ચોરો
હમણા અમુક કારણથી મારે મારા ગામ જવાનું થયું. હા, એજ ગામ જ્યા મારૂ બાળપણ વીત્યું હતુ. એ ગામની લગભગ બધીજ શેરીઓ અમે ખૂંદેલી હતી. લોકડાઉનમાં ત્રણ-ચાર મહિના કોંક્રીટના જંગલમાં જ વિતાવ્યા પછી ગામડે જવાની ખુશી તો ઓર જ હતી. ગામડે જવા માટે અમે નીકળ્યા અને આખે રસ્તે હું એ જ વિચારતો રહ્યો કે છેલ્લા પંદરેક વર્ષથી હું મારા ગામમાં નથી આવ્યો. ગામ કેટલુ બદલાઈ ગયું હશે? મારા બાળપણના મિત્રો શું કરતા હશે?
સાંભળ્યુ છે કે ધવલ પ્રાથમિક શાળામાં શિક્ષક બની ગયો છે, એ જ પ્રાથમિક શાળા જ્યા અમે સૌ મિત્રો ભણતા હતા. નિરવ પોતાના પિતાની સાથે ખેતીમાં લાગી ગયો છે. મયુરે પોતાનો પાનનો ગલ્લો શરૂ કર્યો છે, આમ પણ અમે ભણતા ત્યારે રમતા રમતા મયુર પાનવાળો જ બનતો. એકાદ-બે મિત્રોએ નાસ્તાના ધંધામાં ઝમ્પલાવ્યું છે.
પણ...અલ્પેશ...જ્યા અલ્પેશ યાદ આવ્યો ત્યાં આંખમથી એક બિંદુ જાણે બહાર આવવા મથામણ કરી રહ્યું હોય એમ આંખો ભરાઈ આવી.
*****-----*****
અલ્પેશ, મારા બાળપણનો મિત્ર, મારો ખાસ મિત્ર. કોણ જાણે અમારે ક્યા ભવના બંધનો હશે? કોણ જાણે અમે કેટકેટલી વાર ઝઘ્ડ્યા હોઈ અને પાછા મિત્ર બની જઈએ? સાઇકલની ડબલ સવારીમાં હેન્ડલ હું પકડું અને પેંડલ અલ્પેશ મારે. આવા તો કેટકેટલાય કિસ્સાઓ હતા.
હમણા બે વર્ષ પહેલા જ અલ્પેશ સાથે બનેલા અકસ્માતની વાત મળી જેમાં અલ્પેશ આ દુનિયા છોડીને જતો રહ્યો. અમે કેટલાય વર્ષોથી મળ્યા ન્હોતા, અને એ વાતનો અફસોસ મને આજીવન રહેશે.
આંખો સ્હેજ ચોળીને હું ડ્રાઇવિંગ પર ધ્યાન આપવા લાગ્યો.
*****-----*****
અમે ગામમાં પહોચ્યા. ઘરે સમાન રાખ્યો. મુસાફરીમાં થાક્યા હતા એટલે થોડો આરામ કર્યો. સાંજે હું અમસ્તો જ બજારમાં લટાર મારવા નીકળી પડ્યો. પણ આ વખતે, મે ગામના દરેક વ્યક્તિમાં એક પરિવર્તન જોયું. પરિવર્તન એ હતુ કે દરેકના ચહેરા પર માસ્ક હતુ. હું લગભગ કોઈને ઓળખી ન્હોતો શકતો. કદાચ મારા બાળપણના ખાસ મિત્રો પણ મારી બાજુમાથી નિકળે તો પણ અમે એકબીજાને ન ઓળખી શકીએ. આ તે કેવી પરિસ્થિતી? આટલા વર્ષે ગામમાં આવવા મળ્યું તો પણ આવા સંજોગોમાં?
હંમેશની માફક હું રામજી મંદિરના ચોરાવાળા રસ્તા પર નીકળી પડ્યો. પંદર વર્ષ પહેલાની જેમ જ, રામજી મંદિરના ચોરા પાસેથી નીકળતી વખતે મારૂ મન ચોરા પાસેની એ જ સુગંધ શોધી રહ્યું હતુ. પણ ચહેરા પર માસ્ક હોવાને લીધે તે સુગંધ મારા સુધી પહોચી ન્હોતી શક્તી. હું થોડો વ્યાકુળ થયો.
મે આજુબાજુ જોયું અને હળવેકથી માસ્ક જરા નીચું કરીને ચોરાની એ સુગંધ લેવાની કોશિશ કરી અને બાળપણમાં સરી પડ્યો. એજ સુગંધ, જાણે મને મારૂ બાળપણ પાછું મળ્યું હોય. આટલા વર્ષથી આ સુગંધમાં જાણે કોઈ જ ફેર ન્હોતો પડ્યો. હું બે ઘડી સ્થિર થઈને આ ક્ષણને, બાળપણની આ ક્ષણને પુરેપુરી રીતે માણવા માંગતો હતો. બરાબર એ જ વખતે મને કવિ શ્રી અનિલ ચાવડા સાહેબની આ પંક્તિ યાદ આવવા લાગી.
સ્હેજ હસી લઉ, સ્હેજ રડી લઉ,
સ્હેજ ઊગી લઉ, સ્હેજ ખરી લઉ,
એમ થાય કે મારગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાથ ભરી લઉ,
વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ...
હું ય ગામની ધૂળ ભરવી છેક ગલોફે, લાવ ગામનો નશો કરી લઉ...
-કવિ શ્રી અનિલ ચાવડા સાહેબ
*****-----*****
એટલમાં એક ભાઈ ત્યાથી પસાર થયા અને મને ઈશારામાં માસ્ક પહેરી રાખવાનું કહ્યું. મે તરત જ માસ્ક પહેરીને તેમને હળવું સ્મિત આપ્યું.
શું જમાનો આવ્યો છે? આજે આપણે જૂની સ્મૃતિ યાદ કરવા માટે પણ જાણે મ્હોતાજ બની ગયા!
-સા.બી.ઓઝા
૨૯૦૯૨૦૨૦૦૮૨૮૨૩
આપ આપના પ્રતિભાવો મને વોટ્સ એપ પર ૯૪૨૯૫ ૬૨૯૮૨ કે ઈમેઈલ
ozasagar@gmail.com પર પણ મોકલી શકો છો.