડયું નહી. “ કમબખ્ત કયાં ગયો હશે...” મનોમન બબડતો તે ત્યાં જ ઉભો રહી રાહ જોવા લાગ્યો. લગભગ પંદર-વીસ મીનીટ વીતી છતાં એ છોકરો દેખાયો નહી એટલે એભલ અકળાયો. એક તો આ આખી વાત જ તેને સાવ વહિયાત લાગતી હતી અને તેમાં પણ કોઇની વાટ જોવાની તેનાં માટે ગમતી પરિસ્થિતિ તો નહોતી જ. જો શબનમે તેનાં દિમાગમાં મહત્વકાંક્ષાનાં બીજ ન રોપ્યા હોત તો કયારેય તે અહીં આવ્યો જ ન હોત. તેને આવી બધી બાબતોમાં બિલકુલ મજા આવતી નહી. તેનો હિસાબ સીધો રહેતો. “પાટુ મારો અને પૈસા પેદા કરો” આ તેનાં જીવનની ફિલસુફી હતી. જેમાં મગજ ખપાવવું પડે એવા કામ તેને ફાવતા નહી.

“ ખટાક...” એક અવાજ થયો અને તે ચમકયો. રિસેપ્શન કાઉન્ટરની પાછળની દિવાલે પુસ્તકો ભરેલા બે મોટા કબાટો હતાં. તે બંને કબાટો વચ્ચે, દિવાલમાં એ ક બારણું હતું. એ બારણાનો આંગળીયો કદાચ ભૂલથી ખુલ્લો રહી ગયો હશે. પવનની એક લહેરખીનાં કારણે અંદર ખૂલતાં તેનાં બન્ને તરફ ખુલતાં કપાટ આપસમાં ટકરાયા હતાં એનો તે અવાજ હતો. એભલે ચોંકીને એ તરફ જોયું. એ દરવાજો લાઇબ્રેરીનાં સ્ટોરરૂમનો હતો... પેલો છોકરો જરૂર અંદર સ્ટોરરૂમમાં હોવો જોઇએ એવો ખ્યાલ એકાએક એભલને આવ્યો અને તે કાઉન્ટરને ગોળ ફરી સ્ટોરરૂમનાં દરવાજે આવ્યો. હવાનાં કારણે ઝૂલતાં દરવાજાને તેણે હાથેથી હળવો ધક્કો માર્યો. દરવાજાનું એક તરફનું ફાટક અંદર તરફ ખુલ્યું. તેની ધારણા સાચી પડી, આ સ્ટોરરૂમ જ હતો. લાઇબ્રેરીનાં હોલમાં આ તરફનાં ભાગે દિવાલ ચણીને અલાયદો રૂમ બનાવાયો હતો જેનો ઉપયોગ વધારાનાં પુસ્તકો અથવા ફર્નિચર કે એવી બધી ચીજો સાચવવા કરવામાં આવતો હશે. એબલ સાવચેતીથી સ્ટોરરૂમમાં દાખલ થયો. લાઇબ્રેરી સંભાળતો છાકરો જરૂર કોઇ પુસ્તકો મુકવા અંદર આવ્યો હશે એવું તેનું અનુમાન હતું...અને જો તે અહીં, આ સ્ટોરરૂમમાં જ મળી જાય તો તેનું કામ ઘણું સરળ થઇ પડે એવો એક વિચાર તેનાં મનમાં ઝબકી ગયો. સ્ટોરરૂમમાં તેનાં અને એ છોકરા સિવાય બીજુ કોઇ ન હોય તો આસાનીથી પેલી છોકરીને તેણે શું આપ્યું હતું એ ઓકાવી શકશે અને કોઇને તેની ભનક પણ નહી લાગે.

સ્ટોરરૂમમાં પણ બહાર ગોઠવાયેલા હતાં એવા લાકડાનાં કાચનાં દરવાજાવાળા તોતીંગ કબાટો હતાં. તેમાં પણ પુસ્તકો ભર્યા હતાં. ઉપરાંત રૂમની વચ્ચે એક મોટું જર્જરીત દેખાતું ટેબલ પડયું હતું. તેની ઉપર થોડી નવી અને થોડીક ભંગાર થઇ ચુકેલી ખુરશીઓનો ઢગલો ખડકેલો હતો જેના કારણે તેની પાછળનાં ભાગે શું હતું એ અહીથી દેખાતું નહોતું. એભલ સાવધાનીથી આગળ વધ્યો. હજુ બે જ ડગલા તે ચાલ્યો હશે કે અચાનક તે અટકી ગયો અને આંખો ખેંચીને, ભ્રકૃટી તંગ કરી ટેબલ પાછળ, નીચે.. ફર્શ તરફ જોઇ રહયો. ટેબલની પાછળ તેની આડાશે કોઇક પડયું હતું. કોઇકનાં ગોઠણ નીચેનાં પગ ફર્શ ઉપર ફેલાયેલા દેખાતા હતા. એભલ દોડયો અને એ વ્યક્તિની નજદીક જઇને ઉભો રહયો. તેની આંખો પહોળી થઇ. પેલો લાઇબ્રેરીયન છાકરો જ ફર્શ ઉપર ચત્તોપાટ પડયો હતો. એભલ હૈરતભરી નજરોથી તેને જોઇ રહયો. તે છોકરાની આંખો બંધ હતી પણ તેનું મોં ખુલ્લુ હતું અને મોં માંથી થુંકનો જાડો રગેડો નીકળી તેની ગરદન સુધી રેળાયેલો દેખાતો હતો. તેનાં ગળામાંથી “ ધ્ર...ધ્ર...ધ્ર....” જેવો વિચિત્ર અવાજ નીકળતો હતો. એક સમયે તો એભલને લાગ્યું કે એ છોકરો મરી ગયો હશે પરંતુ તેનાં મોં માંથી નીકળતાં અવાજોને કારણે સમજાયું કે હજુ તે જીવીત છે. એભલને તાત્કાલીક સૂઝયું નહી કે તેણે શું કરવું જોઇએ..? અહીં જે પ્રકારની સ્થિતી હતી એ ઉપરથી સ્પષ્ટ થતું હતું કે કોઇક હતું જે આ છોકરા ઉપર હુમલો કરીને અહીથી ભાગ્યું હતું. ત્યાં, પાછળની તરફ એક કબાટનાં બારણા ખુલ્લા હતાં અને તેમાંથી ઘણાબધા પુસ્તકો અસ્તવ્યસ્ત થઇને નીચે પડયા હતાં. કોઇએ આખો કબાટ ફેંદયો હોય એ સ્પષ્ટપણે ખ્યાલ આવતું હતું. એભલ મુંઝાયો. તેણે અહીં ઉભા રહેવું જોઇએ કે પલાયન થવું જોઇએ એનો ફેંસલો તે કરી શકતો નહોતો. ફર્શ ઉપર પડેલો છોકરો હજુ જીવીત હતો એટલે તેને મદદ કરવી જરૂરી હતી, પરંતુ એમ કરવામાં તે ખુદ આ મામલામાં ફસાઇ શકે તેમ હતો એટલે એ વિચાર તેણે પડતો મુકયો. નાહકનો કોઇ લફરામાં તે પડવા માંગતો નહોતો. તો શું કરવું જોઇએ...? તે ઝડપથી ત્યાંથી પાછો ફર્યો. છોકરો જીવીત રહે એ જરૂરી હતું કારણ કે તેણે પેલી છોકરીને શું આપ્યું હતું એ જાણવું પણ બહું અગત્યનું હતું. સ્ટોરરૂમમાંથી બહાર નીકળી તે પુસ્તકોનાં ડેસ્ક પાસે આવ્યો. ત્યાં ટેબલ પર લેન્ડલાઇન ફોન પડયો હતો. ઝડપથી તેણે પોતાનાં મોબાઇલમાંથી અહીની હોસ્પિટલનો નંબર શોધ્યો અને લેન્ડલાઇનમાંથી નંબર ડાયલ કર્યો. સામે છેડે રીંગ વાગી અને પછી ફોન ઉંચકાયો એટલે તેણે જલદીથી અહી એમ્બ્યુલન્સ મોકલી આપવા જણાવ્યું અને વધારે કોઇ સવાલ પુછાંય એ પહેલા ફોન મુકી દીધો. આટલું કરવામાં પણ તેને “હાશકારો” થયો. તે કોઇ સંત મહાત્મા નહોતો છતાં પોતાનાં કારણે આજે કોઇનો જીવ બચી જશે એ અહેસાસનો રાજીપો પહેલીવાર તેને થયો હતો. પોતાનો સ્વાર્થ હોવા છતાં ઘણુ સારું લાગ્યું તેને...! પણ...એ છોકરા ઉપર હુમલો કર્યો કોણે...? અને એ પણ સ્ટોરરૂમ જેવી બંધ જગ્યાએ...! એભલનાં મનમાં પ્રશ્નો ઉઠતાં હતાં. શું એ હુમલા પાછળ કયાંક પેલી છોકરી તો જવાબદાર નહી હોયને...? તે ફરી પાછો સ્ટોરરૂમમાં ઘુસ્યો. ધ્યાનથી ચારેકોર તેણે નજર ઘુમાવી. વિખરાયેલા કબાટ સીવાય કયાંય કશું અજૂગતું દેખાયું નહી. સ્ટોરરૂમ જાણે વર્ષોથી જેમનો તેમ રહયો હોય, કોઇ અછૂત કન્યાની જેમ એવું લાગતું હતું. એભલે માથું ધુણાવ્યું અને ફરી પાછો બહાર નીકળ્યો. લાઇબ્રેરીમાં હજુપણ પહેલા જેવો જ સન્નાટો પ્રસરેલો હતો. પેલા બુઝૂર્ગો હજુપણ ત્યાં બેઠાં હતાં એભલને એક વાતનું આશ્વર્ય થયું કે એ લોકોએ કેમ કંઇ સાંભળ્યું કે જોયું નહી હોય...? પેલા યુવક પર હુમલો કરનાર વ્યક્તિ જરૂર લાઇબ્રેરીનાં મુખ્ય દ્વારથી જ અંદર આવ્યો હશે અને સ્ટોરરૂમમાં થોડીઘણી ધમાચકડી પણ મચી હશે તો તેનો અવાજ આ લોકોએ સાંભળ્યો જ હોવો જોઇએ...! પણ એવું થયું હોય એવું લાગતું નહોતું. એભલે બહાર નીકળતા એ બુઝૂર્ગ વડીલો ઉપર સરાસરી નજર નાંખી. આખી લાઇબ્રેરીમાં અત્યારે તે ત્રણ જ વ્યક્તિઓ ત્યાં ખુરશીમાં બેઠી હતી, તેમાં બે વૃધ્ધ માણસો અને એક ઘરડી ઔરત હતી. એક-બીજાની નજીક- નજીકની ખુરશીઓમાં બેસીને તેઓ ત્યાં ટેબલ પર મુકાયેલા ન્યૂઝપેપર વાંચી રહ્યાં હતાં. એભલને તેમાં કશું જ અજૂગતું ન લાગ્યું. પરંતુ... જેવો તે દરવાજાની બહાર નીકળવા ગયો કે અચાનક જ તેને ભાસ થયો કે પેલી વૃધ્ધ ઔરતે નજર ઉઠાવીને તેની સામું જોયું હતું. સાવ અચાનક જ....અલપ- ઝલપ તે બંનેની નજરો આપસમાં મળી હતી. તે વૃધ્ધાની આંખોમાં અજીબ-સા ભાવો રમતાં હતાં એ જોઇને એભલને જાણે ધક્કો લાગ્યો હોય એમ તે ઝડપથી દરવાજાની બહાર નીકળી ગયો. અંદર ઉભા રહેવું અચાનક જાણે ખતરનાક લાગવા માંડયું હોય એમ તે પગથીયા ઉતરી ચોગાનમાં આવ્યો અને સામે ઝાડ નીચે પાર્ક કરેલા પોતાના બુલેટ તરફ આગળ વધ્યો. ભર- બપોરે વાતી લૂ તેનાં શરીરને દઝાડતી હતી અને ચાલતાં ચાલતાં વારે-વારે તેનાં જહેનમાં પેલી વૃધ્ધાની આંખો ઉભરતી હતી.

(ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.