સવારનું આહલાદક વાતાવરણ હતું. વૈભવી હમણાં જ આવીને ફ્રેશ થઈ પોતાના ટેબલ પર કામ કરવા બેઠી હતી. કરણ એને છોડવા આવ્યો ત્યારની કરણની વાતોની ખુશ્બુ હજુ એના આસપાસ એ અનુભવી રહી હતી.
ગઈ રાત્રે પહેલી જ વાર કરણ એની નજીક આવ્યો હતો! લગ્નના બે બે મહિના પછી પહેલી જ વાર કરણ એના સુંદર શરીરને સ્પર્શ્યો હતો! કોઈ પણ સ્ત્રી એક સંયમ રાખી જીવે પણ જેને ચાહતી હોય એમાંય કરણ જેવા પ્રેમાળ પતિનો સ્પર્શ.....!
વૈભવી પણ ગઈ રાત્રે કરણના સ્પર્શમાં સાવ પીગળી ગઈ હતી. અને હજુ પણ એના સ્પર્શની સુવાસ પોતાના શરીરમાં એ અનુભવી શકતી હતી. વૈભવી માટે એક પુરુષનો, પતિનો એ પહેલો જ સ્પર્શ હતો!
વૈભવી એ યાદ વાગોળતી રહી. કરણ પોતાની પત્નીને સ્પર્શતા પણ.... એ હસી પડી. પોતાના પેટ તરફ નજર કરી રહી. તો હવે હું મા બનીશ ! દરેક સ્ત્રીની જેમ જ વૈભવીને પણ મા બનવાના વિચાર માત્રથી અંતરમાં એક ઠંડક થઈ!
‘કરણ....’ મનોમન એ નામ ઉચ્ચારી બેઠી. નજર સામેની દીવાલ પર દોરેલા ભીંત ચિત્ર પર સ્થિર હતી. ચિત્રમાં ખળખળ વહેતી નદીના કિનારે અડોઅડ બે પ્રેમી બેઠા હતા. હવા આવીને જાણે એ ચિત્રમાં પણ એના ખુલ્લા વાળ ઉડાવતી હોય! સામે કિનારે ઉભી ગાયના ગળામાં ઘંટડી રણકતી હોય!
કરણે કેટલી હળવાશથી મારા હોઠ..... એકલી એકલી પણ વૈભવી શરમાઈ ઉઠી હોય એમ બે હાથમાં મોઢું સંતાડી દીધું!
ફોનની ઘંટડી વાગી... અચાનક એને થયું એ ઘંટડી ચિત્રમાં નહિ પણ ટેબલ ઉપર વાગી હતી.
"હ... હેલો સર." ઇન્ટરકોમનું બજર ઉંચકતા એ બોલી.
"વૈભવી ક્યાં ખોવાઈ ગઈ છે?" ગિરીશના અવાજમાં આશ્ચર્ય હતું.
"ક્યાંય નહીં સર." વૈભવી વાતને દબાવતા બોલી.
"વૈભવી, આ ત્રીજી વખત મેં ફોન કર્યો છે." કહીને ગિરીશ ખડખડાટ હસ્યો. "તું સામેના ચિત્રમાં જોઈને બેઠી છો મને દેખાય છે અહીંથી."
"સોરી સર." વૈભવીએ ખચકાતા કહ્યું.
"વેલ, આજે વિકટર આવવાનું છે, એનો બધો માલ વેર હાઉસ નમ્બર બેમાં ઉતારી જલ્દી વેર હાઉસ એકનો માલ એમાં ચડાવી દઈ રવાના કરવાનું છે."
"ઓકે સર."
"અને હા, વેર હાઉસ એકનો માલ કઈ પ્રોસેસથી ચડાવવો એ તારે નક્કી કરવાનું છે, ફીફો, લીફો કે પછી એવરેજ..." હસીને ગિરિશે ફોન મૂકી દીધો.
ફોન મૂકી વૈભવીએ ફરી એકવાર ચિત્ર તરફ નજર કરી, ચિત્રમાં એ પ્રેમીઓ સાવ અડોઅડ નહોતા, પ્રેમિકાના વાળ બરાબર બાંધેલા હતા...
વૈભવી હસી પડી.... પોતે ચિત્રમાં ગઈ રાતના દ્રશ્યો ઉમેરી બેઠી હતી એનું ભાન એને હવે થયું હતું...
ચિત્ર પરથી નજર હટાવી ટેબલ પરની બેલ વગાડી. તરત રાજેશ અંદર આવ્યો.
"અરે મયંકને મુક રાજેશ, તારું અહીં કામ નથી."
"પણ, મયંકને તો...."
"શુ થયું મયંકને???" વૈભવી એકાએક ગંભીર થઈ ગઈ.
"થયું કાઈ નથી પણ એને સાહેબે છુટ્ટો કરી દીધો."
સવારે વૈભવી આવી ત્યારે કોઈએ એને કહ્યું નહોતું કેમ કે બધાને ખબર હતી કે વૈભવીને મયંક માટે સહાનુભૂતિ હતી પણ હવે એને કહ્યા વગર છૂટકો ન હતો એટલે રાજેશે કહેવું જ પડ્યું.
"આ ગિરીશ...." દાંત દબાવી એ આગળનું વાક્ય મનમાં જ બોલી, 'કેટલો ઇર્ષ્યાળું છે?! હું મયંક સાથે હસીને બોલું એટલુ પણ એનાથી સહન ન થયું!'
"મેડમ, બોલો શુ કામ હતું? આજથી તમારા બધા કામ મારે જ કરવાના છે."
"ઠીક છે..." હાથ પર લમણો ટેકવી એ બોલી, "ઉપરના ડ્રોઅરમાંથી બધી ફાઈલો ઉતારી આપ."
"કેમ બધી જ?"
"અરે મયંકને તો ખબર હતી કે કઈ ફાઇલ ઉપર મારુ કામ ચાલે છે પણ મને નંબર યાદ નથી.... ઓહ! બિચારો મયંક....!!" એના શબ્દોમાં સ્પષ્ટ નિરાશા વર્તાતી રાજેશ જોઈ શક્યો!
"ઓકે..."
રાજેશે બધી ફાઇલ નીકાળી ટેબલ ઉપર મૂકી... વૈભવીએ ફાઈલોમાંથી કામની ફાઇલ શોધવા લાગી.
"તું જા હવે રાજેશ, બીજું કાંઈ કામ નથી."
"ના ના... તમે કામની ફાઇલ શોધીલો એટલે બાકીની ફાઇલો હું ચડાવી લઉં, ક્યાંક એ દિવસ જેમ તમેં જાતે ચડાવો અને ચક્કર આવે તો..."
વૈભવીએ બે ચાર ફાઇલ અલગ કરી. બીજી ફાઈલો તરફ ઈશારો કર્યો, "થેન્ક્સ રાજેશ..."
"ઓલવેઝ વેલકમ બ્યુટી કવીન!" રાજેશ ફાઈલો ચડાવી બહાર નીકળી ગયો...
‘બિચારો મયંક....’ અનિચ્છાએ વૈભવી ફાઇલના પાના ઉથલાવવા લાગી. એને પૈસાની કેટલી જરૂર હતી? એ મને એટલું માન આપતો હતો છતાં એને મારા પર્સમાંથી ચોરી કરવી પડતી હતી! એ કેટલો મજબુર હશે! સવારની હરખાતી વૈભવી ફરી નિરાશ થઈ ગઈ.
"વૈભવી....."
એકાએક દરવાજો ખુલ્યો અને અવાજ આવી. ગિરીશ દાખલ થયો હતો.
"જી સર..." નફરતથી ગિરીશને એ જોઈ રહી.
"આપણા સી.સી.ટી.વી. ખરાબ થઈ ગયા છે, ચેન્જ કરવા માટે મેં એક બીજા ડિલરને ઓર્ડર આપી દીધો છે..."
"હમમમમ..."
"સાંભળ, પાછળની મારી ખાનગી ચેમ્બરમાં કેમેરો લગાવવાનો ખરા પણ એનું શુટિંગ લેવાનું નથી. હું બહાર જાઉં છું કદાચ એ થોડીવારમાં જ આવશે..." વૈભવીનો જવાબ સાંભળ્યા વગર જ એ બહાર નીકળી ગયો.
ગિરીશ ગયા પછી પણ એ ક્યાય સુધી મયંક માટે અફસોસ કરતી ફાઈલો જોતી રહી.
વૈભવી વિચારતી રહી ગીરીશ કેટલો ઈર્ષાળુ માણસ છે હું મયંક સાથે હસીને બોલતી એ બદલ એને નોકરીથી નીકળી દીધો. હું કરણ સાથે તો પરણી છું... જો ગીરીશનું ચાલે તો એ કરણ...? વૈભવી એ વાક્ય પૂરું ન વિચારી શકી.. છતાં એના મનમાં એ વાક્ય હતું.. કદાચ ગીરીશ કરણને કઈક કરાવી નાખશે તો..? એનો અકસ્માત કે કઈક..?
પોતાના જ વિચારોથી વૈભવી છળી ગઈ.
*
સાંજે ચારેક વાગ્યાનો સમય થયો હશે. ગિરીશ હાજર નહોતો એટલે નિતા, નિયતિ અને રાજેશ વૈભવીની ચેમ્બરમાં આવ્યા.
"વૈભવી મેમ, આ ગિરીશ હવે વધારે જ નિષ્ઠુર નથી બની રહ્યો? મયંકને શુ કામ એણે છુટ્ટો કર્યો હશે?" ગિરીશની ગેરહાજરીમાં કોઈ એને માન આપતું નહિ.
"નિતા, ડોન્ટ વરી આપણે બધા એને હેલ્પ કરીશુ.”
"કઈ રીતે?" રાજેશે પૂછ્યું.
"જો આપણે બધા પગારમાંથી એક એક હજાર રૂપિયા મયંકને આપીશું."
"હું તૈયાર છું." રાજેશે તરત કહ્યું.
"હું પણ." નિયતિએ પણ હકારમાં એની ચાંદીની ચેનવાળી ડોક હલાવી.
"હા મેમ, મયંક બિચારો મને કેટલા સમોસા ખવડાવતો...." નિતાએ પણ પોતાના ભારેખમ શરીરને સોફામાં પડતું મુકતા કહ્યું, "હું પણ આપીશ."
"સરસ, આઈ પ્રાઉડ ઓફ યુ ઓલ ગાયસ." વૈભવી બધાની લાગણી જોઈ બોલી, "રાજેશ, તું મયંકને ફોન કરીને કહી દેજે કે એને મહિને ચાર હજાર મળી જશે, જ્યાં સુધી એને બીજી નોકરી ન મળે ત્યાં સુધી એને એ રકમ મળતી રહેશે."
"ઓકે.." રાજેશે ટેબલ પરથી ઉછળીને ઉતરતા કહ્યું.
"પણ રાજેશ, તું એને હમણાં જ ઇન્ફોર્મેશન આપી દેજે એ નોકરી વગર ઉદાસ હશે!" નિયતિએ પણ ચિંતા વ્યક્ત કરી.
"હા, હા પાક્કું...." કહી રાજેશ અટકી ગયો. દરવાજે આવી કોઈ ઉભું હતું, પ્રોફેશનલ બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ, શર્ટ ઇન, ગોગલ્સમાં એક હસમુખ વ્યક્તિ આવીને ઉભો હતો.
"યસ..." રાજેશે કહ્યું એટલે બધાનું ધ્યાન એ તરફ ગયું.
"ધવલ....." વૈભવી એ માણસને જોતા જ ઉભી થઇ ગઇ.
"વૈભવી.... આઈ એમ હિયર... સરપ્રાઈઝ..." ગોગલ્સ નીકાળતા એ એની આદત મુજબ જ હસ્યો.
"આવ... આવ...." વૈભવીએ રાજેશ તરફ જોઈ કહ્યું, "ચા મંગાવો...."
"બેસ ધવલ.... જો આ નિતા, આ નિયતિ અને આ રાજેશ..." વૈભવી ધવલને જોઇને ખુશ થઇ ગઈ હતી. એ તરત એની ઓળખાણ બધા સાથે કરાવવા લાગી.
"અને હું ધવલ..." બધા તરફ એક નજર કરતા ધવલ બોલ્યો.
"હું એ જ કહેવાની હતી ધવલ જ." વૈભવી હસી.
"ના ના, તું તો વિચારોમાં હોય શુ કહેવું કદાચ નામ બદલી નાખે?"
"નિતા, નિયતિ આ ધવલ અમારી કોલેજમાં સાથે હતો." વૈભવીએ વાત બદલી.
"ઓહ તો એ વાત પર થઈ જાય સમોસા??"
નિયતિ પોતાનું હસવાનું દબાવી ન શકી.... "વાહ, કોઈ પણ મહેમાન આવે એટલે નિતા તારું કામ થઇ જાય છે."
"ના, ના હું મહેમાન નથી.. હું અહી કામથી આવ્યો છું, તમારા બોસ કે સાહેબ તમે જે કહેતા હો તે, પણ એમણે મને સી.સી.ટી.વી. માટે ઓર્ડર આપ્યો છે."
"અરે, યાર." નિતા બોલ્યા વગર ન રહી શકી.
ધવલ જાણે નિતાની ખાવાની આદત જાણતો હોય એમ હસીને ઉમેર્યું, "હા પણ નાસ્તો હું લઈશ."
"ઓકે હું લેતી આવું...." કહી નિતા ભારે શરીરની ચિંતા કર્યા વગર ઝડપથી ચેમ્બર બહાર નીકળી ગઈ.
એના ગયા પછી પણ નિયતિ અને વૈભવી હસતા જ રહ્યા.
"આ ક્યાં ચાલી એટલી ઉતાવળથી?" રાજેશે આવતા જ પૂછ્યું.
"તને અથડાઈ તો નથી ને?"
"ના ના તો તો હું હોસ્પિટલમાં હોત અહીં ન આવોત." રાજેશ ખડખડાટ હસી પડ્યો.
"ક્યાં જાય બીજે? નટુ કાકાના સમોસા લેવા." નિયતીએ આગળના પ્રશ્નનો જવાબ આપવાનો રહી ન જાય એમ યાદ કરીને કહ્યું.
"ઓહ... એ તો ભૂલી જ ગયો કે ધવલ ભાઈ આવ્યા એટલે એને ચાન્સ મળી ગયો." કહી રાજેશ ફરી ઉછળીને ટેબલ પર બેસી ગયો.
થોડીવાર બધા શાંત થઈ ગયા એટલે ધવલે જ કહ્યું, "નાઇસ ઓફીસ એન્ડ નાઇસ સ્ટાફ ટુ. યુ આર લકી વૈભવી!"
"યસ આઈ એમ લકી કે મને એવો સ્ટાફ મળ્યો છે." બધા તરફ જોઈ વૈભવી એ કહ્યું.
ચા આવી. બધા પીવા લાગ્યા. ધવલે તરત ચા પતાવી પોતાનું કામ શરૂ કરી દીધું.
નિતા સમોસા લઈ આવી પહોંચી. આવતા જ એણીએ પૂછ્યું. "ક્યાં ગયા ધવલ ભાઈ?"
"તું ડિસ તૈયાર કર, એ ફિટિંગ કરે છે."
"ના, ના તૈયાર કર્યા પછી મારાથી વેઇટ ન થાય, આવવા દો એમને." જરાય શરમ વગર નિતાએ કહ્યું.
વૈભવી પોતાનું કામ કરવા લાગી. નિતા, નિયતિ અને રાજેશ પોતાના મોબાઈલમાં ઘડીભર જોઈ રહ્યા.
"વધારે વેઇટ કરાવું એ માનો હું નથી." ધવલે આવતા જ કહ્યું.
"યસ, અર્ધો કલાક." નિતાએ જાણે એક એક મિનિટ ગણી હોય એમ જવાબ આપી દીધો અને તરત ઉભી થઇ ડિસ તૈયાર કરવા લાગી.
ધવલ સાથે થોડો વધુ પરિચય કેળવતા બધાએ નાસ્તો પૂરો કર્યો. પછી ધવલે બધાની વિદાય લીધી.
ઓફીસ બહાર નીકળી કરણના બાઈક પર સવાર થઈ એ નીકળી પડ્યો. કોલેજના દરેક ફ્રેન્ડસમાં આશુતોષ પછી સૌથી સફળ અને સુખી હોય તો એ કરણ અને વૈભવી છે. એણે વિચાર્યું કરણને એટલી સારી વાઈફ મળી અને વૈભવીને કરણ તો મળ્યો જ સાથે એટલો સારો રમુજી સ્ટાફ પણ મળ્યો.
એ મનોમન ખુશ થતો હતો પોતાના ખાસ મિત્રોની સફળતા ઉપર પણ એને એ ખબર નહોતી કે એના બાઇકની સ્પીડ કરતા પણ વધારે ઝડપે એક તુફાન કરણ અને વૈભવિના જીવનમાં આવી રહ્યું હતું....!!!
કદાચ એણે અંદાજ પણ લગાવ્યો ન હતો કે પોતે એમના જીવનના એક ભયંકર તુફાન માટે જવાબદાર બનવાનો હતો, પોતે એ ભયાનક તૂફાનનો સાક્ષી બનાવાનો હતો. કદાચ નિયતિ કે ભાગ્ય જે કહો એ એને જ કહેવાતું હશે કે માણસ ધારે છે કઈ અને થાય છે કઈ. ધવલે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે પોતાના જેવો એક વેલ વીસર કરણ અને વૈભવીના જીવનને વેરન છેરણ કરી નાખશે.
*
બસ એવી જ રીતે દિવસો વિતતા હતા. પણ એ દિવસોમાં વૈભવી માત્ર દેખાવ પુરતી જ હસતી રહેતી. એના મનમાં સતત એક મૂંઝવણ હતી. પૈસા! રાત દિવસ એને ડોકટરના બીલની ચિંતા સતાવતી હતી અને દિવસે દિવસે એ વધુને વધુ મૂંઝવણમાં તણાવ અનુભવી રહી હતી.. તે છતાં એ કરણને એ વાતનો અંદેશો આવવા નહોતી દેતી. સ્ત્રીની એ એક ખૂબી સમજો તો પણ એમાં કોઈ અતિશયોક્તિ નથી જ કેમ કે દરેક સ્ત્રીમાં એ ખૂબી હોય જ છે!
પણ વૈભવીની ધીરજ હવે ખૂટતી હતી. મૃત્યુ, પોતાના સ્વજનનું મૃત્યુ એને પળે પળે નજીક ધસતું દેખાતું હતું. આખરે એને કોઈ રસ્તો ન મળતા એણીએ એ જ રસ્તો અપનાવ્યો જે દરેક મજબુર સ્ત્રી અપનાવે છે!
મનોમન વૈભવીએ એ નક્કી કર્યું અને ઓફીસ ગઈ...
*
"ગુડ મોર્નિંગ, મેમ." વૈભવી ઓફિસમાં પ્રવેશી કે નિતાએ ચાનો કપ ખાલી કરીને ટેબલ પર મુક્યો.
"વેરી ગુડ મોર્નિંગ નિતા." વૈભવીએ હસીને કહ્યું.
"ઓહો લૂકિંગ હોટ!" રાજેશનું મોઢું ખુલ્લું રહી ગયું.
“આજે તો વેસ્ટર્ન..!?" નિયતી લટ સરખી કરતા વૈભવીને જોઈ રહી.
"હા, કેમ નોટ લૂકિંગ ગુડ?" વૈભવીએ સ્વભાવિક પૂછ્યું પણ એનો પ્રશ્ન કઈક જુદા જ કારણોસર પૂછાયો હતો.
"નો મેમ, લૂકિંગ એવસમ..." રાજેશે ઝુકીને નાટકીય ઢબે કહ્યું.
"થેંક્યું ઓલ..." વૈભવી ખુશ થતી અંદર ચાલી ગઈ.
ગિરીશની નજર પોતાના ઉપર પડશે અને એને રોકશે, પોતાને વેસ્ટર્નમાં જોયા પછી એ કોઈ બહાને એને વાત કરવા બેસાડશે એવા ઈરાદાથી જ એ અંદર ગઈ પણ ગિરીશની ખુરશી ખાલી હતી. ગિરીશ હતો જ નહીં.
ક્યાં ગયો હશે એ? હું એને ખેંચવા, આકર્ષવા જ તો આ કપડા પહેરીને આવી છું! અને આજે એ જ નથી..!! એકાએક અંદરની ચેમ્બર પર નજર ગઈ. બારણું ખુલ્લું હતું.
ભાગ્યે જ એ ચેમ્બરનું બારણું ખુલ્લું હોતું જો કોઈ ખાસ કસ્ટમર આવે અને ગિરીશને કોઈ ખાનગી વાત કરવી હોય તો જ!
પણ એટલી વહેલી સવારે કોણ આવે? એ નવાઈ સાથે થોડી આગળ વધી ત્યાં કાને અવાજ પડ્યો...
"તું જે પણ હોય મને કોઈ ફરક નથી પડતો સમજ્યો, તારા જેવા કેટલાય મને બ્લેકમેઈલ કરવા આવ્યા છે અને કેટલાય જેલમાં ગયા છે કે પછી ક્યાંય કૂતરાની મોત મર્યા છે." ગિરીશનો અવાજ ગંભીર અને ગુસ્સામાં હતો.
વૈભવી કુતૂહલવશ આગળ વધી અને ધ્યાનથી સાંભળવા લાગી.
"ઓહ! તું એ બધાથી અલગ છે એમ? બોલ તું શું કરી લઈશ?" ફરી ગિરીશ ઊંચા અવાજે બોલ્યો.
વૈભવીને એકાએક થયું કે બહારથી નિતા, નિયતિ કે રાજેશ મને જોતા હશે કદાચ એટલે એ ગિરીશની ખાનગી ચેમ્બરના દરવાજા પાસેના ડ્રોવરની ફાઈલો જોવા લાગી. પણ એનું પૂરું ધ્યાન અંદરથી આવતા એ અવાજ ઉપર જ હતું.
"તને એ બધી શુ ખબર?" એકાએક ગિરીશ ગભરાઈ ગયો હોય એવું લાગ્યું, "તું..... તું કોણ છે? અને તને આ બધી કઈ રીતે ખબર?" એની જીભ લથડતી લાગી.
વૈભવીએ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ સામેથી આવતો અવાજ એ સાંભળી ન શકી. એને માત્ર ગિરીશનો ગભરાયેલો અવાજ જ સાંભળવા મળ્યો.
"નહી, નહી, પોલીસ નહિ, તને તારી રકમ મળી જશે..." ગિરીશની દુખતી રગ કોઈએ દબાવી હોય એમ એનો ઉંચો અવાજ વિનવણીના સ્વરમાં ફેરવાઈ ગયો.
વૈભવી બધું સાંભળી રહી. ત્યાં ધીમે ધીમે ગિરીશનો અવાજ નજીક આવતો લાગ્યો, વૈભવી તરત ત્યાથી ચાલવા લાગી, પોતાની ચેમ્બર તરફ જવા લાગી.
"વૈભવી!" પાછળથી ગિરીશનો અવાજ કાને પડ્યો.
એ થડકી ગઈ. ગિરીશને ખબર પડી જશે કે હું સાંભળતી હતી? એનો ચહેરો ફિક્કો પડી ગયો છતાં હસવાનો પ્રયત્ન કરી એ ગિરીશ તરફ ફરી.
"માય ગોડ, સો સો સો મચ સેક્ષી લૂકિંગ...." ગિરીશ એને જોઈ રહ્યો.
"થેંક્યું સર...." વૈભવીએ રાહતનો દમ લીધો.
આમ તો ગિરીશ એના ઘણીવાર વખાણ કરતો પણ ક્યારેય વૈભવી હસીને જવાબ ન આપતી. આજે પહેલી જ વાર વૈભવીએ ગિરીશને હસીને જવાબ આપ્યો હતો એની ચમક એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી.
"અ.... આવને બેસ..." ગિરિશે ખાલી ચેર તરફ ઈશારો કરી પોતાની ચેરમાં ગોઠવાઈ ગયો.
"થેંક્યું સર...." કહેતી એ આવીને બેસી ગઈ.
"મને એમ કે આજે તમે નહી આવ્યા હોવ એટલે મારી ચેમ્બરમાં જતી હતી."
"ના ના હું અંદર થોડું કામ કરતો હતો, થોડા ચેક સાઈન કરતો હતો." ગિરીશ જાણતો નહોતો કે વૈભવી એ બધું સાંભળી રહી હતી એટલે એણે વાત ઉપજાવી દીધી.
"હમમમમ..." વૈભવીને થયું એ ફોન પરની ધમકીથી ગિરીશને કોઈ અસર નથી થઈ? કે પછી એ મને જોઈને એ બધું ભૂલી ગયો? કે પછી એ મારી સામે કાઈ બન્યું જ નથી એવું બતાવવાનો ડોળ કરે છે?
"ક્યાં ખોવાઈ ગઈ?" ગિરિશે ચપટી વગાડી.
"કાઈ નહિ ગિરીશ, બસ એજ કે તારી લાઈફ કેટલી સુખી છે! તું અહીં કંપનીનો માલીક અને તારી બહેન લૈલા અમેરિકામાં બિઝનેસ કરે છે."
ગિરીશને પોતાની સમૃદ્ધિના વખાણ કરતા પણ કંઈક બીજું વધારે ગમ્યું હતું. વૈભવીએ મને સર કહેવાને બદલે ગિરીશ કહ્યું! કે પછી એ મારો ભ્રમ હતો? હું એના રૂપમાં ડૂબેલો છું એટલે તો મને એવું નથી સંભળાયુંને? ખાતરી કરવા ગિરિશે ટેબલ ઉપર મુકેલા વૈભવિના દૂધ જેવા સફેદ અને માખણ જેવા કોમળ હાથ ઉપર પોતાના હાથ મુક્યા.
વૈભવી કઈ બોલી નહિ, રોજની જેમ પોતાનો હાથ ટેબલ પરથી ખેંચી ન લીધો! ગિરીશને થયું કે આખરે આ સુંદર પંખી મારી સમૃદ્ધિની જાળમાં ફસાયું તો ખરું! એ વૈભવિના હાથ પકડીને જ બેસી રહ્યો.
"ગિરીશ..." પોતાના હાથ ખેંચી લેતા એ બોલી ત્યારે ગીરીશને ઝટકો લાગ્યો હમણાં તો આ મને ખેંચતી હતી એટલામાં એને શું થયું હશે?
“શું થયું વૈભવી?” નવાઈથી એ વૈભવીને જોઈ રહ્યો.
"બહાર બધા..."
"ઓહ! સોરી...” બહારની ચેમ્બરમાં અવાજ ન જતો પણ પારદર્શક કાચમાં બધું દેખાતું ખરું એ ગીરીશને ધ્યાનમાં આવ્યું.
“ગીરીશ...” વૈભવી અટકતી અટકતી બોલી ત્યાં ગિરીશ અધીરો બની ગયો.
“હા બોલ વૈભવી....” અને જાણે એ શરમાતી હશે એમ વિચારી તરત ઉમેર્યું, “જરાય શરમ વગર બોલી જા...”
“હમમમ...” કહી એ અટકી ગઈ. થોડી વાર નીચી નજરે આમતેમ જોતી રહી પછી ધીમેથી ધડકતી છાતીએ બોલી, “તે કહ્યું હતું કે દરેક સ્ત્રીની એક કીમત હોય....”
“બોલ કેટલા રૂપિયા જોઈએ તારે વૈભવી?" વૈભવી એટલું બોલી ત્યાંતો અધીરો બનેલો ગીરીશ વચ્ચે જ બોલ્યો. એટલું બોલતા એની આંખોમાં એક ઘમંડ ઉતરી આવ્યો.
"પાંચ લાખ..."
"પાંચ લાખ? એટલા બધા?" ગિરીશ નવાઈથી વૈભવીને જોઈ રહ્યો. વૈભવી કાઈ બોલ્યા વગર જ બેસી રહી.
પછી એણે એક એક્સરે નજર વૈભવિના શરીર ઉપર નાખી... ટાઈટ કુર્તામાં ઉભરાઈ આવતી એની છાતી, સ્લિમ કંમર, અને કુદરતી ગુલાબી હોઠ... પાંચ લાખ કાઈ ખોટા તો નથી ગિરીશ!! આમ પણ પેલો બ્લેક મેઇલર પાંચ લાખ તો લઈ જવાનો છે તો આ નરમ ગરમ વૈભવીને પિંખી નાખવાના પાંચ લાખ શુ ખોટા??
"ઓકે ડન..." વૈભવી પોતાનું મન ફેરવી નાખે એ પહેલા જ ગિરિશે ડ્રોઅરમાંથી ચેક બુક નીકાળી એક ચેક સાઈન કર્યો. પાંચ લાખની રકમ ભરી એણે વૈભવી તરફ ચેક સરકાવ્યો. થડકતા હૃદયે વૈભવીએ ચેક ઉઠાવી લીધો... કરણ માફ કરજે મને..!! હું મજબુર છું..!! એના અંતરમાંથી આહ નીકળી.!!
વૈભવી ઉભી. થઇ ભાંગી પડેલા હૃદયે એ પોતાની ચેમ્બર તરફ જવા લાગી...
ગિરીશ એની ગંદી નજરથી એને જોતો રહ્યો. અને આવનાર સમયે એ પંખી પોતાના બિસ્તર પર હશે એના સપના જોવા લાગ્યો.
*
દરવાજો ખુલ્યો, ધવલ અંદર દાખલ થયો. વોસરૂમ જઈ હાથ મો ધોઈ એ પોતાની જગ્યાએ જઇ ગોઠવાયો.
"સારું થયું ધવલ તું આવી ગયો, મારે ક્યારનુંય કામે જવું હતું." કરણ બે ફાઇલ લઈ ઉભો થઇ ગયો.
"આ રહી ચાવી લે." ધવલે બાઇકની ચાવી ટેબલ પર મૂકી.
"શુ થયું ધવલ? કેમ નર્વસ છે?" ધવલનો ચહેરો કરણને પહેલી જ વાર ફિક્કો લાવ્યો.
"કાઈ નહિ યાર બસ થોડો તાવ છે."
કરણને ધવલનો હાથ પકડ્યો, "ચાલ હોસ્પિટલ."
"ના યાર એમાં શું હોસ્પિટલ? મને આદત છે એની."
"ઓકે હું વળતા ટેબલેટ લઈ આવીશ." ચાવી ઉઠાવી કરણે કહ્યું, "જો થોડો ટાઈમ લાગશે, જરૂર હોય તો કોલ કરજે મને."
"થેન્ક્સ કરણ..." ધવલે હસીને કહ્યું.
વળતી સ્માઈલ આપી કરણ નીકળી ગયો.
એ બેમાંથી એકેયને ખબર નહોતી કે હવે તેઓ કેવા તુફાનથી રૂબરૂ થવાના હતા. એક એવું તુફાન જે એમની કાગડોળે રાહ જોઈ રહ્યું હતું.
(ક્રમશ:)
***