Chitrakar books and stories free download online pdf in Gujarati

ચિત્રકાર

ચિત્રકાર

એન્જી. ડ્રોઈન્ગનાં પ્રેક્ટિકલનો મોટો ખંડ, એમાં પણ દરેક વિદ્યાર્થી માટે અલાયદો ડેસ્ક, જેમાં ડ્રાફ્ટર અને ડ્રોઈન્ગ શીટ જેવી સામગ્રીઓ ગોઠવી શકાય. આજથી એન્જી. ડ્રોઈન્ગ વિષયના પ્રોફેસર મિસ.ખુશ્બુની બદલી થવાથી નવા પ્રોફેસર મી.હિરેન સર ચાર્જ સંભાળતાની સાથે જ અમારો પ્રેક્ટિકલ લેવા પહોંચ્યા.

"અરે જીગર! તારું ડ્રોઈન્ગ તો બહું ખરાબ બને છે યાર. તું ડ્રોઈન્ગ બનાવતી વખતે થોડું ધ્યાન રાખતો હોય તો. આમપણ તને ઇલેક્ટ્રિકલનાં બધાં વિષયોમાં સારા માર્ક્સ આવે જ છે. પરંતુ... આ એન્જી. ડ્રોઈન્ગમાં તને ભગવાન જાણે કેટલા માર્ક્સ આવશે?"

"રવિ, મને ભાષણ આપવાનું બંધ કર. શું હું નથી જાણતો કે ડ્રાફ્ટરની મદદથી પણ મારાથી સીધી લીટી નથી દોરી શકાતી? પણ હું શું કરું? આ મારી ખામી છે જ, અને મારે એ ખામીમાંથી જ રસ્તો કાઢવાનો છે. અને રસ્તો શું કાઢવાનો, મારે તો ચાલીસ માર્કસ જ લઈને આ એન્જી. ડ્રોઈન્ગનો સબ્જેક્ટ જ પાસ કરવાનો." એન્જી. ડ્રોઈન્ગનાં પ્રેક્ટિકલમાં નીરવ શાંતિમાં હું અને મારો ખાસ મિત્ર રવિ જાણે ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા.

"જીગર, તને હિરેન સરનો ડર નથી લાગતો? કારણ કે અમારું ડ્રોઈન્ગ આટલું સારું છે છતાંય અમને બીક લાગતી હોય છે. અને તારા ડ્રોઈન્ગનું તો શું કહેવું...?"

"સાચું કહું, મને ખુશી છે કે હિરેન સર આ એન્જી. ડ્રોઈન્ગનાં વિષય માટે પસંદ થયા. કેમ કે, મિસ.ખુશ્બુ તો બહું જ પરફેકશનમાં માનતી હતી, અને મારા ડ્રોઈન્ગમાં પરફેકશન કેવું ને વાત કેવી? નો વે..." કહીને હું ખડખડાટ હસવા લાગ્યો.

થોડીવારમાં જ હિરેન સરે આજનાં ડ્રોઈન્ગનો વિષય આપ્યો અને વારાફરતી દરેક વિદ્યાર્થીનાં ડેસ્ક પાસેથી પસાર થતા ઝીણવટથી બધાનાં  ડ્રોઈન્ગ પર નજર ફેરવવા લાગ્યા. એટલામાં તો જાણે ડ્રોઈન્ગ રૂમની નીરવ શાંતિમાં ભંગ પડ્યો હોય એમ...

"અરે યાર...જોઈને તો ચાલો! મારું ડ્રોઈન્ગ..." બોલીને હું ચુપ થઈ ગયો.

"સોરી સોરી...આઈ એમ વેરી સોરી" ડ્રોઈન્ગ રૂમમાં ફરતા ફરતા હિરેન સરથી મને ધક્કો લાગ્યો જેથી મારા ડ્રોઈન્ગમાં મોટી લીટી પડી, જેને જોતાં હિરેન સર સોરી કહેવા લાગ્યા.

"સોરી સર...ઈટ ઈસ ઓકે સર. મારે એવું ન્હોતું બોલવું જોઈતું"

"ના ના, આ મારી જ ભૂલ છે. શું નામ છે તારું?અ...અ...જી... ગર......જીગર..." મારી ડ્રોઈન્ગ શીટ તરફ જોઈ મારું નામ વાંચતા હિરેન સર બોલ્યાં.

થોડીવારમાં તો બધાં જ વિદ્યાર્થીઓનાં ડ્રોઈન્ગ બનવા આવ્યાં, અને હું એ જ મોટી લીટી ઈરેઝરની મદદથી ભૂંસવા લાગ્યો, પણ બોસ ટુ એચ પેન્સિલની લીટીની છાપ એમ થોડી જાય? હું પણ જેમતેમ કરીને ડ્રોઈન્ગ શીટ હાથમાં લઈને બધાં વિદ્યાર્થીઓની સાથે શીટ ચેક કરાવવા લાઇનમાં ઊભો રહ્યો.

મારો વારો આવ્યો ત્યારે હિરેન સરે મારી સામે જોયા બાદ મારી ડ્રોઈન્ગ શીટ તરફ એક પણ વાર ન જોયું, ન ભૂલ કાઢી (જેવી ભૂલો મિસ.ખુશ્બુ વારંવાર કાઢતી), અને ન કોઈ શિખામણનાં શબ્દો કહ્યા. સીધો મને એ ગ્રેડ આપીને કહ્યું "આવતી વખતે આનાથી પણ સરસ ડ્રોઈન્ગ બનાવજે"

"સર, ખાનગીમાં વાત કરું તો હું ક્યારેય સરસ ડ્રોઈન્ગ બનાવી જ નથી શક્યો. મારા ડ્રોઈન્ગમાં હંમેશા ખામીઓ હોય જ છે"

"પણ જીગર, મારું એવું માનવું છે કે તું હજુ મહેનત કરે તો તું સારા ડ્રોઈન્ગ બનાવી લઈશ."

"સર, મારે ક્યાં કોઈ ચિત્રકાર થવું છે? મારે તો બસ ચાલીસ માર્કસ આવી જાય અને આ વિષય પાસ કરું એટલું જ જોઈએ"

"ચિત્રકાર..."આ શબ્દ આવતાની સાથે જ મારું સુષુપ્ત મન જાણે કાંઇક જુનું યાદ કરવા લાગ્યું, કાંઇક કેમિકલ લોચો થયો અને ભૂતકાળનો એક પ્રસંગ યાદ આવ્યો.

-----*-----*-----*-----*-----

"જુઓ ભરતભાઈ, તમે મારા મિત્ર છો એટલે મારી ફરજ છે કે તમને સાચી સલાહ આપવી.તમે જીગરને અહિંયા રાજકોટમાં તમારી જ પાસે રાખીને ભણાવો. એ આગળ જઇને હોશિયાર વિદ્યાર્થી બની શકશે. મને તો તેનામાં એક સારા ચિત્રકારનાં લક્ષણ દેખાય છે." મારા ક્લાસ ટીચર ત્રિવેદી સર બોલ્યાં.

"જુઓ સર, હું તો જીગરને રાજકોટમાં જ રાખીને સારું શિક્ષણ આપવા માંગુ છું, પણ આખરે હું તેનો મામા છું. જીગરનાં માં-બાપની ઈચ્છા છે કે જીગર તેમની સાથે રહે અને એ પણ નાનાં ગામડામાં. જયાં શિક્ષણની સારી વ્યવસ્થા પણ નથી."

હું માત્ર બીજા ધોરણમાં જ હતો અને આ બધું શું થઈ રહ્યું છે તે સમજું કે વિચારું તે પહેલા ત્રિવેદી સરે મારા મામાને એક કાગળ આપ્યો અને કહ્યું "ભરતભાઈ, હજુ પણ વિચારી લો. આ એલ.સી.લઇ લીધાં પછી પણ તમારો વિચાર બદલે તો કહેજો. હું હર હંમેશ તમને મદદ કરવા તૈયાર છું."

થોડા દિવસો પછી લાલપુર ગામની પ્રાથમિક શાળામાં મને ભણવા મોકલવામાં આવ્યો. રાજકોટની સ્કુલથી વિપરીત અહિંયા તો એકદમ અલગ જ વાતાવરણ હતું. એમાં પણ મારા ક્લાસ ટીચર પંડ્યા સાહેબ, ખૂબ જ ગુસ્સાવાળા, વાતવાતમાં વિદ્યાર્થીઓને મારી મારીને ધૂળ કાઢી નાંખે એવા. મને તો પંડ્યા સરથી ખૂબ જ ડર લાગતો હતો.

"જુઓ છોકરાઓ...હું હમણાં જ આવું છું. ત્યાં સુધી તમે ચિત્રપોથીમાંથી ત્રીજા ક્રમનું ચિત્ર બનાવીને તૈયાર રાખજો. જો કોઈનું ચિત્ર બાકી હશે તો..."પંડ્યા સાહેબ તો જાણે ત્રાડ પાડીને જતા રહ્યા.

એ ચિત્રમાં ગામડાની એક સ્ત્રી જાણે વાડીએ કામ કરતા પોતાનાં પતિનું ભાથું લઈને જતી હોય, એવું ચિત્ર બનાવવાનું હતું. સૌ છોકરાઓ પોતપોતાની આવડત મુજબ ચિત્ર બનાવવા લાગ્યા.

બધાં જ વિદ્યાર્થીઓએ પાટી પેનથી ચિત્ર બનાવીને તૈયાર રાખ્યા અને પંડ્યા સરનાં આવવાની રાહ જોઇ રહ્યા હતા.

"વાહ! જીગરે તો જોરદાર ચિત્ર બનાવ્યું છે યાર. અને તારું ચિત્ર જો ગૌરવ...અત્યાર સુધી આપણાં ક્લાસમાં તારા ચિત્રનાં વખાણ થતા રહેતાં પણ આ વખતે મને લાગે છે કે... જીગરનું ચિત્ર!..." મિથુન જાણે ગૌરવનાં મનમાં મારા ચિત્ર વિશે ઈર્ષ્યા ઊભી કરતો હોય તેમ બોલ્યો.

"અરે જીગરીયા, તારું ચિત્ર તો જોરદાર છે હોં. જરાક બતાવ તો..." મારી બાજુમાં બેઠેલા ગૌરવે કહ્યું.

મેં મારી પાટીમાં બનાવેલ ચિત્ર ગૌરવ તરફ કર્યું અને ગૌરવે તરત જ પોતાની વોટર બોટલમાંનું પાણી એ ચિત્રમાં ઢોળી નાખ્યું. મારા ગુસ્સાનો જાણે કોઈ પાર ન્હોતો.

"ધડામ..."મારી સ્ટીલની એ પાટીનો ખૂણાનો ભાગ મેં ગૌરવના માથામાં માર્યો.

"મમ્મી..."કહીને ગૌરવ રડવા લાગ્યો અને જોતજોતામાં તો તેનાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું.

ક્લાસમાંથી અમુક છોકરાંઓ પંડ્યા સરને બોલાવવા ગયા, અમુક છોકરાંઓ ગૌરવને આચાર્ય પાસે બતાવીને દવાખાને લઇ ગયા...અને કોઈક તો વળી ગૌરવનાં ઘરે જઇને તેની મમ્મીને બોલાવી લાવ્યો.

"તું એટલો મોટો ચિત્રકાર છે કે તારું ચિત્ર કોઈ જોઈ પણ ન શકે?" કહીને પંડ્યા સરે મને બે થપ્પડ ઝીંકી દીધી અને મને કશું જ બોલવાનો મોકો ન મળ્યો. 

એકાદ કલાકમાં તો ગૌરવનાં મમ્મી પ્રગટ થયાં "સાહેબ, હજુ મારો આ છોકરાને, આણે મારા ગૌરવનું...ગૌરવનું માથું ફોડી નાખ્યું. આવા તોફાની છોકરાઓને તો સ્કુલમાંથી કાઢી મુકવા જોઈએ. આજે આ છોકરાનાં લીધે ગૌરવ માંડ માંડ બચ્યો છે. હું હમણાં જ એને દવાખાનેથી પાટાપીંડી કરીને ઘરે લઇ આવી. " આટલું બોલતાં બોલતાં ગૌરવનાં મમ્મીની આંખોમાં હું સ્પષ્ટ આક્રોશ જોઈ રહ્યો હતો.

"જાઓ બહેન જાઓ, તમે ગૌરવની તબિયતનું ધ્યાન રાખજો. આ જીગરને તો હું જોઈ લઈશ. મેં હમણાં જ જીગરનાં પપ્પાની ઓફિસે ફોન કરીને એમને પણ અહિંયા બોલાવ્યા છે."કહીને પંડ્યા સરે જાણે ગૌરવનાં મમ્મીનું મન રાખવા ફરી મને એક થપ્પડ ઝીંકી દીધી.

થોડીવારમાં તો મારા પિતાશ્રી પણ પ્રગટ થયા, પંડ્યા સરે તેમને બધી જ વિગત જણાવી."નાલાયક...તું મારા હાથમાંથી જ નીકળી ગયો છે. તને બધાં લાડ લડાવું છું એનું જ આ પરિણામ છે" કહીને પપ્પા પણ મારા પર હાથ ઉપાડવા જતા હતા ત્યાં જ પંડ્યા સરે પપ્પાનો હાથ રોકી સમજાવ્યા કે "જીગરે કરેલ ભૂલ જેટલો માર તે ખાઈ ચુક્યો છે. મહેરબાની કરી આપ રહેવા દો" અને પપ્પા ગુસ્સામાં હાથ પાછો વાળીને ત્યાંથી નીકળી ગયા. આ વખતે મને પંડ્યા સર વધારે વ્હાલા લાગ્યા.

થોડા દિવસો બાદ, જ્યારે બધું જ સામાન્ય થઈ ગયું ત્યારે એક દિવસ રીસેસમાં ગૌરવ મારી પાસે આવ્યો અને મજાકમાં કહ્યું "જીગરીયા, જોયું ને...તારા એ ચિત્રએ તારી હાલત કેવી કરી? મારું તો જે થવાનું હતું તે થયું પણ તારું? તારું તો આખી ક્લાસ, આખી સ્કુલ સામે..."કહેતાં કહેતાં તે ખડખડાટ હસવા લાગ્યો.

એ દિવસે, એ ચિત્રને લીધે, એક કલાકમાં જ મેં લગભગ ત્રણેક થપ્પડ ખાઈને, જેમ-તેમ કરીને મારો દિવસ વિતાવ્યો અને જાણે કેટલા દિવસો સુધી એ થપ્પડોની ગુંજ મારા કાનોમાં સંભળાતી રહી. એ દિવસ પછી મારે હાથે ક્યારેય ચિત્ર બનાવવાનો ઉત્સાહ જ ન રહ્યો.

-----*-----*-----*-----

"જીગર, શું થયું તને? ક્યાં ખોવાઇ ગયો?" હિરેન સરે મને પુછ્યું.

"કાંઈ નહીં સર, એક જૂની વાત યાદ આવી ગઈ અને..."

"પણ જો જીગર, તું એન્જી. ડ્રોઈન્ગમાં થોડી મહેનત કરજે. નહીંતર મને લાગે છે કે તને એમાં એટીકેટી આવશે."

"સર, હું ધ્યાન આપીશ. પણ મારે જોઈએ તો ચાલીસ જ માર્ક ને!" અને આટલું બોલતાની સાથે જ હિરેન સર ખડખડાટ હસવા લાગ્યા.

-----*-----*-----*-----*-----

છ મહિના પછી જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે મારી ખુશીનો જાણે પાર ન્હોતો. કારણ કે મને એન્જી. ડ્રોઈન્ગનાં વિષયમાં પુરા એકતાલીસ માર્કસ આવ્યાં હતાં અને હું એ પરિણામ હિરેન સરને બતાવવા પણ ગયો.

"એમ....તો પપ્પુ પાસ હો ગયા..."કહેતાં હિરેન સર મારી સામે ખડખડાટ હસવા લાગ્યા.

"જીગર, મને એ નથી સમજાતું કે તે એન્જી. ડ્રોઈન્ગનાં વિષયમાં મહેનત કરીને સારો સ્કોર કેમ ન કર્યો?"

"જો રવિ, મને ડ્રોઈન્ગ કરવું ગમતું જ નથી. આમપણ હવે કોમ્પ્યુટરની મદદથી ગમે તે માણસ સારું ચિત્ર બનાવી શકે. તો આપણે વળી આ ડ્રાફ્ટર- બ્રાફટર ગોઠવીને સ્કોર કરવાની શી જરુર?આપણે આપણા ઇલેક્ટ્રિકલનાં વિષયોમાંજ મહેનત કરવાની બોસ...એન્જી. ડ્રોઈન્ગ જેવા આવતાં-જતાં વિષયો માટે રાત ગઈ બાત ગઈ..."

"એવું નથી જીગર...પણ"

"જો રવિ, કોઈની નાની લીટીને ઓછી આંકવા માટે પોતાની લીટી મોટી બનાવવી એ મને નથી આવડતી, અને હું શીખવા પણ નથી માંગતો. આમપણ, ડ્રોઈન્ગમાં ઈરેઝરની મદદથી ખરાબ છાપને સહેલાઈથી ભૂંસી શકાય છે. જ્યારે આપણાં મનમાં...મનમાં પડેલ છાપને દુનિયાનું કોઈ ઈરેઝર ભૂંસી શકતું નથી. બીજું કે મારા ખરાબ 
ડ્રોઈન્ગમાં હિરેન સરથી પડેલ લીટીને લીધે..."

સમાપ્ત.

-આપ આપના પ્રતિભાવો મને ઈમેઈલ કે વોટ્સઅપ પર મોકલી શકો છો.
ઈમેઈલ: ozasagar@gmail.com
વોટ્સએપ: 94295 62982

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED