સી.એ. નિખિલ એન્ડ એસોસીએટ્સ આગળ કરણનું બાઈક ઉભું રહ્યું. કપડાં ઠીક કરતો કરણ ગોગલ્સ ઉતારી ઓફિસમાં દાખલ થયો. નિખિલના ટેબલ ઉપર પૈસાનું એક બંડલ અને ટેબલ સામે એક સુટેડ બુટેડ કસ્ટમર નજરે ચડ્યો. કરણને ઓચિંતો આવેલો જોઈને એ કસ્ટમર ગભરાઈ ગયો.
"અરે કરણ, આવ..." નિખિલે તરત કહ્યું, "ડોન્ટ વરી મી. શર્મા કરણ આપણો ઘરનો જ માણસ છે."
"તમે સાહેબ કઈક ડોર બેલ જેવું રાખો હમણાં મને હાર્ટ એટેક આવતો આવતો રહી ગયો...!!" શર્મા હસ્યો.
"કેમ ભાઈ સી.એ. સાહેબ, હું ખોટા સમયે આવ્યો?" કરણે પણ પરિસ્થિતિને હળવી બનાવવા હસીને કહ્યું.
"ના, ના, આ મી. શર્માનો તો સ્વભાવ જ છે મજાક કરવાનો..."
"ઓકે તો ઠીક." કહેતો કરણ ચેરમાં બેઠો અને રૂમાલથી પરસેવો લૂછ્યો.
"હવે બધું કામ થઈ જવુ જોઈએ સાહેબ, હું પૈસા આપીને છુટ્ટો." કહી શર્મા નીકળી ગયો.
“જરૂર સાહેબ.” નીખીલે પેલા શર્માને દરવાજે પહોંચતા પહેલા જ જવાબ આપી દીધો.
"આટલા બધા પૈસા શાના છે નિખિલ ભાઈ? અને તમે કેશમાં કેમ લો છો પેમેન્ટ?" કરણને એટલું પેમેન્ટ કેશ લેતા જોઈ નવાઈ થઈ.
"કરણ તું સાવ ભોળો જ રહીશ યાર. આ આશુતોષે તને કાઈ શીખવાડ્યું જ નથી, પ્રામાણિકતાનું પૂતળું છો આશુતોષ અને તું બેય!"
"એટલે આ પૈસા રિસવત??" કરણ એટલો પણ ભોળો નહોતો કે કોઈ સી.એ. ચેકને બદલે કેસમાં પેમેન્ટ લેતો હોય અને કરણને શું થયું છે એનો અણસાર ન આવે!
"હા, બ્લેક મની... કેમ તને શું લાગે છે આ બધા ઓફિસના ખર્ચ લીગલ ફિઝમાં પોષાય? જો કરણ, આ શેઠ લોકોની કમાઈ કાઈ દુધના પૈસાની નથી હોતી, એ લોકો ઓડિટ જ એટલા માટે કરાવે છે જેથી ખોટા ખર્ચા સેટ કરી શકાય. આ બધી ગાડીઓ અને શૂટ બુટ બધું હરામનું જ છે તો આપણે શું કામ ન લઈએ?"
"હમમમમ...." કરણે હકારમાં માથું હલાવ્યું.
"હું તો કહું છું તું પણ આવી રીતે કમાઈ લે કરણ. તને ક્યાં નથી આવડતું આ બધું? ને આમ પણ આશુતોષ માટે તો કરોડોની મિલકત છે યાર એને પ્રામાણિકતા પાલવે આપણને નહિ. હું કહેવા પૂરતો જ સી.એ. છું બાકી આ જો મારી ઓફીસ અને મારી પાસે ગાડી પણ ક્યાં છે?"
કરણ સાંભળતો રહ્યો.... પણ એ કઈ બોલ્યો નહિ, નિખિલને થયું આ કરણ સમજવાનો નથી જ એટલે એણે પણ વાત બદલી દીધી.
"બોલ કેટલી ફાઇલનું ઓડિટ કરવું છે?"
"આ બે જ ફાઇલ છે." કરણે બે કસ્ટમરની ફાઇલ ટેબલ પર મૂકી ઉભો થઇ ગયો.
"ઓકે. પણ બેસને ચા તો પી તો જા." નિખિલે વિવેક કરતા કહ્યું.
"ના આજે ધવલની તબિયત બરાબર નથી. ફરી ક્યારેક." કહી કરણ નીકળી ગયો.
*
સાંજ સુધી વૈભવી એ જ વિચારોમાં હતી. હું જે કરું છું એ ઠીક છે શું? એક તરફ કોઈનો જીવ દાવ પર છે, એક તરફ મારી આબરૂ અને એક તરફ કરણનો વિશ્વાસ!
એ ગિરીશની ચેમ્બરમાં જોઈ રહી. ગિરીશ આવે એટલે મારે જવું જ પડશે, ડોકટર હવે વધારે બિલ નહિ બનાવે. આગળના ત્રણ ચાર બિલ મેં ચૂકવ્યા નથી. નીલમના પૈસા પણ મેં પરત કર્યા નથી, હવે તો એને પણ શું બહાનું બતાવું?
સાંજે ચારના ટકોરે ગિરીશ એની ચેમ્બરમાં દાખલ થયો. વૈભવી સમજી જ ગઈ હતી કે એ જરૂર બ્લેક મેઇલરે જયા કહ્યું હશે ત્યાં પૈસા પહોંચાડવા ગયો હશે.
ચેર પર બેસતા જ ગિરિશે વૈભવીને ફોન જોડ્યો.
થોડી જ વારમાં વૈભવી દાખલ થઈ અને સીધી જ પાછળની ખાનગી ચેમ્બરમાં ચાલી ગઈ.
એ થડકતી છાતીએ હજુ પોતે શુ કરવા જઈ રહી છે એ વિશે વિચારતી હતી ત્યાં એના ખભા પર ગિરીશની દાઢીનો સ્પર્શ થયો. ગિરીશના હાથ એના પેટ ઉપર લપેટાતા અનુભવી રહી... ના આ સપનું નથી આ હકીકત છે પોતે કરણનો વિશ્વાસ તોડવા જઈ રહી હતી... ખરેખર એ બીજા પુરુષના હાથમાં હતી.... ગિરીશના હાથ એની નાભી ઉપર ફરી રહ્યા, એના ગાલ પર ચુંબન કર્યું અને એક અવાજ આવીને એના કાનમાં ગુંજી ઉઠ્યો.... "આઈ લવ યુ વૈભુ.....!!" કરણનો નિર્દોષ અવાજ....!!
ગિરીશના હાથ હટાવી એ દૂર થઈ ગઈ.
“હજુ તને શરમ આવે છે પાગલ...” નફફટની જેમ ગિરીશ ફરી એની નજીક આવ્યો પણ એને ધક્કો મારી એ બહાર નીકળી ગઈ. ગિરીશના ટેબલ ઉપર ચેક મૂકી, પોતાનું પર્સ લઈ એ છેક ઓફીસ બહાર નીકળી ગઈ! નિતા, નિયતિ અને રાજેશના ચહેરા કે પ્રશ્ન તરફ ધ્યાન આપ્યા વગર જ!
એના પગ ધ્રુજતા હતા. આ મેં શુ કર્યું??? કરણ.... કરણ... એના કાનમાં, મનમાં, એના હ્ર્દયમાં એક ચીસ ગુંજવા લાગી.... આંખો સામે એક ચહેરો દેખાવા લાગ્યો.... ડોકટરનો નિષ્ઠુર ચહેરો.....!!
*
"ધવલ....." એકાએક દરવાજો ખુલ્યો અને કરણ ઓફિસમાં પ્રવેશ્યો.
"હ... હા...." મોબાઇલમાંથી નજર ઊંચી કરતો ધવલ ચોકી ગયો.
કરણે સીધું જ જઈને મીની ફ્રીજમાંથી બોટલ નીકાળી. ગ્લાસમાં પાણી લઈ ધવલને આપ્યું.
"લે આ ગોળી લઇલે."
"થેંક્યું કરણ, રામુને ઓર્ડર આપને યાર."
કરણે માથું હલાવી, ટેબલ પરથી ફોન લઈ ઘુમાવ્યો. બે રિંગ વાગવા દઈ ફોન મૂકી દીધો.
થોડી જ વારમાં રામુ એની અદામાં કપ ઉછાળતા દાખલ થયો. બંનેને એક એક કપ ચા આપી, બેમાંથી એકેયનો ચહેરો મજાક કરવા જેવો લાગ્યો નહિ એટલે એ તરત કીટલી ઉઠાવી ચાલવા લાગ્યો પણ દરવાજે જ આશુતોષ મળી ગયો.
"રામુ, સારું કર્યું તું મળી ગયો." અશુતોષે હસીને કહ્યું, "મને પણ આપી દે એક કપ."
"અમે આપવા જ તો બેઠા છીએ સાબજી." રામુને હસીને બોલવાનો મોકો મળ્યો.
"અહં...." ચાની એક ચૂસકી લેતા આશુતોષ બોલ્યો, "રામુ તારી ચા મને બહુ યાદ આવશે." ટેબલ ઉપર કપ મૂકી પર્સ નીકાળી રામુને પૈસા આપતા આશુતોષ બોલ્યો.
"કેમ આટલા બધા પૈસા સાબજી? અને મારી ચા યાદ આવશે એટલે મારી ચા બંધ કરવાની છે હવે?" આતુર નજરે પોતાના પ્રશ્નનો નકારમાં જવાબ સાંભળવા માંગતો રામુ એને તાકી રહ્યો..!!
"અરે ના ના.... તારી ચા બંધ કેમ કરાય? આ તો હું મહિના માટે ટ્રીપ પર જાઉં છું ફોરેઇન.. ત્યાં મને તારી આ ચા અને સ્માઈલ નહિ મળે ને." રામુના ગાલ ખેંચતા આશુતોષ બોલ્યો.
"કેમ?" કરણ એકદમ ઉછળી પડ્યો, "યાર એક મહિનો? તો પછી આ બધી ફાઈલોનું કામ હું એકલો?"
"હા કરણ તારે કરવું પડશે પણ જો તારે માત્ર ઓડિટ માટે ફાઇલ મુકવાની છે નિખિલ પાસે અને રિટર્ન ભરવાના છે."
"તો એકાઉન્ટ?"
"એકાઉન્ટ માટે મારી કઝીન તને સપોર્ટ કરશે."
"નીલમ....!!??" કરણે નવાઈથી પૂછ્યું.
"હા, મેં એની જોડે સવારે જ વાત કરી લીધી છે."
"પણ યાર આશુ, એ ઓફિસમાં એકાદ કલાકથી વધારે ટકશે? તને શુ લાગે છે?" કરણે આંખ ઝીણી કરીને સંભાવના દર્શાવી.
"એ પણ રાજી થઈ ગઈ હતી કરણ, એને વાત કહી એટલે જ એ ઉછળી પડી હતી, મને કહ્યું કે હું કામ કરીશ પણ એક શરતે!"
"અને એ શરત શુ છે? કલાક બેસવાની કે બે કલાક?" કરણે વચ્ચે જ પૂછ્યું.
"ના એની શરત છે કે હું ટ્રિપ પરથી આવું એ પછી પણ એ ઓફિસમાં જ કામ કરશે." અશુતોષે કહ્યું.
કરણ આશુતોષ સામે જોતો જ રહી ગયો! આ નીલમ આટલી ક્યારે બદલાઈ ગઈ!! મનમાં ઉદગાર ઉદ્દભવ્યો પણ એ અશુતોષને કહી ન શક્યો.
"ઓકે તો બરાબર..." કહી કરણ બેસી ગયો.
"જો કરણ, આ પચાસ હજાર કેશ અને બે લાખનો સાઈન કરેલો ચેક લોકરમાં મુકું છું, જરૂર પડે તો મને પૂછવાની કોઈ જરૂર નથી."
"અને ધવલ.” લોકરમાં પૈસા અને ચેક મૂકી એ ધવલ તરફ ફર્યો, “જો તને કરણ જોડે પૈસા માંગતા થોડો ખચકાટ થાય એટલે આ દસ હજાર તું તારી જોડે જ રાખ." કહી અશુતોષે ધવલના ટેબલ પર એક બંડલ મૂક્યું.
"ના આશુ, મારે હમણાં જરૂર નથી, મને હમણાં મળ્યા છે પૈસા."
"ક્યાંથી મળ્યા?" કરણે વચ્ચે જ પૂછ્યું.
"ગિરીશ પાસેથી. વૈભવિની ઓફિસનો બોસ, એને ત્યાં સી.સી.ટી.વી.નું કામ કર્યુંને મેં."
"ઓકે વેલ, તો પણ તું અત્યારે રાખ જરૂર ન પડે તો મને પાછા આપજે."
"ચલો, કરણ, ધવલ સી યુ. મારી ફ્લાઇટ છે."
"અરે મને ઘર સુધી લેતો જા આશુ, મારી તબિયત બરાબર નથી."
"તો ડોકટરને બતાવ્યું કે નહિ?"
"હા બતાવી દીધું." ધવલે કરણ સામે આંખ મીચકારી. એને ખબર હતી કે જો ના કહીશ તો આશુતોષ એની ફ્લાઇટ મૂકીને પણ મને હોસ્પિટલ લઈ જશે જ.
આસુતોષે કરણ સામે જોયું. કરણે હકારમાં માથું હલાવ્યું.
ધવલ અને આશુતોષ નીકળ્યા, જતા જતા અશુતોષે કહ્યું, "કરણ, તમારા માટે ગિફ્ટ લેતો આવીશ લેવી જ પડશે હા."
કરણ હસીને હાથ હલાવતો રહ્યો...
ધવલ અને આશુતોષ ગયા, ઓફીસ ખાલી થઈ ગઈ. ફાઈલો પર નજર પડતા કરણને નિખિલના શબ્દો યાદ આવ્યાં “તું પણ આ રીતે કમાઈ લે કરણ તને આ બધું ક્યાં નથી આવડતું?”
જો હું આ રીતે થોડા પૈસા બનાવી લઉં તો વૈભવીને નોકરી નહિ કરવી પડે. એમાં ખોટું પણ શું છે? અશુતોષે નવીન પારેખ અને જીતેન્દ્ર કપૂરની ફાઇલ લેવાનો ઇનકાર કર્યો હતો. જો એ ફાઈલો હું ખાનગીમાં કરી આપું તો મને સારા એવા પૈસા મળી જશે.
કરણે ફોન નીકાળ્યો, લિસ્ટમાંથી નંબર શોધી ફોન જોડ્યો....
"હેલો, નવીન ભાઈ?" સામેથી રીસીવર ઉંચકાતા જ કરણે પૂછ્યું.
"હા તમે?"
"હું કરણ, આશુતોષની ઓફિસથી."
"કેમ હવે શું બાકી છે કરણ સાહેબ? એ દિવસે તમારા શેઠે જે અપમાન કર્યું એ પૂરતું નથી?" સામેથી નવીન પારેખનો ઠપકાભર્યો અવાજ આવ્યો. નવીનભાઈએ જયારે ફાઈલમાં ગોટાળા કરવા માટે કહ્યું હતું ત્યારે આ જ ઓફિસમાં આસુતોષે એને ઓફિસમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું.
"તમે મારી વાત તો સાંભળો નવીનભાઈ.” કરણે આજીજી કરતો હોય એવા સ્વરે કહ્યું.
“સંભળાવો...”
“હું તમારી ફાઇલ કરી આપીશ, તમારે મિનિમમ રિટર્ન ભરવું પડે એવા ખર્ચ સેટ કરી આપીશ પણ તમારે અશુતોષને કઈ કહેવાનું નથી હું એ બધું ખાનગી કરીશ."
"ભલે, તો મારી અને કપુરની બેય ફાઇલ તમે લઈ જજો, અને હા જેટલું મારુ રિટર્ન બચશે એના દસ ટકા તમને રોકડા ગણી આપીશ."
"ઓકે, હું તમારી ઓફિસે આવીશ, જાતે જ ફાઇલ લઈ જઈશ, તમારે મને ઓફિસના નંબર પર ફોન નહિ કરવાનો મારા ખાનગી નંબર પર જ કરવાનો."
"ભલે...." સામેથી એટલું કહી ફોન કટ થઈ ગયો.
કરણે નિરાંતનો દમ લીધો પણ મનમાં એક અફસોસ થયો કે આખરે પોતે પણ ખોટા રસ્તે વળી ગયો! ખેર કળીયુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંસ્કાર અને નિયમો બાજુ પર મુકવા જ પડે છે.
*
દરવાજો ખોલી અંદર પ્રવેશતા ઘર જાણે પોતાનું હોય જ નહીં એમ વૈભવીને જાકારો આપી રહ્યું! ચહેરા પર પરસેવાના બિંદુ ઉપસી આવ્યા. ઢગલો થઈને એ સોફામાં ફસડાઈ પડી! પાંચ લાખની રકમ ભરેલો ચેક નજર સામે દેખાવા લાગ્યો... કરણના શબ્દો, ગિરીશનો સ્પર્શ અને ડોકટરનો ભાવ વિહીન ચહેરો ફિલ્મની પટ્ટી જેમ એક પછી એક નજર સમક્ષ આવી જવા લાગ્યો.
પરાણે ઉભી થઇ, તિજોરીમાંથી કપડા લીધા અને બાથરૂમ જઇ કપડાં બદલ્યા, હાથ મો ધોઈ એ ફરી સોફા તરફ જતી હતી ત્યાં એકાએક જશોદાબેનની તસ્વીર ઉપર નજર ગઈ.
એ જીવંત લાગતી તસ્વીરની નજર તિરસ્કારથી પોતાની ઉપર મંડાઈ હોય એમ એ જોઈ રહી!
"મારા કરણના વિશ્વાસનો આ બદલો?" જાણે તસવીર બોલી હોય એમ વૈભવી ડઘાઈ ગઈ.
એ ભડકીને બે ડગલાં પાછળ ખસી ગઈ. આ શું? આ ઘર મને કેમ ખાઈ જવા દોડે છે? શું ખરેખર આ તસ્વીર બોલી છે કે મારો ભ્રમ છે? ફરી ગભરાયેલી નજર ઊંચી કરીને જોયું તો તસ્વીર એમ જ પોતાની સામે તાકી રહી હતી - તિરસ્કારથી !!
"ના મમ્મી, મેં ચેકને ઠોકર મારી છે, હું બીજી રીતે પૈસાની વ્યવસ્થા કરીશ તમે મને એવો દોષ ન આપો." એ નિર્જીવ તસ્વીર સામે કરગરી પડી.
"એ તો દરેક સ્ત્રી બસ આ એક જ વાત કહેતી હોય છે, મજબૂરી...!" તસ્વીર જાણે ખંધુ હસી પડી!
"પણ તમે સમજતા કેમ નથી? હું.... હું શું કરું?" વૈભવી બે હાથમાં ચહેરો લઈ રડી પડી. પોતાની જાતને છેક જ નિસહાય જોઈ રહી.
થોડીવારે શાંત થયા પછી તસ્વીર સામે જોયું, તસ્વીર રોજની જેમ મરમાળ સ્મિત આપતી હતી. તો શું આ મારો ભ્રમ હતો?
ફરી ગૂંચળું વળીને સોફામાં પડી. ઘરમાં ક્યાંય જીવ ન લાગ્યો હોય એમ ઉભી થઇ ગઇ. નીલમ પાસે જઉં? ના, ના, મારો આ ચહેરો જોઈ એમ એકાએક આવેલી જોઈ નીલમ મને સો સવાલ પૂછશે.
મમ્મી પાસે જઈ આવું? હા ત્યાં જઈ આવું કદાચ થોડી શાંતિ થશે એમ નક્કી કરી એ ઉભી થઇ. એણીએ કબાટ ખોલી પેલો ફોટો સાડીમાંથી નીકાળી છાતીએ લગાવી લીધો. ફરી સાડીમાં ફોટો સરકાવી એ નીકળી પડી.
(ક્રમશ:)
***