રેડલાઇટ બંગલો
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૪૭
અર્પિતા રવિકુમારનો સમય સાચવી શકે એમ ન હોવાથી રાજીબહેનને બોલાવ્યા હતા. રાજીબહેન માટે આ સ્થિતિ અપેક્ષિત ન હતી. રવિકુમારની રાતને રંગીન કરવાની જવાબદારી રાજીબહેન ઉપર આવી ગઇ હતી. તેમને ના પાડવાનું મુશ્કેલ હતું. તેમણે બીજા વિકલ્પ વિચારી જોયા. પણ તરણુંય હાથ લાગ્યું નહીં. તે શારિરીક રીતે તો તૈયાર હતા. હવે પોતાને માનસિક રીતે તૈયાર કરવા લાગ્યા. રવિકુમારે હુકમથી કે પ્રેમથી તેમને બોલાવ્યા હતા. એમની વાતને ટાળવાનું શક્ય લાગતું ન હતું. રવિકુમારના સાથને લીધે જ તે કોલેજની છોકરીઓ પાસે રેડલાઇટ બંગલામાં શામ, દામ, દંડ અને ભેદથી લોહીનો વેપાર કરાવતી હતી. હવે તે પહેલી વખત પોતાનો અંગત સાથ માગી રહ્યા હતા. અર્પિતા તેમને સાચવી શકે એમ ન હોવાથી જ તેમણે આવી જવા કહ્યું હતું. રાજીબહેને પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો અને કપડાં બદલી રવિકુમારની રૂમ ઉપર પહોંચ્યા.
રવિકુમાર રાજીબહેનને જોઇ ખુશ થઇ ગયા. રાજીબહેનનું રૂપ કોઇને પણ પ્રભાવિત કરી શકે એવું હતું. અને આજે તો ઘરમાં ચાંદની ઉતરી આવી હોય એવું રૂપ ખીલી ઊઠયું હતું. રવિકુમારના દિલમાં સ્પંદન થવા લાગ્યું. તેમણે પ્રેમથી આવકાર આપ્યો:"આવો રાજીબહેન! આજે તમારા મહેમાન છીએ."
"રવિ સાહેબ, આપની મહેફિલમાં હાજર છું."
"હા, રંગ જામશે...!"
રાજીબહેન દરવાજો બંધ કરી અંદર આવ્યા અને રવિકુમારની બાજુમાં બેઠા.
રવિકુમાર તેમની આંખોમાં આંખો નાખી બોલ્યા:"રાજી, તમને હેરાન કર્યા છે! અર્પિતાએ રંગ જમાવી દીધો હતો. પરંતુ ફિલ્મ પૂરી ના કરી શકી. હું ચાહું છું કે સીધા ક્લાઇમેક્સ પર જવાને બદલે આપણે ફિલ્મ નવેસરથી શરૂ કરીએ!"
"જેવી આપની ઇચ્છા સાહેબ! હું તન-મનથી આપને સમર્પિત થવા આવી છું."
રવિકુમારે રાજેબહેન સાથે થોડો પ્રેમાલાપ કર્યો અને તેમની સાથે પ્રેમની ક્ષણો માણવા લાગ્યા. ધીમેધીમે રાજીબહેન સાથે તેમને આનંદ આવવા લાગ્યો. રાજીબહેન પણ દિલથી તેમની સાથે જોડાયા. તેમને પહેલી વખત થયું કે પ્રેમ શું ચીજ છે. આવા સુખને તેમણે ઘણા સમય પછી અનુભવ્યું. થોડીવાર પછી મુખ્ય લાઇટ બંધ કરી દીધી અને ઝાંખા અજવાસમાં બંનેના દિલમાં અજવાળું થવા લાગ્યું. બંનેએ માઝમ રાતને નવા પતિ-પત્ની બન્યા હોય અને સુહાગરાત મનાવતા હોય એ રીતે ગુજારી. વહેલી સવારે રાજીબહેન રવિકુમારથી અળગા થયા ત્યારે તેમને છોડવાનું મન થતું ન હતું. રવિકુમારના મનમાં પણ રાજીબહેન માટેની ભીની લાગણીઓ હતી. તેમના દિલનો બાગ ખીલી ઊઠયો હતો. તેમને થયું કે અર્પિતાનું સ્થાન લેવા રાજીબહેન આવ્યા એ સારું જ થયું. ભલે અર્પિતા કુમળી કળી જેવી હતી અને તનમનને લલચાવતી હતી પણ રાજીબહેનમાં એક પરિપકવ સ્ત્રીનો અનુભવ મળ્યો. એક સ્ત્રીની લાગણીઓને સહજતાથી અનુભવી.
રવિકુમારે જતાં પહેલાં રાજીબહેનનો આભાર માન્યો. રાજીબહેને તેમને હસીને આવજો કર્યું. રવિકુમારે પણ તેમને આવજો કર્યું અને બોલ્યા:"જરૂર આવીશ!" અને નીકળી ગયા.
રવિકુમાર ફરી આવવાનું બોલ્યા એટલે રાજીબહેનના દિલની ધડકન વધી ગઇ. તેમને જે વાતનો ડર હતો એ જ રવિકુમાર કહી ગયા હતા. તે વિચારી રહ્યા હતા:"મારો આ નિર્ણય મને ભારે પડશે?" ત્યારે રાજીબહેનને ખબર ન હતી કે તેમની અને રવિકુમારની સાથે ક્યારેય વિચાર્યું ન હોય એવું બનવાનું હતું.
***
રવિકુમારના રૂમમાંથી નીકળીને અર્પિતા બાજુના રૂમમાં આવી. તેણે એસી ચાલુ કર્યું. થોડી જ વારમાં આખા રૂમમાં ઠંડક વ્યાપી ગઇ. તેના દિલમાં પણ ઠડક હતી. તેને રવિકુમારને પૂરો સાથ ના આપી શકાયો એનો અફસોસ ન હતો. તેને મનમાં શાંતિ થઇ ગઇ હતી. તે હવે કોઇને પોતાના શરીરનો ઉપયોગ કરવા દેવા માગતી ન હતી. રાજીબહેનને પરચો આપીને ગામમાં જઇ શાંતિથી વિનય સાથે સુખે જીવવા માગતી હતી. હવે પાંચ દિવસ સુધી રાજીબહેન તેને હેરાન કરવાના ન હતા. આ છુટ્ટીના દિવસો તે આરામમાં પસાર કરવા માગતી હતી. અચાનક તેને મા યાદ આવી ગઇ. તે ફોન પર કોઇ વાત કરવા માગતી હતી. ફોન આવ્યો ત્યારે તે ચિંતામાં હતી અને વધુ વાત કરી શકે એવી સ્થિતિમાં ન હતી. તેણે સવારે માને વાત કરવાનું નક્કી કર્યું અને મોબાઇલને હાથમાં લઇ રમવા લાગી.
સવારે તે ઊઠી ત્યારે આઠ વાગી ગયા હતા. તે રૂમની બહાર આવી. અને બાજુના રૂમમાં જોયું તો બારણું અધખુલ્લું હતું. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે બંને નીકળી ગયા છે. આમ પણ વહેલી સવારે અંધારામાં જ નીકળી જવાનું હોય છે. તે રૂમમાં ગઇ. રવિકુમારને ખુશ કરવાનું રાજીબહેનને ગમ્યું હશે કે નહીં તેની કલ્પના કરતી અર્પિતાએ થોડી સફાઇ કરવા પ્લાસ્ટિકના ફૂલના તોરણ ઉતારી લીધા અને પોતાના કપડાંની બેગમાં મૂકી પોતાની રૂમ પર પહોંચી. રચનાના રૂમ પર તાળું હતું. તે હજુ આવતીકાલે આવવાની હતી.
અર્પિતાએ પરવારીને વર્ષાબેનને ફોન કર્યો. તેમણે ઉપાડ્યો નહીં. અર્પિતાને મા પ્રત્યે ધિક્કાર કે દુશ્મનાવટ ન હતા. માને પોતાની ભૂલ સમજાઇ ગઇ હશે. તેણે માફી માગી હતી. પણ તેણે કોઇ નિર્ણય કર્યો છે એમ કહેતી હતી. એણે શું નક્કી કર્યું હશે?
તે વધુ વિચાર કરે એ પહેલાં ફોનની રીંગ વાગી. તેણે તરત જ ઉપાડી લીધો:"હા મા! કેમ છે?"
"બેટા! તું કેમ છે એ કહે?" વર્ષાબેન લાગણીભીના અવાજે બોલ્યા.
"હું તો આજે મજામાં છું. તું કોઇ નિર્ણય લીધો હોય એમ કહેતી હતી એ કયો છે?" અર્પિતાને માની વાત સાંભળવાની ઉત્સુક્તા હતી. માનો કેવો નિર્ણય હશે અને પોતાના ભવિષ્ય પર તેની અસર પડશે કે નહીં એવો વિચાર ઝબકી ગયો.
"બેટા! મારા જીવનમાં અચાનક મોટી ઘટના બની છે અને મેં એક મોટો નિર્ણય લીધો છે. તું આજે ગામ આવી જા. મારા પર મોટી મહેરબાની થશે. હું તને બધી વાત વિગતે કરવા માગું છું." વર્ષાબેન વિનંતી કરવા લાગ્યા.
"મા, તું કંઇક તો વાત કર. મારાથી આવી શકાશે તો આવીશ. ચોક્કસ કહી શકું નહીં. કોલેજમાંથી રજા મળે તો આવી શકીશ." વર્ષાબેન તેમના રહસ્યને જાહેર કરવા માગતા ન હતા એ જાણી અર્પિતાની ઉત્સુક્તા વધી ગઇ. તેને લાગતું હતું કે રાજીબહેન હવે તેને રજા આપવાના નથી. એટલે ફોન પર વાત જાણવાનો આગ્રહ કરવા લાગી.
"જો, તું આજે નહીં આવે તો તને મારું મોં કદાચ જોવા નહીં મળે..." વર્ષાબેનના અવાજમાં ભીનાશ ભળી.
"મા, આવું ના બોલ. મને ગભરાટ થઇ રહ્યો છે..." અર્પિતાને થયું કે કોઇ ગંભીર વાત છે. મા કોઇ વિચિત્ર પગલું ના ભરી બેસે એ માટે આજે જવું જ પડશે. રાજીબહેન પાસે ગામ જવાની ભીખ માગવી જ પડશે. તેણે કંઇક નક્કી કરી કહ્યું:"મા, હું પ્રયત્ન કરું છું. થોડીવાર પછી તને ફોન કરું છું."
અર્પિતાએ ફોન મૂકી રાજીબહેનને કેવી રીતે મનાવવા એ નક્કી કરી લીધું.
અર્પિતાએ રાજીબહેનને ફોન લગાવ્યો. તેમની રાત બગડી હશે તો ખીજવાશે એવા ડર સાથે તે બોલી:"મેમ, ગુડ મોર્નિંગ!"
"વેરી ગુડ મોર્નિંગ! તું બરાબર છે ને? કોઇ તકલીફ નથી ને?" રાજીબહેન લાગણીથી બોલ્યા એ સાંભળી અર્પિતાને નવાઇ લાગી.
અર્પિતા રાહત અનુભવતી બોલી:"મેમ, હું ઠીક છું. મેં આપને તકલીફ આપી એ માટે દિલગીર છું..."
"એમાં દિલગીરી ના હોય. તારી સમસ્યા કુદરતી હતી એટલે મારે જવું પડ્યું. પણ બધું સારું જ રહ્યું. રવિકુમાર ખુશ થયા એ આપણા માટે મહત્વનું હતું. સમય સચવાઇ ગયો.... બોલ ફોન કેમ કર્યો?" રાજીબહેન તેની મા હોય એવી લાગણીથી બોલી રહ્યા હતા.
અર્પિતાએ તેમના સવાલના જવાબમાં પોતાનું કામ કહી જ દીધું:"મેમ, મારે આજે ગામ જવું પડશે. અંકલની છેલ્લી વિધિ છે અને મા એકલી બધું સંભાળી શકે એમ નથી. તેનો ફોન હતો. મને બે દિવસ માટે ગામ જવાની રજા આપો. આમ પણ હું અહીં તો રજા પર જ છું."
"ઠીક છે. હું તને જવાની રજા આપું છું પણ આજના જ દિવસ માટે. રાત્રે તારે પાછું ફરવું પડશે. અને મારી કારમાં જ જઇને આવવાનું રહેશે. મારી ચાલક તારી સાથે પડછાયાની જેમ રહેશે." રાજીબહેનના અવાજમાં હવે લાગણી નહીં પણ કરડાકી ભળી હતી. તે હવે અર્પિતાને એકલી છોડી પોતાના માટે મુસીબત ઊભી કરવા માગતા ન હતા.
"જી મેમ, હું આજે પાછી આવી જઇશ. તમારી કાર છે એટલે વાંધો નહીં આવે...." અર્પિતા એ વાતથી ખુશ હતી કે રાજીબહેન માની ગયા હતા. તે ગામ જઇને એક શિકાર પણ કરવા માગતી હતી. અને આજનો દિવસ કાફી હતો.
અર્પિતા ઝટપટ તૈયાર થઇને ગામ જવા નીકળી ગઇ.
અર્પિતાને આવેલી જોઇ વર્ષાબેન તેને ભેટીને રડી પડ્યા. અર્પિતા પણ લાગણીવશ રડી પડી.
"મા, વાત શું છે? તેં શું નિર્ણય લીધો છે? અર્પિતા માનો નિર્ણય જાણવા બેચેન બની હતી.
"બેટા, મને એઇડસ છે..." મોટું રહસ્ય ખોલતા હોય એમ વર્ષાબેન બોલ્યા.
અર્પિતા સહજ સ્વરમાં બોલી:"મને ખબર છે..."
"ઓહ! તો તેં મને કહ્યું કેમ નહીં?" વર્ષાબેનને નવાઇ લાગી.
અર્પિતાએ તેમને હકીકતથી વાકેફ કર્યા. "મા, હું તને કહેવા ઇચ્છતી હતી પણ હેમંતભાઇએ તારી આંખ પર પટ્ટી બાંધી દીધી હતી..."
"તારી વાત સાચી છે. મારી આંખ પરની એ પટ્ટી લાલજીએ ખોલી કાઢી છે. મેં તને ઘણો અન્યાય કર્યો છે. મને માફ કરી દેજે. અને મારો નિર્ણય એ છે કે હું લાલજી સાથે લગ્ન કરીને આ ગામ છોડી રહી છું. બંને બાળકોને તારે શહેરની હોસ્ટેલવાળી સ્કૂલમાં મૂકી દેવાના છે અને સંભાળ રાખવાની છે. એમને છોડીને જતાં મારું દિલ દુ:ખશે પણ બીજો કોઇ રસ્તો નથી."
"મા, ઝડપથી તેં આટલું બધું નક્કી કરી દીધું? અને તું લાલજી સાથે કેમ લગ્ન કરવા માગે છે?"
"એ પણ એઇડસનો રોગી છે. અમે લગ્ન કરી આ રોગના દર્દીઓની સેવામાં બાકીનું જીવન પૂરું કરવા માગીએ છીએ..."
અર્પિતાને માના વિચારો પર ગર્વ થયો. અર્પિતાએ વર્ષાબેનના વિચારને યોગ્ય માન્યો. તે કહેવા માગતી હતી કે તે પણ હવે થોડા જ દિવસોમાં ગામ આવીને વિનય સાથે લગ્ન કરવાની હતી. પણ જ્યાં સુધી રાજીબહેનના સામ્રાજ્યનો અંત લાવી ના દે ત્યાં સુધી જીવનની આ નવી શરૂઆત વિશે તે માને કંઇ કહેવા માગતી ન હતી. રાજીબહેનને તે એવી માત આપવાની હતી કે તેને કાલીમાતા યાદ આવી જવાના હતા.
વર્ષાબેને હેમંતભાઇની હેવાનિયત અને લલજીની લાગણીની બધી જ વાતો કરી. પછી પોતાને સતાવતો છૂપો ડર વ્યક્ત કરી દીધો:"અર્પિતા, હું લાલજી સાથે લગ્ન કરીશ અને તારા પિતા પાછા આવશે તો મારા બીજા લગ્ન કાયદેસરના નહીં ગણાય તો?"
"મા, તું એ વાતની ચિંતા ના કર. આપણે એમના ગૂમ થવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. અને એ વાતને ઘણાં વર્ષો થઇ ગયા છે. એટલે કાયદાકીય રીતે તે આપણી સામે કેસ કરતા પહેલાં વિચારશે. અને એવા માણસનું આપણા જીવનમાં કોઇ સ્થાન નથી જે પરિવારને નોધારો છોડી જાય."
અર્પિતાના જવાબથી વર્ષાબેનના મનમાંનો બધો ડર દૂર થઇ ગયો.
બપોરે જમીને તેણે વર્ષાબેનને કહ્યું:"મા! હું ગામમાં જઇને આવું,"
વર્ષાબેને તેને જલદી આવી જવા કહ્યું.
અર્પિતાએ કારને ગામના છેવાડેના રસ્તા સુધી લેવડાવી અને એક બંગલાથી થોડે દૂર ઊભી રખાવી મહિલા ચાલકને કહ્યું:"હું સામેના બંગલામાં એક જણને મળીને આવું છું.."
અર્પિતા રૂઆબભરી ચાલથી બંગલા પાસે પહોંચી. ત્યાં ઊભેલો એક માણસ તેની સુંદરતા જોઇ આંખનું મટકું મારતો ન હતો. અર્પિતાએ પૂછ્યું:"હેમંતભાઇ છે?"
"હા, બેડરૂમમાં બેઠા છે..." એ માણસને થયું કે હેમંતભાઇએ આજે કોઇ અપ્સરાને બોલાવી લાગે છે.
અર્પિતા હેમંતભાઇના બેડરૂમના દરવાજે જઇ ઊભી રહી. હેમંતભાઇ મોબાઇલમાં જોઇ ખુશ થઇ રહ્યા હતા.
અર્પિતાએ દરવાજાની કડી ખખડાવી. હેમંતભાઇએ એ તરફ જોયું. અર્પિતાને પોતાના બેડરૂમના ઉંબરે ઊભેલી જોઇ પહેલાં તો ચોંકી ગયા. પછી ખલનાયક જેવું હાસ્ય કરતા બોલ્યા:"ઓહો! શિકાર જાતે જ શિકારી પાસે આવી ગયો છે! હું તને શોધવા શહેરમાં આવ્યો હતો. ચાલ, તું સામે ચાલીને મારી પથારી સુધી આવી ગઇ છે. હવે બચીને જઇ શકીશ નહીં...."
અર્પિતા મનોમન હસી કે, "નીચ! તને ખબર નથી કે થોડી જ વારમાં તારી પથારી ફરી જવાની છે!"
અર્પિતાએ તેની સામે આંખ કાઢી કહ્યું:"હેમંતભાઇ, તમે મારો શું શિકાર કરવાના હતા. તમે મારા શિકાર થઇ ચૂક્યા છો. અને હું તેની કિંમત વસૂલવા આવી છું."
હેમંતભાઇ અર્પિતાને હવે નાદાન અને નબળી સમજતા ન હતા. તેની વાત પરથી થોડો ડર ઊભો થયો. તે પોતાનો વટ ના જાય એટલે બોલ્યા:"મારા ઘરમાં ઊભી રહીને મારી સામે આંખ કાઢે છે?" અને તેનો હાથ પકડવા આગળ વધ્યા.
"ત્યાં જ ઊભા રહેજો! પહેલાં આ જોઇ લો આંખો ફાડીને! પછી કહેજો કે લોકોની આંખો પણ આખા ગામની દિવાલો પર એને જોશે ત્યારે શું થશે?" કહી અર્પિતાએ મોબાઇલની ગેલેરીમાંથી કેટલાક ફોટા કાઢી હેમંતભાઇને દૂરથી જ બતાવ્યા. અર્પિતાને હેમંતભાઇના ફોટા નસીબથી જ મળી ગયા હતા. અર્પિતાને સપનામાં પણ કલ્પના ન હતી કે રાજીબહેન પહેલાં તે હેમંતભાઇ સાથે હિસાબ ચૂકતે કરી દેશે.
હેમંતભાઇને ખ્યાલ આવી ગયો કે તે શહેરમાં અર્પિતાનું અપહરણ કરવા ગયા હતા ત્યારે હવસ સંતોષવા એક વેશ્યા પાસે ગયા તેની સાથેના આ ફોટા હતા. હેમંતભાઇ જોગાનુજોગ રાજીબહેનના એજન્ટ દ્વારા રેડલાઇટ બંગલા પર ગયા હતા અને અર્પિતાની ચાલાકીથી મીનાએ જે છોકરીને હેમંતભાઇની રાતને રંગીન બનાવવા મોકલી હતી તેણે મીનાની સૂચનાથી તેના હેમંતભાઇ સાથેના અંતરંગ પળના થોડા ફોટા ચાલાકીથી ખેંચી લીધા હતા. એ ફોટા અર્પિતાએ રાજીબહેનથી છૂપાવેલા પોતાના અલગ નંબરથી મોબાઇલમાં મેળવી લીધા હતા. તેનો હેમંતભાઇ સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.
અર્પિતાએ બતાવેલા ફોટા જોઇ હેમંતભાઇએ બધા હથિયાર હેઠા મૂકી દીધા:"અર્પિતા, પ્લીઝ, આ ફોટા મને આપી દે. કોઇને બતાવતી નહી. મારી ઇજ્જ્ત જશે. મને બચાવી લે...હું એની કિંમત ચૂકવવા તૈયાર છું."
અર્પિતાએ જ્યારે કિંમત કહી ત્યારે હેમંતભાઇ ચોંકી ગયા. તેમને થયું કે શહેરમાં જઇને મજા કરવાની આટલી મોટી સજા મળવાની હોત તો તે ગયા જ ન હોત. તેમણે અર્પિતાને ઘણી ઓછી આંકીને મોટી ભૂલ કરી છે.
*
રાજીબહેન અને રવિકુમારની સાથે ક્યારેય વિચાર્યું ન હોય એવું શું બનવાનું હતું? અર્પિતાએ હેમંતભાઇ પાસે ફોટાના બદલામાં શું માગ્યું કે હેમંતભાઇને પસ્તાવો થયો?
આ બધું જ જાણવા હવે અંતમાં રોમાંચક રહસ્ય ખોલતું રસપ્રચૂર ધમાકેદાર પ્રકરણ વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.
***
વાચકમિત્રો,
આભાર! "રેડલાઇટ બંગલો" ના ૯૧૧૦૦ ડાઉનલોડ માટે! અંત ઉપર પહોંચેલી "રેડલાઇટ બંગલો" નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. મિત્રો, આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂરથી આપશો. એ મને વધુને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે. આભાર!