Mrugjal - 11 books and stories free download online pdf in Gujarati

મૃગજળ - પ્રકરણ - 11

કરણે ઘર આગળ બાઈક રોકયું. ઉતરીને બેગ લીધું ત્યારે ઘરમાંથી નિતા, રાજેશ અને નિયતિ બહાર નીકળ્યા. કરણને જોઈને એ બધા એની નજીક આવ્યા.

"હાય, કરણ ભાઈ." નિતાએ જ શરૂઆત કરી, "હું નિતા, વૈભવી જોડે જોબ કરું છું."

"હા હા, વૈભવીએ મને કહ્યું હતું તમારા બધા વિશે." શેકહેન્ડ કરતા કરણે બધા સાથે થોડો પરિચય કેળવ્યો...

"તમે રાજેશ?" રાજેશ સામે હાથ ધરતા કરણે ધારણા કરી.

"જી હા, હું રાજેશ."

"અને હું નિયતિ." કહી નિયતીએ હાથ લંબાવ્યો.

"નાઇસ, હા વૈભવીએ કહ્યું એવા જ હેન્ડસમ છો, જરાય વધારો કે ઘટાડો નથી." નિતા હસીને બોલી.

“તું તો પાર્ટીમાં આવી હતીને? ત્યારે જોયા નહોતા મી. કરણને?” કહી નિયતીએ એને ધબ્બો માર્યો એટલે એ ચૂપ રહી.

“એનું ધ્યાન પાર્ટીમાં માત્ર વાનગીઓ ઉપર જ હોય ને.” રાજેશે કહ્યું.

કરણ બધાને ફરી આવવાનું કહી ઘર તરફ જવા લાગ્યો.

"આ વૈભવીએ કેટલા વ્રત કર્યા હશે? એવા સ્વભાવનો સારો નમ્ર અને દેખાવડો હબી મળ્યો?" નિયતીએ નિતાને પૂછ્યું.

"વ્રત કરવાથી સારા પતિ ન મળે નિયતી, પોતાની જાતને પણ એ લાયક બનાવવી પડે તો જ સારો પતિ મળે... વૈભવીને જોઈ છે ને તે?" રાજેશે પોતાનો અભિપ્રાય આપ્યો.

"તો કઈ હું લાયક નથી?" નિયતીની મોટી કાળી આંખો વધુ મોટી થઇ ગઈ.

"તને તો સારો જ મળશે, અને ન મળે તો હું બત્રીસ લક્ષણો જ છું ને?" રાજેશે નીતાને તાળી આપી બન્ને ખીલખીલ હસ્યા...

"મારી જુત્તી, તને પરણીને શુ મારે મરવું છે?" નિયતીએ મોઢું મચેડ્યું.

"ઓહ! બસ બસ હવે, તમે છોકરીઓ ખરેખર મૂર્ખ જ રહેશો, તમે સારા પતિ માટે વ્રત કરો છો પણ તમને માણસ ઓળખતા નથી આવડતું."

રાજેશના એ છેલ્લા શબ્દો કરણના કાને પડ્યા જ્યારે વૈભવીએ દરવાજો ખોલ્યો.

વૈભવી જ્યારે ઘરે આવી ત્યારે કરણે આખું ઘર, ઘરનો એક એક ખૂણો તપાસેલો હતો એટલે એ સમજી ગઈ હતી કે કરણને હોસ્પીટલની બધી ખબર પડી ગઈ હશે. એ દરવાજામાં કરણ સામે પોતે કરણને એ બધું કહ્યું નહિ એ બદલ માફી માંગતી હોય એમ નીચું જોઈને ઉભી રહી ગઈ.

કરણે અંદર જઈને બેગ મુકતા જ વૈભવીને પોતાની પાસે ખેંચી લીધી.

"વૈભવી, તે મને કહ્યું કેમ નહિ? શુ તને મારા ઉપર વિશ્વાસ નહોતો?" ઠપકા ભરી નજરે એ વૈભવિના ચહેરાને તાકી રહ્યો.

"કરણ, મને ડર હતો કે તું મારા પપ્પાની એ હાલત, એટલો બધો ખર્ચ, અને એમનો ભૂતકાળ જોઈ મને ઠોકર...." વૈભવી રડી પડી.

"ઓહ! વૈભવી તે કેટલું સહન કર્યું, એકલા એકલા જ!" કરણે એને સજ્જડ ગળે લગાવી દીધી.

"કરણ... કરણ... તું કેટલો સમજુ છે? કેટલો વ્યવહારુ છે?" કરણની હૂંફમાં વૈભવિના આંસુ ક્યાંય ગાયબ થઈ ગયા.

"કરણ...."

"હવે તારે એકલા જ આ બધું સહન નથી કરવાનું વૈભવી, હું દરેક રીતે તારી સાથે છું." કરણ એના રેશમીવાળમાં હાથ ફેરવતો બોલ્યો.

"પણ તને આ બધી કઈ રીતે ખબર પડી?" એકાએક વૈભવીએ નવો જ પ્રશ્ન કર્યો.

કરણે બેગ ઉઠાવી તિજોરીમાં મૂકી અને પછી નંદશંકરની તસ્વીરથી શરૂ કરેલી બધી તજવીજ વિશે વૈભવીને કહી સંભળાવ્યું.

વૈભવી એ બધુ સાંભળી પોતાને કરણ જેવો પતિ મળ્યો એ માટે પોતાની જાતને ભાગ્યશાળી કહ્યું.

"કરણ, તું મને મળ્યો એ મારા જીવનની સૌથી મોટી સફળતા છે." વૈભવિના ચહેરા ઉપર નર્યો પ્રેમ, નરી લાગણીઓ દેખાઈ રહી.

"હું પણ તને એ જ કહીશ."

"કરણ, પપ્પાની હાલત દિવસે દિવસે બગડે છે, મેં નીલમ પાસેથી પૈસા લઈને આજ સુધી ટ્રીટમેન્ટ કરાવી છે, પણ જો હવે પાંચ લાખ રૂપિયાનો બંધોબસ્ત નહિ થાય તો એ ટ્રીટમેન્ટ કોઈ જ કામ નહીં લાગે. પપ્પા મગજનો સંપૂર્ણ કાબુ ગુમાવી દેશે." ફરી એનો ચહેરો પડી ગયો.

"તું એ બધું હવે મારા ઉપર છોડી દે, હું બે દિવસમાં જ પૈસાની સગવડ કરી લઈશ."

"ક્યાંથી લાવીશ એટલા પૈસા?"

"આ ઘર વેચી દઈશ, ભાડે રહેવા જઈશું પણ નંદશંકરની ટ્રીટમેન્ટ કરાવીશું આપણે." કહી કરણે ફરી વૈભવીને નજીક ખેંચી લીધી...

*

એ રાત્રે પહેલી જ વાર કરણ અને વૈભવી સવાર સુધી ઊંઘી શક્યા હતા. કદાચ પહેલી જ વાર વૈભવિની મનોદશા સુધરી હશે!

સવારના સૂરજના હૂંફાળા કિરણો સાથે કરણની આંખ ખુલી. કાંડા ઘડિયાળમાં નજર કરી ત્યાં કલાક કાંટો સવારની તાજી બે કલાક ફરીને આઠ ઉપર આવી ગયો હતો.

"વૈભવી..." પથારીમાંથી ઉઠતા જ એ બોલ્યો.

"જાગી ગયો કરણ." વૈભવી રસોડાના દરવાજે આવી. સિલ્કની સાડી, ખુલ્લા વાળ, તાજો ચહેરો અને કદાચ એટલા દિવસોમાં પહેલી જ વાર આંખોમાં નૂર કરણે જોયું હોય એમ એ એને જોઈ રહ્યો. વૈભવી પણ જીવનમાં સુખનો સુરજ પહેલી વાર ઉગ્યો હોય એમ સુખથી છલોછલ ઉભરાતો ચહેરો લઇ ઉભી હતી!

"તે મને જગાડ્યો કેમ નહિ?"

"ગઈ કાલનો ઉજાગરો હતો ને!" વૈભવી નજીક સરી.

"અરે પણ ઓફિસે મારે કામ કરવું પડશે, મારે જવાનું હતું." કરણ ઉભો થયો, "તું ચા બનાવ, નાસ્તો આજે જરૂર નથી થોડું જલ્દી કરજે, હું ફટાફટ તૈયાર થાઉં છું."

વૈભવી રસોડા તરફ ગઈ. કરણ કપડાં લઈ બાથરૂમ તરફ ગયો. પહેલી જ વાર વૈભવી મનમાં ગભરાહટ વગર જ એક ગૃહિણીની જેમ ચા બનાવી લાવી.

"વૈભવી હવે તારે આ જોબ કરવાની જરૂર નથી." શર્ટના બટન બંધ કરતો કરણ સોફામાં બેઠો.

"પણ કરણ, નિલમના પૈસા ચૂકવવાના..."

"એ બધું હવે હું કરીશ, હું પતિ છું. વૈભવી, તારું શરીર જો, તને ચક્કર આવે છે, તું એટલું બધું ન કરી શકે, પ્લીઝ મને સમજ, મારી વાત સમજ."

"કરણ, પત્નીની પણ એક જવાબદારી હોય જ, હું ભણી છું તો તને હેલ્પ કેમ ન કરું?"

"પછી કરજે, અત્યારે તારે આરામની જરૂર છે." કરણે ચા નો કપ ઉઠાવ્યો.

"સારી પત્ની હમેશા પોતાની સમસ્યા જાતે જ હલ કરવાનો પ્રયત્ન કરે છે."

"અને સારો પતિ એ સમસ્યા શોધી લે છે બલકી એના દુઃખમાં ભાગીદાર થાય છે."

વૈભવીએ જોયું કરણના ચહેરા ઉપર મરમાળ સ્મિત હતું. એની આંખોમાં ભારોભાર પ્રેમ છલકાતો હતો.

"ચાલ, મારે જવું પડશે હવે." કરણે ચાવી ઉઠાવી, "જો હું આજે લેટ આવીશ, કાલનું બધું જ કામ આજે કરી લઈશ એટલે કાલે આપણે ડોક્ટર અબ્દુલ પાસે જઈ શકીએ."

વૈભવીએ હકારમાં માથું હલાવ્યું અને કરણ નીકળી ગયો.

*

કરણે બીજા દિવસનું કામ પણ એ દિવસે પૂરું કરી નાખ્યું હતું. રામુના હાથની ચા પી લીધા પછી કરણ ઓફિસેથી નીકળ્યો ત્યારે એનું મન બાકીના અઢી લાખ રૂપિયા ક્યાંથી લાવવા એના વિચારમાં હતું.

મન હળવું કરવા એ જુહુ બીચ ગયો. દરિયાના મોજા જાણે હળવા હતા! કરણના મનમાં બાકીના પૈસા ક્યાંથી લાવવા એ બાબતે વિચાર હતા પણ પહેલા જેવા કારણ વગરના નહિ જ! એને ચિંતા હતી પણ એ હળવા મોજા જેવી હળવી હળવી જ! કેમ કે ડોકટરે કહ્યું હતું કે પાંચ લાખની હેવી ટ્રીટમેન્ટ પછી નંદશંકર નોર્મલ બની શકે એની નેવું ટકા શક્યતા હતી. છતાં કરણના મનમાં બાકીના એ દસ ટકા ભય ઉત્પન્ન કરતા જ હતા તેમજ બાકીના પચાસ ટકા પૈસા પણ!

કિનારે નજર કરી પણ ક્યાંય પેલું બાળક દરિયામાં તૂટેલું ચપ્પલ ફેંકતું નજરે ન ચડ્યું! ધવલ સાચું જ કહેતો હતો, દુઃખને હડસેલવામાં આવે તો એ વધારે તીવ્રતાથી પાછો હુમલો કરે છે.

કિનારે ફરતી માનવ મેદની એ જોઈ રહ્યો. કેટ કેટલા રંગના માણસો હતા. કોઈ પ્રકૃતિને માણતા, તો કોઈ ઠંડા પાણીમાં પગ બોળતા હતા. કોઈ રેતીમાં નામ લખીને મોજાની રાહ જોતા હતા તો કોઈ ડૂબતા સૂરજને કેમેરામાં કેદ કરતા હતા!

રેકડીવાળા અને ફેરિયાની એ જ લહેકાવાળી બુમો કઈ કેટલાયનું ધ્યાન ખેંચતી હતી! ત્યાં એકાએક કરણનું ધ્યાન કિનારાની સમાંતરે બનેલી પગદંડી ઉપર ગયું, એક ઓછાયો ઉતાવળે દોડતો એની નજીક આવતો દેખાયો. આ સમયે કોણ હશે? સૂરજના કિરણોમાં માત્ર એક આકૃતિ જ દેખાઈ ચહેરો દેખાયો નહિ. છ ફૂટનો એ માણસ જે ઝડપભેર દોડતો આવતો હતો એ એકાએક બીજી તરફ વળી ગયો.

કોણ હશે? આજ સુધી ક્યારેય મેં અહીં કોઈ એવી વ્યક્તિને જોઈ નથી જે આમ દરિયા કિનારે દોડતી હોય, એમાય એની પાછળ પોલીસ ન હોય! કરણને અજુગતું લાગ્યું, હશે કોઈ ચોર. કોઈનું પર્સ લઈને ભાગતો હશે...!!

ફરી કરણ પોતાના વિચારોમાં ડૂબી ગયો. ઘર વેચી દઉં પણ એમાં સમય લાગે, મુંબઈમાં એવડું નાનું અને જૂનું ઘર ખરીદવાવાળું ભાગ્યે જ કોઈ મળે.

જે થવું હોય તે થશે અત્યારે તો વૈભવી મારી રાહ જોતી હશે. કરણ બાઈક પાસે ગયો, એક નજર પાછળ કરી પેલો ઓછાયો ક્યાંય દેખાતો નહોતો.

*

કરણ ઘરે પહોંચ્યો ત્યારે દરવાજે તાળું લટકતું હતું. વૈભવી ઘણીવાર રવિવારે સામેના બગીચામાં ટહેલવા જતી. એ કદાચ એકલી કંટાળી ગઈ હશે એટલે સામે બગીચામાં ગઈ હોય એમ વિચારી કરણ એ તરફ ગયો. સાંજનો સમય હતો, બગીચામાં હારબંધ વાવેલા છોડ ઉપર લગાવેલી લાઈટોની આછી રોશનીમાં ફૂલો ચમકી રહ્યા હતા.

એ જ બગીચો જ્યાં પોતે આવીને સામેની પાળી ઉપર બેસી રમતા બાળકોને જોયા કરતો, ફૂલ ચૂંટીને માની તસ્વીર ઉપર લગાવતો.

બગીચામાં રમતા બાળકો પર નજર ગઈ ત્યાં પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. પોતે આ જ બગીચામાં રમતા બાળકોના ફૂટબોલ જોતો અહીં એક દિવસ બેઠો હતો, એ સમયે ફૂટબોલની ખાસ કિંમત નહોતી પણ કોણ લાવી આપે? દીપકને જ્યારે એ ખબર પડી ત્યારે બીજા દિવસે સવારે કરણની પથારીમાં બે ફૂટબોલ પડ્યા હતા!

કરણ આજેય એ યાદ કરી હસી પડ્યો. પોતે છેક જ નાદાન હતો. દીપકે ચોરી કરીને લાવેલ ફૂટબોલ હતા, પણ એને ત્યારે એ બધું ક્યાં સમજાતું! કરણ ફરી હસી પડ્યો... જે હતું તે પણ એક વાત તો ખરી દિપક જે રીતે સિફતથી ચોરી કરી લેતો એ જોતાં એને તો પોલીસમાં જવું જોઈએ, જો એ પોલીસમાં હોત તો એક એક ચોરને પકડી લોત! ખેર એ ગુંડાઓ સાથે જોડાયો, પણ બસ એકવાર આ બધું ઠીક થઈ જાય પછી હું એને અહીં લાવી દઈશ, માની તસ્વીર આગળ એને ખડો કરીને કસમ લેવડાવીશ કે આ બધું છોડી દે, નહિ માને તો મારા માથા પર હાથ મુકાવીશ, પછી શું? પછી તો એ સુધરશે જ સુધરશે.

કરણ હમેશા માયાળુ હતો, એ બસ બધાને જોડે રાખીને રાજી રહેવા માંગતો હતો.

એકાએક યાદ આવ્યું પોતે વૈભવીને શોધવા આવ્યો છે એટલે બાળકો ઉપરથી નજર હટાવી. આમ તેમ જોયું પણ ક્યાંય વૈભવી દેખાઈ નહિ.

ચાલ ઘર આગળ જ રાહ જોઉં એની. એ બગીચા બહાર નીકળી ગયો. ઘર તરફ જતા જોયું તો વૈભવી દરવાજો ખોલતી નજરે ચડી.

કરણ ઝડપથી પગ ચલાવી, સિફતથી વૈભવી નજીક ગયો અને એના બંને હાથ વૈભવીની આંખો પર મૂકી દીધા.

એ કરણની પ્રિય રમત હતી. નાનપણથી જ એ દિપક અને નયનની આંખ એવી રીતે જ બંધ કરતો, દિપક એને રાજી કરવા ખોટા ખોટા નામ કહેતો અને પોતે હસી પડતો..... ભાઈ જુઢ્ઢો પડ્યો ભાઈ જુઢ્ઢો પડ્યો.... હું તો કરણ છું..... અને દિપક એને ઊંચકી લેતો!!

વર્ષો પછી આજે કરણે એ રમત વૈભવી સાથે રમી. પણ આ ક્યાં બાળપણ હતું!

"કરણ....." વૈભવીએ તરત જ કહી દીધું.

"હે! તને કઈ રીતે ખબર પડી?"

વૈભવી હસી પડી. દરવાજો ખોલી બંને અંદર ગયા. કરણે સોફામાં લંબાવ્યું.

"બોલને તને કઈ રીતે ખબર પડી? અને એમાં હસવાનું??"

દરવાજો બંધ કરી વૈભવી એની પાસે આવી.

"કરણ, એક સ્ત્રીને એમ આંખ ઉપર હાથ પતિ કે ભાઈ સિવાય કોણ મૂકે?"

કરણને એકાએક થયું કે એ બાળપણમાં આંટો મારતા બાળક બની ગયો હતો. ખડખડાટ હસતા એણે ચા નો ઓર્ડર કર્યો અને વોસરૂમમાં ચાલ્યો.

વૈભવી ચા લઈ આવી ત્યાં સુધી ગીતો ગણગણ તો કરણ ફ્રેસ થઇ ગયો હતો.

"જો વૈભવી." ચા નો એક ઘૂંટ લઈ એ બોલ્યો, "આ ચા ની જેમ આપણા જીવનમાં પણ હવે બસ મીઠાશ જ મીઠાશ ભરી દઈશ હું."

વૈભવી એને જોઈ રહી. કરણ આજે છેક જ ખુશ હતો, સાવ બાળક બની એ વર્તી, બોલી રહ્યો હતો.

"એમાં દેખે છે શું? જો આપણે નર્મદાબહેન અને દીપકને આપણી સાથે લાવી દઈશું. નંદશંકરની ટ્રીટમેન્ટ થઈ જશે એટલે એમને પણ અહીં જ આપણી જોડે..."

જોકે એ શક્ય નહોતું, વૈભવી જાણતી હતી કે નંદશંકરના નામ માત્રથી નફરત કરનાર એની મા ક્યારેય એક આંગણે એમની સાથે ન જ રહે પણ કરણના ઉત્સાહને લાગણીઓને એ નિરાશ કરવા નહોતી માંગતી એટલે ચૂપ રહી.

"હમમમમ.... સો સ્વીટ." એણીએ હસીને કહ્યું.

"બસ પછી તારે પ્રેમ અને ચાહત આપવાના રહેશે એટલે એક નંદશંકરને અને નર્મદાબહેનને સોંપી દેવાના, એટલે એ બંને ક્યારેય ઝઘડે જ નહીં."

કરણનો નિસ્વાર્થ પ્રેમ જોઈ વૈભવી ખુલ્લા મોએ હસી પડી.. કરણની છાતી ઉપર પોતાનું માથું ઢાળી દીધું. કરણ કાઈ સમજ્યો નહિ, કેમ કે એક પત્નીને કરણે જે આપ્યું એથી વધુ શુ જોઈએ? પણ વૈભવી એ બધું સમજતી હતી.

"આઈ લવ યુ કરણ.... આઈ લવ યુ...."

કરણ કાઈ બોલે ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા.

કરણ ઉભો થયો, દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા જ એ ચોકી ગયો...

એની નજર દરવાજા દૂર ઉભી ગાડી અને દરવાજે ઉભી વ્યક્તિ ઉપર વારા ફરતી ફરવા લાગી.. દરવાજે સબ ઇન્સ્પેકટર અમર ચૌહાણ ઉભો હતો..! કરણના જીવનમાં પહેલી જ વાર પોતાના દરવાજે પોલીસ, એ પણ રાત્રે ???? કરણને એક ધ્રાસકો પડ્યો, એની નજર એ છ ફૂટના ઇન્સ્પેકટર અમર ઉપર સ્થિર થઈ ગઈ...!!

( ક્રમશ: )

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED