ગલી Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલી

ગલી

"અરે યાર, આ રોહન પણ ફોન નથી ઉઠવતો. હવે લગ્નને આડે ખાલી પાંચ જ દિવસ છે અને મારા સૂટના ઠેકાણા નથી." હું સ્વગત બબડ્યો.

એટલી વારમાં સામેથી રોહનનો ફોન આવ્યો.
"બોલ ભાઈ, શું આટલી બધી ઇમરજન્સી છે કે તે દસ દસ વખત કોલ કર્યા?" રોહનએ પુછ્યું.

"એ બધું મૂક યાર. હવે મને એ કહે કે આ સૂટનું શું કરવાનું છે? આઈ મીન તે ક્યારે બનીને આવશે?" મેં પુછ્યું.

"જો રવિ, સૂટ એમ કાંઈ તારા માટે હવામાં બની અને ઉડીને નહીં પહોંચે. છેલ્લાં દસ દિવસથી હું તને માપ આપવાનું કહેતો હતો, પણ તારી આળસ ઉડતી જ નથી".

"રોહન, હવે ઉપદેશ આપવાનું બંધ કર અને મને જણાવ આગળ શું કરવાનું છે?".

"જો હું તને ટેઈલરનું લોકેશન વોટ્સએપ કરું છું. ત્યાં પાંચ છ જેટલા કારીગર હશે. તું ત્યાં બાબુભાઇને મારું નામ આપજે એટલે થઈ ગયું. મેં બાબુભાઇને કહ્યું છે કે અમને તાત્કાલિક સૂટની ડિલિવરી જોઈએ છીએ".

"ઈટ મીન કે તું ત્યાં મારી સાથે નથી આવતો?"

"મેં, મેં મારા બોસ પાસેથી તારા લગ્ન માટેની રજાઓ માંગી હતી જે મારા બોસએ મહામહેનતે મને આપી છે. હવે જો હું અત્યારે જરા પણ આઘોપાછો થઈશ તો એ ગાંડો મારી રજા કેન્સલ કરી મુકશે. તું ત્યાં જઇને માપ આપી દેને યાર. ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ".

"ઓકે કહીને મેં ફોન કટ કર્યો". જેવું મેં મારા વોટ્સએપ નોટિફિકેશન પર નજર નાંખી તો જોયું કે રોહનએ મને લોકેશન મોકલ્યું હતું. લગ્ન પહેલાંના થોડા દિવસોથી મને વાહન ચલાવવાની મનાઈ હોવાથી મેં તરત જ મારા ઘરની આગળથી રીક્ષા ભાડે કરી અને એ લોકેશન પર જવા માટે નીકળ્યો.

ખૂબ જ ગીચતાવાળી શેરીઓની વચ્ચે સામસામેનાં છેડેથી આવતી બે મોટરકાર અટવાઈ જવાને લીધે ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો."સાહેબ, હવે રસ્તો ક્લીયર થવામાં અને આપણી રીક્ષા આગળ જવામાં ટાઈમ લાગે એવું છે, જોતજોતામાં જ ઘણો ટ્રાફિક થઈ ગયો."

મેં હકારમાં માથું ધુણાવ્યું અને રીક્ષાવાળાને મીટર પ્રમાણે રૂપિયા આપીને  હું ચાલતો થયો અને એ દુકાન શોધવા લાગ્યો.

"પ્રિન્સ ટેઈલર, યસ આ જ દુકાન. બાબુભાઇને જરા બોલાવી આપોને, અને એમને કહેજો રોહન સાથે એમને વાત થઈ હતી તે હું, સૂટ માટે માપ આપવા આવ્યો છું" મેં દુકાનમાં ઉભેલા છોકરાને આટલું કહ્યું.

"સાહેબ, બેસો થોડી વાર, બાબુભાઇની તબિયત આજે નરમ ગરમ હતી એટલે દુકાને નથી આવ્યાં. હું હમણાં જ તેમને ફોન કરીને બોલાવું છું, તે તમારું માપ લઇ લેશે" દુકાનવાળો છોકરો આટલું બોલ્યો.

"યાર રોહન, આ કેવી દુકાન છે? આખા શહેરમાં તને આ જ દુકાન મળી?" મેં રોહનને ફોનમાં પુછ્યું.

"રવિ, ધીરજ રાખ. આ શહેરનો સારામાં સારો ટેઈલર છે. ચાલ પછી વાત" આટલું કહીને એણે ફોન કટ કર્યો.

જયાં મેં શર્ટના ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ બહાર કાઢ્યું ત્યાં યાદ આવ્યું કે લાઈટર તો ઘરે ટીવી પાસે જ ભૂલાઈ ગયું છે. ટેઈલરની દુકાનમાં પેલો છોકરો દેખાયો એટલે એને ઈશારો કરીને માચીસ માંગી. સિગરેટનો પહેલો કશ શ્વાસમાં ઉતરતાની સાથે જ તેનાં ધુમાડાનાં ગોટામાં મારી સામે એક આછી એવી ગલી દેખાઈ રહી હતી.

મેં સિગરેટનાં ત્રણ ચાર કશ લીધાં પછી તેને મારા શૂઝ નીચે મસળીને ધુમાડાનાં ગોટાને હાથની મદદથી દુર કર્યા અને એ ગલી તરફ જોઈને વિચારવા લાગ્યો.

"એજ ગલી! ઓહ ગોડ. આ તો એજ ગલી છે! મારા તો ધ્યાનમાંથી નીકળી જ ગયું હતું. મારે તો આ ગલી પાસેથી કયારેય ન્હોતું નીકળવાનું અને ક્યારેય એ ગલીમાં જોવાનું પણ નહીં" હું મનોમન વિચારવા લાગ્યો.

"રોહન, આ તું કઈ જગ્યાએ ટેઈલર શોધી લાવ્યો? શું તને મારો ભૂતકાળ ખબર નથી?" મેં તરત જ રોહનને ફોન લગાવીને પુછ્યું.

"રિલેક્સ યાર. મારા પણ ધ્યાનમાં ન રહ્યું. હશે, પણ હવે એ વાતને યાદ કરીને શું કરવાનું? જે થવાનું હતું તે થઈ ગયું અને આમ પણ એ તારી કોલેજ ટાઈમની વાતો હતી અને આજે એ વાતને પણ દસ વર્ષ થવા આવ્યાં છે, અને જો દિવ્યાએ પણ પોતાનો ઘર સંસાર વસાવી જ લીધોને? તો પછી તું શું આવા વિચારો કરીને તારું ભવિષ્ય બગાડે છે? ચાલ આવી વાતોમાં સમય ન બગાડ અને જે કામ માટે આવ્યો છે તે પુરું કર" રોહનએ કહ્યું.

રોહનની વાતો સાંભળી બે ઘડી તો જાણે મારું શરીર ઠંડું પડી ગયું. કદાચ આ પ્રેમની લહેરથી થયું હશે? આટલું વિચારીને હું ભૂતકાળમાં ડોકિયું કરવા લાગ્યો.

અંજારથી આદિપુરનો છ કિ.મી.નો રસ્તો. આમ તો મારે, રોહન અને દિવ્યા- ત્રણેયને અંજાર રહેવાનું. પણ...

"જો રવિ, આપણી મિત્રતા સાચી પણ એ માત્ર કોલેજ પુરતી જ. કોલેજનાં કલાકો પછી આદિપુર મુકીને અંજારમાં તું મને નથી ઓળખતો અને હું તને નથી ઓળખતી. તારે અંજારમાં ક્યાંય મારી સામે પણ નથી જોવાનું" દિવ્યાએ કહ્યું.

જો કે હું પણ કાંઈ ઓછો ન્હોતો. હું અવારનવાર દિવ્યા જે વિસ્તારની બસમાંથી ચડતી ત્યાં આંટા તો મારતો જ રહેતો. એવામાં હું એકવાર નવરાત્રીમાં ગરબી જોવા જઈ રહ્યો હતો તેવામાં મેં એક ગલીમાં નાની એવી ગરબી જોઈ અને જોયું તો આરતી લઈને દિવ્યા ઊભી દેખાઈ. એટલે બીજા જ દિવસે મેં દિવ્યાને આ સમાચાર આપ્યાં.

"કાલે રાત્રે હું તારા ઘર પાસેથી નીકળ્યો હતો. મેં જોયું કે તારા હાથમાં આરતીની થાળી હતી. બાય દ વે હવે મારે તારી ગલીની ગરબી જોવા માટે આવવું જ પડશે" મેં દિવ્યાને મજાક કરતા કહ્યું.

એટલી વારમાં તો જાણે હસતી દિવ્યાનાં ચહેરાનું જાણે નૂર જ ઊડી ગયું. તેનાં મનની ગડમથલ, ગુસ્સો તેનાં ચહેરા પર સ્પષ્ટ ઉપસી આવ્યો અને જાણે મેઘગર્જના થઈ હોય એમ દિવ્યાએ ગુસ્સામાં મને કહ્યું "મારી ગલી પાસેથી હવે નીકળ્યો છે તો આપણી મિત્રતા ભૂલી જજે. મેં તને પહેલાં જ કહ્યું હતું કે આપણે બન્ને એકબીજાને અંજારમાં નથી ઓળખતા. તારી હિંમત કેવી રીતે થઈ ત્યાંથી નીકળવાની?".

"રિલેક્સ યાર. હું ક્યાં તારા ઘર સુધી પહોંચી ગયો? આ તો જાહેર રસ્તો છે, મારે નીકળવું પણ નહીં?"મેં કહ્યું.

"એ ગલીમાંથી તો નહીં જ. તને ખબર નથી મારા પપ્પા કેટલાં ગુસ્સાવાળા સ્વભાવનાં છે. પપ્પાને ખબર પડે કે તું મારો ફ્રેન્ડ છે તો મારું કોલેજ આવવાનું જ બંધ કરી દે. તને ખબર છે આખી કોલેજમાં તું એક જ મારો ફ્રેન્ડ છે અને આટલા વખતથી મેં સૌ કોઈથી આ વાત છુપાવી છે. હું તને ઘણીવાર અંજારમાં એકબીજાની સામે ન જોવાની કે એકબીજાને જ ઓળખવાની વાત એટલા માટે કરતી કારણ કે જો મારા પપ્પા સુધી આવી અફવા ઉડે તો તને ખબર નથી શું થઈ જાય. માટે મહેરબાની કરીને તું એ ગલી પાસેથી નીકળવાનું બંધ જ કરી દે. હું નથી ઈચ્છતી કે તારું અને મારું નામ ખોટી વાતોમાં ઉછળે" દિવ્યા બોલી.

"ઓકે ઓકે. હવે હું એ ગલીમાંથી નહીં નીકળું બસ, અને એ ગલીમાં અંદર શું છે એ તો જોવાનો કોઇ સ્કોપ જ નથી" દિવ્યાને સમજાવવા મેં આ પ્રતિજ્ઞારૂપી વાત કરી.

તેનાં થોડા સમય બાદ કોલેજ પુરી થવાને લીધે મારું અને દિવ્યાનું મળવાનું લગભગ બંધ જેવું જ થઈ ગયું. ઉડતા ઉડતા મને સમાચાર મળ્યા કે દિવ્યાનાં લગ્ન નક્કી થયાં છે અને એ પણ પોતાનાં માતા પિતાની મરજીનાં યુવક સાથે, એટલે મેં પણ તેની સાથે વાત કરવાનું ટાળ્યું.

પણ જ્યારે જ્યારે મારે શહેરમાં એ રસ્તે નીકળવાનું થાય ત્યારે એ ગલી તરફ તો ન જ જોવું એવી ટેક બાંધી લીધી. આજે એ ટેક રોહનનાં લીધે જાણે ભાંગી પડી એવું લાગ્યું.

એટલી વારમાં તો બાબુલાલ ત્યાં પહોચી આવ્યાં અને મને અંદર બોલાવીને સૂટનું માપ લીધું અને બે દિવસમાં બનાવીને ઘરે પહોંચતું કરવાની ખાતરી આપી.

ટેઈલરની દુકાનમાંથી બહાર નીકળીને મેં ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ ખોલ્યું અને છેલ્લી બચેલી સિગરેટ કાઢી પેલા દુકાનવાળા છોકરા પાસેથી માચીસ ઉધાર માંગી અને સિગરેટ સળગાવી.

"હજુ તો મારા હોઠ સિગરેટનાં ફિલ્ટરને મળવા માટે તલપાપડ થતા હતા ત્યાં જ મારા હ્રદયનાં ધબકારા જાણે ઘટી ગયા અને શરીર ઠંડું પડવા લાગ્યું. મારા હાથમાંથી એ આખી સિગરેટ પીધા વગર જ નીચે પડી ગઈ કારણ કે મારા આંખનો નશો મારી નજર સમક્ષ હતો. હાં એ દિવ્યા જ હતી. દિવ્યા, મારી સામે એ જ ગલીમાં ઊભી હતી અને આજે પણ જાણે મને ફરીયાદ કરી રહી હતી કે "તને મેં નાં કહી હતી કે તારે આ ગલીમાંથી નહીં નીકળવાનું છતાં પણ તું અહીંયાથી જ નીકળ્યો ને?"

અને હું બંધ હોઠોથી એને મનાવી રહ્યો હતો કે "ઓકે ઓકે માફ કરી દે. હવે હું આ ગલીમાંથી ક્યારેય નહીં નીકળું બસ".

"આ ગલીમાં હવે તારે શું લેવાનું બાકી રહી ગયું?"

"કેમ મારે અહીંથી નીકળવું પણ નહીં? મારા જીવન પર હજુ તું એટલો હક્ક રાખે છે?"

"કોઈ આવી જશે" એટલું ઈશારાથી કહીને દિવ્યા આગળ પાછળ જોવા લાગી.

"આવશે તો શું? આપણે ક્યાં કાંઈ ખોટું કર્યું છે? બાય દ વે તું અહીંયા?"

"અહીંયા તો મારું માવતર છે. મારા બાળકને વેકેશનમાં લઇ આવી છું" એવામાં શેરીમાં રમતા બાળક સામે ઈશારો કરીને દિવ્યાએ ઈશારામાં કહ્યું.

"તું અહીંયા કેમ?"

"આવતા અઠવાડિયે મારા લગ્ન છે. હું સૂટ માટે આવ્યો છું"

"અને આ સિગરેટ ક્યારથી શરું કરી? ખબર નથી પડતી તબિયત માટે કેટલી હાનિકારક છે?"

"અમુક નશાની ખોટ પુરી કરવા બીજા નશાની આદત પડી જતી હોય છે."

એટલામાં રોહન ત્યાં આવ્યો, રોહનને જોઈને દિવ્યા છણકો કર્યો અને મારી સામે મોં બગાડીને જાણે કહી રહી "હજુય આ તારો દોસ્ત છે? તો તો સિગરેટ પીવા સિવાય બીજું શું શીખવે?"

(દિવ્યા રોહનને માત્ર મારા લીધે જ જાણતી હતી. એકવાર કોલેજનાં બિલ્ડીંગ પાસે રોહન મને સિગરેટનો કશ લેવાની રીત શીખવી રહ્યો હતો, એ દિવ્યા જોઈ ગઈ, બસ એજ દિવસથી દિવ્યા રોહનથી નારાજ રહેતી. ઉપરાંત ક્યારેક રોહન દિવ્યા સાથે મારું નામ જોડીને કોલેજમાં મસ્તી કરતો ત્યારથી તો જાણે રોહનથી ખરાબ બીજી કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે તેવું દિવ્યા માનતી.)

"દિવ્યા, જો દોસ્તી આખા જીવનભરની હોય છે. ક્યારેય કોઈને અધવચ્ચે ન છોડી દેવાય."

રોહનએ મને થપકી મારીને જાણે મારી વાતચીતમાં વિરામ મુકી મને અહીંથી નીકળવાનો ઈશારો કર્યો.

"ચાલ નીકળું. પણ એટલું જરૂર કહીશ કે હજું તું મારા ન કહેલ શબ્દો પણ ઓળખી જાણે છે."

"ઓળખું જ ને. હું... હું તારી..." આટલું કહીને દિવ્યા ભીની આંખે ઘરની અંદર જતી રહી.

એટલામાં રોહનએ મને સિગરેટ ઓફર કરી પણ હમણાં જ મને મારો નશો મળ્યો હોવાથી એ ઓફર નકારી.

-સાગર બી.ઓઝા

આ વાર્તા પર તમારા પ્રતિભાવો મને વોટ્સએપ કે ઇમેઇલ પર પણ મોકલી શકો છો.

વોટ્સએપ : 94295 62982
ઈ મેઈલ: ozasagar@gmail.com