આરાધના Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરાધના

આરાધના –રાજુલ કૌશિક અને વિજય શાહ
જવાહર ભાઇની ઉંમર તો ૮૪ વર્ષની પણ લાગે ૬૦ નાં. એમના ઘરમાં પગ મુક્યો ને દિવાલ ઉપર માધુરી દિક્ષિત અને ઐશ્વર્યા રાય નાં મોટા હસતા બે ચિત્રો જોઇને જરા ખચકાટ તો થયો પણ આજન્મ બ્રહ્મચારી અને સુખી સંપન્ન કુટુંબનો નબીરો મારે માટે રસનો વિષય બન્યો. અને પહેલો જ પ્રશ્ન આ ચિત્રો ઉપર જ આવ્યો ત્યારે મસ્ત અદાથી તેમણે તેમની વાત શરુ કરી “
“અમારી જ્ઞાતિમાં લગ્ન કુટુંબમાં જ કરે કે જેથી સંપત્તિ વહેંચાઇને બીજા ઘરમાં ના જાય. હવે મારું જ્યાં નક્કી થતું હતુ તે મસિયાઇ બહેન.. જેની સાથે મારે લગ્ન નહોતા કરવા એટલે હું નાત બહાર મુકાયો અને ભણવા માટે અમેરિકા આવ્યો. અમારી નાતનાં આવા રીવાજ ને કારણે અમારી નાતનાં પાંચમાં થી એક ભૂરિયો, (કોઢીયો) , એક વાંઢો , એક ખુબ ભણેલો અને બે નબળા હ્રદયના મળે.. જે બહેન ના મારી સાથે લગ્ન થવાના હતા તે બહેન સાથે મારી ના ને કારણે આખી જિંદગીનું વેર થઇ ગયુ.. પણ હું શું કરું મારી પસંદગી ખુબ જ ઉંચી.. તે વખતે કામિનિ કૌશલ ગમતી પછી મધુ બાલા, સાધના અને આશા પારેખ ગમતી. પણ સામે આપણે હીરો હોવા જોઇએ ને? અને તેથી રખડી ગયા અને અમારા પાંચમાંથી મને વાંઢાપણાનું અને ખુબ જ હોંશિયાર હોવાનું માન અને હ્રદયે નબળા હોવાનો શ્રાપ મળ્યો હવે માધુરી દિક્ષીત અને ઐશ્વર્યા રાય પછી પ્રિયંકા અને પરિણિતિ ચોપરા ની તસ્વીરો લાવીશું આવતી ૮૫મી વર્ષગાંઠે..
“પણ મને સમજાયુ નહીં કે આમ કેમ કરો છો?”
“અરે ખાલી ભીંત મને હું “એકલો” હોવાનો અહેસાસ કરાવે તે દુર કરવા જ તો વળી”
સવારનાં પહોરમાં લીલી ચા ફુદિનો આદુ અને મરીથી ભરપૂર આખા દુધની ચા સાથે હવે આપ શું ખાશો કહી વાનગી નું મોટું લીસ્ટ ધરી દીધુ.. બિલકુલ શરમાતા નહીં આ મોટુ ફ્રીઝ નાસ્તા અને ખાવાનાથી તરબતર છે. તેમના આદર સત્કારમાં સહેજે બનાવટ નહીં એકલો આદર અને ભાવ દેખાતો...ના કહીયે તે ચાલે જ નહી.. અને ગરમ ગરમ મુઠીયા અને પાતરા પ્લેટ સામે મુકાયા અને આગ્રહ થી જમાડતા ગયા.
મારી સાથે જે મિત્રો આવ્યા હતા તેઓ ઢેબરા લાવ્યા હતા અને મારી પાસે પણ જીરા મીઠાની પુરીઓ હતી. તે જોઇને કહે આ બધુ તમારા રૂમનાં ફ્રીજમાં રાખો કારણકે મારા ઘરે તો તમને બધુજ મળશે. શું કરું ? આમેય એકલો એટલે ઘણાં બધા મિત્રોને ત્યાંથી ખાવાનું આવ્યા જ કરે.અમને ખવડાવવાનો આગ્રહ કરે પણ પોતે પ્લેટમાં ભાત અને દહીં લઇને બેઠા ત્યારે પણ એ જ વાત હતીકે હું “એકલોને”...તેથી.. મેં હસીને કહ્યું અમે બધા છીએને? તો કહે “ તમે બધા તો મહેમાન કહેવાઓ પણ મને તમને સૌને જમાડવાનો આનંદ અનેરો છે.
અમે ત્રણ જણા જેમના મહેમાન હતા તે દાદા નો ફોન આવ્યો અને અમને લઇ ને તેઓ નિકળ્યા. તેમની નિસાન માં અમને લઇને જતા હતા ત્યારે થયું કે આપણે તો ૮૪ સુધી પહોંચશું કે કેમ ત્યારે આમની ચપળતા અને સ્ફુર્તિ તો જુઓ!
દાદાને ઘરે પહોંચ્યા ત્યારે મારા સાથીમાં થી કોઇ બોલ્યું તમારા ડ્રાઇવર તો જબરા સ્ફુર્તિલા છે ત્યારે દાદા કહે જવાહર તો મારા કૃષ્ણ છે. સારથી છે તેમના વિના તો હું સાવ જ રાંક. હું ભલે વકીલ પણ વટ અને વહીવટમાં તો તે એમ. બીએ. એટલે મારા કરતા બધે આગળ પડે. મેં આપેલા પૈસાનો પાઇ એ પાઇ નો હિસાબ મળે બહુ જ કાર્યદક્ષ મિત્ર અને સાથી છે.. તેને ડ્રાઇવર નહીં પણ સારથી જ કહેવાય. અર્જુન ની જીત તેના ગાંડીવને કારણે નહોંતી પણ સારથી શ્રીકૃષ્ણને કારણે હતી એવી રીતે મારા ઘેર ઘેર ફરીને કેસ શોધવામાં એમનો મોટો ફાળો છે.
દાદા ૯૫એ પહોંચ્યા હતા અને કાને રેડીયો .તો પણ બંને એવી રીતે વાતો કરતા જાય જાણે બે ભાઇઓ ના હોય...કેસ સુલઝાવે દાદા પણ આગલા દિવસે જવાહરભાઇ દ્વારા બધુ પાકુ થઇ ગયુ હોય કે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે કેટલા વાગે કોને ત્યાં મળવાનું છે.
મને દાદા સાથે વાતો કરવી ગમે જેને દાદા બણગા કહે છે એને જવાહરભાઇ તેને દાદાની નમ્રતા કહે કારણ કે એ વાતોમાં તેઓ ઘણી શીખ આપતા અને જવાહરભાઇ તો તે બધી ઘટનાઓમાં થી પસાર થયેલા તેથી જાણે કે દાદા કપરા અને કઠીન પ્રસંગોમાંથી શીખ તારવી લે છે. કદી સફળતા માટે કોઇ દાવો નહીં અને કોઇ ફી લેવાની નથી હોતી તે વાતને તેમના નવરત્નો સરળતાથી કહી દેતા આ નવરત્નોમાં નાં એક જવાહર ભાઇ.
અમારી સાથે વાતો કરવામાં તેઓ આનંદ અનુભવતા હતા.. ખાસ તો દાદા સાથે ફરીને જે અનુભવો થયા હતા તેનાં તારણો સ્વરૂપે તેઓ બોલતા..તેઓ આગ્રહપૂર્વક કહેતા હોય છે કે જે પહેલી પેઢી અમેરિકા આવી હોય તેમના વૃધ્ધ માતા પિતાએ તો અહીં આવવું જ ના જોઇએ..અને ખાસ તો પાછલી ઉંમરે.. અહીં આવીને તેમણે કામ જ ના કર્યુ હોય એટલે અને જે કંઇ મર્યાદિત લાભો મળે છે તેમાં છોકરાઓનું જીવન ઝેર કરી નાખતા હોય છે.
અમારી સાથે જે બહેન હતા તે બોલ્યાં” એવું કેમ કહો છો જવાહરભાઇ? મારા પિતાનાં અવસાન પછી ૮૨ વર્ષનાં મમ્મી ને એકલા અમદાવાદ અમારા થી કેમ રખાય?” અમારો આખો પરિવાર અહીં છે અને પાછલી ઉંમરે અહીં જે સારવાર મળે તે દેશ કરતા સારી મળે ને એટલે એમને અહીં લઇ આવવાનું અમને યોગ્ય લાગ્યુ અને અમે એમ જ કર્યું છે. મમ્મીની અહીં ખુબ સારી રીતે કાળજી લેવાઈ રહી છે.”
પરંતુ જવાહરભાઇનું એવું માનવું છે કે હવે તો પૈસા હોય તો સારવાર ત્યાંય સારી મળે છે. અને અહીં દીકરો અને વહુ બંને કામ કરતા હોય ત્યારે વડીલોની નાની નાની વાતો પુરી કરવામાં ક્યાંતો એક જણે નોકરી કરવામાંથી રાજીનામુ આપવુ પડે. એમની નાના બચ્ચા જેવી જીદોને ડોલરમાં પુરી કરવી એટલે નાણાકીય આત્મ હત્યા...જ
પેલા બહેને ચર્ચા આગળ ના વધારતા કહ્યું તમે જે કહો છો તે કદાચ અભણ મા બાપો માટે સાચી હશે પણ મારા મમ્મી તો ડોક્ટર હતા અને અહીં તેમને એટેક આવ્યો ત્યારે જે સારવાર મળી તેનાથી તો તેઓ પણ દંગ રહી ગયા હતા.
ચાનો સમય થયો હતો ત્યારે બીસ્કીટ અને ચેવડો કાઢ્યો અને આગ્રહ તો મારા ભાઇ એવો કે જાણે અમે તેમના અંગત સ્નેહી હોઇએ.. અમારો સંકોચ જોઇને તે ફરી બોલ્યા “ હું એકલો છું એટલે તમે સંકોચાઓ છો ખરું ને?”
પેલા બહેને નમ્રતાપૂર્વક ના પાડી અને વાતનો દોર આગળ ચાલ્યો.. “ મને અહી દરિયાની ભેજવાળી હવા માફક નથી આવતી.. હું તો ૭૦૦૦ ફુટ ઉંચે ઓકલેંડમાં રહેતો અને સ્કીઇંગ કરવાનો બહું જ શોખ. દરેક રમતોમાં હું આગળ હતો અને કેસીનોમાં નોકરી કરતો. તે વખતે ૯૫% સ્ટાફ સ્ત્રીઓ અને તે સૌમાં હું ખુબ જ પ્રિય કારણ કે એકલો અને સીધો.. કોઇજ લપ્પન છપ્પ્ન નહીં અને રસોઇ કરવામાં ચોખા અને શાક બનાવતા આવડે એટલે હું મારું મારી મેળે નિભાવી લઉં”
મારી જીજ્ઞાસા હવે વધી ઘરમાં મેક્સીન છોકરાઓનાં ફોટા હતા તે જોઇને મેં પુછ્યું આ બધા ફોટા કોના?”
“મિત્રોનાં પૌત્રો અને ભાણેજો નાં દીકરા દીકરી ઓ... આ નેહા હમણાં જ બોસ્ટન ગઇ.. મારી ખુબ જ સંભાળ રાખે.. મને મામા દાદા કરતા કરતા તેનું મોં ન સુકાય. મને બાય પાસ સર્જરી કરાવી ત્યારે ખડે પગે ઉભી રહેલી.”
“તમને બાય પાસ કરાવી છે? મેં આશ્ચર્ય વ્યક્ત કર્યુ..
ત્યારે કહે એક નહીં ચાર બાય પાસ છે અને પેસ મેકર પણ છે. અમે લોકો ઓસવાળ જૈન એટલે ઘી વાળા ખખરા અને મીઠાઇઓ એ દાટ વાળેલો.
“મને જ્યારે ૬૫ વર્ષે રીટાયર કર્યો ત્યારે મેડીકલ વીમાની બહુ મોટી તકલીફ જે મને દાદાએ હલ કરી આપી અને ત્યારથી અહીં છું. અત્યાર સુધી નહી નહીં તો ૫ વખત મોટી બીમારીઓનો ભોગ બન્યો જો આ વીમો ના હોત તો મીલીયન ડોલર જેટલો ખર્ચો થયો હોત.. પણ દાદા સાથે હોય એટલે દરેક વખત હોસ્પીટલ બીલો સરકાર માઇ બાપ જ ભરે. સાચું કહું તો તેમણે મને નવું જીવન આપ્યુ છે અને તેથી તેમના મીશન શક્ય હોય તેટલું પાછું આપવામાં હું જોડાઇ ગયો છું..દાદાનો સારથી બની ને.. તેઓની કેટલીક તકલીફો જે હું દુર કરી શકું તેમ છું તે દુર કરુ છુ.
ઘણાં મને ડ્રાઇવર સમજે છે મને તેનો સખત વાંધો છે પણ બા અને દાદા અને તેમના સૌ મિત્રો જાણે છે કે હું સેવાભાવે જોડાયેલો છું અને તેથી ઘણા મને “હનુમાન” કહે છે અને દાદા ને ભગવાન રામ.”
ત્યાં પેલા બહેન ની નજર એક નાના ફોટા ઉપર પડી. અને તેમણે જીજ્ઞાસાવશ જ પુછ્યું “જવાહર ભાઇ તમે ક્યારેય કદી કોઇનાં સ્નેહમાં ભીજાયા નહોંતા?”
ક્ષણ વારમાં તેમની આંખો ભૂતકાળ તરફ વળી અને બોલ્યા” જવા દો ને તે વાત...”
પેલા બહેન બોલ્યા “ભલે તમને અજંપો થતો હોય તો જવા દઇશું પણ આટલો ભવ્ય જેમનો ભૂતકાળ હોય તે વ્યક્તિ કદી પ્રેમમાં ડુબ્યો ના હોય તે માનવામાં નથી આવતુ.”
“બેન તું તો મારી દીકરી જેવી છું તેથી કહું છું કેટલીક નદી સમુદ્રે સમાતા પહેલા લુપ્ત થઇ જતી હોય છે બસ તેવું જ મારી જિંદગીમાં બન્યુ હતું.”
પેલો ફોટો હાથમાં લઇને બોલ્યા આ હતી મારી સ્વીટ હાર્ટ મરિયમ. અમે સાથે કામ કરતા હતા. તે મારી ખુબજ કાળજી રાખતી.. પણ એક દિવસ તેને મને કહ્યું “ મન તને ચાહે છે, તારામાં સમાઇ જવાને બેકરાર છું પણ મારી કમનસીબી કે હું કેન્સરનાં છેલ્લા તબક્કામાં છું . સારકોમા ઓફ લંગ્ઝ.. અને તેથીજ આ પહાડીઓની સુકી હવામાં આવીને રહી હતી. હવે ડોક્ટરે અંતિમ દિવસો ભાખી દીધા છે ત્યારે એટલું જ કહીશ જવાહર તું મારી બીજા ભવ સુધી રાહ જોઇશ?”
પાછળ થી આવેલા દાદા એ કહ્યું કે “જવાહરે તેને હા પાડી અને તેથી તે મરિયમની આશમાં હજી જીવે છે.”
અચાનક એલાર્મ વાગ્યુ અને મારી આંખ ખુલી ગઈ.. જવાહર ભાઇ તો બાજુમાં તેમના ખાટલામાં ઘસઘસાટ ઉંઘતા હતા.લોસ એન્જેલસ જવાનું હતુ અને મેં એલાર્મ મુક્યું હતું જવાહર ભાઇને રેડીયો તો કાનમાં હતો નહીં તેથી મેં તેમને ઉઠાડ્યા..મેં પુછ્યુ જવાહર ભાઇ દાદાને તો સાડા નવે લેવા જવાનું છે તમે અત્યારથી જાગીને શું કરશો હજી તો સાત વાગ્યા છે?”
“ગ્રાન્ડ બ્રેક ફાસ્ટ કરીશું પછી મારે દાઢી કરવામાં બે કલાક જોઇએ એટલે સાડા નવ પહેલા તૈયાર થઇ જઇશ. તમને આજે શું ખાવું છે તે કહો.. આજે તેમના લિસ્ટમાં ફળો ઉમેરાયા હતા ચીકુ, કેરી ઓરેન્જ, સ્ટ્રોબેરી સક્કર ટેટી અને દ્રાક્ષ.. ક્યારેક ગઈ કાલે વાતોમાં મને ફળો બહુ ભાવે તે સાંભળી ગયા હશે.. તેથી તે સર્વે હાજર હતા મને ખરેખર તેમના આતિથ્ય પ્રત્યે અહોભાવ થયો. વાતોમાં કહે મને કાલે દેરાસર જવાનું પુછતા હતા તેથી લાગ્યું કે તમે જૈન છો તેથી ખાખરા પણ છે. અને તીખી સેવ અને બુંદી પણ છે. ગરમાગરમ ફુદીના અને લીલી ચા બનાવી અને કહે આજે આદુ નથી નાખતો તમે કદાચ ના પણ લેતા હો. હું મુક બની તેમને જોતો રહ્યો ત્યારે હળવેક થી હસીને કહે “ હું પણ જૈન છુ અને મને સ્વામી ભાઇની વયાવચ્ચ કરવાનો મોકો ક્યારે મળે?”
મારી જેમ જ બાકીના મારા સહ સાથી અવાક હતા. થોડી વારે હું બોલ્યો પણ ખરો કે “આ સતયુગ નો આત્મા કયા ગુનાની સજા આ કળ યુગમાં ભોગવે છે?”
ખૈર! તેમનો ઇસ્કોતરો કાઢી તેઓ દાઢી કરવા બેઠા...તેમની દાઢી માત્ર એક દિવસ ની હતી પણ બહિર્ગોળ કાચના અરિસાની બંને બાજુ ૨૫ વૉટ નાં ચાર બલ્બ હતા અને તેમાં તેમનો ચહેરો હતો તેનાથી મોટો દેખાતો હતો. લેધર બ્રશ ઉપર શેવીંગ ક્રીમ લઇને સહેજ પાણી માં બોળી તેમણે ગાલ ઉપર ઘસવા માંડ્યુ..આખા ચહેરાનાં ખુણે ખુણે સાબુ બરોબર ચોપડ્યો અને પછી ઘસી ધસી તેમાં ફીણ કરવા માંડ્યુ. અડધો કલાક ની કવાયતને અંતે મોઢાનાં જે ભાગો ઉપર નાનો પણ વાળ હોય તે સાબુમાં દબાયો છે કે નહીં તેનું પરિક્ષણ જાત જાતનાં ચહેરા કરીને કર્યુ પછી અસ્ત્રો હાથમાં લીધો અને બહુ માવજતપૂર્વક તે ફીણ અને તેમાં દબાયેલ વાળને કાઢવા કટી બધ્ધ થયા... આ ક્રિયા એક વાર નહીં બે વાર નહીં પણ ત્રણ વાર થઇ. વચ્ચે વચ્ચે અરિસામાં ચહેરો જોવાતો અને નક્કી થતું કે વાળ હવે ક્યાંય નથી ત્યાર પછી ગરમ પાણીથી મોં ધોઇને ફટકડી લગાડી. આફ્ટર શેવ લોશન લગાડ્યુ અને કોલોનની તીવ્ર સુગંધ લાગ્યા પછી ધોયેલા કપડા અને ટોવેલ લઇ નહાવા ગયા.દસ મિનીટે ફ્રેશ થઇને જવાહર ભાઇ બહાર આવ્યા ત્યારે તેઓની ઉંમર દસ વર્ષ ઘટેલી લાગતી હતી તેઓ ફ્રેશ હતા.
મારી સામે જોઇને બોલ્યા આવું હું સવારના પહોરમાં નહાઉ નહીં તો લાગે નહીં કે ફ્રેશ થયો છું. હું મનમાં ઇર્ષા અનુભવતો હતો કે આવુ સુખ નસીબદાર હોય તેને જ મળે...જીવન તો આવી રીતે જ જીવવું જોઇએ.. ક્ષણે ક્ષણનો ઉપયોગ અને તે પોતાની જાત માટે.
પછીની દસ મિનિટમાં તેમણે બદામી પેન્ટ અને તેની ઉપર ડાર્ક બ્રાઉન કલરનું મેચીંગ શર્ટ પહેર્યુ અને એકદમ તૈયાર થઇને બહાર નીકળ્યા.
પેલા બહેન બોલ્યા તમે તો સરસ સજ્જ થયાને!
ત્યારે તેઓ બોલ્યા – “ કદાચ મરિયમ આવે તો તેને મને ઓળખવામાં ભુલ ના પડે ને તેથી દર રોજ મને તૈયાર થતા બે કલાક તો લાગે જ...ચુસ્ત શરીર.. ચુસ્ત ડ્રાઇવીંગ અને ચુસ્ત જીવન એ મારી આરાધના છે.”
(આંશિક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કથા.)