પાંજરુ Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંજરુ

પાંજરુ


કાંઈક બોલને અંકિત, કાલે રજાનો દિવસ છે. ચાલને આપણે ક્યાક લોંગ ડ્રાઇવ પર જઈએ. પ્લીસ...કોમલએ પોતાના પતિને ચાનો કપ આપતી વખતે મીઠી મધુરી સ્માઇલ સાથે કહ્યું.


જો કોમલ, છેલ્લા ઘણા દિવસોથી હું ઓફિસના કામમાં વ્યસ્ત હતો, ખુબ જ કંટળ્યો છું. હું તો કાલે આખો દિવસ આરામ કરતા અને ટીવી જોતાં પસાર કરવા માંગુ છું. તો આપણે ફરવા માટે ફરી ક્યારેક જઈશું. ઓકે?” લેપટોપ પર કામ કરી રહેલ અંકિતે સ્ક્રીન પરથી પોતાનું થોડું અમથુ ધ્યાન હટાવીને કોમલને કહ્યું.

તારી દરેક વખતની એક જ વાત હોય છે, એક જ બહાનું, તું તો ઓફિસના કામમાં વ્યસ્ત થઈ જાય છે પણ અહિયાં હું, હું આખો દિવસ એકલી એકલી કંટાળી જાઉ છું કોમલએ આંખો અને હોઠની જુગલબંદીથી નારાજગી વ્યક્ત કરી.

ઓકે કોમલ, ચાલ તું જીતી. હવે એ કહેવાની મહેરબાની કર કે કાલે કઈ જગ્યાએ ફરવા જ્વું છે? કારણ કે તે જ્ગ્યા તો નક્કી કરી જ લીધી હશે ને?” ચાની ચુસ્કી લગાવતા અંકિતે પુછ્યું.

જો અંકિત, અમારી છેલ્લી કીટી પાર્ટી વખતે અમે શહેરથી વીસ કીમી દૂર આવેલ એક આશ્રમ પર ગયા હતા. એ આશ્રમ ખુબ જ રમણીય અને શાંત વાતાવરણવાળો લાગ્યો. તો આપણે એ જ આશ્રમ પર જઈએ તો?” એકદમ ખીલી ઊઠીને કોમલ ઉત્સાહમા જણાવી રહી હતી,

આશ્રમ, સાચે! આઈ મીન આશ્રમ પર રજાનો દિવસ ગાળવાની મજા આવશે? મને તો નથી લાગતું. તેના કરતા તો બીજી કોઈ જગ્યાએ જઈએ તો?અંકિતે સહજતાથી પુછ્યું.

જો અંકિત, આ કોઈ જેવો તેવો આશ્રમ નથી. રજાના દિવસોમાં ત્યાં સારી એવી ભીડ રહેતી હોય છે અને દુરદુરથી લોકો સવારથી સાંજ ત્યાં ફરવા માટે આવે છે. માટે મારી ઈચ્છા તો ત્યાં જ જવાની છે નહિતર મારે ક્યાય નથી જ્વું કોમલે નાના બાળકની જેમ હઠાગ્રહપૂર્વક અંકિતને કહ્યું.

સારું, ચાલ ત્યારે કાલનો દિવસ તારા નામ પર. તું કહે છે ત્યાં જ જઈશું. પણ... કહીને અંકિત જરા રોકાયો.

પણ બણ કશું નહી. મિસ્ટર કાલે સવારે દસ વાગ્યે આપણે ત્યાં જ જવાનું છે. ઈટ ઈસ એન ઓર્ડર હળવા મજાકના સ્વરમાં કોમલે કહ્યું.

ઓકે બોસ, હું તૈયાર રહીશ. જોઈએ તો ખરા, તું જે આશ્રમે જવાની આટલી જીદ કરી રહી છે, તે કેવી જ્ગ્યા છે?” અંકિતે વળતો પ્રશ્ન કર્યો.

-----*****-----

છેલ્લા પાંચ વર્ષના લગ્નજીવન દરિમયાન અંકિત અને કોમલ વચ્ચે ભાગ્યે જ કોઈ વાતને લીધે મનદુ:ખ થતું. બાકી તો બન્નેએ પોતાના દાંપત્યજીવનમાં સારો એવો તાલમેલ જાળવી રાખ્યો હતો. બન્નેના એરેંજ મેરેજ હતા, બન્ને વચ્ચે ગજબની સમજણ હતી કે આસપાસના સૌ કોઈને એવું લાગતું કે બન્નેએ લવ મેરેજ કર્યા હશે.

-----*****-----

ચાલો... હું તૈયાર થઈ ગઈ, તમે હજુ બ્રશ પણ નથી કર્યું. ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. જુઓ મમ્મી-પપ્પા પણ તમારી રાહ જુએ છે કોમલએ હંમેશની જેમ અંકિતને ટકોર કરતા કહ્યું.

આટલું એક્સાઇટમેન્ટ? હજુ ક્યા દસ વાગ્યા છે? મે કહ્યું હતું ને કે દસ વાગ્યા પહેલા હું અને મારી નેનો કાર તૈયાર થઈને ગેઇટ બહાર નીકળી જઈશું. ફ્ક્ત દસ મિનિટમાં જ હું તૈયાર હોઈશ અંકિતએ ચાદરમાંથી મોં બહાર કાઢીને કહ્યું.

અંકિત અને કોમલ પરિવાર સાથે એ આશ્રમ પર જવા માટે નીકળ્યા. મેઇન રોડથી આશ્રમ તરફના રસ્તા પર ગાડી ચલાવતા જ અંકિતની નજર આજુબાજુ ગઈ. રોડની બન્ને બાજુએ સુંદર મજાનાં વૃક્ષો ઉગાડેલા છે, રોડ પણ એકદમ સ્વચ્છ, રોડ ઉપર ઠેર ઠેર સ્વામીજીના સુવાક્યો લખેલા બોર્ડ પણ મુકેલ છે, સાથે સાથે આશ્રમ તરફની દિશા દર્શાવતા બોર્ડ પણ મુકેલ છે.

આશ્રમ પર પહોચતા જ ત્યાની હરિયાળી, ચોખ્ખાઈ,ભક્તિમય વાતાવરણ, લોકોની અવરજવર, ધુપબત્તીની સુગંધ, ફુલોના બગીચાઓ એક અલગ જ વાતાવરણ ઊભું કરી રહ્યા હતા. વળી નાના બાળકો માટે રમતગમતની સગવળતા, નાનું એવું કૃત્રિમ તળાવ અને એ તળાવમાં બતકની આખી ફૌજ, મંદિરની બાજુમાં જ સ્વામીજીનો રહેઠાણ, વગેરે વગેરે. રોજ સાંજે આજુબાજુના ગામના લોકો સ્વામીજીનું પ્રવચન સાંભળવા અચુક આવે.

મંદિરમાં દર્શન કરીને ફરતા ફરતા અંકિત સારો એવો આહલાદ્ક અનુભવ કરી રહ્યો હતો. બે ઘડી તો અંકિત વિચારી રહ્યો હતો કે સાલી ભાગદોડવાળી લાઇફ સ્ટાઇલમાથી કંટાળીને આજે કોમલએ જે આ આશ્રમની મુલાકાતનો પ્રોગ્રામ બનાવ્યો તે એક્દમ પરફેક્ટ છે. તે મનોમન કોમલને શાબાશી આપી રહ્યો હતો. બપોરે મંદિરમાં પ્રસાદી લીધી, થોડા ઘણા ફોટા ખેંચ્યા અને એમ કરતા કરતા સાંજ ક્યા પડી ગઈ એની ખબર જ ન રહી.

આશ્રમમાં આગળ વધતા વધતા અંકિત અને તેના પરિવારજનો પક્ષીઓના એક પાંજરા પાસે આવી પહોચ્યા. અમુક લોકો પાંજરા પાસે ઊભા રહીને પક્ષીઓ ફોટોગ્રાફમાં આવે એવી રીતે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા, વળી અમુક લોકો પાંજરામાં રાખેલ પક્ષીઓના પ્રકાર નક્કી કરવામાં વ્યસ્ત હતા.

આ દરિમયાન અંકિત કોઈક વિચારોમાં ખોવાયેલ હતો.જી, પાંજરામાં કેદ પક્ષીઓના વિચારોમાં.બરાબર એ જ સમયે સફેદ રંગની એક લેટેસ્ટ સ્પોર્ટ્સ કાર આશ્રમ પાસે આવીને ઊભી રહી. અંકિતે ધ્યાનથી જોયું તો તે કારમાંથી સ્વામીજી ઉતાર્યા. સ્વામીજીએ પોતાનું આસન ગ્રહણ કર્યું અને સ્વામીજીને સાંભળવા માંગતા લોકો ધીમે ધીમે તેમની સામે બેસતા ગયા.

લોકો સ્વામીજીની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા, પ્રવચન જીવનમાં ઉતારવાની પણ કોશિશ કરતા હશે એવું લાગ્યું. વળી એક પછી એક નવા આવી રહેલ લોકો સ્વામીજીના આશીર્વાદ લઈને પોતપોતાની જગ્યાએ બેસી જતા. સ્વામીજી દરેકને જીવનની સાચી અને રસપ્રદ વાતો કહી રહ્યા હતા.

-----*****-----

સ્વામીજી, મારા મનમાં એક પ્રશ્ન છે?” ત્યાં શ્રોતાઓમાં બેઠેલ એક વ્યક્તિએ પુછ્યું.

નિ:સંકોચ પુછો. આપ શું પુછવા માંગો છો?” નિર્દોષ સ્મિત સાથે સ્વામીજી બોલ્યા.

સ્વામીજી, સાચું સુખ કઈ વાતમાં છે? મોક્ષનો દ્વાર ક્યો?” પુછીને એ વ્યક્તિ સ્વામીજીના જવાબની રાહ જોઈ રહ્યો.

આપણી કુટેવો, મોહ, માયા, ખોટા શોખ વગેરે જટિલ વસ્તુઓ આપણાં જીવનમાં પાંજરા સમાન છે. જો તમારે સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ બધી કુટેવોનો ત્યાગ કરવો જોઈએ. ખરા અર્થમાં, સાચું સુખ ભૌતિક સુખ સાયબીમાં શોધવાને બદલે સાદાઈથી જીવન જીવવામાં છે. જ્યાં સુધી તમે તમારા મનની અંદરના બંધનમાંથી મુક્ત નહી થઈ શકો ત્યાં સુધી તમે જીવનનું સાચું સુખ પ્રાપ્ત નહી કરી શકો. જીવનમાં આ તમામ એવી લાગણીઓ છે કે જે તમને પાંજરામાં કેદ કરીને દાણા તો આપે છે પણ તમને આઝાદ રીતે ઉડવા નથી દેતી. અને મોક્ષનો એકમાત્ર દ્વાર બીજા જીવ પ્રત્યે દયા ભાવના રાખવાનો છેઆવી ઘણી બધી જ્ઞાનવર્ધક વાતો એક ખુણામાં બેઠો બેઠો હું સાંભળી રહ્યો હતો.

-----*****-----

ચાલો મિસ્ટર, જોયુંને...મે કહ્યું હતું ને કે જ્ગ્યા એટલી સરસ છે કે તમને ગમશે જ. અને તમે પણ આ જગ્યામાં ખોવાઈ ગયા ને? જુઓ સાંજ ક્યારે પડી ગઈ એ ખબર જ ન રહી. ચાલો હવે નિકળીએ કોમલે નિખાલસતાથી પુછ્યું.

હવે હું ખોવાઈ ગયો કે મળી ગયો એ નથી ખબર. પણ આજે મને અહીથી કૈંક નવું લખવાની પ્રેરણા જરૂર મળી છે આટલું વિચારી અંકિત મનોમન હસ્યો.

-સા.બી.ઓઝા

આપ આપના પ્રતિભાવો મને whatsapp પર પણ મોકલી શકો છો. મારો નંબર 9429562982 છે.