પ્રતિક્ષા ૨૦ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા ૨૦

રઘુની સીધી આંખમાં વેગેનારની પીળી લાઈટ ઘુસી આવી હતી. તે લાઈટથી અંજાઈ તેણે પળવાર પુરતી જ આંખો મીંચી હતી. બે ત્રણ વાર ઉપરાઉપરી પલકો ઝપકાવી ફરીથી ઉર્વિલ તરફ જોવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તો ઉર્વિલ વેગેનારમાં બેસી ગયો હતો. રઘુ સાથે આવેલા ત્રણેય છોકરાઓને કોઈજ વાતમાં કોઈ રસ નહોતો રહ્યો હવે. તે આમ પણ ઉર્વિલથી સહેજ છેટે ઉભા હતા. તે હજુ પગ ઉપાડે તે પહેલા તો વેગેનાર તે ત્રણેયને સામે જ આવતી દેખાઈ. રઘુ કારથી બહુ દુર નહોતો તે ઉતાવળે સીધો કારમાં બેસી ગયો અને તે ત્રણેય પણ હાંફળા ફાંફળા થતા કારમાં ગોઠવાઈ ગયા અને રઘુએ વેગેનાર પાછળ બોલેરો ભગાવી મૂકી.
તે ૨-૩ કિલોમીટર પણ આગળ નહિ ગયો હોય કે તેની કાર ડચકા ખાવા લાગી અને અચાનક જ બંધ થઇ ગઈ. તે વારંવાર ચાવી ચાલુ કરવાની નકામી કોશિશ કરતો રહ્યો અને તેની આંખ સામેથી જ સાવ વેગેનાર દેખાવાની બંધ થઇ ગઈ.

*

ઉર્વિલ કારમાં બેસી તો ગયો પણ ગભરાહટમાં તેની આંખો હજી સુધી મીંચાયેલી જ હતી. તેને હજુ વિશ્વાસ નહોતો આવ્યો કે તે ખરેખર બચી ગયો છે. તેનું શર્ટ અને જીન્સ ધૂળ અને લોહીથી ખરડાઈ ચુક્યા હતા. તેનું અંગે અંગ તૂટતું હતું. કપાળ પરથી ને મોઢામાંથી હજી સુધી લોહી વહી રહ્યું હતું. આંખો બંધ રાખીને જ તેણે પોતાનું શરીર સીધું કરવાની કોશિશ કરી અને ત્યાં કારની બેક સીટ પર ઢળી પડ્યો. તેના મગજમાં એકસામટા સવાલોનો મારો ચાલતો હતો. તેનું માથું સખત દુખી રહ્યું હતું. તે હોશમાં હતો કે બેહોશ તે તેને પોતાને પણ ખબર નહોતી.

*

બંધ પડેલી કારના ટાયરને પાટું મારતો રઘુ ધૂંધવાઈ રહ્યો હતો. તેનાથી આવી રીતે ઉર્વિલનું છટકી જવું કોઇપણ રીતે સહન નહોતું થતું. કારના દરવાજા પર જોરથી હાથ ભટકાડી તે કારથી સહેજ છેટે ઉભેલા તેના ત્રણેય છોકરાઓ પર રીતસરનો બરાડી ઉઠ્યો
“ખબર નથી પડતી પેટ્રોલ નાંખવાનું હોય ટાણે ગાડીમાં??”
રઘુનો અવાજ એટલો ઉંચો હતો કે ત્રણેય છોકરાઓ થથરી રહ્યા. ત્રણેયમાંથી કોઈને કંઇજ જવાબ ના આપતા જોઈ રઘુને વધુ દાજ ચડી
“નવરાવ, નકામીનાવ સાવ, ઓલો ઉર્વિલ તમારી સામેથી નીકળી ગયું ને તમારામાંથી કોઈ પાછળ ય ભાગીને પકડતું નથી એને... તમને શું ત્યાં જખ મારવા રાખ્યા તા? કે ડાચું જોવા ઉભા રાખ્યા તા??”
રઘુને આમ બરાડા પાડતો જોઈ કેશુને પણ હવે ખીજ ચડી
“કીધું તો હતું કે બ્રેક લેવા ઉભી રાખો.” કેશુ સીધું જ બોલી ગયો
“તો તે બ્રેકનું કીધું તું... એમ કહેવાય ને કે પેટ્રોલપંપે ગાડી ઉભી રાખવાની છે. બોલતા તો શીખો નાકામાવ?” રઘુનો અવાજ હજી વધી જ રહ્યો હતો
“તો તમારે આંખોને બદલે કોડા છે? જોતા નથી આવડતું એટલું ય? ક્યારનો ગાડી રીઝર્વમાં આવી ત્યારથી કેતો તો કે બ્રેક લઈએ બ્રેક લઈએ... પણ ના તમે ક્યાં કોઈના બાપનું સાંભળો છો.” કેશુ રીતસરનો છંછેડાઈ ગયો પછી બળાપો કાઢતા બોલ્યો
“એક તો ક્યારની ભૂખ લાગી છે. કહું છું કે ક્યાંક ઉભી રાખો. પણ ના પોતે ખાવ ,ના અમને ખાવા દો અને ના ગાડીને ખાવા દો. અમે તો ઠીક ચુપચાપ મૂંગેમૂંગા હાલીએ ભૂખ્યા તરસ્યા તમારી સાથે પણ આ ગાડી મશીન છે એ પેટ્રોલ વગર નો હાલે.”
રઘુ એકમિનીટ જોઈ રહ્યો કેશુના ભય અને ગુસ્સાથી ધ્રુજતા ચેહરા સામે. બાકીના બે છોકરાઓ પણ કેશુને દલીલ કરતા જોઈ ખુશ થતાં હતા. કદાચ તે પણ રઘુને આ જ કહેવાના મુડમાં હતા. ક્યાંક તેને પોતાની ભૂલ સમજાતી હતી પણ અત્યારે તે પોતાની ધાક છોડાવવા માંગતો નહોતો. તે પણ ઝઘડી લેવાના જ મુડમાં આવી ગયો હતો
“ગાડી તો ઠીક હવે પણ ઓલા અઢી હાડકાના માણસને પકડી ય ના શક્યા એ ભાગ્યો ત્યારે?? એને ભાગી જ જવા દેવો તો તો તમારું કામ શું હતું મારે ભેગું?” રઘુએ બીજો ચાબખો માર્યો ને આ વખતે ગુડ્ડુ છંછેડાઈ પડ્યો
“પેલા તો તમે કહેતા જાવ કે ખરેખર અમારે કરવાનું શું છે. સાલું અડધું કયો છો ને બાકીનું અડધું અમારે સમજી જવાનું એટલે શું?? કરવા શું માંગો છો?” ગુડ્ડુ આટલું બોલી કેશુ સામે જોવા રોકાયો. કેશુએ સાવ ધીમેથી ડોકું હલાવી ગુડ્ડુને પાનો ચડાવ્યો
“ત્યાં અમને નવરા ધૂપ જેવા રાખી પેલા ઓલાની ચોકીદારી કરાવી. પછી કીધું અમદાવાદ આવવું છે. અહિયાં સુધી લઇ આવીને એના પર એક હાથ ના ઉપાડવા દીધો. સાલાને ગોળી મારીને પતાવી દેવાને બદલે નકરો ટાઇમપાસ કર્યો તમે ને છેલ્લે અમને કયો છો કે અમે એને ભાગવા દીધો...” ગુડ્ડુ બોલતા બોલતા હાંફી રહ્યો
“બરાબર છે ગુડ્ડુ , તમે કોઈ દિવસ કેતા તો જાવ કે કરવાનું શું છે. પછી કહે જો કે અમે કામ નથી કરતા...” ગુડ્ડુની પીઠ પર હાથ પસવારતા કેશુ રઘુની સામે બોલ્યો
રઘુ પાસે હવે કોઈ દલીલ રહી નહોતી. માહોલ જરૂરિયાતથી વધારે જ ગરમ થઇ ગયો હતો. છતાં તેણે છેલ્લી ધમકી આપવાની કોશિશ કરી જોઈ
“નાલાયકો સામે બોલો છો...” અને પછી વેધક નજર તે ત્રણેય પર નાંખતા કરડાકીથી ઉમેર્યું “ચીરી નાખીશ.”
રઘુએ ધાર્યું હતું કે ત્રણેય તેની ધમકીથી નરમ પડશે પણ તેની કલ્પના ઉંધી જ પડી
“હા ચીરી નાખો...” કેશુ એ બરાડો પાડ્યો “મારી જ નાખો અમને. પૂરું થાય... તમારી સાથે કામ કરવા કરતા તો ડૂબી મરવું સારું. કોઈ બેવકૂફ જ હોય જે તમારી સાથે કામ કરી શકે...” કેશુના આ વાક્યો બોલાતા આખું શરીર ધ્રુજતું હતું.

રઘુ આગળ કંઇજ બોલ્યા વિના કારની પાછળ બાજુ સરકી ગયો. તેના ગુસ્સાનું આવું અણધાર્યું પરિણામ આવશે તેવું તેણે વિચાર્યું જ નહોતું. તેને પોતાને જ આખી વાતચિત યાદ કરીને હસવું આવવા લાગ્યું. તે સમજતો હતો કે બધા છોકરાઓને ભૂખના વડકા છે... તેને અચાનક જ બંદિશ યાદ આવી ગઈ. તેના હોઠ પર એમજ વાક્ય રમી ગયું
“રઘુ સાથે કામ કરવું હોય તો બેવકૂફ થવું પડે” અને તે બોલાતા તેના મને જ બીજું વાક્ય ગોઠવી દીધું
“રઘુને પ્રેમ કરવો હોય તો બંદિશ થવું પડે...”

*

એક ઝાટકા અને નાની ચિચિયારી સાથે કાર ઉભી રહી અને તે સાથે જ ઉર્વિલ પણ ઉભો થવાની કોશિશ કરી રહ્યો. તેણે આંખ ખોલી જોયું તો એક છોકરો ડ્રાઈવીંગ સીટ પર બેઠો હતો અને ઉર્વા ફ્રન્ટ સીટ પર બેઠી હતી. ઉર્વિલે આંખો પટપટાવી ફરીથી એનું એ જ દ્રશ્ય જોવાની કોશિશ કરી. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે ઉર્વા તેની સામે હતી. તેની સાથે બેઠેલો છોકરો કહાન તો નહોતો જ તો આ કોણ હતો...!
અચાનક જ ઉર્વિલને ઝબકારો થયો “મને ઉર્વાએ બચાવ્યો!! મતલબ શું એને ખબર હતી બધી જ...! હે ભગવાન આ શું થઇ રહ્યું છે મને કંઇજ નથી સમજાતું...”

“ઉર્વા...!” ઉર્વિલે ધીરેથી હોઠ ફફડાવી બોલવાની કોશિશ કરી
“કેમ છો તમે હવે? ઠીક લાગે છે?” કોઈ જ ભાવ વિના ઉર્વિલ સામે નજર પણ નાખ્યા વિના ઉર્વા બોલી રહી
“તે બચાવ્યો મને... થેંક્યું...” ઉર્વિલ લાગણીવશ થતા બોલવા ગયો પણ ઉર્વાએ તેને ત્યાં જ અટકાવી દીધો
“યા આઈ થીંક તમે બેટર છો. સામે તમારી કેબ પડી છે. તમે જ્યાં કહેશો ત્યાં ઉતારી દેશે.” ઉર્વા સામે કેબ તરફ નજર રાખતા બોલી
“પણ... ઉર્વા... બે મિનીટ” ઉર્વિલનો અવાજ તરડાઇ ગયો
“મારી પાસે ટાઈમ નથી ઉર્વિલ, યુ મેં લીવ”

*

(ક્રમશઃ)