Rahsy na aatapata - 14 books and stories free download online pdf in Gujarati

રહસ્યના આટાપાટા - ભાગ 14

(લેનીયને અત્યાર સુધીમાં જણાવ્યું છે કે ડૉ. જેકિલના પત્ર પ્રમાણે વર્ત્યા પછી તે, જેકિલનો માણસ આવે તેની રાહ જોતો બેઠો હતો. બરાબર બાર વાગ્યે તેના ઘરનો દરવાજો ખખડ્યો અને તેણે દરવાજો ખોલીને જોયું તો બહાર એક બટકો માણસ ઊભો હતો. હવે આગળનું વૃત્તાંત લેનીયનના શબ્દોમાં...)

“શું તને ડૉ. જેકિલે મોકલ્યો છે ?” મેં પૂછ્યું. તેણે ‘હા’ કહી એટલે મેં દરવાજામાંથી ખસી તેને ઘરમાં પ્રવેશવા પરવાનગી આપી. જોકે, તે તરત દાખલ ન થયો. ‘કોઈ પીછો તો નથી કરતું ને’ તેવો ભય હોય તેમ તેણે પાછળ ફરીને જોયું. દૂર રસ્તા પર એક પોલીસવાળો પેટ્રોલિંગ કરતો ઊભો હતો. શહેરની સલામતી માટે સતર્ક હોવાથી તે ચકોર આંખોએ ચારે બાજુ જોઈ રહ્યો હતો. પોલીસવાળાને જોઈ આગંતુક ભડક્યો અને એકદમ ઉતાવળથી અંદર ધસી આવ્યો.

તેનું વર્તન જોઈ કોઈને પણ આશ્ચર્ય થાય તેમ હતું, છતાં તેને અનુસરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય ન હતો. જોકે, મારો જમણો હાથ રિવોલ્વર પર જ હતો ! પછી, અમે કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશ્યા. ત્યાં પૂરતો પ્રકાશ હોવાથી હું તેને બરાબર જોઈ શક્યો. તે ઠીંગણો હતો (જે હું પહેલા કહી ચૂક્યો છું) અને તેના ચહેરા પર અજંપો છવાયેલો હતો. ભલે, તેનો બાંધો નબળો હતો, પણ શરીર સ્નાયુબદ્ધ હતું. તેનો પહેરવેશ હાસ્યાસ્પદ હતો ; કપડાં મોંઘા અને ઊંચી ગુણવત્તાના હતા, પરંતુ જૂની ફૅશન અને ફિટિંગના અભાવે તે વિચિત્ર દેખાતા હતા. બાવડાં, છાતી, પેટ વગેરેના માપ કરતા અનેકગણો પહોળો શર્ટ કપડાં સૂકવવાની દોરી પર લટકી રહ્યો હોય તેવો લાગતો હતો. શર્ટની બાંયો લાંબી હતી અને પેન્ટના પાયસા વાળેલા... જોકે, પહેરવેશથી તે ગમાર દેખાતો હતો, ચહેરાથી નહીં. એકદમ કઠોર લાગતા તે માણસને જોઈ ન વર્ણવી શકાય તેવી નફરત પેદા થતી હતી.

મારે તેને પૂછવું હતું કે તું અહીં શા માટે આવ્યો છે, જેકિલે મંગાવેલી વસ્તુઓ લઈને તું શું કરીશ, જેકિલ સાથે તારો શું સંબંધ છે, પણ હું કંઈ પૂછું તે પહેલા જ તે બોલ્યો, “જેકિલે કહ્યું હતું તે બધું લઈ આવ્યા છો ?” કોઈ ચોક્કસ કારણથી તે બહુ ઉતાવળમાં હતો, એટલો ઉતાવળમાં કે બે ઘડી મેં તેના પ્રશ્નનો જવાબ ન આપ્યો તો તેણે મારા ખભા પકડી ફરી એ જ પ્રશ્ન પૂછ્યો.

તેના આવા વર્તનથી હું હેબતાયો. પછી, ખભા પર મૂકેલા તેના હાથ દૂર કરી હું પાછો હટ્યો અને કડકાઈથી બોલ્યો, “હું તને ઓળખતો નથી, માટે પહેલા તારો પરિચય આપ. પછી બીજી વાત...” આમ કહી હું સોફા પર બેસી ગયો.

મારું વર્તન જોઈ તે ગભરાયો. બાદમાં, વિનંતી કરતો હોય એમ બોલ્યો, “ઉતાવળમાં માણસ ઘાંઘો બની જાય છે અને હું અત્યારે એવી રીતે વર્તી રહ્યો છું એટલે તમને ઉદ્ધત લાગ્યો હોઈશ. પરિચય વગર આગળ ન વધવાની તમારી વાત વાજબી છે, પણ અત્યારે તેનો સમય નથી. મહેરબાની કરીને મને પેલી વસ્તુઓ આપો, પછી તમને મારો પરિચય મળી જશે.”

આ સાંભળી મને તેના પર દયા આવી. મને લાગ્યું કે મારે તેને ટટળાવ્યા વગર વસ્તુઓ આપી દેવી જોઈએ. એક રીતે તો તેમ કરવાથી મારા કુતૂહલનો પણ અંત આવવાનો હતો. “તે બધું ત્યાં છે.” મેં તેને ટેબલની પાછળ ફરસ પર રહેલું બોક્સ બતાવ્યું.

જેકિલે મંગાવેલી વસ્તુઓ જોઈ તે સ્પ્રિંગની જેમ ઊછળ્યો, તેણે પોતાનો હાથ છાતી પર મૂકી દીધો અને જડબાં જોરદાર રીતે ભીંસ્યા. તેના સ્વભાવ અને અભિવ્યકિતમાં આવેલું પરિવર્તન એટલું જોરદાર હતું કે પળભર તો હું ડરી જ ગયો. મેં તેને કહ્યું, “તારી જાત પર કાબૂ રાખ, ક્યાંક તારું હ્રદય બંધ ન પડી જાય !”

પણ, મારી વાત સાંભળી ન સાંભળી કરીને તે ડરામણી રીતે હસ્યો. તેની બધી નિરાશા એકાએક નાશ પામી હતી. પછી, તેણે સ્વસ્થ અવાજે પૂછ્યું, “તમારી પાસે કાચનો મજબૂત ગ્લાસ છે ?”

મેં તેને અંદરથી ગ્લાસ લાવી આપ્યો. ગ્લાસ હાથમાં લેતા તેણે મારો આંખોથી જ આભાર માન્યો અને તેમાં લાલ પ્રવાહીનું ટીપું નાખ્યું. બાદમાં, તે ટીપાંમાં પાઉડર ઉમેર્યો અને તેને ગરમ કરવા લાગ્યો. મેં જોયું તો પહેલા ભેળવણ ફિક્કું દેખાતું હતું, પણ પાઉડરના કણો ઓગળવાથી તે ચમકદાર બનવા લાગ્યું. ધીમે ધીમે તેમાં ઊભરો આવ્યો અને દુર્ગંધવાળો ધુમાડો બહાર નીકળ્યો. પછી, ઊભરો એકદમ શમી ગયો અને મિશ્રણ ઘાટા જાંબૂડિયા રંગનું થઈ ગયું. હું ત્યારે દ્રાવણને અને જેકિલે મોકલેલા માણસને, બંનેને જોઈ રહ્યો હતો. તેનું ધ્યાન મારા પર ન હતું, તે તો આતુર આંખે દ્રાવણમાં આવી રહેલા પરિવર્તનો જોઈ રહ્યો હતો. છેવટે, દ્રાવણ આછા લીલા રંગમાં પરિણમ્યું ત્યારે તેણે સગડી બંધ કરી.

જાણે જોઈતું પરિણામ આવી ગયું હોય તેમ તેણે ગ્લાસને સગડી પરથી ઉતારી ટેબલ પર મૂક્યો અને મારી સામે જોઈને બોલ્યો, “હવે આગળ જે થશે તે બહુ ભયાનક હશે. હજુ સમય છે, તું મને કહીશ તો હું આ બધું લઈ ઘરની બહાર ચાલ્યો જઈશ. પણ, જિજ્ઞાસાએ હદ વટાવી હોય અને તારે ચોંકાવનારી વાત જાણવી હોય તો હિંમત એકઠી કરી લે. વિચારીને જવાબ આપજે કારણ કે તું જે જોઈશ તેનાથી માણસનું સામર્થ્ય, મર્યાદા અને આસુરી શક્તિ વિશેની તારી જૂની માન્યતાના ભુક્કા બોલી જશે. માટે, વાસ્તવિકતા પચાવી શકે તેમ હોય તો જ ‘હા’ કહેજે, બાકી, હજુ મોડું નથી થયું.”

મને લાગ્યું કે ગરજ સરતા ભાઈ ‘તમે’માંથી ‘તું’ પર આવી ગયા છે. પણ, મેં તેનો ઉલ્લેખ ન કરતા કહ્યું, “કોયડાની ભાષામાં વાત કરવાનું રહેવા દે. સાચું કહું તો તારી છાપ એવી પડી જ નથી કે તારી વાતને ગંભીરતાથી લેવાનું મન થાય. માટે, તું બોલે છે તેવું કંઈ થશે તેવો મને સહેજે ય ભરોસો નથી. છતાં તારે જે કરવું હોય તે કર, હું અહીં જ ઊભો છું.”

“તો તૈયાર થઈ જા. હવે જે પણ થશે તે તારા સંકુચિત અને બંધિયાર વિચારોનો કચ્ચરઘાણ વાળી નાખશે, દવાઓની શક્તિ મર્યાદિત હોય છે તેવી તારી માન્યતાનો અંત આણશે, તારા માટે જ્ઞાનના નવા પ્રદેશો ખોલશે, તેં સ્વપ્ને પણ નહીં કલ્પ્યું હોય તેવો ચમત્કાર જોવા મળશે, હવે તું પહેલાની જેમ સામાન્ય માણસ નહીં રહે કારણ કે તને છૂપી અજાયબી જેવી ચોંકાવનારી વાસ્તવિકતા જોવા મળશે, પણ તું પ્રતિજ્ઞા લે કે જે પણ થશે તે આપણી વચ્ચે રહેશે.” આટલું કહી તેણે ગ્લાસ મોઢે માંડ્યો અને એક જ ઘૂંટડે બધું પ્રવાહી પી ગયો.

પ્રવાહી પૂરું થતાં તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. પછી, અસહ્ય પીડા થતી હોય તેમ તે ગૂંચળું વળી ગયો અને લથડવા લાગ્યો. પોતાની જાતને નીચે પડતી અટકાવવા તેણે ટેબલ પકડી લીધું અને જોર જોરથી હાંફવા લાગ્યો. ધીમે ધીમે તેનો ચહેરો બદલાવા લાગ્યો અને ચામડી પર સોજાં ચડવા લાગ્યા, તેનો આખો દેહ કાળો પડી ગયો. મારી નજર સામે જે બની રહ્યું હતું તે અવિશ્વસનીય હતું. હું ભગવાનને યાદ કરવા લાગ્યો, તેના શરીરમાં આવતા પરિવર્તનો જોઈ મને એટલો ભય લાગ્યો કે હું પાછા પગે હટતો હટતો દીવાલ સુધી પહોંચી ગયો. અટરસન તું નહીં માને પણ થોડી જ વારમાં, મારી આંખો સામે અર્ધબેહોશ જેવો, ફિક્કો પડી ગયેલો, ધ્રૂજી રહેલો જેકિલ ઊભો હતો !

ત્યારબાદ એક કલાકમાં જેકિલે જે ખુલાસા આપ્યા તે હું આ કાગળ પર લખી શકું તેમ નથી. મેં જે જોયું, જે સાંભળ્યું તેનાથી મને જોરદાર આઘાત લાગ્યો છે. હજુ પણ તે દ્રશ્યો મારી આંખો સામેથી પસાર થાય છે ત્યારે લાગે છે કે તે રાત્રે મેં દુ:સ્વપ્ન જોયું હતું. આ ઘટનાએ મને ધરમૂળથી હલાવી નાખ્યો છે. હવે મને ઊંઘ આવતી નથી અને દિવસે ય ભય લાગ્યા કરે છે. એ વાત નક્કી છે કે હવે હું લાંબુ નહીં જીવું. આથી જ તને આ કાગળ લખી રહ્યો છું. દોસ્ત, જેકિલે પસ્તાવાના આંસુ સાથે મારી સામે જે વાતો ખુલ્લી કરી હતી, તે બધું તો તને નહીં કહી શકું, પણ તેના સાર જેવી વાત કહી દઉં છું : તે એ કે મારા ઘરમાં રાત્રે ઘૂસી આવેલો પેલો ઘૃણાસ્પદ બટકો ‘હાઇડ’ હતો, જેને પોલીસ ડેન્વર્સ કેર્યુંની હત્યાના આરોપી તરીકે શોધી રહી છે. મતલબ, જેકિલ અને હાઇડ એક જ માણસ છે. તારો મિત્ર, લેનીયન.”

લેનીયનનું વૃત્તાંત વાંચી અટરસન ચોંકી ગયો. તેમાં ઘણી વાતો એવી હતી જે તેના માન્યામાં ન આવી. પણ, હજુ જેકિલનું કબૂલાતનામું વાંચવું બાકી હતું. આથી, અટરસને ખિસ્સામાં રાખેલું કાગળ બહાર કાઢ્યું અને તેને કાળજીથી ખોલ્યું.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED