મૃગજળ - પ્રકરણ - 10 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ - પ્રકરણ - 10

"તમે આ શું કરો છો?" કરણે એમના બે હાથ પકડી લીધા. "તમે આ શું બોલો છો? એ બધામાં વૈભવીનો કોઈ દોષ છે જ નહીં."

કરણે એમને ઉભા કરી સોફામાં બેસાડ્યા. પાણી લાવી એમને આપ્યું.

"તમે એટલા દુઃખો વેઠયા છે, તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું." કરણે હસીને કહ્યું.

"મને આવો જમાઈ મળ્યો એટલે મારો ભવ સુધરી ગયો દીકરા." નર્મદા બહેને કરણના માથે હાથ ફેરવી એને પોતાની જોડે બેસાડ્યો.

"તમે જરાય ચિંતા ન કરતા, વૈભવીને હું એમાંથી એકેય શબ્દ નથી કહેવાનો." કરણે આશ્વાસન આપ્યુ. "એના મનમાં આ બધો ભૂતકાળ ઘૂંટાયા કરે છે એટલે એ ઊંઘી નથી શકતી, એકલતામાં એ આ બધું યાદ કર્યા કરે છે પણ ધીમે ધીમે હું એ બધું સંભાળી લઈશ."

"કરણ, તું કેટલો સમજુ છે." નર્મદા બહેન મમતા ભરી નજરે કરણને જોઈ રહ્યા.

"અને હા, તમારે પણ હવે અહીં એકલા રહેવાની જરૂર નથી, અમારી સાથે જ રહેવાનું છે."

"ના દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય, રહેવાની વાત તો દુરની છે."

"એ વાત બરાબર, પણ હું નોકરી પર જાઉં, અને વૈભવી નોકરી છોડવાની નથી તો પછી પ્રેમ અને ચાહતને કોણ રમાડશે? અમે તમારા માટે નથી કહેતા અમારા માટે જ કહીએ છીએ." કરણે વૈભવી વતી પણ કહી દીધું.

નર્મદા બહેન હસી પડ્યા. "બસ એજ રાહ જોઉં છું, વૈભવી ક્યારે મારા હાથમાં ફૂલ જેવા બાળકો આપે!! બસ એ દિવસ જોઈ લઉ પછી ભગવાન લઈ જાય તો કોઈ અફસોસ નહિ રહે."

"અરે, તમારે તો હજુ ઘણું જીવવાનું છે, હજુ તો આપણે મોટું ઘર અને ગાડી લેવાની છે, ફરવાનું છે." કરણે હસીને કહ્યું.

નર્મદા બહેન દીકરીના બાળકો રમાડવાના સપના સેવવા લાગ્યા, કરણે જોયું કે હવે હું જાઉં તો વાંધો નથી, નર્મદા બહેન રાજી લાગતા હતા એટલે કરણે કહ્યું, "હવે હું જાઉં છું. મારે ઓફિસે જવાનું છે."

"ભલે." કહી એ દરવાજા સુધી કરણને મુકવા આવ્યા ત્યાં એકાએક એમને કઈક યાદ આવ્યું હોય એમ બોલ્યા, “કરણ, દીકરા વૈભવીને સાચવજે એ કાલે બપોરે અહી આવી ત્યારે પણ ઉદાસ હતી.”

કરણને એકાએક બીજો ઝાટકો લાગ્યો, વૈભવી કાલે અહી આવી હતી તો મને કહ્યું કેમ નહિ? પણ એ સવાલ નર્મદા બહેનને કહીને કરણ એમને ફરી દુખી કરવા માંગતો ન હોય એમ એ બોલ્યો, “કાલે મારે ઓફિસે કામ હતું એટલે એ એકલી જ આવી હતી, તમે હવે ચિંતા ન કરતા હુ છું.”

"જય શ્રી કૃષ્ણ."

"જય શ્રી કૃષ્ણ." કહી કરણ બાઈક લઈ નીકળી ગયો.

*

નર્મદા બહેનને તો એ રાજી કરીને નીકળ્યો હતો પણ એનું મન હજુ એક વાત પર અટક્યું હતું. વૈભવી ખૂબ જ નાની હતી ત્યારે નર્મદા બહેન એને લઈને દૂર રહેવા ગયા હતા તો પછી વૈભવીને એ બધું યાદ કઈ રીતે હોઈ શકે? યાદ હોય તો પણ આ ફોટો એ કેમ રાખે છે?

ઘરે જઈ ફરી સોફામાં પડ્યો! બધાને રાજી રાખતો કરણ પોતે હજુ કાઈ મેળવી નહોતો શક્યો... કઈક તો હજુ ખૂટે જ છે. કઇક તો નર્મદા બહેને મારાથી સંતાડેલું છે જ, કઈક એવું છે જેના ઉપર હજુ નર્મદા બહેને એક પરદો રાખ્યો છે નહિતર એ ભૂતકાળની વાત પર વૈભવી ઉદાસ રહે એ શક્ય છે પણ એટલો સ્ટ્રેસ તો ન જ હોય એનો!

અશક્તિ આવી જાય, ચક્કર આવે, ભૂખ મરી જાય એ બધું તો વધુ પડતા માનસિક દબાણથી જ થાય એવું ડોકટરે કહ્યું છે. તો હજુ કઈક તો ખૂટે છે.

વૈભવી કાલે બપોરે નર્મદા બહેનને મળવા ગઈ તો એ વાત મને કહી કેમ નહિ હોય? મા ને મળવા જાય એ વાત કોઈ શું કામ છુપાવે?

એકાએક એના મનમાં વિચાર આવ્યો કાલે બપોરે.. નર્મદા બહેને કહ્યું કે એ ગઈ કાલે બપોરે ત્યાં ગઈ હતી. એણે તરત મોબાઈલ નીકાળી કોલ લોગ તપાસ્યું. વૈભવીનો ફોન બપોરે જ આવ્યો હતો.

તો શું કાલે બપોરે વૈભવીએ ફોન કર્યો ત્યારે એ ઓફિસથી નીકળીને ફોન નહી કર્યો હોય? હા કદાચ એટલે જ મેં એને લેવા જવાનું કહ્યું ત્યારે એણીએ કહ્યું હતું કે એ ટેક્સીમાં છે.

તો એ મારાથી શું છુપાવે છે? એવી કઈ વાત હોઈ શકે જે મને કહી નથી શકતી? નર્મદા બહેને કહ્યું કે એ ઉદાસ હતી તો શું એ નર્મદા બહેનને કોઈ વાત કહેવા ગઈ હશે અને કહી નઈ શકી હોય? એટલે જ કદાચ એના મનમાં એ વાત ફર્યા કરી હશે અને અંતે ઘરે આવતા એ માનસિક દબાણ અનુભવી બેશુદ્ધ થઇ ગઈ હશે!!

કરણનું મન પણ ભારે દ્વિધામાં હતું. એને બધું સમજાઈને પણ કઈ સમજાતું નહોતું.

જે પણ વૈભવી છુપાવે છે કે કહી નથી શકતી હું એ શોધીને જ રહીશ, હું વૈભવીને એ તણાવથી મુક્ત કરીને જ રહીશ.

કરણ ઉભો થયો, કબાટ ખોલી વૈભવિના એક એક કપડાં બહાર ઢગલો કરી દીધા. નંદશંકરની તસ્વીર જેવું કઈક બીજું પણ હોવું જોઈએ, જરૂર હોવું જ જોઈએ એ વિશ્વાસ સાથે એ ઘરની વસ્તુઓ ફંફોસવા લાગ્યો.

ફેદેલા કપડાં એમ જ પડતા મૂકી એ બીજું બધું ફેદવા લાગ્યો. પોલીસની જેમ એ ઘરના એક એક ખૂણે ફરી વળ્યો પણ કઈ હાથ લાગ્યું નહિ. થાકીને કપડાના ઢગલા ઉપર બેસી ગયો. રેશમી વાળ પરસેવામાં ચહેરા ઉપર આવી ગયા. રૂમાલ કાઢી ચહેરો લૂછયો ત્યાં સામે સેલ્ફ ઉપર નજર પડી, એક બ્રિફકેસ નજરે ચડી. આ બ્રીફ્કેશ તો પહેલા અહી નહોતી! એ તો પાછળના રૂમમાં હતી. અહી શું કામ મૂકી વૈભવીએ?

કદાચ એમાં કઈ હોય એમ વિચારી સ્ટુલનો ટેકો લઈ ઉપરથી બ્રિફકેસ ઉતારી, ખોલીને જોયું તો અંદર કાગળ જ કાગળ. વીસ જેટલા બિલ અંદરથી નીકળ્યા!

આ બધા શાના બિલ છે? કરણ એક પછી એક બિલ જોવા લાગ્યો. રકમ ઉપર નજર કરી તો કોઈમાં દસ હજાર, કોઈમાં બાર હજારના આંકડાઓ ભરેલા હતા. બધા બિલ હોસ્પિટલના હતા.

ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગ્રાઉન્ડ ફ્લોર, પરાગ નિકેતન, જુહુ, મુંબઈ - 400049..... ડો. ડોક્ટર અબ્દુલ શેખ, ડો. અનંત પંચોલી, ડો. શ્રદ્ધા જરીવાલા.... દરેક બિલ ઉપર એ જ હોસ્પિટલનું નામ સરનામું હતું!

કરણને ઓચિંતો એક બીજો ધ્રાસકો લાગ્યો. વૈભવીને શુ બીમારી હશે? એટલા બધા બિલ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના છે, એટલે કોઈ મોટી બીમારી જ હશે એને.... કરણનું મગજ વમળમાં ખેંચાતું ગયું! વૈભવીએ મને કહ્યું કેમ નહિ!

હમણાં જ બધી ખબર પડી જશે. હોસ્પિટલ જઈને જ પૂછી લઉં. બધા બિલ એક બેગમાં ભરી કરણ ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફ નીકળી પડ્યો.

*

વૈભવિના મોબાઈલના રિંગ વાગતી હતી... એ ધીમે રહીને બેડ પરથી ઉતરી, ફોન લીધો. નિતાનો નંબર જોઈ એણીએ ફોન રિસીવ કર્યો.

"બોલ નિતા."

"મેમ, શુ થયું છે? તમે કાલે એમ અચાનક કેમ ચાલ્યા ગયા? કાલે તમારો મિજાજ ગરમ હતો એટલે મેં ફોન કરવાની હિંમત ન કરી પણ હવે તમારું મન શાંત થયું હશે એમ વિચારી છેવટે ફોન કરી જ દીધો."

"એક મિનિટ, એક મિનિટ...." વૈભવીએ એને માંડ રોકી, "મને બોલવા દઈશ?"

"હ... હા હા બોલોને તમને પૂછવા જ તો ફોન કર્યો છે મેમ!" નીતાનો હસવાનો અવાજ સંભળાયો.

"એ દિવસે બસ એમ જ હું નીકળી ગઈ હતી તબિયત સારી નહોતી."

"કેમ શુ થયું?"

"કાઈ નહિ, હવે તો બરાબર છે, કરણ મને હોસ્પિટલ લઈ આવ્યો એ પછી બધું બરાબર થઈ ગયું."

"હોસ્પિટલ જવું પડ્યું? કેમ એવું તો શું થયું?" મજાકીયા સ્વભાવની નિતા પણ ગંભીર થઈ હોય એમ બોલી.

"અરે કહ્યું ને હવે બધું ઠીક છે." વૈભવીએ એ લોકોને ખાતરી આપવા હસી લીધું.

"સારું અમે બધા ખબર લેવા આવીએ છીએ." કહી નિતાએ ફોન મૂકી દીધો.

"કોણ હતું?" નિલમે પૂછ્યું.

"ઓફિસના લોકો." વૈભવીએ મોબાઈલમાં કરણનો નંબર જોડતા કહ્યું.

રિંગ વાગતી રહી પણ કરણે ફોન ઉપાડ્યો નહિ. બે ત્રણ વખત ફોન જોડ્યો પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહિ એટલે વૈભવીએ ફોન બાજુમાં મૂકી દીધો.

"શુ થયું હવે...?" નિલમે પૂછ્યું.

"આ કરણ ઘરે ગયો હોય તો આટલો બધો સમય ન લાગે નીલમ, અને એ ફોન પણ રિસીવ કરતો નથી." ફરી વૈભવીને ચિંતા થવા લાગી.

"અરે એ કઈ બચ્ચું છે યાર, હમણાં આવી જશે, તને મુંબઈની ટ્રાફિક તો ખબર છે ને? ઘણીવાર તો બે બે કલાક સિગ્નલ નથી બદલતી અને ટ્રાફિકમાં એને અવાજ ન સંભળાય એ સ્વભાવિક છે."

"હા કદાચ એવું હશે." વૈભવીએ હકારાત્મક વિચારવાનો પ્રયત્ન કર્યો.

"વૈભવી, જો તું જરાય ગભરાતી નહિ હું તારા પપ્પાની ટ્રીટમેન્ટ માટે પૈસાની સગવડ કરીશ, મારી ઉપર ભરોસો રાખ." નિલમે વૈભવિના ખભા પર હાથ મુક્યો.

"પણ નીલમ.... હું તારી પાસેથી ધીરે ધીરે થોડા થોડા કરીને એક લાખ રૂપિયા લઈ ચુકી છું, હવે બીજા પાંચ લાખ રૂપિયા તારી પાસેથી લઉ તો તને હું આ આખી જિંદગીમાં નહિ ચૂકવી શકું." વૈભવીએ મધ્યમ વર્ગની હકીકત કહી. અને સાચે જ માધ્યમ વર્ગની વ્યક્તિ એકવાર દેવામાં ઉતરે પછી બસ એ દલદલમાં ફસાયા જ કરે. વૈભવી જીવનનું સત્ય જાણતી હતી. એ વ્યવહારુ હતી.

"મારે લેવા હોય તો તારે ચૂકવવા પડે ને વૈભવી?" વૈભવીનો ચહેરો હાથમાં લઈ એણીએ કહ્યું, "મારે શું કરવા છે પૈસા? મને બાળપણ અને જવાનીમાં જે માંગ્યું એ મળ્યું છે, સાસરિયે પણ પૈસાની કમી નથી અને એમ પણ મારા આ બધા પૈસા વાપરવા મારા પાછળ કોણ છે?"

"ના નીલમ કાલે તારે બાળક થશે, મારુ મન કહે છે થશે જ." વૈભવીએ નિલમનો હાથ પકડી લીધો. એ સમજતી હતી કે એક સ્ત્રીને બાળક ન થાય તો એના ઉપર શુ વીતે?

"એ શક્ય નથી હવે." નિલમે આડું જોઈ લીધું.

"આપણે એની કોઈ ટ્રીટમેન્ટ કરાવીશું."

"વૈભવી તું લગન પછી પણ એવી જ ભોળી રહી ગઈ... ડોકટરે બધી ટ્રીટમેન્ટ કરી લીધી પણ હવે એ બાપ ન જ બની શકે."

"પણ...."

"ખેર એ બધું જવાદે એ કિસ્મતની વાત હતી, મને ભગવાને વધારે પડતા જ પૈસા આપ્યા એટલે એ સુખ લખવાનું એ ભૂલી ગયો."

વૈભવી કઈ બોલી ન શકી. એને કઈ સુજયુ જ નહીં!

"ચાલ, હું જાઉં, કરણ અને તારા માટે ગરમાં ગરમ જમવાનું લઈ આવું." નીલમ ઉભી થઇ ત્યાં જ નયનનો અવાજ આવ્યો.

"મારા ઉપર પણ દયા કરજો નીલમ બહેન, કાલ રાતનું કાઈ ખાધું નથી."

"અરે કેમ નહિ, સ્યોર સ્યોર...." દરવાજો ખોલવા હાથ લંબાવતી નીલમ બોલી.

ત્યાં જ કરણે દરવાજો ખોલ્યો. નિલમે પોતાનો હાથ ખેંચી લીધો. ધીમે પગલે કરણ અંદર આવ્યો.

"કરણ, ક્યાં ગયો હતો? આટલો સમય ઘરે?" કરણને જોતા જ વૈભવીએ પૂછ્યું.

"હું... હું જરાક ટ્રાફિકમાં...."

"જોયું? મારો અંદાજ સાચો જ ઠર્યો ને?" નીલમ વચ્ચે જ બોલી પડી.

"નીલમ, હવે વૈભવીને ઘરે જવાનું કહ્યું છે ડોકટરે. ટીફીનની જરૂર નથી, બે દિવસ તને તકલીફ આપી એ બદલ...."

"માફ કર્યો જા..." નીલમ ફરી વચ્ચે બોલી.

વૈભવી અને નયન ખડખડાટ હસી પડ્યા.

"કરણ તમે લોકો બાઈક પર આવો, હું વૈભવીને ગાડીમાં છોડી જાઉં." નિલમે કહ્યું.

કરણ નિલમને વધારે તકલીફ આપવા નહોતો માંગતો પણ બાઈક પર એને ફરી ચક્કર આવી જાય તો... એ વિચાર પર એણે નિલમને ના ન કહી.

"નીલમ, તું થોડોક સમય એની જોડે રહેજે હું નયનને મૂકીને ઓફીસ જઈશ, થોડુંક કામ બાકી છે અને આશુતોષ હાજર નથી."

બધા હોસ્પિટલથી નીકળ્યા. કરણ નયનને મૂકીને સીધો જ ઓફિસ તરફ રવાના થઇ ગયો.

*

"ગુડ ઇવનિંગ કરણ." જતા જ ધવલે મોબાઇલમાંથી ધ્યાન હટાવતા કહ્યું.

"તારી તબિયત કેવી છે હવે?" કરણે મીની ફ્રીજમાંથી બોટલ નીકાળી, અરધી બોટલ ખાલી કરીને ખુરશીમાં ગોઠવાયો.

"રેડી એકદમ ફિટ પણ તું કેમ એટલો લેટ આવ્યો? અને આખો દિવસ ફોન કેમ ન લીધો?"

"અરે યાર ફોન સાયલન્ટ હતો, હોસ્પિટલમાં હતો એટલે."

"કેમ હોસ્પિટલ?" ધવલે નવાઈથી પૂછ્યું.

કરણે એને વૈભવીની વાત કહી. ધવલે અફસોસ વ્યક્ત કર્યો અને પછી પોતાના કામે નીકળી ગયો.

*

કરણે વિચાર અને ચિંતા હડસેલીને બે ચાર ફાઈલોનું કામ કર્યું પણ ફરી ફરીને એને ડોક્ટરની વાતો અને એ ચહેરો યાદ આવવા લાગ્યો.

બે વર્ષથી વૈભવી આ બધું મનમાં જ ભરીને રાખે છે, એની હાલત શુ હશે? એ આ બધું કઈ રીતે જોઈ શકતી હશે? એ બસ એના માટે જ આ નોકરી કરતી હતી!

ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સાઇનિંગ બોર્ડ એના મનમાં ફરવા લાગ્યું. ડો. ડોક્ટર અબ્દુલ શેખનો ભાવ વિહીન ચહેરો એને દેખાવા લાગ્યો, શબ્દો કાનમાં ગુંજી ઉઠ્યા!

"ડીમેન્ટિયા.... જેવી ભયંકર બીમારીથી નંદશંકર પીડાય છે, મી. કરણ."

રૂમ નંબર 69 ના બેડ ઉપર જે નંદશંકર હતા એ નંદશંકર જાણે વૈભવિના કપડામાંથી નીકળેલી તસ્વીર સાથે જરાય મળતા નહોતા! તસ્વીરમાં હતા કડક, ગંભીર અને નિર્દય નંદશંકર જ્યારે એ હોસ્પિટલના બેડ ઉપર હતા સાવ ભાંગી પડેલા, બાળક જેવા અને લાગણીશીલ નંદશંકર....!!

"મને કીક મારવાદો પ્લીઝ..... મારા દીક્ષિતને ઘરે જવાની ઉતાવળ છે..... મારી પત્ની.... મારી નર્મદા મને બોલશે.... ફરી ક્યારેય મારા હાથમાં દીક્ષિત નહિ આપે...."

કઈ રીતે એ બંધ આંખે પડ્યા પડ્યા બોલતા હતા? ડોકટરે કહ્યું હતું કે ડિમેન્ટિયાની અસર વધે છે. એ બીમારીમાં માણસ સપનું જોતો હોય અને વર્તન વર્તમાનમાં કરતો હોય.

કરણને થયું, કદાચ એ દિવસે નંદશંકર ઘરેથી નીકળ્યા ત્યારે એમના મિત્રોએ દારૂ પીવડાવ્યા કર્યો હશે, એમણે આ બધા શબ્દો એમના મિત્રોને કહ્યા હશે પણ એ લોકોએ નંદશનકરને પરાણે દારૂ પીવડાવ્યો હશે. એ કહેતા હશે મને જવાદો..... અને એ સપનું જોતા હોસ્પિટલમાં આ વાક્યો બોલ્યા કરતા હશે.

કરણને હોસ્પિટલની એક એક વાત યાદ આવતી રહી. જ્યારે પોતે નંદશંકર પાસે ગયો ત્યારે એ કહેતા હતા દીક્ષિત તું આવડો મોટો થઈ ગયો? આ કઈ સાલ છે? 1990 ? ના ના 1991 હશે.

ડોકટરે નંદશંકરની એક એક હરકત ઉપર બીમારીના લક્ષણો કહ્યા હતા. ડિમેન્ટિયાનો ભોગ બનેલ વ્યક્તિને દિવસ, વર્ષ કે મહિના યાદ નથી રહેતા.

જયારે પોતે બેડ ઉપર બેઠો ત્યારે એના માથામાં હાથ ફેરવતા નંદશંકર એકાએક બોલ્યા હતા, "ઉઠ અહીંથી, તું જા દીક્ષિત.... તારા લીધે મને નર્મદાએ છોડી દીધો. આ મારું ઘર છે, જ્યાં મને તારી મા છોડીને ચાલી ગઈ હતી, તું તારી મા પાસે જા, અહી તારું કોઈ કામ નથી.. જા..... જા...... જા......."

ડિમેન્ટિયામાં માણસને મૂડ અને પર્સનાલિટી ક્યારે બદલાઈ જાય એ એને ખબર જ નથી હોતી... એને એ પણ ખ્યાલ ન હોય કે પોતે ક્યાં છે!! એક આભાસી દુનિયામાં માણસ જીવવા લાગે છે. કાલ્પનિક પાત્રોને એ પોતાની સામે દેખે છે, એ કાલ્પનિક પાત્રો સાથે એ વાતચીત પણ કરે છે!

કરણ બે હાથે માથું પકડી બેસી રહ્યો. વૈભવીએ બે વર્ષ આ બધું કઈ રીતે સહન કર્યું હશે? એની પાસે હેવી ટ્રીટમેન્ટ કરાવવાના પૈસા તો હતા નહિ એ બિચારી થોડી થોડી દવા કરાવતી રહી જેથી નંદશંકર મગજનો પૂરો કાબુ ગુમાવી ન બેસે, એ પાગલ ન થઈ જાય.....!!!

વૈભવીને કેટલી ચિંતા, ફિકર થતી હશે પોતાના પિતાની એ હાલત જોઈને? ના પણ હવે એ બધું હું વૈભવીને ભોગવવા નહિ દઉં. હું ગમે ત્યાંથી ગમે તે રીતે પૈસા લાવીશ અને હેવી ટ્રીટમેન્ટ કરાવીશ, હું વૈભવીને આ સ્ટ્રેસમાંથી બહાર લાવીશ જ.

એકાએક કરણની નજર લોકર ઉપર ગઈ. "કરણ આ પચાસ હજાર રોકડા અને બે લાખનો સાઈન કરેલો ચેક અંદર મુકું છું, જરૂર પડે તો લઈ લેજે મને પૂછવાની કોઈ જરૂર નથી." એને અશુતોષના શબ્દો યાદ આવ્યાં.

ડ્રોવર ખેંચી લોકરની ચાવી નીકાળી કરણ લોકર પાસે ગયો. અશુતોષને કહ્યા વગર પૈસા લેવા વ્યાજબી છે? પણ સવાલ કોઈના જીવનો છે કરણ એમાં શું વિચારે છે તું? પૈસા ભલે તારા નથી પણ માણસના જીવ માટે તો મંદિરમાંથી પણ ચોરી કરીએ તો પણ એમાં કોઈ પાપ નથી તો આ તો અશુતોષના પૈસા છે. તારા મિત્રના.

ઘણા વિચાર પછી કરણે ચાવી ઘુમાવી, પચાસ હજાર કેસ અને બે લાખનો સાઈન કરેલો એસ.બી.આઈ.નો ચેક ઉઠાવી લોકર બંધ કરી દીધું.

ડોકટરે પાંચ લાખ માંગ્યા છે પણ આ અઢી લાખ આપીશ તો પણ એ માની જશે બીજા પૈસા હું ઘર વેચીને ભરીશ. મન મક્કમ કરીને ઓફીસ બંધ કરી કરણ નીકળી પડ્યો.

જીવન કેવું મૃગજળ છે એ એને હવે સમજાતું હતું...

( ક્રમશ: )

***