રહસ્યના આટાપાટા - ભાગ 10

          દીવાનખંડમાં ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હતો, તાપણું જોરશોરથી સળગી રહ્યું હતું અને બધા નોકરો ઘેટાંના ટોળાની જેમ એકઠાં થયા હતા. અટરસનને આવેલો જોઈ ઘરની જૂની નોકરાણીએ જેકિલના નામની પોક મૂકી, જાણે જેકિલ મૃત્યુ પામ્યો હોય તેવી તે પોક હતી. તે દોડીને અટરસનને ભેટી પડી. પછી તો, “સારું થયું તમે આવી ગયા” કરીને રસોઇયણ પણ રડવા લાગી.

            “તમે બધા અહીંયા છો તો જેકિલ પાસે કોણ છે ? તમારો માલિક મુસીબતમાં છે ને તમે તેને એકલો છોડી દીધો છે ?” અટરસન અસ્વસ્થ થઈ ગયો.

          “અમે બધા ખૂબ ડરી ગયા છીએ.” પોલે નીચું જોઈને કહ્યું. બધાએ શરમથી મુંડી નમાવી દીધી. થોડી વાર માટે એકદમ શાંતિ ફેલાઈ ગઈ, જાણે કોઈની શોક સભા હોય તેવી શાંતિ... પરંતુ પેલી નોકરાણીએ ફરી હીબકું ભર્યું. બધા ચિંતામાં ઊભા હતા અને નોકરાણીએ જોરથી હીબકું ભર્યું એટલે બધા ચોંક્યા. દરેકના ચહેરા પર કાપો તો લોહી ન નીકળે એવો ભય છવાઈ ગયો.

          “તું રડવાનું બંધ કર.” પોલે ત્રાડ પાડી અને પરચૂરણ કામ કરવા રાખેલા છોકરાને કામ ચીંધ્યું, “તું મીણબત્તી લઈ આવ.”

          છોકરો મીણબત્તી લઈ આવ્યો એટલે પોલ અટરસનને લઈ ઘરની પાછળની તરફ ચાલ્યો. તેઓએ જેવો બગીચો પાર કર્યો કે પોલ ધીમેથી બોલ્યો, “હવે તમે અવાજ ન થાય તેવી રીતે ધીમે ધીમે ચાલજો. કૅબિનમાં જે છે તેને, તમે અહીં સુધી આવ્યા છો એવી ખબર ન પડવી જોઈએ. જોકે, સાવધાની રાખવા છતાં તેને શંકા પડી જાય અને તે તમને બોલાવે તો ભૂલથી ય જવાબ ન આપતા.”

          ‘કૅબિનમાં જે છે’ સાંભળી અટરસનના હાંજા ગગડી ગયા, પગમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેમ તે લથડ્યો, પણ વળતી પળે હિંમત કરી લેબોરેટરી તરફ ચાલ્યો. ત્યાં ઇમારતના પગથિયાં પાસે લાકડાની ખાલી પેટીઓ અને બૉટલો જેમ તેમ પડી હતી. અહીં પોલે તેને એક બાજુ ઊભા રહેવાની અને ઉપરથી જે અવાજ આવે તેને ધ્યાનથી સાંભળવાની સૂચના આપી. અટરસન ચુપકીદીથી ગોઠવાયો એટલે પોલ મીણબત્તી લઈ પગથિયાં ચડવા લાગ્યો. ઉપર પહોંચી તેણે ધ્રૂજતા હાથે કૅબિનનો દરવાજો ખખડાવ્યો.

          “ડૉક્ટર સાહેબ, શ્રીમાન અટરસન આપને મળવા આવ્યા છે.” તેણે બહાર ઊભાં ઊભાં જ કહ્યું અને નીચે ઊભેલા અટરસનને ધ્યાન આપવા ઇશારો કર્યો.

          અંદરથી અવાજ આવ્યો, “તેને કહી દે કે મારે કોઈને મળવું નથી.” અવાજમાં અસંતોષ અને ફરિયાદ હતા.

          “ઠીક છે” કહી પોલ નીચે ઊતર્યો. પછી, અટરસનને દોરતો બગીચો અને રસોડું વટાવી દીવાનખંડમાં આવ્યો. લાકડા બળવાનો વિચિત્ર અવાજ વાતાવરણને ડરામણો બનાવી રહ્યો હતો.

          “સાચું કહેજો, તમને આ અવાજ મારા સાહેબ જેવો લાગ્યો ?” પોલે અટરસનની આંખમાં આંખ નાખી પૂછ્યું.

          “ના, ઘણો ફરક છે.” અટરસનનો ચહેરો ય ફિક્કો પડી ગયો હતો.

          “ફરક નહીં, એવું જ છે. હું આ ઘરમાં વીસ વર્ષથી રહું છું, તો મારા સાહેબના અવાજને ન ઓળખું ? મને લાગે છે કે કૅબિનમાં ડૉક્ટર સાહેબ છે જ નહીં ! છેલ્લા એક અઠવાડિયાથી ત્યાંથી રડવાનો અવાજ આવ્યા કરે છે. માટે, અંદર કોણ છે અને તે શા માટે રડ્યા કરે છે તે પ્રશ્નોએ અમને ડરાવી દીધા છે.”

          “તું કહે છે તેવું હોય તો મામલો બહુ ગંભીર છે ; કદાચ જેકિલની હત્યા થઈ ગઈ હોય અને હત્યારો ત્યાં પડી રહ્યો એવું ય બને. આમેય, એક વ્યક્તિ પાસે તેમ કરવાનું કારણ અને જિગર બંને છે.”

          “હું આપને આ બધું સ્પષ્ટ શબ્દોમાં કહી શકું તેમ ન્હોતો એટલે અહીં સુધી લઈ આવ્યો.”

          “હમ્મ.”

          “સાહેબ, પાછલા સાત દિવસમાં કૅબિનનો દરવાજો ખુલ્યો જ નથી. તે કેવું કરે છે કે તેને જે મંગાવવું હોય તે એક કોરા કાગળ પર લખી કાગળને પગથિયાં પર મૂકી દે છે. પછી, અમે બંધ દરવાજાની બહાર ખાવા-પીવાનું મૂકવા જઈએ ત્યારે સીડીમાં પડેલી ચિઠ્ઠી વાંચી તેને જે જોઈએ તે લાવી આપીએ છીએ. છેલ્લા ઘણા દિવસોમાં તેણે એક દવા મંગાવ્યા કરી છે. અમે તેના કહ્યા પ્રમાણે કર્યું છે ય ખરું, પરંતુ તેને દવાથી સંતોષ થયો નથી.”

          “દવાથી સંતોષ થયો નથી એટલે ?”

          “એમાં એવું છે કે જેટલી વાર ચિઠ્ઠી મૂકવામાં આવે છે તેમાં દવા બાબતની ફરિયાદ કે હુકમ જ હોય છે. તેને જોઈએ છે તે દવા શોધવા હું શહેરના તમામ કેમિસ્ટ પાસે જઈ આવ્યો છું, પરંતુ ચિઠ્ઠીમાં લખેલો સામાન ખરીદીને આવું અને દરવાજા બહાર સામાન મૂકીને ચાલ્યો જાઉં કે થોડી વારમાં બીજી ચિઠ્ઠી ફેંકાય છે ; તેમાં લખ્યું હોય છે કે સામાન ભેળસેળવાળો હોવાથી મારે તે બીજી દુકાનેથી ખરીદી લાવવો. તે જે પણ દવા કે કેમિકલ છે, કૅબિનમાં બેઠેલા માણસને તેની તાતી જરૂર છે.”

          “તેં તેવી એકેય ચિઠ્ઠી સાચવી છે ?” અટરસને પૂછ્યું.

          પોલે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને ડૂચો વળેલી ચિઠ્ઠી બહાર કાઢી. વકીલ તેને મીણબત્તી પાસે લઈ જઈ વાંચવા લાગ્યો. અંદર લખ્યું હતું, ‘મેસર્સ મો.ને ડૉ. જેકિલના નમસ્કાર. જત સાથ જણાવવાનું કે આપે છેલ્લી વખતે જે માલ આપ્યો તે ભેળસેળવાળો હોવાથી બિનઉપયોગી નીવડ્યો છે. લગભગ ખાસ્સા વર્ષો પહેલા મેં આપની પાસેથી આ જ માલ મોટા જથ્થામાં ખરીદ્યો હતો. અત્યારે મારે તેવી જ ગુણવત્તા ધરાવતા માલની તાતી જરૂર ઊભી થઈ છે. તે સમયે ઉત્પાદન કરાયેલો માલ વધ્યો હોય, તો હું બધો જથ્થો ખરીદવા તૈયાર છું ; કીમતની ચિંતા ન કરશો.’ અહીંથી લખનાર માણસ ઢીલો પડી ગયો હતો. તેણે આગળ વિનંતી કરતાં લખ્યું હતું, ‘મહેરબાની કરીને મને તે માલ પહોંચતો કરો. જો તમે તેમ કરશો તો ભગવાન તમારું ભલું કરશે. હવે તે કેમિકલ જ મારો ઉદ્ધાર કરી શકે તેમ છે.’

          “એવું કેવું કેમિકલ કે દવા છે જેની માણસને આ હદે જરૂરિયાત ઊભી થાય ? તને મેસર્સ મો.વાળાએ શું કહ્યું ?” અટરસને પૂછ્યું.

          “તેનો શેઠ તો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો, એટલો લાલ કે ચિઠ્ઠીનો ઘા કરી દીધો. પછી બોલ્યો, ‘અમારો માલ ચોખ્ખો જ છે. અને તારો સાહેબ વર્ષો પહેલાના કયા માલની વાત કરે છે એ કેવી રીતે ખબર પડે ?’”

          અટરસને ચિઠ્ઠી ફરી ધ્યાનથી વાંચી. “આ અક્ષરો અને લખાણ તો જેકિલના જ લાગે છે.” તેણે કહ્યું. કૅબિનમાં રહેલો માણસ જેકિલ નથી એ બાબતે તેને ફરી શંકા જન્મી હતી. 

          “હા.” પોલના ચહેરા પર નારાજગી દેખાઈ. “પણ, અક્ષરોથી શું ફેર પડે ? મેં તેને જોયો છે !”

          “શું ?” અટરસન ચોંક્યો.

          “હા. આજે સાંજે હું ભોજનની થાળી લઈ બગીચાથી ઇમારત તરફ જઈ રહ્યો હતો ત્યારે કૅબિનનો દરવાજો ખુલ્લો હતો. તે માણસ, મેં લાવી આપેલી, બહાર પડેલી દવાઓ ફંફોસીને કંઈક શોધી રહ્યો હતો. હું નજીક પહોંચ્યો ત્યાં સુધી તેને ખબર ન રહી કે હું આવી ગયો છું. પણ, જેવો હું તેની પાસે પહોંચ્યો કે તેણે ડોક ઊંચી કરી. મને જોઈને તે ચોંક્યો, ચીસ પાડીને કૂદ્યો, એક જ સેકન્ડમાં કૅબિનમાં ચાલ્યો ગયો અને ધડામ કરતો દરવાજો બંધ કરી દીધો. તેણે મહોરું પહેર્યું હતું એટલે હું તેનો ચહેરો ન જોઈ શક્યો, પણ તમે જ કહો કે કોઈ માણસ પોતાના ઘરમાં છુપાઈને શા માટે રહે ? અને થોડી મિનિટો માટે બહાર નીકળે તો ય મહોરું પહેરીને નીકળે ! બીજું એ કે જો તે ડૉક્ટર જેકિલ હતા તો મને – પોતાના વર્ષો જૂના નોકરને જોઈ ચીસ કેમ પાડી ઊઠ્યા ? અરે, મારા તો રૂંવાડા ઊભા થઈ ગયેલા. ભલે મેં તેને એક જ સેકન્ડ માટે જોયો હતો અને ત્યારે ય તેણે મહોરું પહેર્યું હતું, પણ મને પૂરી ખાતરી છે કે તે ડૉ. જેકિલ ન હતા. મેં વર્ષોથી જેની ચાકરી કરી છે તેને ઓળખવામાં હું થાપ ન જ ખાઉં.”

 

ક્રમશ :

***

રેટ કરો અને રિવ્યુ આપો

Rucha B. Bhatt 4 દિવસ પહેલા

bharat chaudhary 2 અઠવાડિયા પહેલા

Jigar Shah 3 અઠવાડિયા પહેલા

Jignesh 1 માસ પહેલા

pd criminal 4 માસ પહેલા