આરોપ Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોપ

શીર્ષક : આરોપ

“જોયું? તમે જોયું ને? આ બધુ ક્યાથી ક્યા પહોચ્યું? હું તમને દસ વર્ષ પહેલા કહેતો હતો. પણ તમે...તમે લાગણીના બંધનમાંથી બહાર આવવા જ ન્હોતા માંગતા. મને તો ક્યારેક એ સમજાતું જ ન્હોતું, કે એવી શી લાગણી તમે તમારા હ્રદયના ખુણામાં આવા લોકો માટે રાખી હશે?” અંધારા ઓરડાના દરવાજે ટીમટીમીયા જેવા બલ્બના પ્રકાશમાં ઊભો ઊભો હું બબડી રહ્યો હતો અને વિચારોમાં સરી પડયો.

-----*****-----

“સમીર, બેટા સમીર, હમણા જ ઘરે એક કાગળ આવ્યો. કોર્ટ...કોર્ટમાથી બેલિફ આવીને મારા નામનો સમન્સ આપી ગયો. મારા ઉપર કુલ ૧૪ પાનાનો આરોપ છે. આ આરોપ આપણા સગાઓએ લગાવેલ છે. બેટા તું નોકરીમાંથી ક્યારે આવશે? જલ્દી આવ. મને જરાય નથી ગમતું. મને...મને મુંજારો થઈ રહ્યો છે. જલ્દી આવીજા.” કહેતા હું ફોન પર પપ્પાની ચિંતાને અનુભવી શકતો હતો.

“પપ્પા, હું સમજી ગયો. હું સમજી ગયો એ કોણે કર્યું હશે. મને કહો કે ફરિયાદી કોણ કોણ બન્યા છે?” એક્દમ સ્વસ્થ થઈને આખી બાબતને ભાળીને મે કહ્યું.

“તું સમજી ગયો! શું સમજી ગયો? તને કશી ખબર હતી? તું કશું જાણતો હતો? મને તો આમાં કશું સમજાઈ નથી રહ્યું અને તું સમજી ગયો?” પપ્પા એકી શ્વાસે એક પછી એક પ્રશ્નો પુછી રહ્યા.

“પપ્પા, હું બીજુ તો કશું નથી જાણતો પણ આ સગાઓના લક્ષણો તો ઘણા વર્ષોથી ખબર જ હતી. તમે કશી ચિંતા નહીં કરતા. આપણે સાથે મળીને આ પરિસ્થિતિ સામે લડીશું. પણ અત્યારે તમારે મન સ્વસ્થ અને મક્કમ રાખવું પડશે. જરા પણ લાગણીમાં તણાયા વગર. કારણ કે આપણા સગાઓએ તમને દબાણમાં લાવવા માટે જ ટાર્ગેટ કર્યા છે અને આ ત્રાગું રચ્યું છે. અને હા, હું સાંજે ઘરે આવું પછી વાત કરીએ” કહીને મે પપ્પાને હિમ્મત આપીને ફોન કટ કર્યો.

“સાલું લાગી તો આવે જ ને. સગા ભાઈની ત્રણ દિકરીઓને ભૂકંપમાં મોતના મુખમાથી બચાવીને, સારા ઠેકાણે પરણાવીને સુખી કરવા જે કાકા મથતા હોય તેજ ભત્રીજીઓ ઊઠીને પોતાના કાકા વિરુધ્ધ ૧૪ પાનાનાં પાયાવિહોણા, બેબુનિયાદ અને હલકી કક્ષાના આરોપો કરે ત્યારે... માણસ તુટી જ પડે” ઓફિસમાં સાંજની ચા પીતા પીતા હું વિચારીને જલ્દી કામ પુરુ કરીને નીકળવાની તૈયારી કરતો રહ્યો.

-----*****-----

“સમીર...સમીર હું શું કરું? આ વાંચ. મારી પીઠમાં આ લોકોએ ખંજર ભોંકયું. હું દુનિયાને શું મોં બતાવીશ? અમે બન્ને ભાઈઓએ ક્યારેય કોઈ બાબત માટે ઊંચો અવાજ પણ નથી કર્યો. અરે ભૂકંપમાં ભાઈ ભાભીના અવસાન બાદ મે મારી દિકરી કરતા પણ વિશેષ ત્રણેય ભત્રીજીની કાળજી રાખી. તેમણે જ મારા પર આવા આરોપ લગાવ્યા? શું ભૂલ થઈ હશે મારાથી?” કહેતા કહેતા પપ્પા સોફા પર નિરાશ થઈ બેસી ગયા.

“તમારી કશી ભૂલ નથી થઈ. પણ આમાં, આમાં બીજો કોઈ પોતાનું પાત્ર, પડદા પાછળ ચાલાકીથી ભજવી રહ્યો છે. હું જાણું છુ, તમને પણ કહું, તમને વિશ્વાસ નહીં આવે” આખો સમન્સ વાંચીને મે મારા અનુભવના આધારે પપ્પાને કહ્યું.


“કોણ, મારી બહેનો? શું? એ જ લોકો. અરે મારા બહેનોનું મે શું બગાડ્યું?” કહેતા મે બીજી વખત પપ્પાને ઢીલા પડતા જોયા.

“હવે આ બધુ જવા દો. આ વાંચ્યા પછી હું નિસંદેહ કહી શકું કે આપણે જ જીતીશું. થોડો સમય લાગશે...પણ અંતમાં સત્યની જ જીત થશે. તમે વડીલ છો, નિર્ણય તમારે લેવાનો છે. તમારે લડત આપવી છે કે એ લોકો જે માંગણી કરે તે માંગણી બંધ બારણે સ્વિકારી લેવી છે?” કહીને હું મૌન રહ્યો અને પપ્પાના જવાબની રાહ જોઈ રહ્યો.

“હું લડત તો આપુ, પણ મારા પોતાનાઓની સામે જ? અને તું હમણા જ મહારાષ્ટ્રથી ભણીને આવ્યો છે. અત્યારે હું તારા ભરોસે કેસ લડું પણ બે વર્ષ પછી તું તારા ઉજ્જવળ ભવિષ્ય માટે બહાર જાય ત્યારે, ત્યારે હું એકલો પડી જઈશ. ત્યારે મને કોણ સાથ આપશે? હું આ નિર્ણય કરવા સમર્થ નથી. મને લાગે છે કે હું તેમની માંગણી સ્વિકારી લઉ” કહીને પપ્પા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા.

“જો એવી જ વાત હોય તો હું વચન આપુ છું કે હું તમારી સાથે જ રહીશ. ભલે પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય. હું તમને છોડીને ક્યારેય જઈશ નહીં. તમે માત્ર આ લેભાગુઓને લડત આપો” અચાનક જ મારા મનમાં નવી ઉમંગ અને ચેતના જાગી અને અનાયાસે જ વચન અપાયું.

-----*****-----

“જુઓ દિનેશભાઇ, મે તમારી આખી વાત સાંભળી, તમારા આખા કેસનો અભ્યાસ કર્યો, તમારા પુરાવા પણ જોયા. તમે જરા પણ ચિંતા કરતા નહીં. કેસનો ચુકાદો આપણી તરફેણમાં જ રહેશે, મને વિશ્વાસ છે. પણ આ સિવિલ કેસ છે, એટલે થોડો સમય જરૂર લાગશે. પણ હા, એટલુ જરૂર કહીશ કે સમીર આ કેસ સારી રીતે સમજી ગયો છે અને તમને સાથ આપે છે. હવે તમે હિમ્મત રાખો, આપણે જ જીતીશું” કહીને એડવોકેટ કેશવ પપ્પાને હિમ્મત આપીને દાવાજવાબ બતાવીને સહી કરવાનું કહ્યું.

સહી કરવા પપ્પાએ પેન તો ઉપાડી પણ પેન જાણે સંબંધોના બોજ તળે દબાયેલી હોય તેવું લાગ્યું.

-----*****-----

“કાકા, અમને તમારી સાથે કશું જ લેવાદેવા નથી. તમે માત્ર અમને રૂપીયા દસ લાખ રોકડા આપી દો એટલે અમે આજે જ અમારી ફરિયાદ પાછી ખેંચી લઈએ. અને આપણા સંબંધો ફરીથી જેમ હતા તેમ જ રહેશે. અમારે બીજુ કશું નથી જોઈતું. નહી તો... નહી તો આપણે કોર્ટમાં મળીશું” યામિનીએ પપ્પાને ફોનમાં તોછડાઈથી કહ્યું.

“જુઓ પપ્પા, તમે અત્યારે આ લોકોને દસ લાખ આપશો એટલે તેઓ ફરિયાદ પાછી ખેંચી લેશે. પણ ફરીથી ખોટી ફરિયાદ નહી કરે તેની ખાતરી શું? માટે મારી વાત માનો. આ લોકોની વાતોમાં ન આવવું અને આપણી લડત ચાલુ રાખો” કહીને મે પપ્પાને ગળે લગાવ્યા, જેમ નાનપણમાં હું ક્યાક હતાશ થઈ જતો અને પપ્પા મને હિમ્મત આપવા ગળે લગાવતા એમ જ.

એ ક્ષણે અમે બન્ને ખુબ જ રડ્યા. આ સગાઓ જાણે સંબંધોની બોલી લગાવી રહ્યા હોય તેમ લાગ્યું.

-----*****-----

“જોયું ને, દસ વર્ષ પહેલા આપણે જે બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા તે આજે સાકાર થઈ. આજે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. આખરે જીત...જીત સત્યની જ થઈ. તમારા પર લાગેલ તમામ આરોપો ખોટા અને બેબુનિયાદ સાબિત થયા. તમે કુટુંબ માટે નિ:સ્વાર્થભાવે જે કાંઈ પણ કર્યું તેની એક એક મુદ્દાની નોંધ કોર્ટમાં લેવાઈ. ભૂકંપની એ કપરી પરિસ્થિતિમાં પણ તમે બાપ કરતાં વિશેષ રીતે જે ફરજો પોતાની ભત્રીજીઓ માટે અદા કરી અને તેની સામે ભત્રીજીઓએ જે ખોટો કેસ કર્યો તે બદલ કોર્ટે તેમને ઠપકો પણ આપ્યો. આપણે સાચા હતા...સાચા.” કહીને મે પપ્પાના ફોટા પરથી જુના પાંચ હાર ઉતારીને નવો હાર પહેરાવ્યો.

આંખોમાં ખુશી પણ હતી અને...

||સત્યમેવ જયતે||

-સા.બી.ઓઝા
૨૦૦૭૨૦૨૧૨૨૨૫૫૦

આપ આપના પ્રતિભાવો મને વોટ્સએપ કે ઈમેઈલ પણ કરી શકો છો.
વોટ્સએપ 9429562982
ઈમેઈલ ozasagar@gmail.com