Mrugjal - 9 books and stories free download online pdf in Gujarati

મૃગજળ - પ્રકરણ - 9

વહેલી સવારે ઠંડો પવન કરણના ચહેરા ઉપર અથડાઈ જાણે એને જગાડી રહ્યો હતો.

"કરણ, મારો ડાહ્યો દીકરો... જાગી જા..." જશોદાબેનનો ધીમો ધીમો અવાજ એને સંભળાતો હતો.

એકાએક એની આંખ ખુલી ગઈ. આમતેમ જોયું, બાજુના બાંકડા પર નયન સૂતો હતો.

ઉભા થઇ અંદર જઇને જોયું, વૈભવી બેડ પર સૂતી હતી. એના ચહેરા ઉપરનું દુઃખ થોડું ઓસર્યું હોય એવું લાગયુ.

કરણ બહાર નીકળી ગયો. રોડ પર આવી ટેક્સી રોકી સીધો જ ઘરે ગયો. દરવાજો ખોલી સોફામા ગોઠવાયો. માની તસ્વીર તરફ નજર કરી. એ જાણે કહેતી હતી 'બેટા, થાકી ગયો સંસારની મોહમાયામાં? આ સુખ રૂપી મૃગજળ પાછળ ભાગી ભાગીને થાકી ગયો?'

ના હું હાર નહિ માનુ કેમ કે મારી દોડ સાચી છે, હું કોઈ ભ્રમજાળ પાછળ નથી ભાગતો... એ ઉભો થઇ ગયો. થાકેલું શરીર ઘસડતો એ બાથરૂમમાં ગયો.

કપડાં બદલી તિજોરી ખોલી, વૈભવિના કપડામાંથી પેલો ફોટો ખેંચી કાઢ્યો.

માથામાં આછા વાળ, ભરપૂર દાઢી અને નાની સરખી મૂછો, સખત આંખો, કપાળ ઉપર એક ઘા..... તસ્વીર જોતા જ ડોકટરના શબ્દો મનમાં ગુંજી ઉઠ્યા.... "મી. કરણ, સોરી ફોર ધેટ પણ વૈભવિના ભૂતકાળમાં કોઈ પુરુષ...."

કોણ છે આ માણસ? આખરે વૈભવી આ ફોટો કેમ રાખે છે? શું સબંધ હશે એ તસવીરમાની વ્યક્તિ સાથે એને? શુ ડોક્ટરની વાત કદાચ સાચી હશે? શુ વૈભવીને કોઈ સાથે.....??!! ના ના એવું હોત તો એ મારી સાથે લગન જ શુ કામ કરોત? એ મને કોલજ સમયથી ચાહે છે. તો શું કોલેજ પહેલા આ વ્યક્તિ એના જીવનમાં હશે? ના ના આ તસ્વીરમાં જે વ્યક્તિ છે એની ઉંમર તો ત્રીસ આસપાસ છે અને કોલેજ પહેલા તો વૈભવી સત્તર વર્ષની જ હશે....

ઘણા મનોમંથન પછી પણ કરણને કઈ સમજાયું નહીં. મારે વૈભવીનો ભૂતકાળ જાણવો જ પડશે. એના ભૂતકાળ વિશે મને કોઈ કહી શકે તો એ માત્ર નર્મદા બહેન જ છે.

કરણ બાઇકની ચાવી લઈ નર્મદા બહેનને મળવા નીકળી પડ્યો.

*

નીલમ ઘરનો ચા નાસ્તો લઈને હોસ્પિટલ આવી પહોંચી હતી. નયન બહાર કરણના આવવાની રાહ જોતો બેઠો હતો.

"નયન ભાઈ કરણ ક્યાં છે?" નિલમે આવતા જ પૂછ્યું.

"મને કહ્યા વગર જ ગયો છે ક્યાંક, હું તો હમણાં જ જાગ્યો છું."

"આવો અંદર હું ચા નાસ્તો લાવી છું." નિલમે હસીને કહ્યું.

"હા હું આવું, તમે જાઓ." નયનને નીલમ સાથે ખાસ પરિચય નહોતો એ બસ કરણના લીધે એને ઓળખતો હતો.

નીલમ અંદર ગઈ ત્યારે વૈભવી પણ જાગી ગઈ હતી. નિલમને જોતા જ એ બોલી, "કરણ ક્યાં છે નીલમ?"

"એ ઘરે ગયો છે રાત્રે થાક્યો હશે એટલે." નિલમે અંદાજે જ કહ્યું, "ચલ ફટાફટ ઉભી થઇ જા, ચા નાસ્તો તૈયાર છે."

નિલમે ચા નાસ્તો તૈયાર કર્યો. વૈભવી એને જોઈ રહી. નિલમની નજર એના ચહેરા ઉપર પડતા એ બોલી, "શુ દેખે છે વૈભવી?"

"હું એ જ દેખું છું કે તારો ચહેરો, તારી રહેવાની રીત અને તારી વાતો જોઈને કોઈ ન કહી શકે કે તું અંદરથી ખરેખર એક મોંઘા નીલમ (હીરા) જેવી હશે!"

નીલમ હસી પડી. "હું તો ભાઈ એવી જ છું, નફિકરી અને નફ્ફટ! પણ તારા માટે હું અલગ છું વૈભવી." કહી નિલમે વૈભવિના ગાલ પર કિસ કરી દીધી.

"તું પાગલ છે નીલમ? આ શું કરે છે?" વૈભવી પણ હસી પડી.

"ભાઈ કરણ જેવો પ્રેમ નથી પણ કિસ તો અમારી પણ કિસ જ છે!"

"ગુડ મોર્નિંગ, વૈભવી. કેવું છે હવે?" નયન દાખલ થયો.

"હવે તો એકદમ ફિટ છું નયન ભાઈ, તમને તકલીફ આપી એ બદલ માફ કરજો."

"અરે એમાં શું તકલીફ, કરણ મારો ભાઈ જ છે એને મેં જ ચાલતા શીખવાડ્યું હતું." સ્ટુલ ખેંચી નયન વૈભવી જોડે બેઠો.

નિલમે એને ચાનો કપ આપ્યો.

"આ કરણે મારા ભાઈને બિઝનેસમાં સેટ નથી કર્યો? ભલે ધવલ મારી સાથે ઓછું બોલે છે પણ છે તો મારો ભાઈ ને?"

"હા પણ એ કેમ તમારી જોડે વધારે હળતો મળતો નથી?" વૈભવીએ પૂછ્યું.

"ધવલ અલગ જ માનસ ધરાવે છે, એ બસ પોતાના પગ ઉપર ઉભો થવા માંગે છે. એ મારી કોઈ મદદ લેવા માંગતો જ નથી." નયને ખાલી કપ નિલમને આપ્યો.

"વેલ, એ બધું તો ચાલ્યા કરશે હું ડોકટરને બિલ આપી આવું." કહી નયન બહાર નીકળી ગયો.

નયન ગયો એટલે નિલમે મોકો જોઈને વૈભવીને ધીમેથી કહ્યું, "આજ સુધી મેં તને ક્યારેય પૂછ્યું નથી વૈભવી, પણ હવે તારે કહેવું પડશે કે તું કેમ મારી પાસેથી દર મહિને પૈસા લઈ જાય છે?"

નીલમનો એ પ્રશ્ન જાણે હમણાં બધો ભેદ ખોલી નાખશે તો? વૈભવી ચૂપ રહી એટલે ફરી નિલમે કહ્યું, "જો હું પૈસા માટે આ બધું નથી પૂછતી તને, બસ તું આમ તણાવમાં જીવે છે એટલે જ પૂછ્યું છે."

વૈભવીને લાગ્યું કે હવે મારે નીલમથી એ બધું છુપાવવું ન જ જોઈએ. એ મને આજ સુધી એક લાખ રૂપિયા આપી ચુકી છે. હવે એને કહી દેવું જોઈએ, તો મારુ પણ મન હળવું થશે કદાચ.

નીલમ પણ વૈભવીની વાત સાંભળવા આતુરતાથી એની સામે જોઈ રહી.
*

કરણનું બાઈક નર્મદાબેનના ઘર આગળ ઉભું રહ્યું. કરણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. ડોરબેલ વગાડતા જ તરત દરવાજો ખુલ્યો. સફેદ સાડીમાં નર્મદાબેન દરવાજે નજરે ચડ્યા.

ચાલીસી વટાવેલ નર્મદાબેનનો ચહેરો હજુ પણ વૈભવીના યુવાન ચહેરા જેવો જ સુંદર લાગતો હતો! એ જ પાંદડીયાળી આંખો, સુડોળ શરીર! વિસ વર્ષ પહેલાં નર્મદાબેન વૈભવી કરતા પણ વધુ સુંદર દેખાતા હશે એ એમના જોતા જ દેખાઈ આવે.

અર્ધા સફેદ થઈ ગયેલા વાળ, દુઃખના ઘૂંટડા પી પી ને કરચલી પડેલી આંખો, સફેદ સાડીમાં વણાયેલું ગૃહસ્થીનું દુઃખ કરણ જોઈ રહ્યો.

"કરણ દીકરા તમે?" ચશ્માં લગાવતા નર્મદાબેન બોલ્યા, "આવો આવો."

કરણને જોઈ નર્મદા બહેનના ચહેરા ઉપર એક આનંદ છલકાઈ ગયો.

"બેસો, બેસો....." જુના સોફાની ચાદર (કવર) સરખી કરતા એમણે જમાઈને બેસવા કહ્યું.

કરણ બેઠો. વૈભવિના ગયા પછી અહીં કોઈ ભાગ્યે જ આવતું હશે એ તો કરણને જોઈને એમના ચહેરા ઉપર આવેલા હરખથી જ કોઈ પણ સમજી શકે! કરણ ધ્યાનથી ઘર જોવા લાગ્યો. ઘરમાં કાઈ ઝાઝું હતું નહીં. એક જુના જમાનાનું કબાટ, સોફા પણ વર્ષો જુના હતા, બીજું બધું પણ જૂનું જ હતું. કરણે એ બધું જોયું પણ એક જમાનામાં એ બધી વસ્તુઓ મોંઘી હશે એવું કરણને લાગ્યું.

આ ઘર જૂનું છે, વસ્તુઓ, ફર્નિચર જૂનું છે, નર્મદાબહેન પણ જુના! વર્ષોથી નવી કોઈ વસ્તુ વસાવી નથી, કદાચ વૈભવિના પિતા નંદશંકર હયાત હશે ત્યારે એમણે આ બધું વસાવ્યું હશે એવી ધારણા કરણે કરી.

પોતાનું ઘરડું શરીર રસોડામાંથી ખેંચી આવતા નર્મદાબેન ચાના કપ લઈ આવ્યા. કપ કરણ આગળ ટીપોઈ પર મુકતા એ પણ નીચે બેસી ગયા.

"અરે તમે નીચે કેમ બેસી ગયા?" કરણ ઉભો થઇ ગયો, "સામે સોફા છે ને!"

"કરણ, દીકરા અમે જુના જમાનાના માણસ, જમાઈ માણસ આગળ અમારે ઉપર ન બેસાય."

"અરે પણ હું તો તમારા...."

"હા હું તને કરણ જ કહું છું પણ એ મારો લાડ છે, હવે જીવી જીવીને કેટલું જીવવાનું છે મારે? પાછળની ઉંમરે મારા વિચાર બદલીને શુ કરું? જમાનો ભલે બદલાયો હું નથી બદલવાની." નર્મદાબેનના શબ્દોમાં જુના રિવાજ, સંસ્કારોની છાંટ હતી.

કરણ બેસી ગયો. એને થયું વૈભવી આબેહૂબ નર્મદા બહેન ઉપર જ ગઈ છે. થોડી વાર એ બેસી રહ્યો પછી જે વાત કહેવા - પૂછવા આવ્યો હતો એ કહેવા લાગ્યો.

"આ વૈભવી શુ વિચારોમાં હોય છે? એ મારી સાથે લગન કરીને આવી છે પણ એનું મન ક્યાંય બીજે છે!" કરણે સ્પષ્ટ બધું કહી દીધું.

નર્મદાબેન ધ્રાસકો પડ્યો હોય એમ સાંભળી રહ્યા.

"જુઓ, લગન પહેલા મેં તમને કોઈ સવાલ નહોતો કર્યો પણ હવે તમારે મને જવાબ આપવા પડશે, નહિતર હું અને વૈભવી જીવનભર દુઃખી થઈશું."

ના મારી સાથે જે થયું એ હું મારી દીકરી સાથે નહિ જ થવા દઉં. નર્મદાબેનના ચહેરાના ભાવ બદલ્યા, "બોલો તમારે શુ જાણવું છે? હું બધું કહીશ, પણ એમાં મારી દીકરી ક્યાંય ભૂલમાં ન હોય એની હું ખાતરી આપું છું કરણ."

"વૈભવી રાતે જાગી જાય છે, એકલી હોય ત્યારે વિચારોમાં ખોવાયેલી જ હોય છે, મારી સામે હસીને બોલે છે, મને વ્હાલ કરે છે પણ એ કંઈક છુપાવે છે, કોઈ એવી વાત છે જે એને...."

આગળ શું બોલવું એ કરણને સુજ્યું નહિ, "એ શું વિચારે છે, એને શુ તકલીફ છે એ જ ખબર નથી પડતી મને." કરણ લમણે હાથ દઈ બેસી રહ્યો.

"કરણ, જુઓ મારી દીકરી મેં તમને સોંપી છે, તમે પણ ખચકાયા વગર બધું કહો નહિતર તમારો સંસાર આગળ નહિ ચાલે."

"હું એટલા માટે જ અહીં આવ્યો છું. મને કહો વૈભવીના જીવનમાં આગળ કોઈ પુરુષ...." એટલું બોલતા કરણ નીચું જોઈ ગયો.

“તો છેવટે તમે પુરુષ બની ગયા એમને કરણ કુમાર?" નર્મદાબેન કટાક્ષમાં હસ્યા, "લગન પછી પતિ મટીને પુરુષ થવાની કળા દરેક પુરુષમાં હોય જ છે એમાં તમારો કોઈ વાંક નથી જમાઈ."

"મારો કહેવાનો અર્થ એવો નથી, પણ કોઈ પુરુષ તો એના જીવનમાં છે જ ભલે એની સાથે વૈભવીને કોઈ ખરાબ સબંધ ન હોય." કરણે મક્કમતાથી કહ્યું.

"એવું તમે ખાતરી બંધ કઈ રીતે કહી શકો?" કરણની મક્કમતા જોઈ નર્મદા બહેને પૂછ્યું.

જવાબ આપવાને બદલે કરણે બીજો જ સવાલ કર્યો, "શુ એને કોઈ ભાઈ હતો? એનાથી મોટો? કે અત્યારે છે?"

ભાઈ શબ્દ શબ્દ સાંભળતા જ નર્મદા બહેનનો ચહેરો ફિક્કો પડી ગયો, "હા એને ભાઈ હતો, દીક્ષિત પણ એ નાની ઉમરે જ....." નર્મદા બહેન જાણે દીકરાને આજેય જોઈ રહ્યા હોય એમ રડી પડ્યા.

કરણ એમની પાસે જઈને બેઠો. "મારે મા નથી, પણ તમે મને દીકરો કહો છો તો મને બધું સાચું કહો, હું નથી ઇચ્છતો કે વૈભવી અને મારા લગન જીવનમાં કોઈ શંકા પગપેસારો કરે." કરણે નર્મદા બહેનનો હાથ પકડી કહ્યું.

“દીક્ષિત તો નાની ઉંમરે જ ગુજરી ગયો હતો એ બધું તો વૈભવીને હવે યાદ પણ ન હોય."

કરણ ફરી ઉભો થઇ ગયો, "તો પછી આ તસવીર કોની છે? કેમ આ તસવીર વૈભવી એની પાસે રાખે છે? રાત્રે જાગીને કેમ આ તસવીર જોયા કરે છે?" કહી કરણે એક ફોટો નર્મદા બહેન આગળ ધર્યો.

ફોટો હાથમાં લેતા જ એ ફાટી આંખે એ તસવીરને જોતા રહ્યા, એકદમ મૂંગા થઈ ગયા.... ધારી ધારીને માથામાં આછા વાળ, ભરપૂર દાઢી અને નાની સરખી મૂછો, સખત આંખો, કપાળ ઉપર એક ઘા..... એ તસ્વીરમાની વ્યક્તિને જોતા રહ્યા.

કરણે જોયું નર્મદાબેન ધિક્કાર અને નફરતથી એ તસ્વીર જોઈ રહ્યા હતા. આંસુ એમની આંખોમાંથી વહેવા લાગ્યા... સાવ ભાંગી પડેલા સાદે એ માંડ બોલી શક્યા, "તે મને દુઃખ આપ્યા, મારો દીકરો તે માર્યો અને હજુ તને શાંતિ ન થઈ કે મારી દીકરીનું ઘર ભાંગવા પણ તું જ નિમિત્ત બને છે નંદ...." નર્મદા બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

"નંદ....??" કરણ એ શબ્દ સાંભળી ચોકી ગયો.

"હા હું બદનસીબ જેની પત્ની છું એ નંદશંકર..." નર્મદાબહેને આંસુ લૂછતાં કહ્યું.

"બદનસીબ મતલબ?" કરણને કઈ સમજાયું નહીં.

"નંદશંકર દારૂનો પૂજારી હતો, એને શરાબ સિવાય કઈ દેખાતું જ નહીં. અને એ શરાબ એક દિવસ મારા દીક્ષિતની મોતનું કારણ બન્યું." ભૂતકાળમાં ડોકિયું કરતા એ બોલી રહ્યા.

"એક દિવસ પાંચ વર્ષના દીક્ષિતને લઈને એ સ્કૂટર ઉપર ગયો, રસ્તામાં એના મિત્રો મળી ગયા એટલે એણે દારૂ પીધો અને વળતા આવતા એ સ્કૂટર અને દીક્ષિત સાથે પડ્યો એમાં દીક્ષિત...." ફરી એક ડૂસકું નીકળી ગયું.

કરણ ચૂપચાપ સાંભળતો રહ્યો, એ સફેદ સાડી પાછળનું દુઃખ જોઈ રહ્યો....

"એ અકસ્માતમાં બને ગુજરી ગયા?" કરણે પૂછ્યું.

"એ મર્યો નહોતો, એ અભાગીયો તો જીવતો હતો, પણ પછી હું નાની વૈભવીને લઈને એના ઘરથી ચાલી ગઈ..."

"તો આ સફેદ સાડી...." કરણે નવાઈથી પૂછ્યું.

"આ સફેદ સાડી પહેરી હું અહીં વિધવા બની જીવવા લાગી એટલે લોકો મારા ઉપર દયા કરે, નહિતર રંગીન સાડીમાં એક દીકરી સાથે રહેવું શક્ય નહોતું. લોકો મને શું શું કહે એ મને ખબર હતી. કોઈ મને વેશ્યા કહે, તો કોઈ મને કલમુઈ કહે.... હજારો વાતો થાય, આ નર્મદાને પતિ નથી તો આ છોકરી ક્યાંથી આવી....?" અચાનક કઈક વધારે કહી દીધું હોય એમ એ કરગરી પડ્યા, "એનાથી મારી દીકરીને કોઈ લેવા દેવા નથી જમાઈ..."

"મારો પતિ દારૂડિયો હતો, મેં એને સુધારવા હજાર વાર એની માર ખાધી, પણ એ ન બદલ્યો અને આખરે એના લીધે મારો દીકરો મર્યો એટલે મેં આ બધું કર્યું."

નર્મદાબેન કરણના પગમાં પડ્યા, "મેં આ બધું તમને કહ્યું નહિ કેમ કે મારી દીકરીને તમારા જેવો પતિ મળ્યો હતો, મારી જિંદગી તો બરબાદ થઈ પણ મારી દીકરીને તમે મળ્યા. જો આ બધું કહું તો તમે વૈભવીને ન સ્વીકારો એ માટે મેં આ બધું છુપાવ્યું પણ કરણ વૈભવીને મેં સંસ્કાર આપ્યા છે, એ એના બાપ જેવી નથી તમે એને ઠોકર ન મારતા. એને ઠોકર ન મારતા.... એને ઠોકર ન મારતા....." નર્મદા બહેન કરગરવા લાગ્યા એમનો અવાજ આંસુઓમાં તરડાઈ ગયો.

( ક્રમશ: ) ***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED