રહસ્યના આટાપાટા - ભાગ 13 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યના આટાપાટા - ભાગ 13

ડૉ. લેનીયનનું વૃત્તાંત...

“આજથી ચાર દિવસ પહેલાં, નવમી જાન્યુઆરીની સાંજે મને એક પત્ર મળેલો. તેના પર આપણા સ્કૂલ ફ્રેન્ડ હેન્રી જેકિલના અક્ષર હતા. આમ તો અમે કેટલીય વાર સાથે જમ્યા છીએ, રમ્યા છીએ, જોડે બેસીને ગપ્પાં લડાવ્યાં છે, પણ ક્યારેય આવો પત્રવ્યવહાર કર્યો નથી એટલે પત્ર જોઈ મને સાનંદાશ્ચર્ય થયેલું. સાચું કહું તો અમારો સંબંધ જ એવો નથી કે તેમાં આવી ઔપચારિકતાની જરૂર પડે. તો ય ‘જેકિલે પત્ર કેમ મોકલ્યો હશે’ એમ વિચારી મેં કાગળ ખોલ્યો, અંદર લખ્યું હતું...

“પ્રિય લેનીયન, તું મારો સૌથી જૂનો મિત્ર છે. ભલે, કેટલાક વૈજ્ઞાનિક મતભેદના કારણે આપણે એકબીજાથી અલગ થઈ ગયા હતા, પરંતુ મારી તારા પ્રત્યેની લાગણીમાં કોઈ દિવસ ઓટ આવી નથી. વળી, આપણી મિત્રતા તૂટી તે પહેલા તું જે કહેતો તે મને હજુ ય યાદ છે. તું કહેતો, ‘જેકિલ, મારા જીગરજાન દોસ્ત, ક્યારેક અડધી રાત્રે ય જરૂર પડે તો તારા આ મિત્રને યાદ કરજે.’ તો આજે, મને તારી મદદની જરૂર ઊભી થઈ છે. અરે, હું એવી પરિસ્થિતિમાં ફસાયો છું કે જો તું મદદ નહીં કરે તો આ દુનિયામાં જેકિલનું અસ્તિત્વ જ નહીં રહે ! તને લાગતું હશે કે આવી ઇમોશનલ વાતો કરીને હું તારી પાસે કોઈ વિચિત્ર માંગણી કરીશ, પણ એવું નથી.

હું તારી પાસે એટલું જ માંગું છું કે આજે રાત્રે તારી કોઈ સાથે મુલાકાત ગોઠવાઈ હોય, તું કોઈ મેળાવડામાં જવાનો હોય, અંગત કે સામાજિક કાર્યક્રમમાં જવાનો હોય, તો તે રદ્દ કરી દેજે. એટલા સુધી કે લંડનની મહારાણી તરફથી તને જમવાનું આમંત્રણ મળે તો ય ઘસીને ના કહી દેજે. ઊલટું, આ ચિઠ્ઠી મળે કે તરત ઘોડાગાડી બાંધી મારા ઘરે પહોંચી જજે. ત્યાં પોલને સૂચના મળી ગઈ છે ; તેણે લુહારને બોલાવી રાખ્યો હશે. લુહાર તને લેબોરેટરીની કૅબિનનો દરવાજો ખોલી આપશે. તારે તે કૅબિનમાં એકલા પ્રવેશવાનું છે. ત્યાં અંદર ડાબી બાજુએ એક ટેબલ આવેલું છે, તેમાં ઉપરથી નીચે લાઇનબદ્ધ છ ખાના છે. તું ઉપરથી ચોથું અને નીચેથી ત્રીજું ખાનું ખોલજે. જો ખાનું લૉક કરેલું હોય તો લૉક તોડી નાખજે. અત્યારે તણાવના કારણે મારું મગજ કામ કરતું નથી એટલે કદાચ ખાનું ચીંધવામાં ભૂલ થઈ શકે છે, પણ તે ખાનામાં કેટલાક પાઉડર, શીશી અને પ્રયોગોના તારણ લખેલી નોટબુક હશે. જો ખાનામાં આ બધું ન હોય તો બીજા ખાના ચેક કરજે, વસ્તુઓ જોઈ તને ખબર પડી જશે કે સાચું ખાનું કયું છે. પછી, તારે તે તમામ વસ્તુઓ લઈને તારા ઘરે પાછું આવી જવાનું છે.

આ ચિઠ્ઠી તારા હાથમાં ક્યારે અને કેટલા વાગ્યે આવશે તે હું જાણતો નથી એટલે તને આ કામ કરવા રાતના બાર સુધીનો સમય આપું છું. તેમ કરવા પાછળનું બીજું કારણ એ છે કે ત્યાં સુધીમાં તારા ઘરના તમામ નોકરો સૂઈ ગયા હશે અને પછી જે થવાનું છે તે તેઓ ન જુએ એમાં જ મારી ભલાઈ છે. તો બાર વાગ્યા પછી તું તારા કન્સલ્ટિંગ રૂમમાં એકલો બેસજે. એ સમયે એક અજાણ્યો માણસ મારું નામ લઈને તારી પાસે આવશે, તેને તું ઘરમાં પ્રવેશ આપજે અને ટેબલના ખાનામાંથી જે જે વસ્તુઓ લઈ આવ્યો હોય તે આપી દેજે. આટલું કામ કર્યા પછી તારે કંઈ કરવાનું રહેતું નથી. બાદમાં, જે પણ કરશે - મારા નામે આવેલો માણસ કરશે. પછી, ‘આ બધું કરવું મારા માટે શાથી અગત્યનું છે’, ‘ટેબલના ખાનામાં રહેલી વસ્તુઓ મેં આવી રીતે શા માટે મંગાવી’, ‘મને તે વસ્તુઓની તાતી જરૂર કેમ પડી’, વગેરે તમામ પ્રશ્નોના જવાબ તને પાંચ-સાત મિનિટમાં જ મળી જશે. પણ યાદ રાખજે, મેં કહ્યું તેમ નહીં કરે તો કંઈક એવું બનશે જેનાથી તને, તારા આ દોસ્તને ગુમાવ્યાનો વસવસો કાયમ માટે રહી જશે.

હું જાણું છું કે તું આ વાત હલકામાં નહીં લે. પણ તો ય, ‘કદાચ એવું થશે તો’નો વિચાર આવતાં જ મારા હાથ ધ્રૂજી જાય છે, હ્રદયના ધબકારા વધી જાય છે, એટલે તું ભૂલથી ય ગફલત ન કરતો. સાચું કહું તો હું અત્યારે જબરો ફસાયો છું. અહીંથી માનસિક પીડા અને કંગાલિયતના અંધકાર સિવાય મને કંઈ જ દેખાતું નથી. પણ તારી મદદ મળશે તો, આ બધું એક ખરાબ સ્વપ્નની જેમ ખતમ થઈ જશે.

બીજી વાત... આમ તો એવું નહીં જ થાય પણ, કદાચ પોસ્ટ ઑફિસવાળા તને આ પત્ર આજ સાંજ પહેલાં ન પહોંચાડે અને આવતી કાલે એટલે કે દસમી જાન્યુઆરીએ પહોંચતો કરે તો, આજે જે કરવાનું હતું તે કાલે કરી આપજે. એવા સંજોગોમાં મારું નામ લઈને આવનારો માણસ કાલે (દસમી જાન્યુઆરીની રાત્રે) ફરીથી આવશે. પણ, એથી વધારે મોડું થશે તો જેકિલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. યાર, હવે તારી જ આશા છે, તું મને બચાવી લે. મુસીબતમાં ફસાયેલો તારો દોસ્ત, હેન્રી જેકિલ.”

આ બધું વાંચીને મને લાગેલું કે જેકિલ પાગલ થઈ ગયો છે. પણ છતાં, તે મુસીબતમાં હોય એવી થોડી ઘણી પણ શક્યતા હોય તો, હું તેને મદદ કરવા તૈયાર હતો. સાચું કહું તો જેકિલ શું ઘાલમેલ કરી રહ્યો છે તે મારી સમજમાં ન્હોતું આવ્યું, પણ તેણે જે રીતે વર્ણન કર્યું હતું તે જોતાં આ બધું તેના માટે ખૂબ અગત્યનું લાગતું હતું. આથી, મેં તેના એક એક શબ્દને અનુસરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા હું ઘરની બહાર નીકળ્યો અને ગાડી બાંધી જેકિલના ઘરે પહોંચ્યો. ત્યાં નોકર મારી રાહ જોતો બેઠો હતો. મને જોઈ તે લુહાર અને સુથારને બોલાવી લાવ્યો. સૂચના પ્રમાણે અમે બગીચો વટાવી પાછળ ગયા અને બંને કારીગરો કામે વળગ્યા. સર્જિકલ થિયેટરની ઉપર આવેલી કૅબિન ખોલવા સુથાર-લુહારની જોડીએ ખાસ્સી મહેનત કરી. દરવાજો અને તાળું એટલા મજબૂત હતા કે લુહાર હિંમત હારી ગયો. તે કહે, ‘મારાથી આ નહીં ખૂલે.’ પણ, સુથાર ધીરજવાળો હતો. દરવાજાને નુકસાન થશે તો પોતે જવાબદાર નહીં ગણાય તેમ ચોખવટ કરી તે કામ કરતો રહ્યો. લગભગ બે કલાક પછી દરવાજો ખૂલ્યો અને હું અંદર ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું તેમ ડાબી બાજુએ એક ટેબલ હતું જેના ચોથા ખાનામાં જેકિલે વર્ણવેલી વસ્તુઓ પડી હતી. મેં તે સામાન બોક્સમાં પેક કર્યો અને બોક્સ લઈને પાછો ફર્યો.

ઘરે આવી મેં તે વસ્તુઓ ધ્યાનથી જોઈ. તેમાં રહેલા પાઉડર શુદ્ધ ન હતા, મતલબ તે દુકાનમાંથી ખરીદવામાં નહીં આવ્યા હોય, પણ જેકિલે પ્રયોગો કરીને બનાવ્યા હશે. એક પડીકામાં મીઠા જેવો સફેદ પણ એકસરખો પાઉડર હતો. શીશીમાં રક્તવર્ણા દારૂ જેવું વિચિત્ર પ્રવાહી ભર્યું હતું, જેની ગંધ એટલી તીવ્ર અને તીખી હતી કે અંદર ફોસ્ફરસ અને ઇથરનો ભાગ હોય તેવું લાગતું હતું. નોટબુકમાં તારીખ મુજબનું, છતાં બહુ ઓછું લખાણ લખેલું હતું ; ઘણા વર્ષો પહેલાં કરેલા સંશોધનની સંરચનાના વર્ગીકરણ અને તારણ પણ આલેખેલા હતા. આખી નોટબુકમાં નોંધાયેલી ઘણી નોંધોમાંથી ફક્ત છ જગ્યાએ લાલ અક્ષરે ‘ડબલ’ શબ્દ લખ્યો હતો, જયારે બાકી બધે ‘નકામું’ લખી ચોકડી મારી હતી. આ બધું જોઈ મારી જિજ્ઞાસા વધી ગયેલી, પણ તો ય હું સ્પષ્ટ થઈ શક્યો ન્હોતો. મને પ્રશ્ન થયેલો કે આ તુચ્છ વસ્તુઓ ન મળવાથી જેકિલનું જીવન અંધકારમય કેવી રીતે બની જાય ? ઉપરાંત, તેનું નામ લઈ જે માણસ મારા ઘરે આવવાનો છે, તે સીધો તેના ઘરે જઈ આ વસ્તુઓ ન મેળવી શકે ? આમાં એવું શું ખાનગી છે કે તે મને મળવા અડધી રાત્રે, નોકરો સૂઈ જાય પછી આવવાનો છે ? હું જેમ જેમ આ વિશે વિચારતો ગયો તેમ તેમ ખાતરી થતી ગઈ કે જેકિલ માનસિક રીતે બીમાર થઈ ગયો છે.

તે રાત્રે બધા નોકરો સૂઈ ગયા એટલે મેં મારી રિવોલ્વરમાં કારતૂસ ભરી ; કદાચ કંઈ અનિચ્છનીય ઘટના બને તો જાતની સલામતી માટે તેમ કરવું જરૂરી હતું. પછી, ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા કે દરવાજા પર કોઈએ ધીમા હાથે ટકોરા માર્યા. હું હળવેથી ઊભો થયો, ચાલીને દરવાજા પાસે ગયો અને દરવાજો ખોલ્યો ; બહાર એક બટકો માણસ ઊભો હતો.

ક્રમશ :