રેડલાઇટ બંગલો ૪૬ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૪૬

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૬

અર્પિતાને કલ્પના ન હતી કે હેમંતભાઇનો આ રીતે સામનો કરવો પડશે. તે હેમંતભાઇ સામે જવા માગતી ન હતી. તે પોતાને જોઇ પણ જાય તો ગામમાં એવું જાહેર કરી દે એમ હતા કે રૂપવતી અર્પિતા અસલમાં રૂપજીવીની છે. અને પછી તે ક્યારેય ગામ જઇને કોઇને પોતાનું મોં બતાવી શકે નહીં. વિનયને જ તેની અસલિયતની ખબર હતી. અને તેણે પોતાને આ રૂપમાં સ્વીકારી લીધી હતી. તે હવે બહુ જલદી આ ધંધો છોડી રહી છે ત્યારે હેમંતભાઇ મોટી મુસીબત બનીને આવી ગયા હતા. તેમનાથી છૂટકારો મેળવવાનું સરળ ન હતું. રચના હાજર નથી અને મીનાને દૂરથી બોલાવી શકાય એમ નથી. તેને થયું કે હવે રાજીબહેનને જ સમજાવવા પડશે. તે મારા પર બહુ શંકા કરતા થઇ ગયા છે એટલે તેમને કહેવામાં જોખમ છે. પણ બીજો કોઇ માર્ગ નથી. અર્પિતા રાજીબહેનને ફોન લગાવવા જતી હતી ત્યારે જ માનો ફોન આવ્યો. અર્પિતા ફોન તરફ જોઇ રહી. માએ કેમ ફોન કર્યો હશે? પોતે માથી નારાજ છે. વાત કરવી કે નહીં? અર્પિતાએ ઝડપથી વિચાર કરી ફોન ઉપાડ્યો. "હા મા!"

સામે વર્ષાબેનનું ડુસકું સંભળાયું.

"મા! શું થયું?"

"બેટા, મને માફ કરી દે. હું તારી ગુનેગાર છું...."

"મા, આવું ના બોલ..."

"મેં તને અન્યાય કર્યો છે બેટા..હું તને મારી થોડી વાત કરવા માગું છું. મેં એક નિર્ણય લીધો છે...."

"મા, અત્યારે હું કામમાં છું. બે દિવસ પછી હું તારી સાથે શાંતિથી વાત કરીશ."

"ભલે પણ ફોન જરૂર કરજે..."

"હા મા..." કહી અર્પિતાએ ફોન કટ કરી દીધો.

અર્પિતાને અત્યારે હેમંતભાઇનો સામનો કરવાની ચિંતા હતી. તેણે કંઇક વિચારી ઝટપટ રાજીબહેનનો નંબર ડાયલ કર્યો.

"હં..." રાજીબહેનનો મધુર અવાજ આવ્યો.

"મેમ, એક વિનંતિ છે..." અર્પિતાએ ડર સાથે કહ્યું:"આજના ગ્રાહક પાસે બીજી કોઇ છોકરીને મોકલી ના શકો?"

"કેમ? શું પ્રોબ્લેમ છે? છેલ્લી ઘડીએ આ રીતે ફોન કરવાનો કોઇ અર્થ નથી..." રાજીબહેનના મીઠા અવાજમાં કડવાશ ભળી.

અર્પિતાને થયું કે રાજીબહેન માનશે નહીં. હેમંતભાઇ સામે તે ઉઘાડી પડી જશે. તેણે છેલ્લો પ્રયત્ન કરી જોયો.

"જી મેમ, વાત એમ છે કે મારી અડધી બ્યુટીટ્રીટમેન્ટ બાકી છે અને બીજું કે કાલે રવિકુમારને ખુશ કરવાના છે. આજનો ગ્રાહક સાચવીશ તો આવતીકાલે દિવસે ઊંઘવું પડશે. અને બ્યુટી ટ્રીટમેન્ટ ઉપરાંત રવિકુમાર માટે ખાસ તૈયારી માટે સમય જોઇશે. તમે લાવી રાખેલા પ્લાસ્ટિકના ફૂલ, ફુગ્ગા વગેરેની રૂમમાં સજાવટ કરવાની છે. અને કાલે હું આખો દિવસ વ્યસ્ત રહીશ તો રાત્રે જલદી ઊંઘી જઇશ..." કહી અર્પિતા "અને તમારા બાર વાગી જશે" એ શબ્દો ગળીને રાજીબહેનના પ્રતિભાવની રાહ જોવા લાગી.

સામે છેડે મૌન છવાયું. રાજીબહેન વિચારતા થઇ ગયા એ પરથી તેને લાગ્યું કે તીર નિશાન પર લાગ્યું છે.

"તારી વાત તો સાચી છે.... ચાલ એક કામ કર. હું કાર મીનાને ત્યાં મોકલું છું. તેને કહે કે તારા જેવી દેખાતી કોઇ છોકરીને તૈયાર કરે. મીના આ ગ્રાહકને પસંદ આવશે નહીં...." કહી રાજીબહેને ફોન મૂકી દીધો.

અર્પિતાએ તરત જ મીનાને ફોન કર્યો અને બધું સમજાવી દીધું. અર્પિતાને હેમંતભાઇનો સામનો કરવાનું ટળી ગયું એની સાથે બીજી પણ એક ખુશી થઇ હતી. અર્પિતાને થયું કે સમય અને સંજોગો પણ તેનો સાથ આપી રહ્યા છે.

અર્પિતાએ હેમંતભાઇથી બચવામાં સફળતા મેળવી લીધી હતી. તે હવે રવિકુમારને ખુશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. તેણે ફરી "દિલબર દિલબર" ગીત પર ડાન્સ કર્યો અને રવિકુમારને પોતાના હુસ્નથી કેવી રીતે ઘાયલ કરવા તેનું વિચારવા લાગી. રવિકુમાર છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓથી દૂર રહેતા હતા. તેમનામાં પ્રેમ અને કામને પણ જગાડવાના હતા. અર્પિતા પોતાના છેલ્લા ગ્રાહકની રાતને યાદગાર બનાવવા માગતી હતી. અઠવાડિયા પછી તે આ કેદમાંથી આઝાદ થઇને વિનયની બાહોંમાં પ્રેમથી કેદ થવાના સપનાં જોવા લાગી.

આજે અર્પિતા વહેલી ઊઠી ગઇ હતી. તેણે રવિકુમાર માટે તૈયારી શરૂ કરી દીધી હતી. તે રેડલાઇટની બાજુના બંગલામાં રાજીબહેને આપેલી વસ્તુઓ લઇ સજાવટ માટે પહોંચી ગઇ. વીણાએ આખો રૂમ સાફ કરી દીધો હતો. તેણે મદદ કરવાની વાત કરી પણ અર્પિતા પોતે જ બધું કરવા માગતી હોવાથી તેને ના પાડી એટલે તે પોતાના બીજા કામ પતાવવા જતી રહી. સવારે દસ વાગે બ્યુટીપાર્લરવાળી આવવાની હતી એટલે અર્પિતાએ રૂમમાં ચારે તરફ પ્લાસ્ટિકના મોટા ફૂલવાળા તોરણ લગાવી વચ્ચે રંગબેરંગી ફુગ્ગા લગાવી દીધા. સાંજે રાજીબહેન ગુલાબ અને મોગરાના તાજા ફૂલ મોકલવાના હતા એ લગાવવાના બાકી રહ્યા. બધી જ તૈયારી પૂરી કરી તે પોતાના રૂમ પર આવી ત્યારે બ્યુટીપાર્લરવાળી યુવતી આવી ગઇ હતી. તેણે પોતાનું કામ શરૂ કરી દીધું. તેણે વચ્ચે નવાઇથી પૂછ્યું:"બેન, તમને તો કોઇ રાજકુમારીની જેમ સુંદર બનાવવામાં આવી રહ્યા છે. રાજીબહેને આજ સુધી કોઇ છોકરીની આટલી બધી ટ્રીટમેન્ટ કરાવી નથી. તમે તો એકદમ નિખરી ઊઠ્યા છો. કોઇપણ પુરુષ પાગલ થઇ જાય એવું તમારું રૂપ છે...."

"બેન, જે જીતે એવું હોય એના પર જ દાવ લગાવાય છે." બોલી અર્પિતા બબડી:"હું પણ એવો દાવ રમવાની છું કે રાજીબહેનનો કોઇ દાવ કામ આવવાનો નથી."

અર્પિતા આવતા સપ્તાહે રાજીબહેનને માત આપવાનું વિચારી રહી હતી.

સાંજ પડી એટલે અર્પિતા તૈયાર થઇને રવિકુમારની રાહ જોઇને બેઠી હતી. ત્યાં વીણાએ આવીને કહ્યું:"દીદી, રાજીબહેન તમને મળવા આવે છે..."

અર્પિતા ઊભી થઇ ગઇ. રાજીબહેન શું કામ આવતા હશે? કોઇ ખાસ વાત હશે? હજુ તે કંઇ વિચાર કરે એ પહેલાં તો રાજીબહેન તેના રૂમમાં આવી પહોંચ્યા. વીણા ત્યાંથી ખસી ગઇ અને દાદર ઊતરી ગઇ.

અર્પિતાએ બેસવાનો વિવેક કર્યો.

"અર્પિતા, આજે તારી પરીક્ષા છે. રવિકુમાર ખુશ થવા જોઇએ. તે આપણા સૌથી મોટા મહેમાન છે. તે પહેલી વખત આપણા રેડલાઇટ બંગલોની મુલાકાતે આવી રહ્યા છે. તેમને કોઇ પ્રકારની તકલીફ ના થાય અને તેમની મુલાકાત યાદગાર બની જાય એ જોવાનું કામ તારું છે...."

"મેમ, તમે નચિંત રહો. હું તેમને સ્વર્ગનો અહેસાસ કરાવીશ." બોલી અર્પિતાના જીભ સુધી શબ્દો આવી ગયા કે,"ભલે તમે મારી જિંદગી નરક જેવી બનાવી દીધી છે."

"મને તારા પર વિશ્વાસ છે. આજે રવિકુમાર ખુશ થઇને જવા જોઇએ. આપણો બધો આધાર એમના પર છે. એમને ખુશ રાખવાના છે."

"જી મેમ, કેટલી વાર છે એમને આવવામાં?"

"બસ આવતા જ હશે. નીકળ્યા ત્યારે ફોન આવ્યો હતો. તું બાજુના બંગલામાં પહોંચી જા. વીણા ફૂલ લઇને પહોંચી ગઇ છે."

રાજીબહેન નીકળી ગયા. અર્પિતા પણ તેમની પાછળ દાદર ઉતરી.

અર્પિતા બંગલાના રૂમમાં પહોંચી ત્યારે વીણા તાજા ફૂલો લગાવી રહી હતી. મોગરાની મહેક માદક હતી. વીણા અર્પિતાને જોઇને બોલી:"દીદી, આજે તો તમે મસ્ત લાગો છો. આ ગુલાબ પણ તમારી સામે ઝાંખું લાગે છે."

અર્પિતા માત્ર હસી. વીણા બીજી કોઇ વાત કરે એ પહેલાં તો રવિકુમાર આવી ગયા.

"વેલકમ સર." કહી અર્પિતાએ ગરદન ઝુકાવી એમને મીઠો આવકાર આપ્યો.

વીણા ત્યાં સુધીમાં નીકળી ગઇ હતી. અર્પિતાએ ધીમેથી દરવાજો બંધ કર્યો.

રવિકુમાર બેડ પર બેઠા.

અર્પિતાને લાગ્યું કે રવિકુમાર થોડા શરમાઇ રહ્યા છે.

અર્પિતાએ તેમની બાજુમાં બેસી તેમનો હાથ પોતાના નાજુક હાથમાં લઇ કહ્યું:"સર, કેમ છો?"

અર્પિતાના સ્પર્શથી રવિકુમારના હાથમાંથી આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપવા લાગી. તે બોલ્યા:"અર્પિતા, આજે મને સર કહીને ના બોલાવતી. સર તરીકે આ બધું યોગ્ય ના કહેવાય. એક પુરુષ તરીકે હું તારી સામે આવ્યો છું..."

"ઓકે, નો પ્રોબ્લેમ શેઠજી!" કહી અર્પિતા હસી એટલે રવિકુમાર પણ મુક્તપણે હસી પડ્યા.

અર્પિતા ઊભી થઇ અને કપડાં બદલીને આવી ગઇ. તેણે ટૂંકું ચમકતું પારદર્શક સ્કર્ટ પહેર્યું હતું. અને ઉપર લો કટનું નાનકડું ટોપ. તેની અડધી જવાની બહાર છલકાઇ રહી હતી. તેના રૂપની મોહીની રવિકુમાર પર પથરાઇ ગઇ.

"વાહ! તું તો કોઇ આઇટમ ગર્લ જેવી દેખાય છે!"

"હા, આજે પહેલાં તમારી સામે એક આઇટમ ગીત જ રજૂ કરવાની છું...તમે પણ કપડાં ચેન્જ કરીને આવી જાવ."

રવિકુમાર નામમાત્રના કપડાં પહેરીને આવ્યા એટલે અર્પિતાએ મોબાઇલને બ્લ્યુટૂથથી જોડીને સેક્સોફોન પર ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત શરૂ કર્યું. જેમાં "રાત બાકી હોના હૈ જો હો જાને દો" ગીત વાગતું હતું.

અર્પિતા રવિકુમારને ભેટી પડી. અને શરીરના દરેક અંગ ઘસાય એટલી ભીંસ આપી. રવિકુમારે પણ એટલા જ ઝનૂનથી અર્પિતાને જકડી લીધી. અર્પિતાએ પકડ ઢીલી કરી અને પોતાના લાલ હોઠ રવિકુમારના હોઠ પર ભીંસી દીધા. રવિકુમાર જાણે પ્રેમની સમાધિમાં આવી ગયા. લાંબા સમય પછી તેમણે કોઇ છોકરી સાથે આ રીતે ચુંબન કર્યું હતું.

અર્પિતાએ તેમના પર ચુંબનોની વર્ષા કર્યા પછી મોબાઇલમાં ગીત બદલ્યું. તેણે "દિલબર દિલબર" ગીત પ્લે કરી તેના પર ડાન્સ શરૂ કર્યો. તેના અંગમરોડ અને નાજુક અંગોના ઉછાળાથી રવિકુમાર પાણી પાણી થઇ ગયા. તેમના શરીરમાં રક્તપ્રવાહ વધી ગયો. તેમણે અર્પિતાને પકડીને તેના નાજુક અંગો પર હાથ ફેરવી લીધા. અર્પિતાએ તેમને બાજુ પર ખસેડી આખું ગીત પૂરું કર્યું. રવિકુમારે ખુશ થઇને તાળીઓ પાડી. અર્પિતાએ મોબાઇલમાં હળવું સંગીત મૂકી દીધું અને ફરી કપડાં બદલીને આવી ગઇ. તે હવે ટુ પીસમાં હતી. ગોરી અર્પિતા લાલ ટુપીસમાં કોઇનો પણ મોહભંગ કરી દે એવી અપ્સરા જેવી લાગી રહી હતી. રવિકુમાર હવે તેના રૂપ પાછળ ઘેલા થઇ ચૂક્યા હતા. તે અર્પિતા સાથે મસ્તી કરવા લાગ્યા. અર્પિતાની વધતી જતી હોટનેસ પર ફિદા થયેલા રવિકુમારે તેનું ઉપવસ્ત્ર ઉતારી લીધું. અને પાગલ બનીને પ્રેમ કરવા લાગ્યા. હવે રવિકુમાર તમામ હદ પાર કરવા તૈયાર થઇ ગયા હતા. અનંગના રંગમાં તે રંગાઇ ગયા હતા. બસ હવે થોડી જ ક્ષણોમાં તે એક નવો અનુભવ કરવા ઉતાવળા થઇ રહ્યા હતા. અચાનક રવિકુમારનો આગળ વધતો હાથ અટકાવી અર્પિતા બોલી ઊઠી:"ઓહ નો!"

એ સાંભળી રવિકુમાર ચમકી ગયા.

રવિકુમારને હળવો ધક્કો મારી તે દૂર ઊભી રહી અને "સોરી સર!" બોલી વોશરૂમ તરફ દોડી ગઇ.

તડપતા રવિકુમાર તેના આવવાની રાહ જોતા દરવાજા સામે તાકીને બેસી રહ્યા. ખરો રંગ જામ્યો હતો અને હવે બે શરીર એક થવા જઇ રહ્યા હતા ત્યારે તે ક્યાં જતી રહી?

થોડીવાર પછી અર્પિતા માથું ઝુકાવીને બહાર આવી અને રવિકુમારની માફી માગતા બોલી:"સર, હું મજબૂર છું. તમારી બધી ઇચ્છા પૂરી કરી શકું એમ નથી..."

"પણ અચાનક શું થયું? તું અટકી કેમ ગઇ."

"સર! મને કહેતા શરમ આવે છે પણ શું કરું? હું ટાઇમમાં આવી ગઇ!"

"ઓહ! આ તો પિક્ચરનું ક્લાઇમેક્સ આવે અને વીજળી વેરણ થાય એવું થયું..."

"સર! તમે ચિંતા ના કરો. આ પિક્ચર તો પૂરું થશે. હું બીજીની વ્યવસ્થા કરાવું છું."

"કોને બોલાવીશ રચનાને? એ મને પસંદ નથી. તારી તોલે એ ના આવે!"

"સર! મારાથી મોંઘી સ્ત્રીની વાત કરું છું"

"કોણ છે? અને આ સમયે ક્યાંથી આવી શકશે?"

"એ બાજુના બંગલામાં જ રહે છે."

"પણ કોણ છે?"

"રાજીબહેન..."

"શું? રાજીબહેન આવશે?"

"કેમ? ના આવી શકે? તમારો ફેરો ફોગટ ના જવો જોઇએ. તમે કહેશો તો ના પાડી શકશે નહીં. એમનો સાથ તમને ગમશે!"

અર્પિતાએ રવિકુમારના જવાબની રાહ જોયા વગર રાજીબહેનને ફોન લગાવી દીધો અને રૂમના એક ખૂણામાં જઇ વાત કરતાં કહ્યું:"મેમ, કુદરતે પિક્ચર અટકાવ્યું છે." કહી અર્પિતાએ પોતાનો પ્રોબ્લેમ જણાવી દીધો.

"આમ કેમ થયું? તારી તારીખને તો હજુ ત્રણ દિવસ બાકી છેને?" પછી એ મુદ્દે વધારે વાત કર્યા વગર આગળ બોલ્યા:"તું બાજુના રૂમમાં આરામ કર હું કોઇ સારી છોકરીને મોકલું છું..."

"મેમ, પહેલાં સરને પૂછી લો ને...હું એમને ફોન આપું છું." કહી અર્પિતાએ રવિકુમારને ફોન પકડાવી દીધો.

"હલ્લો સર! સોરી તમને તકલીફ પડી હશે. હું બીજી વ્યવસ્થા કરું છું...."

"મેડમ, તમે પોતે હાજર છો પછી બીજી વ્યવસ્થાનો પ્રશ્ન જ આવતો નથી. તમારી કંપની મને ગમશે. દરેક ફિલ્મના ક્લાઇમેક્સમાં ટવિસ્ટ આવે જ છે. અર્પિતાનો કોઇ વાંક નથી. તેની સ્થિતિ જ એવી છે કે આપણે કંઇ કહી શકીએ નહીં. હું તમારી રાહ જોઉં છું..." કહી રવિકુમારે ફોન કટ કરી દીધો અને અર્પિતાને રજા આપતાં કહ્યું:" અર્પિતા, થેન્ક યુ, મજા આવી. તેં મારામાં રહેલી પ્રેમની લાગણીઓને જગાવી દીધી..."

"માય પ્લેઝર!" કહી અર્પિતા પોતાનું પર્સ લઇ બાજુના એસી રૂમમાં જતી રહી.

રવિકુમારના આદેશથી રાજીબહેન હચમચી ઊઠ્યા. પોતે તો કોઇ દિવસ આ રીતે કોઇ ગ્રાહકની પાસે ગઇ નથી. રવિકુમારને કદાચ આ વાતની ખબર નહીં હોય. પણ તેમને ના કેવી રીતે પાડી શકાશે? એમના સહકારથી જ આ ધંધો ચાલે છે. તેમની સાથે રાત વીતાવવામાં પણ જોખમ છે. તેમને મારો સાથ પસંદ આવશે અને વારંવાર બોલાવશે તો શું કરીશ? અને ના જાઉં તો આ ધંધામાં વિધ્ન ઊભું કરશે? આ અર્પિતાએ મોટું સંકટ ઊભું કર્યું છે. રવિકુમારની વાત સાચી છે. અર્પિતા પણ કુદરતની સામે લાચાર છે. રવિકુમાર પાસે જવું કે ના જવું એનો નિર્ણય લઇ ના શકતા રાજીબહેન અરીસા સામે ઊભા રહી પોતાના રૂપને જોઇ રહ્યા. જાણે પોતાના પ્રતિબિંબને પૂછી રહ્યા કે "જવું જોઇએ કે નહીં?"

*

રાજીબહેન શું નિર્ણય લેશે? રવિકુમાર પાસે જશે તો વારંવાર બોલાવશે એવી શંકા સાચી પડશે? કે નહીં જાય તો નારાજ થઇ જશે અને ધંધામાં અડચણ લાવશે? હેમંતભાઇને છંછેડવાની ગુસ્તાખી અર્પિતાને હવે ભારે પડશે? વર્ષાબેન લાલજી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા પણ કયો છૂપો ડર તેમને સતાવવા લાગ્યો? આ બધું જ જાણવા હવે પછીના એક પછી એક રોમાંચક રહસ્ય ખોલતાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

વાચકમિત્રો,

આભાર! "રેડલાઇટ બંગલો" ના ૮૯૦૦૦ ડાઉનલોડ માટે! અંત તરફ આગળ વધતી "રેડલાઇટ બંગલો" નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. મિત્રો, આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂરથી આપશો. એ મને વધુને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે. આભાર!

રેટ કરો અને રિવ્યુ આપો

Bhart .K

Bhart .K 1 માસ પહેલા

Hims

Hims 6 માસ પહેલા

girish ahir

girish ahir 10 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 4 વર્ષ પહેલા