મૃગજળ - પ્રકરણ - 5 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ - પ્રકરણ - 5

"મેડમ..." મયંકે વૈભવીની ચેમ્બરનું બારણું ખોલ્યું.

"બોલ મયંક." હસીને વૈભવીએ કહ્યું. વૈભવી હમેશા મયંકને હસીને જ બોલાવતી અને એ વાત ગિરીશને જરાય ન ગમતી કેમ કે વૈભવી ભાગ્યે જ ગિરીશને એક સ્માઈલ પણ આપતી!

"મેડમ, સાહેબે નાસ્તો મંગાવ્યો છે બધાને બહાર...."

"ના, મયંક મને ભૂખ નથી, તમે લોકો ખાઈ લો પ્લીઝ." વૈભવીએ વિવેકથી ના કહી.

"પણ, મેડમ નીતા દીદી કાલે પણ કહેતા હતા કે વૈભવી મેમ ક્યારેય અમારી સાથે હળતા મળતા નથી, આપણે બધા બહારની ચેમ્બરમાં એટલે નીચા, આપણી સાથે એ સેક્રેટરી નાસ્તો ન જ કરે!" કહી મયંક જાણે ન કહેવાનું કહી ગયો હોય એમ ઉમેર્યું, "સોરી મેડમ, પણ બધાને એવું લાગે છે."

"ઇટ્સ ઓકે, ચલ હું આવું છું." કહી વૈભવી ચેરમાંથી ઉભી થઇ, "અને હા મને આ મેડમ મેડમ કહેવાની જરૂર નથી વૈભવી કહીશ તો મને ગમશે!"

મયંક કાઈ બોલ્યો નહીં. વૈભવીએ મોબાઈલ લેવા માટે ડ્રોવર ખેંચ્યું પણ પર્સ દેખાયું નહિ. આમ તેમ નજર કરી.

"મેડમ, પર્સ શોધો છો?" મયંકે જ આખરે કહ્યું.

"હ.... હા..." વૈભવીએ કહ્યું.

"પેલું રહ્યું સામે, વોસબેસીન પાસે." મયંકે અટેચડ બાથરૂમ તરફ ઈશારો કર્યો.

"આજ કાલ હું સાવ ભૂલકણી થઈ ગઈ છું મયંક, સવારે આવીને સીધી જ ત્યાં ફ્રેશ થવા ગઈ અને ત્યાં જ મૂકી દીધું!"

મયંક કઈ બોલ્યો નહિ એ માત્ર જરાક હસ્યો, એટલે ફરી વૈભવીએ કહ્યું, "હું જઉં છું બહાર, તું પર્સમાંથી મોબાઈલ લેતો આવ."

"ઓકે મેડમ." કહી મયંક બાથરૂમ નજીક ગયો. પાછળ ફરીને જોયું તો વૈભવી બહાર નીકળી ગઈ હતી, ગિરીશને આમ તો વૈભવીની ચેમ્બર તેની ખુરશી જોડેથી સ્પષ્ટ દેખાતી પણ એ બાથરૂમવાળો ભાગ એને દેખાતો નહિ. મયંકને થયું પર્સમાં જરૂર પૈસા હશે જ. એણે પર્સ જોયું, મોબાઈલ લીધો અને અંદરની જીપ ખોલી તો અંદર પાંચસોની અંદાજે દસેક નોટ હતી.

આ વૈભવી મેડમને પર્સ ક્યાં મૂક્યું એ યાદ નથી રહેતું. આખો દિવસ વિચારોમાં જ હોય છે તો અંદર નોટ કેટલી હતી એ પણ યાદ નહિ જ હોય ને?

મયંકે અંદરથી બે નોટ નિકાળીને ગજવામાં મૂકી, બીજા પૈસા ફરી પર્સમાં મૂકી જીપ બંધ કરી દીધી. પર્સ ત્યાંથી ઉઠાવી વૈભવિના ટેબલ ઉપર મૂકી એ બહાર નીકળી ગયો. ગિરીશની ચેમ્બરમાંથી પસાર થતા એણે આડી નજરે ગિરીશ તરફ જોયું, એ થડકી ગયો, ગિરીશ વૈભવિના ચેમ્બર ઉપર જ નજર લગાવીને બેઠો હતો.. ના ના અહીંથી એ બાથરૂમ નથી દેખાતું. ઘણીવાર મેં ગિરીશની ખુરશી પાસે ઉભો રહેલ છું.

ગિરીશની ચેમ્બર બહાર નીકળતા જ એને રાહત થઈ હોય એમ ચહેરા પર સ્મિત લાવી બોલ્યો, "મેડમ, લો આ રહ્યો તમારો મોબાઈલ."

"થેંક્યું મયંક." કહી ફરી વૈભવી નિતા, નિયતિ અને રાજેશ સાથે વાતો કરવા લાગી.

"મને હમણાંથી કશું જ યાદ નથી રહેતું નિતા, બસ એટલે જ તને એમ લાગ્યું કે હું તમને બધાને અવોઇડ કરું છું."

"હા અમને એટલે જ થયું, કેમ કે પહેલા તો તમે ઓફિસનો દરવાજો ખોલતા એટલે બધાને તમારા ગુલાબી સ્મિત સાથે ગુડમોર્નિંગ વિસ કરીને જ અંદર જતા." રાજેશે કહ્યું.

"હા એ પણ મને તો ખાસ." મયંકે કહ્યું.

"વેલ, મારા મનમાં બીજુ કઈ જ નથી બસ તમે એમ ન સમજતા કે હું અલગ ચેમ્બરમાં બેસું છું એટલે હેડ છું પણ હમણાંથી મારી માનસિક સ્થિતિ સારી નથી હોતી એટલે..."

"વેલ, વેલ.... અમેં જ છીછરા હતા કે આવું બધું વિચાર્યું...." નિયતીએ કહ્યું.

"યસ, યુ આર સ્વીટ..." નિતાએ છેલ્લો સમોસો મોઢામાં મુકતા કહ્યું.

"હા પણ બે ટુકડા કરીને મુક્યો હોત તો કઈ અમે હાથમાંથી ઝુંટવી ન લોત!" રાજેશે મયંકને તાળી આપી.

નિયતી અને વૈભવી પણ હસી પડી.

"વોટ?" પોતાના અડીખમ શરીર ઉપર શોભે એવા મોટા બે ખભા ઉલાળતા નિતાએ નવાઈથી કહ્યું.

"કઈ નહિ જવાદે.... તારું ધ્યાન ખાવામાં જ છે..."

"ઓહ...." આખો સમોસો બરાબર ચાવ્યા વગર જ ખાઈ-ગળી લેતા નિતા બોલી, "તમે ગમે તે કહો હું તો ખાવાની જ ભૈ..!!"

"બેસ્ટ ઓફ લક... અમારે વેઠવી જ પડશે..."

"કાઈ વાંધો નહિ હવેથી દસેક સમોસાનો ઓર્ડર વધારે આપજે મયંક...." વૈભવીએ પણ નિતાની મજાક ઉડાવી.

"થેંક્યું દીદી..." પાણીની બોટલમાંથી મોટા બે ઘૂંટડા ભરતી બધાને હસાવતી નિતા બોલી.

બધા હસી પડ્યા. વૈભવી ફરી પોતાની ચેમ્બરમાં ગઈ. આ નિતા પણ કેવી છે ? બધાને હસાવી લેવા એ પોતાની જ મજાક ઉડાવી લે છે! ખાસ તો મને હસાવવા જ!

ચેરમાં ગોઠવાઈ ફરી એ ફાઈલો ઉઠલાવવા લાગી. વેર હાઉસનો માલ..... કઈ પ્રોસેસ કરું? દરેકના ભાવ અલગ છે...

ફોન ઉઠાવી ગિરીશથી કનેક્શન જોડયું.

"બોલ વૈભવી."

"સર, વેર હાઉસ નંબર થ્રિનો માલ અલગ અલગ ભાવનો છે, કઈ પ્રોસેસથી ભાવ લઉ? ફીફો કે લીફો?"

"વૈભવી, મને આ બધી ખબર પડતી હોત તો તને શું કામ રાખોત? તું મારી સેક્રેટરી કમ એકાઉન્ટટન્ટ છે યાર. તારે જ નક્કી કરવાનું!" ગિરીશને ખબર હતી કે વૈભવી પોતાના કામમાં હોશિયાર છે બસ એ ખાલી ખાતરી કરવા જ પૂછે છે.

"ઓકે સર." કહી વૈભવીએ ફોન મૂકી દીધો.

વેર હાઉસ નમ્બર ત્રણની ફાઇલ લઈ એ કામ કરવા લાગી. ફાઇલ તૈયાર કરી બેલ વગાડી મયંકને બોલાવ્યો.

"જી મેડમ."

"આ ફાઇલ, સરના ટેબલ પર મૂકી દે..."

"જી મેડમ..." મયંકે ફાઇલ ઉઠાવી.

"અને હા બીજી ફાઇલ ઉપર મુકજે, આ ફાઇલ નીચે ન મુકતો, આ જરૂરી કામની ફાઇલ છે."

"ઓકે ઓકે..." કહી મયંક નીકળી ગયો.

વૈભવીએ અગત્યનું કામ પૂરું કરી હાશકારો અનુભવ્યો... ટેબલ ઉપર ફાઈલોનો ઢગલો થઈ ગયો હતો એ જોઈ બેલ તરફ હાથ લંબાવ્યો. ના ના હું જ ફાઈલો મૂકી દઉં આખો દિવસ મયંકને શુ હેરાન કરવાનો?

ફાઈલો એકઠી કરી સ્ટુલ પર ચડી ઉપરની અભરાઈનું ખાનું ખોલી ફાઈલો મુકી દીધી પણ જેવી એ ઉતરવા ગઈ એકાએક એને ચક્કર આવી ગયા. દિવલનો ટેકો લેવા હાથ લંબાવ્યા પણ એ ફસડાઈ પડી.

"વૈભવી...." કહેતો ગિરીશ એની ચેમ્બરમાં દોડી આવ્યો.

હાથ પકડી એને ઉભી કરી, ખુરશીમાં બેસાડી, જાતે જ ફ્રીજમાંથી પાણી લઈ આવ્યો.

પાણી પી વૈભવી સ્વસ્થ થઈ એટલે ફરી એ બોલ્યો, "આ મયંકને શુ કામ રાખ્યો છે વૈભવી? તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે?"

વૈભવી ચૂપ રહી. એને થયું એ ગિરીશ મારી ચેમ્બરમાં જ નજર રાખીને બેઠો હોય છે! હું પડી એનો કોઈ અવાજ થયો નથી અને થયો હોય તો પણ આ ચેમ્બર બહાર અવાજ નથી જતો.

પોતાના હાથ તરફ જોયું, કાંડા પાસેથી હાથ છોલાઈ એમાંથી લોહી વહેતુ હતું. ગિરિશે ફર્સ્ટ એડ કીટ લાવી એના હાથ પર ડ્રેસિંગ કરી પાટો બાંધી દીધો.

"થેન્ક્સ સર."

"વૈભવી, કેટલી વાર કહું મને સર કહેવાની જરૂર નથી, વી આર લાઈક ફ્રેન્ડ્સ. અને મારા માટે તો ફ્રેન્ડસથી પણ કંઈક વધુ!" ગિરીશ મોકો જોઈને આગળ વધતો હતો પણ વૈભવીએ એનું છેલ્લું એ વાક્ય જાણે સાંભળ્યું જ ન હોય એમ એ ચૂપ રહી.

"તું મને એટલો એવોઇડ કેમ કરે છે વૈભવી? તને ખબર છે શહેરની જે છોકરી ઉપર આંગળી મુકું એ મારી થઈ જાય, એ જ દિવસે.”

"ગિરીશ, હું કોઈની વાઈફ છું એ તને ખબર નથી?" વૈભવી રોજની જેમ ચૂપ ન રહી પણ પોતે વધારે બોલી હોય એમ ઉમેર્યું, "તમે સમજતા કેમ નથી સર હું કરણની પત્ની છું અને એને ચાહું છું."

"હા તો મેં ક્યાં તને ડિવોર્સ લેવાનું કહ્યું છે? માત્ર...." વાક્ય અધૂરું મૂકી ફરી એ બોલ્યો, "હું તને એક દિવસ મેળવીને જ રહીશ વૈભવી!"

"પ્રેમ અને પૈસા આ બેની પાછળ ભાગનારમાં કદાચ પૈસા પાછળ ભાગનાર વ્યક્તિનું મન મેલું હોય તો પણ એ સફળ થઈ શકે પણ પ્રેમ પાછળ ભાગનારનું મન મેલું હોય તો એ ક્યારેય સફળ ન થઈ શકે..." વૈભવી મક્કમતાથી બોલી, "મારો પ્રેમ મારુ તન, મન અને ધન કરણ માટે છે, તું તારા એ ઇરાદામાં ક્યારેય સફળ થવાનો નથી ગિરીશ કેમ કે તું મને બીજા કરતા વધારે પગાર આપે છે અને હું મજબૂર છું એટલે નોકરી કરું છું પણ હું બિકાઉ નથી."

"સમય આવશે ત્યારે જોયું જશે એ તો, દરેક સ્ત્રીના શરીરની એક કિંમત હોય વૈભવી..." છંછેડાઈને ગિરીશ ઉભો થઇ ગયો. દરવાજે જઈને ફરી કહ્યું, "તારી પણ..." દરવાજો પછાડી એ નીકળી ગયો.

વૈભવી વિચારતી રહી... કેટલો તફાવત છે માણસે માણસે? ક્યાં કરણનો પ્રેમ અને ક્યાં ગિરીશનો હવસ..??!! ભગવાન તે પણ મને બરાબર ફસાવી છે, બરાબર કસોટી લીધી છે મારી, પણ તું એટલું યાદ રાખજે કે જો મારે કોઈનો જીવ બચાવવા આ શરીર વેચવું પડ્યું, જો મારે કરણનો અધિકાર બીજાને આપવો પડ્યો તો એના માટે જવાબદાર તું હોઈશ... એ બધા પાપનો ભાગીદાર તું પણ થઈશ કેમ કે હું કોઈને મરતા જોઈ શકું એમ નથી.....!!!

વૈભવીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બહાર કોઈ જોઈ ન લે એ માટે વોસરુમ જઈ તરત આંસુ ખરડાયેલો ચહેરો ધોઈ લીધો..!!
*

"આશુતોષ, કરણ તમે...." ધવલ લાગણીઓમાં તણાઈ જતો લાગ્યો, "તમે બંનેએ મને એટલો સપોર્ટ કર્યો એ બદલ હું તમને શું કહું? કઈ રીતે તમારો બંનેનો આભાર વ્યક્ત કરું એ જ નથી સમજાતું.!"

"ધવલ, અમને થેન્ક્સ કહીને લજવાડતો નહિ પ્લીઝ." અશુતોષે કહ્યું.

"ને ધવલ, મેં તો કોઈ અહેસાન કર્યું જ નથી કેમ કે તારા ભાઈ નયનના હજારો અહેસાન મારા ઉપર છે જ." કરણે પણ એવો જ લાગણીસભર જવાબ વાળ્યો.

ધવલ ચૂપ આંખે બંનેને જોઈ રહ્યો. એલ.ઇ.ડી.માં ચાલતી પોતાની એડ જોઈ એણે વિચાર્યું હવે તો મને ઘણા ઓર્ડર મળશે, મારી ગરીબીના દિવસો પણ હવે દૂર થઈ જશે!

"ક્યાં ખોવાઈ ગયો?"

"હજુ એક સરપ્રાઈઝ તો બાકી જ છે ધવલ." અશુતોષે કરણ સામે જોયું. કરણે ધવલ સામે જોયું. ધવલ કઈ સમજ્યો ન હોય એમ ફરી અવાચક બનીને જોઈ રહ્યો.

"શુ?"

"ઓર્ડર માટે એક સારો ફોન પણ જોઈશેને યાર." કહી અશુતોષે ધવલને એક બોક્સ આપ્યું.

બોક્સ ખોલી ધવલ અશુતોષને ભેટી પડ્યો, "આશુ, થેંક્યું દોસ્ત, થેંક્યું." એની આંખના ખૂણા ભીના થઈ ગયા.

"બસ હવે તું આ નવા બિઝનેસમાં ધ્યાન આપજે ધવલ." અશુતોષે એની પીઠ થાબડી કહ્યું અને ઘડિયાળમાં જોતા જ એકાએક ઉમેર્યું, "કરણ તમે લોકો બેસો હું આજે જઉં છું."

"આજે તો અમે પણ જઈશું, શુ કહેવું કરણ?"

"હ.... મતલબ?"

"જુહુ પર એક લટાર મારીએ ઘણા દિવસ થઈ ગયા!"

"વેલ, તો આજે તમે બંને પણ જાઓ, હું પણ જાઉં છું." અશુતોષે ગાડીની ચાવી ઉઠાવી.

"એક મિનિટ સાહેબ." આશુતોષ પગ ઉપાડે એ પહેલા જ દરવાજો ખોલી રામુ આવ્યો.

"વગર ઓર્ડરે?" રામુ ઓર્ડર આપ્યા વગર આવતો નહિ એટલે કરણને નવાઈ થઈ.

"ક્યાં સાબજી આપભી ના... મેં જોયું ટીવીમાં ધવલ ભાઈનું નામ." રામુએ કહ્યું.

"પણ અમારે લોકોને જવું છે રામુ, અત્યારે ચા નહિ..." અશુતોષ વાક્ય પૂરું કરે એ પહેલાં જ રામુ બોલ્યો.

"ઓ સાબજી, આજે ઓર્ડર પર નથી આવ્યો. ધવલભાઈનું મોં મીઠું કરાવવા આવ્યો છું, સ્પેશિયલ ચા બનાવી લઈ આવ્યો છું એ પણ ફ્રી."

"ઓહ...."

"તું ભી ક્યાં યાદ કરેગા સાબ!" રામુ એની અદામાં કપ ઉછાળી બોલ્યો.

ત્રણેય એ નિર્દોષનો પ્રેમ જોઈ એને જોતા રહ્યા. રામુએ બધાને એક એક કપ ભરી આપ્યો.

"ચલો સાબજી, તમારે મોડું થતું હશે, અપુન ભી ચલા... ઓર હા, ધવલભાઈ કન્ગ્રેચ્યુશન... હા હા એ જ અભિનંદન, ક્યાં હે ના હમ જ્યાદા પઢા લીખા નહિ બસ તુમ સાબ લોગ કો બોલતે સુના ઓર જેસા તેસા શીખ લિયા.."

ત્રણેય ખડખડાટ હસી પડ્યા. ધવલે તરત ખિસ્સામાંથી એક સોની નોટ નીકાળી રામુને આપી. કરણ અને આશુતોષે પણ આપી.

"દુવામે યાદ જરૂર કરુંગા..." કહી સલામ ઠોકતો રામુ નીકળી ગયો. એ પછી આશુતોષ પણ નીકળી ગયો.

"કરણ જલ્દી ઓફીસ વધાવી લે યાર સાંજે તારે વૈભવીને લેવા જવું પડશે એ પહેલાં આપણે ફરી લેવાનું છે."

"હા, બસ બધું રેડી જ છે કી લઉ એટલી જ વાર." શર્ટનું ઇન ખોસતા કરણ બોલ્યો.

ધવલ કરણના બાઇકની ચાવી લઈ બહાર નીકળી ગયો. એની પાછળ કરણ પણ નીકળ્યો.

"કરણ, આજે કોલેજના દિવસો યાદ કરીએ?"

"મતલબ?" પાછળ બેસતા કરણે પૂછ્યું.

"મતલબ..... વ્રુમ વ્રુમમમમમ....." ધવલે બાઈક મારી મૂક્યું.

પવનની લહેરો કરણના ચહેરા સાથે અથડાઈ દોડી જવા લાગી! આ ધવલ એટલો મિજાજી કઈ રીતે રહી શકે? એના ચહેરા ઉપર ક્યારેય કોઈ દુઃખ કોઈ ચિંતા હોતી જ નથી!! ઉપરથી એટલી ખુદ્દારી!!?? નયન એનો કઝીન છે, એ મોટો છે છતાં ધવલ ક્યારેય એની પાસે હાથ નથી લંબાવતો.... મારી જેમ જ!!

"ધવલ, તું એટલો બિન્દાસ કઈ રીતે રહી શકે છે?" મનનો સવાલ કરણે પૂછી જ લીધો.

"કરણ, જો રડવાથી કાઈ વળતું હોત, કાઈ મળતું હોત તો મારી પાસે આજે દુનિયાની બધી ખુશી હોત!" બાઈક ધીમું કરતા ધવલે કહ્યું, "હું રાત રાત ભર રડ્યો છું કરણ, ત્યારે જતા હું હસતા શીખ્યો છું."

"પણ નયન તો તને મદદ કરે જ ને? તું કેમ એનાથી દૂર રહે છે મને એ જ નથી સમજાતું."

"પવન સારો છે, તારા ભાઈ જેમ જ એ મને બધી મદદ કરે, પૈસા પણ આપે જરૂર હોય તો...."

"એક મિનિટ, હું જ્યારથી મોટો થયો છું મેં દિપક પાસેથી એક રૂપિયો પણ નથી લીધો ધવલ."

"કેમ?" કરણનો અવાજ બદલાઈ ગયેલો લાગ્યો એટલે ધવલને નવાઈ થઈ, "પણ કેમ?"

"કેમ કે એ ખરેખર કોઈ નોકરી નથી કરતો ત્યાં."

ધવલે બાઈક રોકયું, પાર્ક કરી દીધું. સામે દેખાતા દરિયાના હળવા મોજા જેવો જ કળી ન શકાય એવો એને કરણનો ચહેરો લાગ્યો. "મતલબ તું કહેવા શુ માંગે છે કરણ?"

"બહુ લાંબી વાત છે...." ધવલના ખભા પર હાથ મૂકી એ બીચ તરફ ચાલવા લાગ્યો.

"નયન અને દિપક બંને નાના હતા ત્યારે ચોરી કરતા, બેશક મારા માટે જ કરતા અને નયન તો ભણી ગણીને સુધરી ગયો."

"અને દિપક....??" કરણનો ઉદાસ ચહેરો ઘણું કહી ગયો હતો છતાં ધવલે ખાતરી કરવા પૂછ્યું.

"એ ભણ્યો ખરા પણ એ આદત ન છોડી, એ ત્યાં પણ ગુંડાઓ જોડે કામ કરે છે ધવલ, વૈભવીને આ બધી ખબર નથી એટલે મેં એ દિવસે પાર્ટીમાં કોઈ વાત જ નહોતી કરી."

"તો એમાં ખોટું પણ શું છે? આજે પૈસા જરૂરી છે, ભણેલો માણસ કમાઈ કમાઈને કેટલું કમાય? એક માણસ આખી લાઈફ નોકરી કરે તો પણ રહેવા માટે એક ઘર પણ મુંબઈમાં લઈ શકાય એમ નથી કરણ!"

"હા પણ હું એમ નથી માનતો. એ ગુંડાઓના પૈસા લઈ હું જીવવા નથી માંગતો, કાલે મારા છોકરા....." કરણ અટકી ગયો ફરી ઉમેર્યું, "ખેર જવાદે.... એ બધું હવે દિપક નહિ જ સમજે કેમ કે એ દુઃખમાં મોટો થયો અને મને કર્યો એટલે એને દુનિયાથી કોઈ મતલબ નથી, એ લગન પણ નથી કરતો."

કરણનો ચહેરો વધુ ને વધુ ઉતરતો ગયો...

"કરણ, સામે પેલું નાનું બાળક દેખાય છે?"

કરણે નજર કરી, એક બાળક પોતાનું તૂટેલું ચપ્પલ જોરથી દરિયામાં ફેકતું હતું, મોજા એને ફરી કિનારે લઈ આવતા હતા, ફરી એણે વધુ જોરથી ચપ્પલને દરિયામાં દૂર દૂર ફેંકી દેવા પ્રયત્ન કર્યો અને બીજા બાળકો સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયું...

"દુઃખનું પણ એવું જ છે કરણ, તમે એને હડસેલવા મથો તો એ ફરી આવે, જો એ બાળક રમવા લાગ્યું એટલે ભૂલી ગયું એણે જોયું નથી પણ એ ચપ્પલ ફરી કિનારે આવી ગયું છે." ધવલે ચપ્પલ ઉઠાવ્યું, જોરથી બીજી તરફ ફેંકી દીધું.

"તારો ભૂતકાળ પણ ખરાબ હતો પણ તું એ બાળકની જેમ બીજી બાજુ ધ્યાન આપે તો એ દુઃખ ભૂલી જવાય."

કરણ સાંભળતો રહ્યો. નાના મોટા મોજા જોતો રહ્યો.

"તને વૈભવી મળી છે. તું હવે એમાં ધ્યાન આપ, દોસ્ત નસીબથી મળે છે પ્રેમ તું એમાં ખુશ થતા શીખ..."

"હું વૈભવી સાથે ખુશ છું ધવલ પણ એ નથી..."

"મતલબ?" ધવલને ફાળ પડી હોય એમ પૂછ્યું.

"વૈભવી વિચારોમાં જ હોય છે. એ એકલી હોય ત્યારે મેં એનો ચહેરો જોયો છે એક અલગ જ ચહેરો હોય છે ત્યારે, એ મારી સામે અલગ હસતી ખેલતી વૈભવી બની જીવે છે પણ એની અંદર એક દુઃખી વૈભવી પણ જીવે જ છે. એ મને કાઈ કહેતી નથી પણ એ કૈક છુપાવે છે."

સૂર્યના કિરણો કરણના તેજસ્વી ચહેરા ઉપર પડતા હતા, પવન આવી એના રેશમી વાળ ઉડાવી જતો હતો પણ છતાં આજે એનો ચહેરો નિસ્તેજ લાગતો હતો, અંદરની વ્યથા બહાર છતી થતી ધવલ જોઈ રહ્યો...

"એ રાત્રે ગમે ત્યારે જાગી જાય છે, હું એને પૂછું પણ કઈ રીતે એ બધું? કેમ કે મને જોતા જ એના ચહેરા ઉપર એક એવું નિર્દોષ સ્મિત ફરી વળે છે જાણે હજારો સપના એકસાથે પુરા થઈ ગયા હોય!" કરણ એટલું જ બોલી શક્યો.

"કરણ જો ફૂલ હોય બપોરના તડકા પછી પાણી મળે તો તરત એ ફરી ખીલી ઉઠે, તું વૈભવી માટે એ જ પાણી છે..." ધવલે હસીને કહ્યું, "અને આમ પણ એક બે બાળકો થઈ જાય પછી એ પણ એ બધા દુઃખ ભૂલી જશે કદાચ એને પણ આપણી જેમ ભૂતકાળ ખરાબ હોય?"

"ભૂતકાળ તો ખરાબ જ હશે મેં એટલે જ એને કોઈ દિવસ બેક ગ્રાઉન્ડ પૂછ્યું જ નથી બસ નર્મદાબહેનને સફેદ સાડીમાં જોઈ હું સમજી ગયો કે એને કાઈ પૂછવા જેવું નથી."

ધવલને થયું કરણ વધુ વિચારે એ પહેલાં વાત બદલવી જોઈએ. "યાર તું આ બધું શુ કામ વિચારે છે? મારું તો માન બને એટલા જલ્દી બીજા ફૂલ ઘરમાં ખીલતા કરી દે બધું સારું થઈ જશે!"

"તું પણ શું ધવલ..... હું વૈભવીને સ્પર્શ કરતા પણ ડરુ છું યાર કોઈને કહેતો નહિ પણ આ ખરેખર સાચું કહું છું હું."

ધવલ ખડખડાટ હસી પડ્યો. "ભાઈ ટ્રુ લવની પણ એક હદ હોય, લગન પછી તો આ હદ કહેવાય...."

"તું રુક હમણાં બતાવું હદ તને...." કહી કરણ એની પાછળ ભાગ્યો.

થોડાક કદમ દોડતા એકાએક ધવલ છાતી પર હાથ રાખી બેસી પડ્યો.

"શુ થયું?" કરણે ઉતાવળા ડગલા ભરી ઝડપથી એની નજીક જઈ ગભરાઈને પૂછ્યું.

"કાઈ નહિ, મને હૃદયની બીમારી છે યાર!" હાથ લાંબો કરતા ધવલે કહ્યું.

"અરે હું એ તો ભૂલી જ ગયો સોરી, અને તો શું કામ ભાગ્યો જ તું?" કરણે એને ઠપકો આપતા ઉભો કર્યો.

કપડાં ખંખેરતા ધવલે કહ્યું, "તો પછી તારા ચહેરા ઉપર આ સ્મિત ન હોત ને?"

કરણ એના ખભા પર હાથ મૂકી ચાલવા લાગ્યો. "પાગલ છે તું, ચલ હવે જઈએ વૈભવી રાહ જોતી હશે...."

ડૂબતો સૂરજ એના છેલ્લા કિરણો દરિયા ઉપર પાથરી રહ્યો હતો. કરણે એક નજર કરી એને થયું જતા જતા પણ આ સૂરજ બીજાને કેટલી સુંદરતા આપીને જાય છે?! આ ધવલ કેટલો ખુશ રહે છે? હું પણ હવે એમ જ કરીશ... વૈભવીના જીવનને હું ખુશીથી ભરી દઈશ...

(ક્રમશ:)

***