Rahsyna aatapata - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યના આટાપાટા - ભાગ 2

હાઇડની શોધમાં...

અટરસન ઘરે પરત ફર્યો ત્યારે હતાશ જણાતો હતો. વિચારોમાં અટવાયેલો હોવાથી, થાળીમાં શું છે તે જોયા વગર જ તેણે વાળુ પતાવ્યું. આમ તો દર રવિવારે વાળુ કરીને તે ફાયરપ્લેસ (ભઠ્ઠી) નજીક તાપણું કરવા બેસતો અને ધીમા અવાજે સંગીત સાંભળતો. ઘરની બાજુમાં રહેલા ચર્ચમાં બારનો ટકોરો પડે ત્યાં સુધી તે બેસી રહેતો, પછી પોતાની જગા પરથી ઊભો થઈ બેડરૂમમાં ચાલ્યો જતો. પણ, તે રાત્રે તેણે તેમ ન કર્યું. જમીને મીણબત્તી લઈ, તે ઑફિસરૂમમાં (વકીલાતના કામ કરતો તે રૂમમાં) ગયો. તેણે તિજોરી ખોલી અને મજબૂત સજ્જડ ખાનામાંથી મહત્વનો દસ્તાવેજ બહાર કાઢ્યો. કવર પર લખ્યું હતું : ડૉ. જેકિલનું વસિયતનામું. પછી, અટરસન ખુરશી પર બેસી તેને ધ્યાનથી વાંચવા લાગ્યો.

હાથેથી લખાયેલા વસિયતનામામાં લખ્યું હતું : ડૉ. હેન્રી જેકિલ મૃત્યુ પામે તો તેની તમામ મિલકતનો વારસ જેકિલનો મિત્ર એડવર્ડ હાઇડ ગણાશે. વળી, કોઈ અગમ્ય કારણસર જેકિલ ગાયબ થઈ જાય અને સળંગ ત્રણ મહિના સુધી ગાયબ રહે તો ય એડવર્ડ હાઇડને જ મિલકતનો માલિકીહક સોંપવામાં આવશે.

“આ રીતે તો હાઇડ જેકિલના પેગડાંમાં આસાનીથી પગ ઘાલી શકશે.” અટરસન બબડ્યો. આ લખાણ તેને આંખમાં કણાની જેમ ખૂંચ્યું. હોશિયાર વકીલ અને સમજદાર માણસ તરીકે તેને તે વિચિત્ર લાગ્યું. પહેલી વાર વસિયતનામું વાંચ્યું ત્યારે ય તેને આ ખટક્યું હતું, પણ એ સમયે તે હાઇડ વિશે જાણતો ન હતો. પરંતુ હવે, એનફિલ્ડના મોઢે હાઇડના ‘વખાણ’ સાંભળી તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોકે હજુ, તેની પાસે હાઇડના નામ સિવાય અન્ય કોઈ માહિતી ન હતી. ધુમ્મસભર્યા આકાશની જેમ મામલો ધૂંધળો હતો.

‘જેકિલે જે લખ્યું છે તે નર્યું ગાંડપણ છે. કદાચ તેણે તે અનિચ્છાએ પણ લખ્યું હોય ! મારે ગમે તેમ કરી હાઇડ વિશે વધુ માહિતી મેળવવી પડશે.’ મનમાં બબડી વસિયતનામું જેમ હતું તેમ તિજોરીમાં મૂકી, મીણબત્તી બુઝાવી તેણે આંખો બંધ કરી. થોડી વારે તેને લાગ્યું કે હાઇડ વિશે કોઈ જાણતું હશે તો તે ડૉ. લેનીયન હશે. આથી, તેણે ભૂખરા રંગનો ઓવરકોટ (ડગલો) પહેર્યો અને ઘરની બહાર નીકળી કેવેન્ડિશ સ્ક્વેરની દિશામાં ચાલવા લાગ્યો. દવાઓના ગઢ ગણાતા કેવેન્ડિશ સ્ક્વેરમાં લેનીયન રહેતો હતો, જે અટરસનનો ખાસ મિત્ર હતો. ઘરેથી જ પ્રૅક્ટિસ કરતા લેનીયનને ત્યાં કાયમ દર્દીઓની ભીડ રહેતી.

તે લાગણીશીલ, સજ્જન અને વ્યવહારુ માણસ હતો. તેનો ચહેરો લાલ હતો અને વાળ વહેલા પાકી ગયા હોય તેવા સફેદ. તે અને અટરસન સ્કૂલ ટાઇમથી મિત્રો હતા. કોલેજના ભણતર દરમિયાન પણ તેમનો સંપર્ક છૂટ્યો ન હતો. તેનું કારણ એ હતું કે તે બંને એકબીજાને પૂરો આદર આપતા અને તેમને એકબીજાનો સંગાથ ગમતો પણ ખરો.

અટરસને લેનીયનના બારણે ટકોરા માર્યા એટલે ઘરના નોકરે દરવાજો ઉઘાડ્યો. અટરસનને સારી રીતે ઓળખતો તે નોકર તેને છેક ડાઇનિંગ રૂમ સુધી દોરી ગયો. લેનીયન ત્યાં બેસીને વાઇન પી રહ્યો હતો. અટરસનને જોઈ તે પોતાની જગા પરથી ઊભો થયો અને મિત્રને ભેટી હૂંફાળો આવકાર આપ્યો.

બાદમાં, થોડી આડી-અવળી વાતો કર્યા પછી અટરસન મૂળ મુદ્દા પર આવ્યો. “તું ય મારી જેમ જેકિલનો જૂનો મિત્ર છે, નહીં ?” તેણે પૂછ્યું.

“અમે સારા મિત્રો હતા, હવે નથી. પણ, તેનું શું છે ?”

“મને યાદ છે ત્યાં સુધી તમારા શોખના વિષયો એક હતા.”

“એ ખરું, પણ વર્ષો પહેલા જેકિલ ધૂની બનવા લાગ્યો હતો. મિત્ર હોવાના નાતે, મેં તેને તેમ કરતા ટોકેલો અને અવળી દિશામાં જતો રોકવા પ્રયત્ન કરેલો, પરંતુ તેના પર શેતાને કબજો કરી લીધો હોય તેમ તર્ક વગરનો બકવાસ કર્યા કરતો હતો. પછી, અમારી જોડી તૂટી ગયેલી.”

અટરસનને લાગ્યું કે તેમની વચ્ચેના મતભેદ વિજ્ઞાન બાબતે હશે. “મિત્રો વિખૂટા પડી જાય એથી ખરાબ કંઈ હોતું નથી.” એમ કહી તે અટક્યો અને પછી જે જાણવા આવ્યો હતો તે પૂછી નાખ્યું, “શું તું હાઇડ વિશે જાણે છે ? તે જેકિલનો મિત્ર, સંબંધી, આશ્રિત કે એવું કંઈક છે.”

“હાઇડ ? ના. હું આજે જ આ નામ સાંભળું છું.”

બસ, આટલી માહિતી લઈ અટરસન પાછો ફર્યો અને પહોળા પલંગ પર પડખા ફરતો જાગતો રહ્યો. પ્હો ફાટ્યો ત્યાં સુધીમાં તેનું મગજ પ્રશ્નોના મારથી નિચોવાઈ ગયું હતું. બૌદ્ધિક વિચારણાથી શરૂ થયેલી વાતમાં કલ્પનાઓ ઉમેરાઈ હતી અને તેણે અટરસનના દિમાગ પર કબજો જમાવી દીધો હતો. રૂમના પડદા બંધ હોવાથી સવારે પણ રૂમમાં અંધકાર જળવાઈ રહ્યો હતો, જેમાં એનફિલ્ડની વાતો ફિલ્મની જેમ ચાલી રહી હતી. અટરસનને એક પછી એક દ્રશ્ય સ્પષ્ટ દેખાતું હતું ; તેને રાતના અંધારામાં શેરીઓમાં સળગતા ફાનસ દેખાતા હતા, તે ફાનસમાં ઝડપથી ચાલતો પુરુષ દેખાતો હતો, દવાખાનેથી ભાગી નીકળેલી છોકરી દેખાતી હતી, પુરુષ અને છોકરી એક જગ્યાએ ભેગા થતા દેખાતા હતા અને પુરુષ છોકરીને ક્રૂરતાથી કચડીને ચાલ્યો જાય તે દ્રશ્ય દેખાતું હતું. તે જંગલી પુરુષને છોકરીની કારમી ચીસોની કોઈ પરવા ન હતી.

તેને બીજું દ્રશ્ય એવું દેખાતું હતું કે આલીશાન કહી શકાય તેવા મકાનમાં જેકિલ સૂતો છે. તે સુંદર સપનાઓ જોઈ મીઠું મીઠું હસી રહ્યો છે, પણ ત્યારે જ બેડરૂમનો દરવાજો ખૂલે છે. હાઇડ રૂમમાં પ્રવેશે છે અને હબકીને જાગી ગયેલા જેકિલ પાસે પૈસાની માંગણી કરે છે.

આ બંને પ્રકારના દ્રશ્યો અટરસનની આંખ સામેથી વારંવાર પસાર થઈ રહ્યા હતા.

આ તો તેને ઊંઘ ન્હોતી આવી, બાકી ઊંઘમાં પણ તેને બિહામણું સપનું દેખાયું હોત. કદાચ તેને દેખાયું હોત કે ભુલભુલામણી જેવી લંડનની દરેક શેરીમાં બાળકો કચડાઈ રહ્યા છે અને તેમની દર્દભરી ચીસો પડઘાઈ રહી છે. જોકે, હજુ ય તેને તે શેતાનનો ચહેરો દેખાતો ન હતો. (ક્યાંથી દેખાય, તેણે તેને જોયો જ ન હતો ને !) એકાદ વાર તો તેને હાઇડનો ચહેરો દેખાયો એવો ભ્રમ પણ થયો, પરંતુ બીજી જ પળે તે હવામાં ઓગળીને અદ્રશ્ય થઈ ગયો.

અટરસનને લાગ્યું કે જેણે કોઈથી ન ડરતા એનફિલ્ડને ધ્રુજાવી દીધો હતો તેવા હાઇડને મળવું તો પડશે જ. કદાચ એવું પણ બને કે હાઇડ સાથેની મુલાકાતથી રહસ્યમય લાગતા ગૂંચળા ઊકલી જાય ; જેકિલની તેના પ્રત્યેની લાગણીનું કારણ અથવા ચોંકાવનારા વસિયતનામાનો ખુલાસો મળી જાય. વધારે નહીં તો ય તેને એવા માણસનો ચહેરો જોવા મળવાનો હતો જેનામાં દયાનો છાંટો ય ન હતો.

તે દિવસથી અટરસને શેરીના નાકે આવેલા વિચિત્ર મકાન પાસે અડિંગો જમાવી દીધો. વહેલી સવારે ઑફિસો શરૂ થતા પહેલા, બપોરે ભારે અવરજવરમાં, રાત્રે ઘેઘૂર અંધકારમાં, ભીડમાં કે એકાંતમાં, વકીલ ત્યાંથી ખસતો નહીં. તેને ખાસ્સા દિવસો સુધી ધીરજ રાખવી પડી, પણ આખરે તેની મહેનત ફળી.

તે કોરી ધાકોર રાત્રિએ ઠંડી હવામાં ધુમ્મસ છવાયેલું હતું, અજવાળા પાથરતા ફાનસ હવાના અભાવે ઝૂલ્યા વગર લટકી રહ્યા હતા, બધી જ દુકાનો બંધ થઈ ગઈ હતી અને કર્ફ્યું જેવી નિર્જનતાથી ભેંકાર શાંતિ ફેલાયેલી હતી. અટરસન ઊભો હતો તે શેરીમાંથી ખાસ્સા સમયથી કોઈ પસાર થયું ન હતું, પણ અચાનક કોઈના પગલાં નજીક આવતા હોય તેવો અવાજ સંભળાવો શરૂ થયો. શેરીઓમાં ઊઠતા અન્ય અવાજથી તે અલગ હતો. છેલ્લા કેટલાક દિવસોમાં કરેલી અનેક રાતની ચોકીઓથી અટરસને તે અવાજ પારખી લીધો. તેને ખબર પડી ગઈ કે આવી રહેલો માણસ એક છે. વળી, કોઈ અગમ્ય ખાતરી અને ચોકસાઈથી તેને એ પણ લાગ્યું કે આ એ જ માણસ છે જેની તે રાહ જોઈ રહ્યો છે અને તે ઇમારતના પ્રાંગણમાં જ પ્રવેશશે. ધીમે ધીમે પગલાંનો અવાજ વધતો ગયો, માણસ વધુ ને વધુ નજીક આવી રહ્યો હતો.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED