3 Short Story books and stories free download online pdf in Gujarati

3 Short Story

1
અનલકી-Unlucky

સાગર સરિતાના ડિવોર્સ થઈ ગયા એ વાતને કોઈ માનવા તૈયાર ન્હોતું. ઘણા બધાને આ વાત સાંભળીને આઘાત લાગ્યો હતો, કારણ કે સાગર અને સરિતા મેડ ફોર ઈચ અધર કપલ હતું. એમને જોઈને કોઈને પણ એમની ઈર્ષાં થાય એવું જોડું. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા અને એટલી જ એકબીજાની કેર પણ કરતા. એમનો પ્રેમ એટ્લે જાણે ચાસણી મા ઝબૉળેલા રસગુલ્લા, ચીઝી પિત્ઝા,ચટપટી પાણીપુરી. 

જ્યારે આ વાત બહાર આવી કે સાગર સરિતાના આજે ડિવોર્સ થઈ ગયા તો પછી કોણ માનવા તૈયાર થાય.આ વાત જ્યારે એમના દોસ્ત હિમાંશુને ખબર પડી ત્યારે એણે સૌથી પહેલા કેલેન્ડર જોયું કે આજે પહેલી એપ્રિલ તો નથીને. આ બન્ને લોકોને ફૂલ તો નથી બનાવતાને? કારણ કે બન્નેએ એકવાર 1st એપ્રિલે સાગરનાં બેસણાનાં સમાચાર છપાવી કોલેજના બધા જ ફ્રેન્ડ્સને પોતાના ઘરે બોલાવી ઍપ્રિલફૂલ બનાવ્યા હતાં.પણ નાં આજે 1st એપ્રિલ ન્હોતી.

હિમાંશુ કે જે સાગર અને સરિતાનાં પહેલા crush થી લઈ, અત્યાર સુધીના એમના પ્રેમની પળેપળનો સાક્ષી હતો. એણે તરત સાગર ને ફોન કર્યો. સરિતાને પણ અણે કહ્યું કે એ બંનેને મળવા માંગે છે. 

હિમાંશુ સાગરને મળવા ગયો અને સાગરે ડિવોર્સ માટે  જે રીઝન આપ્યું એ જાણીને હિમાંશુ ને ખૂબ જ ગુસ્સો આવ્યો. એને થયું કે સાગરને બે ધોલ મારી દે. આવા ક્ષુલ્લક કારણ માટે થઈને આ બંને જણાએ ડિવોર્સ લીધા? હિમાંશુ ને પણ એ માનવામાં નહોતું આવતું. હિમાંશુએ સાગરને કહ્યું  "સાગર તું ભણેલો-ગણેલો વેલ એજયુકેટેડ માણસ છે અને તું.... તું આ વાતમાં બીલીવ કરે છે? તારી પાસેથી આવી અપેક્ષા ન હતી અને સરિતા પાસેથી પણ નહીં. સરિતા પણ રાજી થઈ ગઈ? એ તું એને જ પૂછી લે, સાગરે કહ્યું .

હિમાંશુએ તરત બાઈકને કીક મારી ને પહોંચી ગયો સરિતાના ઘેર.

 સરિતા ના હાથમાં એક લેટર હતો. અપોઈન્ટમેન્ટ લેટર, અને એ પણ ઈયરલી સારા પેકેજ સાથે. સરિતા અસમંજસમાં હતી કે નોકરી સ્વીકારે કે ન સ્વીકારે ? હિમાંશુએ કહ્યું સ્વીકારી લે. આવી તક ફરી મળે ન મળે. હિમાંશુ જે સાગર સરિતાના ડિવોર્સની વાત કરવા આવ્યો હતો, એ વાત કરવાનું એણે માંડી વાળ્યું અને સરિતાને કોંગ્રેચ્યુલેશન્સ કહી બહાર નીકળી ગયો.

હિમાંશુ બાઈક પાસે આવ્યો અને એના ચહેરા પર એક કટાક્ષ ભર્યું સ્મિત આવી ગયું એ સ્મિત ની સાથે જ એને સાગરે ડિવોર્સ માટે જે કારણ આપ્યું હતું એ શબ્દો યાદ આવી ગયા. એ ક્ષુલ્લક કારણ કે  "જ્યારથી સરિતા મારી સાથે જોડાઈ છે, જ્યારથી એનું નસીબ મારી સાથે જોડાયું છે ત્યારથી મારું નસીબ પણ કામ કરતું અટકી ગયું છે એ મારા માટે unlucky છે Unlucky. હિમાંશુ એ વિચાર્યું કે UNLUCKY કોણ છે સાગર કે સરિતા?

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928


2
ઘૂમટૉમા આઝાદી

પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ભીડ હતી સિક્યુરિટી ગાર્ડ નો અવાજ આવ્યો 10:30 વાલા લાઇન લગાવે અને ત્યાં ઊભેલા લોકો રવિવારે ખાઉંગલીમાં જેમ ટેબલ ખાલી થાય ને દોડે એમ દોડીને લાઇન મા ઉભા રહેવા લાગ્યા.  કેટલાક લોકો સરકારી કામમાં વહેલા જઇ લાઇન મા ઉભા રહી જાય, તેમ આપોઈંટ્મેંન્ટ લીધી હોવાં છત્તા વહેલા આવી ગયા હતાં, અને જયરાજ તેમાનો જ એક હતો.જયરાજ ફોટોગ્રાફર હતો અને ક્ષણોને કેદ કરવા હંમેશા આવી જગ્યાએ વહેલો જતો.લોકો ના નેચરલ હાવભાવ કેમેરા મા કેદ કરવા તેને ગમતા. એ એનાં મોબાઇલ કેમેરા સાથે રમતો હતો ત્યાંજ પાર્કિંગ મા એક બ્લેક મર્સીંડીઝ એન્ટર થઈ. ઊભી રહી.ડ્રાયવર દોડીને આવ્યો ડિકી માંથી વ્હીલચેર કાઢી દરવાજા પાસે મુકી,દરવાજો ખુલ્યો અને એક 60 ની આસપાસનાં કાકાએ એમનું હાડપિંજર ઘૂમટો તાણેલી એક સ્ત્રીના સહારે વ્હીલચેરમા ગોઠવ્યું. એ ઘૂમટાવાળી સ્ત્રી એ સુકાયેલા થડ ની બહુ સંભાળ લેતી હતી.જયરાજ ને લાગ્યું કે એ એની દિકરી હશે.પણ પછી થયુ દિકરી હોય તો ઘૂમટૉ કેમ તાણે નક્કી એની પુત્રવધુ હશે.પણ જે રીતે એ સંભાળ લેતી હતી પુત્રવધુ પણ ન્હોતી લાગતી.એનો ચહેરો ન્હોતો દેખાતો પણ એનાં હોઠ એનાં હાથ અને ઘાટીલું શરીર એની તરફ જોવા આકર્ષતુ હતું. એમનો વારો આવવાને પણ વાર હતી.એ સ્ત્રી એ કાકા પાસે માથે છત્રી ધરીને ઊભી રહી.જયરાજ એમનાં રિલેશન ને નામ આપવાની કોશિષ કરી રહ્યો હતો ત્યાંજ પેલા હાડપિંજર ને પાણી પીવડાવતાં અને છત્રી સાચવતા ગ્લાસ એનાં હાથમાંથી પડી ગયો.એ ગ્લાસ લેવાં નીચે વળી ને પેલા બૂઢ્ઢાએ એને ગાળની સાથે લાત પણ આપી.અને પહેલીવાર એ ઘૂમટૉવાળી સ્ત્રીનો મધુર દર્દથી કણસતો અવાજ સંભળાયો "મારી ભુલ થઈ,સોરી".
એ અવાજ સાંભળતા જ જયરાજની આંખો મા ચમક આવી ને એનાં મોંમાંથી નીકળ્યું "ખુશાલી" ને પેલી ઘૂમટૉવાળી સ્ત્રી એ ઝટકાથી જયરાજ તરફ જોયું . જયરાજને વર્ષો પહેલા કૉલેજ કેન્ટીનમા સાંભળેલું વાક્ય યાદ આવી ગયુ " મારી ભુલ થઈ કે મે તારી સાથે દોસ્તી કરી તુ સૌરાષ્ટનાં નાના ગામડા માંથી આવે છે અને તારું કોઈ ફ્યુચર નથી.તારા જેવો ફટીચર મારા શોખ પૂરા નહીં કરી શકે મને મારી આઝાદી પ્યારી છે."
ત્યાંજ ગાર્ડે બુમ પાડી 11:00 વાલા લાઇન લગાવો.જયરાજનો ટાઈમ એ જ હતો એ જ, અને એટલે જ જયરાજે બીજીવાર એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું એનાં કાનમાં શબ્દો ગુંજી રહ્યાં હતાં " તારા જેવો ફટીચર મારા શોખ પૂરા નહીં કરી શકે.મને મારી આઝાદી પ્યારી છે". શોખ અને આઝાદીની કિંમત આજે બન્નેને સમજાઈ રહી હતી.જયરાજ નાં ચહેરા પર સ્મિત હતું ને ખુશાલી નાં ચહેરા પર? ઘૂમટૉ હતો જોઇ શકાયું નહીં.

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928

3
રેઇનકોટ

ભારે ઉકળાટ પછી આજે સવારથી વરસાદ પડી રહ્યો હતો. મેહુલને ઓફિસ જવાનું મોડું થતું હતું, એ વરસાદ બંધ થાય એની રાહ જોઈ રહ્યો હતો. મનુષ્યનો સ્વભાવ છે વરસાદ ન આવે ત્યારે કહેશે કે વરસાદ આવતો નથી અને જ્યારે આવે ત્યારે એવી રાહ જોશે કે વરસાદ બંધ થાય તો સારું. પણ વરસાદ ......વરસાદ પણ જાણે સરગમ વગાડતો હોય એમ ઘડીકમાં ફાસ્ટ તો ઘડીકમાં ધીમો થતો, તો ઘડીકમાં સાંબેલાધાર વરસતો, ને ઘડીકમાં ઝરમર ઝરમર. કંટાળીને મેહુલે પત્ની મૌસમને ઓર્ડર કર્યો મારો raincoat શોધી આપ, આ બંધ થાય એમ લાગતું નથી અને ગેલેરીમાં આવીને ઊભો રહ્યો. નીચે વરસાદનાં ભરાયેલા પાણીમાં બાજુમાં થતાં construction વર્કરનાં છોકરાઓ રમી રહ્યા હતા. એકબીજા પર પાણી ઉછાળતા, વરસાદનો આનંદ લેતા, ચિચિયારીઓ પાડતા. એક છોકરાએ ગીત ગાયું.." આવ રે વરસાદ... ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". વરસાદ થોડો ધીમો થયો તો એક છોકરાએ બૂમ પાડી, ' એ વરસાદ જોરથી આવ તો મારે સ્કૂલે ના જવું પડે. મારે તો નહાવુ છે. બધે પાણી પાણી થઇ જાય એવો આવ. પછી મારે તો છપ છપ કરવું છે એમ કરીને જોરથી તાળીઓ પાડવા માંડ્યો અને પાણીમાં કૂદયો. એના એ કૂદકાની છાલક જાણે મેહુલને પણ લાગી હોય એમ એને પોતાનું બાળપણ યાદ આવી ગયું. ભાઈબંધો સાથે વરસાદમાં નાગા થઈને નાહવાની કેવી મજા આવતી? કોચમણી રમતા અને પૈડાં ચલાવતા એ વરસાદના પાણીમાં. એ વરસાદનું પાણી જેને એ અત્યારે ગંદુ કહેતો, એમાં કોઈ પણ જાતની બીમારી ના ડર વગર છબ છબીયા કરવાની, એમાં સુવાની ને પગથી એકબીજા પર પાણી ઉડાડવાની કેવી મજા આવતી? એને યાદ આવ્યું પહેલો વરસાદ પડે અને ઘરમાં ગરમાગરમ ભજીયા ઉતરે એ ગરમાગરમ ભજીયા ખાવાની કેવી મજા આવતી? એટલામાં મૌસમ આવી ને મેહુલના એ વરસાદી દિવસો પર વાઈપર ફરી ગયું. એણે મેહુલને કહ્યું " મેહુલ raincoat ક્યાંક મુકાઈ ગયો છે મળતો નથી." મેહુલે કહ્યું "આ વરસાદ છે કે રોકાતો નથી." મૌસમે કહ્યું આજે રજા રાખે તો ના ચાલે કેટલું સરસ રોમેન્ટિક વાતાવરણ છે. મેહુલે કહ્યું શોધ એવો તો ક્યાં મુકાઈ ગયો છે? ઓફિસમાં મિટીંગ છે જવું પડશે. મૌસમનો મૂડ ઓફ થઈ ગયો ને જતી રહી ત્યાં જ રેડિયો પર ગીત વાગ્યું,
" હાય હાય યે મજબુરી યે મૌસમ ઔર યે દૂરી...તેરી દો ટકિયા કિ નૌકરી મે મેરા લાખો કા સાવન જાયે" મૌસમે મેહુલ તરફ જોયું. મેહુલે પોતાની લાગણીઓ છુપાવતા એને raincoat શોધવાનું કહ્યું.
ફરી બહાર રમતા છોકરાઓ તરફ નજર કરી તો એ છોકરાઓની સાથે સાથે એના મા-બાપ પણ હતા. પતિ-પત્ની બંને ભીંજાઈ રહયા હતા. એકબીજા પર પાણી ઉડાડીને મસ્તી કરી રહ્યા હતા. ડાન્સ કરી રહ્યા હતા. આદિવાસી હતાં ને. પ્રકૃતિને ખોળે ઉછરેલા એટલે પ્રકૃતિને માણવાની મજા લેતા હતા. ત્યાં જ કોન્ટ્રાક્ટરે બૂમ પાડી, અરે શહેરા કામ નથી કરવાનું? શહેરાએ કહ્યું સાહેબ વૈતરું તો આખી જિંદગી કરવાનું જ છે. આવો વરસાદ પછી ની મળે તમેય પલળી જાવ... આ તો સ્વર્ગમાંથી વરસતું અમી છે. કાચું સોનું છે. તનનાં અને મનનાં બધાં રોગ દૂર કરી દે એવું. આ તો ભગવાને ચાલુ કરેલો ફુવારો છે સાહેબ, રોજ તો બાથરૂમમાં ફુવારા માં નાવ છો, ક્યારેક આ ફુવારામાં પણ નાહવાની મજા લઇ જુઓ. વૈતરું તો જિંદગીભર લખાયેલું જ છે. મેહુલને whatsapp પર આવેલું એક વાકય યાદ આવી ગયું. "વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી કેવળ માણી શકાય છે." ત્યાં જ એને યાદ આવ્યું કે આજે ઓફિસમાં મિટીંગ છે એટલે ઓફિસ તો જવું જ પડશે.
મેહુલે જોરથી બૂમ પાડી મૌસમ....મૌસમ.... મેહુલનાં અવાજમાં ગુસ્સો હતો. મેહુલે કહ્યું "નથી જોઇતી છત્રી કે રેઈનકોટ. હું જાઉં છું." મૌસમે કહ્યું " અરે પણ પલળતો ક્યાં જઈશ શરદી થઇ જશે." એટલું કહીને મૌસમ બહાર આવી તો મેહુલે કહ્યું પલળતો જઈશ ને તને લઈને જઈશ. ચાલ....ચાલ આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. મૌસમે કહ્યું "તારી મીટીંગ છે ને?" મેહુલે કહ્યું " મીટીંગની નહીં મેટીંગની સીઝન છે." બંને જણા લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા. લોંગ ડ્રાઈવ પરથી પાછા આવ્યા ત્યારે વૈષ્ણોદેવી પાસે ગરમાગરમ મકાઇ ખાઈને બંને આ વરસાદનાં ઠંડા વાતાવરણમાં ગરમ થઇ ગયા હતા. ઘરે આવ્યા અને મેહુલે મૌસમને ઊંચકી લીધી. રેડિયો ઑન કર્યો ને રેડિયો પર ગીત વાગ્યું "આજ રપટ જાયેં તો હમે ના ઉઠઇયો... હમે જો ઉઠઇયો તો ખુદ ભી ફિસલ જઈયો, આજ રપટ જાયેં તો હમે નાં ઉઠઇયો..... " બેડરૂમ નો દરવાજો બંધ થઈ ગયો. અંદર અને બહાર મેહુલિયો પુર બહારમાં વરસી રહ્યો હતો.

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED