Highschoolni Aanjani books and stories free download online pdf in Gujarati

હાઇસ્કુલની આંજણી

“હાઇસ્કુલની આંજણી”

"અરે! રજત, આ શું? આજે તું આવા વિષય ઉપર લખી રહ્યો છે?" હું બાથરૂમમાં ન્હાવા જઈ રહ્યો હતો ત્યારે મારી પત્ની મહેકે મને પુછ્યું.

"અરે મહેક! જો આટલાં માટે જ હું મારું લખવાનું કામ ઘરમાં નથી લાવતો. તું આ વિષય પર મારી વાર્તા વાંચીને મજાક ઉડાવે છે" હું થોડાં અણગમા સાથે ભારે અવાજમાં બબડ્યો.

"પણ રજત, તું જ્યારે બીજા બધા વિષય પર લખે છે ત્યારે હું તારી મજાક નથી કરતી. પણ આજે તે વિષય જ એવો પસંદ કર્યો છે કે મારું હસવું રોકાતું નથી" મહેકએ એક હળવા સ્મિત સાથે કહ્યું.

ન્હાવાનું પડતું મુકીને હું ફટાફટ મેઈન હોલમાં આવી મહેકનાં હાથમાંથી "હાઇસ્કુલની આંજણી" વિશેનાં લખાણના પેપર લઇ અને થોડાં ગુસ્સામાં પોતાનું ઓફિસ જવાનું કહીને ઘરેથી જવાની તૈયારી કરું છું.

"મિસ્ટર, તમે ભૂલી ગયા લાગો છો! આજે રવિવાર છે અને આજે તમારે રજા છે" મહેકએ ફરી કોફીની ચુસ્કી મારતાં મારતાં મને કહ્યું.

"ઉફફ..… મને ખબર છે.... પણ હું ઓફિસે એકલો બેસીને ત્યાં લખવાનું વધારે પસંદ કરીશ મેડમ. પણ અહીંયા તારી મજાક સહન નહીં કરી શકાય" ટોવેલથી શરીર લૂછતાં હું બોલ્યો.

છેલ્લાં પાંચ વર્ષથી લગ્નગ્રંથિએથી જોડાયેલ, સુખી જીવન વ્યતીત કરી રહેલ હું અને મારી પત્ની મહેક. હું થોડો અંતર્મુખી અને શાંત સ્વભાવનો અને મારી મહેક એટલી જ હસમુખ અને મજાકીયા સ્વભાવની!

આ તરફ હું પોતાની ટાટા નેનો કારમાં ઓફીસ જવાં માટે નીકળ્યો તેવામાં મને એક વિચાર આવ્યો.

"આ “હાઇસ્કુલની આંજણી” વિષે હું ઓફિસમાં, ઘરે કે બીજે ક્યાંય લખવાને બદલે મારી હાઇસ્કુલમાં જ બેસીને લખું તો? કારણ કે આખરે આ બનાવ પણ ત્યાં જ બન્યો હતો ને!" હું અચાનક જ સ્વયં સાથે વાત કરતાં બબડ્યો.

તરત જ મેં ટાટા નેનો કારને ઓફિસને બદલે પોતાની હાઇસ્કુલ તરફ જતાં રસ્તા પર વાળી. હાઇસ્કુલનાં ગેટ પાસે પહોંચતા જ મારી ઘણી બધી યાદો તાજા થઈ ગઈ.

વિશાળ જગ્યામાં ફેલાયેલ હાઇસ્કુલ, જેમાં હું ભણતો હતો. આજે રજાનો દિવસ, એટલે એકદમ શાંત વાતાવરણ. એવામાં હાઇસ્કુલની દેખરેખ કરતાં શાંતિલાલ અને એમનું કુટુંબ, જે હાઇસ્કુલનાં મેઈન ગેટની બાજુમાં બનાવેલ ઓરડીમાં રહેતાં હતાં.

"શાંતિલાલ, હું રજત. હું આ જ હાઇસ્કુલ માં ભણતો હતો, આશરે વીસેક વર્ષ પહેલાં. આ મારું હાલનું આઈ કાર્ડ છે. મારે બીજું કંઈ કામ નથી, હું માત્ર હાઇસ્કુલમાં લીમડા નીચે બેસીને એક વાર્તા લખવા માંગુ છું. જો તમને આમાં કાંઈ વાંધો ન હોય તો?" મેં શાંતિલાલને પુછ્યું.

"સાહેબ, કાંઈ વાંધો નહીં. તમે આરામથી બેસીને વાર્તા લખો. હું તમારાં માટે જગ્યા સાફ કરી આપું અને ચા-પાણીની વ્યવસ્થા કરી આપું" આટલું કહીને શાંતિલાલ ઉપડ્યા.

સાફ થયેલી જગ્યા પર બેસીને અને ચૂલામાં બનેલી કડક મજાની ચા પીને મેં પોતાની વાર્તા લખવાની શરૂઆત કરી.

***

મેં દસમું ધોરણ પાસ કર્યા પછી ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન લીધું અને મારા માટે કો-એડનો અનુભવ પહેલી વખતનો હતો, અત્યાર સુધી તો માત્ર છોકરાઓની સાથે જ ભણેલ હું આજથી કો-એડમાં ભણવાનો હતો.

"રજતીયા, જો મને લાગે છે કે તને આંજણી થઈ છે. તું પ્લીઝ રજા લઈને તારા ઘરે જતો રે. નહીંતર બીજાને પણ આંજણી થશે" ચિંતાતુર સ્વરે મારો ખાસ મિત્ર કલ્પેશ બોલ્યો.

"કલ્પેશ, હું હમણાં જ ક્લાસ ટીચર પાસે જઇને રજા માંગું છું" મેં કહ્યું.

"સર, મને જમણી આંખમાં આંજણી થઈ હોય એવું લાગે છે. પ્લીઝ મને રજા આપશો?" મેં અમારાં ક્લાસ ટીચર મકવાણા સરને પુછ્યું.

"ઓકે રજત. પણ કાલે તું જ્યારે સ્કુલે આવે ત્યારે ચશ્મા પહેરીને આવજે, જેથી કરીને બીજાઓને ચેપ ન લાગે" મકવાણા સરે રજાની મંજુરી આપતાં મને કહ્યું.

મનોમન હરખાતો હું આજે ઘરે વહેલો આવવાથી ખુશ હતો. ઘરે આવીને મેં તરત જ મારા પિતાને આંજ્ણીની વાત કરી અને હું પોતાનાં માટે સારાં અને સસ્તાં ગોગલ્સ લઇ આવ્યો.

"શું વાત છે રજતીયા? દસમાં સુધી તો એકદમ સીધો સાદો થઈને રહેતો હતો અને અગિયારમાં આવ્યો એટલે તરત જ ચશ્મા પહેરીને ફરવાનું! છોકરી પટાવી કે શું?" હંમેશા મારી મસ્તી અને હલકી મજાક કરતો અને આખા ક્લાસમાં બદનામ એવો પ્રેરિત બોલ્યો.

"જો પ્રેરિત, હું કોઈ શોખથી ચશ્મા નથી પહેરી લાવ્યો. મને જમણી આંખમાં આંજણી થઈ છે એટલે પહેર્યા છે. પ્લીઝ મારી મજાક રહેવા દે" મેં વિનંતીસભર પણ સાફ શબ્દોમાં કહી નાખ્યું.

"હશે ભાઈ..… રજતથી કયાં કોઈ છોકરી પટી શકે તેમ છે? તેનાં માટે તો પ્રેરિત જેવી સ્ટાઇલ જોઈએ સ્ટાઇલ" પ્રેરિતનો ખાસ ચમચો એવો સંદીપ બોલ્યો.

હું ત્યાંથી પોતાનો રસ્તો કરીને ક્લાસ તરફ નીકળી ગયો.

"રજત, ઊભો થા. કેમ તું ગોગલ્સ પહેરીને ક્લાસમાં બેઠો છે? તું શું બહું સ્પેશિયલ છે?" હંમેશા ગુસ્સો કરતાં અને વિદ્યાર્થીઓને નેગેટિવ વાતથી ઉતારી પાડતાં જાડેજા સરે મને પુછ્યું.

"સર, આ ગોગલ્સ એટલાં માટે પહેર્યા છે કેમ કે મને આંજણી થઈ છે" મેં જાડેજાસરને ગભરાતા ગભરાતા કહ્યું.

છોકરાં-છોકરીઓ એમ મળીને કુલ નેવું વિદ્યાર્થીઓનો એ અગિયારમાં સાયન્સનો ક્લાસ, આજે સૌ કોઈ મારા પર હસવા લાગ્યા અને મારી આંખો ભરાઈ આવી. ભલું થાય એ ગોગલ્સનું જેણે સમય સાચવી લીધો અને આંખોની ભીનાસ ગોગલ્સની અંદર જ સચવાઈ રહી, બહાર ન આવી.....

બીજા દિવસે હું શકય એટલી હિંમત કરીને પહેલી બેન્ચ પર બેઠો, અને હાં એ પણ પોતાનાં ગોગલ્સ પહેરીને.

"યાર દીપેશ, આ સામે છોકરીઓની પહેલી બેન્ચ પર ખૂણામાં બેઠી એ છોકરી કોણ છે?" મેં પહેલી બેન્ચ પર કાયમ બેસતાં મિત્ર દિપેશને પુછ્યું.

"રજતીયા, એ બાજુ તો જોજે જ નહીં. એ સ્નેહા છે, ગર્લ્સ હાઇસ્કુલની દસમાં ધોરણની ટોપર છે અને મારા ઘરની નજીકમાં જ રહે છે. તેનો સ્વભાવ ખૂબ જ આકરો છે, ભણવા સિવાય બીજી કોઈ વાત જ નહીં. તેનાં પપ્પા પણ શિક્ષક છે, માટે મહેરબાની કરીને તું એ તરફ જોવાનું માંડી વાળ" એકી શ્વાસે દિપેશે મને વિનંતિ કરીને કહ્યું.

રસાયણ વિજ્ઞાનનાં શિક્ષકે પોતાનાં પિરિયડમાં ભણાવવાની શરૂઆત કરી. પણ આજે હું શિક્ષકને ખબર ન પડે તેમ ગોગલ્સમાંથી સ્નેહા સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો. થોડાં ઘણાં અંશે સ્નેહાને પણ આજે લાગી રહ્યું હતું કે હંમેશા છેલ્લી બેન્ચ પર બેસતો હું આજે પહેલી બેન્ચમાં બેસી અને ગોગલ્સ પહેરીને તેની તરફ ડોકિયું કરી રહ્યો છું.

સ્નેહાએ ઘણી વાર નિરીક્ષણ કર્યા બાદ પોતાની બાજુમાં બેઠેલી દીપિકાને આ વાત જણાવી. હવે દીપિકા ગુસ્સાથી મારી સામે જોઈ રહી હતી. કદાચ હું તો સ્નેહાને જોવામાં મશગુલ હતો (અને કદાચ આ પહેલી નજરે થયેલ પ્રેમ પણ કહી શકાય), એટલે મને તો નહીં પણ દિપેશને દીપિકા મારા તરફ ગુસ્સાથી જોઈ રહી હતી એનો અહેસાસ આવી ગયો હતો અને દીપેશ પરિસ્થિતિને પામી ગયો.

"રજતીયા, તું યાર રહેવા દે ને.… જો દીપિકાને પણ ખબર પડી ગઈ છે કે તું લગાતાર સ્નેહા સામે જુએ છે, આ રસાયણ વિજ્ઞાનનો સાહેબ બહું કડક સ્વભાવનો છે, તે તને અને મને બહાર કાઢી મુકશે. પ્લીઝ રહેવા દે યાર" દિપેશે ચાલું ક્લાસમાં ખૂબ જ ધીમા અવાજે મને સમજાવ્યો.

સ્નેહાનાં વિચારોમાં ખોવાયેલ હું, મને અચાનક જ કાંઇક લાગ્યાનો અહેસાસ થયો, શું લાગ્યું? જે લાગ્યું હતું તે બીજું કંઈ નહીં પણ એક ચોકનો ટુકડો હતો જે રસાયણ વિજ્ઞાનનાં શિક્ષકે મને માર્યો હતો.

"ઊભો થા.... પહેલાં તો એ કહે કે કેમ તું આજે પહેલી બેન્ચ પર બેઠો? તે ક્લાસમાં કેમ ગોગલ્સ પહેર્યા છે? તને દસમાં ધોરણમાં કેટલાં ટકા આવ્યાં હતાં?તું સાયન્સ છોડી દે....." રસાયણ વિજ્ઞાનનાં શિક્ષકે એકીસામટે પુછી નાખ્યું.

"સર, મને આંજણી થઈ છે, પાછળની બેન્ચ પરથી જોવામાં તકલીફ પડે છે એટલે હું પહેલી બેન્ચ પર બેઠો છું. અને મને દસમાં ધોરણમાં એંસી ટકા આવ્યાં છે" મેં ખૂબ જ સરળતા અને આત્મ-વિશ્વાસ સાથે જવાબ આપ્યો.

"એમ.… હમ્મ... એંસી ટકા..... તો તું મને જવાબ આપ કે બોર્ડ ઉપર દર્શાવેલ રસાયણનાં સૂત્રનું સંયોજન કરવાથી અંતમાં શું બનશે?" સાહેબે પુછ્યું.

હું વિચાર કરતાં કરતાં દિપેશ સામે જોઈ રહ્યો અને દિપેશે એ જોયાં ન જોયાં જેવું કરી લીધું. હવે મારું પિરિયડમાં ધ્યાન હોય તો કાંઇક જવાબ આપી શકું ને!

"સાહેબ આ સમીકરણમાં અંતે નિકલ કલોરાઈડ અને ઓક્સીજન બનશે" થોડી વાર માથું ખંજવાળતો અને તુક્કો લગાવતાં હું બોલ્યો.

આખો ક્લાસ સાથે સાથે સ્નેહા અને દિપીકા પણ જોરજોરથી હસવા લાગ્યાં.

"જોયું ને, તારા જેવાં વિદ્યાર્થીઓને સાયન્સમાં એડમિશન તો લઇ લે છે પણ પછી વિજ્ઞાનમાં કાંઈ આવડે-બાવડે નહીં અને પોતાનું રિઝલ્ટ ખરાબ કરે અને સ્કુલનું નામ પણ ખરાબ કરે, તું સાયન્સ છોડી જ દે....." રસાયણનાં શિક્ષકે મારી ઝાટકણી કાઢતાં કહ્યું.

આજે હું ખરેખર રડું રડું જ થઈ ગયો. ફરી ભલું થયું ગોગલ્સનું કે મારી આંખ ભરાઈ જવાનું ક્લાસની સમક્ષ ન આવ્યું.

ત્રણ-ચાર દિવસ આમને આમ ચાલ્યું. હું રોજ રોજ પહેલી બેન્ચ પર બેસુ અને ગોગલ્સનાં ખૂણામાંથી સ્નેહાને જોયાં કરું અને વચ્ચે-વચ્ચે સ્નેહા પણ મને જોતાં પકડી પાડે. જાણે સ્નેહા પણ મને આમ પકડવામાં આનંદ લેતી હોય.....

પાંચમાં દિવસે મારી આંજણી મટી ગઈ..... સાલું હવે શું કરવું?

"રજતીયા, તારી આંજણી મટી ગઈ છે, હવે તો તું ગોગલ્સ નહીં પહેરે ને?" દિપેશે પુછ્યું.

"હાં.... તો?"

"તો મારા ભાઈ, હવે મહેરબાની કરીને તું તારી અસલ જગ્યા એટલે કે પાછળની બેન્ચે જતો રહે. અહિં તારા લીધે મને બહું ડર લાગે છે કે ક્યાંક મને પણ કોઈ શિક્ષક પકડીને કોઈ પ્રશ્ન ન પૂછી લે અને જવાબ ન આવડે તો સાયન્સ છોડી દેવાનો હુકમ ન કરી દે..." દિપેશે મને રીતસરના હાથ જોડતા કહ્યું.

હવે આંજણી મટી ગયાં બાદ મારી માટે પણ સ્નેહા સામે સતત જોયાં કરવું મુશ્કેલ હતું. અને આમ પણ પહેલી બેન્ચ પર બેસવામાં જોખમ જેવું લાગતું કેમ કે કોઇપણ શિક્ષક પહેલી બેન્ચવાળાઓને વધારે પ્રશ્ન પુછે અને સાચો જવાબ ન મળે તો વળી ગુસ્સે થાય.

"દિપેશ, હું તારી વાત સાથે સહમત છું. હવે હું મારી અસલ જગ્યાએ જ બેસી જઈશ" મેં કહ્યું.

આમને આમ અગિયારમું ધોરણ પુરું થવાં આવ્યું. મારા મનમાં તો સ્નેહા પ્રત્યે પ્રેમ હતો પણ ક્યારેય હું કહી ન શકયો.

આજે અગિયારમાં સાયન્સનું પરિણામ જાહેર થવાનું હતું. સૌ કોઈ પોતપોતાની ટકાવારીનું અનુમાન લગાવી રહ્યાં હતાં. હું પણ પોતાનાં બે-ત્રણ મિત્રોની સાથે પરિણામની રાહ જોઈ રહ્યો હતો.

ત્યાં તો નોટિસ બોર્ડ પર પટ્ટાવાળાએ આવીને પરિણામ ચોટાળ્યું. હોશિયાર વિદ્યાર્થીઓની ખુશીનો પાર ન્હોતો, હું અને મારા જેવા વિદ્યાર્થીઓ થોડી જગ્યા થાય તે પછી પરિણામ જોવાની રાહ જોઈ રહ્યા હતાં.

પોતાનાં નામની સામેની ટકાવારી જોઈને મને બહું અફસોસ થયો. "માત્ર પચ્ચાસ ટકા! મારી મહેનત પાણીમાં ગઈ. હવે શિક્ષક મને સાયન્સ છોડાવશે, પપ્પા મારી ધોલાઈ કરશે" એવાં વિચારોમાં હું મનોમન બબડ્યો.

આ તરફ જ્યારે મેં સ્નેહાનું પરિણામ જોયું તો મારી આંખો પહોળી થઇ ગઇ.

"ઓ માય ગોડ!.… નેવું ટકા!" મને જોરદાર આંચકો લાગ્યો.

મારા શિક્ષકે મારું સાયન્સ તો ન છોડાવ્યું અને મેં વિનંતિ કરીને પપ્પાને પણ મનાવી લીધાં અને પોતાનું બારમું સાયન્સ શરું કર્યું.

હવે મારી ઓછી ટકાવારીનાં પરિણામનાં લીધે સ્નેહા પણ મારા તરફ બિલ્કુલ ન્હોતી જોતી અને સ્નેહા પોતાની બહેનપણીઓની સાથે મળીને એકાદ બે વખત મારા પર કોમેન્ટ પણ કરેલ.

"દિપીકા, કોઈને પચ્ચાસ ટકા આવવાથી શું થતું હશે નહીં? હું તો પચ્ચાસ ટકાનાં પરિણામ આવવાથી ડુબી જ મરું, સાયન્સ જ છોડી દેવાય, પણ જો ને કેટલાંક છોકરાંઓ તો ન જ સુધરે અને પોતાનું ભવિષ્ય બગાડે" મને બરાબર સંભળાય એ રીતે સ્નેહા બોલી.

"જવાં દેને સ્નેહા, આપણે શું કામ એવું કહેવું? ચાલ આજનાં પ્રેક્ટિકલની તૈયારી કરીએ" દિપીકા વાત વાળવાનાં ઉદ્દેશથી સ્નેહાને બોલી.

"નાં રે નાં.… દિપીકા..… હું તો એટલાં માટે કહું છું કે આવા વિદ્યાર્થીઓ સાયન્સ છોડી દે તો આ સ્કુલનું પરિણામ સુધરી જાય અને આવાં વિદ્યાર્થીઓને...… આવાં વિદ્યાર્થીઓને તો કોઈ પટ્ટાવાળાની નોકરી પણ નહીં આપે. પણ મારે શું? આપણે તો આ વખતે પણ બોર્ડમાં નંબર પાક્કો....." આ વખતે પણ મને સંભળાય એ રીતે અતિઘમંડથી સ્નેહાએ પોતાની લિમિટ બહાર બોલી નાખ્યું.

"રજતીયા, આ સ્નેહા તને જ સંભળાવે છે યાર, કાંઇક તો બોલ. તું કહે તો તારાં વતી હું કાંઈ બોલું?" કલપેશે પુછ્યું.

"રહેવા દે કલ્પેશ, મારાં ઓછા માર્ક્સ આવ્યાં તો એ ભલેને મારી મજાક કરે. પણ આજે સ્નેહાએ મને એક એવી સમજણ આપી છે કે જે હું ક્યારેય નહીં ભુલી શકું"

"સમજણ? કેવી સમજણ? બોલ રજતીયા" કલ્પેશએ પુછ્યું.

"જો કલ્પેશ, સારા ટકા અને હોશિયાર હોઇએ તો જ બધાં બોલાવે. નબળા વિદ્યાર્થીને ક્યાંય સ્થાન નથી, પણ મને તારા જેવો દોસ્ત મળ્યો છે એ મારા માટે ઓછું નથી" કહીને આખી વાત મેં હળવાશમાં ખંખેરી નાખી.

***

આટલું લખતાં લખતાં અને ભુતકાળ વાગોળતાં મારી આંખોમાં ભીનાશ આવી ગઈ અને જુની યાદો ફરીને તાજી થઈ (આ વખતે મારી પાસે એ ભીનાશ છુપાવવા માટે કોઈ ગોગલ્સ ન્હોતા).

"શાંતિલાલ, થોડી ચા મળશે?" પાછા વર્તમાનમાં આવીને મેં પુછ્યું.

"હમણાં જ લઇ આવું સાહેબ" કહી શાંતિલાલ ચા લેવાં ગયા.

હાથમાં ચાનો પ્યાલો લઇ ચાની ચુંસ્કી લગાવતાં જ મેં મારા ફેસબુક એકાઉન્ટમાં સ્નેહાનું નામ શોધ્યું અને તરત જ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી.

સ્નેહા પણ કદાચ ઓનલાઇન જ હશે..… પાંચ જ મિનિટમાં જ સ્નેહાએ ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. બન્ને એ એકબીજાને હાય-હેલ્લોનાં મેસેજ કર્યા, નંબરની આપ-લે થઈ અને મેં જાણ્યું કે સ્નેહા આજે ડોક્ટર તરીકે સેવા આપી રહી છે.

"બાય દ વે.… તું શું કામ કરે છે રજત?" સ્નેહાએ મને મેસેજમાં પુછ્યું.

"અત્યારે હું સરકારી કચેરીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવું છું" મેં રીપ્લાય આપ્યો.

આટલું જાણતાં તેણીને ખૂબ જ નવાઈ લાગી.

મને પણ મનોમન અહેસાસ થયો કે કદાચ સ્નેહા આજે પોતાની નજરમાં જ થોડી ઝાંખી થઈ ગઈ હશે..... કારણ કે વર્ષો પહેલાં સ્નેહાએ મારા પર કરેલી ટિપ્પણી તેને યાદ આવી ગઈ હશે.

-સાગર બી. ઓઝા

(મિત્રો, આ વાર્તા વિશે આપનાં પ્રતિભાવો આપ મને વોટ્સએપ પર પણ કહી શકો છો. મારો વોટ્સએપ નંબર : 94295 62982 છે. આશા છે કે આપને આ વાર્તા પસંદ આવી હશે. ભવિષ્યમાં પણ આવી વાર્તા લઈને આપની સમક્ષ હાજર થઈશ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED