Who Wrote Ramayan ? books and stories free download online pdf in Gujarati

કોણે લખી રામાયણ ?

આભાર: કથાબીજ જયેશભાઇ તાયડે સાથે ની વાતમાથી મળ્યું માટે તેમનો ખૂબ ખૂબ આભાર.....


આરતી પૂરી થયા પછી મંદિરની બહાર જયલાની ચાની કીટલી પર ઓટલા પરિષદ ભરાઈ હતી. કાંતાબેન,શાંતાબેન, મંગુડોશી શાંતિભાઈ,કાંતિભાઈ, કચરાકાકા અને ડાહ્યાલાલ બેસીને ગપ્પા મારતા હતા અને દિવાળી પર જાત્રાએ ક્યાં જવું એની ચર્ચા કરતા હતા, એટલામાં કાંતિભાઈ બોલ્યા  "આ રમણીક કેમ આજે દેખાયો નહી? ત્યાં ડાહ્યાલાલ બોલ્યા "થિંક ઑફ ધ ડેવિલ એન્ડ ડેવિલ  ઇઝ હિયર " આ આવ્યો. રમણીકલાલ નો મુડ કંઇ સારો હોય એમ લાગતું ન હતું. કચરા કાકાએ કહ્યું "શું થયું રમણીક તારો મૂડ કેમ ઑફ છે? જાણે બૈરા સાથે ઝઘડીને આવ્યો હોય એવું લાગે છે.ડાહ્યાલાલે કહ્યું  "લ્યા તારે ક્યાં અમારાં જેવું દુખ છે? તારું બૈરું તો સ્વર્ગે સિધાવી ગ્યું કયારનુય. કેમ તારો મૂડ ઑફ છે? ઘેર કંઈ પ્રોબ્લેમ થયો?  રમણીકે જવાબ ના આપ્યો જયલો રોજના ક્રમ પ્રમાણે રમણીકને આદુ ફુદીનાવાળી ગરમાગરમ ચા આપી ગયો, રમણીકે ચાની ચૂસ્કી ભરી ને જયલા પર તાડૂક્યો "અલ્યા ખાંડ કેમ ઓછી છે પૈસા પુરા લે છે તો ખાંડ પૂરી નાખ ને આ લોકોને ડાયાબિટીસ છે મને નહીં." જયલાને શાંતાબેને ઈશારો કર્યો કે આજે તપેલી ગરમ છે. શાંતિભાઈ એ શાંતિથી રમણીકને ખાંડ નાખતાં નાખતાં પૂછ્યું શું થયું? કેમ આજે સવાર સવારમાં મૂડ ખરાબ છે ? રમણીકે કહ્યું દિવાળીમાં જાત્રાએ જવાનું પ્લાનિંગ કર્યું છે પણ હું નહીં આવી શકું. કાંતાબેને પૂછ્યું કેમ ?  રમણીકે ગુસ્સામાં કહ્યું "મારો દીકરો કે છે કે વિચારીને કહેશે.માત્ર 25 હજાર રૂપિયા માંગ્યા છે જાત્રાના, તોય કે છે કે વિચારીને કહીશું.પછી મગજ જાય કે ના જાય? સાલું આપણે એમને મોટા કર્યાં,ભણાઇ ગણાઇને કામ ધંધે વળગાડ્યા ને હવે જ્યારે મારા માટે હું પૈસા માગું છું તો કે છે વિચારવું પડશે. આપણે તો કદી વિચાર્યુ નહોતું આપણા મા-બાપને જાત્રાએ મોકલવા માટે. ડાયાલાલે કહ્યું અરે ભાઈ આપણા જમાનામાં આટલા ખર્ચા નહોતા. મધ્યમ વર્ગના માણસને ઘર ચલાવવું અઘરું છે ભાઈ. અત્યારે મોંઘવારી કેટલી છે તું જો તો ખરો. પેટ્રોલના ભાવ, કેબલ ટીવીના ભાવ,વીજળીના ભાવ, શાકભાજીના ભાવ, અનાજના ભાવ. માણસ લાગણી બતાવવા માગતો હોય તોય એ ભાવ વધારો એનો ભાવ બતાવવા નથી દેતો. રમણીકે કાઉન્ટર એટેક કર્યો, અરે પણ પંદર દિવસે પિક્ચર જોવા જવાય છે. હોટલમાં મહિને જમવા જવાય છે. ત્યાં એમને ભાવ વધારો કે પૈસા નથી નડતા? બૈરીનો ગુલામ છે ગુલામ મારો છોકરો. કચરા કાકાએ કહ્યું એમ તું બૈરીનો ગુલાબ નહોતો?
એલ એન, રુપમ, રિલીફ ને લાઈટહાઉસમાં તુ પિક્ચર જોવા નહોતો જતો? બાંકુરા, હેવ્મોર,કલાપી,સંકલ્પને વુડલેન્ડમાં તું કોફી પીવા, ઢોંસા ખાવા ન્હોતો જતો? કચરાકાકા એ રમણીકનો કચરો કરી નાખ્યો. શાંતિલાલે કહ્યું બધી મોંઘવારીની રામાયણ છે ભાઈ ત્યાંજ  જયલો વચ્ચે કૂદ્યો ને બોલ્યો "તમે રામાયણની ક્યાં વાત કરો છો તમને ખબર છે આ રામાયણ કોણે રચીતિ? શાંતાબાએ કહ્યું "વાલ્મિકીએ" જયલાએ કહ્યું ના રામાયણ વાલ્મિકીએ ન્હોતી રચી. ડાહ્યાલાલ તરત બોલ્યા, "તો ભઇ કોણે રચેલી? જયલાએ કહ્યું "રામાયણ શ્રવણના મા-બાપે રચીતિ. બધાને આ સાંભળીને આશ્ચર્ય થયું. શાંતિભાઈએ કહ્યું અલ્યા જયલા આ તું નવું લાયો પાછો. કેવી રીતે? જયલાએ કહ્યું "હમજાવું. અને પછી જયલાએ રામાયણની જે સમજણ આપી કે ત્યાં બેઠેલા બધા વડીલો વાલ્મિકી તુલસીદાસ અને બીજા અનેક લોકોએ કરેલા રામાયણના અર્થઘટન સામે જયલાએ કરેલા અર્થઘટનને સાંભળીને અવાક થઈ ગયા. બધા ની બોલતી બંધ થઈ ગઈ અને મગજના દ્વાર ખુલી ગયા.

જયલાનુ રામાયણનું આવું અર્થઘટન સાંભળીને એ લોકો પણ વિચારમાં પડી ગયા કે ક્યારેય આ એન્ગલ થી તો કોઈએ રામાયણ ને જોઈ જ નહીં હોય. આવું ગૂઢ અર્થઘટન તો એક સામાન્ય માણસ જ કરી શકે.ડાહ્યાલાલ બોલ્યા એ જયલા આ વાત પર ચા પીવડાવી દે. બધા આદુ-ફુદીના અને મસાલાવાળી ચા પી ને છુટા પડયા.

રમણીકલાલ ઘરે પહોંચ્યા ત્યારે એમનો દીકરો શ્રવણ ઓફીસ જવા નીકળતો હતો એણે કહ્યું "પપ્પા આવી ગયા તમે. સારું થયું, આલો તમારી જાત્રા જવાના પૈસા અને રમણિકલાલના મગજમાં જયલા એ કરેલું રામાયણનું અર્થઘટન ગુંજી ઉઠયું.

જયલાએ કહેલું " હમજાવું. રામાયણની વાત ક્યાંથી શરૂ થાય છે? શ્રવણ એના મા-બાપને જાત્રા કરવા લઈ ગયો ત્યાંથી બરાબરને? હવે જો શ્રવણના મા-બાપે જીદ ના કરી હોત તો શ્રવણ એમને જાત્રાએ ના લઇ જાત, જાત્રાએ ના લઈ જાત તો એમને તરસ ના લાગત, તરસ લાગત તો શ્રવણકુમાર પાણી ભરવા ના જાત, પાણી ભરવા ના જાત તો  દશરથ એને હરણું સમજી બાણ ના મારત,બાણ ના મારત તો શ્રવણ ના મરત અને શ્રવણ મરત નહિ તો શ્રવણના માબાપ દશરથને પુત્ર વિયોગનો શ્રાપ ના આપત, શ્રાપ ના આપત તો મઁથરા  કૈકેયીને વચન યાદ ના અપાવત અને વચન ના યાદ આપાવત તો રામે વનવાસ ના જવું પડત અને વનવાસ ના જવું પડત તો રાવણ સીતાનું હરણ ના કરત અને હરણ ના કરત તો રામ રાવણનું યુદ્ધ ના થાત અને રામાયણ પણ ના થાત એટલે મું તો કહું છું કે રામાયણ શ્રવણના મા-બાપ ની જાત્રા કરવાની ઇચ્છાથી રચાઈ છે. એ લોકો આંધળા હતાં.ત્યાં જઇને પણ દર્શન તો મનની આંખોથી જ કરવાનાં હતાં તો ઘરે રહીને મનની આંખોથી,અંત:કરણથી ભગવાન ને યાદ કર્યા હોત તો?  જાત્રાએ ના ગ્યાં હોત ને શ્રવણના ઘરે રહીને શાંતિથી જીવતા, ખાઈ-પીને લેર કરતાં તો શું લુટાઇ જવાનુ હતુ?

તમને ખબર છે શ્રવણકુમાર એમને જાત્રાએ લઈ ગયા એટલે એમની બૈરી એમને છોડીને જતી રહી. બચારા મા-બાપને કાવડમાં ઉચકી ઉચકીને હેંડતા હેંડતા બધે ફર્યા એમના બાવડા કેટલા દુખતા હશે? પગમાં કેટલા કાંટા વાગ્યા હશે? પણ  તોય બધુ દુઃખ ભૂલીને એ હસતે ચહેરે મા-બાપને જાત્રા કરવા લઈ ગયા.જો શ્રવણકુમારનાં મા-બાપ હમઝયા હોત તો આ રામાયણ જ ના થાત એટલે રામાયણ તો શ્રવણના મા-બાપની  આંધળી ઇચ્છાને કારણે રચાઈ. ભઈ મને તો એટલું જ ખબર પડે છે." 

"પપ્પા ક્યા વિચારોમાં ખોવાઇ ગયા?" શ્રવણે રમણીકભાઇ ને ખભે હાથ મૂકતા પુછ્યું.એમણે કહ્યું ના બેટા અમારી જાત્રા નો પ્રોગ્રામ કેન્સલ થયો છે તારે નવું વોશિંગ મશીન લાવુ છે ને એ લઈ આવ.વહુને બહું તકલીફ પડે છે ને....

જયલા નામની કંપનીના વોશિંગ મશીને રમણિકલાલના મગજમાંથી બધો જ મેલ ધોઈ કાઢ્યો હતો.

- જીગર બુંદેલા

SWA MEMBERSHIP NO :032928

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED