રેડલાઇટ બંગલો ૪૮ (અંતિમ) Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૪૮ (અંતિમ)

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૮ (અંતિમ)

અર્પિતાએ રેડલાઇટ બંગલામાં મીનાએ મોકલેલી છોકરી સાથે મોજ કરી હતી તેના ફોટા બતાવ્યા પછી હેમંતભાઇ નરમઘેંશ જેવા થઇ ગયા હતા. તેમણે અર્પિતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને એ ફોટા છુપાવવા કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ ગયા હતા. પણ જ્યારે અર્પિતાએ તેની કિંમત કહી ત્યારે હેમંતભાઇ ચોંકી ગયા હતા. તેમણે અર્પિતાની કિંમત ચૂકવવા આ ગામનું સામ્રાજ્ય છોડીને જવું પડે એમ હતું. અર્પિતાએ તેમને તમામ જમીન વેચીને કિંમત મેળવી તેમનો બંગલો ગામને સામાજિક ઉપયોગ માટે સખાવતમાં આપી ગામ છોડી જવા કહ્યું હતું. હેમંતભાઇ અર્પિતાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. એક રાતની આટલી મોટી કિંમત ચૂકવવાનું તેમને યોગ્ય ના લાગ્યું. તેમણે અર્પિતા સામે કુટિલ હાસ્ય કરી કહ્યું:" અર્પિતા, તું આ રીતે મને બ્લેકમેલ કરીને તારું કામ કરાવી જઇશ એમ સમજે છે? હું તારી શરત ના માનું તો મને બદનામ કરીશને? કરી લે! મારા જેવા નાગા માણસ માટે નાહવાનું કે નિચોવવાનું કંઇ હોતું નથી. આખું ગામ જાણે છે મને શેનો શોખ છે. તારી માને જ પૂછી લેજે ને!"

અર્પિતાને હેમંતભાઇની વાત સાંભળી બહુ નવાઇ ના લાગી. તે જાણતી જ હતી કે હેમંતભાઇ એમ સીધી રીતે માને એવો ન હતો. જમાનાનો ખાધેલ અને નફ્ફટ માણસ હતો. આખું ગામ જાણે છે કે તેના ધંધા કેવા છે. તેને ટક્કર આપવાનું સરળ નથી. અર્પિતાએ હેમંતભાઇની વાત સાંભળી કહ્યું:"મને ખબર જ હતી કે તમને ઇજ્જત જેવું કંઇ જ નહીં હોય. બેશરમીની પણ હદ હોય છે. તમે મારા પરિવારને બરબાદ કર્યો છે અને એની સજા તમને મળવી જ જોઇએ."

"એમ બોલવાથી સજા ના મળે. અને આવા ફોટાથી મને કોઇ ફરક પડવાનો નથી. આ ફોટામાં જે છોકરી છે એનું ભવિષ્ય વિચારી લેજે. એની જ બદનામી થશે...."

"હેમંતભાઇ, તમારા પાપનો ઘડો ભરાઇ ગયો છે. તમે એમ ના માનતા કે મારી પાસે આ એક જ પુરાવો છે..."

બોલીને અર્પિતા મોબાઇલમાં કંઇક શોધવા લાગી.

હેમંતભાઇના દિલની ધડકન હવે વધી ગઇ. અર્પિતાનું એક તીર તો તેમણે બુઠ્ઠું કરી નાખ્યું હતું. હવે શું કરે છે તે જોવા અર્પિતાને તાકી રહ્યા.

અર્પિતાએ એક સંવાદ મોબાઇલમાંથી સંભળાવ્યો. જેમાં લાલુ મજૂરે કબૂલાત કરી હતી કે હરેશભાઇની હત્યા હેમંતભાઇએ કરાવી છે.

હવે હેમંતભાઇના મોતિયા મરી ગયા. તેમને થયું કે અર્પિતા તેને ફાંસી અપાવીને જ છોડશે.

"હેમંતભાઇ, લાલુ મારા સંપર્કમાં જ છે. આજે જ પોલીસમાં આ બધું જમા કરાવી લાલુને પણ હાજર કરી દઉં?"

હેમંતભાઇ સમજી ગયા કે અર્પિતાનો તે સામનો કરી શકશે નહીં. એક પછી એક તાતા તીર એના ભાથામાંથી કાઢી રહી છે. તેમનો ડર સાચો સાબિત કરતી હોય એમ ફરી ફોટો બતાવી અર્પિતા બોલી:"હેમંતભાઇ, આ છોકરીને પણ તેના બદનામ થવાનો ડર નથી. હું કહું તો એ તમારા વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ કરવા તૈયાર થાય એમ છે..."

હેમંતભાઇ હવે શરણમાં આવી ગયા:" અર્પિતા, તું જે કહીશ એ કરવા તૈયાર છું. મને બચાવી લે.."

"મારા કાકાને મારી નાખતા પહેલાં તને વિચાર આવ્યો ન હતો કે મારે આ પાપની સજા ભોગવવી પડશે?"

"હું વર્ષાના પ્રેમમાં પાગલ બન્યો હતો. તેને હરેશભાઇ છીનવી રહ્યા હતા એટલે..."

"હેમંતભાઇ, આ ગુનાની તમને મોટી સજા મળવી જોઇએ. પણ હું માનું છું કે અત્યારે આટલી સજા જ લખાઇ છે. તમે આ બંગલો ગ્રામપંચાયતના નામ પર કરી દો અને એક સપ્તાહમાં બધું વેચીને અમારી નજરથી દૂર- દૂર જતા રહો..."

"હું એમ જ કરીશ..."

ગામમાં સિંહ થઇને ફરતા હેમંતભાઇ આજે અર્પિતા સામે બકરી બની ગયા હતા.

અર્પિતાને ખ્યાલ આવી ગયો કે હેમંતભાઇ હવે ડબ્બામાં આવી ગયા છે. એ તેના હુકમનો અમલ કરશે. એ સિવાય એમની પાસે કોઇ માર્ગ પણ નથી. અર્પિતાએ જ્યારે વિનયને આ વાત કરી હતી ત્યારે તેનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તેણે તો હેમંતભાઇ ઉપર હત્યાનો કેસ કરવાની જ સલાહ આપી હતી. પણ અર્પિતાની દલીલ હતી કે પોલીસ અને કોર્ટના ચક્કરમાં વર્ષો નીકળી જાય છે. ન્યાય મળતો હશે પણ એ જ્યારે મળે છે ત્યારે તેનો એટલો અર્થ રહેતો નથી. આવા આરોપીઓ જમાનત પર છૂટીને વધુ બેફામ બની ગુના આચરે છે. પોલીસની પણ તેમની સાથે મિલિભગત થાય છે. આપણા જેવા સામાન્ય માણસની લાગણી નિષ્ઠુર તંત્ર અનુભવતું નથી. અર્પિતાની વાતો સાંભળી વિનય પણ માની ગયો હતો કે હેમંતભાઇને ગામ નિકાલની સજા યોગ્ય જ છે.

અર્પિતા હેમંતભાઇને ત્યાંથી નીકળીને પોતાના ઘરે આવી. તે આ વખતે વિનયને મળવા માગતી ન હતી. હવે તે રાજીબહેનની કેદમાંથી આઝાદ થઇને વિનયની પત્ની તરીકે તેના ઘરે જવા માગતી હતી. અર્પિતા ઘરે પહોંચી ત્યારે મા અને બંને નાના ભાઇ-બહેન તેની રાહ જોતા બેઠા હતા. તેણે બંને ભાઇ-બહેન સાથે ઘણી વાતો કરી. બંને ખુશ થઇ ગયા. તેમને શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણવા માટે સમજાવવામાં અર્પિતા સફળ રહી. વર્ષાબેનની બાળકોની ચિંતા ટળી ગઇ હતી. હવે તે લાલજી સાથે લગ્ન કરી એઇડ્સના રોગીઓની સેવામાં લાગી જવાના હતા.

અર્પિતા સાંજે શહેર જવા નીકળી ત્યારે વર્ષાબેનની આંખો ભીની થઇ ગઇ.

"મા, હું હોસ્ટેલવાળી સ્કૂલની વ્યવસ્થા કરી બહુ જલદી આવીશ." કહી અર્પિતા નીકળી ગઇ.

અર્પિતા રેડલાઇટ બંગલો પર પહોંચી ત્યારે રાત પડી ગઇ હતી. તેણે મહિલા ચાલકને કહી દીધું કે આપણે આવી ગયા છે એની જાણ રાજીબહેનને કરી દેજે.

અર્પિતાએ પોતાના રૂમનું તાળું ખોલતાં પહેલાં જોયું કે રચના આવી ગઇ હતી. તે પોતાના કહ્યા પ્રમાણે જ ગઇ હતી અને સમયસર પાછી આવી ગઇ હતી એનો અર્પિતાને આનંદ થયો. પોતાની યોજનામાં રચના, મીના અને બીજી છોકરીઓનો સાથ મળ્યો ના હોત તો સફળતાની શક્યતા ન હતી. પોતાની જેમ જ એમનું જીવન આ ગંદા ધંધામાં પૂરું થયું હોત. આવતીકાલે બધા માટે એણે સોનાનો સૂરજ ઉગાડવાનો હતો એટલે ઝટપટ સૂઇ ગઇ. આવતીકાલની સવારનું અજવાળું રાજીબહેનની આંખે અંધારા લાવવાનું હતું.

સવારે અર્પિતા વહેલી ઊઠી ગઇ. ઝટપટ તૈયાર થઇ રચનાની રૂમ પર ગઇ. અને બોલી:"હાય! કાલે સાંજે જ આવી ગઇ હતી ને?"

"હા, તારા કહ્યા પ્રમાણે જ બહાનું બનાવીને ગામ જતી રહી હતી. બે દિવસ મજા આવી. તેં સારી તક આપી!"

"હા, ભાવિ પતિદેવને ખુશ કરીને આવી લાગે છે!"

"તું પણ કાલે ગઇ હતી તો વિનયને મળીને જ આવી હશે ને!"

"ના રચના, હવે એક નવા રૂપમાં નવું જીવન શરૂ કરવાની છું. એટલે એને મળી ન હતી. અને રાજીબહેનનો આજે જ પાછા ફરવાનો હુકમ હતો એટલે વધારે રોકાવાય એમ પણ ન હતું."

"પણ તેં આ બે દિવસ શું કર્યું? અને રાજીબહેનની ચુંગાલમાંથી આપણે ક્યારે આઝાદ થઇશું?"

"બસ તું કહે ત્યારે!"

"હું તો હમણાં જ આઝાદ થવાનું કહું છું. એ કંઇ શક્ય બનવાનું છે?"

"હા, તેં જે રીતે મને ગુલામ બનાવવા રાજીબહેનના સંદેશવાહક તરીકે કામ કર્યું હતું એ જ રીતે મારી સંદેશવાહક બનીને રાજીબહેન પાસે જઇશ એટલે તે આપણાને આઝાદ કરી દેશે."

"અર્પિતા, તું શું બોલે છે એ જ મને સમજાતું નથી..."

"આ જોઇને તો સમજાશે ને?" કહી અર્પિતાએ પોતાનો મોબાઇલ ખોલ્યો.

અર્પિતાએ જ્યારે મોબાઇલમાં એક વીડિયો બતાવ્યો ત્યારે રચના નવાઇથી જોઇ રહી. આ સાચું છે? અને સાચું હોય તો કેવી રીતે શક્ય બન્યું એ જાણવાની રચનાની તાલાવેલી વધી ગઇ. અર્પિતાએ બતાવેલા વીડિયોમાં રાજીબહેન અને રવિકુમાર અંતરંગ પળો માણી રહ્યા હતા. બંને માટે આ વીડિયો એટમબોમ્બ સાબિત થવાનો હતો. કોલેજની છોકરીઓને ખોટી રીતે ફસાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતી સમાજ સેવિકા રાજીબહેનનો સાચો ચહેરો જ નહીં આખું શરીર ઉઘાડું પડી ગયું હતું. રાજીબહેને ઘણી છોકરીઓને જાળમાં માછલીની જેમ સપડાવી હતી. તેમને ખબર ન હતી કે એક માછલી એવી પણ આવશે જે શાર્ક માછલી હશે અને તેમની જાળને તો તોડશે જ પણ તેમને પોતાને જાળમાં ફસાવી દેશે.

"અર્પિતા, તેં તો કમાલ કરી દીધો. રાજીબહેનને તારી મુઠ્ઠીમાં લઇ લીધા. હવે તું માગે એટલા પૈસા આપશે આ વીડિયો માટે. તેમણે તારો નગ્ન હાલતમાં વીડિયો બનાવી તને બ્લેકમેલ કરી હતી. તારાથી વધુ આ ધમાકેદાર વીડિયો છે. કેમકે કોલેજના પ્રિંસિપલ રવિકુમાર તેમની સાથે છે. અર્પિતા, ગ્રેટ! આટલું મોટું કામ તેં એકલીએ કેવી રીતે પાર પાડ્યું?"

"રચના, તમારો બધાનો સાથ મને મળ્યો છે. એ અલગ વાત છે કે મેં આ યોજનાને સિક્રેટ રાખી હતી. વાત જરા પણ બહાર જતી રહે તો તે સફળ થાય એમ ન હતી."

"પણ બંને સાથે ક્યાં રાત ગુજારતા તારા કેમેરામાં કેદ થઇ ગયા?"

અર્પિતા કહેવા લાગી:"આ યોજના ઘણા સમયથી મારા મગજમાં હતી. પહેલાં તો મેં તેમની સાથે અસહકાર ચાલુ કર્યો હતો. તેમને સમજમાં તો આવી ગયું હતું પણ બધું એટલું જડબેસલાક હતું કે પુરાવાના અભાવે મારી વિરુધ્ધ કોઇ પગલાં લઇ શકતા ન હતા. સૌથી પહેલાં તો વિનયના સંસર્ગમાં આવીને વર્જીનીટી ગુમાવી દીધી અને નુકસાન કરાવ્યું. એ પછી કોલેજ ક્વીન સ્પર્ધામાં વિજેતા ના થવા રૂમમાં પડી જવાનું નાટક, પોલીસ ફરિયાદ સહિતના ઘણા પ્રયત્ન કરી જોયા પણ હું સફળ ના થઇ. એટલે મારે કાંટાથી કાંટો કાઢવાનું નક્કી કરવું પડ્યું. એમણે જે હથિયાર વાપરી મારા પર કબ્જો જમાવ્યો એ હથિયારથી જ હું એમને માત આપીશ. આ વીડિયો જોઇને એ મારી ગુલામ બનવા તૈયાર થઇ જશે. જો આ વીડિયો વાઇરલ થાય તો તેમની સમાજસેવિકા તરીકેની પ્રતિષ્ઠા ધૂળધાણી થઇ જશે. અને રવિકુમારની કારકિર્દી પૂરી થઇ જશે. બંને એવું નહીં જ ઇચ્છતા હોય. એમણે મારી આર્થિક નબળી પરિસ્થિતિ જોઇ કોલેજમાં પ્રવેશ આપ્યો હોવાનું કહ્યું હતું પણ પછી ખબર પડી કે તેમણે સુંદર શારીરિક સ્થિતિ જોઇ પ્રવેશ આપ્યો હતો."

"અર્પિતા, તેં ગજબની ચાલ રમી છે. આ બધું જોખમી કામ કેવી રીતે પાર પાડ્યું?"

"જો, રવિકુમારને હું ખુશ કરવા માગતી હતી એ તેઓ જાણતા હતા. મેં એમને એવા દીવાના બનાવ્યા કે તે મારી સાથે રાતને રંગીન બનાવવા તૈયાર થઇ ગયા. હવે મારા સ્થાન પર રાજીબહેનને બોલાવવાનું કામ સૌથી મુશ્કેલ હતું. મેં તને રાજીબહેનના પિરિયડની તારીખ જાણવા કહ્યું હતું. તેનું કારણ એ જ હતું કે મારી તારીખ નજીકમાં હોય અને એમની પતી ગઇ હોય એવો સમયગાળો પસંદ કરવાનો હતો. મેં બધી ગણતરી કરીને મંગળવારે રવિકુમારને આમંત્રણ આપી દીધું. અને તેમને થોડી એવી મજા કરાવીને એટલા ઉત્તેજીત કરી દીધા કે ઇચ્છા પૂરી કર્યા વગર તેમને જવાનું મન ના થાય. અને મેં ટાઇમમાં આવી હોવાનું બહાનું બનાવી વિકલ્પ તરીકે રાજીબહેનનું નામ આપી દીધું. અને મનમાં ઠસાવી દીધું કે તેમનો સાથ લેવો જોઇએ. પછી તો એમણે હુકમ જ કરી દીધો. અને રાજીબહેન તેમના સહારે ધંધો ચલાવતા હતા એટલે ના પાડી શકે એમ ન હતા. તે મારી ચાલમાં બરાબર ફસાઇ ગયા. મારી પાસે કારણ જ એવું હતું કે બંનેએ માનવું પડ્યું. અને એ તેમને હવે મોંઘું પડશે."

"અર્પિતા, તેં એમના સુંવાળા સાથના દ્રશ્યોનું વીડિયો રેકોર્ડીંગ કેવી રીતે કર્યું? આ તો અશક્ય કહી શકાય એવું હતું. એ રૂમમાં કેમેરા જ નથી અને તું ક્યાંકથી ચોરીછૂપી મોબાઇલથી રેકોર્ડીંગ કરી શકે એવું પણ નથી."

"રચના, એ કમાલ પેલા લાડુનો હતો!"

"શું વાત કરે છે?"

"હા, રાજીબહેનને મારા પર શંકા ઊભી થઇ હતી. એમણે મારું કોલેજ જવાનું એટલે જ બંધ કરાવી દીધું હતું. મેં બહાનું બનાવી એક દિવસ માટે કોલેજ જવાની પરવાનગી લઇ લીધી. અને એ દિવસે રવિકુમારને તો આવવા માટે તૈયાર કરી જ દીધા પણ સીસીટીવી કેમેરા પણ ખરીદી લીધા. એ કામ મેં મીનાને સોંપ્યું હતું. આધુનિક બ્લ્યુટુથથી મોબાઇલમાં રેકોર્ડીંગ થઇ શકે એવા બે કેમેરા લાડવામાં છુપાવી લાવવા કહ્યું હતું. મને ખબર હતી કે ચારમાંથી બે લાડવામાં કેમેરા છે. રાજીબહેન ચાલાક છે પણ તેમને મરણના કહેલા લાડવામાં પોતાના મોતના સામાન જેવા કેમેરા હોવાની ગંધ જ ના આવી. અને મેં રવિકુમાર જેવા મહેમાન માટે સવારે તૈયારી કરવા જાતે જઇ પ્લાસ્ટિકના તોરણમાં એ કેમેરા છુપાવી મારા મોબાઇલમાં તેના રેકોર્ડીંગનું ગોઠવી દીધું હતું. એટલે મેં પણ એમની મજાને લાઇવ માણી! પછી સવારે હું જ એ પ્લાસ્ટિકના તોરણ ઉતારી લાવી. અને એમાંથી કેમેરા કાઢી લીધા."

"સુપર્બ! અર્પિતા તારું દિમાગ તો બહુ ચાલ્યું!"

"રચના, મારી પાસે દિમાગ જોરદાર છે. પણ અફસોસ કે આવા બધા કામ માટે ચલાવવું પડ્યું. વાંધો નથી. હવે તમારા બધાનું જીવન સુધરી જશે. કેટલી બધી છોકરીઓની જિંદગી બરબાદ થઇ રહી છે. કોઇ સ્ત્રી પોતાની ઇચ્છાથી કે મજબૂરીમાં આ ધંધામાં કદાચ આવતી હોય એ અલગ વાત છે. પણ આપણા જેવી ગરીબ ઘરની અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા આવતી છોકરીઓની જિંદગી દોજખ જેવી બનાવી દે એ વાત ખોટી છે. મીના અને તેની સાથેની છોકરીઓ તો ઘણા દિવસથી રાહ જોઇ રહી છે આ દુષ્ચક્રમાંથી બહાર નીકળવા. આજે તું મારો સંદેશો રાજીબહેનને આપી આવ એટલે આપણે બધાંને સારા સમાચાર આપીએ..."

અર્પિતાએ રચનાના મોબાઇલમાં રાજીબહેન અને રવિકુમારની અંતરંગ પળોનો વીડિયો ટ્રાન્સફર કર્યો. રચના તે જોઇ બોલી:"અર્પિતા, રાજીબહેન સુંદરતામાં કમ નથી. પહેલી વાર તેમની આવી સુંદરતા જોઇ!"

"રચના, આ સુંદરતા શું કામની? એમનું દિલ સુંદર નહીં હોય. બાકી આવા કામ કરતા રોક્યા હોત. અને આનો કોઇ અફસોસ ક્યારેય એમના ચહેરા પર દેખાયો નથી."

"આજે એમનો ચહેરો જોવા જેવો હશે." રચના બોલી અને રાજીબહેન પાસે જવા ઉભી થઇ.

રચનાની આગાહી સાચી પડી. રચનાએ બતાવેલો વિડિયો જોઇ વીજળી પડી હોય એમ રાજીબહેનનો ચહેરો કાળોધબ થઇ ગયો. ચહેરા પરની લાલી ઊડી ગઇ. ક્યારેક તેમની સામે ગુસ્સાથી રાતોચોળ થઇ જતો રાજીબહેનનો સુંદર ચહેરો અત્યારે પડી ગયો હતો. જો આ વિડિયો વાઇરલ થઇ ગયો તો કોઇને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.

"રચના.... આ કોણે અને ક્યારે રેકોર્ડીંગ કર્યું...? રાજીબહેનનો અવાજ ફાટી ગયો.

"મેમ, શેરને સવાશેર મળી જ જાય છે. તમે કોલેજની છોકરીઓના નગ્ન વિડિયો ઉતારી એમને બ્લેકમેલ કરી જિંદગી બરબાદ કરી રહ્યા છો. હવે તમને સમજાય છે ને કે આ રીતે કોઇ આપણો વિડિયો ઉતારે તો કેવી દશા થાય છે?"

રાજીબહેનને ખ્યાલ આવી ગયો:"અર્પિતાનું આ કામ છે ને?"

રચના હસી:"મેમ, તમારું અનુમાન સાચું છે...."

"ઓહ! મારી શંકા સાચી પડી. તેની વાતો મને અજીબ લાગતી હતી પણ હું માની શકતી ન હતી કે તે મારા વિરુધ્ધ આવું કંઇક કરશે."

"મેમ, એને ખબર હતી કે તે વાઘણના મોંમાં હાથ નાખી રહી છે. પણ અમને બચાવવા એણે પોતાની ચિંતા ના કરી. હવે તમે તમારી ચિંતા કરો. અમારી આબરૂ સાથે ખેલવાની શું સજા મળે છે એ જુઓ. આ વિડિયો તમને સમાજ સામે બેઆબરૂ કરશે..."

"પ્લીઝ... પ્લીઝ... રચના, અર્પિતાને બોલાવ અને કહે કે હું તે કહે તે કિંમત ચૂકવવા તૈયાર છું..." રાજીબહેન કરગરવા લાગ્યા.

"કિંમત તો અમે ચૂકવી છે અમારું શિયળ લુંટાવીને..." રચનાની પાછળ જઇને છુપાઇને ઊભેલી અર્પિતા તેમની સામે આવીને બોલી.

"મને માફ કરી દે અર્પિતા..." રાજીબહેન અર્પિતાના પગમાં પડી ગયા.

અર્પિતાએ તેમના ખભા પકડી ઊભા કર્યા. અને વ્યંગમાં બોલી:"મેમ, તમે શું કામ ગભરાવ છો! તમારું તો કામ જ છોકરીઓને ધંધો કરાવવાનું છે. કોઇ દિવસ તમે પણ એ કામ કરી લો છો તો શું ફરક પડે છે!"

"અર્પિતા, હું તમારા બધાની ગુનેગાર છું. મને માફ કરી દો." રાજીબહેનની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.

"આ મગરના આંસુ હવે રહેવા દો. રવિકુમારને પણ અહીં બોલાવો. એમને પણ ખબર પડે કે ખોટા કામની કિંમત હવે ચૂકવવી પડશે...."

રાજીબહેને તરત જ રવિકુમારને ફોન કર્યો અને ગભરાયેલા સ્વરમાં કહ્યું:"સર, હમણાંને હમણાં મારા બંગલા પર આવી જાવ..."

"હું દસ મિનિટમાં પહોંચું છું..." કહી કોઇ વાત પૂછ્યા વગર રવિકુમારે ફોન મૂકી દીધો. અર્પિતા અને રચનાને નવાઇ લાગી. શું રવિકુમાર હવે રાજીબહેનનો પડ્યો બોલ ઝીલે છે?

"શું વાત છે રાજીબહેન? સાહેબ તમારા એક જ હુકમથી દોડતા આવશે! આટલો ઝડપી પ્રતિભાવ તો કોઇ પતિ પોતાની પત્નીને ભાગ્યે જ આપતો હશે!"

"અર્પિતા, સાચું કહું? અમે એક જ રાતના સંગાથ પછી એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. અમે એકબીજાની નજીક આવી ગયા છે. એ મારા માટે લાગણી ધરાવે છે. પણ પ્લીઝ તું આ વિડિયો ડિલિટ કરી દે. હું તમને મુક્ત કરી દઉં છું."

"રાજીબહેન, અમને બંનેને જ નહીં તમામ છોકરીઓને મુક્ત કરવાની છે. એટલું જ નહીં તમારે બદનામ ના થવું હોય તો આ બદનામીનો ધંધો છોડવાનો છે...."

"અર્પિતા, તું કહે એ કરવા હું તૈયાર છું. રવિકુમાર પણ મારી વાત સાથે સંમત થશે. મને એ કહે કે તેં આ બધું પાર કેવી રીતે પાડ્યું?"

અર્પિતાએ તેની યોજના અને બધી ચાલ-ચાલાકીની વાતો કર્યા પછી કહ્યું:"જો આ વિડિયો તમારે જાહેર થવા દેવો ના હોય તો લોહીનો વેપાર બંધ કરી લોહી પૂરું પાડવાની સેવા કરવાની છે. રેડલાઇટ બંગલા પરનું લાલ પ્રકાશ ફેંકતું ગોળ આકારનું લાલ સિગ્નલ ઉતારી ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીનું પ્રતિક લગાવી તેમને સહાય કરવાની છે. એ માટે એક એનજીઓ સાથે વાત કરી રાખી છે. રવિકુમારે પણ કોલેજની છોકરીઓને અભ્યાસમાં સ્કોલરશીપ આપવાની છે. આ તમારા ગુનાનું પ્રાયશ્ચિત હશે. હું કોઇને સજા આપી શકું નહીં. એ તો ઉપરવાળાને જે કરવું હશે એ કરશે. હું જેટલું સારું થાય એટલું કરવા અને કરાવવા માગું છું."

અર્પિતાનો ઉમદા વિચાર જાણી રચના પ્રભાવિત થઇ. તેણે અર્પિતાની પીઠ થાબડી કહ્યું:" અર્પિતા, ધન્ય છે તારા મા-બાપને કે આવી છોકરીને જન્મ આપ્યો અને ધન્ય છે તારી હિંમત અને સદવિચારોને. બીજી કોઇ છોકરી હોત તો રાજીબહેન અને રવિકુમારના અંગત પળોના આ વિડિયોની મોટી કિંમત માગી એશોઆરામથી જિંદગી જીવવાનું ગોઠવ્યું હોત. તેં તો તારી જિંદગીની બરબાદીનું કોઇ વળતર માગ્યું નહીં અને સામેથી લોકોની સેવા કરવાની ઇચ્છા પ્રગટ કરી રહી છે. જ્યાં આ બાઇ લોહીનો વેપાર કરતી હતી ત્યાં સ્વૈચ્છિક રક્તદાનથી લોહી મેળવી લોકોની જિંદગી બચાવવાની સેવાનું કામ કરવાનું કહી રહી છે...અદભૂત!"

"વાહ અર્પિતા! હું માનતો હતો કે સુંદરતામાં તારા જેવું બીજું કોઇ નથી. પણ આજે માન્યું કે ભલાઇમાં પણ તારો જવાબ નથી." રચનાની વાત સાંભળી રાજીબહેન કંઇ બોલવા જાય એ પહેલાં રવિકુમારનો અવાજ આવ્યો. થોડીવાર પહેલાં આવીને ચૂપચાપ બધું સાંભળતા રવિકુમારનો અવાજ સાંભળી બધાંએ તેમની તરફ જોયું. તે આગળ બોલ્યા:"મેં તમારી થોડી વાત સાંભ્ળી છે અને અંદાજ આવી ગયો છે કે અમારો વિડિયો ઉતારવામાં આવ્યો છે અને એના બદલામાં સારું કામ કરવાની વાત થઇ રહી છે. અને એ માટે હું મારી સંમતિ આપું છું."

રાજીબહેને પણ તેમની વાતમાં સૂર પૂરાવ્યો:"હું પણ તૈયાર છું. અર્પિતાએ મારી આંખ ખોલી નાખી છે. હું અને રવિકુમાર છેલ્લા બે દિવસમાં આ ધંધા વિશે આમ પણ થોડું વિચારી ચૂક્યા હતા. અર્પિતાએ અમને સાચો માર્ગ બતાવ્યો છે. અમે બંને પહેલી વખત શરીરથી જોડાયા એ પછી દિલથી વધુ જોડાયા છે...."

અર્પિતાએ જોયું કે રાજીબહેનના ચહેરા પર હવે શરમની લાલી ડોકિયા કરતી હતી. તેને આનંદ એ વાતનો હતો કે કોઇ મોટી મગજમારી વગર રાજીબહેન લોહીના વેપારને બંધ કરવા રાજી થઇ ગયા હતા.

"આવતીકાલે જ રેડલાઇટનું સિગ્નલ ઉતરી જશે અને રેડ ક્રોસ સોસાયટી સાથે વાત કરીને તેમનું પ્રતિક લગાવવાની કાર્યવાહી કરીશું. અને બધી છોકરીઓને આઝાદ કરી એજન્ટોને પણ છૂટા કરી દઇશું." રાજીબહેને એલાન કરી દીધું.

અર્પિતાએ ખુશ થઇ કહ્યું:"મેમ, હું પણ આ વિડિયો ડિલિટ કરી દઇશ. અને તમારી પાસે પણ જે છોકરીઓના વિડિયો હોય એ ડિલિટ કરી દેશો...."

"એ કામ હું આજે જ કરીશ." રાજીબહેને વિશ્વાસ અપાવતાં કહ્યું.

અર્પિતાને દિલમાં એક સંતોષ થયો કે તે ભલે થોડો સમય આ ધંધામાં પોતાની જિંદગીને બરબાદ કરતી રહી પણ બીજી છોકરીઓને નવું જીવન આપી શકી. હવે તે પણ નવા જીવનની શરૂઆત માટે થનગની રહી.

અર્પિતા બીજા દિવસે બંને ભાઇ-બહેન માટે હોસ્ટેલવાળી સ્કૂલની વ્યવસ્થા કરી જ્યારે ગામ જવા નીકળી ત્યારે રાજીબહેને તેને પોતાની કાર લઇ જવા કહ્યું. પણ અર્પિતા બોલી:"મેમ, હું એસટી બસમાં આવી હતી અને બસમાં જ જવા માગું છું. હું પહેલાં હતી એવી જ મુગ્ધા યુવતી બનીને જઇ રહી છું..."

અર્પિતા ગામ પહોંચી સૌથી પહેલાં વિનયને મળવા તેના ઘરે ગઇ. વિનય તો તેને જોઇ ખુશીથી ઉછળી પડ્યો. તેણે ફટાફટ બારણું બંધ કર્યું અને તેને બાંહોમાં ભીંસી નાખતાં બોલ્યો:"આજે હું એકલો જ છું. તું ખરા સમય પર આવી છે. બા-બાપુ બે દિવસ લગનમાં ગયા છે. લગન પહેલાં તું મારી પત્ની બનીને રહેજે. હવે તો તું પાછી જવાની નથી ને?"

"ના. હવે તારી પત્નીના રૂપમાં જ સાત જનમ અહીં રહેવાની છું..." કહી અર્પિતાએ રાજીબહેનના સામ્રાજ્યના અંત સુધીની બધી જ વાત વિનયને જણાવી દીધી.

"ચાલ હવે તું છું અને હું છું!" કહી વિનય તેને ભેટી પડ્યો. અચાનક અર્પિતાએ "ઓહ નો!" કહી તેને હળવેકથી દૂર કર્યો અને બોલી:"લાગે છે કે હજુ ચાર-પાંચ દિવસનો આપણો વિયોગ છે!"

"તું તો ખરા સમય પર બેસી પડી!" કહી હસીને વિનયે તેના ગાલ પર પ્રેમથી ચૂંટણી ખણી.

સમાપ્ત....

***

વાચકમિત્રો,

મારી પ્રથમ નવલકથા "રેડલાઇટ બંગલો"ને આપના તરફથી કલ્પનાતીત પ્રતિભાવ મળ્યો છે. તેને વાંચીને હજારો વાચકોએ રેટીંગ આપી મારો ઉત્સાહ બીજી નવલકથા માટે વધાર્યો છે. આ અંતિમ પ્રકરણ સાથે "રેડલાઇટ બંગલો" ના ૧ લાખ ડાઉનલોડ થાય એ આનંદની વાત છે. અને "રેડલાઇટ બંગલો" ને કારણે જ ડિસેમ્બર-૨૦૧૮ ના માતૃભારતીના ટોપ ૫૦ લેખકોમાં કાજલ ઓઝા વૈદ્ય પછી હું બીજા સ્થાને રહ્યો છું. આ નવલકથા માટે મને માતૃભારતીએ તક આપી એ બદલ ખાસ આભારી છું.

હવે આગામી સપ્તાહથી નવી નવલકથા "લાઇમ લાઇટ" શરૂ થશે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી મને ખાતરી છે. અને તમારા પ્રતિભાવ થકી "લાઇમ લાઇટ" બ્લોકબસ્ટર નવલકથા બનશે એનો મને વિશ્વાસ છે.

- રાકેશ ઠક્કર

રેટ કરો અને રિવ્યુ આપો

N Ben

N Ben 3 દિવસ પહેલા

Bhart .K

Bhart .K 1 માસ પહેલા

Chandubhai Panchal

Chandubhai Panchal 1 માસ પહેલા

Rima Patel

Rima Patel 1 માસ પહેલા

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 6 માસ પહેલા