પ્રતિક્ષા ૧૪ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા ૧૪

“ઉર્વિલ, તું તારી જાતને બચાવતો હતો. તારી પોતાની નજરમાં પડવાથી તું પોતાને બચાવતો હતો... આદર્શ પતિની છાપ બગાડવાથી બચાવતો હતો... આજ્ઞાંકિત દીકરાના લેબલને બચાવતો હતો તું... અને રઘુભાઈ થી પોતાનો જીવ બચાવતો હતો તું...” દેવ એકધારું બોલી રહ્યો અને ઉર્વિલની સજળ આંખે તેની સામે જોઈ રહ્યો
“બોલી લીધું?” પોતાનો જમણો હાથ ઉંચો કરી સહેજ તીખાશ સાથે ઉર્વિલ બોલ્યો
“મેં બહુ પ્રેમ કર્યો છે રેવાને... પણ જે દિવસે મેં એકરાર કર્યો ને એ જ દિવસે મારી મમ્મીએ જીદ પકડી મારા લગ્નની... મારી મમ્મી રેવાને ના સ્વીકારી શકત ક્યારેય. એની જીદ સામે ઝૂકીને મારે લગ્ન કરી લેવા પડ્યા... તો મારો શું વાંક હતો આમાં?”
“સીરીયસલી ઉર્વિલ?? તારી અને રેવાની એક એક મુલાકાતનો સાક્ષી છું હું... લગ્ન પછી ત્રણ વરસ જે હતું એ શું હતું? અને ત્રણ વર્ષ પછી અચાનક જ તને યાદ આવ્યું કે તારે રેવાને ના મળવું જોઈએ? મન થયું ત્યારે અલગ કરી દીધી. મન થયું ત્યારે પાછી બોલાવી લીધી...” આટલું કહેતા જ દેવનો અવાજ ઉંચો થઇ ગયો અને ઉર્વા કિચનથી બહાર આવી ગઈ
“એ લોહીથી ખરડાયેલું શરીર ભૂલી ગયો તું? તારા વાંકે વાગેલી એ રઘુભાઈના ગુંડાઓની ગોળી ભૂલી ગયો તું? ક્યા મોઢે કહેછે તું કે તે રેવાને પ્રેમ કર્યો છે??” દેવ પુરેપુરો આવેશમાં ધ્રુજતા ધ્રુજતા બોલ્યો
“દેવ અંકલ...” ઉર્વાએ દુરથી જ ઉભા ઉભા મોટા અવાજે કહ્યું અને દેવનું ધ્યાન તેની તરફ ગયું. દેવ સામે જોઈ તેણે ધીમેથી જ નકારમાં માથું હલાવ્યું અને દેવ એક ઊંડો શ્વાસ લઇ પાણીનો ગ્લાસ મોઢે માંડતા સોફા પર બેસી ગયો.

ઉર્વા શાંતિથી વચ્ચે પડેલી ટીપોય પર ઉપમા અને ચા રાખી પોતાની ચેર પર બેસી ગઈ. ચારેય કંઇજ બોલ્યા વિના ચુપચાપ પોતાની ચા પીતા રહ્યા.
ઉર્વિલને જાણવું હતું રેવાના ખૂન વિષે પણ દેવ અને કહાનનો આક્રોશ જોઈ તે તે બન્નેને પૂછવાનું વિચારી પણ ના શક્યો અને તે જાણતો હતો કે ઉર્વા તેને કોઈ જ જવાબ નહિ આપે. માંડ માંડ તે ગળેથી ચા ના ઘૂંટ ઉતારવાની કોશિશ કરતો રહ્યો. એક વજનદાર મૌન વચ્ચે ઘૂંટાતો રહ્યો

*

આલિશાન હોટલના લક્ઝુરીયસ સ્યુટના કાઉચ પર રઘુ બ્લેક લેબલના પેગ પર પેગ પી રહ્યો હતો. તેની સામે જ બેડ પર બંદિશ ગળા સુધી ચાદર ઓઢીને ચીરનિંદ્રા માણી રહી હતી. દારૂના નશામાં લથડતા પગે તે બેડ પર આવી બંદિશની લગોલગ બેસી તેને નિહાળી રહ્યો. તેની સામે એકીટશે જોતા જ રઘુના મનમાં ફરી વિચારોનો ઘેરાવો શરુ થયો
“ઉફ્ફ આ કઈ બલા છે!! નથી એની નજીક જવાતું ને નથી એનાથી દુર રહેવાતું!!” બંદિશના ગાલ પર હાથ ફેરવતા તેનાથી બોલી જવાયું
“બંદિશ છું હું. સોનાની કેદ છું હું... બંધાયો છે જે એ છૂટવા માટે મથશે અને જે આઝાદ છે એ બંધાવા માટે...” આછા હાસ્ય સાથે એમજ સુતા સુતા બંદિશ બોલી અને આંખો ખોલી રઘુને પ્રેમ ભરી આંખે જોઈ રહી.
“તું જાગતી હતી?” સહેજ આશ્ચર્ય સાથે રઘુએ પૂછ્યું
“આજની રાત હું સુઈ જાઉં તો એ ખુદાની રહેમતનું અપમાન કહેવાય... તમે ક્યારેક જ અમને યાદ કરો છો.” બંદિશ બેઠી થઇ બેકરેસ્ટનો ટેકો લેતા બોલી
“આટલો પ્રેમ કરીને શું મળે છે તને બંદિશ?? શું કામ પોતાની નજરમાં મને ગુનેગાર સાબિત કરે છે?” પોતાના બરછટ હાથે બંદિશના વાળમાં હાથ ફેરવતા રઘુએ પૂછ્યું
“મેં કર્યું છે જ શું?” વાળમાં ફરતો હાથ પોતાના હાથમાં લેતા બંદિશ બોલી
“ચોરી, સોપારી, મારકૂટ, હપ્તા વસુલી ને ખૂન બધું જ કર્યું છે મેં પણ ક્યારેય કોઈ બાઈની હાય નથી લીધી મેં... કોઈ છોકરી સામે ખરાબ નજરથી ય નથી જોયું મેં... બસ એક એનાથી પ્રેમ થઇ ગયો અને ખબર નહિ કેમ પણ તારાથી બંધાઈ ગયો...” રઘુ સ્થિર આંખે બોલ્યો
“રેવાને તું પ્રેમ કરે છે અને હું તને. એમાં ખોટું શું છે?” તેના હાથમાં પકડેલા રઘુના હાથને મજબુતીથી પકડતા બંદિશ બોલી
“હું રમું છું તારી લાગણીઓથી, તને ખબર છે હું ખાલી રેવાને જ પ્રેમ કરું છું. નથી તું રખેલ બનીને રહેતી કે નથી તું ઘરવાળી બનીને રહેતી... કાં તો મૂકી દઈએ કાં તો પરણી જઈએ યાર... ખબર નહિ શું છે આ આપણી વચ્ચે?” બંદિશને પોતાની નજીક ખેંચતા રઘુ બોલ્યો
“જે દિવસે તારી આંખમાં રેવાને બદલે મારા માટે પ્રેમ જોઇશ, એ દિવસે પરણી જઈશ” બંદિશ અદાથી બોલી અને પછી ઉમેર્યું
“તારા શરીરની આગ એક બંદિશ પાસે આવીને જ શાંત થાય છે. તારા પ્રેમની તરસનો દરિયો એક મારા પાસે જ છે હવે. એક મારા સિવાય તું ક્યાંય જઈ શકે એમ પણ નથી તો રહેને આમજ... રહેને મારી સાથે. શું કામ બગાડે છે?”
“બંદિશ...!” રઘુએ કંઇક બોલવાની કોશિશ કરી પણ બંદિશે તેના હોઠ પર આંગળી મૂકી તેને ત્યાજ રોકી દીધો
“શું કામ વિચારે છે? જીવી લે ને...” નશીલા અવાજમાં આટલું બોલી બંદિશે પોતાના હોઠ રઘુના હોઠ પર મૂકી દીધા...

ત્યાંજ પલંગથી સહેજ દુર પડેલા કાચના ટેબલ પર પડેલો ફોન સાઈલેન્ટ મોડ પર વાઈ રહ્યો હતો પણ તે ફોન જોવાનો હોશ ના રઘુમાં હતો, ના બંદિશમાં

*

“ઉર્વિલ તમારી રીટર્ન ટીકીટ ક્યારની છે?” ચા ના ખાલી કપ અને ઉપમાની આખી ભરેલી પ્લેટ ઊંચકી અંદર લઇ જતા ઉર્વાએ સવાલ કર્યો
“મેં હજી ટીકીટ નથી કરાવી, એરપોર્ટથી જ સીધી લઇ લઈશ.” ઉર્વિલને હજી થોડું રોકાઈ જવાની ઈચ્છા થઇ આવી પણ મનને મારીને જ તેણે જવાબ આપી દીધો
“ઓકે તો થોડે આગળ અમારા ફેમીલી લોયરની ઓફીસ છે ત્યાં તમારા ફ્લેટનો દસ્તાવેજ કરી નાખીએ. અને પછી તમારો બધો સામાન વ્યવસ્થિત પહોંચી જાય તેની વ્યવસ્થા કરી તમને એરપોર્ટ મૂકી આવીએ?” ઉર્વિલને રવાના કરવાની પૂર્વભૂમિકા બાંધતા ઉર્વા બોલી
“એમ પણ અમદાવાદમાં રાહ જોવાતી હશે ને?” કહાનથી તીર માર્યા વિના ના રહેવાયું
“ઓકે એમજ કરીએ...” ઉર્વિલને તીર ખૂંચી તો ગયું પણ ચેહરા પર કોઈ ભાવ લાવ્યા વિના તે ઉર્વા સાથે સહમત થઇ ગયો
“ઓકે કહાન અને તમે લોયર પાસે પહોંચો, હું અને ઉર્વા તમારા સામાનની વ્યવસ્થા કરી ૧૦ મિનીટમાં પહોચી જઈશું” દેવે ઉભા થતા કહ્યું. કહાનને આમ અલગ અલગ જવાની વાત વિચિત્ર લાગી પણ અત્યારે કંઈ ના બોલવું ઉચિત માની તે દેવ પાસે પડેલી કારની ચાવી લઇ ઉભો થઇ ફ્લેટની બહાર ચાલી નીકળ્યો. ઉર્વિલ પણ એક નજર ઉર્વા સામે અને આ ઘર સામે જોઈ કહાનની પાછળ દોરવાયો.

“બોલો શું કહેવું હતું?” લીફ્ટ બંધ થઇ નીચે જવાનો અવાજ સંભળાતા જ ઉર્વા પૂછી બેઠી અને દેવના ચેહરા પર સ્મિત ફરી વળ્યું
“ઉર્વિલ ડેન્જરમાં છે... કેશુને મેં પરમદિવસે પણ અહિયાં જોયો હતો અને આજે પણ જોયો. રઘુભાઈ ઉર્વિલને મારીને રહેશે ઉર્વા....” દેવ ચિંતિત સ્વરે બોલ્યો
“એ લોકો પાસે એવી ઇન્ફર્મેશન છે કે ઉર્વિલ મને બાંદ્રા વાળા ફલેટે મળવા આવ્યા છે. નહિ કે અંધેરી વાળા...” ઉર્વા ખુબ શાંતિથી બોલી અને દેવની આંખો ફાટી ગઈ
“દેવ અંકલ, ત્યાં કઈ ઇન્ફર્મેશન છે અને કઈ રીતે છે એ બધી જ મને પહેલેથી ખબર હોય છે. ઉર્વિલને કંઇજ નહિ થાય. આઈ પ્રોમિસ.”

*

(ક્રમશઃ)