અતિશય અશક્ત અને દૂબળા પડી ગયેલા લેનીયનને જોઈ એવું લાગતું હતું કે યમરાજ હમણાં તેના પ્રાણ હરી લેશે.
મહેમાન તરીકે આવેલા અટરસનને તે કહેવા લાગ્યો, “મને ઝાટકો લાગ્યો છે. મેં એક એવી વસ્તુ જોઈ છે જેણે મને બીમાર કરી દીધો છે. મને લાગે છે કે હવે હું થોડા જ અઠવાડિયાનો મહેમાન છું અને ફરી ક્યારેય સાજો નહીં થાઉં. પણ, મને તેનો અફસોસ નથી. મારું આખું જીવન સુખ ચેનમાં વીત્યું છે અને મેં જિંદગીની દરેક પળને મન ભરીને માણી છે.”
“એવું ના બોલ યાર, તું ફરી સાજો થઈ જઈશ. તને ખબર છે, જેકિલ પણ અત્યારે બીમાર છે ?” અટરસને વાત બદલવા કહ્યું.
પણ, જેકિલનું નામ સાંભળી લેનીયનનો ચહેરો બદલાઈ ગયો. “હું જેકિલ વિશે એક પણ શબ્દ સાંભળવા તૈયાર નથી.” તેણે ગુસ્સામાં મોટા અવાજે કહ્યું. “મારા માટે તે મરી ચૂક્યો છે.”
આ સાંભળી અટરસનને આશ્ચર્ય થયું. તેને લાગ્યું કે જેકિલ અને લેનીયન વચ્ચે ફરી કોઈ બાબતને લઈ મનભેદ થયો છે. “તમારી વચ્ચે ફરી કંઈ થયું કે શું ?” તેણે પૂછ્યું. “એવું હોય તો સુલેહ કરી લો ; જૂના મિત્રોમાં આવું બધું ચાલ્યા કરે, તેને મન પર ન લેવાનું હોય.”
“હવે કંઈ થઈ શકે તેમ નથી. પણ એક દિવસ, જયારે હું મરી જઈશ ત્યારે, તને ય સાચી હકીકત ખબર પડશે. જોકે અત્યારે, તે વિશે હું ફોડ પાડીને કહી શકું તેમ નથી. હવે જેકિલ સિવાયની વાત કર. મારે તેની સાથે શું વાંધો પડ્યો, મેં એવું શું જોયું કે હું બીમાર પડી ગયો એ બાબતના પ્રશ્નો પૂછવા હોય તો મારે વાત કરવી નથી.”
આથી, આમ-તેમની વાતો કરી અટરસન વિદાય થયો. પોતાના ઘરે પહોંચી તેણે જેકિલને પત્ર લખ્યો. તેમાં તેણે પોતાને તેના ઘરમાં પ્રવેશ કેમ નથી મળતો તેવી ફરિયાદ કરી અને લેનીયન સાથેનો તેનો સંબંધ અચાનક કેમ બગડી ગયો તેનું કારણ પૂછ્યું. પત્ર મોકલ્યાના બીજા જ દિવસે જેકિલનો જવાબ આવ્યો. જેકિલે લખેલો પત્ર ઘણો લાંબો હતો, છતાં તેમાં કોઈ રહસ્ય છુપાયેલું હતું. તેણે લખ્યું હતું : “દોસ્ત, મારા અને લેનીયનના સંબધ કેમ વણસ્યા તે વિશે હું તને ચોખવટપૂર્વક કહી શકું તેમ નથી, છતાં એટલું ચોક્કસ કહીશ કે જે પણ થયું તેમાં લેનીયનનો કોઈ દોષ નથી. તને ઘરમાં પ્રવેશ ન આપવાની ફરિયાદ વિશે હું કહેવા માંગું છું કે આજના દિવસથી મરતા સુધી હું સાવ એકાંતમાં રહેવા માંગું છું એટલે હું તને ક્યારેય નહીં મળું. આ જાણીને તને આશ્ચર્ય થશે, પણ તેનાથી મારી મિત્રતા પર શંકા ન કરતો. કદાચ, ભગવાનની નજરમાં મેં બહુ પાપ કર્યા છે એટલે હું અત્યારે ભયંકર દુખો ભોગવી રહ્યો છું. હવે મને ખાતરી થઈ ગઈ છે કે આ પૃથ્વી પર ક્યાંય નર્ક નથી કારણ કે અહીંનું બધું અહીં જ મળી જાય છે ; માણસે જે ગુના અને પાપ આચર્યા હોય તેની સજા તેને આ જ જન્મમાં મળી જાય છે. મારી આવી બધી વાત તને મોઘમ લાગશે, પણ વધુ કંઈ ન કહેવા હું મજબૂર છું. આશા છે કે તું મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીશ અને તેમાં ઊંડા ઉતર્યા વિના, મારી સાથે જે પણ થઈ રહ્યું છે તેને વિધિનું વિધાન સમજી સ્વીકારી લઈશ.”
પત્ર વાંચી અટરસન ચોંકી ઊઠયો. હાઇડ નામના રાક્ષસનો પડછાયો જેકિલના જીવન પરથી હટી ગયો હતો, જેકિલ પોતાના ખુશહાલ જીવનમાં પાછો ફર્યો હતો, તે બધા સાથે ભળવા લાગ્યો હતો, અરે થોડા દિવસ પહેલા તેણે બધાની હસતાં ચહેરે આગતા સ્વાગતા પણ કરી હતી, તો પછી આ એક જ સેકન્ડમાં શું થઈ ગયું ? મિત્રો પ્રત્યેનો પ્રેમ, આંતરિક શાંતિ એ બધું કડડડભૂસ કેમ થઈ ગયું ? જેકિલના આ વર્તન પાછળ પાગલપન જવાબદાર હતું કે મજબૂરી તે અટરસન નક્કી ન કરી શક્યો. જોકે, લેનીયન અને જેકિલની વાત પરથી લાગતું હતું કે વાતના મૂળ બહુ ઊંડે સુધી ફેલાયેલા છે જે કોઈ છુપાયેલા રહસ્યને ઉજાગર કરે એમ છે.
આ વાતના એક જ અઠવાડિયામાં લેનીયન પથારીવશ થઈ ગયો અને પંદર દિવસ પછી મૃત્યુ પામ્યો. મિત્રની અણધારી વિદાયથી અટરસન દુખી થઈ ગયો. લેનીયનની અંતિમ વિધિના બીજા દિવસે તે પોતાના બિઝનસરૂમમાં (વ્યવસાયિક કામકાજ કરવા માટેના ઘરના અલાયદા રૂમમાં) બેઠો હતો. દરવાજો બંધ હતો અને મીણબત્તી - લેનીયનના મૃત્યુનો શોક કરી રહી હોય તેમ - મંદ મંદ સળગી રહી હતી. તેના આછા ઉજાસમાં અટરસન, લેનીયને મરતા પહેલા મોકલેલું બંધ પરબીડિયું પકડીને બેઠો હતો. ઉપર લખ્યું હતું, “અંગત. જી. જે. અટરસન એકલા હોય ત્યારે ખોલવું. શ્રીમાન અટરસન પણ મૃત્યુ પામ્યા હોય તો આને વાંચ્યા વગર બાળી નાખવું.” પરબીડિયા પરનું આ લખાણ જ અંદર શું હશે તેનું કુતૂહલ પેદા કરતું હતું. આવું રહસ્યમય લખાણ વાંચી અટરસને બેચેની અનુભવી. ‘હું કાલે જ એક મિત્રને દફન કરીને આવ્યો છું. આમાં કંઈ એવું ન નીકળે જેથી મારે બીજો મિત્ર પણ ગુમાવવો પડે !’ આમ વિચારી તેણે ધ્રૂજતા હાથે પરબીડિયું ખોલ્યું. તેની અંદર બીજું એક સીલપૅક કવર હતું, જેના પર લખ્યું હતું, ‘ડૉ. હેન્રી જેકિલના મૃત્યુ સુધી અથવા તે ગુમ ન થાય ત્યાં સુધી ખોલવું નહીં.’ તેમાં ડૉ. હેન્રી જેકિલનું નામ ખાસ કૌંસ કરીને લખાયું હતું. અટરસનને તેની આંખ પર ભરોસો ન થયો. તેણે આ સૂચના બે ત્રણ વાર વાંચી. ‘જેકિલ ગુમ થાય તો’ પ્રકારની વાતનો ઉલ્લેખ ફરી વાર થયો હતો. જે વાતને તે રાખ થઈ ગયેલી માનતો હતો તે સળગતા કોલસાની જેમ ગરમી ફેંકવા લાગી હતી. ‘જેકિલના વસિયતનામામાં આ વાત દૃષ્ટ હાઇડના કહેવાથી સામેલ કરાઈ હતી અને તેની પાછળની તેની બદદાનત સ્પષ્ટ અને ભયંકર હતી, પણ લેનીયને આવું શા માટે લખ્યું ? શું તેમ લખવા પાછળ તેનો કોઈ ખાસ હેતુ હતો ?’ અટરસનના મનમાં જિજ્ઞાસા પેદા થઈ ; લેનીયનની મનાઈને અવગણીને પરબીડિયું ખોલી નાખવાની ઇચ્છા થઈ, અંદર કયું રહસ્ય છે તે જાણવાની ઉત્કંઠા થઈ. હવે, જ્યાં સુધી આ રહસ્ય ન ખૂલે, તેને ચેન પડવાનું ન્હોતું. પણ, એક જવાબદાર વકીલ અને સારા મિત્ર તરીકે તે મરહૂમ લેનીયનની સૂચનાને અવગણી ન શક્યો. તેણે ભારે મને પરબીડિયું તિજોરીના ખાસ ખાનામાં મૂકી દીધું.
તો ય જિજ્ઞાસાને દબાવવી એક વાત છે અને તેને જીતવી બીજી... તે દિવસથી અટરસન જેકિલ વિશેના કોઈ ખાસ સમાચાર આવે તેની રાહ જોવા લાગ્યો. તેને તેના પ્રત્યે પ્રેમ અને લાગણી હતા એટલે તેની ચિંતા ય થતી હતી. તેના મનમાં સતત ભય અને ઉચાટ રહેતા હતા. ક્યારેક તેને જેકિલને મળવા જવાની ઇચ્છા થઈ આવતી, પણ જેકિલે તેને તેમ કરવાની મનાઈ ફરમાવી હોવાથી તે અટકી જતો હતો. છેવટે તેણે નક્કી કર્યું કે ‘જેકિલના ઘરે જવું જ છે, ઘરમાં પ્રવેશ નહીં મળે તો પોલ સાથે વાત કરીને ઉંબરેથી પાછો ફરી જઈશ. નોકર ય કંઈ નહીં કહે તો શેરીઓમાં લટાર મારી, શહેરની હવા ખાઈ પાછો ફરી જઈશ.’ પછી તે જેકિલના ઘરે ગયો, પણ પોલ પાસે તેને આપવા માટે સારા સમાચાર ન હતા. તેણે કહ્યું કે ડૉક્ટર જેકિલ આખો દિવસ પ્રયોગશાળાની ઉપરની કૅબિનમાં પૂરાઈ રહે છે અને ઘણી વાર તો ત્યાં જ સૂઈ જાય છે. જાણે કોઈ શેતાની આત્માએ તેના પર કબજો જમાવી દીધો હોય તેમ તે કોઈ સાથે વાત કરતા નથી અને સૂનમૂન બેસી રહે છે. તેઓ વાંચન કે બીજી ઇતર પ્રવૃત્તિ પણ કરતા નથી. પછી તો પોલ તરફથી તેને આવા જ સમાચાર મળતા, આથી અટરસનને તેની નવાઈ ન રહી. ધીમે ધીમે તેણે, જેકિલના ઘરે જવાનું ઓછું કરી નાખ્યું.
ક્રમશ :