NATSAMRAT books and stories free download online pdf in Gujarati

નટસમ્રાટ

ગુરુ પૂર્ણિમાના અવસરે મારાં નાટ્યગુરુ શ્રીકાંત બિલગી ને અર્પણ.....

ઠાકોરભાઈ દેસાઈ હોલમાં audience full pack હતું સેકન્ડ બેલ ગયો હતો અને થર્ડબેલ જવામાં થોડી જ વાર હતી. પ્રતીક લાઇટવાળા અને મ્યુઝીકવાળાને છેલ્લી ઇન્સ્ટ્રકક્ષન્સ આપી રહ્યો હતો. પ્રતીક આજના નાટકનો ડિરેક્ટર - દિગ્દર્શક હતો. એટલામાં જ એમનો બેકસ્ટેજવાળો ભરત દોડતો દોડતો પ્રતીક પાસે આવ્યો અને પ્રતીકને કહ્યું, "પ્રતિકભાઇ ફરી પાછી સેવકરામ અને વિજયસર વચ્ચે બબાલ થઈ છે. " પ્રતીક બોલ્યો " આ લોકોને શુ પ્રોબ્લેમ છે જ ખબર નથી પડતી." ફટાફટ પ્રતીક ત્યાં પહોંચ્યો પ્રતીકે જઈને પૂછ્યું સેવકકાકા શું પ્રોબ્લેમ થયો છે ? સેવકરામ જે બેકસ્ટેજનું કામ કરતા હતાં એમણે કહ્યું, "પ્રતિકભાઇ મેં ખાલી વિજયભાઈને એટલું કહ્યું તમે મોબાઇલ તમારા ખિસ્સામાં મૂકી દો પહેલી એન્ટ્રીની તમારી પ્રોપર્ટી છે પછી ભૂલી જશો. ત્યાં જ રાઈઝીગ સ્ટાર વિજય કૂદી પડ્યો " પણ મેં એમને ના પાડી છે કે એમણે મને ક્યારેય સુચના આપવી નહીં. મને ભાન પડે છે. હું પણ એક એક્ટર છું. મને ખબર પડે છે કે મારે શું લઈ જવાનું છે અને શું નથી જવાનું છે. દર વખતે મને શીખવાડવાની કોશિશ કરે છે, વિજયભાઈ તમે આમ કરો વિજયભાઈ તમે તેમ કરો. એમને કહી દે કે મને બધું શીખવાડવાની જરૂર નથી મને બધું આવડે જ છે." પ્રતીકે કહ્યું પણ વિજય એમની વાત સાચી છે ને ગયા શૉમાં તારી પહેલી એન્ટ્રીમાં મોબાઈલ ભૂલી ગયો હતો અને તેને ખબર છે ને કે શું થયું હતું ? વિજય કહ્યું પણ મેં સંભાળી લીધું હતુંને. સેવકરામ બોલ્યા " ઓડિયન્સ તમે સમજો છો એટલું મૂર્ખ નથી." વિજય ગુસ્સે થઈ બોલ્યો જો પાછું મને સલાહ આપવા બેઠા.જુઓ મને આવડે છે મારી ભુલ સંભાળતા ને સુધારતા એટલે તમારે મને વારે ઘડીએ શીખવાડવાની જરૂર નથી કહી દે પ્રતીક આમને. આજનો show ખુબ મહત્વનો હતો કારણ કે આજના શૉ પર એમના ગ્રુપને out of india જવાનો મદાર હતો એટલે પ્રતીકે વધુ માથાકૂટ ન કરતા ઓર્ડર આપ્યો પ્લીઝ ઓલ સ્ટેન્ડબાય અને થર્ડ બેલ જવા દેવાનું કહ્યું ને સેવકરામને કહ્યું તમે બીજી બાજુ હિરોઈનની એન્ટ્રી બાજુ પર જતા રહો.

થોડી જ વારમાં પરદો ખુલ્યો નાટક શરૂ થયું અને એ સીન આવી ગયો જેમાં વિજયને બહારથી એન્ટ્રી કર્યા પછી તરતજ મોબાઇલ ની જરૂર હતી અને...અને એઝ યુઝવલ વિજય મોબાઈલ ભૂલી ગયો હતો. મોબાઇલની રિંગ વાગી રહી હતી... પ્રતીકે માથું કૂટ્યું ત્યાંજ સેવકરામે એન્ટ્રી કરી અને વિજયને મોબાઇલ આપ્યો અને કહ્યું કે "સાહેબ તમે મારી રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા.આજના જમાનામા બૈરી ભુલાય પણ મોબાઇલ ના ભુલાય." ઓડિયન્સમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.લાફટર સાથે સેવકરામે પોતાના અનુભવને લીધે આ સીન સાચવી લીધો. વિજયને ખૂબ ગુસ્સો આવ્યો હતો.

ઇન્ટરવલ પડ્યો અને વિજય પ્રતીક પાસે ગયો અને કહ્યું સેવકરામે એન્ટ્રી કરી ભાન નથી પડતું સેવકરામને ? સેવકરામને એ બોલવા જતો હતો ત્યાં જ પ્રતીકે સેવકરામનો પક્ષ લીધો અને કહ્યું કે મોબાઇલની રિંગ વાગતી હતી. વિજયે પ્રતીકને કહ્યું કે હું સાચવી લેત હું ત્યાં પડેલો લેન્ડલાઈન વાપરી લેત કોઈ પ્રોબ્લેમ ના આવતો. પ્રતીકે કહ્યું વિજય લેન્ડલાઈન અને મોબાઈલની રિંગ અલગ હોય છે, audience બધું જ સમજે છે કે કઇ મોબાઈલની રીંગ હોય છે અને કઈ લેન્ડલાઇનની એટલે જ તને સેવકરામ મોબાઈલ આપી ગયા એ ખૂબ જ સારું થયું નહિતર શું થાત? લોકો તારી સાથે સાથે મારી પણ હાંસી ઊડાવત અને વિજયની બોલતી બંધ થઈ ગઈ.

વિજય એક નવો ઉભરતો સિતારો હતો નાટકની દુનિયામાં ફિલ્મી દુનિયામાં અને સીરીયલની દુનિયામાં એનું નામ ધીરે-ધીરે થઈ રહ્યું હતું લોકો એને જોવા આવતા. સેવકરામ અને વિજયને ઉભા નહોતું બનતું.

સેવકરામ નાટકની કલાને ડેડિકેટેડ વ્યક્તિ હતા એટલે એ ખૂબ જ punctual હતા. એ બીજાને કહેતા કે જો સારા એક્ટર બનવું હોય તો પોતાની પ્રોપર્ટીનું પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. અને સારા એક્ટર બનતા પહેલા સારા માણસ બનવું ખૂબ જરૂરી હોય છે. આવી ને બીજી ઘણી સલાહ આપતા જે વિજયને પસંદ નહોતું અને એટલે જ વિજય અને સેવકરામ વચ્ચે ચકમક થયા કરતી .

show ખૂબ જ સારો રહ્યો. ઘણા બધા લોકો જોવા આવ્યા હતા અને લોકોએ ખુબ વખાણ કર્યા વિજયના અને આખી ટીમના. આઉટ ઓફ ઇન્ડિયાના જે sponsors આવ્યા હતા એમણે પણ ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે બસ હવે ટૂંક જ સમયમાં આપણે out of india આ નાટકના શૉ કરીશું પણ શરત એક જ છે એમાં મેઈન રોલમાં વિજય જ હોવો જોઈએ વિજય વગર આ નાટક નહીં થાય. વિજયે સેવકરામ ની સામે જોયું એના ચહેરા પર એક egoistic હાસ્ય હતું જ્યારે સેવકરામે સામે જોઈ અને ખાલી સ્માઈલ આપ્યું. એ સ્માઈલમા કોઈ Ego નહોતો કોઈ જ દ્વેષ ન્હોતો . માત્ર ખુશી હતી .

વિદેશ જતા પહેલા સ્પોન્સરે ઇન્ડિયામાં એક મેગા શું કરવાનું નક્કી કર્યું હતું, અને એ શોમાં ઘણા બધા સેલિબ્રિટીઝ હાજર રહેવાના હતાં. ઘણા બધા નેતાઓ,અભિનેતાઓ હાજર રહેવાના હતા.એની તૈયારી શરૂ થઈ ગઈ હતી રિહર્સલમા જ વિજયે પ્રતીકને કહી દીધું કે તુ સેવકરામને કહી દે જે કે મને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની એમણે જરૂર નથી અને ના મારી કોઈ પ્રોપર્ટીનું ધ્યાન રાખવાની.

વિજયને પોતાની સફળતાનો ઇગો હતો. રિહર્સલમા પણ એ ધ્યાન ન્હોતો આપતો. રિહર્સલમા પણ મોબાઇલ ઉપર whatsapp કે ફેસબુક ઉપર પોતાના ફોટા અને status અપલોડ કરવામાં મગ્ન રહેતો. ક્યારેક ક્યારેક તો એન્ટ્રી પણ ભૂલી જતો અને એક દિવસ એ એન્ટ્રી ભૂલી ગયો. સેવકરામે એને યાદ અપાવી તેથી સેવકરામ ઉપર બગડ્યો. સેવકરામને કહ્યું કે તમારે મારી એન્ટ્રી યાદ રાખવાની જરૂર નથી મને ખબર પડે છે મારી એન્ટ્રી ક્યારે આવવાની છે. સેવકરામે કહ્યું સર તમે મોબાઈલમાં મસ્ત હતા એટલે મેં તમને કહ્યું તમને તો ખબર છે ને કે પ્રતિકભાઇ એક નાનકડી પણ ભૂલ થાય તો આખો સીન ફરીવાર કરાવડાવે છે. જો તમારી ભૂલ થઈ હોત ને એન્ટ્રી સમયસર ન થઈ હોત તો બધાને ફરી પાછા હેરાન થવું પડતું. વિજયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એણે સેવકરામનું અપમાન કરી નાખ્યું પ્રતીકે વિજયને કહ્યું સેવકરામ ખૂબ સરળ વ્યક્તિ છે અને ખૂબ સિન્સિયર ને સિનિયર વ્યક્તિ છે અને એટલે જ તને તારી એન્ટ્રી કરવા કહ્યું.વિજયને પ્રતીકે સેવકરામનો પક્ષ લીધો એ ગમ્યું નહીં.

જેમ તેમ કરી બધું થાળે પડ્યું અને ટી બ્રેક પડયો બધા સાથે બેસીને ચા નાસ્તો કરવા લાગ્યા કોઈકે સિન્સિયારીટી અને કામની બાબતનાં ડેડીકેશનની વાત કાઢી અને વિજયને મોકો મળી ગયો વિજય હસતાં બોલ્યો " કેટલાય એવા છે કે જે લોકો ડેડિકેટેડ હતા એ લોકોને શું મળ્યું? કશું નહીં. પરિવારનું ગુજરાન પણ માંડ માંડ ચલાઈ શકતા હશે. એવા ડેડીકેશનનું કઈ કામ નથી હોતું. અત્યારે જમાનો માર્કેટિંગનો છે. ફેસબુક,યુ ટ્યુબ ને વોટ્સ એપ પર માર્કેટિંગ કરવું પડે તો ચલાય છે. એક્ટિંગ કરતાં નાં આવડે તો ચાલશે માર્કેટિંગ કરતા આવડવું જોઈએ. જે કેટલાક લોકોને નથી આવડતું હોતું અને એટલે જ બિચારા આજે પણ બેકસ્ટેજ જ કરે છે વિજય નો ઈશારો સેવકરામ તરફ હતો. સેવકરામ ચૂપચાપ બધાને ચા નાસ્તો આપી રહ્યા હતા.વિજય સેવકરામનું અપમાન કરવાનો એક પણ મોકો નહોતો છોડતો. ગ્રાન્ડ શૉ મા બે દિવસ બાકી હતા.

પ્રતીક રિહર્સલ પતાવી ઘરે જ પહોંચ્યો હતો ત્યાં જ એનો મોબાઇલ રણકયો જોયું તો વિજયનો કોલ હતો પ્રતીકે કોલ ઉપાડ્યો અને સામે છેડેથી કોઈ બીજું જ બોલતું હતું એણે કહ્યું કે " ભાઈ આ ભાઈનો એક્સિડન્ટ થયો છે અને એમને અમે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છીએ સિવિલ હોસ્પિટલમાં તમે ત્યાં પહોંચો. પ્રતીક ફટાફટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં જઈને જોયું તો વિજયને પગમાં ફ્રેક્ચર થયું હતું જે ભાઈ એને હોસ્પિટલ લઇને આવ્યા હતાં, તેમણે કહ્યું કે આ ભાઈ 80 ની ફુલ સ્પીડમાં આવતા હતા અને એમનું બાઈક સ્લીપ થઈ ગયું .ડોક્ટરે કહ્યું કે વિજયના જમણા પગમાં ને થાપામાં ફ્રેક્ચર થયું છે અને એણે ત્રણ મહિના સુધી complete bed rest કરવો પડશે આ સાંભળીને પ્રતીકના મોતિયા મરી ગયા બે દિવસ પછી શૉ છે જેના પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે હવે શું થશે એ ઘરે આવ્યો એને યાદ આવ્યું કે એણે વિજયને ચેતવ્યો હતો કે તું fast bike ન ચલાવતો બે દિવસ પછી શૉ છે, સંભાળીને ચલાવજે પણ વિજય ઉકળતું ઊછળતું લોહી હતો એણે પ્રતીકની વાત ન માની .

બીજા દિવસે રિહર્સલમાં પ્રતીક બેઠો હતો બધા જ ચિંતામાં હતા કે હવે શું થશે ગ્રાન્ડ ઓપનિંગના પાસ વેચાઈ ગયા છે અને હવે જો શો કેન્સલ કરવામાં આવે તો ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે. બેકસ્ટેજવાળો ભરત જૂની પ્રોપર્ટીની બેગમાંથી સામાન કાઢતો હતો, તેના હાથમાં એક આલ્બમ આવ્યો. આલ્બમ જુનો હતો એ આલ્બમ લઈને પ્રતીક પાસે આવ્યો અને album આપ્યો પ્રતીકે ધૂળ ખંખેરી અને આલ્બમ જોયો જેમાં એના પપ્પાએ કરેલા જુના નાટકોના ફોટા હતા. પ્રતીકના પપ્પા પણ પ્રોડ્યુસર - ડિરેક્ટર હતા અને એમની આ નાટક કંપની હતી. પ્રતીક જુના ફોટા જોવા લાગ્યો જુના ફોટા જોવાની ખૂબ જ મજા આવતી, અને એની જૂની યાદો તાજી થઈ ગઈ કે જ્યારે ખૂબ જ નાનો હતો અને નાટક માટે એના પપ્પા સાથે હોલ પર આવતો હતો ત્યારે બધા એની સાથે ખુબ જ મસ્તી કરતા એને રમાડતા ફોટા જોતા જોતા એને બધું યાદ આવવા લાગ્યું એટલામાં એક ફોટો જોયો અને ત્યાં એ રોકાઈ ગયો.

ભરત પણ ફોટા જોતો હતો. ભરતે કહ્યું સાહેબ આ કોણ છે આ તો અદ્દલ વિજય જેવા લાગે છે વિજયભાઈની ડુપ્લીકેટ કોપી હોય ને એવું જ લાગે છે અને એ આતિશ હતો. પ્રતીકે કહ્યું ભરત એ આતિશ છે.આતિશનો એક જમાનો હતો લોકો એને જોવા માટે સવારથી લાઇન લગાવતા હતા. પણ આ ફિલ્ડ આ ક્ષેત્ર જ એવું છે જેમાં ઉગતા સૂરજને નમસ્કાર હોય છે. જો રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારનો પણ સૂરજ ઢળવા આવ્યો ત્યારે લોકો એમને ભૂલી ગયા હતાં, જ્યારે આતો.... આતો આતિશ હતો.

આતિશ ઉર્ફે સેવકરામ.

નાટકનો જીવ આને કોણ યાદ રાખવાનું હતું સેવકરામનું નામ સેવકરામ નથી. સેવકરામનું નામ હતું આતિશ.

આતિશ એટલે આગ.સેવકરામ એટ્લે કે આતિશને જોવા માટે લોકો લાઇન લગાવતા એમની બોલવાની સ્ટાઇલ એમનું ફૂટવર્ક અને એની ડાયલોગ ડીલીવરી ઉપર લોકો પૈસા ઉડાવતાં, પણ બધાનો સમયે સારો નથી જતો હોતો બસ એ જ રીતે ટેલિવિઝન અને ફિલ્મોનું ચલણ વધતા આતિશની અંદરની આતિશ ઓછી થઈ ગઈ અને પછી નાટકો પણ એવા થવા લાગ્યા કે જેમાં માત્ર કોમેડી, whatsapp jokes અને દ્વિઅર્થી જોક્સ આવવા લાગ્યા જેમાં આતિશ ઢળી ન શક્યો અને ધીરે ધીરે એમણે એક્ટિંગ કરવાનું ઓછું કરી નાખ્યું પણ પાપી પેટનો સવાલ હતો એટલે પછી એ બેકસ્ટેજમાં જોડાઈ ગયા અને લોકોની સેવા કરવા લાગ્યા.

આ વિજય જેવા Artistઓની પણ સેવા કરવા લાગ્યા અને એટલે જ લોકોએ એમને સેવકરામ નામ આપી દીધું બાકી મેં જોયા છે એમને એક્ટિંગ કરતા એમના જેવી એક્ટિંગ કોઈ કરી ન શકે. ઓડિયન્સને mesmerize કરી દેતા એમની એન્ટ્રી સાથે જ સ્ટેજ ઉપર જાણે નવી એનર્જી ઉભી થતી અને એનર્જીમાં લોકો ખેંચાઇ જતા લોકો આજુબાજુનું બધું જ ભૂલી જતા અને એમની એક્ટિંગ માં એવા ઓતપ્રોત થઈ જતા કે જો એ રડતા તો લોકો પણ રડતા અને હસતા તો લોકો પણ હસતા. એમની પાસે શીખવા જેવું ઘણું છે પણ વિજય જેવા લોકો એમની પાસેથી નહીં શીખી શકે એમને એમનો ઈગો નડે છે એટલે જ હું સેવકરામની એટલી જ કદર કરું છું અને એમની એટલી જ ઈજ્જત કરું છું. મને ખબર છે તમને બધાને આ બધું નથી ગમતું સેવક રામનો પક્ષ લઉં અથવા તો હું એમનો પક્ષ લઇને તમને બોલું એ. પણ તમે લોકો સેવકરામને નથી જાણતા એટલે. ત્યાં જ ભરતે એક એવી વાત કરી કે પ્રતીક એ વાત સાંભળીને એકદમ અવાક થઈ ગયો પ્રતીક ને થયું કે આ એને કેમ ના સુઝ્યું જે ભરતને સૂઝ્યું.

ભરતે ફોટો જોઈને પ્રતીકને કહ્યું કે પ્રતિકભાઇ આ સેવકરામ અને વિજયનો ચહેરો તો એકદમ મળતો આવે છે. જો સેવકરામ એમની દાઢી અને મૂછ કાઢી નાખે તો વિજય જેવા લાગશે અને પ્રતીકે આતિશનો એ ફોટો જોયો અને એના મનમાં એક વિચાર ઝગ્યો.

એણે ભરતને કહ્યું જા સેવકરામને બોલાવી લાવ.ભરત ફટાફટ ગયો અને સેવકરામને બોલાવીને લાવ્યો પ્રતીકે કહ્યું સેવકકાકા તમે આ ભરત જોડે જાવ અને તમારી દાઢી અને મૂછ કઢાવીને આવો. સેવકરામને કંઈ ખબર ના પડી કે દાઢી મુછ કેમ કઢાવવાની હતી? સેવકરામે કહ્યું કે આ દાઢી મુછ તો નથી કઢાવવા દાઢી મુછ રહેવા દો. પ્રતીકે કહ્યું " ના સેવકકાકા હું જે કહું છું એ કરો અને ભરતને કહ્યું કે ભરત આમને લઈ જા અને દાઢી મુછ કરાવીને લેતો આવ."

થોડી જ વારમાં ભરત સેવકરામને દાઢી મુછ કઢાવીને લેતો આવ્યો. પ્રતીકે ત્યાં સુધી મેકઅપમેનને બોલાવી રાખ્યો હતો જેવા સેવકરામ આવ્યા કે પ્રતિકે મેકઅપમેનને કહ્યું , "આમનો મેકઅપ કર સેવકરામને કંઈ ખબર ન પડી કે મેકઅપ કેમ કરવાનો? સેવકરામે કહ્યું પ્રતિકભાઇ મેં ક્યારનું મેકઅપ કરવાનું છોડી દીધું છે પ્રતીકે એમને કાંઈ પણ બોલ્યા વગર બેસી જવા કહ્યું મેકઅપમેને સેવકરામનો મેકઅપ કર્યો અને પ્રતીકે આખી ટીમને બોલાવી.

આખી ટીમ સેવકરામને જોઈને અવાક થઈ ગઈ કારણકે સેવકરામ અને વિજય બંનેનો ચહેરો મળતો આવતો હતો ઘણાને એવું લાગ્યું કે સેવકરામ એ જ વિજય છે અને વિજય એ જ સેવકરામ છે. પ્રતીકે સેવકરામને કહ્યું આ નાટક નો ગ્રાન્ડ શૉ બે દિવસ પછી છે એ તમે સાચવી આપો. તમે અદ્દલ વિજય જેવા લાગો છો કોઈને ખબર પણ નહીં પડે કે વિજય છે કે સેવકરામ તમારા વાળને આપણે die કરી દઈશું તમને અદ્દલ વિજય જેવા તૈયાર કરીશું અને આમ પણ આટલી બધી ઓડિયન્સમાં એટલે દૂરથી કોઈને ખબર નહિ પડે કે વિજય નથી પણ તમે છો.

સેવકરામે ના પાડી કે ના મેં એક્ટીંગ કરવાનું છોડી દીધું છે, હું ડાયલોગ યાદ નહી રાખી શકું, મને નહી ફાવે. પણ પ્રતીકે અને આખી ટીમે એમને ખૂબ જ વિનંતી કરી અને પ્રતીકે કહ્યું કે જો આ ગ્રાન્ડ શૉ નહીં થાય તો સેવક કાકા હું ડૂબી જઈશ મને લાખોનું નુકસાન થશે અને આપણી ટીમ આઉટ ઓફ ઇન્ડિયાના શોઝ કરવા નહીં જઇ શકે. out of india જવામાં બે ત્રણ મહિના થશે ત્યાં સુધીમાં તો વિજય સાજો થઈ જશે તો પ્લીઝ મહેરબાની કરી અને મારી ઈજ્જત સાચવી લો હું તમારા બે હાથ જોડું છું.

એ જેવો હાથ જોડવા ગયો કે સેવકરામે એના બેન્ને હાથ પકડી લીધા એ હાથમા એક આગ હતી આતિશની આગ...સેવકરામમાંથી આતિશ પ્રગટ્યો હતો. આતિશે કહ્યું પ્રતિકભાઈ તમને તો મેં નાનાથી મોટા કર્યા છે હું તમારી સાથે રમ્યો છું તમને હસાવ્યાં છે તો તમને રડતા કેવી રીતે જોઈ શકું? ચાલો હું તૈયાર છું અને આખી ટીમ રાજી થઈ ગઈ પ્રતીકે ભરતને કામ સોંપ્યું સેવકરામને/ આતિશને ડાયલોગ યાદ રાખવાનું.

બે દિવસ ૪૮ કલાકમાંથી સેવકરામ માત્ર બે થી ચાર કલાક ઊંઘયા અને બધા ડાયલોગ યાદ કર્યા, કમ્પોઝિશન્સ યાદ રાખી લીધી અને ગ્રાન્ડ શૉનો દિવસ આવી ગયો.

પ્રતીકે એવો માહોલ ઊભો કર્યો કે વિજય કોઈને મળશે નહીં કારણકે આજનો શૉ એના માટે બહુ મહત્વનો છે, એટલે જ એ એકલો જ રહેવા માગે છે એટલે શૉની પહેલા કોઈ એને મળવા જશે નહીં જેથી કરીને સેવકરામ તૈયાર થઈ રહ્યા હોય ત્યારે કોઈ એમની પાસે જાય નહીં અને કોઇ જુએ નહિ કે આવી જાય નહી.

આ તરફ વિજયને સમાચાર મળ્યા કે સેવકરામ એનો રોલ કરી રહ્યો છે વિજયને હસવું આવી ગયું એને થયું ચાલો આજે સેવકરામની ફજેતી જોવા જઈએ અને એ નાટક જોવા નિકળ્યો. પ્રતીકે વિજયને કહ્યું કે પ્લીઝ તું audience મા નહીં બેસતો જો લોકો તને જોશે તો આ વાત ખુલ્લી પડી જશે કે સેવકરામ તારો રોલ કરી રહ્યા છે વિજય કહ્યું કે હું દાઢી-મૂંછ લગાવી મને કોઈ ઓળખી ન જાય એ રીતે નાટક જોવા બેસીસ તું ચિંતા ન કર. મારે આજે સેવકરામ ની ફજેતી જોવી છે. એના બોલવામાં એનો Ego દેખાતો હતો. પ્રતીકે કહ્યું સારું તારા માટે હું છેલ્લી રોમા એક સીટ રાખું છું નાટક શરૂ થાય પછી જ તું એન્ટ્રી કરજે.

પહેલો બેલ ગયો અને બધા ની ધડકનો વધવા લાગી countdown begins બીજો બેલ ગયો સેવકરામ / આતિશ એની વર્ષોની આદત મુજબ એક ખૂણામાં જઈને બેસી ગયો.

એક્ટર માટે આ જરૂરી હોય છે પબ્લિક solitude. Public Solitude એટલે કે જાહેરમાં પણ એકાંત.

થર્ડબેલ ગયો થોડી જ વારમાં નાટક શરૂ થવાનું હતું અને એક નવા એકટરની જેમ સેવકરામના / આતિશના પેટમાં Butterflies ઉડવા લાગ્યા. એક્ટર માટે આ Butterfly ઉડવા દરેક શૉ પહેલા જરૂરી હોય છે કારણ કે દરેક શૉ એ પ્રયોગ છે અને એટલે જ કદાચ નાટકને નાટ્યપ્રયોગ કહેવામાં આવે છે દર વખતે ઓડિયન્સ જુદું, દર વખતે તમારા નાટક નો પ્રયોગ જુદો, દર વખતે તમારી એક્ટિંગ જુદી હોય છે, જેમાં કોઈ જ ભુલને અવકાશ નથી હોતો. એક વખત પરદો ખુલ્યો પછી તમારા કંટ્રોલમાં કોઈ જ વસ્તુ નથી હોતી પછી.

નાટક જો સારું થાય તો ઓડિયન્સની દાદ મળે, તાલીઓ મળે અને જો ખરાબ થાય તો ઓડિયન્સની ગાળો મળે. તરત જ રિસ્પોન્સ મળે.

વિજય આવ્યો હતો ઓડિયન્સની ગાળો સાંભળવા જે સેવકરામને પડવાની હતી નાટક શરૂ થયું અને થોડી જ ક્ષણોમાં સેવકરામની એન્ટ્રી થઇ સેવકરામ એટલે કે આતિશ અને આતિશની જેમ સેવકરામે સ્ટેજ ઉપર આગ લગાડી દીધી. સ્ટેજ ઉપર એક એનર્જી ફરવા લાગી અને એનર્જીના કમાલમા લોકો ખેંચાવા લાગ્યા. લોકો Mesmerize થઈ ગયા હતા અને સ્ટેજ પરના કો-આર્ટિસ્ટ અવાક.

એમને તો ખબર જ નહોતી કે આતિશ શું છે અત્યાર સુધી જેમની પાસે લોકો ચા માગતા હતા, નાસ્તો માગતા હતા, પ્રોપર્ટી માગતા હતા, એ વ્યક્તિ એક superb એક્ટર હતી. નાટકના એન્ડ મા એક Soliloquy/ એકોક્તિ હતી, એટલે કે ૩ મિનિટ સુધી બોલવાનું માત્ર ને માત્ર આતિશે બોલવાનું.

એ ત્રણ મિનિટની Soliloquy પત્યા પછી આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. બધા આતિશની એક્ટીંગ જોઇ સ્તબ્ધ હતાં. ત્યાં જ એ સન્નાટાને ચીરતી એક તાલી આવી અને પછી આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો.

ત્રણ મિનિટની Soliloquy માટે પાંચ મીનીટ સુધી તાળીઓ વાગી. curtain પડ્યો. ફરી ખુલ્યો ને Curtain call થયો બધાની ઓળખાણ કરાવી પણ આતિશે પ્રતીકને ના પાડી હતી પોતાની ઓળખાણ કરાવવાની, એ જો થાત તો લોકોને ખબર પડી જાત કે આ વિજય નથી પણ આતિશ છે અને કદાચ બીજા શૉ ઓરગેનાઇઝર કેન્સલ કરી દે તો? પરંતુ છેલ્લે લોકોએ વિજય ના નામની બૂમો પાડી "વિજય...વિજય.... વિજય.... વિજય...."

ત્યાં જ એક વ્યક્તિ હોલમાંથી દાદરા ઉતરતી ઉતરતી સ્ટેજ ઉપર આવી અને પોતાની દાઢી મુછ કાઢી ત્યાંજ લોકોમાં ગણગણાટ થવા લાગ્યો કે જો આ વિજય છે તો પેલું કોણ હતું?

ત્યાં જ વિજય બોલ્યો "એ... એ... એ આતિશ છે.એ સેવકરામ છે. સેવકરામ ઉર્ફે આતિશ.

વિજયે કહ્યું આજે હું તમારા બધાની સામે સેવકરામ ઉર્ફે આતિશની માફી માંગુ છુ મેં એમને ઘણીવાર ઘણું બધું ન કહેવાનું કહ્યું છે બની શકે તો મને માફ કરી દેજો. પ્રતિક અને બીજા ઘણા લોકો મને ઘણીવાર પૂછતા મારુ આખું નામ શું છે? મારા પપ્પાનું નામ શું છે? ત્યારે હું કહેતો મારે ક્યાં પપ્પાનું નામ કહેવાની જરૂર છે મારું નામ જ કાફી છે વિજય મહેતા. પણ આજે હું જાહેરમાં કહું છું મારું આખું નામ છે વિજય આતિશ મહેતા. મેં એમને હમેશા બેકસ્ટજનુ કામ કરતાં, લોકોને ચા-નાસ્તો આપતાં ને કલાકારોના બુટ પોલિશ કરતાં જોયા હતા. બેકસ્ટજનુ કામ કરતાં બાપને કારણે મને શરમ આવતી પણ... આજે ગર્વથી કહું છું કે.....

"બાપ બાપ હોય છે. બેટો કદી બાપ નથી બની શકતો."

આતિશ આજે પૂરા જોશથી સ્ટેજ પર પ્રગટ્યો હતો. જેમ બૂઝાતા પહેલા દીવો વધું પ્રકાશ આપે એમ. ગ્રીનરૂમમાં એને લોહીની ઉલટી થઈ રહી હતી...

આતિશનો એ છેલ્લો શૉ હતો કર્મભૂમિ પર અને દુનિયાની રંગભૂમિ પર.........

- જીગર બુંદેલા
SWA Membership No:032928


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED