રહસ્યના આટાપાટા - ભાગ 15 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યના આટાપાટા - ભાગ 15

હેન્રી જેકિલનું કબૂલાતનામું...

સદ્નસીબે મારો જન્મ પૈસાદાર સુખી કુટુંબમાં થયો હતો. સંસ્કાર ગણો કે પ્રકૃતિ, પહેલાથી જ મને સજ્જન અને સારા લોકોને આદર આપવો ગમતો ; પણ, સમાજમાં પોતાનું માન જળવાઈ રહે, માથું ઊંચું રાખીને ફરી શકાય એ માટે મનમાં ઊઠતી ગંદી ઇચ્છાઓને દબાવી દુનિયામાં સજ્જનની જેમ વર્તવું મને પસંદ ન્હોતું. છતાં, હું તે રીતે વર્તવાનો પ્રયત્ન કરતો. વર્ષો વીતતા મેં પ્રગતિ કરી અને સમાજમાં આગવું સ્થાન મેળવ્યું ત્યારે, મારા જીવનનું સરવૈયું કાઢી જોયું. ત્યારે મને લાગ્યું કે મારામાં સારા અને ખરાબ, બંને છેડાની વૃત્તિઓ પૂરજોશમાં પડી છે. હું જયારે સંયમ ગુમાવતો ત્યારે હું હું ન રહેતો અને બીજા દિવસે તે પૈશાચિક વર્તનનો સખત પસ્તાવો થતો. આવું બારે મહિના ચાલતું.

બીજા શબ્દોમાં કહું તો, હું ય બેવડા ધોરણવાળી જિંદગી જીવવા લાગ્યો હતો. લોકોને તેમ રહેવું ગમતું હશે પણ મને તેનો બોજો રહેતો. મને થતું કે અંદર રહેલી ખામીઓ પર થૂ થૂ કરવાથી કંઈ નહીં વળે, આનો કાયમી ઉકેલ શોધવો પડશે. ત્યાંથી મને અન્ય માણસોથી વિપરીત એક મહત્વાકાંક્ષા જન્મી. મને વિચાર આવ્યો કે જેના લીધે હું આવો બન્યો છું તેવા સારા અને ખરાબ ગુણોના પ્રદેશને વૈજ્ઞાનિક રીતે અલગ કરી શકાય તો ? બહુ વિચારતા લાગ્યું કે તેમ થાય તો સારી - ખરાબ બંને વ્યક્તિઓને અલગ અલગ ઓળખાણ મળે અને જીવનમાં પીડા આપનારી દરેક બાબતથી છુટકારો મળી જાય. પ્રયોગથી અલગ થનાર ગેરવાજબી ભાગ પોતાના રસ્તે ચાલે, જેથી તેના પાપે વાજબી ભાગે પસ્તાવો કરવાનો ન રહે. બીજી બાજુ વાજબી ભાગ વધુ ને વધુ સારા કર્યો કરી શકે અને તેને તેમ કરતા કોઈ શેતાન ન રોકે.

હું જાણતો હતો કે આ પ્રયોગ સિદ્ધ કરવો બહુ જ અઘરું છે. છતાં, એક જ માણસના શરીરમાં વસતા વિરુદ્ધ ધ્રુવ જેવા સારા અને ખરાબ ભાગ એકબીજાથી જુદા ન પડે ત્યાં સુધી મેં લડત આપવાનો નિર્ણય કર્યો. હું ગમે તેમ કરી સફળતા મેળવવા કટિબદ્ધ હતો. વળી, ‘સફળતા મળશે તો’ની કલ્પના માત્રથી મને સતત પ્રયત્નો કરતા રહેવાની પ્રેરણા મળતી હતી.

બાદમાં હું, એક પછી એક પ્રયોગ કરતો ગયો અને મને શરીરની અસારતા સમજાતી ગઈ, માણસમાં રહેલા ગૂઢ અને રહસ્યમય તત્વોએ મારું ધ્યાન ખેંચ્યું. મેં જાણ્યું કે અમુક ચોક્કસ કેમિકલ (દવાઓ) દ્વારા શરીરની ઘણી શક્તિઓ હંગામી ધોરણે નાશ પામે છે અથવા પેદા થાય છે. માણસને સજ્જન દેખાડતા સારા ભાગને ખેંચીને બહાર ફેંકી દેવાની પણ તેનામાં તાકાત છે. હું પ્રયોગમાં વાપરેલા કેમિકલ, દવાઓ અને પ્રયોગની ફૉર્મ્યુલા વિશે અહીં નહિ કહું કારણ કે મને જે પરિણામ મળ્યું તે સચોટ હતું, પણ કાયમી ન્હોતું. વળી, તેના પરિણામરૂપે મારે બહુ વેઠવું પડ્યું છે અને હું નથી ઇચ્છતો કે મારી જેમ બીજા કોઈનું જીવન પણ નર્ક બની જાય. તું જેમ જેમ મારો ખુલાસો વાંચતો જઈશ તેમ તેમ તને આ વાત વધુ સારી રીતે સમજાતી જશે.

મૂળ વાત પર આવું તો, પ્રયોગના અંતિમ ભાગને અમલમાં મૂકતા પહેલાં મેં બહુ વિચાર્યું હતું. તેમ કરવામાં મારા જીવનું જોખમ હતું. મને ખબર હતી કે જે દવા માણસના દેખાવને બદલી શકે, તેની અંદરની સુષુપ્ત શક્તિઓને જગાડી શકે, તેનો ઓવરડોઝ માણસના મૂળ દેખાવ, મૂળ ઓળખાણ અને મૂળ ગુણોને કાયમ માટે મિટાવી પણ દે ! પરંતુ, અજાયબ શોધ કરવાની લાલચ સામે જોખમની ઘંટડી ટકી ન શકી.

પ્રયોગના અંતિમ ચરણને અમલમાં મૂકવા મેં જરૂરી રસાયણો ભેગા કર્યા અને તેમાં, જથ્થાબંધનો વેપાર કરતા કેમિસ્ટ પાસેથી મોટા જથ્થામાં ખરીદેલો સફેદ પાઉડર ઉમેર્યો. પ્રયોગોના તારણરૂપે હું કહી શકું છું કે મીઠા જેવો દેખાતો તે પાઉડર, છેવટના દ્રાવણ માટે અંતિમ જરૂરી પદાર્થ હતો. ધીમે ધીમે સગડી પર ચડાવેલું મિશ્રણ ઊકળવા લાગ્યું અને ઊભરો બેસી ગયો ત્યારે, હિંમત કરીને હું તે ગટગટાવી ગયો. થોડી જ વારમાં મને હાડકાનો ચૂરો થતો હોય તેવી પીડા થવા લાગી, જબરદસ્ત ઊબકા આવવા લાગ્યા અને મરણતોલ વેદના થઈ. પછી આ બધો સંતાપ ઓસરી ગયો અને હું બહુ મોટી બીમારીમાંથી બહાર આવ્યો હોય તેવો અનુભવ થયો. ત્યારે મેં એક અજીબ સંવેદના અનુભવી, શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી મીઠી સંવેદના... મેં ત્યારે એકદમ યુવાન થઈ ગયો હોઉં તેવી તાજગી, હળવાશ અને આનંદ અનુભવ્યા હતા, જાણે તમામ બંધનમાંથી મુક્ત થઈ ગયો હોઉં તેવી આત્માની આઝાદી અનુભવી હતી, તે અનુભવ દારૂ જેવો નશીલો હતો. જોકે, નવા સ્વરૂપના પહેલા શ્વાસ સાથે હું પહેલા કરતા દસ ગણો શેતાન બની ચૂક્યો હતો. તે એવી આસુરી શક્તિ હતી કે મારી અંદર રહેલા તમામ દુર્ગુણોના માલિકને પણ વેચી આવે !

આ અનુભવ સિવાય, અનેક વર્ષોની મહેનત ફળ્યાનો આનંદ પણ કંઈ કમ ન હતો. ‘ધાર્યો ધ્યેય પાર પડ્યો’ એમ મનમાં બબડી મેં આળસ મરડી, પણ જેવા મારા હાથ ખેંચાયા કે બહાર લબડતી શર્ટની બાંયોએ મારું ધ્યાન ખેંચ્યું. ત્યારે મને ખબર પડી કે મારા શરીરની ઊંચાઈ ઘટી ગઈ છે.

હવે, એ જાણવું જરૂરી હતું કે મારી ઊંચાઈ કેટલી ઘટી છે અને હું કેવો દેખાઉં છું. પણ તે જાણવા મારે અરીસાની જરૂર હતી અને લેબોરેટરીમાં એક પણ અરીસો ન્હોતો. (પાછળથી, ખાસ આ હેતુ માટે મેં લેબોરેટરીમાં અરીસો વસાવ્યો હતો.) હા, મારા બેડરૂમમાં મોટો અરીસો હતો, પણ રાત ખાસ્સી વીતી ચૂકી હતી અને સવાર પડવાને બહુ વાર ન્હોતી એટલે ત્યાં જવું જોખમી હતું. હું મારા નવા સ્વરૂપે લેબોરેટરીની બહાર નીકળું અને કોઈ નોકર મને જોઈ જાય તો ? તે તો એવું જ સમજે કે ઘરમાં ચોર ઘૂસી આવ્યો છે ! છતાં, હું એટલો ઉત્સાહિત હતો કે મારા નવા અવતારને જોવા બેડરૂમમાં જવા તૈયાર થઈ ગયો.

આસ્તે રહી હું કૅબિનની બહાર નીકળ્યો અને ઉજ્જડ થઈ ગયેલો બગીચો વટાવી મકાનના આગળના ભાગ તરફ ચાલ્યો. ત્યારે આકાશમાં ચમકતા તારા મને જોઈ રહ્યા હતા. મને હાઇડ સ્વરૂપે જોનારા તે આ જગતના સર્વપ્રથમ સાક્ષી હતા. પછી, મારા જ ઘરમાં ચોર પગલે ચાલતો હું બેડરૂમ સુધી પહોંચ્યો અને અરીસામાં ‘એડવર્ડ હાઇડ’ને જોયો. તેને જોઈ મને પહેલો વિચાર એ આવેલો કે ‘દુનિયાની કોઈ પણ વ્યક્તિ સારા - ખરાબનું મિશ્રણ હોય છે, જયારે આ એક જ માણસ એક પણ સદ્ગુણની હાજરી વગરનો શુદ્ધ શેતાન છે !’

તેનો દેખાવ આવો કેમ બન્યો તે વિશે મેં પાછળથી તારણ કાઢ્યું હતું. ભલે, તે સૈદ્ધાંતિક નથી, પણ તેમ હોવાની પૂરી સંભાવના છે. સારી પ્રકૃતિની અપેક્ષાએ મારી (જેકિલની) અંદર રહેલો આસુરી ભાગ બહુ નાનો હતો. પ્રમાણભાગની વાત કરું તો દસમાંથી નવ વખત હું સજ્જનની જેમ વર્તતો. આથી, દવાની અસરથી જે આસુરી દેહ પ્રગટ થયો, તેનું કદ જેકિલના મૂળ કદ કરતા નાનું હતું. હાઇડનો દેહ યુવાન હોવાનું પણ આ જ કારણ હતું. બીજી બાજુ તેનો ચહેરો જોઈને જ સૌને ઘૃણા જન્મતી હતી કારણ કે રાક્ષસી વૃત્તિના માણસનો ચહેરો, હાવભાવ અને આંખો જોઈને જ અંદર રહેલી વિકૃતિ અને ખરાબ ભાવોનો અંદેશો આવી જતો હોય છે. માણસના આચાર - વિચારના સ્પંદન આસપાસના માણસો અને વાતાવરણને પ્રભાવિત કર્યા વગર રહેતા નથી. તો પછી, દુર્ગુણો - દુરાચારની સંપૂર્ણ આવૃત્તિ એવો હાઇડ તેમાંથી કેવી રીતે બાકાત રહે ! જોકે, મેં તેને અરીસામાં જોયો ત્યારે મને તેના પ્રત્યે સહેજ પણ નફરત જન્મી ન્હોતી. ઊલટું, મને તો તેના પર પ્રેમ આવ્યો હતો. ભલે તે મારી અંદર વસતા હેવાનનો જીવંત ફોટો હતો, પણ હતો તો મારું પોતાનું જ સ્વરૂપ ને ! અને પોતાના સ્વરૂપ પ્રત્યે માણસને કેવી રીતે નફરત થાય !

ક્રમશ :